જીવનું શિવ પ્રતિ પ્રયાણ [8] કૈલાસ પરિક્રમા

May 17, 2008

                             આજે વૈશાખ સુદ ચૌદસ [નૃસિંહ ચૌદસ, નૃસિંહ પ્રાગટ્ય]

 

આજનો સુવિચાર:- અનુભૂતિને વાણી નથી હોતી અને વાણીને અનુભૂતિ નથી હોતી.

 

હેલ્થ ટીપ:- ઘી અને મધના મિશ્રણથી પગની એડીના વાઢિયા રુઝાઈ જશે.

 

 

કૈલાસ  સવારે 3 વાગે [ ફોટો લેનાર:- સંદિપ અગ્રવાલ]

  

    કૈલાસની ભવ્યતાનું વર્ણન કરવા માટે પૃથ્વીની દરેક ભાષાના એક એક અક્ષરો લઈએ તો પણ ઓછા પડે. શબ્દની શી તાકાત છે કે એ શબ્દાતીતને વર્ણવી શકે? એનું દર્શન એ એક અનુભૂતિ છે. આ શબ્દો મારા નથી કૈલાસ દર્શન કરી આવેલાં ડૉ. શ્રી ગૌતમ પટેલનાં છે.

શ્રી ગૌતમ પટેલ જણાવે છે કે

શિવ ઉપાસના છેક વેદ કાળથી ભારતમાં ચાલી આવી છે. આજે પણ ભારતમાં કે ભારત બહાર બ્રાહ્મણો રુદ્રી કરે છે. શિવ ઘોર છે અને અઘોર પણ છે. અમંગલમયશીલ ધરાવે છે અને છતાંયે ભક્તોનું સદૈવ મંગલ કરે છે. હળાહળ ઝેરનું પાન કર્યું છે છતાંયે અજર અમર છે. સ્વયં ભસ્મ એટલે ભૂતિ ધારણ કરે છે પણ ભક્તોને વિભૂતિ એટલે વિશિષ્ટ ઐશ્વર્ય પ્રદાન કરે છે. મહાકવિ કાલિદાસનાં શબ્દોમાં તેઓ કહે છે શિવ સ્વયં અકિંચન છે છતાંયે સંપત્તિનું ઉત્પત્તિસ્થાન છે. સ્મશાનમાં રહે છે છતાંયે ત્રણે લોકના સ્વામી છે. ભીમરૂપ – ભયંકર રૂપ ધારણ કરે છતાં શિવ-મંગલસ્વરૂપ કહેવાય છે. વાસ્તવમાં શિવને સાચા સ્વરૂપે જાણનારું કોઈ નથી.

    એ નિરંતર છે. નિર્ગુણ એટલે સત્વ, રજ કે તમગુણથી પર છે. નિર્વિકાર છે. તેનામાં કોઈ વિકાર – ફેરફાર થતો નથી. હિત કે અહિત બધું જ તેમને મન સમાન છે. ભયંકર ઝેરી સાપ શરીર પર હોય પણ તેના ઝેરનો તેમને ડર નથી.મસ્તક પર ચંદ્રમાંથી અમૃત ઝરે છે તે માટે તેમને કોઈ પ્રેમ નથી. છાતી પર ખોપરીની માળા હોય તેનાથી કોઈ અશૌચ એટલે અપવિત્રતા નથી. માથા પર ગંગા છે માટે કોઈ પવિત્રતાનો ખ્યાલ નથી. શિવ તો સઘળી અવસ્થામાં સમરસ છે. એમની રીતિ-વૃત્તિ-પ્રવૃત્તિમાં કોઈ ફેર પડતો નથી. શિવ તો મુક્ત છે આપણે સૌ જીવો પશુ છીએ અને શિવ પશુપતિ છે.
      કૈલાસ એટલે મા પાર્વતીજી અને દેવાધિદેવ મહાદેવનું નિવાસ સ્થાન તેમજ દેવદેવીઓની દિવ્ય ‘દેવભૂમિ’. નૈસર્ગિક દ્રષ્ટિએ કૈલાસ એટલે કુદરતનું અનોખું, અવર્ણનીય, અકલ્પનીય અને સૌંદર્યની ચરમસીમાએ પહોંચેલું એક અદ્દભૂત સર્જન. એક બાજુ, ચારે તરફ રાખોડી રંગના માટોડીયા પર્વતોની વચ્ચે કાળમીંઢ, વિશાળ લીંગ આકારનો સરસ મજાનો સુંદર પર્વત ‘કૈલાસ’, આવા શિવે કૈલાસને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું છે. એનું વર્ણન કરવું અશક્ય છે. એનો દેખાવ એક ઊંચા ઓટલા જેવો છે જે સદાયે કાળ બરફથી છવાયેલો રહે છે. જાણે રૂનો ઢગલો વેરાયો હોય. પુરાણકાળમાં ‘મેરુ’ પર્વતના નામે ઓળખાતા આ કૈલાસ જ્યારે સંપૂર્ણ બરફથી છવાઈ જાય છે ત્યારે તેમાં સંપૂર્ણ શિવપરિવારનાં દર્શન થાય છે. જેવી દૃષ્ટિ તેવા દર્શન ભક્તો પામે છે. કહેવાય છે કે સોમવતી અમાસે કૈલાસ પર સંપૂર્ણ શિવ પરિવાર બેગો થાય છે. તેની પ્રતિતી અમને 2005ની સાલમાં થઈ હતી. કૈલાસ પર નંદીના દર્શન તો થાય જ છે પણ એ સાલમાં અમને કાર્તિકજીના વાહન મયૂરના, ગણેશજીનાં વાહન મૂષક, ગણેશજી, ડમરૂ, ૐ, ત્રિશૂલ, શિવ-પાર્વતીજીનાં દર્શન થયાં હતા. એ દિવસે સોમવતી અમાસ હતી.

       23,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ કૈલાસ પર્વત હંમેશા બરફથી છવાયેલો રહે છે. લોકવાયકા મુજબ કહેવાય છે કે ભગવાન વિષ્ણુનાં અંગુઠામાંથી પ્રગટ થયેલી ગંગાના ભયાનક સ્વરૂપને નષ્ટ કરવા મહાદેવે તેને પોતાની જટામાં સમાવી લીધી. જેથી તેઓ ‘ગંગાધર’ ના નામથી ઓળખાયા. જ્યારે ગંગા ‘કૈલાસ’ પરથી નીચે ઊતરી ત્યારે તેણે સાતવાર ‘કૈલાસ’ની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓમાં વહેંચી દીધી અને એ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા, સિંધુ (ઈન્દુસ), કરનાળી અને સતલજ. વેદોમાં ‘મેરુ પર્વત’ ના નામે ઓળખાતા આ કૈલાસ પર્વત ને તિબેટીયનો પૃથ્વીનો સ્તંભ માને છે, કે જેનું મૂળ પાતાળના અંતિમ છેડામાં અને ઉપરનો છેડો સ્વર્ગનાં ઉપરીય છેડે અડકે છે. આવા અદ્દભુત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે નથી કોઈ મૂર્તિ કે નથી કોઈ પૂજારી. છે તો બસ ગગનરૂપી વિશાળ છત અને પવનનાં સૂસવાટારૂપી ઘંટારવ કે જે હંમેશા પંચાક્ષરી મંત્ર ‘ૐ નમ: શિવાય’ ના નાદરૂપે ગુંજતો રહે છે. પળે પળે આ અદ્દભુત કૈલાસ જુદાજુદા સ્વરૂપે દ્રશયમાન થાય છે જેમકે ‘અગ્નિપૂંજ કૈલાસ’, ‘શ્વેતશાંતમુદ્રિત કૈલાસ’, ‘સમાધિગ્રસ્ત કૈલાસ’, ‘સુવર્ણ કૈલાસ’ કે પછી ‘મેઘધનુષી કૈલાસ’. બધી ઉપમાઓ કૈલાસ માટે વામણી લાગે છે. આવા અદ્દભૂત કૈલાસના દર્શન એ નયનોની ચરમસીમા જ ગણાય ને ! કૈલાસના દર્શન કરતાં કરતાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની પંક્તિઓની પ્રતીતિ થાય કે ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ’ કે પછી ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો…’

       બરફાછિત કૈલાસ પર જ્યારે ફો ફાટતા સૂર્યનાં પ્રથમ કિરણો ઝળહળી ઊઠે છે ત્યારે જ્યોતિર્મય કૈલાસ દર્શન અણુ અણુને સત્યમ શિવમ સુંદરમની અનુભૂતિ કરાવે છે. પરોઢનાં નિર્મળ નીતર્યા આકાશમાં સૂર્યના પ્રથમ કિરણોથી છવાયેલો કૈલાસ શિવજીનાં સ્મિતથી મણિપૂંજ સમો દીપી ઊઠે છે. આ દૃશ્ય નિહાળતાં અમે સંપૂર્ણ કૈલાસમય થઈ ગયા. અમારા ગ્રુપનાં કલકત્તા સ્થિત સંદિપ અગ્રવાલે પરોઢનાં 3 વાગે ઊઠીને કૈલાસ દર્શન કર્યાં જાણે સંપૂર્ણ અગ્નિપૂંજ, લાલ રક્તપૂંજ કૈલાસ દર્શન કર્યાં હતા.

8 મી જુલાઈ 1996 ઓગણીસમો દિવસ:-

    કૈલાસ પરિક્રમાનો સૌથી કઠિન દિવસ. દિરેબુથી દોલ્મા પાસ, ગૌરીકુંડ થઈ 20 કિ.મી. દૂર આવેલા ઝેંગઝેરેબુ પહોંચવાનું હતું. દોલ્મા પાસ 18,600 ફૂટની ઊંચાઈ ધરાવે છે. અત્યંત કઠિન ચઢાણ છે. તિબેટિયન ભાષામાં દોલ્મા એટલે પાર્વતી માતા. આ દોલ્માપાસ એટલે શિવ પ્રિયા ઉમાનો વિહાર પ્રદેશ. આ દિવ્ય યાત્રા માટે મનોમન શિવજીનાં ચરણોમાં મસ્તક ઝૂકી ગયું.

    દોલ્માપાસ સુધી પહોંચતા યાકની ખૂબ મહેરબાની થઈ હતી. આગળ આગળ ભાગે અને જ્યાં ઘાસ દેખાય ત્યાં મોઢું નાખે. અહીં અમે તો બૂમાબોમ કરીયે પણ સાંભળે કોણ? 5 કિ. મી. યાક વગર ચઢવાનું હતું. પથરાળા પહાડ અને ઊંચાઈને કારને શ્વાસોશ્વાસમાં ખૂબ તકલીફ પડતી. એક એક ડગલે ઊભારહી જવું પડતું હતું. સાથે કપૂરની પોટલી બનાવી રાખી હતી તેથી તેને સૂંઘતા સૂંઘતા આગળ વધતા હતાં. એકબીજાને સહારે દોલ્મા પાસ ચઢી ગયા. આદિવસ તો જિંદગીનો યાદગાર દિવસ બની ગયો હતો. આ તબક્કે મનોબળની પરીક્ષા થઈ જાય ખરી. માનસિક સ્થિતિને કાબુમાં રાખવી પડે છે. ઑક્સીજન પાતળુ થતાં શ્વાસોચ્છવાસમાં તકલિફ પડે. શરુઆતની આ પરિક્રમા વખતે ખબર ન હતી કે પાણી સાથે રાખીને ચાલવું જોઈએ અને થોદું થોડું પાણી પીતા રહીએ તો આ તકલીફ ઊભી ન થાય. આવું કહેવાવાળું કોઈ ન હતું. પણ હિમાલયમાં આવી આશુતોષ ભગવાનને આપણે સમર્પિત થઈએ તો દાદા આપણને સંભાળે જ છે.

    રસ્તામાં ‘યમરાજનું નિવાસ’ સ્થાન આવે છે. તિબેટીયનો અહીં પોતાનું એકાદ વસ્ત્ર યા તો માથાના વાળ યમરાજને ચઢાવે છે અને પુનઃજીવન પ્રાપ્તિનું વરદાન માંગે છે. આમ યાત્રાની સર્વોચ્ચ ઊંચાઈએ આવેલા દોલ્મા પાસ પર પહોંચ્યા. આટલી ઊંચાઈએ થોડા સપાટ મેદાન જેવા વિસ્તારમા મોટી મોટી શિલાઓ પર ૐ મણિ પદ્મે ૐ જેવા મંત્રો કોતરેલા મળી આવે છે. તેઓની માન્યતા મૂજબ આ શિલાઓમાં માતા પાર્વતીનો વાસ છે. અને તેની પૂજા કરતાં હોય છે અને ચૂંદડી ચઢાવે છે.
જેવું અઘરું ચઢાણ છે તેવું જ અધરું ઉતરાણ છે.

     કહેવાય છે કે મુંબઈની ફેશનનો અને પહાડોની હવાનો ભરોસો નથી. મુંબઈની ફેશન અને પહાડનું હવામાન કઈ ઘડીએ બદલાય કાંઈ ભરોસો નહી. આમ ડોલ્માપાસનું હવામાન બદલાય તે પહેલાં અમે નીચે ઉતરવા તૈયાર થઈ ગયા અને એકબીજાના સહારાથી ઉતરવાનું ચાલુ કર્યું. નીચે ઉતરતાં ‘ગૌરીકુંડ’ના દર્શન થાય છે.

     લંબ-ગોળાકાર આ ગૌરીકુંડ પોણો કિ.મી. પહોળો અને દોઢ કિ.મી. લાંબો લીલા રંગના પાણીથી ભરેલો છે. કહેવાય છે કે મા પાર્વતીજીએ શિવજીની પ્રાપ્તિ માટે અહીં 50 વર્ષ સુધી તપ કર્યું હતું. તિબેટિયનોની માન્યતા મુજબ જે વર્ષે આ કુંડનું પાણી થીજી જાય છે તે વર્ષ તિબેટ માટે ખરાબ નીવડે છે. કદાચ એવા જ કોઈ વર્ષે ચીને આપણી પાસેથી તિબેટ મેળવી લીધું હશે. કદાચ આવર્ષે પણ આ કુંડનું જળ થીજી ગયું હશે.

     5 કિ.મી. ના કઠિન ઉતરાણ બાદ યાક પર બેસીને બાકીનો 10 કિ.મી.નો સરળ રસ્તો કાપવાનો હતો. રસ્તામાં સુધીરનું યાક શા કારણે ચમકી ગયું ખબર નહીં પણ પથરાળ જમીન પર ત્રણથી ચારવાર તેને પછાડી દીધો.. અમે સહુ અસહાય બની જોતાં રહ્યાં. બે ત્રણ કવરને કારણે તેને પગમાં વાગ્યું નહીં પણ પેન્ટ ફાડી કાઢ્યાં. આમ હેરાન થતાં અમે અમારા કેમ્પ સુધી તો પહોંચી ગયા. અમે સૌથી છેલ્લા હોવાને કારણે અમારે ભાગે એક ગ્લાસ સૂપ જ આવ્યો. તે દિવસે વાસણ ધોતાં મારાં હાથ એટલા જકડાઈ ગયાં કે ગરમાવો આપવા છતાં કોઈ અસર થતી ન હતી. બીજે દિવસે બપોર પછી સૂરજનાં તડકાથી હાથની જકડન દૂર થઈ.

      આ દિવસે અમારા સહયાત્રી શ્રી બચુભાઈ પ્રજાપતિને એક ચમત્કારનો અનુભવ થયો હતો. તેમણે આખી યાત્રા ચાલીને કરવાનો નિર્ણય કર્યો હતો. ઉંમર 63 વર્ષની હતી પણ એમનું મનોબળ ખૂબ હતુ. ડોલ્મા પાસ ચઢતાં પહેલાં તેઓ ખૂબ થાકી ગયા હતા ચાલવાને અશક્તિમાન થઈ ગયા ત્યાં એક બાઈએ તેમને સાકરનો ગાંગડો આપ્યો અને એ સાકરનો ગાંગડો ખાતા જ તેમનાંમાં અજબની શક્તિ આવી કે એક જુવાનીયાને શરમાવે તેવી ઝડપથી ડોલ્મા પાસ પસાર કરી દીધો. અને ચાલીને ઝેંગ ઝરેબુના પડાવે પહોંચી ગયા.

    પુષ્કળ ઠંડી , ગરમ પાણીનો અભાવ એજ બાથરૂમની અગવડ સાથે અમે એ દિવસ પસાર કર્યો.

                                                                   વધુ આવતે અંકે……….

 

                                                      ૐ નમઃ શિવાય

Entry Filed under: કુદરત[પ્રવાસ]. .

7 Comments Add your own

  • 1. shivshiva  |  May 17, 2008 at 2:11 pm

    http://shivshiva.wordpress.com/2006/10/16/kuda-rat-5/

    કૈલાસનાં વધુ ફોટા માટે ઉપરોક્ત કડી પર ક્લિક કરો.

  • 2. shivshiva  |  May 17, 2008 at 2:19 pm

    આ યાત્રા વિશે એકધારુ વાંચવા કુદરત કેટેગરિમાં ક્લિક કરવાથી બધી કડીઓ મળી જશે.

  • 3. Harsukh Thanki  |  May 17, 2008 at 9:43 pm

    કૈલાશની ઘણી તસવીરો જોઈ છે, પણ આવી અદભુત તસવીર પહેલીવાર જોઈ.

  • 4. વિશ્વદીપ બારડ  |  May 18, 2008 at 3:51 am

    Good article!!

  • 5. manvant  |  May 18, 2008 at 5:08 am

    PRATHAM DRUSHTIE KHOOBA JA GAME TEVU
    SUVARNAMADHYU KAILAS DARSHAN KARI DIVAS DHANYA BANYO ! ABHAR BENA !

  • 6. pragnaju  |  May 18, 2008 at 5:30 am

    જન્મોજનમનાં પુણ્ય ‘ભેગા થયા હોય તો
    આ યાત્રા માટે પ્રભુ બોલાવે છે
    પરમ રમ્ય ગિરિવર કૈલાસૂ |
    સદા જહાં સિવ ઉમા નિવાસૂ ||
    સિવ ઉમા લાખો પ્રણામ

  • 7. manvant  |  May 18, 2008 at 6:55 am

    Aa kailas darshan pictureni copy mali shake ?

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr   Jun »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds