જીવનું શિવ પ્રતિ પ્રયાણ [7] યાક પુરાણ
April 22, 2008
આજે ચૈત્ર વદ બીજ
આજનો સુવિચાર:- હસતા રહેવું, હસાવતા રહેવું પણ કદી હતોત્સાહ ન થવું.
હેલ્થ ટીપ્સ:- લવિગ તથા તુલસીયુક્ત ચા બનાવી પીવાથી ટૉંસિલના સોજામાં રાહત થાય છે.
વાલ્મીકિ રામાયણ કહે છે.
કૈલાસ શિખરે રામ મનસા નિમિત્તં સરઃ
બ્રહ્મણા પ્રાગિદં યસ્માત્તદભૂન્માનસં સરઃ
‘હે રામ! પૂર્વે બ્રહ્માએ કૈલાસના શિખર પર મનથી સરોવરનું નિર્માણ કર્યું હતું તેથી આ સરોવર માનસરોવર બની ગયું.’
ડૉ. ગૌતમ પટેલના કહેવા પ્રમાણે કૈલાસ યાત્રા કોણે કોણે કરવી જોઈએ?
તેઓ કહે છે કે તમે બાળક જેવી કુતુહલવૃત્તિ ધરાવો છો તો તમારે કૈલાસ-માનસરોવરની યાત્રાએ જવું જોઈએ.
તમારામાં પ્રકૃતિપ્રેમ હોય તો દુનિયામાં સૌમ્ય-રૌદ્ર પ્રકૃતિદ્રશ્યો જોવા નહીં મળે.
તમારામાં સાહસવૃત્તિ છે તો કૈલાસની પરિક્રમા.
તમે પર્વતખેડુ છો તો કૈલાસથી વધુ રળિયામણો પર્વત ક્યાં મળવાનો છે?
તમારામાં યુવાની થનગને છે? કાંઈક કરવાની ઈચ્છા છે? તો આ ઈચ્છા આ યાત્રા કરી બતાવો.
તમે પ્રૌઢ છો? પ્રૌઢતા પચાવી છે? તો આ યાત્રા પૂરતો અવસર આપશે.
તપસ્વી છો અને તપ કરવું છે? તો ચાલો કૈલાસ માનસરોવરની યાત્રાએ.
તમારે મોજ માણવી છે તો આ યાત્રા પૂરતી મોજ માણવાની તકો પૂરી પાડશે.
તમને એકાંત પ્રિય છે તો જાવ કૈલાસ યાત્રાએ.
તમને સમૂહમાં – ગ્રુપમાં આનંદ માણવો છે તો બનાવો ગ્રુપ અને ચાલો કૈલાસ યાત્રાએ.
માનસને કિનારે જ્યારે હવન કરતાં હતાં ત્યારે એક અજબ કિસ્સો થયો હતો. અમે જ્યારે હવન કરવા બેઠા હતાં ત્યારે ખૂબ જ પવન ફૂંકાતો હતો. અમારો હવન પ્રગટતો ન હતો. પુષ્કળ પવન ફૂંકાવાને કારણે દિવાસળી સળગતી ન હતી લાઈટર પણ ઓલવાઈ જતાં હતાં. ત્યારે પૂ. કલ્યાણજીગીરીજી બાપુએ ગુસ્સાપૂર્વક પવનને પડકાર્યો અને કહ્યું, ‘એલ્યા, શા માટે હેરાન કરે છે?’ અમારા આશ્ચર્યની વચ્ચે પવન ઘડીભર થંભી ગયો અને અમારો હવન તુરંત પ્રગટી ગયો અને પવન ફરી પાછો ચાલુ થઈ ગયો. આમ હવન બાદ દરેકે પોતે આણેલા કેરબામાં [કેનમાં] માનસનું જળ ભર્યું અને આરામ કરી દિવસ પસાર કર્યો. બીજા દિવસે કૈલાસની પરિક્રમા કરવાની તૈયારી કરી. આ પવિત્ર જળનું વજન સામાનનાં વજન સાથે ગણવામાં આવતું નથી.
તા. 6 ઠ્ઠી જુલાઈ 1996 , દિવસ સત્તરમો:-
આજે સબગ્રુપની અદલાબદલીનો દિવસ હતો. આજે ‘એ’ ગ્રુપ કૈલાસની પરિક્રમા પૂરી કરી માનસની પરિક્રમા કરવા આવવાનું આવવાનું હતું અને અમે ‘બી’ ગ્રુપવાળા કૈલાસની પરિક્રમા કરવા ‘દારચેન’ જવાના હતાં. આમ અમારું ગ્રુપ બસમાં બેસી ‘દારચેન’ જવા નીકળ્યું. દારચેનમાં અમારા ‘એ’ ગ્રુપનાં સાથીદારો મળ્યાં અને તેમના અનુભવની વાતોનો ઉપરછલ્લો ચિતાર મેળવ્યો.
દારચેનનો અમારો આ બેઝ કેમ્પ પ્રમાણમાં મોટો અને થોડોક વ્યવસ્થિત હતો. કેમ્પના કંપાઉંડમાં જ થોડીક દુકાનો હતી. કમ્પાઉંડની પાછળ ડુંગરા પર ત્યાનાં લોકોની થોડીક વસ્તી હતી. જોકે હવે તો અહીંના કેમ્પની સુરત જ બદલાઈ ગઈ છે. હોટેલ બની ગઈ છે. સગવડ સાથે રૂમો બની ગઈ છે. 1996માં ટેલિફોનની સગવડ હતી નહી પરંતુ હવે તો સેટેલાઈટ ફોન થઈ ગયાં છે માટે હવે ક્યારે પણ આપ્તજન સાથે ફોન દ્વારા સંપર્ક સાધી શકાય છે. 1996માં તો એક મહિના માટે દુનિયાનો જાણે સંપર્ક જ ન રહ્યો હતો.
કૈલાસની પરિક્રમા કઠિન તો કહેવાય જ છતાં યે અમારા ગ્રુપની 6 થી 7 વ્યક્તિઓએ ચાલીને પરિક્રમા કરવાનો નિર્ણય લીધો હતો. અને બાકીની વ્યક્તિઓએ ‘યાક’ પર બેસીને પરિક્રમા કરવાની હિંમત દાખવી હતી. અમે બન્ને પણ એ હિમતવાન વ્યક્તિઓમાં શામિલ હતાં. જોકે હવે કૈલાસની પરિક્રમા માટે ઘોડા મળે છે અને યાકનો ઉપયોગ સામાન ઊચકવા માટે થાય છે. અમને તો યાક પર બેસવાનો અનોખો અનુભવ થયો હતો કે ત્યાર પછી એની પર બેસવાની હિંમત સુધીરે દાખવી જ હતી. અહીંથી ‘કૈલાસ’ દર્શન કરી અમે સહુ અહોભાગ્ય થયાં. અહીં ‘ઉમાછુ, નામની નદી વહે છે. તિબેટીયન ભાષામાં છૂ એટલે નદી. જેમાં સ્નાન કરવાથી કૈલાસ યત્રા સરળ બને છે. જોકે અમારામાંથી કોઈએ આવી હિંમત નો’તી દાખવી.
અહીં ‘યાક’નો પરિચય મેળવવો જરૂરી છે.
‘યાક પુરાણમ’ રુચિતા દલાલ યાક વિષે યાક પુરાણમાં લખે છે કે
છોટા સા હૈ સર, ઔર ભીમકાય કદ ભરે
પૂરે શરીરમેં, દિમાગ નહીં
એક અદદ કાલા કાલા રંગ હૈ ઈનકા,
મોટે ભારી સીંગ ભૈસેકા આકાર પૂંછ
ઔર સીંગોકે બીચ કેવલ બાલોંકા ભંડાર
જહાઁ દિખે હરિયાલી, વહીં દૌડે ચલે જાતે હૈ
ઈન પર કિસી પ્રકાર કે નિયમ નહીં લાગૂ હોતે
સવાર હોના હૈ યદિ ઉનકી પીઠ પર
બેવકૂકી તરહ બૈઠો ઈનકી પૂંઠ પર
પકડો કાઠી ઐસે માનો પ્રાણ
પ્રિયકા તન કહીં ઈન કી
પીઠ સે સરક ન જાયે બદન
સવાર હો જબ ઈન પર,
રખો આઁખેં મિંચ કર, સારે સંસારમેં,
યાક ઔર ઈશ્વર દોનો પર રહો નિર્ભર
તભી કર પાઓગે ડોલ્માકો પાસ, ઔર
એક બાર સવાર હોંગે
ફિર કભી ન ફટકોગે ઈનકે પાસ
રુચિતા દલાલ ‘યાક પુરાણ’માં આગળ લખે છે કે કૈલાસયાત્રીઓનાં માનસ પર યાક નામનાં પ્રાણીની શી આણ વર્તે છે એ મેં વિદેશમંત્રાલયનાં કોંફરંસ હોલમાં પ્રથમવાર જાણ્યું. એલ. ઓ. ને એ પ્રશ્ન પૂછાયો કે ‘યાક’નું શું?’ તો એલ. ઓ. એ યાક વિષે જાણકારી આપતાં જણાવ્યું યાકથી ડરવાની જરૂર નથી. પડો તો પણ મનોબળ ઊંચું રાખવું જોઈએ. સૌથી મહત્વની વાત એ કે યાકની પૂંઠ પર બાંધેલી કાઠી પર ન બેસતા એની પૂંઠ પર બેસવું અને કાઠી હાથેથી ચસોચસ પકડી રાખવી વગેરે. રુચિતા આગળ લખે છે કે …… યાક અને યાકવાળાઓમાં કાંઈ ઝાઝો ફરક નથી. એક હરિયાળી જોઈને દોડે તો બીજા લીલી યુઆનની નોટો જોઈને. હા, યાક, યાકવાળા અને યાત્રીઓનાં માનસિક સ્તર વચ્ચે ઘણો મોટો ઉત્ક્રાંતિનો ગાળો છે એટલે એમની વચ્ચે તાલમેલ જરાક બેતાલ બની જાય છે.
યાક અતિશય મજબૂત પહાડી પ્રાણી છે. જંગલી ભેંસ સરીખા લાંબા વાળ ધરાવતા આ પહાડી પ્રાણીને તિબેટનાં લોકો ‘ગાય’ ગણે છે. જ્યાં લીલુ ઘાસ જોયું ને ચરવા ઊભુ રહી જાય છે. નાયક વૃત્તિ ધરાવતું આ પ્રાણી પોતાના સાથીદારોથી હંમેશા આગળ રહેવા મથતું હોય છે અને એકબીજાની સાથે રહેવાનું પસંદ કરતાં હોય છે. મારી દૃષ્ટિએ તેના આ વર્તન પાછળ તેમનું શારિરીક કારણ છે. આટલી ઊંચાઈએ ખૂબ ઠંડી હોવાથી આ પ્રાણીઓ એકબીજાની સાથે સાથે રહેવા ઈચ્છતું હોય છે જેથી એકબીજાના શરીરની ઉષ્મા એકબીજાને હુંફ આપતી હોય છે. એકવાર જો તેઓ મસ્તીમાં આવી જાય તો તેની પરનાં સવારની તો ખેર જ નથી રહેતી. પોતાની મસ્તીમાં તે આગલા યાક પરનાં સવારનાં પગમાં પોતાનું શીંગડુ ભેરવી પાડી નાખવાની ક્ષમતા ધરાવે છે. આમ પ્રભુ પિનાકીનના ગણના વાહન ગણાતા આ યાક પર જે સવારી કરી શકે તેની હિંમતની દાદ આપ વા જેવી ખરી. વળી તેમને સાચવનારા યાકમેન દેખાવે ભલે વિકરાળ લાગતાં હોય પણ દિલના6 કૂણાં હોય છે. આપણે તમની ભાષા અને તેઓ આપણી ભાષા સમજતાં ન હોવાને કારણે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. હવે તો આ યાકમેન આપણી ભાષા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
બીજા દિવસે કૈલાસની પરિક્રમા કરવા જવાનું હતું. આમ બીજા દિવસનાં સૂર્યના પ્રથમ કિરણોની પ્રતિક્ષામાં અમે સહુ નિદ્રાધીન થયાં.
તા. 7મી જુલાઈ 1996, દિવસ અઠારમો:-
દારચેનથી દિરેબુ જવાનું હતું. આ અંતર લગભગ 20 કિ.મી.નું હતું. આ પરિક્રમા કઠિન હોવાને કારણે મોટી ઉંમરનાં કે ચાલવાની તકલીફવાળા હોય છે તે અહીં રોકાઈ જાય છે. અમારી સાથે 75 વર્ષની ઉંમરના દાદાજી કુનુરથી આવેલા. ખૂબ શ્રદ્ધા અને આસ્થા હતી એમનામાં. એમણે પણ અમારી સાથે કૈલાસની પરિક્રમા કરવાનું બીડું ઝડપ્યું હતું.
પૂજનીય વસ્તુને આપણે આપણી સવ્ય બાજુએ એટલેકે જમણી બાજુ પર રાખીને જમણી દિશાથી તેની આસપાસ ફરવાની ક્રિયાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવાય છે. અમારી આ પ્રદક્ષિણા દરમિયાન આ પૂજનીય કૈલાસ પર્વત અમારી જમણી બાજુએ હતો. પરિક્રમાની શરુઆત કરતાં પહેલાં દાર્બોચેક નામની જ્ગ્યા આવે છે ત્યાં મોટો સ્તંભ મૂકેલો હોય છે અને તેની ઉપર તાંબાનો કળશ રાખેલો હોય છે. તેને ફરતે ઝંડા રુપે તિબેટિયન ચુદડીઓ ફરકાવવામાં આવે છે. તેની ઉપર ૐ મણિ પદમે ૐ નાં જાપ લખેલા હોય છે. લીલા, લાલ, સફેદ, પીળા રંગની આ ચુંદડીઓ ખૂબ સુંદર દેખાતી હોય છે. કહેવાય છે કે આ સ્તંભની ત્રણવાર પરિક્રમા કરવાથી કૈલાસની પરિક્રમા કરવાનું પૂણ્ય મળે છે. જે લોકો કૈલાસની પરિક્રમા કરી શકતું નથી તે આ સ્તંભની પરિક્રમા જરૂરથી કરે.
2003ની સાલમાં અમે જ્યારે કૈલાસની પરિક્રમા કરવા જવાનાં હતા ત્યારે અહીં પુષ્કળ સ્નો ફોલ થવાથી આ સ્તંભની પરિક્રમા કરી અમારે પાછા ફરવું પડ્યું હતું. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો રહ્યો. ગવર્મેંટ તરફથી કૈલાસ યાત્રા કરો કે પ્રાઈવેટ કંપની તરફથી નેપાલથી યાત્રા કરો કૈલાસની તેમજ માનસરોવરની પરિક્રમા એક જ રસ્તે થાય છે.
ત્યારબાદ મૃત્યુદ્વારનું એક મંદિર સરખો બાંધેલો દ્વાર આવે છે. કહેવાય છે કે તેની આરપાર ત્રણ વખત જવાથી જન્મોજનમથી મુક્તિ મળે છે.
આમ એમાં પસાર થયા બાદ થોડુંક આગળ ચાલ્યા બાદ અમને યાકમેન મળ્યાં દરેક પાસે પોતાના યાકમેનની ચિઠ્ઠી હતી તે પ્રમાણે યાક પર બેસવાનું હતું. યાક પર બેસતાં અમે ડરતાં હતાં કારણ જેવા યાક પર બેસવાં જતાં અને યાક ભડકીને ઉઠીને દોડવા માંડે.છેવટે અમને કોથળા ઠાલવતાં હોય તે રીતે બેસાડ્યાં. પણ કોઈની હિંમત હતી કે ફરીથી નીચે ઉતરે. ચીસો પાડતાં જ રહીએ અને યાક તો આગળ ભાગતાં જ રહે. અમારી આ હાલત જોઈ યાકમેન હસતાં રહે. આમ અમે યાક પર એક કલાક ગાળ્યો અને આ યાકમેન પોતાનું લંચ બનાવવા બેઠા અને આરામ કર્યો આમ અમારા ત્રણ કલાક કાઢ્યાં.
આમ પરિક્રમાનાં પ્રથમ દિવસ દરમિયાન કૈલાસનાં સતત દર્શન થતાં હતાં. પરિક્રમાની શરુઆતમાં કૈલાસનાં દક્ષિણનાં દર્શન થાય છે. તિબેટિયનો કૈલાસનાં આ સ્વરુપને સ્વસ્તિક રૂપે જુએ છે. આગળ ચાલતાં ઘણીવાર ગણેશ રૂપે દેખાય છે તો ક્યારેક પાર્વતી રૂપે દેખાય છે.અને હનુમાનજી તો હજરાહજૂર છે. કૈલાસનું પશ્ચિમ દિશાનું સ્વરૂપ શિવપાર્વતીનાં પ્રચંડ સિંહાસન સ્વરૂપે થાય છે. આમ જુદા જુદા સ્વરૂપે કૈલાસનાં દર્શન કરતાં કરતાં અમે રાતનાં 8.30 વાગે અમારા પડાવે પહોંચ્યાં. દિરેબુના આ કેમ્પથી કૈલાસનું સંપૂર્ણ લિંગ રૂપે દર્શન થાય છે.
રસ્તો ખૂબ પથરાળ હતો અને યાક પર બેસીને કમરનાં કટકા કરતાં અમે કેમ્પ પર પહોંચ્યાં. કૈલાસ અને અમારા કેમ્પની વચ્ચે કરનાળી નદી હતી. 2000ની સાલમાં અમે કરનાળી નદીની આ બાજુએ રોકાયા હતાં. કહેવાય છે કે પ્રથમ દિવસની પરિક્રમાનાં અંતે યાત્રીઓની ઈચ્છાઓ ભોલેનાથ પૂરી કરે છે.
પ્રકૃતિ નથી
હાથ ફેલાવું
વરસાવ કૃપાળુ
ઊભી અહીં હું
હાથ ફેલાવી.
આટલી યાતના ભોગવ્યા બાદ ભોળા શંભુ જ આવા અલૌકિક દર્શન આપે છે અને જીવનું ભાથુ પણ બાંધી આપે છે. આમ નિરાકાર પ્રભુનાં દર્શન થતાં જ એમનાં ચરણોમાં મસ્તક ઝૂકી પડ્યું. કૈલાસપતિ ઉમાપતિ મહાદેવનો જયજયકાર દરેકનાં મુખેથી નીકળી પડ્યું. થાક્યાં હોવાં છતાં પ્રભુનાં દર્શનનો આનંદ માણ્યો.
વધુ આવતા અંકે……………….
ૐ નમઃ શિવાય
Entry Filed under: કુદરત[પ્રવાસ]. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed



1.
manvant@aol.com | April 22, 2008 at 2:49 am
aabhaar bena !
2.
chetu | April 22, 2008 at 5:03 am
સુંદર વર્ણન ..!..આભાર દીદી…..
3.
વિશ્વદીપ બારડ | April 23, 2008 at 12:05 pm
such beautiful vidiowith detail info.