Posts filed under 'કુંપળ[બાળ સાહિત્ય]'

મારી મનમોજી મમ્મી

                                         આજે વૈશાખ વદ એકમ

આજનો સુવિચાર :- જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ ‘મા’ 
                                   જેને કોઈ સીમા નથી તેનું નામ ‘મા’
                                   જેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ ‘મા’
                                           આવી ફક્ત ત્રણ મા છે.
                                      પરમાત્મા, મહાત્મા અને મા

હેલ્થ ટીપ:- થોડા તલ અને સાકર વાટીને મધમાં ચાટવાથી ઝાડામાં પડતા લોહીમાં રાહત રહે છે.

images[24]

 

મારી મનમોજી મમ્મી

 

મારી મમ્મી છે બહુ હેતાળ, રાખે છે મારું તે ખૂબ ધ્યાન;
ન કરે જરાય ગુસ્સો તે, કરું કોઈ દિન હું તોફાન

સવારે ઊઠીને જૌં ત્યારે, શોભે સૂરજથી આસમાન
પનિહારીઓ પાણી ભરવા જાય, તે દૃશ્ય લાગે શોભાયમાન.

પરીક્ષામાં પાસ થાઉં ત્યારે, કરે મમ્મી મારા ખૂબ વખાણ;
સગાવ્હાલા પાસે પણ મારા, ગાય હંમેશા ગુણગાન.

તબિયત મારી જરા બગડે તો , થાય છે એ ખૂબ પરેશાન;
રજાના દિવસે તે બનાવે, મને ભાવતા બધાં પકવાન.

વેકેશનમાં બહારગામ લઈ જઈ, કરાવે મને વિવિધ સ્થળોની જાણ
રાત-દિવસ તે સદા વિચારે, કેમ બનું હું ખૂબ વિદ્વાન.

મારી મમ્મી મુજને લાગે, મનમોજી ને વળી મહાન;
આપી છે મને તેથી તારો, ઘણો આભાર માનું ભગવાન

                                                     — પીયુષ મહેતા

                                                   — સૌજન્ય – જન્મભૂમિ પ્રવાસી

                                                     ૐ નમઃ શિવાય

10 comments May 10, 2009

શ્રીનાથજી

                  આજે ફાગણ સુદ આઠમ [હોળાષ્ટકનો પ્રારંભ]

આજનો સુવિચાર :- સાપ આખી દુનિયામાંવાંકો ચૂકો ચાલે છે પણ પોતાના દરમાં સીધો જ જાય છે.

હેલ્થ ટીપ :- આદુ સાથે ગોળ લેવાથી કફના રોગોનો નાશ થાય છે, હરડે સાથે લેવાથી પિત્તના રોગોનો અને સૂંઠ સાથે લેવાથી વાયુના રોગોનો નાશ થાય છે.

997328_small1

                                    શ્રીનાથજી

     શ્રીનાથજી વૈષ્ણવોનું આરાધ્ય સ્વરૂપ છે. તે ગોવર્ધનનાથજીના નામથી પણ ઓળખાય છે. હજારો વર્ષ પૂર્વેવ્રજમાં નંદ યશોદાજીને ત્યાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયેલા તેજ આજથી સાડા પાંચસો વર્ષ પહેલાં વ્રજમાં શ્રીગિરિરાજજીમાંથી શ્રી ગોવર્ધનનાથજી સ્વરૂપે પ્રગટ થયા છે.

    વ્રજમાં ગોવર્ધન પર્વત છે. એક વ્રજવાસીની ગાય રોજ પોતાનું દૂધ એ પર્વત ઉપર એક જગ્યાએ શ્રવી આવતી હતી. વ્રજવાસીએ તપાસ કરતા તેને શ્રીનાથજીની ઉર્ધ્વભુજા [ડાબો હાથ જે ઊંચો છે] ના દર્શન થયાં. જ્યારે શ્રીમહાપ્રભુજીનું ચંપારણ્યમાં પ્રાગટ્ય થયું ત્યારે ગિરિરાજજીમાં શ્રીનાથજીના મુખાર્વિંદના દર્શન થયાં.

    શ્રીનાથજીની આજ્ઞાથી શ્રીમહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. આન્યોર ગામના સદુ પાંડે નામના વ્રજવાસીએ શ્રીમહાપ્રભુજીને સઘળી માહિતી આપી. શ્રીમહાપ્રભુજીએ વ્રજવાસીઓ સાથે શ્રીગિરિરાજજી ઉપર જઈ કંદરામાંથી શ્રીનાથજીને બહાર પધરાવ્યા. એક નાનકડું મંદિર તૈયાર કરાવી તેમાં તેમની સેવા શરૂ કરી.

    શ્રીનાથજીને લાડમાં ‘શ્રીજી બાવા’ પણ કહેવાય છે. વર્ષો પછી પુરણમલ ક્ષત્રી નામના વૈષ્ણવે ગિરિરાજજી ઉપર વિશાળ મંદિર બનાવડાવ્યું જેમાં શ્રીનાથજીને પધરાવવામાં આવ્યા. લગભગ અઢીસો વર્ષ શ્રીનાથજી આ મંદિરમાં બિરાજ્યા.

    મોગલ બાદશાહ ઔરંગઝેબના ત્રાસના નિમિત્તે શ્રીનાથજી પોતાની ઈચ્છાથી વ્રજ છોડી રાજસ્થાનમાં ઉદેપુર પાસે સિંહાડ ગામમાં પધાર્યા. જે આજે નાથદ્વારાના નામથી ઓળખાય છે. આજે પણ શ્રીનાથજી અહીં બિરાજે છે.

       શ્રીનાથજીનું સ્વરૂપ પોતાની જાતે પ્રગટ થયેલું છે. આ સ્વરૂપ એક સાત વર્ષના બાળક જેવું છે. તેમની જમણી ભુજા [હાથ] પોતાની કટિ [કમર] ઉપર અને ડાબી ભુજા ઊંચી દ્વારને અડેલી હોય તેમ છે જાણે પોતે નિકુંજને દ્વારે ઊભા હોય. શ્રીનાથજી શ્રીગિરિરાજની કંદરામાં આવેલી શ્રીસ્વામિનીજીની નિકુંજના અધિપતિ છે એટલે તેઓ ‘નિકુંજનાયક’ કહેવાય છે. આ સ્વરૂપની પીઠીકા ચોરસ છે. શ્રીજીબાવાનું આ સ્વરૂપ શ્યામ છે.

                                ગિરિરાજધરણ શ્રીજી તમારે શરણ

                                                  જય શ્રી કૃષ્ણ

3 comments March 3, 2009

કહો હું કોણ? [જવાબ]

                                 આજે મહા વદ અમાસ

આજનો સુવિચાર :- ‘ભરોસો’ શબ્દ ભક્તિ માર્ગનો છે, જ્ઞાનમાર્ગનો નથી. – મોરારીબાપુ

હેલ્થ ટીપ:- આદુનાં રસમાં મરીનો પાઉડર ભેળવી લેવાથી પેટમાં થયેલા વાયુમાં રાહત રહેશે.

                            કહો તો હું કોણ?   [જવાબ]

1]
બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં

કાતર

2]
એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું

સસલું

3]
નાનું મોટું મળે ને
પાણીમાં એ તરે,
સૌ સવારી કરે,
તેને કયું વાહન કહે?

હોડી-નાવડી

4]
વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને
આંબા જેવી કેરી.

આકડો

5]
હવા કરતાં હળવો હું,
રંગે બહુ રૂપાળો,
થોડું ખાઉં ને ધરાઈ જાઉં,
વધુ ખાઉં તો ફાટી જાઉં.

ફુગ્ગો

6]
એની અછત ઝટ વરતાય
એનાં વગર સૌ પરસેવે ન્હાય
એને પામવા વિકલ્પો શોધાય
એના વગર લગીરે ના જીવાય

હવા

7]
હું સૂર્યમંડળનો એક સભ્ય,
સૌથી સુંદર લાગું છું,
પીળાશ પડતો રંગ મારો
મારી ફરતે બર્ફીલા વલયો

શનિ ગ્રહ

8]
ઘરમાં મહેમાનોને દેવાય
વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય

ખુરશી
                                        ૐ નમઃ શિવાય

Add comment February 23, 2009

કહો તો હું કોણ?

                           આજે મહા વદ બારસ

આજનો સુવિચાર :- હાલમાં મોરબીમાં ચાલતી મોરારી બાપુની ‘માનસ સાહિબ’ કથામાં માનસને આધારે ‘સાહિબ’ની પરિભાષા આપતા કહે છે કે ‘પાઠશાળામાં પ્રવેશ આપી પ્રેમના પાઠ ભણાવી પાસ કરે એ સાહિબ’.

હેલ્થ ટીપ:- તમાલપત્ર અને તજને સરખે ભાગે લઈ પાઉડર બનાવી રોજ સવારે ઊઠીને એક ચમચી પાઉડર હૂંફાળા પાણી સાથે લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.

                                       કહો તો હું કોણ?

1]
બે માથાં અને બે પગ,
જાણે એને આખું જગ,
જે કોઈ આવે એની વચમાં,
કપાઈ જાય એની કચકચમાં

2]
એક પ્રાણી એવું,
જે વન-વગડામાં રહેતું,
મોટા-મોટા કાન,
ને શરીર છે સુંવાળું

3]
નાનું મોટું મળે ને પાણીમાં એ તરે,
સૌ સવારી કરે, તેને કયું વાહન કહે?

4]
વડ જેવાં પાન,
ને શેરડી જેવી પેરી,
મોગરા જેવાં ફૂલ ને આંબા જેવી કેરી.

5]
હવા કરતાં હળવો હું,
રંગે બહુ રૂપાળો,
થોડું ખાઉં ને ધરાઈ જાઉં,
વધુ ખાઉં તો ફાટી જાઉં.

6]
એની અછત ઝટ વર્તાય
એનાં વગર સૌ પરસેવે ન્હાય
એને પામવા વિકલ્પો શોધાય
એના વગર લગીરે ના જીવાય

7]
હું સૂર્યમંડળનો એક સભ્ય,
સૌથી સુંદર લાગું છું,
પીળાશ પડતો રંગ મારો
મારી ફરતે બર્ફીલા વલયો

8]
ઘરમાં મહેમાનોને દેવાય
વોટમાં નેતાઓને દેવાય
આરામ કરવામાં વપરાય

                                            ૐ નમઃ શિવાય

3 comments February 20, 2009

બાળચિત્રો

                               આજે મહા વદ એકમ

આજનો સુવિચાર:- માતાનો ખોળો એટલે દુનિયાની સૌથી સલામત જગ્યા.

હેલ્થ ટીપ:- આમળાનાં ચૂર્ણને ઘી અને ગોળમાં ભેળવી લેવાથી પેશાબની તકલીફમાં રાહત રહેશે.

[આ ચિત્રો આપવા બદલ આદિત્ય ધારીયા અને આયુષી ધારીયાનો મેઘધનુષ તરફથી ખૂબ ખૂબ આભાર.]

 

- આયુષી ધારીયા

ચિત્ર બનાવનાર:- આયુષી ધારીયા

- આદિત્ય ધારીયા

ચિત્ર બનાવનાર:- આદિત્ય ધારીયા

 

 

આયુષી ધારીયા

આયુષી ધારીયા

 

આદિત્ય ધારીયા

આદિત્ય ધારીયા

ૐ  નમઃ શિવાય

9 comments February 9, 2009

ભારતનાં રત્નો

                                 આજે મહા સુદ ત્રીજ

આજનો સુવિચાર:- પરમપિતાને આપણે જોયા નથી. હા ! પ્રત્યક્ષ પિતામાં પરમપિતાનો સાક્ષાત્કાર અવશ્ય થઈ શકે છે.

હેલ્થ ટીપ :- શિયાળામાં બદામપાક, ખજૂરપાક, ગુંદરપાક, કૌચાપાક વગેરે બળવર્ધક છે.

                                      ભારતનાં રત્નો

      આપણા ભારતમાં ઘણી મહાન વ્યક્તિઓ થઈ ગઈ છે કે જેમને જીવનમાં ઘણી ઠેસ પહોંચી હોય અને જીવનમાં મોટું પરિવર્તન આવી જતાં મહાન વ્યક્તિ બની ગઈ. જેવાં કે ……..

ધ્રુવ :

     એક સુકોમળ રાજકુમાર, જેની અપરમાએ પિતાના ખોલામાં બેસવા ના દીધો અને કટુ વચનો કહ્યાં, જેથી જંગલમાં તપ કરવા ગયા ને અવિચળ પદ પ્રાપ્ત કર્યું. ધ્રુવના તારાનું સ્થાન પ્રાપ્ત કર્યું.

પ્રહલાદ :

    રાક્ષસપુત્ર પણ વિષ્ણુભક્ત. પિતાને ન ગમતું. અનેક રીતેપરીક્ષા કરી. પરિણામે નૃસિંહનો અવતાર થયો અને પિતાનું મૃત્યુ થયું. વિષ્ણુભક્તિનો ફેલાવો થયો.

તુલસીદાસ :

   પત્ની પ્રત્યે અપાર પ્રેમ. વિયોગ સહન ન થયો ત્યારે પત્નીએ મ્હેણું માર્યું ને રામભક્ત બન્યા.અને ‘રામાયણ’ જેવી મહાન કૃતિ સંસારને મળી.

 મીરા :

   રાજરાણી મીરાની કૃષ્ણભક્તિનો વિરોધ રાણાએ કર્યો. અનેક રીતે હેરાન કર્યાં અને મીરાનું મન સંસારમાંથી ઊઠી ગયું ને કૃષ્ણભક્તિમાં લીન થઈ ગયાં. આમ સંસારને ‘કૃષ્ણભક્તિ’નાં પદ મળ્યાં.

સૂરદાસ :

      ચિંતામણિ નામક ગણિકાના પ્રેમમાં ડૂબેલા, પરંતુ ગણિકાએ રૂપાળા શરીર પાછળ હાડપિંજર જ છે કહી ઉપદેશ આપ્યો. સૂરદાસજીએ પોતાની આંખો ફોડી નાખી અને કૃષ્ણભક્ત બની સુંદર પદ આપ્યા.

કબીર :

     હિન્દુ કે મુસ્લિમ જાતિની ખબર ન હતી એવા અનાથ હતા. વણકરે ઉછેરી મોટા કર્યાં. તરછોડાતાં પ્રભુભક્ત બની ગયા અને દુનિયાને સુંદર ભજનો આપ્યાં. નરસિંહ મહેતા :
ભાભીએ મ્હેણું માર્યુ ને ઘરનો ત્યાગ કરી જંગલમાં ગયા. શિવજીને પ્રસન્ન કરી રાસલીલા જોઈ કૃષ્ણદર્શન પામ્યા અને નરસૈયો હરિભક્ત બની ગયો.. સંસાર નરસૈયાના પદો પામ્યા.

અખો :

   જાતે સોની. બહેનને સોનાની સેર માટે અવિશ્વાસ આવ્યો અને અખાનું સંસારમાથી મન ઊઠી ગયું. સમાજને સમાજનાં દૂષણો સમજાવતાં કાવ્યો આપ્યા.

ભર્તુહરિ :

રાજાની રાણી પિંગળાએ પ્રેમનો વિશ્વાસભંગ કરતાં રાજાનું મન સંસારત્યાગી બન્યું અને ભેખ લીધો.

વાલ્મીકિ :

     વાલિયો લૂંટારો હતો. પોતાની લૂંટના પાપમાં કોઈ ભાગીદાર થવા તૈયાર ન થવાથી લોકો પ્રત્યેનો વિશ્વાસ ઊઠી ગયો. તપ કરી વાલિયામાંથી વાલ્મિકી બન્યા.

જ્ઞાનદેવ :

       બાળવયમાં પિતા પ્રત્યેનું સમાજનું અસ્પૃશ્ય વર્તન જોયું અને સહન ના થયું. જ્ઞાન મેળવ્યું અને ‘જ્ઞાનેશ્વરી ગીતા’ના રચયિતા બન્યાં.

નચિકેત :

     લોભી પિતા પોતાના સુખ માટે નચિકેતને વેંચવા તૈયાર થયા. બાળક નચિકેત યમરાજ પાસે પહોંચીને મૃત્યુ વિષે જ્ઞાન મેળવ્યું.

એકલવ્ય :

      ગુરુ દ્રોણે શુદ્ર કહીને બાણવિદ્યા શીખવવા મનાઈ કરી, પણ ગુપ્ત રીતે વિદ્યા શીખી ને કુશળ બાણાવળી બન્યો. ગુરુદક્ષિણામાં અંગૂઠો આપી મહાન બની ગયો.

બુદ્ધ :

      રાજકુમાર સિદ્ધાર્થે સંસારમાં વૃદ્ધાવસ્થા, મરણ, રોગ, ગરીબી વગેરે દુઃખ જોયાં. પરિણામે વૈરાગ્ય આવ્યો. મહાભિનિષ્ક્રમણ કર્યું ને સિદ્ધાર્થમાંથી ‘બુદ્ધ’ બન્યા ને સંસારને બૌદ્ધ ધર્મ આપ્યો.
                                                                              – સંકલિત

                                       ૐ નમઃ શિવાય

4 comments January 28, 2009

બોધ કથા

                        આજે ભાદરવા વદ છઠ્ઠ [પાંચમનો ક્ષય, છઠ્ઠનું શ્રાદ્ધ]


આજનો સુવિચાર
:- નિરુપયોગી ન થવાનો નિશ્ચય એ જાતને સુધારવાનો ઝડપી અને નાજુક ઉપાય છે.
હેલ્થ ટીપ:- બળેલા શરીરને ઝડપી રૂઝવવા એલોવીરા અને હળદરના મિશ્રણમાં કોપરેલ નાખવું. 

                                                શેતૂરનું ઝાડ

         કાશ્મીરમાં વાસુદેવ નામના એક મહાપંડિત થઈ ગયા. તેઓ હંમેશા પોતાના જ્ઞાનની બડાઈ હાંકે રાખતા. તેમના વિરોધીઓ ડરતા, પણ એકવાર વિરોધીઓ પંડિતને ખંડિત કરી નાખવાનો નિર્ણય કર્યો. વાસુદેવ પંડિતની વાડીમાં એક શેતૂરનું ઝાડ હતું. તેમણે વિદ્વાનીઓને ચર્ચા માટે બોલાવ્યા ત્યારે વિદ્વાનીઓએ તેમની કોઈ વાત સાંભળી નહીં. તેઓ બોલી ઊઠ્યા, બધુ તૂત છે, એટલું જ નહીં, તેઓ વાસુદેવને ‘તૂતપંડિત’ કહેવા લાગ્યા. આથી વાસુદેવ એટલા ચિડાયા કે એમણે શેતૂરનું ઝાડ ઉપરથી કાપી નાખ્યું.

      માથું કપાયેલા ઝાડને ઉદેશીને વિદ્વાનો વાસુદેવને હવે ‘મૂડ પંડિત’ કહેવા લાગ્યા. વાસુદેવ પાસે ગુસ્સે થવા માટે એક ઝાડ હતું. તેમણે બધો ગુસ્સો શેતૂર ઉતાર્યો. શેતૂરને અડધેથી કાપી નાખ્યું. માત્ર ઠૂઠું રહી ગયું. વિદ્વાનો વાસુદેવને ઠૂંઠ પંડિત કહેવા લાગ્યા. ગુસ્સે થયેલા વાસુદેવે ઠૂઠું પણ ઉખાડીને ફેંકી દીધું. એટલે ત્યાં મોટો ખાડો થઈ ગયો. પછે પોતાના ગુરૂ પાસે ગયા અને બધી વાત કહી.

      ગુરૂજીએ હસીને કહ્યું,’તેં તારી મોટાઈ લલકારી એટલે વિદ્વાનો વિરોધી બન્યા. તને ચિડાવવા માંડ્યા. તું ચિડાઈને શેતૂર કાપતો રહ્યો, પણ વાસુ! તુ તારી બડાઈ ગાશે નહી, લોકચર્ચાને ધ્યાનથી અવલોકશે, હાથ કે હથિયાર ઉગામતા પહેલાં વિચાર કરશે તો તું જરૂર ઉત્તુંગ પંડિત બનીશ.’ વાસુદેવે ગુરુની આજ્ઞા માની. વર્ષો પછી સાચે જ તેઓ મહાપંડિત ઉત્તુંગ પંડિત બન્યા. તેમના વાડામાં ફરીથી શેતૂરનું ઝાડ ઉગાદ્યું હતું. એ ઝાદને જોઈ તેમને હંમેશા પ્રેરણા મળતી.
બોધ:- જ્ઞાનની બડાઈ હાંકવાથી હંમેશા નુકશાન થાય છે.

                                  ૐ નમઃ શિવાય

3 comments September 19, 2008

છત્રી વિષે અવનવું

                          આજે જેઠ વદ દસમ

આજનો સુવિચાર:- સફળતા તેને મળે જે સતત નવું નવું કરવા મથે છે.

 

હેલ્થ ટીપ:- લીંબુની છાલને સૂકવી તેનો પાઉડર બનાવી તેમાં મીઠું ભેળવી દાંતે ઘસવાથી દાંત મજબૂત અને ચમકીલા બને છે.

 

                            છત્રી વિષે અવનવુ

 

     ચોમાસું આવે ને છત્રીની યાદ આવે. આ ઋતુમાં નાના, મોટા, જાડા, પાતળા, ગરીબ, તવંગર, ગોરા, કાળા દરેકને છત્રીની જરૂર પડે છે. આર્‍તુ આવે અને ઠેર ઠેર છત્રીની હાટ લાગી જાય છે અને રંગબેરંગી અને જુદી જુદી ફેશનની છત્રીઓ જોવા મળે છે. હવે તો ચીનની પણ છત્રીઓ ભારતમાં મળતી થઈ ગઈ છે જે સસ્તી તો છે પણ ટકાઉ નથી હોતી. નવી ઋતુમાં નવી છત્રી. આટલી બધી કલરફુલ છત્રીઓ જોઈ કઈ છત્રી લેવી તે નક્કી કરવું મુશ્કેલ થઈ પડે છે.

    આ છત્રીનો ઈતિહાસ બહુ જુનો છે. અંગ્રેજીમાં જેને Umberlla કહેવાય છે તે મૂળ લેટિન શબ્દ અમ્બરા ઉપર આવ્યો છે. એનો અર્થ છત્રછાયા થાય છે. પ્રાચીન સમયમાં વરસાદથી બચવા પાંદડાનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ નવી નવી શોધખોળે છત્રીનો જન્મ આપ્યો.

     પ્રાચીન ચીનમાં લોકો ધોમધખતા તાપથી બચવા છત્રીનો ઉપયોગ કરતા હતા. લગભગ સોળમી સદીમાં છત્રીનું ચલણ વધ્યું અને લોકપ્રિય બની દુનિયાભરમાં છત્રી છવાઈ ગઈ પણ લંડને પહેલી છત્રીની દુકાન ખોલી મેદાન મારી લીધુ. જાણવા જેવી વાત એ છે કે લંડનની ન્યુઑક્સફર્ડમાં ખૂલેલી પ્રથમ છત્રીની દુકાનની જગ્યાએ અર્વાચીનમાં ‘જેમ્સ સ્મિથ એંડ સંસ’ નામની છત્રીની જ દુકાન છે.

    હજારો વર્ષ પહેલા છત્રી નહીં પણ છત્ર હતા [ખૂબ મોટી છત્રી]. શરૂઆતમાંઉરોપિયન સ્ટાઈલમાં છત્રી બનતી લાકડામાંથી બનતી આ છત્રીનો ઉપરનો ભાગ કેનવાસથી ઢાંકવામાં આવતો. ત્યારબાદ તેને આકર્ષક બનાવવા તેના હેંડલને આકર્ષક અને રંગબેરંગી બનાવવામાં આવતા. પેરિસ શહેરે છત્રીઓની નવી નવી વેરાયેટી આપી. યુરોપમાં સદીઓ સુધી છત્રીને કોઈ ઓળખતું ન હતું

      પહેલા લાંબી છત્રીની ફેશન હતી જે હવે પાછી આવી છે. ત્યારબાદ ડબલ ફોલ્ડ છત્રીની ફેશન આવી. આ છત્રી પુષ્કળ પવનમાં કાગડો થઈ જતી. છત્રી જ્યારે ઊંધી થઈ જતી ત્યારે તેને કાગડો થઈ ગઈ કહેવાય છે. આ કહેવત કેવી રીતે પડી તે શોધવું પડશે. ત્યાર બાદ પર્સમાં રહી શકે તેવી થ્રી ફોલ્ડ છત્રીની ફેશન આવી.પહેલા કહેવાતું કે ફક્ત સ્ત્રીઓ જ રંગબેરંગી છત્રીઓ વાપરી શકે અને પુરુષો કાળી છત્રી વાપરી શકે. જો કોઈ પુરુષનાં હાથમાં રંગીન છત્રી હોય તો લોકો તેમની તરફ તાકી રહેતાં જાણે મોટો ગુનો ન કર્યો હોય ! પણ હવે તો સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ જાતની છત્રીનો ઉપયોગ કરી શકે પણ હા ! પુરુષોની છત્રીની સાઈઝ હંમેશા મોટી હોય છે.

બાળજોડકણામાં આવ્યો છત્રીનો વારો

છ છત્રીનો છ

છત્રી ઓઢી ભાઈલો ચાલે,
ઝરમરતો વરસાદ;
ગડગડ કરતાં વાદળ ગરજે
વીજળી ચમકે સાથ.

બારિશ આઈ છમ છમ છમ
લેકે છતા નીકલે હમ
પાનીમેં ફિસલ પડે
છાતા ઉપર નીચે હમ.

તો વરસાદમાં લઈએ છત્રીની મઝા.

 

                                              ૐ નમઃ શિવાય

2 comments June 27, 2008

ચાલો ને રમીએ હોડી હોડી

આજે જેઠ સુદ સાતમ

આજનો સુવિચાર:- કર્મશીલતા એ વૃદ્ધાવસ્થાની ઉત્તમ સંજીવની છે.

હેલ્થ ટીપ:-કારેલાનો રસ અથવા તેની છાલ ખીલ દૂર કરવામાં મદદ કરે છે.

ચાલો ને રમીએ હોડી હોડી ચાલોને

વરસ્યો વરસાદ ખૂબ આજે મુશળધાર,
ઝરણાં નાનાં જાય દોડી દોડી.—- ચાલોને

બાપુનાં છાપાં નક્કામાં થોથાં
કાપીકૂપીને કરીએ હોડી —- ચાલોને

સાદી રાખેલી ઊંધી વળે તો
મૂકીએ પવનમાં છોડી છોડી.— ચાલોને

ખાલી રાખેલી ઊંધી વળે તો
પાંદડાં ને ફૂલ ભરું તોડી તોડી. — ચાલોને

જાશે દરિયાપાર પરીઓના દેશમાં
સૌથી પહેલી, દોસ્ત ! મારી હોડી. — ચાલોને

પિનાકિન ત્રિવેદી

  મુંબઈમાં આજકાલ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ચોમેર પાણી પાણી વરસી રહ્યું છે. આ જોઈ મને મારું બાળપણ યાદ આવી ગયું.

    બાળપણ મુંબઈના ખેતવાડી એરિયામાં વીત્યો. જ્યારે પણ આવો ધોધમાર વરસાદ વરસતો ત્યારે અમારા બિલ્ડિંગની નીચે પાણી ભરાઈ જતું. અમારા બિલ્ડિંગ એવું હતુ કે તેની એક બાજુ પાણી ભરાઈ જતું જ્યારે બીજી બાજુ જરાયે ભરાતું નહીં. જ્યારે એ બાજુ થોડુંક પાણી ભરાય તો સમજવું કે ખરેખર વરસાદ ખૂબ વરસ્યો છે અને એવું જ ઈચ્છતાં કે ક્યારે આવો મેઘ વરસે અને શાળા બંધ થાય અને કાગળની હોડી બનાવીને પાણીમાં છબછબીયા કરીએ. મારા અને મારા ભાઈ યોગેશ વચ્ચે બે વર્ષનો ફરફ. જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે કાગળની હોડીઓ બનાવી નીચે ઉતરી જતાં

   નાનપણથી જ ગાવાનો ખૂબ શોખ. મારી માનો અવાજ મારામાં ઉતર્યો છે. ખૂબ શોખથી હું અને યોગેશભાઈ ગીતો ગાતા અને વરસાદને બોલાવતા.

આવરે વરસાદ !
ઘેબરિયો પરસાદ
ઊની ઊની રોટલી
ને કારેલાનું શાક

આવરે વરસાદ !
નેવલે પાણી…
નઠારી છોકરીને
દેડકે તાણી.

ઝવેરચંદ મેઘાણી

આવ રે મેઉલા આવ,
મેઉલા અષાડના રે.

ઘેરી ઘેરી વાદળી જળે ભરી રે;
વરસી ઝરમર જાય,
મેઉલા અષાડના રે

ઝબકે ઝબઝબ વીજળી રે;
વાદળ ધમમમ થાય;
મેઉલા અષાડના રે… આવ રે

નદીએ પાણી રેલશે રે,
ધરતી ડુબ ડુબ થાય;
મેઉલા અષાડના રે….આવ રે.

ખેતર ખેડૂત વાવરે રે;
કપાસ ને કણ થાય;
મેઉલા અષાડના રે…. આવરે.

ત્રિભુવન વ્યાસ

                                                  ૐ નમઃ શિવાય

6 comments June 9, 2008

ઉત્તર અમેરિકન બાળકથા

                            આજે વૈશાખ વદ અમાસ [શનિ જયંતી]

આજનો સુવિચાર:- અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે. – મહાભારત

હેલ્થ ટીપ:- તાજા ફળો તથા કાચા શાકભાજીમાં અનેક સ્વાસ્થ્યકારક પોષક તત્વો હોય છે તેથી તેનો વધુમાં વધુ ઉપયોગ કરો.

     ઈસપની બોધકથાની શ્રેણીમાં એક ઉત્તર અમેરિકન કથા

 

       ઘણા દિવસો પહેલાની વાત છે. અમેરિકાના એક પહાડી પ્રદેશમાં એક કલાકાર આવ્યો. તે શિલ્પી હતો.. પથ્થરમાંથી મૂર્તિઓ કંડારવાનું કામ કરતો હતો. તેણે આ પહાડી પ્રદેશના એક પર્વત પર મૂર્તિનો ચહેરો કંડાર્યો. એ ચહેરા એટલો સુંદર હતો કે જોનારા છક થઈ જાય. એ ચહેરાના હોઠ એણે આછું આછું હસતા કંડાર્યા હતા. દરેક મોસમમાં એ ચહેરો હસતો રહેતો. સેંકડો વર્ષો વીતી ગયા. હસતા આ ચહેરાની આ પહાડી ધાર નીચે ધીરે ધીરે એક ગામ વસી ગયું.

ગામના લોકોને આ હસતો ચહેરો ખૂબ ગમતો. તેઓ તેની પૂજા કરતા અને એનું નામ ‘પહાડના સંત’ પાડ્યું.

     આ ગામમાં એક નાનકડો છોકરો એની મા સાથે રહેતો હતો. એનું નામ અર્નેસ્ટ હતુ. એ દરરોજ ઘરની બારીમાંથી આ વિશાળમૂર્તિને દરરોજ જોયા કરતો. એને એમ થતું કે આ હસતો ચહેરો મને હંમેશા દેખાતો રહે તો સારું. અર્નેસ્ટ એકલો પડ્તો ત્યારે બારીમાં બેસીને મૂર્તિ સાથે વાત કરવાની કોશિશ કરતો, પણ આ પથ્થરનો ચહેરો ફક્ત મંદ મંદ હસતો.

     અર્નેસ્ટ ઘણીવાર માતા સાથે આ ચહેરા વિશે વાતો કરતો. માએ કહ્યું,’ ગામમાં લોકો માને છે કે એક મહાન માણસ અહીં આવશે. આપણી વચ્ચે રહેશે. ગામ લોકોની રક્ષા કરશે. એનો ચહેરો પણ આ પર્વતના સંત જેવો હશે. ‘
        અર્નેસ્ટને થયું કે આ મહાન માણસ જલદી આવી જાય તો સારું જેથી હું નાનપણથી જ એની સાથે વાત કરી શકું.
વરસેક પછી એક મોટો સેનાપતિ ગામમાં આવ્યો. એણે ઘણી લડાઈઓમાં વિજય મેળવ્યો હતો. લોકોએ તેનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યા,’ આ એ જ મહાન માણસ છે, જેની આપણે વર્ષોથી રાહ જોઈ રહ્યા છીએ.’

      પરંતુ અર્નેસ્ટ અને તેની માને આ વાતમાં વિશ્વાસ બેસતો ન હતો.. એણે ઘણા પ્રદેશો જીતીને ત્યાં સ્ત્રી અને બાળકોની કત્લેઆમ ચલાવી હતી. ગામમાં પણ એણે એવો જ નિર્દય વ્યહવાર ચાલુ કર્યો હતો. પર્વતનાં સંત જેવો આ સેનાપતિમાં એક પણ ગુણ નહોતો !

      વર્ષો વીત્યા અર્નેસ્ટની માતા મૃત્યુ પામી અને તે એકલો પડી ગયો. હવે તો એ ઘણી વાર પર્વતમા સંત સામે બેસી રહેતો અને મૂર્તિ જાને પ્રેમ અને દયાનો સંદેશ આપતી. એક પછી એક દંભી નેતા આવતા અને આપેલા વચનો પાળતા નહીં. અર્નેસ્ટે પર્વતનાં સંતની આશા મૂકી દીધી અને પ્રામાણિક પણે મહેનત કરતો અને ગામના લોકોને મદદ કરતો. આમ પ્રવતનાં સંતની રાહ જોતો તે ઘરડો થઈ ગયો.

        એક દિવસ ગામના હિતની કોઈ વાત પૂછવા ગામનાં લોકો અર્નેસ્ટને ઘરે આવ્યા હતા. અર્નેસ્ટ પહાદ તરફની બારી પાસે પલંગમાં બેઠો હતો. એ ઘરડો થઈ ગયો હતો છતાં હસી હસીને સૌને લાભની વાત કહી રહ્યો હતો.

        અચાનક કોઈની નજર બારીની બહાર ગઈ. પહાડની ધાર પર ઉપરનો પેલો ચહેરો એને દેખાયો. એ માણસ એકદમ કૂદ્યો.’જૂઓ જૂઓ ! પર્વતના સંતના ચહેરામાં અને અર્નેસ્ટના ચહેરામાં કશો ફેર નથી !’ સૌ ઊભા થઈ ગયા. બધાને વાત સાચી લાગી. સૌએ કહ્યુ,’ વૃદ્ધ અર્નેસ્ટ જ પર્વતના સંતનો અવતાર છે.’ એ દિવસથી પહાડની ધાર પરના પેલા પથ્થરના ચહેરાનું નામ પડ્યું,’ પહાડના સંત અર્નેસ્ટ’.

                                                                             -સૌજન્ય દિવ્યભાસ્કર

                                      ૐ નમઃ શિવાય

3 comments June 3, 2008

Previous Posts


શોધખોળ

આભાર

snehaakshat on આવુ પણ થાય
Ramesh Patel on સહસ્ત્રલિંગ તળાવ પરથી પાટણનો…
shivshiva on યોગ અને પ્રાણાયામ
Dr. Chandravadan Mis… on સહસ્ત્રલિંગ તળાવ પરથી પાટણનો…
nayan on યોગ અને પ્રાણાયામ

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters