Archive for January, 2008

લાલા લજપતરાય

                    આજે પોષ વદ છઠ [લાલા લજપતરાય જયંતી]

આજનો સુવિચાર:- સમય સમયનું કામ કરે તે ગાળામાં તમારે તમારું કાર્ય પૂરું કરી લેવું જોઈએ.

હેલ્થ ટીપ્સ:- જાયફળને પાણીમાં ઘસીને, અડધી ચમચીમાં મધમાં ચાટવાથી અતિસાર [ઝાડા] બંધ થાય છે.

                                લાલા લજપતરાય જયંતી

   પંજાબના હાલના મોગા જિલ્લામાં 28મી જાન્યુઆરી 1865ના રોજ મુનશી રાધાકિશન આઝાદ અને ગુલાબદેવીને ત્યાં લજપતરાયનો જન્મ થયો હતો. સ્વામી દયાનંદના વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત હતા તેમજ આર્યસમાજથી સંકળાયેલા હતા. તેમણે વકીલાતની ડિગ્રી મેળવી હતી અને 1892માં તેઓ હાઈકૉર્ટમાં પ્રેક્ટિસ કરવા લાહોર આવ્યા. 1895માં તેમણે અનાથ થયેલા હિન્દુ કુટુંબને સહાય કરવાના હેતુથી પંજાબ નેશનલ બેંકની સ્થાપના કરી. 1905માં તેઓ કૉંગ્રેસના પ્રતિનિધિ તરીકે લંડન ગયા. આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવા લાગ્યા અને વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશીની ઝુંબેશ શરુ કરવામાં તેમણે ઘણી મદદ કરી. તેમનો પરિચય બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ સાથે થયો. પછી તો આ ત્રિપુટીએ પાછુ વળીને જોયું જ ન હતું. આ ત્રણે વચ્ચે એવી એકતા સધાઈ કે તેમની ત્રિપુટી લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાવા લાગી. 1914થી 1920 દરમિયાન તેઓ અમેરિકામાં રહ્યા અને પાછા આવ્યા પછી તેમણે હોમરૂલ-સ્વરાજ્ય માટેનું આંદોલન શરૂ કરાવ્યું. ભારતીય બંધારણમાં અંગ્રેજોએ કરેલા સુધારાના વિરોધમાં સાયમન કમિશનને પાછા ચાલ્યા જવા તે મેદાનમાં આંદોલન શરુ થયું.

                                                    શ્રીફળ

 

        શ્રીફળ એટલે કે નારિયેળ જે આપણને ચારિત્ર્ય-પૂજાની પ્રેરણા આપે છે. બહારની સુંદરતાથી ન શરમાતાં નારિયેળ પોતાના આંતરિકસૌંદર્યથી સમૃદ્ધ છે. બહારથી કઠોર પરંતુ અંદરથી અતિ કોમળ અને મધુર શ્રીફળ મહાપુરુષોની મહાનતાનું પ્રતિક છે. નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવ નાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દ્રષ્ટિથી નારિયેળને ‘શ્રીફળ’ નામ આપ્યું છે. મંદિરમાં દેવી, દેવતા સામે નારિયેળ ફોડવા પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત નારિયેળનું સૂચન કર્યું છે. મંદિરમાં નારિયેળને ચઢાવી ઉપરનો અડધો ભાગ મંદિરમાં રાખીને નીચેનો ભાગ અડધો ભાગ પ્રસાદરૂપે લાવવાની પદ્ધતિ છે. આ રીતે ઋષિઓએ માનવને નરહત્યા અને પશુ હત્યામાંથી બચાવી લીધો. આમ માનવને હિંસાથી અહિંસા તરફ આગળ વધવા શ્રીફળે પોતાનું બલિદાન આપ્યું કોઈપણ શુભકાર્યની શરુઆત બલિદાન વગર સફળ થતું નથી.આ વાતની સ્મૃતિરૂપે શુભકાર્યની શરૂઆતમાં શ્રીફળ ચઢાવવાની જરરિયાતનો આપણે સ્વીકાર્ય કર્યો છે.

                                          ૐ નમઃ શિવાય


Add comment January 28, 2008

જીવનું શિવ પ્રતિ પ્રયાણ [4]

         આજે પોષ વદ ચોથ [આજે 26મી જાનુઆરી ભારતનો પ્રજાસત્તાક દિન]

આજનો સુવિચાર:- ઉપદેશ આપવા કરતાં ઉદાહરણરૂપ બનવું સો દરજ્જે સારી વાત છે.

હેલ્થ ટીપ્સ:- કુમળા મૂળામાં સાકર ભેળવીને ખાવાથી ઍસિડિટી પર રાહત રહે છે.

ત્રયીં તિસ્ત્રો વૃત્રીસ ત્રિભોવનમયો
ત્રીનપિ સુરા- નકારોધૈર્વણીસ
ત્રિભિરભિદધત્તતીર્ણવિકૃતિ

તુરીયં તે ધામ ધ્વનિભિરવરુન્ધાનમણુભિઃ
સમસ્તં વ્યસ્તં ત્વાં શરણદ ગૃણાત્યોમિતિ પદમ
 ત્રિ-વેદો, ત્રિવૃત્તિ, ત્રણ-ભુવન, દેવો ત્રણ અને
ત્રિવર્ણો માંહી એ અ-ઉ-મ વિકૃતિથી પર રહ્યું
તમારું જે ચોથું પદ પ્રસર્તું સૂક્ષ્મ ધ્વનિથી
અખંડે કે ખંડે તવ પદ ક્યે ‘ઓમ’ ઈતિ સ્વરે

      હે શરણ આપનાર શંભો ! ઋણ , યજુર અને સામ એ ત્રણે વેદ , જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ અંતઃ કરણની વૃત્તિઓ, ભૂઃ ભુવઃ અને સ્વઃ લોક અને ત્રણે દેવો બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એટલે સર્ગ, સ્થિતિ અને લય. એ સર્વેને અકાર, ઉકાર અને મકાર એ ત્રણેય અક્ષરો વડે ભિન્ન સ્વરુપ પ્રતિપાદન કરતું  બને છે.

       તે પ્રમાણે નિર્વિકાર અને સર્વોપયોગી ભિન્ન અને અવસ્થાથી પાર એવું ચોથું જે આપનું અખંડ ચૈતન્ય સ્વરુપ છે.

    ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ,ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન એ આપના આઠ નામ પ્રમાણે તે પ્રત્યેક નામની શ્રુતિ પણ ઉપદેશ કરે છે.સર્વનું કલ્યાણ કરનાર સ્વપ્રકાશ, ચૈતન્યસ્વરુપ, પરોક્ષ છતાં પ્રિય અને સર્વનું કલ્યાણ કરનાર તેજઃસ્વરૂપ એવા આપ શંકરને મારા વારંવાર પ્રણામ.

30 જુન 1996:- અગિયારમો દિવસ

અહીંથી યાત્રાનો બીજો તબક્કો શરુ થાય છે.

 લિપુલેહ ઘાટ  

 

 લિપુલેહ ઘાટ પસાર કરતા

          નબી-ઢાંગ થી ચાઈના બૉર્ડર પસાર કરી ‘તકલાકોટ’ પહોંચવાનું હતું. રસ્તામાં ‘લિપુલેહ પાસ’ આવે છે. આ ‘લિપુલેહ પાસ’ 16,750 ફૂટની ઊંચાઈએ આવેલ છે. જ્યાં બે ઋતુમાંની એક ઋતુ હોય છે. કાંતો સખત ઠંડી સાથે બરફ, કાંતો સખત વરસાદ. અમે આ બધી ઋતુઓનો ‘લિપુલેખ ઘાટ’ પસાર કરતા અનુભવ કરી લીધો.

    ચાઈનાનો સમય આપણા સમય કરતાં 2 ½ કલાક આગળ હોવાથી મધરાતે 1 ½ વાગે ઊઠી નિત્યકર્મ પતાવી અમે 2 ½ વાગે લિપુલેખ તરફ જવા પ્રયાણ કર્યું. થર્મલ, સ્વેટર, હાથનાં મોજાં, બુઢિયા ટોપી, રેઈન કોટ વગેરે બધું પહેરી, હાથમાં બેટરી રાખી ચાલવું પડે છે. સવારના સાત વાગે લિપુલેહ ઘાટ પાસે પહોંચવું પડે છે કારણ યાત્રાથી પાછી ફરતી બૅચને લઈ ITBP ના જવાનોએ લેવાની હોય છે અને યાત્રાએ જતી બૅચની સોંપણી કરવાની હોય છે.

      લિપુલેહ ઘાટ સુધી પહોંચતા પહેલા ત્રણેક કિ.મી. દૂરથી જ બરફ છવાયેલો હતો. નબીઢાંગથી નીકળતા જ વરસાદનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું સ્વપનું પરિપૂર્ણ કરવાની મહેચ્છાથી ઉમળકાભેર તૈયાર થઈને ચાલવા લાગ્યાં.

      આ તબક્કે આપણાં સેવાભાવી પહાડી ઘોડાવાળા અને પૉર્ટરોની મદદ વગર શહેરી લોકો આગળ વધી જ ન શકે તેઓને મારા શત શત પ્રણામ. દરેકે દરેક કેમ્પ પર સામાન લાવવો, ગોઠવવો, ખોલવો બંધ કરવો, ગરમ પાણીની સગવડ કરવી, થાકેલા પગની માલિશ કરવી, કપડાં પણ ધોઈ આપવા વગેરે નાના મોટાં કામ કરી આપવા વગેરે આ પહાડી પ્રજા જ આપણને કરી આપે. રસ્તામાં હાથ પકડી રસ્તો કાપવામાં મદદ કરે , આપણો સામાન ઉચકે અને રસ્તામાંથી પસાર થતાં ગામડામાંથી લોકોની શીખ સાંભળવી કે ‘યાત્રીઓનું ધ્યાન રાખજો’ વગેરે વગેરે…….. આવા સહૃદયી, સદભાવી પહાડી લોકોને મારા શત શત પ્રણામ.

      જેમ જેમ લિપુલેહ ઘાટની નજીક આવતા ગયાં તેમ તેમ વરસાદનું જોર વધતું ગયું અને આગળ જતાં હિમવર્ષા ચાલુ થઈ. આઈ.ટી.બી.પી.ના જવાનો, પૉર્ટરો અને ઘોડાવાળાની મદદ અને લાકડી, જે આ યાત્રામાં ત્રીજો પગ ગણાય છે, તો ખરી જ, પણ ચાલુ બરફમાં ખૂંપાતા ખૂંપાતા લિપુલેહ ઘાટ પહોંચ્યા.

      તિબેટી ભાષામાં સંગ લાંબો ત્સે લાહને નામે ઓળખાતો ‘લિપુલેહ ઘાટ’ લગભગ 16,750 ફૂટની ઊંચાઈએ આવેલો હિમાલયની પર્વતમાળાનું તિબેટનું એક પ્રવેશદ્વાર છે. વર્ષો પૂર્વે આ રસ્તે તિબેટ, ભારત વચ્ચેનો વ્યાપાર વહેવાર આ રસ્તે થતો હતો. જ્યારથી તિબેટ ચીનમાં જતું રહ્યું હતું ત્યારથી બે દાયકાથી આ રસ્તો બંધ હતો. પરતું હવે 1986થી આ રસ્તો કૈલાશ માનસરોવરની યાત્રા માટે ખોલાયો છે. લિપુલેહ પર્વતનું આ શિખર એટલે લગભગ 25-30 ફૂટ પહોળો એક પટ્ટો.. એની એક બાજુ ભારત અને બીજીબાજુ તિબેટ દેખાય. બન્ને તરફ ગીરીશિખરોની અડીખમ દિવાલ છવાઈ છે.

        બન્ને તરફ બરફની સફેદ ચાદર છવાઈ હતી. ગાત્રો થીજવી નાખે તેવી ઠંડી, બરફનુ તોફાન થંભવાનું નામ નો’તું લેતું. ચઢાણને કારણે શ્વાસમાં તકલિફ પડતી હતી. ત્રણ ત્રણ જોડી કપડાં પહેર્યાં હોવા છતાં દરેકનાં શરીર અકડાવવા માંડ્યાં હતાં. દરેકને મોત વ્હેંત છેટું લાગતું હતું. દરેકને થીજી જવાની દહેશત ઘર કરી હતી. કુદરત પાસે વામણાં લાગતાં કોઈપણ યાત્રીઓએ પોતાની શ્રદ્ધા છોડી ન હતી. દરેકે દરેક યાત્રીઓ એકબીજાને મદદ કરવામાં પાછી પાની કરતા ન હતાં. સુધીર તથા બચુભાઈ પ્રજાપતિમાં એક અજબની શક્તિ પ્રભુએ આ વખતે અર્પી દીધી કે તે બન્ને પોતપોતાની રીતે દરેક યાત્રીઓની મદદ કરવી ચાલુ કરી દીધી. દરેકના મોઢા પર એક્ષ્સ ઑઈલની માલિશ કરવા માંડ્યા. દરેકને સૂંઠની ગોળી ખવડાવવા લાગ્યા. જે વધુ ઠંડા પડતા ગયા તેઓને ‘બ્રાંડી’ પીવડવતા ગયા અને ગરમાટનો અનુભવ કરાવતા ગયા. આ વખતે બધા યાત્રીઓ આ બન્નેને આશીર્વાદ આપતા ગયા. અહીંથી ઘોડાવાળા અને પૉર્ટર છૂટા પડવાના હતાં અને સહુએ પોતાનો સામાન પોતે ઊચકવાનો હતો. અને આ તબક્કે ઘણું અઘરૂં હતું. યાત્રીઓની આ પરિસ્થિતી જોઈને અમારા એલ.ઓ. અને ચાઈનીસ ગાઈડે અમને આગળ વધવાની પરવાનગી આપી. કુદરતનો કરીશ્મા તો જૂઓ ભારત્ની બાજુએ બરફ્નું તોફાન અને તિબેટ બાજુ પર શાંત વાતાવરણ. તિબેટમાં ન’તો એટલો સ્નો કે ન’તો વાતાવરણમાં તોફાન.

       1 કિ.મી. નીચે ઉતર્યા બાદ સામે થી પહેલા નંબરનો બૅચ સામે મળ્યો. ઉતરાણ કપરું હોવાથી યાત્રીઓ એકબીજાની સહાયતાથી નીચે ઉતરવા લાગ્યાં. આમ 9 દિવસની સાહ્યબીનો નશો આ ઉતરાણમાં ઊતરી ગયો અને પૉર્ટરોનું મહત્વ સમજાઈ ગયું. અહીં ‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ કહેવતનું જ્ઞાન થઈ ગયું.

       નીચે ઉતરતાં વેંત જ તિબેટિયન ઘોડાવાળા તૈયાર હતાં. તેમની વેશભૂષા જોતાં વેંત અમે સહુ પહેલા તો ગભરાઈ ગયાં. ચારેબાજુથી આ બિહામણા લાગતા ઘોડાવાળાથી અમે ઘેરાઈ ગયા. એક અમ્ને એકબાજુથી ખેંચે અને બીજો બીજી બાજુથી. ભાષાથી અજાણ અમે મુંઝવણમાં પડી ગયાં કે શું કરવું ? આખરે ચાઈનીસ ગાઈડે બધાને સમજાવીને વારાફરતી બધાને ઘોડા પર બેસાડ્યા. અહીંના ઘોડા ઊંચા અને મજબૂત પણ ભારત્ની જેમ એક ઘોડાનો માલિક એક હોય એવું ન હતું. અહીંતો પાંચ ઘોડાનો એક જ માલિક. પાંચ કિ.મી.નું અંતર કાપતા સૌ થાકી ગયાં 5 કિ.મિ.નાં અંતરે આવતી નદી પાર કરી સામે ઊભેલી બસમાં બેસી 20. કિ.મી. અંતરે આવેલા ‘તકલા કોટ’ નામના ગામે પહોંચવાનું હતું. આ ગામ સુધી પહોંચવાનો રસ્તો ધુળિયો અને પથરાળ હતો. . ધૂળની ડમરીમાં પસાર થઈ ચીનની સરહદનાં પ્રથમ ગામ ‘તકલાકોટ’નાં ‘પુરંગ’ નામના ગેસ્ટહાઉસમાં અમારો ઉતારો હતો.

        ભારત કરતા ચીનનો [તિબેટ હવે ચીનનો એક ભાગ થઈ ગયો છે.] સમય 2 ½ કલાક આગળ હોવાથી ત્યાનો સૂર્યોદય સવારે 8 વાગે થાય છે અને સૂર્યાસ્ત રાતના દસ વાગે થાય છે [જુન,જુલાઈ મહિનામાં]. તકલાકોટમાં અમારા સામાનની અને પાસપૉર્ટની ચકાસણી થઈ. અમે યાત્રાની ફી પેટે દરેક યાત્રીએ 500 ડૉલર ચૂકવ્યા. આમ દસ દિવસે કોઈ હોટલમાં ઉતર્યાનો અમે અનુભવ કર્યો પણ અહીં બાથરૂમ,સંડાસની કે પાણીની સગવડ સારી ન હતી. ખોરાકમાં ચાઈનીઝ ખોરાક દરેકને અનુકૂળ ન પડતું. પણ કહેવાય છે ને કે ‘ભૂખ ન જુએ ભાખરો અને ઊંઘ ન જુએ ખાટલો’ તેમ દરેકે વિકલ્પ વિના સ્વીકારી લીધું. સાંજના બધાએ નેપાલી બજારમાં ફરી માનસરોવરના જળ માટે પ્લાસ્ટિકનાં કૅન ખરીદ્યા અને કરનાળી નદીની આસપાસ ફરવામાં સમય વિતાવ્યો.

                                                                                        વધુ આવતા અંકે………….

                                                     ૐ નમઃ શિવાય


4 comments January 26, 2008

તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા

                                   આજે પોષ વદ એકમ

આજનો સુવિચાર:- આપણે જો ઈચ્છીએ તો નાની કે મોટી દરેક ભૂલ આપણી શિક્ષક બની શકે છે.

હેલ્થ ટીપ્સ:- કુંવારપાઠુંનો પાક શરીરમાં થતા વાયુ અને સાંધાના દુઃખાવામાં ફાયદો કરે છે.

 

જય હિન્દનો જય ઘોષ આપનારા સુભાષચંદ્ર બોઝ

‘તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’

     જેમનો લલકાર હતો તે સુભાષચંદ્ર બોઝની આજે જન્મદિન છે. 23 જાન્યુઆરી 1897માં સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝનો જન્મ બંગાળના કોડિલિયા ગામે થયો હતો. એ સદીમાં જન્મ લેવો સદભાગ્ય ગણાતુ હતું. દેશની બુરી હાલત જોઈ તેમના મન પર ભારે અસર થઈ હતી. મેટ્રિક થયા બાદ હિમાલયમાં ગુરુની શોધમાં નીકળી પડ્યા. ગુરુ પાસેથી તેમને મોક્ષની સિદ્ધિની અપેક્ષા ન હતી પરંતુ માતૃભૂમિની સેવા શીખવે તેવો ધર્મ શીખવો હતો. થાકી પાછા ફરી તેઓ ચિત્તરંજનબાબુ પાસે આવી રહ્યા. દેશબંધુએ તમને રાષ્ટ્રિય વિદ્યાપીઠના આચાર્ય બનાવ્યા હતા. પછી તો જેલવાસનો સિલસિલો ચાલુ થયો. સુભાષબાબુએ જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ સૌ સાથે કામ કર્યું હતું.

        1937માં તેઓ હરિપુરા કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. પછી તો તેમણે કોંગ્રેસ પણ છોડી.ગુપ્ત વેશે દેશદેશાવર ફર્યા. આઝાદ હિંદની ફોજની સ્થાપના કરી. યુવાનોને પડકાર ફેંક્યો,’તુમ મુઝે ખૂન દો મૈં તુમ્હે આઝાદી દૂંગા’. તેઓ દ્રઢતાપૂર્વક માનતા હતા કે લશ્કરી તાકાતથી જ ભારતની મુક્તિ શક્ય થશે. જાપાને જીતેલા આંદામાન નિકોબાર ટાપુઓ તેમને સોંપાયા. એમના પડકારથી જ ભારતીય ભૂમિસેના, નૌસેના અને વાયુદળનો વિદ્રોહ ફાટ્યો.

             સુભાષચંદ્ર બોઝે મશહૂર ‘જય હિન્દ’નું સૂત્ર ગૂંજતું કર્યું. 19-8-1945ના દિવસે ટોકિયો જતા વિમાની અક્સ્માતમાં તેમનું અવસાન થયું. આવા વીર પુરુષને શત શત પ્રણામ.

                                             ૐ નમઃ શિવાય


2 comments January 23, 2008

ત્રણ માછલીઓ

                             આજે પોષ સુદ પૂનમ

આજનો સુવિચાર:- મોટી અને દિલદરિયાવ નિષ્ફળતાઓ દ્વારા માણસ પ્રગતિ કરતો હોય છે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચા ઘઉંના લોટમાં દૂધ ભેળવી ચહેરા પર રગડી ઠંડા પાણીથી ચહેરો ધોવાથી નિસ્તેજ બનેલો ચહેરો નીખરી ઊઠશે.

                                              ત્રણ માછલીઓ

એક સરોવર હતું.
તેમાં ત્રણ માછલીઓ રહેતી હતી.

આ ત્રણ માછલીઓમાં એક માછલી ચતુર હતી.
બીજી માછલી ભોળી હતી.
અને ત્રીજી માછલી આળસુ હતી.

એક દિવસ ચતુર માછલીને એક વિચાર આવ્યો કે
આ સરોવરના કિનારે માછીમારો આવે છે
અને કોને ખબર છે કે આ માછીમારો ક્યારે જાળ નાખી અમને પકડી લેશે.
માટે તેણે બીજી બે માછલીઓને કહ્યું કે,
‘ ચાલો બહેનો આપણે આ સરોવર છોડી બીજે જતાં રહીએ.

ભોળી માછલી કહે,’ માછીમારો મારી નાખશે?
આવશે ત્યારે જોયું જશે.
આવા વિચારે આપણે શા માટે
આપણું સરોવર છોડી નાસી જવું?’

આળસુ માછલી કહે,’ હું તો ક્યાંય નથી જવાની જે થવું હોય તે થાય.’

આમ ચતુર માછલી તો પહેલેથી જ દૂર દૂર જતી રહી.

માછીમારોએ જાળ નાખી.
આ જોઈને ભોળી માછલી ઝડપથી નાસવા લાગી.
એટલે તે બચી ગઈ.
પણ આળસુ માછલી તો ત્યાં જ પડી રહી.
છેવટે તે માછીમારોની જાળમાં ફસાઈ ગઈ.

બોધ: આળસુનો અંત વહેલો આવે છે.
નવો બોધ: આળસુ લોકોએ ચતુર લોકોની સલાહ માનવામાં આળસ ન કરવી.

                                                    સૌજન્ય:- રીડીફ ગુજરાતી

                                           ૐ નમઃ શિવાય


2 comments January 22, 2008

અત્યાર સુધી લખાયેલી હેલ્થ ટીપ્સનાં થોડાંક અંશ

                            આજે પોષ સુદ બારસ [અગિયારસનો ક્ષય]

આજનો સુવિચાર:- બીજાનાં સારાં કામનાં વખાણ કરવાનું ચૂકશો નહિ, જેથી તે સારાં કામ કરવા પ્રયાસ કરે.

હેલ્થ ટીપ્સ:- 5 ગ્રામ મુલતાની માટી, 2 ગ્રામ મધ, 1.5 બદામ રોગન, 5 ml દૂધ ભેગા કરી ફેસપેક બનાવી ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દઈ પહેલા ગરમ પાણી અને ત્યારબાદ ઠંડા પાણી ધોઈ કાઢો. ચહેરો નીખરી ઉઠશે.

હેલ્થ ટીપ્સ:- તડબૂચની અંદરના ગર્ભનો ગર કરી તેમાં ગુલાબજળ ભેળવી સાકર સાથે પીવાથી પેટની ગરમી દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- માત્ર કાકડી ખાઈ થોડા દિવસ રહેવાથી મેદ ઘટે છે.

હેલ્થ ટીપ્સ:- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

હેલ્થ ટીપ્સ:-સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.

હેલ્થ ટીપ્સ:- અઠવાડિયે એક વખત હૉટ ટૉવેલ અને ઑઈલિંગ કર્યા પછી 10 થી 15 મિનિટ માટે વાળમાં દહીં નાખવું વાળનાં ટેક્શચર પ્રમાણે શેમ્પૂ કરવું આનાથી વાળનો ગ્રોથ વધે છે અને ખરતાં અટકે છે.

હેલ્થ ટીપ્સ:- આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી મેથીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી સાંધાના વા માં અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.

હેલ્થ ટીપ્સ:- 3 થી 4 હીમજને એરંડિયામાં શેકીને રોજ રાત્રે લેવાથી કબજિયાત દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- સૂકામેવાના પ્રમાણસરના ઉપયોગથી શરીરના રક્તની અમ્લતા અને ક્ષારતાની સમતુલા જળવાય છે, આથી સ્વસ્થતા જળવાય છે.

હેલ્થ ટીપ્સ:- ઉલટી જેવું લાગતું હોય ત્યારે જીરૂ ચાવીને ખાવું.

હેલ્થ ટીપ્સ:-. સુકા રહેતા હોઠ પર દિવસમાં એકવાર કોપરેલ અથવા ઑલિવ ઑઈલનું પાંચ મિનિટ માલિશ કરવાથી ફાયદો થાય છે.

હેલ્થ ટીપ્સ:- 1 ગ્રામ કેસરમાં 5 ગ્રામ ઈલાયચીનો ભૂકો ભેળવી રાખો. ચામાં ચપટી પાઉડર નાખી પીવાથી ચાનો સ્વાદ તથા સુગંધી આલ્હાદક થઈ જશે.

હેલ્થ ટીપ્સ:- બે ટીપાં સરસવના તેલમાં એક ચપટી મીઠું ભેળવી દાંત સાફ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે.

હેલ્થ ટીપ્સ:- પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે.

હેલ્થ ટીપ્સ:- બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.

હેલ્થ ટીપ્સ:- આંબાની ગોટલી અને આમળાને પાણીમાં પલાડી ચોળીને માથામાં લેપ કરવાથી વાળ કાળા અને લાંબા થાય છે.

હેલ્થ ટીપ્સ:- નવી માન્યતા મુજબ ભોજન સાથે લીધેલા ડૅરી પ્રોડક્ટમાંના કેલ્શિયમથી કિડનીમાં થતા સ્ટોન અટકે છે.

હેલ્થ ટીપ્સ:- જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે.

                                          ૐ નમઃ શિવાય


1 comment January 19, 2008

કોશિશ તો કરો !

                                 આજે પોષ સુદ નોમ

આજનો સુવિચાર:- ઉપર જવાનો કે નીચે ઉતરવાનો રસ્તો એક જ હોય છે.

હેલ્થ ટીપ:- મધનું સેવન શરીરનો મેદ હરે છે.

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;

સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;

હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .

જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;

પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો

કવિ:- ?

                                          ૐ નમઃ શિવાય


6 comments January 17, 2008

આજનો S. M. S.

                           આજે પોષ સુદ આઠમ

આજનો સુવિચાર:- આપણા સમય અને શક્તિ જો વ્યર્થ વિચારોમાં જ ખર્ચાઈ જાય તો આપણા કામમાં અસરકારકતા કઈ રીતે આવી શકે? — પ્રધાનમંત્રી મનમોહનસિંહ

હેલ્થ ટીપ:- મેથીનાં કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થાય છે.

આજનો S. M. S.

મીઠે ગુડમેં મિલ ગયા તીલ,

ઊડી પતંગ ઔર ખીલ ગયા દિલ,

હર પલ સુખ ઔર હર દિન શાંતિ,

આપકે લિયે હેપી સંક્રાંતિ.
 

                                     ૐ નમઃ શિવાય


Add comment January 16, 2008

મકર સંક્રાંતિ

                          આજે પોષ સુદ સાતમ

આજનો સુવિચાર:- મૌન અને હાસ્ય એ બન્ને જીવનનાં મજબૂત શસ્ત્ર છે.
                                મૌનથી જીવનનાં ઘણી સમસ્યા ટાળી શકાય છે. જ્યારે…
                                હાસ્યથી જીવનની ઘણી સમસ્યા ઉકેલી શકાય છે.

આજની હેલ્થ ટીપ:- સૂંઠના પાઉડરને છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી અતિસાર [ઝાડા] મટે છે.

                                    મકર સંક્રાંતિ [ઉત્તરાયણ]

સામાન્ય રીતે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ 14મી જાનુઆરીએ આવે છે પણ આ વખતે તા. 14મીની મધરાત્રી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી મકર સંક્રાંતિ તા. 15મી જાન્યુઆરીએ ગણાશે.

તો આ વખતે ઉત્તરાયણ 15મી જાન્યુઆરીએ શા માટે આવે છે તે જોઈએ.

આપણે વર્ષોથી 14મી જાન્યુઆરીએ મનાવતા આવ્યાં છીએ એટલે 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે એ સાંભળતા અજુગતુ લાગે છે. આજની પેઢી અને ગઈકાલની પેઢીને આ પ્રથમવાર સાંભળે છે. સૂર્ય જ્યારે ઉત્તરાયણ કરે ત્યારે તેની શક્તિ અને ગરમીમાં વધારો થાય છે. જેની અસર પૂરી દુનિયા પર પડે છે. સૂર્ય એક વર્ષમાં 12 રાશિમાંથી પસાર થાય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકરસંક્રાંતિ કહેવાય છે.

      હવે એનું ભૌગોકિલ કારણ જાણીયે. સૂર્ય દક્ષિણની જગ્યા ઉત્તર તરફ ગતિ કરે છે. સૂર્ય 72 વર્ષમાં એક અંશ આગળ વધે છે. આજ પછી 2080ની સાલ સુધી 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવાશે. હિંદુઓનાં દરેક તહેવાર ચંદ્ર રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. ફક્ત મકરસંક્રાંતિ સૂર્ય રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે ઈ.સ. 280માં 21મી ડિસેંબરના રોજ મકરસંક્રાંતિ મનાવવામાં આવી હતી.

            દુનિયાનાં લગભગ દરેક દેશમાં મકર સંક્રાંતિની ઉજવણી પતંગ ઉડાડીને થાય છે. પતંગની શરૂઆત ઈ.સ. પૂર્વની ત્રીજી સદીમાં ચીનમાં થઈ હતી. ત્યારબાદ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આગવી પતંગ સંસ્કૃતિનો જન્મ લીધો.

     આજના જમાના પ્રમાણે પતંગ આપણને સરસ વાત સમજાવે છે. પતંગ એને કહેવાય કે જે પાંચને હેરાન કરે. આ પાંચ તે
1] વાલીઓ 2] વાહનચાલક 3] પોલીસ 4] ડૉક્ટર 5] સરકાર.

બીજી વાત લોકૌક્તિ પ્રમાણે પતંગ પાંચને ખૂશ કરે છે.

1] બાળકો 2] યુવાનો 3] તોફાનીઓ 4] પતંગના વેપારીઓને 5] પતંગની દોરી તૈયાર કરનારાને

છે ને મઝાની વાત ! ! ! ! !!!!!!

આપ સૌને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ

                                  ૐ નમઃ શિવાય


5 comments January 15, 2008

તલની ચીકી

                         આજે પોષ સુદ ચોથ

આજનો સુવિચાર:- ઈશ્વરનું કામ કરનારો એકલવીર ક્યારેય એકલો હોતો નથી.

હેલ્થ ટીપ્સ:- અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે.

તા. 14 જાનુઆરી એટલે મકર સંક્રાંતીનો દિવસ. મહારાષ્ટ્રમાં આ ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. સ્ત્રીઓ એકબીજાને મળે છે. કપાળે કંકુ ચોખા લગાડે છે અને તલનાં લાડુ એકબીજાને આપી કહે છે.

તીલગુળ ગ્યા આણી ગોડ ગોડ બોલા

એટલે તલનાં લાડુ ખાઓ અને મીઠું મીઠું બોલો..

આજે આપણે તલની ચીકી બનાવીએ.

[મુંબઈ સ્થિત શ્રીમતી રત્નાબેન કડકિયાએ આ તલની ચીકીની રીત આપી એ બદલ મેઘધનુષ આભારી છે.]

તલની ચીકી

સામગ્રી:-

2   વાડકી શેકેલા તલ
1   વાડકી પાણી
1   વાડકી ગોળ

રીત :-

પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો..
આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
આડણી ઉપર પ્લાસ્ટિક પાથરી આ ગોળાને પાતળા વણવા.
આ વણતા વણતા જ ઠંડા પડી જશે.
ત્યાર બાદ તેના પીઝા કટરથી કટકા કરવા.

તો આપણી તલની ચીકી તૈયાર.

આ રીતે શેકેલી શીંગના બારીક ભૂકાની ચીકી બનાવી શકાય છે. તો ચાલો મકર સંક્રાંતિ માટે ચીકીની તૈયારી કરીએ.

[મુંબઈ સ્થિત શ્રીમતી અરુણાબેન શાહે તલનાં પેંડા અને ખજૂર પાક બનાવવાની રીત મોકલી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

તલનાં પેંડા

 

સામગ્રી:-

100 ગ્રામ શેકેલા તલ

100 ગ્રામ માવો

50 ગ્રામ ઝીણો સમારેલો ગોળ

થોડું ઘી

રીત:-

ઘીમાં ગુલાબી તેટલો માવો શેકવો.
આ શેકાઈ ગયેલા માવામાં ઝીણો સમારેલો ગોળ ભેળવવો.
ગોળ પીગળે ત્યારે તેમાં શેકેલા તલ નાખી હલાવવું.
ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો..
જેવું આ મિશ્રણ જેવું ઠંડુ પડવા માંડે ત્યાએ તેનાં નાના પેંડા આકારનાં ગોળા વાળવા.

તો આપણાં પેંડા પણ તૈયાર થઈ ગયા.

અત્યારે ઠંડી ઋતુ છે. આ ઋતુમાં આપણે આખા વર્ષની શક્તિ મેળવી લેવી જોઈએ. તો ચાલો આપણે એવો જ એક પાક બનાવીએ. અને પાછો ડાયેટ છે એટલે ડાયબીટીસવાળાઓ પણ ખાઈ શકશે.

ડાયેટ ખજૂરપાક

સામગ્રી:-

250 ગ્રામ નરમ કાળુ ખજૂર
3 નંગ સૂકા અંજીર [option]
થોડું ઘી
1 ચમચો બદામ પીસ્તાનો ભૂકો
1 નાનો ચમચી સૂંઠનો પાઉડર
કાજૂ અથવા બદામ [અડધા કરેલા બદામની છાલ કાઢી લેવી]
ચાંદીનો વરખ [optional]

રીત:-


આ ખજૂરનાં ઠળિયા કાઢી લેવાં અથવા તો ઠળિયા વગરનાં ખજૂર લેવાં.
આ ખજૂરને સમારી થોડા ઘીમાં શેકી લેવુ.
 જો અંજીર પણ નાખવા હોય તો તેને પણ ઝીણા સમારી ઘીમાં શેકી લેવાં
નરમ પડે તેમાં બદામ પીસ્તાનો ભૂકો અને સૂંઠનો પાઉડર ભેળવી દો.
મિશ્રણ ઠરે ત્યારે તેનાં લંબગોળ ગોળા [કટલેસ જેવા] બનાવો.
તેની વચ્ચે કાજુ અથવા બદામ મૂકો.
જો ચાંદીનો વરખ લગાડવો હોય તો કાજુ કે બદામ નહીં લગાડાય.

                                            ૐ નમઃ શિવાય


4 comments January 12, 2008

ભેજુ કસો [જવાબ]

                             આજે પોષ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- બીજાએ શું કરવું જોઈએ એ અંગે વિચાર કરવા કરતા પોતે શું કરવું તે   વિચારવું જરૂરી છે.    – રત્નસુંદરવિજયજી

હેલ્થ ટીપ્સ:- કોથમીરને ચાવી ચાવીને ચૂસવાથી ગળાનો દુઃખાવો મટે છે.

                            ભેજુ કસો [જવાબ]

• જીભના કયા ભાગમાં કડવો સ્વાદ પરખાય છે?
  જીભના છેક અંદરના ભાગમાં કડવો સ્વાદ પરખાય છે.

• માનવના ચહેરાનું કયું એકમાત્ર હાડકું હલનચલન કરી શકે છે ?
  માનવના ચહેરાનું ‘લોઅર જો’ નામનું હાડકું જ માત્ર હલન ચલન કરી શકે છે.

• કયા ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે ?
  ’તેન્દુ’ ઝાડનાં પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.

• કઈ ફિલ્મ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત હતી ?
  ’બૉર્ડર’ નામની ફિલ્મ 1971ના ભારત પાકિસ્તાન લડાઈ પર આધારિત હતી.

• અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ કયો છે ?
  અવકાશ યાન મોકલનાર પ્રથમ દેશ ‘રશિયા, યુ. એસ.. એસ. આર.’ હતો..

• ‘એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ નામે ઓળખાતું સંબોધન કોણે આપ્યું હતું?
  ’એ ટ્રીસ્ટ વીથ ડેસ્ટિની’ સંબોધન ‘જવાહરલાલ નહેરુ’એ આપ્યું હતુ.

• સાહિત્યમાં ‘1992’નું નૉબેલ પુરસ્કાર કોને મળ્યું હતું ?
  ’ડિરેક વોલકોટને ‘1992’નું સાહિત્ય નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.

• આંદામાન –નિકોબાર ટાપુ પર દક્ષિણમાં કયો પૉઈંટ આવેલો છે ?
  ઈંદિરા પોઈંટ આવેલો છે.

• ‘શોલે’ પિક્ચરમાં જેલરની ભૂમિકા કોણે ભજવી હતી?
  અસરાનીએ આ ભૂમિકા ભજવી હતી.

• કન્યાકુમારી ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
  ‘કન્યાકુમારી’ તામિલનાડુમાં આવેલું છે.

• કયા દેશમાં એક પણ નદી નથી ?
  ’સાઉદી અરેબિયા’માં એકપણ નદી નથી.

• વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટીનું નામ શું ?
  ઈટાલીની ‘પામિયા યુનિવર્સિટી’ વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી છે.

• કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી ?
  ઈ.સ.1911ની સાલમાં દિલ્હીની રાજધાની બનાવવામાં આવી હતી.

• ભારતીય ખેલાડીના નામ પર શતરંજમાં કઈ આંતરરાષ્ટ્રીય ટ્રોફી અપાય છે ?
  ’ખાડીલકર’ ટ્રોફી જે ભારતીય ખેલાડીઓ પરથી રાખવામાં આવ્યું હતું.

• કયા ઑસ્ટ્રેલિયન ખેલાડીએ તેની પ્રથમ અને છેલ્લી બંને ટેસ્ટમાં સદી નોંધાવી છે ?
  ગ્રેગ ચેપલે પ્રથમ અને છેલ્લી બન્ને ટેસ્ટમાં સદી નોંધવી છે.

                                   ૐ નમઃ શિવાય


2 comments January 11, 2008

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

January 2008
M T W T F S S
« Dec   Feb »
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links