જીવનું શિવ પ્રતિ પ્રયાણ [6]

March 13, 2008

                                    આજે ફાગણ સુદ છઠ

આજનો સુવિચાર:- સારું આરોગ્ય અને સારી સમજ જિંદગીના બે સર્વોત્તમ વરદાન છે.

હેલ્થ ટીપ્સ:- કમરના દુઃખાવામાં ગરમ પાણીમાં મીઠું નાખી કટિસ્નાન કરવું.


| View Show | Create Your Own

                                 માનસ કિનારે

માનસ કિનારે
ચમકતું તારું પાણી
જાણે શ્યામનાં કાનનાં કુંડળ.

તારા કિનારે વેરાયેલા પથ્થર
ફૂલો જાણે રાધા ને કુંતલ.
ઝળુંકતા સફેદ વાદળો,
શ્યામ ઘેરેલી ગાયો.
શાંત સવાર તારે કિનારે,
કૃષ્ણની વાગતી અબોલ.

- રૂચિતા દલાલ [મુંબઈ]

માનસરોવર

અમદાવાદ સ્થિત શ્રી ગૌતમભાઈ પટેલ લખે છે કે

આ યાત્રાને આપણે કૈલાસ માનસરોવર યાત્રા તરીકે ઓળખીએ છીએ. આમાં માનસરોવરનું દર્શન અને પરિક્રમા કૈલાસયાત્રા કરતાં સહેજ પણ ઓછાં આલ્હાદક નથી.’

બૌદ્ધ ધર્મની માન્યતા મુજબ દેવોએ માયાદેવીને સ્નાન કરાવ્યું હતું જેથી તેઓ બુદ્ધ જેવા મહાન આત્માને જન્મ આપવા સમર્થ બને.

     પૌરાણિક કથા મુજબ આ પ્રદેશમાં ઋષિઓ તપ કરતા હતા. વર્ષો સુધી આ પ્રદેશમાં વર્ષાનો અભાવ થયો હતો પરિણામે અહીં પીવાના પાણીની તંગી થઈ ગઈ. તેથી ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા અને જળના અભાવને દૂર કરવાની વિનંતી કરવા લાગ્યા બ્રહ્માજીએ દેવોની માંગણી ધ્યાનમા રાખીને પોતાના મનમાંથી એક સરોવરનું સર્જન કર્યું અને એ મનમાંથી જન્મ્યું તેથી તે માનસસરોવર અથવા માનસરોવર કહેવાયું. તાત્વિક રૂપે માનસરોવરની વાત કરીએ તો માનસિક સત્ય તે જળ અને ધૈર્ય એ તેની ઊંડાઈ છે. આમ જોઈએ તો માનસનું જળ નિર્મળ સત્ય જેવું છે અને તેની ઊંડાઈ ધૈર્ય જેવી અમાપ છે વળી તેમાં શ્રદ્ધાપૂર્વક કરેલું સ્નાન મનુષ્યને પરમતત્વનું, શિવ તત્વનું દર્શન થાય છે. આ મહાન ક્ષણને અનુભવવી એ નિર્મળ તત્વનું શિવ તત્વનું દર્શન અનુભવવા જેવી વાત છે, હૃદયસ્પર્શી વાત છે જેને અનંતતાનો સ્પર્શ કહી શકાય.
      માનસરોવર ‘બિંદુ સાગર’ તરીકે ઓળખાતુ હતુ. કાલિદાસનાં ‘મેઘદૂત’માં માનસરોવરનું અને રાજહંસનું વર્ણન છે. માનસરોવર વિશાળ, નીલરંગી, અતિ શુદ્ધ અને સ્ફટિક સમ પારદર્શક છે. તેનો ઘેરાવો 100 કિ.મીનો અને તેની ઉંડાઈ લગભગ 300 મીટરની છે. તેનાં લહેરાતાં પાણી પર પડતાં સૂર્ય કિરણોથી પાણીનાં રંગમાં વિવિધતા જોવાનો લ્હાવો મળે છે. નીલો, લીલો વગેરે અનેક રંગોનું મિશ્રણ જોવા મળે છે.ગુર્લામાંધાતા પર્વત પરથી આવતાં સૂર્યનાં કિરણો જ્યારે ગગનમાં છવાતાં ત્યારે આ દેવભૂમિ સ્વર્ગભૂમિ બની જતી હોય તેની અનુભૂતિ થાય છે. નીલા આકાશની નીચે આવેલા રૂપેરી બરફાચ્છિત રાખોડી રંગના આ ગુર્લામાંધાતા પર્વતનાં પાદચરણો પાસે આવેલા આ નીલરંગી માનસરોવરનું રૂપ કાંઈ અનોખું છે.અહીં પહોંચ્યા બાદ એની પવિત્રતાની અનુભૂતિ ન થાય તો જીવન એળે ગયું કહેવાય.

           માનસરોવરનું સૌંદર્ય તો પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઊઠે છે. મધ્યરાત્રિનાં શીત, શાંત, સૌમ્ય ચાંદનીમાં મહાલ્યા બાદ પરોઢનાં ધીમા ધીમા ફૂટતા પ્હોની મીઠી મીઠી આલ્હાદ્ક પળો બેમિસાલ છે. રાત્રિનાં ટમટમતાં તારલાઓ એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડ તેમજ કરોડો દેવીદેવતાઓ આ સુંદરતાની ચરમસીમા સમ માનસરોવરમાં ઉતરતા હોય એવી અનુભૂતિ મ્હાલવી જ રહી. એમાં પણ જ્યારે મેઘધનુષ નીલા આકાશમાં પોતાની પણછ ખેંચે છે અને તેનું પ્રતિબિંબ આ નીલરંગી માનસરોવરમાં દ્રશ્યમાન થાય છે ત્યારે બનતું ‘મેઘધનુષી ચક્ર’નું દર્શન તો કોઈ વિરલને જ પ્રાપ્ત થાય છે. અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય એમ આ દેવભૂમિ પર પથરાયેલા છે જે શિવલીંગની જેમ પૂજાય છે. બ્રહ્માજીનાં માનસમાંથી ઉદભવેલું આ સરોવર ચારે વેદોનો સાર છે.

     માનસરોવરની ઉત્તરે કૈલાસ પર્વત છે અને દક્ષિણે ગુર્લા માંધાતા છે પશ્ચિમે રાક્ષસતાલ છે. ગુર્લા એટલે પર્વત અને માંધાંતા એ પર્વતનું નામ છે. કહેવાય છે કે સૂર્યવંશમાં યુવનાશ્વ નામના રાજા થઈ ગયા. તેમને સંતાન ન હોવાથી પુત્ર પ્રાપ્તિ માટે ઋષિઓએ ઈંદ્રદેવનો યજ્ઞ કર્યો. યજ્ઞના મંડપમાં એક કળશમાં મંત્રેલું પાણી મૂક્યું હતું જે બીજે દિવસે રાણીને પીવા માટે આપવાનું હતું. રાજા યુવનાશ્વ રાતના તરસ લાગવાથી ઊઠ્યાં અને કળશમાં પાણી જોઈ એ પાણી પી ગયાં. મંત્રાયેલા આ પાણીથી રાજાને ગર્ભ રહ્યો. પૂરા દિવસ ગયે આજની ભાષામાં ઑપરેશનથી [સીઝેરિયન] બાળકનો જન્મ થયો. પ્રશ્ન ઊભો થયો કે કોને ધાવશે. ત્યારે ઈંદ્રે કહ્યું કે મારા યજ્ઞથી એનો જન્મ થયો માટે એ મને ધાવશે—મામ ધાતા- આથી એનું નામ માંધાતા પડ્યું. એ અત્યંત પરાક્રમી રાજા હતો. આથી આપણી ભાષામાં કહેવત છે ‘તું વળી કોણ માંધાતા?’

        પૌરાણિક કથા મુજબ આ માંધાતા રાજાએ શિવજીને હરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આશીર્વાદરૂપે તેણે શિવજીનાં સાનિધ્યમાં નત મસ્તકે રહેવાનું પસંદ કર્યું. આથી ગુર્લા માંધાંતા હંમેશા કૈલાસની સામે નત મસ્તકે છે. આમ કૈલાસ અને ગુર્લા માંધાતાની વચમાં આ ભવ્ય નિર્મળ સરોવર તે માન સરોવર.તે 15,000 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.

      હોરે નો કિનારો થોડોક કાદવ કીચડવાળો હતો પાણી તો અતિશય શુદ્ધ સ્ફટિક સરીખુ પારદર્શક હતું. હિમ જેવાં ઠંડા પાણીનું પ્રથમ સ્નાન અત્યંત રોમાંચક ભર્યું હતું. શરુઆતમાં થોડી તકલિફ તો પડી પણ ‘ૐ નમઃ શિવાય’નાં પંચાક્ષરી જાપે પાપ સાથે થાક પણ ઉતારી દીધો. ઠંડા પાણીમાં સ્નાન કરવા સરસવનું તેલનું માલિશ આશીર્વાદરૂપ છે. અહીં અમને સુવામાટે બે મોટા ઓરડામાં છ પલંગ મળ્યા હતાં સાથે ઓઢવાનું અને ઓશિકું મળ્યું હતું અને એક રસોઈ કરવાનો અલાયદો ઓરડો મળ્યો હતો. 2000ની સાલમાં પણ આવી જ સગવડ હતી. શ્રી બચુભાઈ પ્રજાપતિને, જેઓ 1993માં આવેલા ત્યારે તેમણે જે જગ્યાએથી સ્નાન કરતા ચાંદીનો સિક્કો મળ્યો હતો, ત્યાં સ્નાન કરતા ફરીથી ચાંનો સિક્કો મળ્યો હતો.

    આજે મેં અમારા બૅચનાં સભ્યો માટે રાંધ્યું હતું.દરેકે ગરમ ગરમ ખાવાનો આનંદ માણ્યો હતો.. દરેકે પોતાના મગ અને ડીશ જાતે ધોવાની હતી. દરેક વિચારતાં કે આ રાંધેલા વાસણ કોણ ધોશે. અમારા ગ્રુપના શ્રી રામનાથ પૈ અને શ્રી સાગર અભ્યંકરે ઊપાડી લીધી હતી. અહીં વીજળીની સગવડ ન હોવાથી સૂર્યનાં પ્રકાશમાં જ બીજા દિવસની તૈયારી કરવાની હતી. જોકે આ દિવસો દરમિયાન અહીં સૂર્યાસ્ત રાતનાં દસ વાગે થાય છે. સૂર્યાસ્ત થતાં ઠંડીનુ જોર પકડાયું હતું. તેથી દરેક જણા વેળાસર કામકાજ પતાવી નિંદ્રાધીન થયાં.

3જી જુલાઈ 1996 ચૌદમો દિવસ:-

    હોરેથી ‘શૃંગુ’ નો રસ્તો રેતાળ છે. લગભગ 42 કિ.મી.નું અંતર છે. માનસની પરિક્રમા આ સમયે ઘોડા ઉપર અથવા ચાલીને થતી હતી. પરંતુ 1999થી આ પરિક્રમા બસમાં [ગવર્મેંટની ટુરમાં] અથવા કારમાં થાય છે. અમારા બૅચનાં છ યાત્રીઓએ આ પરિક્રમા ચાલીને કરવાનું નક્કી કર્યું હતું. બાકીનાંએ ઘોડા પર બેસીને પરિક્રમા કરવાનું નક્કી કર્યું. આ ઘોડાવાળા સ્ત્રી અથવા પુરુષ હોય છે.

     તિબેટની પ્રજા વિષે વાત કરીએ તો અહીંની પ્રજા ખૂબ ખડતલ છે. આમ પણ તિબેટ દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલો પ્રદેશ છે. અહીંની પ્રજા સૌથી ધર્મિક પ્રજા ગણાય છે. આ ઘોડાવાળા પોતાને કમરે પોતાનું નાનકડું મંદિર બાંધી ‘ૐ મણી પદમે હુમ’ નો સતત જાપ કરતાં હોય છે. અહીંની પ્રજા ગરીબ છે, માણસો મેલાં ઘેલાં લાગતાં પ્રભુમાં અત્યંત આસ્થા ધરાવે છે. તેઓ આપણીભાષા નથી સમજતાં તેમ આપણે તેમની ભાષા નથી સમજતાં પરંતુ ઈશારાની ભાષા સમજે છે. હવે તો આ લોકો આપણી ભાષા થોડી થોડી સમજવા લાગ્યા છે. અમારી સાથે ચીની ગાઈડ હોવાથી અમને થોડી તકલીફ પડી હતી.

           આમ ‘ૐ નમઃ શિવાય’નાં સતત જાપ સાથે 13 કલાકની કષ્ટદાયક યાત્રા કરતી વખતે રસ્તામાં ‘ગંગાછૂ’ નામની નદી પાર કરવાની હતી. જોકે હવે આ નદી સૂકાઈ ગઈ છે અને તેની ઉપર બ્રીજ બાંધવામાં આવ્યો છે. આ વખતે દરેક જણે ફરજિયાત ઘોડા પર બેસીને આ નદી પાર કરવાની હતી. તેનાં પાણી ઘણી વખત ઘોડાની છાતી સમાણા હોય છે અને આ પાણી એટલું ઠંડુ હોય છે કે તેમાં ઉઘાડે પગે પાર કરવાથી ‘હિમડંખ’ની શક્યતા હોય છે. આમ થોડું ચાલતાં, થોડીવાર ઘોડા પર બેસતાં અને થોડીવાર આરામ કરતાં કરતાં અમે રાતનાં 8.30 વાગે ‘શૃંગુ’નાં કેમ્પ પર પહોંચ્યાં. આ ઘોડા પરની યાત્રા લાંબી અને કષ્ટદાયક હોવાથી સહુ થાકી ગયાં હોવાથી કોઈએ માનસમાં નહાવાની હિંમત દાખવી નહીં. અહીં પણ વીજળી, પાણી અને ટોયલેટનો અભાવ હતો.. આજે પણ બધાની રસોઈ બનાવવાની જવાબદારી મારા પર હતી. આજે મારી સાથે મેઘના અને પટનાની વિજયાલક્ષ્મી જોડાઈ હતી. આમ અજવાળે અજવાળે જમીને બીજા દિવસની તૈયારી કરી અમે નિંદ્રાધિન થયાં.

4 થી જુલાઈ 1996 પંદરમો દિવસ:-

     પરિક્રમાનાં બીજા દિવસે ‘શૃંગુ’થી ‘ઝૈદી’ જવાનું હતું જે 35 કિ.મી. દૂર આવેલ છે. હવે ‘ઝૈદી’ જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ રસ્તો ઘાસવાળો અને ભેજવાળી પોચી જમીનવાળો છે. જીન વગરનાં ટૂંકા પેંગડાવાળા ઘોડા પરની મુસાફરી થોડીક અઘરી અને કષ્ટદાયક હતી.

     આ કિનારાની રેતી ‘પચરંગી’ રેતી કહેવાય છે. ઘણાં યાત્રાળુ અહીંની રેતીને પ્રસાદી રૂપે લઈ જતા હોય છે. તિબેટનાં લોકો આ રેતીને ‘જિલાલ’ એટલે ‘પ્રસાદી’ કહે છે. આ દિવસની પરિક્રમામાં ઘણીવખતે હજારોની સંખ્યામાં મચ્છરો આવતા હોય છે અને શરીરના કોઈપણ ભાગમાં ચોંટી જાય છે. [આમ તો આપણા શરીરનો મોઢાનો ભાગ જ ખૂલ્લો હોઅય છે.] તેથી ‘માસ્ક’થી ચહેરો ઢાંકવાનો હોય છે. પરંતુ અમારા સારા નસીબે મચ્છરોનો ત્રાસ નડયો ન હતો.
     મેઘદૂતમાં વર્ણવેલા રાજહંસ જોવા નથી મળતા પરંતુ રાખોડી રંગના બતકાં અને પચરંગી માછલીઓ અહીં જોવા મળે છે. મારા નસીબે ઘોડા પરથી પડવાનું હતું પણ પોચી જમીને મને અને મારી કમ્મરને બચાવી લીધી. પ્રભુની મહેરબાની થઈ હતી.

     માનસરોવરની પરિક્રમા દરમિયાન અને ઊંચાઈને કારણે ભોજનની માત્રા ઘટતી હોય છે અને રસ્તામાં ભોજન બનાવવાની સગવડ નથી હોતી તેથી સાથે રાખેલો સૂકો મેવો, ચોકલેટ તેમજ ચીઝનાં નાના પૅકેટ ભોજનની ગરજ સારતા હતાં. આમ શિવજીનું રટણ કરતાં લગભગ 11 કલાકે અમે ‘ઝૈદી’ કેમ્પ પહોંચ્યાં. સુધીર અને બચુકાકા વહેલા પહોંચ્યા હોવાથી મારી રાહ જોતા બહાર ઊભા હતાં. પુષ્કળ પવન હોવાથી ઠંડીનું પ્રમાણ વધતું હોવાથી બહાર ઊભા રહેવાની પણ હિંમત ન હતી. આજે મુંબઈના રામનાથ પૈએ જમવાનું બનાવવાની જવાબદારી ઊપાડી હતી.

    2000ની સાલમાં આ જગ્યાએ સ્ટવ ફાટતાં અહીંના રખેવાળની સ્ત્રી દાઝી ગઈ હતી. અમે સહુએ તેને લાગેલી આગને બુઝાવવામાં મદદ કરી હતી. અને તેને સ્થાનિક હૉસ્પિટલમાં પહોંચાડી હતી.

સ્વછતાનાં અભાવ એવા આ કેમ્પ પર બે રાત અને એક દિવસનું રોકાણ હતું.

5મી જુલાઈ 1996 દિવસ સોળમો:-

     આજે આરામનો દિવસ હોવાથી બધાં યાત્રીઓ આરામથી ઊઠ્યાં. સૂર્યનો પ્રકાશ ફેલાતાં દરેક યાત્રીઓએ માનસનું સ્નાન કર્યું. સ્નાન કરતી વખતે પોતાના વતી, કુટુંબીજનો વતી તેમજ દેશ વતી શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારી હતી. મેઘના સ્નાન કરવા માટે ખૂબ દરતી હતી પણ મેંતેને મારી સાથે લઈ જઈને માનસ સ્નાન કરાવ્યું તેમ જ ડૂબકી પણ મરાવડાવી. માનસસરોવરમાંથી કાઢેલાં દરેક પથ્થરો શિવલિંગની જેમા પૂજાય છે. જ્યારે નેપાલની ગંડકી નદીમાંથી કાઢેલા દરેક પથ્થર ‘શાલિગ્રામ’ તરીકે પૂજાય છે. અમે સહુએ માનસમાંથી શિવલિંગ એકઠા કર્યાં. ઘણાએ માનસમાં ચાંદીનાં બિલિપત્રો ચઢાવ્યાંં. તો ઘણાએ સિક્કા ધરાવ્યાં. ત્યારબાદ અમે સહુએ માનસનાં કિનારે હવન કર્યું. પાલનપુરનાં સ્વામીજી શ્રી કલ્યાણગીરીજીએ આ હવન કરાવ્યું હતું.

વધુ આવતા અંકે……………..

                                             ૐ નમઃ શિવાય

Entry Filed under: કુદરત[પ્રવાસ]. .

7 Comments Add your own

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds