Archive for November, 2007

બાળદિન

કારતક સુદ ચોથ [બાળદિન]

આજનો સુવિચાર:- Child is the father of man. – William Wordsworth

હેલ્થ ટીપ્સ :- દ્રાક્ષના સેવનથી પેટની ગરમી દૂર થાય છે તેમજ પેટ સાફ થાય છે અને આંખોનું તેજ વધે છે.

આજે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મદિન છે જે બાળદિન તરીકે ઉજવવાય છે.

ઝરણું

ઝરણું રમતું રમતું આવે,
ઝરણું રમતું રમતું જાય.
ઝરણું રૂમઝૂમ કરતું નાચે,
ઝરણું ઝમઝમ કરતું ગાય.
ઝરણું ડુંગર કરાડ કૂદે,
ઝરણું વન વન ખીણો ખૂંદે,
ઝરણું મારગ ધોતું દૂધે,
ઝરણું અલકમલકથી આવે
ઝરણું અલકમલકથી જાય
ઝરણું રમતું રમતું આવે
ઝરણું રમતું રમતું જાય.

—- ઉમાશંકર જોષી

ઝાકળનું બિંદુ

ઝાકળના પાણીનું બિંદુ
એકલવાયું બેઠું’તું:
એકલવાયું બેઠું’તું ને
સૂરજ સામે જોતુ’તુ;
સૂરજ સામે જોતુ’તું ને
ઝીણું ઝીણું રોતું’તું:

“સૂરજ ભૈયા ! સૂરજ ભૈયા !
હું છું ઝીણું જલબિંદુ;
મુજ હૈયે તમને પધરાવું
શી રીતે, હે જગબંધુ !”

“તમે દૂર વાદળમાં વસતા,
સાત અશ્વને કરમાં કસતા,
બ્રહ્માંડોની રજ રજ રસતા
ઘૂમો છો, બંધુ !
તમ વો’ણું મુજ જીવન સઘળું
અશ્રુમય હે જગબંધુ !”

“જલબિંદુ રે જલબિંદુ !
ઓ નાજુક ઝાંકળબિંદુ !”
સૂરજ બોલે : “સુણ, બંધુ !
હું તો ત્રિલોકમાં ફરનારો,
કોટિ કિરણો પાથરનારો,

ગગને રમનારો:
તેમ છતાં હું તારો તારો,
 હે ઝાકળબિંદુ!

તોય મને વા’લું વા’લું,
બાળાભોળા જળબિંદુ !
 તુજ હૈયે હું પોઢી જાણું,
હે ઝાકળબિંદુ !

તુજ સરીખો નાનકડો થૈને,
તુજ અંતરમાં આસન લૈને,
ઈંદ્રધનુની રમતો રમવા
આવીશ, હે બિંદુ !

તુજ જીવનમાં પ્રકાશ વાવું,
તુજ અશ્રુને હાસ્ય બનાવું’
 હે નાજુક બિંદુ !”

હસતે મુખડે સૂરજરાણા
જલબિંદુમાં જઈ સમાણા:
રુદનભર્યા જીવનમાં ગાણાં
ગાઈ રહ્યું ઝાકળબિંદુ !

[રવીંદ્રનાથ ઠાકુરના “પ્રસાદ’ના અંગ્રેજી પરથી]


  — ઝવેરચંદ મેઘાણી

                                                    ૐ નમઃ શિવાય


6 comments November 14, 2007

નવા વરસની ડાયરી

                 કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- વૃદ્ધ એટલે વધી ગયેલો.માણસ જ્ઞાન, પ્રેમ, ભાવ, અનુભવ વગેરેથી વધવો જોઈએ. ખાલી ઉંમરથી વધવુ એ અસ્તિત્વ, જ્યારે વિકાસથી વધવું એનું જ નામ જીવન.

હેલ્થ ટીપ્સ :- નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.

નૂતન વર્ષાભિનંદન

નવા વરસની ડાયરી માટે કવિશ્રી વિપિનભાઈ પરીખ શું કહે તે જોઈએ.

તા. 1લી હોય જાન્યુઆરીની કે 31મી છેલ્લી
 ડીસેમ્બરની

શરદપૂનમની હોય કે રાત વસંતપંચમી કે
ઝગમતી ક્રિસમસની

કે હોય કોઈની જન્મતિથિ
સાંજે છ વાગ્યે ‘હેવમોર’ માં ને બપોરે ‘ટી સેંટર’ પર

સાચું પૂછો તો
કોઈ ’એપોઈંટમેંટ’ હોતી નથી હવે
 કોરાં રહે છે બધાં જ પાનાં છેવટ સુધી રાખું છું
સાથે
તમારી પાસે નવા વરસની ડાયરી આવી છે?

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ભૂકંપ થયેલો. ધરતીકંપની તાકાત પર ‘શ્રી ગુણવંતભાઈ શાહ’ની લખેલું કાવ્ય ટાંકવાનું યાદ આવ્યું.

ધરતીકંપની તાકાત

ધરતીકંપની તાકાત
જેવી તેવી નથી હોતી.
એ કોમવાદને પિગળાવી શકે,
કટ્ટરતાને ઓગળાવી શકે,
મોહને ઢીલોઢસ કરી શકે,
લોભને બકરી ‘બેં’ બનાવી શકે
દ્વેષને ઠંડોગાર કરી શકે
ભેદભાવને ભગાડી શકે
ઈર્ષાને ડીપ ફ્રીજમાં મૂકી શકે,
અને વૈરાગ્યને જગાડી શકે.
ધરતીકંપ આપણી ચેતનાને
ઢંઢોળી શકે છે.
કદાચ એવું પણ બને
કે

એક માણસ બીજા માણસને
કેવળ ‘માણસ’ તરીકે જોતો થઈ જાય.
ચમત્કારો આજે પણ બને છે !

                           ૐ નમઃ શિવાય


Add comment November 12, 2007

તો લખો સાચા જવાબ !

                            કારતક સુદ બીજ [ભાઈ બીજ]

આજનો સુવિચાર:-. જ્ઞાન વિનાનો વાદવિવાદ નકામો છે.

હેલ્થ ટીપ્સ :- મન ખૂબ સ્ટ્રેસમાં હોય તો ઊંડા શ્વાસ લો જેથી મન હળવું બનશે.

                                              નૂતન વર્ષાભિનંદન

        ભાઈ બહેનના પ્રેમનો અનોખો તહેવાર એટલે ભાઈ બીજનો દિવસ. આપણા ધર્મમાં બે મૈયા કહેવાય છે. એક કૃષ્ણની પાલકમાતા ‘યશોદા મૈયા’ અને બીજી ‘યમુના મૈયા’. યમુનાજી યમરાજના બહેન છે. યમુનાજીને યમરાજે અભય વરદાન આપેલું કે જે ભાઈ બહેન યમુનાજીમાં સ્નાન કરશે તેને ‘યમ’ યાતનામાંથી મુક્તિ મળશે. આમ ભાઈબીજનો દિવસ એ યમુના સ્નાનનો દિવસ ગણાય છે.

                              જવાબ શોધી જણાવો

1] પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમા વર્ષના અજ્ઞાતવાસ બાદ ક્યારે હસ્તિનાપુર પધાર્યા?

2] રામનો રાજ્યાભિષેક ક્યારે થયો?

3] મહાવીર સ્વામી ક્યારે નિર્વાણ પામ્યા?

4] કાળી ચૌદસના દિવસે કોની પૂજા કરવામાં આવે છે?

5] આસો વદ અગિયારસને કઈ અગિયારસ કહે છે?

6] દિવાળીના દિવસે કોનું પૂજન કરવામાં આવે છે?

7] કાળીચૌદસને કઈ ચતુર્દશી કહેવાય છે?

8] મીઠાને સબરસની ઉપમા કોણે આપી?

9] ભાઈબીજના દિવસે કયા રાજા યમુનાજીને ઘરે જમવા આવ્યાં હતા?

10] વેપારીઓ નવા વર્ષના ચોપડા કયા નક્ષત્રમાં ખરીદે છે?

11] ધનતેરસના દિવસે કોની જયંતી મનાવવાય છે?

12] નૂતનવર્ષના દિવસે કોની પૂજા થાય છે?

                         

                                     તો લખો સાચા જવાબો.

                                      ૐ નમઃ શિવાય


16 comments November 11, 2007

દિવાળીની શુભેચ્છાઓ

આજે આસો વદ અમાસ - દિવાળી


| View Show | Create Your Own

દિવાળીની શુભેચ્છાઓ


5 comments November 9, 2007

કાળી ચૌદસ

           આસો વદ ચૌદસ [કાળી ચૌદસ]

આજનો સુવિચાર:- જે ઘરમાં દીકરીની અવગણના થતી હોય તે ઘરમાં ધનતેરસનું પૂજન અધુરૂ ગણાય છે.

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં ત્વચાના સૌંદર્ય અને અદભૂત નિખાર માટે તેલમાલિશ સર્વશ્રેષ્ઠ છે.

    દિવાળીને દિવસે પાવાપુરીમાં મહાવીર સ્વામીનું નિર્વાણ થયુ હતુ. ધનતેરસનો પછીનો દિવસ ‘કાળી ચૌદસ’ અથવા ‘નરક ચતુર્દશી’ના નામે ઓળખાય છે. જુનવાણી લોકો આ દિવસે દહીંવડા બનાવી જાહેર રસ્તા પર પાણીનું કુંડાળું કરી વચમા દહીં વડા મૂકી પાછળ જોયા વગર કકળાટ બહાર કાઢ્યાનો સંતોષ માની ઘરે પાછા ફરે છે. આ દિવસે મહાવીર સ્વામીએ સોળ પ્રહર સુધીનો પ્રવચનશ્રેણીનો પ્રારંભ કર્યો હતો તેથી આ દિવસ ‘રૂપ ચૌદશ’ તરીકે ઓળખાય છે.

    પૌરાણિક કથા મુજબ ‘નરકાસુર’ નામના એક અસુર રાજાએ ચોમેર હાહાકાર મચાવ્યો હતો. તેણે લક્ષ્મીજી સહિત ઈંન્દ્રને અને 16,000 રાજકન્યાઓને કેદ કરી રાખ્યાં હતા. દેવોની પ્રાર્થનાથી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની નીડર પરાક્રમી પત્ની સત્યભામાને લઈને નરકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા પ્રાગજ્યોતિષપુર પહોંચ્યા. નવદુર્ગા માતાજીએ સત્યભામાને વજ્ર જેવી શક્તિ પ્રદાન કરી. નરકાસુરની સાથે તુમુલ યુદ્ધ કરી તેનો વધ કર્યો. 16,000 રાજકન્યા સાથે ઈંદ્ર અને લક્ષ્મીજીને મુક્ત કર્યાં. ત્યારથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઑળખાય છે. નરકાસુરે મરતાં પહેલા ભગવાન શ્રી કૃષ્ણ પાસે વર્દાન માંગ્યું કે મારા અભિમાન અને અજ્ઞાનમાં અજવાળાં પાથરવા લોકો દિવડા પ્રગટાવી આનંદ ઉત્સવ ઊજવે. અને બીજે દિવસે લોકોએ દીવડા પ્રગટાવી મોટો ઉત્સવ ઉજવ્યો જે દિપાવલીના નામે પ્રખ્યાત થયો.

       બીજી કથા અનુસાર ભગવાન રામજી દશેરાને દિવસે લંકેશ્વર રાવણનો વધ કરી અયોધ્યા પાછા ફર્યાં. તે દિવસ આ કાળી ચૌદસનો દિવસ હતો. અંધારી રાત હોવાથી લોકોએ તેમનો સત્કાર દીવડા પ્રગટાવી સ્વાગત કર્યું હતું અને દિવાળીને દિવસે શ્રી રામજીનો રાજ્યાભિષેક થયો હતો.

        ત્રીજી કથા અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ વામન અવતારમાં બલિરાજા પાસેથી ત્રણ ડગલાં જમીન માંગી હતી. અને ત્રીજા ડગલે બલિરાજાને નરકમાં પહોંચાડી દીધો હતો. એ દિવસ આસો વદ અમાસનો હતો.. દિપાવલીનો દિવસ હતો. બલિરાજાનાં આ સમર્પણની સ્મૃતિ રૂપે ત્રણ અહોરાત્રી રૂપે ઊજવાય છે.

                       આપ સૌને દિપાવલીની શુભેચ્છાઓ

                                   ૐ નમઃ શિવાય


2 comments November 8, 2007

ધનતેરસ

આસો વદ તેરસ ધનતેરસ [ધનવંતરી પૂજન , લક્ષ્મીપૂજન]

  

આજનો સુવિચાર:- શ્રદ્ધા માટે પુરાવાની જરૂરત નથી હોતી.

  

હેલ્થ ટીપ્સ :- અજમો એક એવો મસાલો છે જે અનેક પ્રકારનાં અન્નને પચાવે છે.

ધનતેરસની શુભેચ્છાઓ

                                                         

                                           ૐ  નમઃ શિવાય


3 comments November 7, 2007

મહાસાગર

                                     આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- સફળતા અને પ્રસન્નતા એ બેમાંથી પસંદગી કરવાની હોય તો પ્રસન્નતાની પસંદગીમાં ઉતારવામાં સાચી બુદ્ધિમત્તા છે.

હેલ્થ ટીપ્સ :- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પર્માત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપન કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.

હું શાળામાં ભણતી હતી ત્યારે મહાસાગરનું આ કાવ્ય શીખી હતી અચાનક મળી જતાં લખવાનું મન થઈ ગયું.

મહાસાગર  

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

કવિશ્રી:- ત્રિભુવનદાસ વ્યાસ

                                              ૐ નમઃ શિવાય


7 comments November 5, 2007

ચિંતન

                        આસો વદ દસમ
આજનો સુવિચાર:- કામ વગરનું મન હંમેશા વ્યક્તિમાં રહેલા દોષોને જ શોધતું હોય છે. વ્યક્તિ ‘બીજાએ શું કરવું જોઈએ’ એ વિષે આખી જિંદગીમાં લોકો સેંકડો કલાક બોલે છે, પરંતુ ‘પોતે શું કરવું જોઈએ’ એ વિચારવાની તેને એક મિનિટની ફુરસદ હોતી નથી.

હેલ્થ ટીપ્સ:- અળસીનો મુખવાસ બનાવી ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

આજનો એસ.એમ.એસ. :-

       જ્યારે કાંઈ અજુગતું થયું હોય અને હૃદય ખિન્નતાથી ભરાએ ગયું હોય અને આંખમાંથી આંસુ વહેતાં હોય ત્યારે હંમેશા 3 વાત યાદ કરો.

1] ભગવાનને યાદ કરો.

2] તમારા માતા પિતાને યાદ કરો

3] તમારી રોજની પ્રાર્થના યાદ કરો

GOOD LUCK & GOD BLESS YOU………..

                                

                          ૐ નમઃ શિવાય


1 comment November 4, 2007

જીવનું શિવ પ્રતિ પ્રયાણ [2]

                                    આસો વદ નોમ

આજનો સુવિચાર:- ત્રણ વાતનું હંમેશા ધ્યાન રાખો. [1] કામ વગર બેસી ન રહો [2] ખોટું કામ ન કરો [3] કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ન કરો.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી જીરું નાખીને ઊકાળેલું પાણી મેલી ત્વચા પર ક્લીંઝીંગ મીલ્કનું કામ કરશે.


| View Show | Create Your Own

               મુંબઈના મેઘના અને મુકુલને જ્યારે ખબર પડી કે અમે સાથે આવવાનાં છીએ તેમને એમ કે અમે નાની વયનાં હોઈશું કારણ એ બંન્ને અમારા ગ્રુપનું સૌથી નાની વયનું કપલ હતું. મેઘનાએ મારી ઉંમર પૂછી તો મેં 49 જણાવી તો થોડી નિરાશ થઈ પણ મેં તેને સાંત્વના આપતાં કહ્યું કે એક વખત મારી સાથે વાત કરવાનું ચાલું કર પછી તને ખબર ખ્યાલ આવશે. તે દિવસથી આજસુધી મેઘનાને એમ લાગ્યું નથી કે તેનાથી 25 વર્ષ મોટી ઉંમરની વ્યક્તિ સાથે વાત કરી રહી છે. અમારા ગ્રુપમાં બારડોલીની કૉલેજમાં ભણાવતા પ્રોફેસર જાહ્નવિકાબેન શુક્લા જેમણે 1995માં કૈલાસની યાત્રા માટે ઍપ્લિકેશન કરી હતી પરંતુ દિલ્હીમાં થતી મૅડિકલ ઍક્સામિનેશનમાં ફેલ થયાં હતાં. એમની સાથે મુંબઈના ભરત વેદ પણ હતા જેમને કારણે જ જહાનવિકાબેનનાં મનમાં મુંબઈના માણસો પર વિશ્વાસ ન મૂકવાનો ઘર કરી ગયું હતુ. કૈલાસ યાત્રા પર જતા પહેલા ત્રણ દિવસ અગાઉ દિલ્હી પહોંચી અશોક યાત્રી હૉટલમાં અમારો ઉતારો હતો. એક રૂમમાં 4 વ્યક્તિને ઉતારો આપવામાં આવતો. અમારી સાથે જાહ્નવિકાબેન અમારા રૂમમાં હતાં. અમારી સાથે વાત કરતા થોડાક અચકાતા હતાં. દીકરી ફોન કરવા ઉતરતા હતાં ત્યારે મેં તેમને Good Morning Wish કર્યાં અને સાથે સાથે have a nice day પણ wish કર્યાં. આ વિશ સાથે તેમની મુંબઈવાળાની પહેચાન બદલાઈ ગઈ.જોકે યાત્રા દરમિયાન એટલી મૈત્રી નો’તી વધી પરંતુ ત્યારથી આજ સુધી મને મોટીબેન તરીકે ગણે છે અને તેમના બાળકો પોતાની સગી માસી તરીકે ગણે છે. જાહ્નવિકાબેનની અને બચુભાઈ પ્રજાપતિની મદદથી હું આ યાત્રા વિષે નાનકડી પુસ્તિકા લખી શકી હતી. [કૈલાસ માનસરોવર- એક શ્રદ્ધાપૂર્ણ યાત્રા]

    શ્રી બચુભાઈને જેમ અમારી જ જ્ઞાતિના એક ભાઈ શ્રી દીપકભાઈ શાહ જેમણે 1987માં આ યાત્રા કરી હતી તેમણે અમ્ને આ યાત્રા વિષે માહીતિ પણ આપી તેમજ અમુક વસ્તુઓ અમારી પાસે ન હતી તે પણ આપી હતી તેમજ કેટલો સામાન લેવો અને કઈ રીતે લઈ જવો તેની સંપૂર્ણ માહિતી આપી હતી. અમારી સાથે સુરતથી ડૉ. એડિબામ પારસી કપલ આવ્યાં હતાં. તેઓએ ક્યાંક પુસ્તકમાં વાંચ્યું હતું કે માનસરોવર નામનું એક મોટું તળાવ છે જે આટલી ઊંચાઈ પર આવેલું સૌથી મોટું તળાવ છે. કુતુહલતા ભર્યા આ વયોવૃદ્ધ સાલસ કપલે અમને ખૂબજ સાથ આપ્યો હતો. આમ તો દરેક યાત્રી પોતપોતાની આસ્થાથી આવેલાં. એમાં જૈનધર્મી પણ હતાં. દક્ષિણ ભારતીય પણ હતા. બંગાળી, મારવાડી, મરાઠી,ગુજરાતી વગેરે દરેક ભાષીનો એક મેળો હતો. અમારા લાઈઝન ઑફીસર ડી.આર.કાર્તીકેયન તો આ યાત્રાથી એતલા પ્રભાવિત થયેલા કે એમણે તો પોતાની દીકરી કંચનાને હૈદ્રાબાદથી ફ્લાઈટમાં બોલાવી દીધી અને અમારી સાથે જોડાઈ ગઈ. આમ અમારો શંભુમેળો શંભુના દર્શને જવા નીકળ્યા.

        વિશ્વપ્રસિદ્ધ કૈલાસ પર્વત એ દેવોના દેવ મહાદેવ અને મહાશક્તિ મા પાર્વતીનું રહેણાક છે. આપણાં જન્મોજનમનાં પુણ્ય ભેગા થાય છે અને જે જલ્દીથી પ્રસન્ન થાય છે તેવા પ્રભુ આશુતોષની કૃપા વિના આ યાત્રા અને દેવભૂમિના દર્શનનો લ્હાવો મળે છે તેથી વધુ મહત્વની વાત એ છે કે જો યાત્રા પરિપૂર્ણ થાય ભોળા શંભુની કૃપા સમજવી. ભલે યાત્રા કરવા નીકળ્યા હો પરંતુ ‘તેની’ કૃપા વિના પૂર્ણ થતી નથી. કોઈપણ ધર્મી હો પણ શ્રદ્ધાપૂર્વક કરેલી આ યાત્રા જરૂરથી પૂર્ણ થાય છે.

20 જુન 1996 એટલે પ્રથમ દિવસ

     આમ 20મી જુન 1996ના દિવસે સવારે 4 વાગે ‘ૐ નમઃ શિવાય’ ‘હર હર મહાદેવ’ કૈલાશપતિકી જય હો’ ના નારા સાથે ‘અશોક યાત્રી નિવાસ, ન્યુ દિલ્હી’ થી અમારી યાત્રાનો પ્રારંભ થયો. દિલ્હીથી ધારચૂલા સુધીનો પ્રવાસ બસમાં કરવાનો હોય છે. ગજરોલા,કાઠગોદામ, ભુવાલી થઈ અલ્મોડા સુધીનો રસ્તો આરામથી મોજ મસ્તીથી એકબીજાનાં પરિચય સાથે વીતી ગયો. અલ્મોડામાં પ્રથમ પડાવ હતો.

21મી જુન 1996- બીજો દિવસ

    અલ્મોડાથી નંદાદેવી, જે વાસુદેવ- દેવકીની પુત્રી જેને કંસે પથ્થર પર પછાડીને મારવાનો પ્રયાસ કર્યો હતો,દર્શનાર્થે પહોંચ્યાં. અહીં લોકો ઘંટ અથવા ઘંટીઓ બાંધી માનતા રાખતા હોય છે. દર્શન કરી ‘ચકોરી’માં ભોજન લઈ ડીડીહાટ થઈ ‘ધારચુલા’ પહોંચ્યા. કુમાઉ મંડલ વિકાસ નિગમ દ્વારા આ યાત્રા યોજાય છે. આ કૈલાસ માનસરોવરનો બેઝ કેમ્પ બે મોટા પતરાથી બાંધેલા રૂમથી બનેલો છે. એકમાં મહિલા યાત્રી અને બીજામાં પુરુષ યાત્રીઓને મુકામ આપવામાં આવે છે. આ મુકામની બાજુમાંથી ધસમતી કાલીગંગા વહે છે. નામ પ્રમાણે તેનું પાણી કાળું છે અને તેનું સ્વરૂપ ભયાનક છે. એક કાંઠે ભારતનું ‘ધારચૂલા’ અને બીજે કાંઠે નેપાલનું ‘દારચૂલા’. બે ગામને જોડતો એક લક્ષમણઝૂલા જેવો પૂલ સવારના 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવર જવર કરી શકાય. અહીં અવર જવર માટે પાસપૉર્ટની કે વીઝાની જરૂર પડતી નથી.
   અહીંથી જરૂરિયાત પૂરતો સામાન પાસે રાખી બીજો સામાન વૉટરપ્રૂફ કોથળામાં મૂકીને બાંધીને ‘કોમન લગેજ’ માટે આપી દેવો પડે છે. અહીંથી જરૂરમંદો માટે ઘોડાવાળા અને પૉર્ટરની વહેંચણી કરવામાં આવે છે.

22મી જુન – ત્રીજો દિવસ

     ધારચૂલાથી બસમાં બેસી 17 કિ.મી. દૂર તવાઘાટ જવાનું હતુ. અહીં કાલીગંગા અને ગૌરીગંગાનો સંગમ જોવામળે છે. ગૌરીગંગા નામ પ્રમાણે ધોળી છે. આમ કાળા અને ધોળા પાણીનો નિરાળો સંગમ જોવા મળે છે. અહીંથી બસમુસાફરીનો અંત અને ઘોડા પર અથવા પગપાળા મુસાફરી ચાલુ. જોકે હવે તો માંગ્તી સુધી જીપમાં જવાનું હોય છે. અમે 1996માં અહીંથી 5 કિ.મી. થાનેદારની ચઢાઈ ચઢીને પાંગુ પહોંચ્યા.અહીં રાત્રીનો પડાવ હતો.. અમારી સાથે સરકાર તરફથી 2 ડૉકટરો, વાયરલેસ મેન તેમજ 8 થી 10 પોલિસો અને લાયઝન ઑફિસર હોય છે.

    થાનેદારની ચઢાઈ ચઢીને પાંગુ પહોંચતા થાકી તો જવાય જ છે પરંતુ હિમાલયનું લીલુંછમ દૃશ્ય જોઈ અને યાત્રા કરવાનો જોશ આ થાક ઉતારી દે છે. અમારા L.O.એ એક નિયમ રાખ્યો હતો કે પહેલા ભજન પછી ભોજન. આમ ભજનની રમઝટનો આનંદ મેળવ્યો અને કોણ સુંદર ગાઈ શકે છે તેનો ખ્યાલ પણ આવીગયો.

23 જુન 1996 – ચોથો દિવસ

   પાંગુથી નીકળી ‘હિમખોલા’ નદી પસાર કરી નારાયણ આશ્રમ થઈ સીરખા કેમ્પ પહોંચવાનું હતું. મેં અગાઉ ‘નારાયણ આશ્રમ’ વિષે લખેલું છે. આ આશ્રમનું સંચાલન પૂ. સ્વામી તદરૂપાનંદજી કરે છે. અને એ વખતે ગર્બ્યાંગના શિક્ષિત ગંગોત્રીમા કરતા હતાં. હવે તેઓ હયાતમાં નથી. પૂ. તદરૂપાનંદ સ્વામીના આશીર્વચન સાથે અમે સીરખાનું અત્યંત સુંદર જંગલ પસાર કર્યું. અહીં એક વસ્તુ જાણવા જેવી મળી. સુંદર રંગબેરંગી ફૂલોની જાજમમાં ‘બિચ્છુકાંટા’ જેવી વનસ્પતિ પણ જોવા મળે છે જેનો સ્પર્શ માત્ર વીંછી ડંખ્યાની વેદનાનો અનુભવ કરાવે છે. તે નીચે બીજી વનસ્પતિ ઊગે છે જેને મસળી આ ડંખ પર લગાડવાથી આ વેદનામાંથી છૂટકારો અપાવે છે. આમ સીરખા બેઝ કેમ્પ પહોંચ્યાં.

24 જુન 1996 – પાંચમો દિવસ

         સીરખા કેમ્પથી 13 કિ.મી. દૂર 8050 ફૂટ ઊંચાઈએ આવેલા ‘ગાલા’ કેમ્પ પહોંચવાનું હતું. પ્રારંભના સરળ રસ્તા પછી 4 કિ.મી.નું ચઢાણ ચઢી ‘રુંગલિંગ ટોપ’ પહોંચી સીધા ઊતરાણ બાદ પાટિયાના બનેલા પુલ દ્વારા ‘હિમખોલા’ નદી પસાર કરી ‘ગાલા’ કેમ્પ પહોંચ્યા. કહેવાય છે કે જેમ મુંબઈની ફેશનનો ભરોસો નથી તેમ હિમાલયના હવામાનનો ભરોસો નથી. અહીં રસ્તામાં વરસાદ તો નડવાનો જ. પણ અમારે નસીબે રાત્રે ધોધમાર વરસાદ પડે અને દિવસે બંધ રહેતો જેથી અમને અમારી આ આગળ વધતી યાત્રામાં બાધા ન આવતી.

વધુ આવતા અંકે…………..

                                                      ૐ નમઃ શિવાય


3 comments November 3, 2007

હેલ્થટીપ્સ

                             આસો વદ સાતમ

આજનો સુવિચાર:- જેમ કાદવમાં પડેલું સોનુ કાઢી લેવું જોઈએ તેમ જ દુર્જનમાં રહેલો ગુણ શોધી અપનાવવો જોઈએ.

                    અત્યાર સુધી લખાયેલ કેટલીક હેલ્થટીપ્સ

હેલ્થ ટીપ્સ:- રાતના ગરમમાં એક ચમચી શુદ્ધ ઘી નાખી પીવાથી એસીડીટી પર રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:-ઈસબગુલનું સેવન પેટ તો સાફ રાખે છે તે ઉપરાંત શ્વસન રોગમાં ઉપયોગી છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.

હેલ્થ ટીપ્સ:- સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.

હેલ્થ ટીપ્સ:- મોંમા થોડો વખત મધ રાખી કોગળા કરવાથી મોંમા પડતા છાલા પર રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે.

હેલ્થ ટીપ્સ:- તુલસીની ચા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

હેલ્થ ટીપ્સ:- પેટના ગેસ પર કે ગઠિયા વા પર મેથીની ભાજીનું નિયમિત સેવન ફાયદાકારક છે.

હેલ્થ ટીપ્સ:- ચેરીનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડે છે, ડાયાબિટીસને કાબુમાં રાખે છે, આર્થારાઈટીસના દુઃખાવામાં રાહત આપે છે, આપણી કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે, શાંતિથી નીંદર આપે છે.

હેલ્થ ટીપ્સ:- ચારોળીના ઝાડની છાલને દૂધમાં વાટી તેમાં મધ ભેળવી પીવાથી રક્તાતિસાર મટે છે. – ડૉ. મલ્લિકા ઠાકુર

હેલ્થ ટીપ્સ:- આંસુને વહેવા દો. તેનું દમન, ભય, ક્રોધ,ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે.

હેલ્થ ટીપ્સ:- જો વાળ રંગતા હો તો તડકામાં ફરતા પહેલાં વાળ ઢાંકવાનું ભૂલશો નહી.

હેલ્થ ટીપ્સ:- હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો.

હેલ્થ ટીપ્સ:- નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે.

હેલ્થ ટીપ્સ:- ગરમીને કારણે માથુ દુઃખતું હોય તો વરીયાળીને ખડીસાકર સાથે પલાડીને તેને ચાવીને ખાવાથી [સાથે જેમાં પલાડેલું પાણી પણ પી જવું] રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.

હેલ્થ ટીપ્સ:-ગરમી ઋતુમાં ફુદીનો પૌષ્ટિક છે.તે શરીરને ઠંડક પહોંચાડે છે. છાશ, દહીં અને રોટીમાં ફુદીનાનો ઉપયોગ હિતાવહ છે.

હેલ્થ ટીપ્સ:- સુખડના લાકડાને પથ્થર પર ગુલાબ જળ સાથે પીસી તેમાં એક ચપટી ફટકડી પાઉડર ઉમેરી અળાઈ પર લેપ કરવાથી અળાઈ મટે છે.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ, મધ અને ગુલાબ જળ ભેળવી ચહેરા અને ગરદન પર લગાડવાથી ઉત્તમ ફેસપેક થશે.

હેલ્થ ટીપ્સ:-ભમ્મર પર થોડો ભાર દઈને અંદરથી બહારની તરફ માલિશ કરવાથી થાક ઉતરી જાય છે.

હેલ્થ ટીપ્સ:- તાવ ઉતારવા ધાણાનું પાણી અને સાકર પીઓ. પરસેવો વળશે તો તાવ ઉતરશે.

હેલ્થ ટીપ્સ:-ભૂખ ન હોવા છતાં ખાવું અને ચાવ્યા વગર ઝડપથી ખાવું એ રોગોને નોતરું આપવાનું કામ કરે છે.

હેલ્થ ટીપ્સ:- સ્થૂળતા ઘટાડવા માટે ગાજર, ટામેટાં તથા કાકડીના રસનું સેવન કરો.

હેલ્થ ટીપ્સ:- ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોની બળતરા ઓછી થાય છે.

હેલ્થ ટીપ્સ:- પાંચ બદામને પલાડી, વાટીને ચહેરા પર લગાડી 15 મિનિટ સૂકાવા દો ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરો ધોવાથી ચહેરાનો ભેજ અને તેલનું સમતુલન રહેશે.

હેલ્થ ટીપ્સ:- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.

હેલ્થ ટીપ્સ:- કારેલાથી તાવ,ઉધરસ, ચામડીને લગતા રોગો,એનિમિયા, ડાયાબિટીસ તેમજ કૃમિ પર લાભદાયક છે.

હેલ્થ ટીપ્સ:- લોક આયુર્વેદ – હૃદય રોગમાં અર્જુન ઝાડની છાલનો કવાથ ઉત્તમ છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ દિવેલના ચાર ચાર ટીપા નાકમાં નાખવાથી બંધ નાક ખૂલી જશે.

હેલ્થ ટીપ્સ:- સફરજનનો રસ અને કેળાનું સેવન અસ્થમા અટકાવે છે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચી મેંદાની થોડાક કાચા દૂધમાં ઓગાળી પેસ્ટ બનાવી પીઠ પર લગાડો. 10 મિનિટ પછી ધોઈ કાઢો. મેંદો ખભા અને પીઠનો જામેલા મેલને દૂર કરશે.

હેલ્થ ટીપ્સ:- નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે.

હેલ્થ ટીપ્સ:- વિનેગરના ઉપયોગથી ફક્ત વજન જ નથી ઘટતું પરંતુ લોહીમાં રહેલી સુગરને રોકવામાં મદદ કરે છે તેમજ અપચાની તકલીફ દૂર કરે છે.

હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.

હેલ્થ ટીપ્સ:- છાશમાં એક ચમચી સૂંઠ ભેળવી પીવાથી ઝાડા [અતિસાર] પર રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.

હેલ્થ ટીપ્સ:- મેક અપ કરતાં પૂર્વે હાથ મોં બરાબર ધોવા અને બીજાનો મેક અપ ઉપયોગમાં લેવો નહીં.

હેલ્થ ટીપ્સ:- નિલગીરીનાં ટીપાંનો નાસ લેવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જશે.

હેલ્થ ટીપ્સ:- જામફળનો ઉપયોગ હૃદય અને જઠરને બળ આપે છે.

હેલ્થ ટીપ્સ:- જામફળનો વધુ પડતો ઉપયોગ પેટમાં ગરબડ ઉત્પન્ન કરે છે. કાચા જામફળ ખાવાથી પેટમાં અજીર્ણ કરે છે.

હેલ્થ ટીપ્સ:- જાવંત્રી પાચનશક્તિમાં વધારો છે, મોઢાને ખુશબુદાર બનાવે છે. તેને માથામાં ચોપડવાથી શરદીથી થતા દુઃખાવામાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- કેરીની ગોટલીને પથ્થર પર ઘસીને ચોપડવાથી મોંઢા પરના ડાઘા ઓછા થાય છે.

હેલ્થ ટીપ્સ:- નાગરવેલનાં પાનને બાળકની છાતી ઉપર મૂકી કપડાંના ગોટાનો શેક કરવામાં આવે તો છાતીનો કફ છૂટો પડી ઉધરસ બેસી જશે.

                                                   ૐ નમઃ શિવાય


5 comments November 1, 2007

Next Posts


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos