Posts filed under 'આસ્વાદ[વાનગી]'

કીચન ટીપ્સ

                           આજે વૈશાખ સુદ એકમ

 

આજનો સુવિચાર:- દિમાગના વિચાર કરતાં દિલનો વિચાર વધુ પવિત્ર અને શક્તિશાળી હોય છે.

 

હેલ્થ ટીપ્સ:- વરિયાળીના શરબતના સેવનથી પેશાબના અટકાવમાં રાહત રહેશે.

 

                                 કીચન ટીપ્સ

• રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં.

• ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે.

• મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે.

• પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી ખાવાના સોડા અને મીઠું નાખવાથી ભાજી જલ્દી ચઢી જશે અને ભાજી લીલીછમ રહેશે.

• આમલેટના મિશ્રણમાં બે ચમચા દૂધ ભેળવવાથી આમલેટ મુલાયમ અને સ્વાદિષ્ટ બનશે.

• કાબુલી ચણા બાફતી વખતે એક ચમચી સાકર ઉમેરવાથી ચણા જલ્દી બફાઈ જશે.

• અડદની દાળનાં દહીંવડા બનાવતી વખતે તેની પેસ્ટમાં થોડોક મેંદો ઉમેરવાથી દહીંવડા સફેદ અને મુલાયમ થશે.

• ગુવારના શાકમાં અજમાનો વઘાર કરવાથી પેટમાં ગેસ પણ નહી થાય અને શાક વધુ સ્વાદિષ્ટ લાગશે.

• ફરસી પૂરી બનાવતી વખતે મેંદાના લોટમાં મીઠા અને જીરા અને મરીનાં ભૂકાને ઉકાળેલા થોડાંક પાણીમાં ભેળવી તેજ પાણીથી લોટ બાંધવાથી મરી અને જીરૂ ચોંટેલા રહેશે.

• દાળ – ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો આવે તો તેમાં થોડું ઘી અથવા તેલ નાખવાથી ઊભરો બેસી જશે.

• તાજા બ્રેડને ભીની છરીથી કાપવાથી બ્રેડ આસાનીથી કપાઈ જશે.

• રીંગણામાં ચાર કાપા કરી તેને તળવાથી રીંગણામાં મસાલો તરત ભરાશે અને ભરેલા રીંગણાનું શાક જલદી તૈયાર થઈ જશે.

• ભરેલા પરવળ બનાવવા પરવળમાં કાપા કરી તેને પાણીમાં કાચા પાકા બાફી તેમાં મસાલો જલ્દી ભરાશે અને પર્વળ તૂટશે નહીં.

• ઘી બળી જાય તો તેમાં કાચું બટાટું નાખી હલાવવાથી ઘી સાફ થશે.

• વાસી ભાતને તાજા બનાવવા વાસી ભાતને કેસરોલમાં પહેલા નીચે પાથરવા અને તેની ઉપર તાજા ભાત મૂકવાથી વાસી ભાત તાજા બની જશે.

• અથાણાંને કાચની બરણીમાં ભરવાથી બગડતાં નથી.

• સરગવાની શીંગને પ્લાસ્ટિક બેગમાં મૂકી ફ્રિજમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહે છે.

 

                                             ૐ નમઃ શિવાય


1 comment May 6, 2008

મસાલા તથા અનાજની સાચવણી

                                 આજે ચૈત્ર વદ ચતુર્થી

આજનો સુવિચાર:- જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- વારંવાર જુલાબ લેવા કરતાએક ચમચી ઘીને એક ચમચી ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દૂર થાય છે.

 

                         મસાલાની તેમ જ અનાજની સાચવણી

    કહેવાય છે કે જેને સુરતનું જમણ અને કાશીનું મરણ પ્રાપ્ત થાય તે નસીબદાર હોય છે. સુરતનાં જમણવારમાં તો એવું શું છે કે તે ખુબ વખણાય છે. એ છે એના મસાલા. ઉનાળાની ઋતુ આવે એટલે ગૃ હિણીઓ મસાલા, અનાજ વગેરે ભરવામાં ઓતપ્રોત થઈ જાય છે. એકબાજુ ઘઉં અને તુવેરદાળ ભરવાની ઋતુ આવી છે અને સાથે સાથે આખા વર્ષભરનાં મસાલા ભરવાની ઋતુ આવી છે. ઘણીવાર આ અનાજમાં અને મસાલામાં જીવડાં પડી જતાં હોવાથી ગૃહિણીઓની મુસીબત વધી જતી હોય છે.

                     તો આ મોંઘા મસાલાને બારેમાસ કેવી રીતે સાચવવા તે જોઈએ?

     મુંબઈ જેવું શહેર જે હંમેશા દોડતું જ હોય છે તેવા આ શહેરમાં સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબ વધારે જોવા મળે છે એવા મુંબઈ શહેરમાં હાથનાં ખાંડેલા મસાલા જૂજ જોવા મળે છે. અહીં મશીનનાં દળેલાં અને પેક મસાલાનું ચલણ વધારે જોવા મળે છે. તો આ મસાલાને બાર મહિના કેવી રીતે સાચવવા તે જોઈએ.

     આ મસાલા પર સીધી ગરમી ન પડે તે ધ્યાન રાખવું. તેને ફ્રિજમાં રાખવા જરૂરી નથી કે કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની જરૂરી નથી. ફક્ત એટલું ધ્યાનમાં રહે કે મસાલાને હવા ન લાગે તેવી હવાચુસ્ત બરણીમાં ભરવા. કાચની બરણી હિતાવહ છે. કારણ પ્લાસ્ટિકની બરણીમાં તેની વાસ બેસી જવાનો ભય હોય છે.

     આપણે હળદરની વાત કરીએ તો હળદરને તાજી અને સૂકી રાખવા તેમાં હિંગનાં ગાંગડા મૂકી રાખવા.અને તેને બરણીમાં ભરતા એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈપણ મસાલા ભરતાં તેને ચમચાથી કે વાડકીથી દાબીને ભરવાં જેથી તેમાં હવા ન ભરાય કે જીવાત પડવાની શક્યતા ન રહે. આજ રીતે લાલ મરચામાં અને ધાણાજીરામાં હિંગનાં ગાંગડા મૂકી સાચવી શકાય છે. હિંગમાં મસાલા તાજા રાખવાનો તેમજ આ ઉપરાંત હિંગ પાચનક્રિયામાં મદદ કરે છે. ઘણી ગૃહિણીઓ આ હળદર, લાલ મરચા અને ધાણાજીરાને તેલમાં મોઈને સાચવે છે પણ આગળ જતાં તે કાળા પડી જાય છે જ્યારે હિંગનાં ગાંગડાથી મૂકવાથી આ મસાલાનો રંગ એવો તાજો જ રહે છે.

       જીરામાં જીવાત ન પડે તે માટે થોડું કે શેકી ઠંડુ પડે હવાચુસ્ત બરણીમાં પારાની ટિકડીઓ સાથે ભરો. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકો. આ પારાની ટિકડી બજારમાં ઝંડુ બ્રાંડની મળે છે. તેનો રંગ બદલાઈ જાય ત્યારે તે ટિકડીઓ બદલી નાખવી.

     આ ટિકડીઓ અનાજ અને કઠોળ સાચવવા માટે કામ લાગે છે. ઘઉં, ચોખા કઠોળ પણ હવાચુસ્ત ડબ્બામાં ભરો. ઘઉં અને ચોખા બને ત્યાં સુધી એરંડિયાથી [દિવેલથી] મોઈને ભરવાથી બગડતાં નથી. દિવેલ તો આમ પણ તબિયત માટે સારું છે. ચોખામાં દિવેલ ન નાખવું હોય તો મીઠું તેલ પણ ચાલે. દિવેલને ગરમ કરીને ઠંડુ પડે પછી જ તેને અનાજ મો’વા માટે ઉપયોગ કરવો. ઘણાને દિવેલનો સ્વાદ નથી અનુકૂળ નથી આવતો તો ઘઉંને સૂરજનાં તાપે સૂકવી ઠંડા પડે તેને ડબ્બામાં ભરો સાથે આ પારાની ટિકડીઓ નાખી રાખવાથી વર્ષભર બગડતાં નથી. ચોખા ભરવા તેના ડબ્બામાં નીચે સૂકા કડવા લીમડાનાં પાન ડાખળી સાથે મૂકવાથી બગડતાં નથી.

      કઠોળને સૂરજનાં તડકામાં કદીપણ ન સૂકવવા. મગને સાચવવા તેમાં છૂટ્ટો પારો નાખી કાચની બરણીમાં જ ભરવા અને વાપરતી વખતે ચાળીને વાપરવા જેથી પારો નીકળી જશે. પારો કદાપિ ઍલ્યુમિનિયનાં વાસણને કે સોના ચાંદીને અડકવું ન જોઈએ નહીં તો એનું ઍલોય થઈ જશે એટલે કે ટુકડા થઈ જશે. બીજા કઠોળમાં પારાની ટિકડીઓ મૂકી શકાય. આ કઠોળ કાચની બરણીમાં કે ટપરવેરનાં ડબ્બામાં ભરી શકાય. આખી તુવેરને મીઠા સાથે ભરવાથી તેમાં સડો થતો નથી.

 

                                                    ૐ નમઃ શિવાય


5 comments April 23, 2008

તલની ચીકી

                         આજે પોષ સુદ ચોથ

આજનો સુવિચાર:- ઈશ્વરનું કામ કરનારો એકલવીર ક્યારેય એકલો હોતો નથી.

હેલ્થ ટીપ્સ:- અજમો અને તલ ભેગા કરીને ખૂબ ચાવીને ખાવાથી વારંવાર પેશાબ કરવા જવામાં રાહત રહે છે.

તા. 14 જાનુઆરી એટલે મકર સંક્રાંતીનો દિવસ. મહારાષ્ટ્રમાં આ ઉત્સવ અનોખી રીતે ઉજવાય છે. સ્ત્રીઓ એકબીજાને મળે છે. કપાળે કંકુ ચોખા લગાડે છે અને તલનાં લાડુ એકબીજાને આપી કહે છે.

તીલગુળ ગ્યા આણી ગોડ ગોડ બોલા

એટલે તલનાં લાડુ ખાઓ અને મીઠું મીઠું બોલો..

આજે આપણે તલની ચીકી બનાવીએ.

[મુંબઈ સ્થિત શ્રીમતી રત્નાબેન કડકિયાએ આ તલની ચીકીની રીત આપી એ બદલ મેઘધનુષ આભારી છે.]

તલની ચીકી

સામગ્રી:-

2   વાડકી શેકેલા તલ
1   વાડકી પાણી
1   વાડકી ગોળ

રીત :-

પાણી અને ગોળ ભેગા કરી ધીમી આંચે ઉકાળવા મૂકો..
આ પાણી જ્યારે જાડું ફીણ જેવું થવા માંડે એટલે તેમાં શેકેલાં તલ નાખવા અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવો.
આ મિશ્રણ ગોળો વળે તેવું થાય ત્યાં સુધી હલાવવું.
ત્યાર બાદ ઘીવાળા હાથ કરી તેનાં ગોળા કરવા.
આડણી ઉપર પ્લાસ્ટિક પાથરી આ ગોળાને પાતળા વણવા.
આ વણતા વણતા જ ઠંડા પડી જશે.
ત્યાર બાદ તેના પીઝા કટરથી કટકા કરવા.

તો આપણી તલની ચીકી તૈયાર.

આ રીતે શેકેલી શીંગના બારીક ભૂકાની ચીકી બનાવી શકાય છે. તો ચાલો મકર સંક્રાંતિ માટે ચીકીની તૈયારી કરીએ.

[મુંબઈ સ્થિત શ્રીમતી અરુણાબેન શાહે તલનાં પેંડા અને ખજૂર પાક બનાવવાની રીત મોકલી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે. ]

તલનાં પેંડા

 

સામગ્રી:-

100 ગ્રામ શેકેલા તલ

100 ગ્રામ માવો

50 ગ્રામ ઝીણો સમારેલો ગોળ

થોડું ઘી

રીત:-

ઘીમાં ગુલાબી તેટલો માવો શેકવો.
આ શેકાઈ ગયેલા માવામાં ઝીણો સમારેલો ગોળ ભેળવવો.
ગોળ પીગળે ત્યારે તેમાં શેકેલા તલ નાખી હલાવવું.
ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરવો..
જેવું આ મિશ્રણ જેવું ઠંડુ પડવા માંડે ત્યાએ તેનાં નાના પેંડા આકારનાં ગોળા વાળવા.

તો આપણાં પેંડા પણ તૈયાર થઈ ગયા.

અત્યારે ઠંડી ઋતુ છે. આ ઋતુમાં આપણે આખા વર્ષની શક્તિ મેળવી લેવી જોઈએ. તો ચાલો આપણે એવો જ એક પાક બનાવીએ. અને પાછો ડાયેટ છે એટલે ડાયબીટીસવાળાઓ પણ ખાઈ શકશે.

ડાયેટ ખજૂરપાક

સામગ્રી:-

250 ગ્રામ નરમ કાળુ ખજૂર
3 નંગ સૂકા અંજીર [option]
થોડું ઘી
1 ચમચો બદામ પીસ્તાનો ભૂકો
1 નાનો ચમચી સૂંઠનો પાઉડર
કાજૂ અથવા બદામ [અડધા કરેલા બદામની છાલ કાઢી લેવી]
ચાંદીનો વરખ [optional]

રીત:-


આ ખજૂરનાં ઠળિયા કાઢી લેવાં અથવા તો ઠળિયા વગરનાં ખજૂર લેવાં.
આ ખજૂરને સમારી થોડા ઘીમાં શેકી લેવુ.
 જો અંજીર પણ નાખવા હોય તો તેને પણ ઝીણા સમારી ઘીમાં શેકી લેવાં
નરમ પડે તેમાં બદામ પીસ્તાનો ભૂકો અને સૂંઠનો પાઉડર ભેળવી દો.
મિશ્રણ ઠરે ત્યારે તેનાં લંબગોળ ગોળા [કટલેસ જેવા] બનાવો.
તેની વચ્ચે કાજુ અથવા બદામ મૂકો.
જો ચાંદીનો વરખ લગાડવો હોય તો કાજુ કે બદામ નહીં લગાડાય.

                                            ૐ નમઃ શિવાય


4 comments January 12, 2008

વાનગીઓની મિજલસ

                         આજે શ્રાવણ વદ નોમ

આજનો સુવિચાર:- આત્મ જાગૃતિનો વિચાર માણસને ઈશ્વારભિમુખ બનાવે છે.

હેલ્થ ટીપ્સ:- પાણીમાં મીઠું ભેળવીને ઘરમાં તથા રસોડાના પ્લેટફોર્મ પર પોતું કરવાથી માખીનો ત્રાસ ઓછો થશે.

[મુંબઈ સ્થિત સર્વાંગીબેન કડકિઆએ આ વાનગી લખી મોકલી તે બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                                       ખાસ્તા કચોરી

 

મસાલાની સામગ્રી:-

1] 1 વાડકી (નાની) ચણાનો લોટ

2] 1 ચમચો તેલ

3] 1 નાની ચમચી ગરમ મસાલો

4] 1 નાની વાડકી મરચુ

5] 1 નાની ચમચી આમચુર પાઉડર

6] પાઉડર કરેલા 20 ગ્રામ વરીયાળી અને 20 ગ્રામ આખા ધાણા

7] સ્વાદાનુસાર મીઠું

પૂરીની સામગ્રી:-

1] 1 વાડકો મેંદો

2] 1 મોટો ચમચો ગરમ ઘી

3] સ્વાદનુસાર મીઠું

4] તળવા માટે તેલ

શણગારવાની સામગ્રી:-

1] બાફેલાં લાલ ચણા અને ફણગાવેલાં મગ

2] તીખી, મીઠી ચટણી

3] ચાટ મસાલો

4] દહીં

5] ઝીણી સેવ

રીત:-
     તેલ ગરમ કરી તેમાં ચણાનો લોટ જીરુ નાખી ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકવો. શેકેલો લોટ ઠંડો પડે તેમાં વરિયાળી અને ધાણાનો પાઉડર, મરચું, ગરમ મસાલો, આમચુર પાઉડર અને મીઠું ઉમેરવા.

       પૂરી બનાવવા માટે ઉપરોક્ત પૂરીની સામગ્રી ભેગી કરી પૂરીનો લોટ બાંધવો. પૂરી વણી તેમાં કચોરીની જેમ તેમાં ચણાના લોટનો મસાલો ભરવો. અને ફરીથી તેની પૂરી વણવી. આ વણેલી પૂરીને ધીમા તાપે તળવી.

      આ ખાસ્તા કચોરી પીરસ્તી વખતે તેમાં કાણું પાડવું. ત્યાર બાદ તેમાં બાફેલાં મગ અને ચણા ભરવા. તેની ઊપર તીખી મીઠી ચટણી મૂકવી. ત્યાર બાદ તેની ઊપર દહીં મૂકી ચાટ મસાલો ભભરાવો અને છેલ્લે સેવ મૂકી કોથમીર ભભરાવવી [ઈચ્છા મુજબ]

સ્ટફ દહીંવડા

 

સામગ્રી:-

1] એક વાડકી અડદની દાળ

2] 1 મોટું બાફેલું બટાટું

3] દહીં

4] તીખી, મીઠી ચટણી

5] સ્વાદાનુસાર મીઠું, મરચું અને શેકેલું પાઉડર કરેલું જીરું

6] વાટેલાં લીલા મરચાં

7] તળવા માટે તેલ

8] ઝીણી સેવ

9] કોથમીર [ઈચ્છા મુજબ]

રીત:-

       અડદની દાળને 6 કલાક પલાડી રાખવી ત્યાર બાદ તેમાં મીઠું નાખી મિક્શ્ચરમાં વાટી લેવી. બાફેલા બટાટામાં સ્વાદાનુસાર મીઠું અને વાટેલાં લીલા મરચાની પેસ્ટ ઉમેરી તેનાં નાના નાના ગોળા વાળી તેને વાટેલી અડદની દાળમાં બોળી ગરમ તેલમાં તળવા. દાળનું ખીરુ કઠણ રાખવું નહીં તો વડા તળતાં ફાટી જશે.

      તળાયેલા વડાને પલાડવાની જરૂરત નથી. તેને દહીંમાં મૂકી તેની ઉપર મીઠી ચટણી મૂકવી. તેની ઉપર સ્વાદાનુસાર મીઠું, મરચું અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવવો. ત્યારબાદ તીખી ચટણી મૂકવી અને તેઉપર ઝીણી સેવ ભભરાવી. કોથમીરથી સજાવો.

                                            ૐ નમઃ શિવાય


1 comment September 5, 2007

નાનખટાઈ

                         આજે જેઠ સુદ આઠમ

આજનો સુવિચાર:- સાર [સત્વ] વગરના પદાર્થનો આડંબર ઘણો હોય છે, જેમ કે સોનાનો એટલો રણકાર થતો નથી જેટલો કાંસાથી થાય છે.

હેલ્થ ટીપ્સ:- મીઠું, ખાવાના સોડા અને હળદર સરખા પ્રમાણમાં લઈ દાંતે ઘસવાથી દુઃખતા દાંતમાં રાહત રહેશે.

[રીડીફ ગુજરાતી છેલ્લાં ચાર વર્ષથી બંધ છે. તેમાં રહેલી આપણી ગુજરાતી અસ્મિતા થોડી સચવાઈ રહેલી છે પણ તેના ફૉંટ યુનિકોડમાં ન હોવાથી વંચાતુ નથી. ભાઈશ્રી નિલેશભાઈ સાહીતાએ આ ફૉંટ મને આપ્યાં તેથી રીડીફ ગુજરાતીમાં રહેલી આપણી અસ્મિતા રજુ કરવાનો મને મોકો મળ્યો છે.  સિંગાપોર સ્થિત શ્રી નિલેશભાઈ સાહીતાનો ખૂબ આભાર માનું છું. આજની પોસ્ટ રીડીફ ગુજરાતીમાંથી લેવામાં આવી છે.]


| View Show | Create Your Own

નાનખટાઈ

સામગ્રી:-

• 1 વાડકી મેંદો

• ¾ વાડકી ઘઉંનો લોટ

• ¼ વાડકી દળેલી સાકર

• 1 વાડકી ડાલડા ઘી

• 1 ટી સ્પૂન બેકિંગ પાઉડર

• 1 ટી સ્પૂન એલચી-જાયફળનો ભુક્કો

બનાવવાની રીત:-

• ઘી અને સાકર ભેગાં કરી મિશ્રણ હલકું બને ત્યાં સુધી ખૂબ ફીણવાં.

• આ મિશ્રણમાં બેકિંગ પાઉડર અને એલચી-જાયફળનો ભુક્કો મિક્સ કરવો.

• એક થાળીમાં બધા લોટ ચાળી મિક્સ કરી દેવા.

• આ ચાળેલા લોટને ઘી અને સાકરનાં મિશ્રાન્માં ભેગા કરી દો આમાં પાણી નાખવાની જરૂર નહી પડે.

• ત્યારબાદ કરચલી ન પડે તેનું ધ્યાન રાખી લોટના નાના નાના લૂઆ બનાવવા.

• આ લૂઆને સહેજ દબાવી ઑવનની ટ્રેમાં છુટ્ટા ગોઠવવા.

• આ ટ્રે પહેલાથી ગરમ કરેલા ઑવનમાં 190 ડીગ્રી સેલ્સિયસ પર ધીરે તાપે બિસ્કિટ ગુલાબી થાય ત્યાં સુધી ઑવનમાં મૂકી રાખવી.

આમ નાનખટાઈ થશે.

[વાનગી મોકલનાર :- ગ્રીષ્મા લંગાડિયા]

બદામ- પિસ્તાં બિસ્કિટ

સામગ્રી:-

• 125 ગ્રામ મેંદો

• 50 ગ્રામ સાકર

• 50 ગ્રામ ઘી

• 1 ચપટી કેસર

• 2 ચમચી દૂધ

• 3 એલચીનો ભૂક્કો

• 3 નંગ બદામ

• 3 નંગ પિસ્તાં

બનાવવાની રીત:-

• પિસ્તાં અને બદામની લાંબી, પાતળી પાતળી ચીરી કરો

• હૂંફાળા દૂધમાં કેસર ઓગાળી લો.

• ઘી અને સાકરને એક થાળીમાં લઈ હલકું પડે ત્યાં સુધી ખૂબ ફીણો.

• તેમાં એલચીનો ભૂક્કો ભેળવો.

• આ મિશ્રણમાં મેંદો પાણી નાખ્યા વગર ભેળવી લોટ બાંધો.

• જરાક મેંદાનું અટામણ લઈને રોટલો વણો.

• રોટલા પર બદામ-પિસ્તાં ભભરાવીને વેલણથી હળવે હાથે વણીને બદામ-પિસ્તાંને દબાવી દો.

• તેમાંથી મનગમતા આકારનાં બિસ્કિટ કાપો.

• બેકિંગ ટ્રેમાં ઘી લગાવી બધાં જ બિસ્કિટ તેના પર ગોઠવો.

• પહેલાથી ગરમ કરેલાં ઑવનમાં 190 ડીગ્રીએ ગુલાબી થાય ત્યાં સુધી બેક કરો.

[વાનગી મોકલનાર:- નયના શાહ]

                                  ૐ નમઃ શિવાય


5 comments June 23, 2007

ઉનાળુ પીણાં

                              આજે અધિક જેઠ સુદ છઠ

આજનો સુવિચાર:- જગતમાં જેણે કાંઈ અસાધારણ કરી બતાવવું હોય તો તેણે લોકોનીની નિંદા કે ટીકા સહન કર્યે જ છૂટકો.. ઈર્ષાખોર માણસનું છેલ્લામાં છેલ્લું શસ્ત્ર નિંદા છે.

હેલ્થ ટીપ્સ:- હાથમાંથી કાંદા, લસણની વાસ દૂર કરવા લીંબુની છાલને હાથમાં રગડો.

રાજકારણ, જાહેર વહીવટતંત્ર, શિક્ષણ અને ધર્મક્ષેત્રે સુધારવાદી પગલાં દ્વારા રાષ્ટ્રીયસ્તરે સર્વમાન્ય નેતા બનેલા રાજા રામમોહન રાયનો આજે 22મી મે 1772ના રોજ બંગાળનાં સંપન્ન પરિવારમાં થયો હતો. સતી થવાનો રિવાજ બંધ કરાવી ભારતીય ઈતિહાસમાં તેમણે અગ્રણ્ય સ્થાન મેળવ્યું હતુ.

[ આ ડ્રિંકસની રેસિપી મોકલી આપવા બદલ હાલ કુવૈત સ્થિત શ્રીમતી કુંજલબેન પરીખનો મેઘધનુષ તરફથી ખૂબ આભાર]


| View Show | Create Your Own

સાઈટ્રસ કૂલર

સામગ્રી:-
1] 1 ટેબલ સ્પૂન ઑરેંજ સ્ક્વોશ

2] 1 ટી સ્પૂન લેમન જ્યુસ

3] 2 ટી સ્પૂન થીક ફ્રેશ ક્રીમ અથવા 2 ટી સ્પૂન વેનિલા આઈસ્ક્રીમ

4] 1 બોટલ લેમોનેડ

5] 1 મોટો ચમચો સમારેલું મિક્સ ફ્રૂટ્સ [સંતરુ, પાઈનેપલ, ચેરી વગેરે] અથવા કેંડ ફ્રુટ્સ

રીત:-
1] પ્રથમ લેમોનેડને એકદમ ઠંડુ કરો

2] એક મોટા ગ્લાસમાં ફ્રુટ્સ મૂકો અને તેની ઉપર ઑરેંજ સ્ક્વૉશ ઉમેરો

3] ત્યારબાદ તેમાં તેમાં લેમોન જ્યુસ ઉમેરો

4] ત્યારબાદ તેમાં ઠંડુ પાડેલું લેમોનેડ ઉમેરો

5] તેની ઉપર આઈસ્ક્રીમ અથવા ક્રીમ મુકી શણગારો

6] તરત જ સર્વ કરો

કાચી કેરીનો પન્હો

આ પન્હો સખત ગરમીમાં ઠંડક આપે છે.

નીચે આપેલી રીતમાંથી 4 થી 6 ગ્લાસ તૈયાર થશે.

સામગ્રી:-

1] 2 કાચી કેરી

2] ¾ કપ સાકર

3] ½ ટી સ્પૂન એલચીનો પાઉડર

4] ચપટી કેસર

રીત:-

1] કાચી કેરીને પોચી પડી જાય ત્યાં સુધી પાણીમાં ઉકાળો.

2] કેરીને પાણીમાંથી કાઢી તેની છાલ કાઢી નાખો.

3] છાલ કાઢી લીધેલી કેરીમાંથી ગર કાઢી લો.
4] હવે તેમાં સાકર, એલચી પાઉડર, કેસર ઉમેરો અને સારી રીતે ભેળવો.
5] એક ગ્લાસમાં 2 ટેબલસ્પૂન મિક્સ્ચર મૂકો અને તેમાં ઠંડુ પાણી ઉમેરી સર્વ કરો.

[ કેસર અને એલચીના પાઉડરની બદલે શેકેલા જીરાનો પાઉડર અને સંચળનો ઉપયોગ કરી શકો છો]

ખસ કૂલર

આ પીણું ગરમીમાં ખરેખ ઠંડક આપે છે. આ કેવડો, ખસ, ફાલુદાનું મિશ્રણ છે.

નીચે આપેલી રેસિપિમાંથી 5 થી 6 મોટા ગ્લાસ તૈયાર થશે. સર્વ કરતા પહેલાં તેમાં બરફનાં ટુકડા મૂકશો.

સામગ્રી:-
1] 6 ટેબલ સ્પૂન ખસનું સીરપ

2] 6 ટી સ્પૂન કેવડા વૉટર

3] 6 ટી સ્પૂન લેમોન જ્યુસ

4] 6 ટી સ્પૂન ફાલૂદા

5] 200 મિ.લી. વાળી 6 બોટલ લેમોનેડ
6] બરફનાં ટુકડા

રીત:-
1] 1 ½ કપ પાણીમાં ફાલૂદાને 1 કલાક પલાડી રાખો

 2] 1 મોટા ગ્લાસમાં 1 ટેબલ સ્પૂન ખસનો સીરપ મૂકો.
તેમાં 1 ટી સ્પૂન કેવડા વૉટર ઉમેરો, 1 ટી સ્પૂન લેમોન જ્યુસ ઉમેરો અને તેમાં 1 બૉટલ લેમોનેડ ઉમેરો.

3] તેની થોડા પલાડેલાં ફાલૂદા અને બરફનાં ટૂકડા ઉમેરી સર્વ કરો.

આટલી સુંદર રેસિપી આપવા બદલ શ્રીમતી કુંજલબેન પરીખનો ખૂબ આભાર.

                                      ૐ નમઃ શિવાય


5 comments May 22, 2007

શરબત

આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:- ભક્તિ હૃદયને વિશાળતા બક્ષે છે અને ભક્તિ સામે જ્ઞાનને ઝૂકવું પડે છે.— વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે.

            ગરમીમાં ઠંડક આપતા પીણાં

                  કોકમ શરબત

સામગ્રી;-

1] 1 કિ.ગ્રા. કોકમ

2] 1 કિ.ગ્રા. સાકર

3] 1 ½ ચમચી જીરા પાઉડર

4] સંચળ

5] સોડા [ઑપ્શનલ] અથવા પાણી

6] લીંબુનો રસ

રીત:-
1] પ્રથમ કોકમ સાફ કરી તેને થોડા કલાક પાણીમાં ભીંજવી રાખો. અને તેને મસળીને તેનો પલ્પ બનાવો.

2] આ પલ્પમાં સાકર ભેળવીને ત્યાં સુધી ઉકાળો. જ્યાં સુધી તેમાનું પાણી સુકાઈ ન જાય. આ મિશ્રણને સ્ટોર કરી શકો છો.

3] ¼ ગ્લાસ સીરપ લો ત્યારબાદ તેમાં ચપટી સંચળ મૂકો અને 1 ½ ચમચી જીરા પાઉડર મૂકો.

4] સ્વાદાનુસાર લીંબુનો રસ ઉમેરો.

5] આ માપમાં 4 ગ્લાસ કોકમ શરબત બને તે પ્રમાણે ઠંડુ પાણી ઉમેરો અથવા ઠંડી સોડા ઉમેરો એટલે કે 1/4 માપ સીરપ + 4 માપ પાણી અથવા સોડા

કોકમનું ઠંડુ શરબત પીને ઠંડક મેળવો.

                     ગુલાબનું શરબત

સામગ્રી:-
1] 1 કિ.ગ્રા. દેસી ગુલાબ

2] 3 કિ.ગ્રા. સાકર

રીત:-
પ્રથમ ગુલાબની પાંદડીઓ ચૂંટીને ધોઈ કાઢો. ત્યારબાદ તેને હલકે હાથે લૂછી કાઢો. તેમાં પાણી ન રહે તેનું ધ્યાન રહે.

એક તપેલી અથવા બરણીમાં એવી ગોઠવણ કરો કે એક સ્તર ગુલાબની પાંદડીઓનું અને બીજું સ્તર સાકરનું હોય. આ રીતે ગોઠવીને તેને હવા ન જાય તે રીતે ઢાંકી દો. અને ઠંડક હોય તેવી જગ્યાએ મૂકો.. આમાં ½ કિ.ગ્રા. સાકર જશે.

જ્યાં સુધી સાકર ઓગળે નહીં ત્યાં સુધી રોજ હલાવતાં રહો.. ત્યારબાદ બાકીની 2 ½ કિ.ગ્રા. સાકરનો ½ લિ. પાણી સાથે સીરપ બનાવો.

ત્યારબાદ આ સીરપમાં ગુલાબની પાંદડી ઉમેરી દો અને તેને બરાબર મિક્સ કરો.

આ મિક્સરને ગાળી એક બાટલીમાં ભરી દો અને આનો ઉપયોગ કોંસંટ્રેશન તરીકે કરો.
 એક માપ સીરપમાં 4 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી પીઓ.

આલ્હાદક ગુલાબનું શરબત પીને ગરમીમાં રાહત મેળવો.

                             ૐ નમઃ શિવાય


3 comments April 27, 2007

હૈદ્રાબાદી બિરિયાની

                   આજે ફાગણ સુદ આઠમ

આજનો સુવિચાર:-વિચાર વખતે શંકા શોભે અને આચાર વખતે શ્રદ્ધા

હેલ્થ ટીપ્સ:-લીંબુનો રસ કાઢી લીધા બાદ તેની છાલ કોણી પર ઘસવાથી કાળી પડેલી કોણીનો રંગ નીખરવા માંડશે.

                                   હૈદ્રાબાદી બિરિયાની

 

સામગ્રી:-

1] 1 કપ છુટ્ટા ચઢવેલા બાસમતી ચોખા
2] 1 કપ બાફેલા મિક્સ શાક [ફણસી,ગાજર,વટાણા]
3] 1 લાંબી ચીરીઓ કરેલો કાંદો
4] થોડાક કાજુ અને કિસ્મિસ
5] થોડુંક કેસરઅને ઈલાયચી વાટીને એક ચમચી દૂધમાં ઓગાળવું.
6] 4 ચમચા ઘી અથવા તેલ
7] 1 કપ ખમણેલું ચીઝ
8] 1 કપ દહીં

ગ્રેવી માટેની સામગ્રી:-

1] 1 મિડિયમ કાંદો,
2] એક નાનો ટુકડો આદુ,
 3] 3 થી 4 કળી લસણ,
 4] 1/2 કપ કોપરાનું ખમણ,
5] 1 મિડીયમ ટામેટું

ગ્રેવી માટેની સામગ્રી ભેગી કરીને મિક્સરમાં વાટી લેવી.

રીત:-

     સૌ પ્રથમ ચઢવેલા ચોખામાં સ્વાદ પ્રમાણે મીઠું ભેળવવું. તેમજ દૂધમાં ઓગાળેલું કેસર તેમજ ઈલાયચી ભેળવીને એક બાજુ પર મુકવા. ત્યાર બાદ એક પેણીમાં 2 ચમચા તેલ કે ઘી મૂકીને ચીરેલા કાંદાને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. કાંદા સાંતળતી વખતે 2 નંગ લવીંગ, 1 ટુકડો તજ, 1 પાન તમાલ પત્ર નાંખવા. તેમાં એક ચમચી ખાંડ નાખવાથી કાંદા જલ્દી બદામી રંગના થશે. કાંદા જ્યારે થવા માંડે ત્યારે કાજુનાં ટુકડા તથા કિસ્મિસ ઉમેરવા જેથી તે પણ સંતળાઈ જાય. ત્યાર બાદ તેને એક બાજુ પર રાખી બીજી એક પેણી લઈ વધેલુ ઘી કે તેલ લઈ ગ્રેવીનું મિક્સચર લઈ 3 મિનિટ સુધી સાંતળવું. સાંતળતી વખતે તેમાં સ્વાદાનુસાર મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઊમેરવા. તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લેવુ. થોડું ઠંડુ થયા બાદ તેમાં દહીં ઊમેરવું.અને ત્યારબાદ તેમાં બાફેલાં શાક ઉમેરી હલાવી લેવું.

       હવે એક બૅકિંગ ડિશ લેવી તેમાં અલ્યુમિનીયમ ફોઈલ પાથરવું. હવે તેમાં સાંતળેલા કાંદા પાથરવા. તેની ઉપર કેસરવાળા અડધા ભાત લઈ કાંદાની ઊપર પાથરવા. ત્યારબાદ તેની ઉપર શાકવાળી ગ્રેવી પાથરવી. ત્યારબાદ તેની ઉપર વધેલાં અડધા ભાત પાથરવા.અને પછી તેની ઉપર ખમણેલું ચીઝ પાથરવું.

        હવે 350 ડિગ્રીએ 10 મિનિટ સુધી ગરમ કરેલા ઓવનમાં આ બિરિયાની ની ડિશ મૂકવી. આ બિરિયાનીને 30 થી 35 મિનિટ સુધી બૅક કરવી.

નોંધ : આમાં ફ્રેશ ફ્રુટસ જેવાં કે સફરજન , પાઈનેપલ, સંતરાંની ચીરીઓ કે લીલી દ્રાક્ષ વગેરે ઊમેરી શકો છો અને ત્યારબાદ બૅક કરી શકો છો.

ગુંદરની પેદ

[ આ વાનગી અમેરિકા સ્થિત શ્રીમતી અજિતાબેન શાહે લખી મોકલેલી છે. તેમનો મેઘધનુષ તરફથી ખૂબ આભાર.]

સામગ્રી:-

1] 1 વાડકી ખાવાનો ગુંદર
2] 1 વાડકી ગોળ
3] 1 વાડકી સાકર
4] 1 વાડકી ઘી
5] 3 વાડકી પાણી
6] ¾ વાડકી બદામનાં ટુકડા
7] ¾ વાડકી ખમણેલું સૂકૂ નાળિયેર
8] ½ વાડકી સૂંઠ
9] ½ વાડકી ગંઠોડા
10] ½ વાડકી ખસખસ

રીત:-

ગુંદર, ગોળ, સાકર અને પાણી ભેગાં કરી પહોળા વાસણમાં ઉકાળવા મૂકો. ગુંદર ઓગળે તે મિશ્રણને જાડા કપડે ગાળી કાઢો જેથી તેમાંથી કચરો નીકળી જશે. ત્યારબાદ તેમાં ઘી ઉમેરી ફરીથી મધ્યમ તાપે ઉકાળવા મૂકો. થોડી થોડી વારે હલ્લવતાં રહેવું . હવે ચમચો હલાવતાં તળિયું દેખાવા માંડે એટલે ગેસ બંધ કરો. ઠંડો પડ્યે તેમાં બાકીની સામગ્રી તેમાં ઉમેરી ડબ્બામાં ભરી દો.

                                  ૐ નમઃ શિવાય


6 comments February 24, 2007

થોડું અજમાવી જુઓ

       આજે મહાવદ આઠમ

આજનો સુવિચાર :- આશાવાદ એ એવી શ્રદ્ધા છે કે જે પ્રાપ્તિ કરાવે છે, શ્રદ્ધા કે આશા વિના કશું જ શક્ય નથી.— હેલન કેલર

હેલ્થ ટિપ્સ:- પેરૂના પાનને દસ મિનિટ પાણીમાં ઉકાળી ગાળી અને માઉથવૉશ તરીકે ઉપયોગ કરવો.

                      કીચન     ટીપ્સ

• સૂકામેવાને કાપતા પહેલાં કાતર કે ચાકુને હૂંફાળા પાણીમાં પલાળી દો. સૂકામેવા સરળતાથી કપાઈ જશે.

• ટામેટાનો સૂપ બનાવતી વખતે એમાં બીટનો એક ટુકડો નાખી દો. સૂપનો રંગ અને સ્વાદ બંને બદલાઈ જશે.

• રીંગણ કે કોઈ અન્ય શાક કાળા ન પડી જાય એ માટે એમાં એક ચમચી દૂધ ભેળવી દો. શાકનો રંગ જળવાઈ રહેશે.

• ગ્રેવી યુક્ત શાક બનાવતી વખતે એમાં ટામેટા સાથે થોડો ટોમેટો સૉસ પણ નાખો. સ્વાદ સાથે રંગ પણ નિખરી ઊઠશે.

• મગની દાળના વડા બનાવતી વખતે એના ખીરામાં 1 થી 2 ચમચી કોથમીર નાખો. વડા સ્વાદિષ્ટ બનશે.

• દહીંવડા માટે દહીં જમાવતી વખતે દૂધમાં બે ઈલાયચી વાટીને નાખવાથી દહીંવડા સ્વાદિષ્ટ લાગશે અને દહીં ખારું પણ નહી થાય.

• ગ્રેવી કલરફુલ બનાવવા કાંદાને બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી તેને ટામેટા સાથે વાટી લેવા.

• આઈસ્ક્રીમ બનાવતી વખતે નેમાં થોડો મિલ્ક પાઉડર ભેળવવાથી આઈસક્રીમ ઘટ્ટ બનશે.

• કાદાને સાંતળતી વખતે થોડી સાકર ઉમેરવાથી કાંદા જલ્દી બ્રાઉન થશે. અને મીઠાશ ઉમેરાશે.

• સમોસા કે કચોરીનો લોટ બાંધવા પાણીની જગ્યાએ ભાતનાં ઓસામણથી બાંધવામાં આવે તો સમોસા કે કચોરી કડક થશે.

• બ્રેડનાં પકોડાને સ્વાદિષ્ટ બનાવવા બ્રેડને પ્રથમ દૂધમાંબોળવો પછી ચણાના લોટમાં બોળી તળવા.

• સાકરને વાસણમાં ગરમ કરવી. બ્રાઉન રંગની થાય ત્યારે નીચે ઉતારી કેકનાં મિશ્રણમાં ભેળવવાથી કેકનો રંગ નિખરી ઉઠશે.

• ડુંગળીને ધોઈને સમારીને દહીંમાં ભેળવી તેમાં થોડું મીઠું અને મરીનો પાઉડર મિક્સ કરવાથી સ્વાદિષ્ટ રાયતું બનશે.

• પંજાબી ગ્રેવી થિક બનાવવી હોય તો કાજુનો ભૂકો ઉમેરો. જેનાંથી વાનગી સ્વાદિષ્ટ બનશે.

• શાકમાં મીઠું વધારે પડ્યું હોય તો ચણાના લોટની પોટલી બનાવી શાકમાં મૂકી દો વધારાનું મીઠું ચૂસાઈ જશે.

• વટાણા બાફતી વખતે ચપટી મીઠું તેમ જ એક ચમચી સાકર ઉમેરવાથી વટાણાનો રંગ લીલો જ રહેશે.

                                     ૐ નમઃ શિવાય


Add comment February 10, 2007

લસણની ચટણી

                          આજે પોષ વદ નોમ

આજનો સુવિચાર:- નીચે ગબડી પડવામાં નિષ્ફળતા નથી, ગબડી પડ્યા પછી ત્યાં પડ્યા રહેવામાં નિષ્ફળતા છે.

 હેલ્થ ટીપ્સ:- ગરમ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.

[મુંબઈ સ્થિત શ્રીમતી પાર્વતીજી બારેએ આ મહારાષ્ટ્રીયન ચટણીઓ વિષે જાણકારી આપવા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                                  લસણની સૂકી ચટણી

સામગ્રી:-

1] ¼ કિ.ગ્રા. કાશ્મીરી આખા મરચા

2] 2 સૂકા લસણની કળીઓનો ગાંઠો

 3] 1 મોટો ચમચો ધાણા

4] 1 મોટો ચમચો સફેદ તલ

5] 1 નાની ચમચી જીરુ

6] મીઠું સ્વાદાનુસાર

રીત:-

લસણ સિવાયની દરેક સામગ્રી ભેગી કરી વાટી લેવી. લસણની કળીઓ અલગથી સાફ કરી વાટી આગળની વાટેલી સામગ્રી સાથે ભેગું કરી લેવું. સ્વાદાનુસાર મીઠું ભેળવવું. આમ કરવાથી સૂકી લસણની ચટણી બનશે. ખાખરા ઉપર આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

                                    કાળા તલની ચટણી

સામગ્રી:-

1] 100 ગ્રા. કાળા તલ

2] 1 સૂકા લસણની કળીનો ગાંઠો

3] 1 મોટો ચમચો ધાણા

4] 2 નાની ચમચી લાલ મરચાની ભૂકી [ઈચ્છાનુસાર]

5] મીઠું સ્વાદાનુસાર

રીત:-

કાળા તલ અને ધાણાને શેકીને વાટી લો. લસણની કળીઓને સાફ કરી, વાટી ને કાળા તલ અને ધાણા સાથે ભેળવી દો. એમાં સ્વાદાનુસાર મીઠું ભેળવો. આમ કાળા તલની સૂકી ચટણી બનશે. આને પણ ખાખરા સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગશે. શિયાળામાં તલ ઉત્તમ છે.

                            
                                    લસણની ભીની ચટણી

સામગ્રી:-

1] ½ સૂકા કોપરાની વાટકી

2] 150 ગ્રામ આખા કાશ્મીરી લાલ મરચા

3] 1 મોટો ચમચો ધાણા

4] 1 મોટો ચમચો શીંગદાણા

5] 1 સૂકા લસણની કળીનો ગાંઠો

6] મીઠું સ્વાદાનુસાર

રીત:-

બધી સામગ્રી ભેગી કરી વાટી લેવી. તાજી તાજી આ ચટણી ખૂબ સ્વાદિષ્ટ લાગશે.

                       

                                    ૐ નમઃ શિવાય


1 comment January 13, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links