Archive for September, 2007

માણસની પઝલ

                   આજે ભાદરવા સુદ બીજ

આજનો સુવિચાર:- પથ્થરપણું વચમાં લાવ્યા વગર મૂર્તિને પ્રણામ કરીએ તેને દર્શન કહેવાય.

હેલ્થ ટીપ્સ:- ગુલાબના રસનાં ટીપાં નાકમાં પાડવાથી ગરમીનો અને માથાનો દુઃખાવો મટે છે.

માણસની પઝલ

[ સંબંધના સમીકરણની કવિતા ]

તું
  +
  યાદ= આંસુ તો અબ્ધિ
  +
  ભરતી=આજ

ગઈકાલ= સંબંધોનું ખંડેર
  +
  કુંવારા અરમાનો
  _

આપણે=ફાફડાથોર

x

ઝાંઝવા = પીગળતું રણ

અને

આંસુનો અબ્ધિ + સંબંધોનું ખંડેર + પીગળતું રણ =

હું + હું + હું ?

                          —- અનિલ રાવળ

                                ૐ નમઃ શિવાય


5 comments September 13, 2007

પ્રદક્ષિણા

આજે ભાદરવા સુદ એકમ [મહાવીર જયંતી] [રામ દે પીરની નવરાત્રી આરંભ]

આજનો સુવિચાર:- કામના દબાણને લોહીના દબાણ સાથે જબરી દોસ્તી છે.

હેલ્થ ટીપ્સ:- થાકેલી આંખોમાં એક ટીપું શુદ્ધ મધ નાંખવાથી આંખોનો થાક ઊતરી જાય છે.

                                      પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું…
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.

પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક થઈ જાઉં છું
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવી દોડું છું
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું
મંદિરના લીસા આરસપહાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જાઉં છું
હું પણ એક પથ્થર બની જાઉં છું, નવા જન્મમાં.

મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

                                         -મનીષા જોષી
 

                                      ૐ નમઃ શિવાય  
 
 


10 comments September 12, 2007

શિવ

                            આજે શ્રાવણ વદ અમાસ

આજનો સુવિચાર:- દાન આપતી વખતે હાથમાં શું છે એ નહિ પણ દિલમાં શું છે એ જોવાનું રાખો.

હેલ્થ ટીપ્સ:- જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે.

                                         શિવ


| View Show | Create Your Own

આજે શ્રાવણનો અંતિમ દિવસ છે તો થોડી શિવ કથા, શિવ પરિવાર તેમજ શિવ વિષે જાણી લઈએ.

     પુરાણગ્રંથોમાં ‘શિવકથા’નું સૌથી પ્રાચીનરૂપ ‘વરાહગ્રંથ’માં જોવામાં આવે છે. આ કથાઓ મુજબ ‘દક્ષયજ્ઞ-વિધ્વંસ’ની કથામાં આર્યોની ‘શિવ’ વિષયક તિરસ્કારની ભાવના મોટેભાગે જોવા મળે છે. અહીં ‘શિવ’ પ્રત્યે હીન બુદ્ધિ સેવનારા ‘દક્ષ’ અપરાધી ઠર્યા. આ કથા મુજબ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં શિવજીને યજ્ઞભાગ ન મળતા દક્ષપુત્રી તેમજ શિવ પત્ની ‘સતી’ એ કરેલા દેહત્યાગથી ‘શિવ’ ક્રોધાયમાન થયા અને રોમકૂપોમાંથી અનેક ‘રુદ્ર’ ઉત્પન્ન થયાં. અને ‘શિવજી’ ‘રુદ્ર’ તરીકે ઓળખાયા. આ બધુ જોઈ ‘દક્ષ’ વિનમ્ર ભાવે આગળ આવી ‘શિવ’ને માન્યતા આપી અને ‘શિવ’ના પરમ ભક્ત બની ગયા.

            સમુદ્રમંથન દ્વારા ઉત્પન્ન થયેલું હળાહળ વિષને અપનાવવા કોઈ દેવ તૈયાર ન થયા ત્યારે ‘કૈલાસપર્વત’ પર સ્થિત ‘શિવજી’ને પ્રસન્ન કરાયા. ભોળાશંભુ જગકલ્યાણના હેતુથી આ હળાહળ વિષનું પાન કરી કંઠે થીજવી દીધુ. આ વિષનાં પ્રભાવથી તેમનો કંઠ નીલ રંગનો થઈ ગયો અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા. આ કથામાંથી એ બોધ લેવા જેવો છે કે ‘ડાહ્યા માણસે કોઈની ગુપ્ત વાતો ન તો કોઈને કહેવી કે ન તો પેટમાં ઉતારવી. ગુપ્ત વાતોને અતિ ગુપ્ત રાખવી જેથી તેને કહેનારનું તેમજ અન્યનું અમંગળ ન થાય.

           સતીના દેહ ત્યાગ બાદ ‘શિવજી’નો વિવાહ પર્વતરાજની પુત્રી ‘પાર્વતી’ સાથે થયો. પરંતુ સમાધિગ્રસ્ત ‘શિવજી’ને પાર્વતીજી પ્રત્યે મન વળતું ન હતું. તારકાસુરના ઉપદ્રવને નાશ કરવા શિવ પુત્રના જન્મની આવશ્યકતા ઊભી થઈ. દેવતાઓના કહેવાથી ‘કામદેવ’ દ્વારા ‘શિવજી’નો તપોભંગ કરવામાં આવ્યો.. પોતાનામાં ઉત્પન્ન થયેલી વિષય ભાવનાથી ચિંતીત ‘શિવજી’ વસ્તુસ્થિતી સમજાઈ અને તેમનું ત્રીજું નેત્ર ખુલતાં ‘કામદેવ’ ભસ્મીભૂત થયો. આ પછી ‘શિવ’ને તપસ્યા કરતા ‘પાર્વતીજી’ દેખાયા અને ‘પાર્વતીજી’એ કામદેવ- મદનને ફરીથી જીવતો કરવાની વિનંતી કરી અને સ્થૂળરૂપે નહીં પણ સૂક્ષ્મરૂપે કામદેવ જીવીત થયો અને ‘અનંગ કહેવાયો..

      સર્વશ્રેષ્ઠતાનાં પ્રશ્ને બ્રહ્માજી અને શ્રીવિષ્ણુ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. તે વખતે ‘શિવજી’ ત્યાં એક મોટા લિંગાકાર અગ્નિસ્તંભરૂપે પ્રગટ થયા અને જણાવ્યું કે જે આ લિંગનું મૂળ અને ઊંચાઈ જે શોધી લાવશે તે ’શ્રેષ્ઠ’ બનશે. આ સાંભળી બ્રહ્માજી ઊંચાઈ શોધવા ઉર્ધ્વલોક નીકળ્યા અને વિષ્ણુ એ લિંગનું મૂળ શોધવા નીકળી પડ્યાં પણ બંને અસફળ રહ્યા. ત્યારબાદ બંનેએ ‘શિવજી’ને સર્વશ્રેષ્ઠ સ્વીકાર્યા. આ દિવ્યલિંગ પર ૐ નું ઝગારા મારતુ મારતું જોઈ તેને દિવ્યલિંગનું વિશ્વબીજરૂપે સ્વાગત કરાયું.

       ભારતની ભૂમિમાં 12 દિવ્યજ્યોતિર્લિંગ વિશેષ પ્રકારે પ્રગટ થયેલા ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ રૂપે ઓળખાય છે.

[1] સોમનાથ (સૌરાષ્ટ્ર] [2] મલ્લિકાર્જુન (શ્રીશૈલમ) [3] મહાકાલ (ઉજ્જૈન) [4] અમલેશ્વર (ઓંકારમાં) [5] કેદારનાથ (હિમાલય) [6] ભીમાશંકર (ડાકિની ક્ષેત્ર) [7] વિશ્વનાથ (વારાણસી-કાશી) [8] ત્ર્યંબકેશ્વર (નાશિક) [9] વૈદ્યનાથ (બિહાર) [10] નાગેશ (દારુકાવન) [11] રામેશ્વર (સેતુબંધ) [12] ધુશ્મેશ્વર (મહારાષ્ટ્ર).

પુરાણોમાં શિવ પરિવારમાં [1] શિવ [2] પાર્વતી [3] ગણેશ [4] સ્કંદ (કાર્તિકેય) [5] નંદી ની ગણના થાય છે.

[1] ‘શિવ’ નિર્ગુણ નિરાકાર હોવા છતાં સગુણ સાકાર છે. અનંત અનાદિ મહાદેવ ભક્તિ વડે સાકાર છે જ્યારે જ્ઞાન વડે તેઓ નિરાકાર છે.

[2] પાર્વતી મહાદેવી, આદ્યાશક્તિ, જગન્માતા તરીકે ઓળખાયા છે. ‘શિવ’માં ‘શક્તિ’નો વાસ છે અને ‘શક્તિ’માં ‘શિવ’નો વાસ છે.

[3] ગણેશને પ્રણવરૂપા, રૂદ્રરૂપા, શિવસુતા, લંબોદર [સર્વવ્યાપી] , એકદૃંષ્ટી (સર્વશક્તિમાન) તરીકે ઓળખાયા છે.

[4] સ્કંદ તે કાર્તિકેયના નામે ઓળખાય છે. દેવસેનાના સેનાપતિ છે. તારકાસુરનો વધ કરી દેવોને ભયમુક્ત કર્યાં હતાં.

[5] નંદી, શિવનું વાહન છે.

‘શિવ’નાં આયુધોમાં

[1] ત્રિશુળ એ ઈચ્છા, જ્ઞાન, ક્રિયાનું પ્રતિક ગણાય છે.

[2] ડમરૂ એ શબ્દબ્રહ્મનું પ્રતિક ગણાય છે.

[3] મૃગ એ ચાર વેદોનું પ્રતીક છે.

[4] પરશુ એ જ્ઞાનનું પ્રતીક છે જેના વડે અજ્ઞાનનો વિધ્વંસ થાય છે.

‘શિવ’નાં પાંચમુખો
[1] તત્પુરુષ [2] અઘોર [3] સદ્યોજાત [4] વામદેવ [5] ઈશાન

શિવના 10 અવતાર કહ્યાં છે અને 11 રુદ્ર કહ્યા છે.

                              ૐ નમઃ શિવાય


4 comments September 11, 2007

પર્વાધિરાજ પર્યુષણ

                           આજે શ્રાવણ વદ બારસ [પર્યુષણનો પ્રારંભ]

આજનો સુવિચાર:- સંપત્તિ કોઈને ખરીદી શકે છે, સત્ત દમી શકે છે. પરંતુ પ્રેમ જ સામાના દિલને જીતી શકે છે. પ્રેમ સમું બીજુ કોઈ બળ નથી.

હેલ્થ ટીપ્સ:- નવી માન્યતા મુજબ ભોજન સાથે લીધેલા ડૅરી પ્રોડક્ટમાંના કેલ્શિયમથી કિડનીમાં થતા સ્ટોન અટકે છે.

                                              પર્વાધિરાજ પર્યુષણ


| View Show | Create Your Own

         જૈન બાંધવોનો અત્યંત લોકપ્રિય તેમજ પવિત્ર પર્વ એટલે પર્યુષણ. આજથી એટલે કે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી એક અઠવાડિયુ જૈન સમાજ પર્યુષણને મહાપર્વ તરીકે ઉજવશે. આ સમાજ આ પર્વને કેવળ ઉજવશે નહીં પરંતુ ઉપાસના જ કરશે. ગરીબ તવંગર સૌ કોઈ આ પર્વના રાજાને ધર્મનિષ્ઠથી અને હૃદયપૂર્વક ઉજવે છે.

     પર્યુષણ એટલે મનનું પ્રદુષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનો પર્વ. જીતે તે જિન અને જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે, અહમનો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા અલગ છે. દેહ સાધન છે અને આત્મા સાધ્ય છે. આ સાધ્યનો રાહ તપ, ત્યાગ, અહિંસા અને સંયમથી ભરેલો છે. સાગર તરવા જેમ નાવ સાધન છે. જેમ સાગર પાર કરી નાવને સાથે રાખતું નથી તેમ સંસાર સાગર તરવા દેહ રૂપી નાવ છે. દેહને વળગી આત્માનું અસ્તિત્વ ભૂલી જવું એ જીવનદ્રોહ છે. આ વિચાર ફેલાવવા દેહને સાચવવો જરૂરી છે પરંતુ તેની આળ પંપાળ એ ધર્મદ્રોહ છે. આ આત્માને ઓળખવા મનુષ્યે અભય, અહિંસા અને પ્રેમ જીવનમાં કેળવા પડશે. દરેક સ્થળે ત્રાહિમામ પોકારાઈ રહી છે તો એમાંથી છૂટકારાનો ઉપાય આત્માની ખોજ છે. પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો પ્રયત્ન કરવો એ દરેક જૈનનો ધર્મ છે. નિર્મળતા વિના આત્મા સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી. —- કુમારપાળ દેસાઈ

આ પર્વાધિરાજ પર્યુષણનો મર્મ છે.

નવકાર મંત્ર

અંગૂઠે અમૃત વસે
લબ્ધી તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સમરિયે
વાંછિત ફલ દાતાર

નમો અરિહંતાણમ નમો નમો
નમો સિદ્ધાણં નમો નમો
નમો આયરિયાણં નમો નમો
નમો ઉવજ્ઝાયાણં નમો નમો
નમો લોએ સવ્વ્સાહૂણં
નમો અરિહંતાણં નમો નમો

એસો પંચ નમુક્કારો,
સવ્વ પાવ પ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢં હવઈ મંગલં

નમો અરિહંતાણં નમો નમો

                              જય     જિનેંદ્ર


5 comments September 8, 2007

બાબુલનાથ

                                  આજે શ્રાવણ વદ એકાદશી

આજનો સુવિચાર:- પર્વો અને તહેવારો માનવસમાજના સામૂહિક હર્ષોલ્લાસનું પ્રતિક છે તથા માનસિક શક્તિ વધારે છે. તહેવારો દ્વારા જ મનોયોગ થાય છે. સમાજના તમામ સ્તરોમાં પર્વ અને તહેવારો આદિકાળથી પ્રવર્તમાન છે.

હેલ્થ ટીપ્સ:- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

                                       બાબુલનાથ


| View Show | Create Your Own

             મુંબઈમાં ઘણા મંદિરો છે. તેમાં ‘બાબુલનાથ’નુ મંદિર જગ પ્રખ્યાત છે. મુંબઈ આવતાં સહેલાણીઓ આ મંદિરની મુલાકાત અચૂક લેતાં હોય છે. ફિલ્મી જગતનો પ્રખ્યાત અમિતાભ બચ્ચન તેના પુત્ર અભિષેક સાથે અવારનવાર દર્શનાર્થે આવતો હોય છે.

     તળ મુંબઈનાં મલબાર હિલ વિસ્તારમાં સ્થિત બાબુલનાથનું મંદિર સમુદ્રથી લગભગ 1000 ફૂટની ઊંચાઈ એ આવેલું છે. લગભગ 121 પગથિયા ચઢવાનાં હોય છે. હવે તો લિફ્ટની સગવડ પણ ઊભી કરાઈ છે. દરવર્ષે લગભગ 1 લાખ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે ખૂબ ભીડ રહેતી હોય છે અને ભક્તોની લાંબી કતાર લાગતી હોય છે. મહાશિવરાત્રીના દિવસે તો ભક્તો રાતભર લાઈનમાં બેસી રહેતા હોય છે. સવારનાં 2.30થી દર્શનાર્થીની કતાર ચાલુ થઈ જાય છે.

     આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે અને પાંડુરંગ નામના સોનીનું હતું. તેના ગાયોનાં ધણને ‘બાબુલ’ નામનો ભરવાડ ધ્યાન રાખતો હતો. એક વખત કપિલા નામની ગાયે દૂધ આપવું અચાનક બંધ કર્યું. તપાસ કરતાં જણાયું કે કપિલા ગાય પોતાનું બધું દૂધ એક મોટા શિવલિંગ ઊપર વહાવતી હતી. ત્યારબાદ ત્યાં મંદિર બંધાવાયું અને ‘બાબુલ’ ભરવાડનાં નામ પરથી આ મંદિરનું નામ ‘બાબુલનાથ’ આપવામાં આવ્યું હતું. ઈ.સ. 1780માં આ મંદિર બાંધવામાં આવ્યું હતું. અને ઈ.સ. 1900માં તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.

       અહીં ભગવાન આશુતોષનાં દર્શન કરવાથી તેમજ આરતીનાં ઘંટારવ મનને શાંતી અર્પે છે. આ ‘આશુતોષ’ એટલે જલ્દીથી પ્રસન્ન થનાર અને ખરેખર ભોલાનાથ જલ્દીથી પ્રસન્ન થાય છે. અહીં શ્રાવણ માસે ઘીની પૂજા કરવામાં આવે છે. એવું નથી કે ફક્ત શ્રાવણ મહિને ભક્તોની ભીડ રહે છે પરંતુ વર્ષના દરેક સોમવારે ભક્તોની ભીડ રહે છે. અને પ્રેમથી ભક્તો ‘બાબુલનાથ ટેકરી વાલેકી જય’નો નાદ કરતા હોય છે. ભક્તો અઠવાડિયા દરમિયાન કોઈ પણ દિવસે દરેક પગથિયે પાન પર ઘીનો દીવો પ્રગટાવી પોતાની માનતા પણ પૂરી કરતાં હોય છે.

            શિવમંદિર ઉપરાંત અહીં લક્ષ્મીનારાયણનું મંદિર, કાશી વિશ્વનાથનું મંદિર, વિરાટ સ્વરૂપ શ્રીકૃષ્ણનું મંદિર તથા શ્રી હનુમાનજીનું મંદિર પણ સ્થિત છે. મંદિરના ચઢાણ પાસે શ્રી દ્વારિકાધીશનું મંદિર આવેલું છે.

મુંબઈ આવો તો જરૂરથી શ્રી બાબુલનાથજીનાં દર્શનાર્થે પધારશો.

“ૐ સાંબ સદાશિવાય નમઃ
  ૐ શિતિકંઠાય નમઃ”

                                             ૐ નમઃ શિવાય


11 comments September 7, 2007

શ્રીકૃષ્ણ, એક પ્રદૂષક નિવારણ અને પર્યાવરણ સખા

                     આજે  શ્રાવણ વદ દસમ 

આજનો સુવિચાર:- અંધકાર એટલે પ્રકશનો અભાવ. એક નાનકડો દીપ પ્રગટાવવાથી ચોમેર ઉજાસ પથરાય છે. આપણે ભલે સૂર્ય ન થઈ શકીએ, પરંતુ દીવો તો થઈ શકીએ અને આસપાસ જ્ઞાનનો ઉજાસ પાથરી શકીએ છીએ.    

હેલ્થ ટીપ્સ:- બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.          

                           શ્રીકૃષ્ણ એક પ્રદૂષક નિવારણ અને પર્યાવરણ સખા 

      

 ઈશ્વરે માનવ કલ્યાણ માટે ઘણા અવતાર લીધા હતાં તેમાં પણ કૃષ્ણનાં સંમોહક વ્યક્તિત્વે સમગ્ર ભારતનું ચિત્ર બદલી નાખ્યું હતું. આ બધા અવતારમાં કૃષ્ણાવતાર સૌથી રોમાંચક અને ક્રાંતિકારી અવતાર ગણાય છે.

     ભગવાન શ્રીકૃષ્ણના બાળપણથી નિર્વાણ સુધીનાં અનેક પ્રસંગો કે જેની પાછળનાં છુપાયેલા હાર્દને બહુ ઓછા ભક્તો કળી શક્યા હતાં જેમ કે તેમની બાળલીલાઓનું જો સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો તેની પાછળનો ઉમદા હેતુ ચોક્કસ જણાશે.    નંદ યશોદાના ઘરમાં ઉછરતા વસુદેવ દેવકીના સંતાન કૃષ્ણ અધર્મ, અન્યાય અને અસંતુલિત પ્રકૃતિનો અંત આણવા જનમ્યા હતા.

      બાળપણમાં ગોવાળિયા સાથે યમુના નદીને કિનારે રમતાં રમતાં દડો યમુનામા પડી જતાં તેમણે તેમાં કૂદકો મારી કાળિયા નાગ સાથે યુદ્ધ કરી દડો લાવ્યાં હતા. આ કથા તો પ્રચલિત છે પણ તેની પાછળનો મુખ્ય હેતુ સમજવા જેવો છે. હકીકતમાં કાળિયા નાગે યમુના નદીને રહેઠાણ બનાવ્યું હતું અને તેનુ પાણી ઝેરી બનાવી દીધું હતું. તે ઝેરનો પ્રભાવ આસપાસનાં વૃક્ષો પર પણ પડતો હતો.. માત્ર કદંબનું ઝાડ આ પ્રભાવથી બચ્યું હતું. તેનાં પરથી કૃષ્ણે યમુના નદીમાં ભૂસકો મારી આ કાલિ નાગને વશમાં કરી યમુના નદી છોડી દેવા મજબૂર કર્યો હતો. આમ યમુના નદી વિષમુક્ત થઈ, ગોપગોપી, ગાયો અને વનસ્પતિઓનું રક્ષણ કરી વ્રજભૂમિનો ઉદ્ધાર કર્યો.    

      આ રીતે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીમાં ઊચકીને વ્રજવાસીઓને, પશુ પંખીને અનરાધાર વર્ષાથી બચાવ્યાં. એનો અર્થઘટન કરતાં એમ સમજાય છે કે અનરાધાર વર્ષામાં સ્થળાંતર કરવું યોગ્ય છે. ત્યારબાદ યમુનાની આસપાસના વનને દાવાનલાસુર નામના રાક્ષસથી બચાવે છે અર્થાત જ્યારે વનમાં દાવાનળ ફૂંકાયો ત્યારે તેમણે યમુના જળથી દાવાનળ બુઝાવ્યો અર્થાત દાવાનલાસુર્નો નાશ કર્યો. અહીં તેમની વનરક્ષણનીતિ જણાય છે.    

         કૃષ્ણના મામા કંસે વ્યોમાસુર નામના રાક્ષસને કૃષ્ણ તથા ગોવાળિયાઓને હેરાન કરવા મોકલ્યો હતો. આ વ્યોમાસુર એટલે વાયુને પ્રદુષિત કરતો જીવ. શ્રીકૃષ્ણે તેનો નાશ કર્યો અર્થાત વ્રજભૂમિને વાયુ પ્રદુષણથી મુક્ત કરી હતી.       

     ભારતીય સંસ્કૃતિમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એનો શ્રેય શ્રીકૃષ્ણને જ જાય છે. તેમણે ગાયની પૂજા કરી અને તેનું રક્ષણ કર્યું. વિશ્વમાતા તરીકે ઓળખાતી ગાયનું આજનાં જમાનામાં એટલું જ મહત્વ છે કારણ કે ગૌદૂધ જનસ્વાસ્થ્યનો આધાર છે. ગૌમૂત્રમાંથી અનેક ઔષધિઓ બને છે. ગોબર ગેસ બળતણ તરીકે ઉપયોગી છે. નવી શોધખોળ મુજબ તો ગોબરથી લીપેલાં ઘર પર વીજળી અસર કરતી નથી. એમાં પરમાણુબોમ્બના રેડિયો એક્ટિવ કણોનો નાશ કરવાની ક્ષમતા છે.          

આમ શ્રીકૃષ્ણ પ્રદૂષણ નિવારક અને પર્યાવરણ સખા હતા.                                     

                             

                                 ૐ નમઃ શિવાય


3 comments September 6, 2007

વાનગીઓની મિજલસ

                         આજે શ્રાવણ વદ નોમ

આજનો સુવિચાર:- આત્મ જાગૃતિનો વિચાર માણસને ઈશ્વારભિમુખ બનાવે છે.

હેલ્થ ટીપ્સ:- પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે.

[મુંબઈ સ્થિત સર્વાંગીબેન કડકિઆએ આ વાનગી લખી મોકલી તે બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                                       ખાસ્તા કચોરી

 

મસાલાની સામગ્રી:-

1] 1 વાડકી (નાની) ચણાનો લોટ

2] 1 ચમચો તેલ

3] 1 નાની ચમચી ગરમ મસાલો

4] 1 નાની વાડકી મરચુ

5] 1 નાની ચમચી આમચુર પાઉડર

6] પાઉડર કરેલા 20 ગ્રામ વરીયાળી અને 20 ગ્રામ આખા ધાણા

7] સ્વાદાનુસાર મીઠું

પૂરીની સામગ્રી:-

1] 1 વાડકો મેંદો

2] 1 મોટો ચમચો ગરમ ઘી

3] સ્વાદનુસાર મીઠું

4] તળવા માટે તેલ

શણગારવાની સામગ્રી:-

1] બાફેલાં લાલ ચણા અને ફણગાવેલાં મગ

2] તીખી, મીઠી ચટણી

3] ચાટ મસાલો

4] દહીં

5] ઝીણી સેવ

રીત:-
     તેલ ગરમ કરી તેમાં ચણાનો લોટ જીરુ નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવો. શેકેલો લોટ ઠંડો પડે તેમાં વરિયાળી અને ધાણાનો પાઉડર, મરચું, ગરમ મસાલો, આમચુર પાઉડર અને મીઠું ઉમેરવા.

       પૂરી બનાવવા માટે ઉપરોક્ત પૂરીની સામગ્રી ભેગી કરી પૂરીનો લોટ બાંધવો. પૂરી વણી તેમાં કચોરીની જેમ તેમાં ચણાના લોટનો મસાલો ભરવો. અને ફરીથી તેની પૂરી વણવી. આ વણેલી પૂરીને ધીમા તાપે તળવી.

      આ ખાસ્તા કચોરી પીરસ્તી વખતે તેમાં કાણું પાડવું. ત્યાર બાદ તેમાં બાફેલાં મગ અને ચણા ભરવા. તેની ઊપર તીખી મીઠી ચટણી મૂકવી. ત્યાર બાદ તેની ઊપર દહીં મૂકી ચાટ મસાલો ભભરાવો અને છેલ્લે સેવ મૂકી કોથમીર ભભરાવવી [ઈચ્છા મુજબ]

સ્ટફ દહીંવડા

 

સામગ્રી:-

1] એક વાડકી અડદની દાળ

2] 1 મોટું બાફેલું બટાટું

3] દહીં

4] તીખી, મીઠી ચટણી

5] સ્વાદાનુસાર મીઠું, મરચું અને શેકેલું પાઉડર કરેલું જીરું

6] વાટેલાં લીલા મરચાં

7] તળવા માટે તેલ

8] ઝીણી સેવ

9] કોથમીર [ઈચ્છા મુજબ]

રીત:-

       અડદની દાળને 6 કલાક પલાડી રાખવી ત્યાર બાદ તેમાં મીઠું નાખી મિક્શ્ચરમાં વાટી લેવી. બાફેલા બટાટામાં સ્વાદાનુસાર મીઠું અને વાટેલાં લીલા મરચાની પેસ્ટ ઉમેરી તેનાં નાના નાના ગોળા વાળી તેને વાટેલી અડદની દાળમાં બોળી ગરમ તેલમાં તળવા. દાળનું ખીરુ કઠણ રાખવું નહીં તો વડા તળતાં ફાટી જશે.

      તળાયેલા વડાને પલાડવાની જરૂરત નથી. તેને દહીંમાં મૂકી તેની ઉપર મીઠી ચટણી મૂકવી. તેની ઉપર સ્વાદાનુસાર મીઠું, મરચું અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવવો. ત્યારબાદ તીખી ચટણી મૂકવી અને તેઉપર ઝીણી સેવ ભભરાવી. કોથમીરથી સજાવો.

                                            ૐ નમઃ શિવાય


1 comment September 5, 2007

દહીં હાંડી ઉત્સવ

           આજે શ્રાવણ વદ આઠમ [જન્માષ્ટમી - કૃષ્ણ જન્મ]

આજનો સુવિચાર:- દૈવી અમૃત-રસ છોડી દઈને મોટા મોટા મુનિઓ મારૂં ચરણામૃત શું કામ પીએ છે? એમ વિચારીને પોતાના ચરણ – કમળ નો સ્વાદ ચાખવાને ઉત્સુક એવા બાલ- ગોપાલ કૃષ્ણ તમારું કલ્યાણ કરો !

હેલ્થ ટીપ્સ:- બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.

                           જન્માષ્ટમી

દહીં હાંડી ઉત્સવ જોવા અહીં ક્લિક કરો.

મારા બિલ્ડિંગની નીચે આ મટકી ફૂટતી હતી ત્યારે આ વિડિયો ઉતાર્યો હતો.

    ભગવાન શ્રી વિષ્ણુના આઠમા અવતાર લોકનાયક શ્રીકૃષ્ણનો જન્મ આજે શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ માતા દેવકીની કૂખે કંસના કારાગૃહમાં થયો. કંસના કારાગૃહમાં જન્મ થયો અને ગોકુળમાં ગોપ ગોપીઓની સાથેગોવાળનું કાર્ય કરી મુરલીધર અને રાધાકૃષ્ણ નામ પ્રાપ્ત થયું.

      કૃષ્ણલીલામાં કનૈયો માખણચોર તરીકે પ્રખ્યાત થયો હતો. આ માખણ ચોરવા પાછળ એમનો એ હેતુ હતો કે ગોકુળનો કોઈ પણ બાળક માખણથી વંચિત ન રહે.

           મુંબઈમાં આ ઉત્સવને ‘દહીંહાંડી ઉત્સવ’ તરીકે ઓળખાય છે. લગભગ દરેક ગલી ગલીએ દહીંની માટલી બાંધવામાં આવે છે. આ માટલીઓ લગભગ 30 હી 35 ફૂટની ઊંચાઈએ બાંધવામાં આવે છે. આ માટલીમાં હળદર મિશ્રિત દહીં ભરવામાં આવે છે.અને તેમાં ઈનામની રકમ પણ મૂકવામાં આવે છે. માટલી ફોડતી વ્યક્તિઓને ગોવિંદા કહે છે. આ ગોવિંદાઓ મોટી વયથી માંડીને આઠથી દસ વર્ષનાં પણ હોય છે. આઠ થી દસ હૃષ્ઠ-પૃષ્ઠ મજબૂત જુવાનિયા નીચે એકબીજાને વળગીને ઊભારહે છે. તેમની ઊપર પાંચથી છ જુવાનિયા ચઢીને એવી જ રીતે ઊભાર હે છે. આમ ત્રીજી રૉ બનાવી માનવી પિરામિડ બનાવે છે. અંતે સૌથી ઉપર એક નાના આઠ થી દસ વર્ષનું બાળક ચઢીને આ માટલી ફોડે છે અને અંદર મૂકેલી ઈનામની રકમ લઈ નીચે ઊતરે છે. જેમ જેમ આ માટલીની ઊંચાઈ વધારે તેમ તેમ એના ઈનામની રકમ વધારે. સાથે સાથે આ ગોવિંદાનું જોખમ પણ વધી જાય છે.

      ગોવિંદા જેમ જેમ પિરામિડ બનાવતાં જાય તેમ તેમ આજુબાજુનાં વાતાવરણમા ઉત્સાહ વધતો જાય છે ઢોલ નગારાનો અવાજ વધતો જાય છે. આજુબાજુનાં રહેવાસીઓ બાલદી ભરી ભરીને પાણી તેમજ ફુગ્ગામાં પાણી ભરીને આ ગોવિદા પર નાખતાં જાય છે. આ ગોવિંદા મહિલાઓ પણ પાછળ નથી. ખૂબ મ્હાલવા જેવો છે આ ઉત્સવ. આ વર્ષે મંબઈનાં થાણા જિલ્લામાં લગભગ 48 ફૂટની ઊંચાઈએ આવી મટકી બાંધવામાં આવી છે અને તેની ઈનામી રકમ 11 લાખની છે.

                           જૈ    શ્રીકૃષ્ણ


8 comments September 4, 2007

એક ગઝલ કક્કાની

                        આજે શ્રાવણ વદ સાતમ [શીતળા સાતમ]

આજનો સુવિચાર:- વીંધાઈગયેલા હૈયામાંથી ઉતરી આવેલ દર્દનાં ગાતા ઝરણાં એટલે ગઝલ.

હેલ્થ ટીપ્સ:- 1 ગ્રામ કેસરમાં 5 ગ્રામ ઈલાયચીનો ભૂકો ભેળવી રાખો. ચામાં આ ચપટી પાઉડર નાખી પીવાથી ચાનો સ્વાદ તથા સુગંધી આલ્હાદક થઈ જશે.

એક ગઝલ કક્કાની

બહુ લીસ્સો હતો લપસી ગયો

ના પગમાં ખોડ તે મોડો પડ્યો

ના બે ટુકડા છતાં સાથે રહ્યા

નું મોઢું બંધ ગૂંગળાઈ મર્યો.

બગાસા ખાય છે તે જોઈને

ને આવી છીંક 2, 3, 4, 5

નો હાથ ઊંચો થયો સત્કારમાં

એ લાંબા થૈને ઝટ ઝાલી લીધો

બહુ ચંચળ ઊછળતો, કુદતો

લપસ્યો પડછાયો ને ઠ ડ ઢ થયો

હતો તૈયાર કૂદકો મારવા

એ કાઢી આંખ તો થીજી ગયો

ને પગ નહોતા કે ઊભો રહી શકે

લૈને ટેકણ લાકડી થઈ ગયો

ને વાંકી પૂંછડી નડતી રહી

એ વીંઝી પૂંછડી નડતી રહી

પએ વીંઝી પાંખ નડતી રહી

કને ઊગી પૂંછડી કહેવાયો

ના પેટે ગાંઠ તે રડતો રહ્યો

ફરે છે સૂંઢને ડોલારતો

સૂંઠ તૂટી ગૈ તો ભ નો થયો

ફૂલેલા પેટથી શરમાય ને

ને દૂર્બળ દેહનો છે વસવસો

લડે છે ઢાલ ને તલવાર લૈ

ને લાગી બીક તે નાસી ગયો

ને ષ સ ત્રણે સગ્ગા ભાઈઓ

ચોથો ભાઈ જે પિત્રાઈ હતો

ળ ક્ષ અને જ્ઞ રહી ગયા એકલા

આમ આ કક્કો અહીં પૂરો થયો

                    – આદિલ મનસુરી

                                                              ૐ નમઃ શિવાય


5 comments September 3, 2007

ત્ર્યંબકેશ્વર

                        આજે શ્રાવણ વદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- દરેક વ્યક્તિમાં સારાનરસા ગુણોનું મિશ્રણ હોય છે. જે વ્યક્તિ પોતાના સારા ગુણોનો વધુમાં વધુ ઉપયોગ કરે તો તેનું વ્યક્તિત્વ ખીલી ઊઠે છે. — સ્વામી સચ્ચિદાનંદજી

હેલ્થ ટીપ્સ:-. સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.

                                ત્ર્યંબકેશ્વર

 

બ્રહ્મામુરારીસુરાર્ચિતલિંગમ,
નિર્મલભાષિત શોભિતલિંગમ

જન્મજદુઃવિનાશકલિંગમ,
તત્પ્રણમામિ સદાશિવલિંગમ

                ભગવાન શિવજી ખરેખર નિરાકાર છે. તેમને પોતાનું કોઈ સ્વરૂપ નથી. છતાં બધાં જ રૂપો તેમનાં છે. શિવનું દરેક રૂપ ‘લિંગ’ છે. સંસ્કૃતમાં લિંગ એટલે નિશાની અથવા ચિન્હ થાય છે. લિંગપુરાણમાં લખ્યું છે કે સર્વશ્રેષ્ઠ ને મૂળભૂત લિંગ જે શબ્દ, સ્પર્શ,રૂપ, રસ, ગંધહીન છે તે પ્રકૃતિ ઓળખાય છે. શિવલિંગ ભગવાન શિવનું પ્રતિક ગણાય છે. શિવજીનું નિરાકાર સ્વરૂપ તેજોમય સ્વરૂપે પ્રાગ્ટ્ય થયું હતું. જ્યારે શિવલિંગ પૃથ્વી પર પડ્યું ત્યારે આસપાસ જ્યોતિનાં કુંડાળા થવા લાગ્યાં તેથી આ લિંગ જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવા લાગ્યા. આવા બાર જ્યોતિર્લિંગો છે.

        મહારાષ્ટ્રમાં ચાર જ્યોતિર્લિંગ આવેલાં છે. મહારાષ્ટ્રમાં આવેલા નાસિકથી 36 કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવનું પ્રખ્યાત મંદિર આવેલું છે. અહીં શિવલિંગની જગ્યા પર એક ખાડો છે અને તેની જગ્યાએ ત્રણ નાના નાના લિંગો છે જે બ્રહ્મા, વિષ્ણુ, મહેશના પ્રતિક રૂપે ગણાય છે. મહેશનાં લિંગમાં તડ છે જેમાંથી સતત જળ વહ્યા કરે છે. એ પાણી ક્યાંથી આવે છે તેની હજી સુધી જાણ નથી થઈ. ત્ર્યંબકનો અર્થ ત્રણ આંખ. આ ત્રણ આંખ સૂર્ય, ચંદ્ર અને અગ્નિની ગણાય છે. એક આંખ પ્રેમની , બીજી આંખ જ્ઞાનની અને ત્રીજી આંખ ન્યાયની છે એવું પણ માનવામાં આવે છે. શિવપુરાણમાં જણાવ્યા મુજબ ત્ર્યંબકેશ્વરનાં દર્શન કરવાથી સર્વકામના સિદ્ધ થાય છે તેમજ મુક્તિ મળે છે.

    પુરાણકાળની કથા મુજબ ગૌતમ ઋષિએ અનાવૃષ્ટિને કારણે તપ કરી વરુણ દેવને રીઝવ્યા. આથી ત્યાં વિશાળ સરોવરનું નિર્માણ થયું અને ત્યાં લોકો આવી વસ્યાં. ઈર્ષાળુ લોકોની ઈર્ષાને કારણે ગૌતમઋષિ પર ગૌહત્યાનો મિથ્યા આક્ષેપ મુકવામાં આવ્યો.. ગૌતમ ઋષિએ તપ કરી શિવજીને પ્રસન્ન કર્યાં. ત્યારથી શિવજી અહીં જ્યોતિર્લિંગ તરીકે બિરાજી ગયા.

       કહેવાય છે કે આ જ્યોતિર્લિંગમાંથી જ્યારે સિંહ જેવી ગર્જના સંભળાય છે ત્યારે કાંઈ અનર્થ થવાના એંધાણ વર્તાય છે. આવે વખતે ભાંગ મિશ્રિત દૂધનો અભિષેક થાય છે. અહીં સ્ત્રીઓને પૂજા કરવાની મનાઈ છે. બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે અહીં તેમજ ઉજ્જૈનમાં કુંભમેળો ભરાય છે.

                          

                                      ૐ નમઃ શિવાય


4 comments September 1, 2007

Next Posts


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

September 2007
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos