કીચન ટીપ્સ
આજે વૈશાખ સુદ એકમ
આજનો સુવિચાર:- દિમાગના વિચાર કરતાં દિલનો વિચાર વધુ પવિત્ર અને શક્તિશાળી હોય છે.
હેલ્થ ટીપ્સ:- વરિયાળીના શરબતના સેવનથી પેશાબના અટકાવમાં રાહત રહેશે.
કીચન ટીપ્સ
• રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.
• ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.
• મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.
• પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.
• આમલેટના મિશ્રણમાં બે ચમચા દૂધ ભેળવવાથી આમલેટ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.
• કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.
• અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.
• ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.
• ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.
• દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.
• તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.
• રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.
• ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.
• ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.
• વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.
• અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.
• સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.
ૐ નમઃ શિવાય
1 comment May 6, 2008
