જીવનું શિવ પ્રતિ પ્રયાણ [4]
January 26, 2008
આજે પોષ વદ ચોથ [આજે 26મી જાનુઆરી ભારતનો પ્રજાસત્તાક દિન]
આજનો સુવિચાર:- ઉપદેશ આપવા કરતાં ઉદાહરણરૂપ બનવું સો દરજ્જે સારી વાત છે.
હેલ્થ ટીપ્સ:- કુમળા મૂળામાં સાકર ભેળવીને ખાવાથી ઍસિડિટી પર રાહત રહે છે.

ત્રયીં તિસ્ત્રો વૃત્રીસ ત્રિભોવનમયો
ત્રીનપિ સુરા- નકારોધૈર્વણીસ
ત્રિભિરભિદધત્તતીર્ણવિકૃતિ
તુરીયં તે ધામ ધ્વનિભિરવરુન્ધાનમણુભિઃ
સમસ્તં વ્યસ્તં ત્વાં શરણદ ગૃણાત્યોમિતિ પદમ
ત્રિ-વેદો, ત્રિવૃત્તિ, ત્રણ-ભુવન, દેવો ત્રણ અને
ત્રિવર્ણો માંહી એ અ-ઉ-મ વિકૃતિથી પર રહ્યું
તમારું જે ચોથું પદ પ્રસર્તું સૂક્ષ્મ ધ્વનિથી
અખંડે કે ખંડે તવ પદ ક્યે ‘ઓમ’ ઈતિ સ્વરે
હે શરણ આપનાર શંભો ! ઋણ , યજુર અને સામ એ ત્રણે વેદ , જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ એ અંતઃ કરણની વૃત્તિઓ, ભૂઃ ભુવઃ અને સ્વઃ લોક અને ત્રણે દેવો બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ એટલે સર્ગ, સ્થિતિ અને લય. એ સર્વેને અકાર, ઉકાર અને મકાર એ ત્રણેય અક્ષરો વડે ભિન્ન સ્વરુપ પ્રતિપાદન કરતું ૐ બને છે.
તે પ્રમાણે નિર્વિકાર અને સર્વોપયોગી ભિન્ન અને અવસ્થાથી પાર એવું ચોથું જે આપનું અખંડ ચૈતન્ય સ્વરુપ છે.
ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ,ઉગ્ર, મહાદેવ, ભીમ અને ઈશાન એ આપના આઠ નામ પ્રમાણે તે પ્રત્યેક નામની શ્રુતિ પણ ઉપદેશ કરે છે.સર્વનું કલ્યાણ કરનાર સ્વપ્રકાશ, ચૈતન્યસ્વરુપ, પરોક્ષ છતાં પ્રિય અને સર્વનું કલ્યાણ કરનાર તેજઃસ્વરૂપ એવા આપ શંકરને મારા વારંવાર પ્રણામ.
30 જુન 1996:- અગિયારમો દિવસ
અહીંથી યાત્રાનો બીજો તબક્કો શરુ થાય છે.

લિપુલેહ ઘાટ
લિપુલેહ ઘાટ પસાર કરતા
નબી-ઢાંગ થી ચાઈના બૉર્ડર પસાર કરી ‘તકલાકોટ’ પહોંચવાનું હતું. રસ્તામાં ‘લિપુલેહ પાસ’ આવે છે. આ ‘લિપુલેહ પાસ’ 16,750 ફૂટની ઊંચાઈએ આવેલ છે. જ્યાં બે ઋતુમાંની એક ઋતુ હોય છે. કાંતો સખત ઠંડી સાથે બરફ, કાંતો સખત વરસાદ. અમે આ બધી ઋતુઓનો ‘લિપુલેખ ઘાટ’ પસાર કરતા અનુભવ કરી લીધો.
ચાઈનાનો સમય આપણા સમય કરતાં 2 ½ કલાક આગળ હોવાથી મધરાતે 1 ½ વાગે ઊઠી નિત્યકર્મ પતાવી અમે 2 ½ વાગે લિપુલેખ તરફ જવા પ્રયાણ કર્યું. થર્મલ, સ્વેટર, હાથનાં મોજાં, બુઢિયા ટોપી, રેઈન કોટ વગેરે બધું પહેરી, હાથમાં બેટરી રાખી ચાલવું પડે છે. સવારના સાત વાગે લિપુલેહ ઘાટ પાસે પહોંચવું પડે છે કારણ યાત્રાથી પાછી ફરતી બૅચને લઈ ITBP ના જવાનોએ લેવાની હોય છે અને યાત્રાએ જતી બૅચની સોંપણી કરવાની હોય છે.
લિપુલેહ ઘાટ સુધી પહોંચતા પહેલા ત્રણેક કિ.મી. દૂરથી જ બરફ છવાયેલો હતો. નબીઢાંગથી નીકળતા જ વરસાદનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું સ્વપનું પરિપૂર્ણ કરવાની મહેચ્છાથી ઉમળકાભેર તૈયાર થઈને ચાલવા લાગ્યાં.
આ તબક્કે આપણાં સેવાભાવી પહાડી ઘોડાવાળા અને પૉર્ટરોની મદદ વગર શહેરી લોકો આગળ વધી જ ન શકે તેઓને મારા શત શત પ્રણામ. દરેકે દરેક કેમ્પ પર સામાન લાવવો, ગોઠવવો, ખોલવો બંધ કરવો, ગરમ પાણીની સગવડ કરવી, થાકેલા પગની માલિશ કરવી, કપડાં પણ ધોઈ આપવા વગેરે નાના મોટાં કામ કરી આપવા વગેરે આ પહાડી પ્રજા જ આપણને કરી આપે. રસ્તામાં હાથ પકડી રસ્તો કાપવામાં મદદ કરે , આપણો સામાન ઉચકે અને રસ્તામાંથી પસાર થતાં ગામડામાંથી લોકોની શીખ સાંભળવી કે ‘યાત્રીઓનું ધ્યાન રાખજો’ વગેરે વગેરે…….. આવા સહૃદયી, સદભાવી પહાડી લોકોને મારા શત શત પ્રણામ.
જેમ જેમ લિપુલેહ ઘાટની નજીક આવતા ગયાં તેમ તેમ વરસાદનું જોર વધતું ગયું અને આગળ જતાં હિમવર્ષા ચાલુ થઈ. આઈ.ટી.બી.પી.ના જવાનો, પૉર્ટરો અને ઘોડાવાળાની મદદ અને લાકડી, જે આ યાત્રામાં ત્રીજો પગ ગણાય છે, તો ખરી જ, પણ ચાલુ બરફમાં ખૂંપાતા ખૂંપાતા લિપુલેહ ઘાટ પહોંચ્યા.
તિબેટી ભાષામાં સંગ લાંબો ત્સે લાહને નામે ઓળખાતો ‘લિપુલેહ ઘાટ’ લગભગ 16,750 ફૂટની ઊંચાઈએ આવેલો હિમાલયની પર્વતમાળાનું તિબેટનું એક પ્રવેશદ્વાર છે. વર્ષો પૂર્વે આ રસ્તે તિબેટ, ભારત વચ્ચેનો વ્યાપાર વહેવાર આ રસ્તે થતો હતો. જ્યારથી તિબેટ ચીનમાં જતું રહ્યું હતું ત્યારથી બે દાયકાથી આ રસ્તો બંધ હતો. પરતું હવે 1986થી આ રસ્તો કૈલાશ માનસરોવરની યાત્રા માટે ખોલાયો છે. લિપુલેહ પર્વતનું આ શિખર એટલે લગભગ 25-30 ફૂટ પહોળો એક પટ્ટો.. એની એક બાજુ ભારત અને બીજીબાજુ તિબેટ દેખાય. બન્ને તરફ ગીરીશિખરોની અડીખમ દિવાલ છવાઈ છે.
બન્ને તરફ બરફની સફેદ ચાદર છવાઈ હતી. ગાત્રો થીજવી નાખે તેવી ઠંડી, બરફનુ તોફાન થંભવાનું નામ નો’તું લેતું. ચઢાણને કારણે શ્વાસમાં તકલિફ પડતી હતી. ત્રણ ત્રણ જોડી કપડાં પહેર્યાં હોવા છતાં દરેકનાં શરીર અકડાવવા માંડ્યાં હતાં. દરેકને મોત વ્હેંત છેટું લાગતું હતું. દરેકને થીજી જવાની દહેશત ઘર કરી હતી. કુદરત પાસે વામણાં લાગતાં કોઈપણ યાત્રીઓએ પોતાની શ્રદ્ધા છોડી ન હતી. દરેકે દરેક યાત્રીઓ એકબીજાને મદદ કરવામાં પાછી પાની કરતા ન હતાં. સુધીર તથા બચુભાઈ પ્રજાપતિમાં એક અજબની શક્તિ પ્રભુએ આ વખતે અર્પી દીધી કે તે બન્ને પોતપોતાની રીતે દરેક યાત્રીઓની મદદ કરવી ચાલુ કરી દીધી. દરેકના મોઢા પર એક્ષ્સ ઑઈલની માલિશ કરવા માંડ્યા. દરેકને સૂંઠની ગોળી ખવડાવવા લાગ્યા. જે વધુ ઠંડા પડતા ગયા તેઓને ‘બ્રાંડી’ પીવડવતા ગયા અને ગરમાટનો અનુભવ કરાવતા ગયા. આ વખતે બધા યાત્રીઓ આ બન્નેને આશીર્વાદ આપતા ગયા. અહીંથી ઘોડાવાળા અને પૉર્ટર છૂટા પડવાના હતાં અને સહુએ પોતાનો સામાન પોતે ઊચકવાનો હતો. અને આ તબક્કે ઘણું અઘરૂં હતું. યાત્રીઓની આ પરિસ્થિતી જોઈને અમારા એલ.ઓ. અને ચાઈનીસ ગાઈડે અમને આગળ વધવાની પરવાનગી આપી. કુદરતનો કરીશ્મા તો જૂઓ ભારત્ની બાજુએ બરફ્નું તોફાન અને તિબેટ બાજુ પર શાંત વાતાવરણ. તિબેટમાં ન’તો એટલો સ્નો કે ન’તો વાતાવરણમાં તોફાન.
1 કિ.મી. નીચે ઉતર્યા બાદ સામે થી પહેલા નંબરનો બૅચ સામે મળ્યો. ઉતરાણ કપરું હોવાથી યાત્રીઓ એકબીજાની સહાયતાથી નીચે ઉતરવા લાગ્યાં. આમ 9 દિવસની સાહ્યબીનો નશો આ ઉતરાણમાં ઊતરી ગયો અને પૉર્ટરોનું મહત્વ સમજાઈ ગયું. અહીં ‘આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય’ કહેવતનું જ્ઞાન થઈ ગયું.
નીચે ઉતરતાં વેંત જ તિબેટિયન ઘોડાવાળા તૈયાર હતાં. તેમની વેશભૂષા જોતાં વેંત અમે સહુ પહેલા તો ગભરાઈ ગયાં. ચારેબાજુથી આ બિહામણા લાગતા ઘોડાવાળાથી અમે ઘેરાઈ ગયા. એક અમ્ને એકબાજુથી ખેંચે અને બીજો બીજી બાજુથી. ભાષાથી અજાણ અમે મુંઝવણમાં પડી ગયાં કે શું કરવું ? આખરે ચાઈનીસ ગાઈડે બધાને સમજાવીને વારાફરતી બધાને ઘોડા પર બેસાડ્યા. અહીંના ઘોડા ઊંચા અને મજબૂત પણ ભારત્ની જેમ એક ઘોડાનો માલિક એક હોય એવું ન હતું. અહીંતો પાંચ ઘોડાનો એક જ માલિક. પાંચ કિ.મી.નું અંતર કાપતા સૌ થાકી ગયાં 5 કિ.મિ.નાં અંતરે આવતી નદી પાર કરી સામે ઊભેલી બસમાં બેસી 20. કિ.મી. અંતરે આવેલા ‘તકલા કોટ’ નામના ગામે પહોંચવાનું હતું. આ ગામ સુધી પહોંચવાનો રસ્તો ધુળિયો અને પથરાળ હતો. . ધૂળની ડમરીમાં પસાર થઈ ચીનની સરહદનાં પ્રથમ ગામ ‘તકલાકોટ’નાં ‘પુરંગ’ નામના ગેસ્ટહાઉસમાં અમારો ઉતારો હતો.
ભારત કરતા ચીનનો [તિબેટ હવે ચીનનો એક ભાગ થઈ ગયો છે.] સમય 2 ½ કલાક આગળ હોવાથી ત્યાનો સૂર્યોદય સવારે 8 વાગે થાય છે અને સૂર્યાસ્ત રાતના દસ વાગે થાય છે [જુન,જુલાઈ મહિનામાં]. તકલાકોટમાં અમારા સામાનની અને પાસપૉર્ટની ચકાસણી થઈ. અમે યાત્રાની ફી પેટે દરેક યાત્રીએ 500 ડૉલર ચૂકવ્યા. આમ દસ દિવસે કોઈ હોટલમાં ઉતર્યાનો અમે અનુભવ કર્યો પણ અહીં બાથરૂમ,સંડાસની કે પાણીની સગવડ સારી ન હતી. ખોરાકમાં ચાઈનીઝ ખોરાક દરેકને અનુકૂળ ન પડતું. પણ કહેવાય છે ને કે ‘ભૂખ ન જુએ ભાખરો અને ઊંઘ ન જુએ ખાટલો’ તેમ દરેકે વિકલ્પ વિના સ્વીકારી લીધું. સાંજના બધાએ નેપાલી બજારમાં ફરી માનસરોવરના જળ માટે પ્લાસ્ટિકનાં કૅન ખરીદ્યા અને કરનાળી નદીની આસપાસ ફરવામાં સમય વિતાવ્યો.
વધુ આવતા અંકે………….
ૐ નમઃ શિવાય
Entry Filed under: કુદરત[પ્રવાસ]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
Kapil Dave | January 26, 2008 at 2:06 pm
khubaj saras yaatra karavi tame
ane biji post jaldi mukjo
2.
વિશ્વદીપ બારડ | January 26, 2008 at 7:26 pm
Thank you for such a beautiful pict. and an article.
3.
manvant@aol.com | January 27, 2008 at 8:45 am
અરે મારાં બહેના ! આટલી બધી તકલીફો ?
હવે બીજા ભાગની અપેક્ષામાં……સાભાર !
4.
ashalata | January 29, 2008 at 8:47 pm
saras yatra karavi.
aabhar.