Posts filed under ‘કુદરત[પ્રવાસ]’
ધુમલી – એક ભગ્ન પ્રાચીન નગર
આજે જેષ્ઠ સુદ ત્રીજ [વિનાયક ચતુર્થી]
ઘુમલી – એક ભગ્ન પ્રાચીન નગર
ઘુમલીની મુલાકાત એટલે સાચું સૌરાષ્ટ્ર દર્શન
પશ્ચિમ ભારતનાં ઐતિહાસિક સ્થળોમાં જેની ગણના થાય છે તે ભગ્ન અવશેષ જેવું પ્રાચીન નગર એટલે ‘ઘુમલી’ તે સૌરાષ્ટ્રમાં બરડા ડુંગરમાં આવેલું છે અને સૌથી વિશેષ પ્રાચીન અવશેષ ધરાવે છે. ઇ.સ. પૂર્વે 322-184 વચ્ચેનો ભગ્ન બૌદ્ધવિહાર છે.
ઘુમલીનું સર્જન અને વિકાસ રસિક રાજવી જેઠવા રજપૂતે કર્યો હતો. તેમાં જેતાવાવ-નવલખા મંદિર તથા રામપોળ દરવાજો આજે પન ભગ્ન અવશેષરૂપે મોજુદ છે. ઘુમલીના હૃદયદ્રાવક પ્રેમકિસ્સા, સોન-હાલામણ તથા મેહ-ઊજળીના પ્રેમકિસ્સા શિયાળાની ઠંડી રાત્રે લોઅકગાયકના સ્વરમાં સાંભળવા જેવા છે. જેમની પાસે સમય છે અને પુરાતન મૂર્તિઓ, અવશેષો, વાવ, પાળિયા ઈદ્યાદિની જાણકારી મેળવવાનો શોખ હોય તેઓ માટે ‘ઘુમલી’ની મુલાકાત એટલે સાચું સૌરાષ્ટ્રદર્શન છે.
ઘુમલી પોરબંદરથી 35 કિ.મિ. બરડા ડુંગરમાં આવેલું છે.
ૐ નમઃ શિવાય
મુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો
આજે વૈશાખ વદ ત્રીજ
મુંબઈ નજીકના એક દિવસીય પર્યટનના સ્થળો
સિમેંટના જંગલમાં રહેતા કયા મુંબઈગરાને કુદરતના લીલાછમ સૌંદર્યને મ્હાલવું ન ગમે? તેમાં પણ મુંબઈની નજીક હોય તો સોનામાં સુગંધ ભળી જાય. એવાં જ થોડાક સ્થળો વિષે આપણે જાણકારી મેળવીયે.
કોંડાણા:-
કર્જત નજીક આવેલા આ સ્થળે પહોંચવા સ્ટેશનથી કોંદીવડે ગામ માટે રિક્ષા મળી રહે છે. કોંદીવડે ગામ નજીક કોંડાણાની પ્રસિદ્ધ ગુફા આવેલી છે. ચોમાસા દરમિયાન અહીં ધોધની મજા કાંઈક ઑર છે. અહીંનો ધોધ સુરક્ષિત હોવાને કારણે બાળકોને લઈ જવાય છે.
ચિંચોટી:-
વસઈ નજીક આવેલ ચિંચોટી ધોધ છેલ્લા કેટલાક વર્ષોથી સહેલાણીઓ માટે ગમતીલું સ્થળ બની રહ્યું છે. ચોમાસામાં તો અહીં રવિવાર તો માનવ ભીડ વધી જાય છે. અહીં પહોંચવા વસઈ સ્ટેશનથી એસટીની બસ મળી રહે છે. તે સિવાય નાયગાઁવ રેલ્વે સ્ટેશનથી ટેક્સી મળી રહે છે. ગામમાં પહોંચીને થોડા અંતર સુધી ચાલ્યા બાદ ધોધનો અવાજ સાંભળી શકાય છે. જાણકારોના કહેવા મુજબ અહીં પહોંચવા ટ્રેકિંગનો અનુભવ તેમજ પાણીનો અંદાજ હોવો જરૂરી છે.
કોંડેશ્વર:-
કામશેત નજીક આવેલા અનેક ધોધ પૈકી આ એક જાણીતો ધોધ છે. કામશેતથી એસટી અથવા રીક્ષા અડધો કલાકમાં જાંભીવલી ગાઁવ સુધી પહોંચી શકાય છે. ત્યાંથી કોંડેશ્વર પગપાળા પહોંચી શકાય છે. કોંડેશ્વર શિવમંદિર માટે લોકપ્રિય છે.
તુંગારેશ્વર:-
અગાઉ લેખમાં તુંગારેશ્વર વિષે લખેલું છે.
કાન્હેરી ગુફા:-
શહેરમાં આવેલા નેશનલ પાર્કના ગેટથી કાન્હેરી ગુફા સુધી પહોંચવા પાર્કની જ બસ ઉપલબ્ધ છે. મુંબઈના પ્રખ્યાત સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની કાન્હેરી ગુફાના પરિસરમાં જ આ ધોધ આવેલ છે. ભર ચોમાસામાં જ આધોધને મ્હાલી શકાય છે.
બેકરે ગામનો ધોધ:-
મધ્ય રેલ્વેમાં ભિવપુરી રોડ સ્ટેશનની નજીક બેકરે ગામમાં પાણીનો ધોધ આવેલો છે. બેકરે ગામમાં પહોંચી થોડો દુંગર ચઢ્યા બાદ ધોધ સુધી પહોંચી શકાય છે.
તો જરૂરથી મ્હાલો કુદરત
– સંકલિત
ૐ નમઃ શિવાય
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર
આજે શ્રાવણ વદ તેરસ [શિવરાત્રી]
આજનો સુવિચાર:- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.
- સ્વામી શિવાનંદજી
કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ મંદિર
કાશી વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ મંદિરને ગોલ્ડન ટૅમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાશી વિશ્વનાથ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ છે. કાશી અથવા વારાણસી અથવા બનારસ એ દેવોના દેવ મહાદેવનું નિવાસસ્થાન ગણાય છે. ગંગાના પશ્ચિમકાંઠે વસેલી કાશી નગરી સૌથી પુરાણી નગરી મનાય છે. કાશીને હિન્દુ ધર્મગ્રંથોમાં સાત મોક્ષદાયી પુરીઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાશીમાં ભારતના સૌથી અધિક શિવાલયોની સંખ્યા હશે એવું મનાય છે. કાશીને રુદ્રમય પણ માનવામાં આવે છે. ધર્મગ્રંથો અનુસાર શિવજીના ત્રિશૂળ પર વસેલું કાશી, વારાણસી, બનારસ, અવિમુક્ત, આનંદવન, મહાસ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થળે શિવજી સ્વયં મરણોન્મુખ જીવને તારકમંત્ર સંભળાવે છે, એટલે જીવને બ્રહ્મજ્ઞાન મળે છે. આ માન્યતાને કારણે અહીં મૃત્યુનો મહિમા છે.
પૌરાણિક કથા અનુસાર હિમાલયના કૈલાસમાં વસવાટ કરતા શિવજીનાં ધ્યાન કે સમાધિમાં કોઈ વિઘ્ન આવે તે માટે માતા પાર્વતીજીએ શિવજીને બીજું સ્થાન શોધવાની પ્રાર્થના કરી અને શિવજીએ રાજા દિવોદાસની કાશીનગરી પસંદ કરી. જ્યારે નિકુંભ નામના શિવગણે આ નગરી માનવરહિત બનાવી ત્યારે રાજા દિવોદાસને ખુબ દુઃખ થયું. આથી તેમણે ઘોર તપ કરી બ્રહ્મદેવને પ્રસન્ન કરી પોતાનું દુઃખ દૂર કરવાની પ્રાર્થના કરી. આથી બ્રહ્માજીની સમજાવટ થી શિવજી મંદરાચલ ચાલ્યા ગયા. પરંતુ શિવજીનો વારાણસી પ્રત્યેનો સ્નેહ જોઈ ભગવાન વિષ્ણુએ રાજા દિવોદાસને જ્ઞાનોપદેશ આપતાં દિવોદાસ તપોવન જવા રાજી થઈ ગયા અને ત્યારબાદ વારાણસી શિવજીનું કાયમી નિવાસસ્થાન બની ગયું. શિવજીએ આ નગરની સ્થાપના ત્રિશૂળ પર કરી છે. 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ મણિકર્ણિકા ઘાટે આવેલી છે.
અંદાજે 40 ચોરસફૂટ જેટલા વિસ્તારમાં પથરાયેલા મંદિરમાં બે ગર્ભગૃહ અને ત્યારબાદ બે સભામંડપ છે. બે ગર્ભગૃહ પર ચતુષ્કોણી શિખર છે અને સભામંડપ પર ઘુમ્મટ આકાર શિખર છે. આ ઘુમ્મટ અને ડાબા ગર્ભગૃહ શિખર પર રણજિત સિંહે આપેલું સુવર્ણપાત્ર જોઈ શકાય છે. ડાબી તરફના ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. આ જ્યોતિર્લિંગ ગર્ભગૃહની વચમાં નથી, પરંતુ એક ખૂણામાં છે. તેની શાળુંકાનો ભાગ ચાંદીથી મઢેલો છે. મુખ્ય શિવલિંગ મધ્યમ કદનું છે.
અહીં ગંગાજીસ્નાનના મહિમા ઉપરાંત ચાર સ્થળોના દર્શનનો મહિમા છે. પ્રથમ તો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મંદિર, સંકટમોચન હનુમાનજીનું મંદિર, મા અન્નપૂર્ણા મંદિર અને કાળબૈરવનું મંદિર.
અહીં દર ત્રીજા વર્ષે પંચકોશી યાત્રા થાય છે. ગંગાજીના કિનારે શ્રેણી ઘાટ આવેલા છે. કાશીમાં જ લગભગ 57 થી 64 જેટલા ઘાટ છે. એમાંના મુખ્ય કાશી ઘાત , મણિકર્ણિકા ઘાટ, દશાશ્વમેઘ ઘાટ મુખ્ય છે. અન્ય ઘાટમા વરુણાસંગમ ઘાટ, પંચગંગા ઘાટ, અસ્સી સંગમ ઘાટ, જલાશાયી ઘાટ, શિવાલા ઘાટ, કેદાર ઘાટનો સમાવેશ થાય છે. કેદાર ગાટ પર આવેલા પુરાણા કેદારેશ્વર મંદિરની બાજુમાં આવેલા ગૌરીકુંડને ઘણો પવિત્ર માનવામાં આવે છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
મુંબઈ અને તેની આસપાસનાં શિવાલયો
આજે શ્રાવણ સુદ એકમ
આજનો સુવિચાર:- ચારિત્ર્ય એટલે ઈચ્છાઓનો વિકાસ પામેલો સમૂહ — ટાગોર
શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે શિવજીમાં મન ધ્યાનસ્થ થઈ જાય છે. શિવજીનું ધ્યાન આવતાં જ બાર જ્યોતિર્લિંગનું સ્મરણ થાય છે. જ્યોતિર્લિંગના સ્મરણ માત્રથી પાપમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બાર જ્યોતિર્લિંગમાંથી ત્રણ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં આવેલા છે. મુંબઈ અને તેની આસપાસનાં પરાંમાં કેટલાક એવાં શિવમંદિરો છે જેનો રામાયણ અને મહાભારત કાળ સાથે નાતો છે. આવું આગવું સ્થાન ધરાવતા શિવમંદિરોનો ઉલ્લેખ શ્રાવણ માસની શરૂઆતમાં કરીએ.
અંબરનાથ-જેને વિષે અગાઉ પણ મેં લખેલું છે.
અંબરેશ્વર શિવમંદિર તરીકે ઓળખાતું આ મંદિર શિલેહારા વંશના રાજા ચિત્તારાજાએ બંધવ્યું હતું. ઈ.સ. 982 કે 1060મા6 આ મંદિર બંધાવ્યા હોવાના પુરાવા મળ્યા છે. હેમાદપંથી શૈલીનું આ મંદિર કાળા પથ્થરમાંથી કોતરવામાં આવ્યું ચ્હે.
વાલકેશ્વર મંદિર:-
જ્યોતિર્લિંગ રામેશ્વરની જેમ મુંબઈના વાલકેશ્વર મંદિરનો સંબંધ ભગવાન રામજી સાથે છે. સીતાજીની શોધમાં નીકળેલા રામ અને લક્ષમણ આ સ્થળે રોકાયા હતા અને રામે રેતીનું શિવલિંગ બનાવી એની પૂજા કરી હતી. વાલકેશ્વર એટલે વાળુ[રેતી]માંથી બનેલા ઈશ્વરએવો થાય છે. શિલહારા વંશના રાજાઓના દરબારમાંના ગૌડ સારસ્વત બ્રાહમણ જ્ઞાતિના દરબારી લક્ષમન પ્રભુએ ઈ.સ.1127માં મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ પોર્ટુગીઝોએ તોડી પાડ્યું હતું અને 1715માં રામ કામત નામના વેપારી અને દાનવીરે તેનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હતો.
કોપિનેશ્વર મંદિર:-
થાણે રેલ્વે સ્ટેશન નજીક બાઝાર પેઠ વિસ્તારમાં આવેલા આ મંદિરમાંનું શિવલિંગ પાંચ ફૂટ ઊંચું છે અને તેનો ઘેરાવો પણ એટલો જ છે. શિલહારા વંશના એક રાજાએ ઈ.સ. 810 થી 1240 ના સમય દરમિયાન બંધાવ્યું હતું. 1760માં સર સુબેદાર રામાજી મહાદેવ બિવાલકરે આ મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને ત્યારબાદ 1879માં સ્થાનિક હિંદુ પ્રજાએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
ખિડકાલેશ્વર મંદિર:-
ડોમ્બીવલીની નજીક ખિડકાલી ગામ નજીકનું આ મંદિર પાંડવકાલીનનું હોવાનું મનાય છે. પાંડવો વનવાસ દરમિયાન આ સ્થળે રોકાયા હતાં. એ દરમિયાન યુધિષ્ઠિર શિવપૂજન માટે પ્રેરિત થઈ ધ્યાન મગ્ન થયાં ત્યારે શિવલિંગ અને તળાવ આપોઆપ પ્રગટ થયાં હતાં. સદીઓ પછી ગ્રામવાસીઓને આ તળાવ અને શિવલિંગની જાનકારી થઈ અને આ મંદિર બાંધવામાં આવ્યું.
એલિફંટા ગુફા:- અગાઉ એલિફંટા વિષે મેં લખેલું છે.
પાંચમી અને આઠમીસદીની વચ્ચે બનેલી આગુફાઓને કાળક્રમે ખૂબ નુકશાન પહોંચેલું પરંતુ ચારે તરફ દરવાજા ધરવતા ચોરસ ગર્ભગૃહમાંનુ શિવલિંગ યથાવત રહ્યું હતું.
કાશીવિશ્વેશ્વર મંદિર:-
1783માં દાદોબા જગન્નાથ મંત્રીએ પોતાની જ્ઞાતિ સોમવંશી પાઠાર ક્ષત્રિય માટે માટુંગામાંકાશીવિશ્વેશ્વર મંદિર બંધાવ્યું હતું. આજે પણ આ મંદિરનો પુરાણો દેખાવા યથાવત છે.
બાબુલનાથ મંદિર:- અગાઉ આ મંદિર વિષે મેં લખ્યું છે.
મુંબઈના શિવભક્તોનું અતિપ્રિય અને સૌથી જુનું આ બાબુલનાથનું મંદિર એક ગોવાળિયાની પ્રેરણાથી પાંડુરંગ શેઠના પ્રયાસથી બન્યું હતું. 1780માં નાના દેવાલય તરીકે સ્થપાયેલું આ મંદિર કાળક્રમે વિશાળ બન્યું છે. અહીં શિવલિંગ સ્વયંભૂ છે.
ધાકલેશ્વર મંદિર:-
મહાલક્ષ્મી મંદિરના પરિસરમાં આવેલું ધાકલેશ્વર મહાદેવનું મંદિર 1835માં દાદાજી ધાકજીએ બંધાવ્યું હતું. ઓરિસ્સાના કોણાર્ક અને મોઢેરાના સૂર્યમંદિર જેવી સૂર્યની મૂર્તિ આ મંદિરમાં છે. 2008માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો.
માનકેશ્વર મંદિર:-
ડોકયાર્ડ રોડ ખાતે આવેલા માનકેશ્વરમંદિરનું શિવલિંગ સ્વયંભૂ છે. આ મંદિર કેશવાજી ક્ષત્રિયે બંધાવ્યું હતું. સાવ જૂની શૈલીના આ મંદિરના ગર્ભગૃહમાં સ્ત્રીઓનો પ્રવેશ નિઃશેધ છે. મૂછાળા ભોલેબાબાની ખાસ મૂર્તિના દર્શન કરવા ભક્તો દૂરદૂરથી આવે છે.
તુંગારેશ્વર:-
વસઈમાંનું તુંગારેશ્વર મંદિર પ્રાચીન છે. એક દંતકથા મુજબ સંજીવની ધરાવતો પર્વત લઈને જતી વખતે હનુમાનજી દ્વારા થોડી સંજીવની અહીં પડી ગયેલી. ભક્તોના માનવા મુજબ વર્ષની અમુક ચોક્કસ રાત્રે આ ટેકરી પરના અમુક છોડવા પ્રકાશિત અવસ્થામાં જોવા મળે છે.
આ ઉપરાંત નળબજાર વિસ્તારનું ગોળ દેવળ, મુલુંડનું બાલરાજેશ્વર મંદિર, ભીડભંજન શિવમંદિર, જુહૂનું નિલકંઠેશ્વર મંદિર જેવા અન્ય કેટલાંક શિવમંદિરો છે જેનો ઈતિહાસ એક કે બે સદીઓ જૂનો છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
બાણગંગા
આજે ભાદરવા વદ છઠ્ઠ [ષષ્ઠીનું શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- જે થવું જોઈએ અને જે થઈ રહ્યું છે એ બેમાં તફાવત દેખાય એટલે એ સમસ્યા કહેવાય. — બી.એન. દસ્તુર
બાણગંગા
બાણગંગા નામના બે સ્થળે તળાવ આવેલા છે. એક તો વૈષ્ણોદેવી જતા તેની તળેટીમાં આવેલું તળાવ છે અને બીજું મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલું મીઠાપાણીનું તળાવ છે. આજે આ મુંબઈમાં આવેલા આ બાણગંગા વિષે જાણકારી મેળવીશું.
પિતૃ પક્ષ એટલે શ્રાદ્ધના દિવસો. શ્રાદ્ધના દિવસો એટલે પિતૃને યાદ કરી તેમને તર્પણ કરવાના દિવસો. મુંબઈગરાઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન વાલકેશ્વર વિસ્તારમાં સ્થિત બાણગંગા તળાવનો કિનારો યાદ કરે છે.
પૌરાણિક કથા મુજબ સીતામાતાની શોધમાં નીકળેલા શ્રીરામ અને લક્ષમણ આ વિસ્તારમાં આવેલા હતાં. આ પ્રવાસ દરમિયાન શ્રીરામને તરસ લાગી. એમની તરસ છિપાવવા લક્ષમણે જમીનમાં તીર માર્યું અને ત્યાંથી સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા. આમ બાણને કારણે અવતરેલાં ગંગાજીને કારણે આ સ્થળ બાણગંગાને નામે ઓળખાવા લાગ્યું.
લોકવાયકા મુજબ પરશુરામે આ સ્થળે બાણ માર્યું અને પાતાળમાંથી ગંગાજી પ્રગટ થયા અને તેને કારણે આ તળાવ પાતાળગંગાને નામે પણ ઓળખાય છે. અહીં પરશુરામજીનું મંદિર આવેલું છે. દેશભરમાં પરશુરામજીનાં મંદિર ખૂબ જૂજ છે. રામજી આ સ્થળે આવ્યા હતા તેના પુરાવા રૂપે અહીં વાલકેશ્વર મદિર આવેલું છે. સીતાજીના અપહરણ થયા બાદ ગૌતમ મુનિએ રામજીને શિવપૂજાની સલાહ આપી હતી. આથી આ સ્થળે પહોંચી શ્રીરામજીએ સમુદ્રની રેતીનું શિવલિંગ બનાવી તેનું પૂજન કર્યું હતું. સંસ્કૃતમાં રેતીને વાળુ કહેવાય છે અને વાળુમાંથી બનેલા ઈશ્વર એટલે વાલકેશ્વર. આથી આ સ્થળ વાલકેશ્વરના નામે ઓળખાતું થયું.
ઈ.સ. 1127ની સાલમાં આં તળાવની ચારે બાજુ પગથિયા બાંધવામાં આવ્યા. તે વખતે થાણેમાં સિલહારા વંશના રાજાઓનું શાસન હતું. તેમના દરબારમાંના એક દરબારી લક્ષ્મણ પ્રભુએ આ તળાવ બનાવ્યું હતું. એ પછી ઈ.સ.1715ની સાલમાં ગૌડ સારસ્વત બ્રાહ્મણ સમાજના રામા કામતે બાણગંગા અને વાલકેશ્વરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
બાણગંગામાં શ્રીકાશી મઠ તથા શ્રીકૈવલ્ય મઠ છે. બાણગંગાને કાંઠે ગૌડ સારસ્વત બ્રાહ્મણોના અદ્વૈત ગુરુઓની સમાધિઓ છે. બાણગંગાના પ્રવેશ નજીક બે દીપસ્તંભો છે., જેનાપર વર્ષો પૂર્વે સાંજે દીવા મૂકવામાં આવતા. બાણગંગા તળાવની આસપાસ અનેક મંદિરો છે, જેમાં વેંકટેશ્વર બાલાજી મંદિર પેશ્વાકાળમાં બન્યું હતું, તો ઈ.સ. 1825માં બનેલું રામેશ્વર મંદિર અનન્ય છે.
સમુદ્રકિનારાની સાવ નજીક હોવા છતાં બાણગંગામાં બારેમાસ તાજું મીઠું પાણી હોય છે. પિતૃપક્ષ દરમિયાન બાણગંગાનું મહત્વ વધી જાય છે. અમાસને દિવસે મોટા પ્રમાણમાં અહીં લોકો સર્વપિતૃ તર્પણ કરે છે. બીજા દિવસે ટ્રકો ભરીને આ બધી વસ્તુઓ તળાવમાંથી બહાર કાઢવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન અહીં ગરબાનું વિસર્જન કરવામં આવે છે. અધિક મહિના દરમિયાન અહીં સ્નાનનો મહિમા છે. અહીં દર વર્ષે મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેંટ કૉર્પોરેશન [એમટીડીસી] દ્વારા જાન્યુઆરી મહિનામાં બાણગંગા ફેસ્ટિવલ યોજાય છે. જેમાં દેશના ટોચના શાસ્ત્રીય ગાયકો તથા વાદકો એમની કળા દાખવે છે.
–સંકલિત
–સૌજન્ય – જન્મભૂમિ
ૐ નમઃ શિવાય
મુંબઈની નજીકનાં ટ્રેકિંગ સ્થળો
આજે જે ઠ વદ એકાદશી
આજનો સુવિચારઃ- ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધાનું અવલંબન લઈને ચાલી શકશો તો કોઈપણ પાપ-તાપથી મન સંતપ્ત નહીં થાય.
— પ્રણવાનંદજી
મુંબઈની નજીકનાં ટ્રેકિંગ સ્થળો
શું આપ ટ્રેકિંગનાં શોખીન છો? જો આપ મુંબઈની નજીક રહેતા હો આપને ખાસ દૂર નહીં જવું પડે. મુંબઈનો વરસાદ તો ખૂબ પ્રસિદ્ધ છે તેમજ વરસાદ ચાલુ જ છે. તૈયાર થઈ જાવ ટ્રેકિંગનો આનંદ લેવા માટે. સ્પોર્ટ શૂઝ, હેવર્સેક, કેપ, ટોર્ચ વગેરે સજ્જ કરી લો.
આપને પર્વત ચઢવો છે કે તેની સાથોસાથ સ્વીમિંગ, બોટિંગ, નેચર ટેઈલ અને કેમ્પફાયર પણ મ્હાલવા છે ? પેરાગ્લાઈડિંગ, ઝોરબિંગ, સ્કેટિંગ, શૂટિંગ કે પેરાસેઈલિંગ વગેરેની મોજ કેમ ભૂલી શકાય?
ચાલો આ બધું આપને મુંબઈની નજીક મેળવી શકશો. મુંબઈ નજીક આવા ટ્રેકિંગ કરવા માટે અનેક લીલોતરીથી ભરપૂર, નયનરમ્ય સ્થળો છે.
માલસેજ ઘાટઃ-
પૂણે જિલ્લામાં આવેલો માલસેજ ઘાટ દરિયાની સપાટીથી ૭૦૦ મીટરની ઊંચાઈ પર છે. ચોમાસામાં આ ઘાટ પરથી ધોધ સ્વરૂપે પડ્તું પાણી ‘વૉટર ફૉલ રેપ્લિંગ’નો આનંદ આપે છે. માલસેજ ઘાટ મુંબઈથી ૧૫૦ કિ.મી.ને અંતરે, મુંબઈ-નાગપૂર રોડ પર મુરબાડ નજીક છે અને નજીકનું રેલ્વેસ્ટેશન કલ્યાણ છે.
કુંડલિકા નદી કોલાડઃ-
અહીં વરસાદનું પાણી સરોવરમાં ફેરવાઈ જાય છે. તેને લીધે વ્હાઈટ વૉટર રાફ્ટિંગ જેવા એડ્વેન્ચર્સ સ્પોર્ટ્સની મોજ માણી શકાય છે. અહીં પહોંચવા કોલાડ સુધી નેશનલ હાઈવે નં. ૧૭ [ગોવા હાઈવે] જવું અને ત્યાંથી ૧ કિ.મી. કોલાર્ડ માર્કેટ આવે ત્યારે ડાબે એનએચ-૬૦ તરફ વળી જવું. અહીં સુતારવાડી ગામથી રાફ્ટિંગ શરૂ થાય છે.
દૂરશેત [ખપોલી-પાલી રોડ]-
ખપોલી-પાલી રોડ પર આવેલી નદીકિનારે આવેલું દૂરશેત ચારેતરફ સહ્યાદ્રિ ફોરેસ્ટ રેન્જથી ઘેરાયેલુ છે. અહીં કાયેકિંગ જેવી [હોડીની] વૉટર સ્પોર્ટ્સ ઉપલબ્ધ છે. અહીં પહોંચવા મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે અથવા એનએચ -૪ પરથી ખપોલી આવી દૂરશેત પહોંચવું પડે છે.
તાન્સા વાઈલ્ડલાઈફ સેંક્ચુરીઃ-
થાણે જિલ્લામાં આવેલી ૪૦ મિનિટના ડ્રાઈવ બાદ માહુલી હિલ્સ અને ૪ કલાકનું પર્વતારોહણ કર્યા બાદ આ સેંક્ચુરી પહોંચી શકાય છે.અહીં શિવાજી મહારાજે કરેલો એક ભગ્નાવસ્થામાં પડેલો કિલ્લો આવેલો છે. આ કિલ્લા પરથી ભાતભાતનાં પશુ પક્ષીઓ જોઈ શકો છો.
સાગરગડ અલીબાગઃ-
અલીબાગ-પેણ રોડથી સાગરગડ કિલ્લો જોઈ શકાય છે અને વાનરટોક શિખર દ્વારા તે ઓળખી શકાય છે, કિલ્લાની લગોલગ છે. વાનરટોક સહ્યાદ્રિના ક્લાઈમ્બર્સનું નિયમિત ટ્રેકિંગ સ્થળ છે. કર્નાલા-પેણ માર્ગે અલીબાગ તરફ જતો મુંબઈ-ગોવા રોડ લઈ અહીં પહોંચી શકાય છે. અલીબાગ પહોંચવા ગૅટ વે ઑફ ઈન્ડિયાથી લૉચ પણ મળી શકે છે.
લોહ ગઢઃ-
સમુદ્રની સપાટીથી અંદાજે ૩૪૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો લોહગઢ ફોર્ટ ટ્રેકર્સનું માનીતું સ્થળ છે. અહીં પહોંચવા લોનાવલાની આગળનું સ્ટેશન મળવલી છે જ્યાંથી લોહગઢ ફક્ત ૯ કિ.મી. દૂર છે. આ ટેકરીની તળેટી સુધી પોતાના વાહનો લઈને જઈ શકો છો.
પેબ ફોર્ટ, માથેરાનઃ-
મુંબઈ-પુણે રોડ પર પનવેલને ઈશાન ખૂણે પેબ ફોર્ટ આવેલો છે. નેરળથી લગભગ ૩ થી ૪ કિ.મી. દૂર આવેલા આ ફૉર્ટને ‘વિકટગઢ’ પણ કહેવાય છે. કહેવાય છે કે મહારાજ શિવાજી અહીંની ગુફાનો ઉપયોગ અનાજના કોઠાર તરીકે કરતા હતા.
મુંબઈનું મદમાતું ચોમાસું મ્હાલવા આ સ્થળોની મુલાકાત જરૂરથી લો.
ભલે પધાર્યા.
– સૌજન્યઃ- જન્મભૂમિ
ૐ નમઃ શિવાય
શિવાલયની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે
આજે માગશર સુદ બારસ
આજનો સુવિચાર:- થોડાંક સુખના ત્યાગથી વધુ સુખની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્ય થોડુંક સુખ જતું કરે છે.
1996 થી 2009 સુધી 7 વાર કરેલી યાત્રા દરમિયાન લીધેલા ફોટાઓની નાનીશી ઝલક.
ૐ નમઃ શિવાય
શું આપે અહીંની મુલાકાત લીધી છે?
આજે કારતક સુદ ત્રીજ
આજનો સુવિચાર:- એકનું પણ ભલું થતું હોય તો તે કાર્ય કરો.
શું આપે અહીંની મુલાકાત લીધી છે?
ઘણીવાર આપણે વિચારતા હોઈએ છીએ કે થોડા સમય માટે ફરવા જવું તો ક્યાં જવું? વ્યસ્ત જીવનમાં જો થોડો સમય મળ્યો હોય તો એવા કયા સ્થળે જવું જ્યાં આરામ સાથે કુદરતને પણ મ્હાલી શકાય.
મુંબઈ નજીક વરસતા વરસાદમાં કે વગર વરસાદે પણ અદભૂત આનંદ આપે એવાં હિલ સ્ટેશનો આવેલાં છે જ્યાં વીક-ઍંડમાં મુલાકાત લઈ શકાય છે. એમાં મુખ્યત્વે માથેરાન, મહાબળેશ્વર, પંચગીની, લોનાવલા-ખંડાલા, ભંડારધારા, ભીમાશંકર, ઈગતપુરીનો સમાવેશ કરી શકાય.
માથેરાન:-

માથેરાનની ટોય ટ્રેન
મુંબઈની નજીકનું એક સૌથી લોકપ્રિય હવાખાવાનું સ્થળ એટલે માથેરાન. પશ્ચિમી ઘાટમાં સમુદ્રની સપાટીથી 2636 ફૂટની ઊંચાઈ પર આવેલા માથેરાનમાં ગાઢ જંગલો આવેલાં છે જે પ્રવાસીઓ માટે વરદાનરૂપ છે. માથેરાનમાં મેલેટ સ્પ્રિંગ ઉપરાંત હાર્ટ પૉઈંટ, બૉમ્બે પોઈંટ તેમજ મંકી પોઈંટ સહેલાણીઓમાં જાણીતા સ્થળો છે. અહીં ફક્ત ઘોડાઓ અને હેંડ પુલ્ડ કાર્ટને જ પ્રવેશ મળે છે અન્ય કોઈ વાહનોને પ્રવેશ નથી. નેરળ માથેરાનનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે. માથેરાન અહીંથી ફક્ત 8 કિ.મી. દૂર છે.
મહાબળેશ્વર:-
![Mahabaleshwar_Hills,_Maharashtra[1] મહાબળેશ્વરનું સૌંદર્ય](http://shivshiva.files.wordpress.com/2009/10/mahabaleshwar_hills_maharashtra1.jpg?w=455)
મહાબળેશ્વરનું સૌંદર્ય
પશ્ચિમી ઘાટનું સર્વાંગ સુંદર હિલ સ્ટેશન એટલે મહાબળેશ્વર. સમુદ્રની સપાટીથી આશરે 4500 ફૂટની ઊંચાઈ આવેલું આ હિલ સ્ટેશન મુંબઈની દક્ષિણે આવેલું છે. ઈ.સ. 1829માં બ્રિટિશરોએ તેના આરોગ્યપ્રદ વાતવરણ અને ચોખ્ખાઈથી પ્રેરાઈને અહીં હેલ્થ રિસોર્ટ તરીકે રચના તરીકે કરી હતી.
મહાબળેશ્વર આશરે 150 કિ.મી.નો બનેલો સુંદર હરિયાળો ઉચ્ચ પ્રદેશ છે. અહીંનો ઘાટરસ્તો સરળ હોવાથી અહીંનો પ્રવાસ મુશ્કેલ નથી. અહીં તમામ વર્ગને પરવડે એવાં ભાડાંની હોટલો છે. અહીં પહોંચવા સુગમ લક્ઝરી બસ મળી રહે છે.
મહાબળેશ્વરમાં આર્થર પૉઈંટ, બગદાદ પૉઈંટ, ગોલાની પૉઈંટ તથા કર્ણાટક પૉઈંટ જોવા જેવાં સ્થળો છે. અહીંના તમામ પૉઈંટ જોવા માટે બેથી ત્રણ દિવસ પૂરતા છે.
પંચગીની:-

પંચગીનીના ટેબલપૉઈંટથી સૂર્યાસ્તનું નયનરમ્ય દૃશ્ય
પંચગીની એટલે ‘પાંચ જમીન’નો બનેલો પ્રદેશ. મહાબળેશ્વરથી ફક્ત 20 કિ.મી. અને મુંબઈથી 268 કિ.મી.ના અંતરે આવેલું પંચગીની સમુદ્રની સપાટીથી આશરે 4400 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીં કમલગઢ ફૉર્ટ તેમજ ધૂમધામ વૉટર સ્પોર્ટસ જેવા કૉમ્લેક્સ આવેલાં છે જેની મુલાકાત લઈ શકાય છે. અન્ય સ્થળોમાં ટેબલ પૉઈંટ, પારસી પોઈંટ ઈત્યાદિનો સમાવેશ કરી શકાય.
મહ્હબળેશ્વર તથા પંચગીનીની મુલાકાતનો ઉત્તમ સમય મે, જુન મહિનાઓ છે. જોકે વરસાદ મ્હાલવો હોય તો આ સ્થળોની મુલાકાત લેવા જેવી છે.
લોનાવલા-ખંડાલા:-

લોનાવલા-ખંડાલા
મુંબઈની દક્ષિણ પૂર્વે 102 કિ.મી.નાં અંતરે આવેલા લોનાવલા મોટરના રસ્તે ફક્ત 2 કલાકમા પહોંચી શકાય છે. મુખ્યત્વે વરસાદની મોસમ મ્હાલવા સહેલાણીઓ ઉમટી પડે છે.
લોનાવલામાં બુશી ડૅમ, રેવુડ પાર્ક, ડ્યુક્સ નોઝ અને કાર્લા કેવ્ઝ જોવાલાયક છે. ખંડાલાના બટાટાવડા અને લોનાવલાની ચિકી પ્રખ્યાત છે. લોનાવલા મુંબઈ-પુણે હાઈ-વે પર હોવાથી ટ્રેન દ્વારા પણ પહોંચવાનું સુવિધાજનક છે.
ભંડારધારા:-

ભંડારધારા
મુંબઈથી ઈશાનમાં 180 કિ.મી. દૂર આવેલું ભંડારધારા પરવરા નદીને કાંઠે આવેલું છે. સહ્યાદ્રિ પર્વતમાળાના સૌથી ઊંચી ટેકરી માઉંટ કળસુબાઈ નજીક આવેલું હોવાથી આ સ્થળ ત્રેકિંગ કરવા માટેનું આદર્શ સ્થળ મનાય છે. કુદરતની સુંદરતા મ્હાલવી હોય તો ભંડારધારા ઉત્તમ સ્થળ છે. અહીં આર્થર હિલ, રાંધા ફોલ્સ, અમ્બ્રેલા ફોલ્સ અને અગસ્ત્ય ઋષિ આશ્રમ જોવા જેવા છે. અહીંથી ઈગતપુરી ફક્ત 42 કિ.મી. દૂર છે.
ઈગતપુરી:-
![igatpuri__mumbai_274[1] ઈગતપુરી-મુમ્બઈ](http://shivshiva.files.wordpress.com/2009/10/igatpuri__mumbai_2741.jpg?w=455&h=341)
ઈગતપુરી-મુમ્બઈ
ભીમાશંકર:-

ભીમાશંકરનું પવિત્ર મંદિર
નાસિક-પુણે હાઈ વેના રસ્તે 128 કિ.મી. દૂર આવેલું સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું ભીમાશંકર પુરાણ પ્રસિદ્ધ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.
પૌરાણિક કથા મુજબ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કરી અહીં મહાદેવજી વિશ્રામ કર્યો હતો. તે સમયના સૂર્યવંશી રાજા ભીમકની તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દર્શન આપ્યા અને ત્યાં ભીમાશંકરના જ્યોતિર્લિંગ રૂપે સ્થિર થયા. આ જ્યોતિર્લિંગ પર બિલીપત્ર ધરાવવામાં નથી આવતા. અન્ય કથા મુજબ કુંભકર્ણના સંસર્ગથી કર્કટી નામની રાક્ષસીને ભીમ નામક પુત્ર થયો. ભીમ મોટો થઈ ભીમાસુર નામક રક્ષસ થયો. ઉગ્ર તપશ્ચર્યા કરી બ્રહ્માજી પાસે લોકવિજયનું વરદાન પ્રાપ્ત કરી ધર્મિક કાર્યોમાં અડચણો ઊભી કરવા લાગ્યો. તેના અત્યાચારો રોકવા શિવશક્તિએ પ્રગટ થઈ ભીસુરનો વધ કરી આ અપવિત્ર ભૂમિને પવિત્ર બનાવી તેથી તેનું નામ ભીમાશંકર પડ્યું.
ૐ નમઃ શિવાય
ચાલો મુંબઈની સહેલગાહે
આજે ફાગણ વદ ત્રીજ [તિથિ અનુસાર શિવાજી જયંતી]
આજનો સુવિચાર :- આ દુનિયામાં ભૂલ કરનાર ઘણા છે, પરંતુ ભૂલને કબૂલ કરનારા અને ફરીથી ભૂલ ન કરનારા બહુ ઓછા છે.
હેલ્થ ટીપ :- જાંબુનાં પાનને ઉકાળી તેનાં કોગળા કરવાથી ગળાની તકલીફ દૂર થાય છે.
ચાલો મુંબઈની સહેલગાહે
ઉનાળાની વેકૅશનમાં શાંત બીચ પર આરામ કરવાનો કાંતો પર્વતારોહણની અનેરી મઝા છે. આપણા દેશમાં વેકૅશન વીતાવવા વિવિધ વિકલ્પો છે. મુંબઈની આસપાસ જો રહેવું હોય અને બીચ પર આરામ કરવાનો વિચાર આવતો હોય કાં તો પર્વતારોહણની અનેરી મઝા લેવી હોય તો આ વિકલ્પો છે. જેને વિષે ઘણા લોકો જાણતા પણ નથી.

લોનાવલામાં ડ્યુક્સ નોઝ:-
11,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ નાગફણી પર્વત છે. પણ આ સ્થળ ‘ડ્યુકસ નોઝ’ તરીકે વધારે જાણીતુ છે. આ પર્વતનો આકાર ડ્યુક ઑફ વેલિંગ્ટનના નાકના આકારને મળતો આવે છે. આ સ્થળ મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પરથી નજરે પડે છે. સાહસિકોમાં આ સ્થળ પ્રિય છે. અહીંથી કાર્લાની ટેકરીઓની કુદરતી શોભા દૃશ્યમાન થાય છે. એડ્વેંચર ગ્રુપો રેપ્લિંગ જેવી રમતોનું આયોજન ઉનાળામાં કરે છે.
આ સ્થળે ટ્રેકિંગ કરવાનો ઉત્તમ સમય મે થી સપ્ટેંબર સુધીનો છે. પર્વતની ચોટ પર નાનકડું મંદિર છે. અહીંથી પશ્ચિમ મહારાષ્ટ્રનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ પણ દેખાય છે.

દૂરશેત:-
હિમાલય સુધી ગયા વગર વહેતા પાણીમાં રાફ્ટિંગની મઝા લેવી હોય તો આ સ્થળ યોગ્ય છે. લોનાવલાની નજીક ‘કુંડલિકા’ નદીના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હોવાથી રાફ્ટિંગ કરવું શક્ય છે.
મુંબઈ 3 કલાકને અંતરે આવેલા ખપોલી નજીક આ સ્થળ 30 એકરમા આંબાના અને મહુવાના વનની વચ્ચે આવેલું છે. અહીં રોક ક્લાઈમ્બિંગ, રેપલિંગ, ટ્રેકિંગ અને રિવર રાફ્ટિંગ કરી શકાય છે. રાફ્ટિંગ માટે સવારનો સમય ઉત્તમ છે જ્યારે બંધનું ધસમસતુ પાણી છોડવામાં આવે છે.

તકમક ટોક:-
ટ્રેકિંગના રસિક માટે રાયગઢનો કિલ્લો આદર્શ સ્થળ છે જે ત્રણ બાજુથી પર્વતોથી ઘેરાયેલો છે. શિવાજી દ્વારા બંધાયેલો આ કિલ્લો મહારાષ્ટ્રમા જળવાયેલા ઉત્તમ કિલ્લાઓમાંનો એક છે. તકમકટોક આ પર્વતોમાં આવેલું છે. આ સ્થળનું ઐતિહાસિક મહત્વ એ છે કે રાયગઢના આ હિસ્સો શિવાજીના સમયમાં ગુનેગારનો વધ માટે વપરાતો હતો.
બીચ પર ફરવા ઈચ્છા ધરાવતા હો તો તરકારણી, ગણપતિ ફૂલે, મુરૂડ, વિલાઘર જવા જેવા સ્થળો છે.

તરકારણી:-
મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામ6 આવેલો આ બીચ નયનરમ્ય બીચમાંનો એક છે. અહીંનો બીચ એટલો સ્વચ્છ છે કે દિવસે દરિયાની સપાટીથી 20 ફૂટની ઊંડાઈ સુધી દરિયાનું તળિયું સ્પષ્ટ જોઈ શકાય છે. ગોવા તરફ જવાના રસ્તે મુંબઈથી 550 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ લોકપ્રિય છે.

ગણપતિફૂલે:-
કોંકણના કિનારે આવેલું આ બીચ ગણેશ મંદિરને કારણે પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહ્યું છે. ગાઢ મેગોવાથી છવાયેલા આ વિસ્તારમાં માલ્ગુંડ અને વેષણેશ્વર જેવા ગામ પણ આવેલા છે.

મુરૂડ:-
મુંબઈથી 150 કિલોમીટર દૂર આવેલા આ બીચ સુધી પહોંચતા 4 કલાક લાગે છે. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંની સફેદ રેતી, ખ્જૂરનાં વૃક્ષો અને સ્વચ્છ વાદળી પાણી છે. અહીંથી વિખ્યાત જંજિરાના કિલ્લાની મુલાકાત પન લઈ શકાય છે. આ કિલ્લો દરિયામાં બાંધવામાં આવેલો છે જે એક સમયે અભેદ્ય ગણાતો હતો.

વિલાઘર:-
માઈલો સુધી સફેદ રેતી છવાયેલો આ બીચ માલવણથી 10 કિલોમીટરનાં અંતરે આવેલો છે. અહીંના દરિયામાં ડોલ્ફિન માછલીઓ જોવા મળે છે. આ સ્વચ્છ બીચ પર દરિયા તરફ જોઈ શકાય તેવા તંબુ પણ છે.
મુંબઈમાં અંબરનાથનું શિવાલય જોવાલાયક છે.
http://shivalay.wordpress.com/2009/03/13/shiv-dham/
ૐ નમઃ શિવાય
મેલબૉર્ન
આજે કારતક વદ આઠમ
આજનો સુવિચાર:- સાવ ખોટી જગ્યાએ ફસાયા હો તો જીભનો ઉપયોગ બંધ કરી પગનો ઉપયોગ તત્કાળ શરૂ કરો.
હેલ્થ ટીપ્સ:- મસા ઉપર કેરોસીન લગાડવાથી મસા સૂકાઈ જશે.
[મૂળ બાલાસિનોરના વતની, કવિવર રવિન્દ્રનાથ ટાગોરના શિષ્ય સ્વ. પિનાકિનભાઈ ત્રિવેદીના ઊંડી છાપવાળા શ્રી ભગેશભાઈ કડકિયા હાલમાં અમેરિકામાં રહીને પણ ગુજરાતનાં સાહિત્યકારોનાં સંપર્કમાં રહે છે. ભૂદાનની ચળવળમાં તેમણે આગળપડતો ભાગ લીધો હતો. તેમને આ લેખ મોકલી આપવા બદલ મેઘધનુષ તરફથી ખૂબ આભાર.]
સમય અને અવકાશનાં કાંઈ ગેબી સંગમે આપણે મળ્યા પ્રવાસી પારાવારના,
આપણે તે દેશ કેવા આપણે વિદેશ કેવા, આપણે પ્રવાસી પારાવારનાં હે જી
— બાલમુકુંદ દવે
મેલબૉર્ન
સન 1770માં યૉર્કશાયરના સાહસિક નાવિક કૅપ્ટન કૂકે Endeavour વહાણમાં, બીજા સાગરિતો સાથે, સીડનીની દક્ષિણે આવેલા Botany Bay પ્રથમ ઉતરાણ કર્યું અને વિશ્વને આ નવા ખંડની જાણ થઈ. આ પ્રદેશ કેપ્ટન કૂકે વિલાયતના રાજા જ્યોર્જ ત્રીજાને, નજરાણા રૂપે ભેટમાં આપી, ‘ન્યુ સાઉથ વેલ્સ’ તરીકે જાહેર કર્યો. વિશ્વનાં પાંચ ખંડોમાનો સૌથી નાનો પણ કુદરતી સૌંદર્યથી ભરપુર એવો ખંડ એટલે ઑસ્ટ્રેલિયા.
મેલબૉર્ન ઑસ્ટ્રેલિયાનું અદ્યતન સુયોજિત શહેર છે. મોટા અને સ્વચ્છ રસ્તાઓ, આલિશાન ઈમારતો, સુંદર ટ્રામની વ્યવસ્થા, ચર્ચો અને મ્યુઝિયમો, શોપીંગ મૉલ અને પબ્લિક પાર્ક… આ બધાએ શહેરની શાન વધારી છે. મેલબૉન એક સ્ક્વેર સીટી ગણાય છે. એક છેડેથી બીજે છેડે જતાં આડી 7 થી 8 ગલીઓ આવે છે. ક્વીન વિક્ટોરિયા માર્કેટની આજુબાજુ સવારે દસ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી સીનીયર સીટીઝન અને પ્રવાસીઓને ટ્રામમાં વિના મુલ્યે સફર કરવા મળે છે. આ શહેરમાં હૉર્ન વગાડવાની મનાઈ છે પણ એક દિવસ એવો હોય છે કે જ્યારે લોકો મનભરી હૉંકિંક કરે છે અને તે દિવસ એટલે 31મી ડિસેમ્બર અને આ રીતે લોકો નવાવર્ષને આવકારે છે.
અહીંની પબ્લિક ઈમારતો, ક્વીન વિક્ટોરિયા માર્કેટ, કૉલીંસ સ્ટ્રીટ, પાર્લામેંટ હાઉસ વગેરે ભવ્ય છે. સેંટ પૉલ ફેયેડલની સામે હરિયાળો પાર્ક અને તેની વચમાં આ ભવ્ય ચર્ચ, જે લોકોની આસ્થાનું સ્થળ ગણાય છે. મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉંડ તો જગ વિખ્યાત છે. અહીં પ્રવેશતાં જ વિશ્વવિખ્યાત બ્રેડમેનની યાદ તાજી થઈ જાય. અંદાજે અહીં લાખ પ્ર્ક્ષકોને સમાવતું આ વિશાળ સ્ટેડિયમ, સુંદર બેઠકોની વ્યવસ્થા, ગ્રાઉંડની ઉત્તમ મરામત, ક્રિકેટની પીચને ક્રેનથી ઉપાડી શકાય એવી કરામત તથા ક્રિકેટની રમતનો પૂરો ઈતિહાસ રજૂ કરતું મ્યુઝિયમ અદભૂત છે. 55 મજલાની observatory ની ઈમારતની અટારીથી મેલબૉર્ન શહેરની ભવ્યતા નિહાળવા મળે છે.
મેલબૉર્ન એના ‘પેંગ્વીન શો’ માટે મશહૂર છે. ફિલિપ્સ આઈલેંડ પર આવેલા દરિયા કિનારે સાંજના રેતીમાં કે બાંકડા પર ગોઠવાવું પડે છે. અંધારું થતાં દરિયાની મોટી લહેરો સાથે આ પેંવિંગ પોતાના પરિવાર તેમજ મિત્રો સહિત પોતાના બખોલરૂપી નાનકડા ઘરમાં પાછા ફરે છે. અને આ પાછા ફરવાની ક્રિયા ‘પેંગ્વિન પરેડ શો’ રૂપે માની જાય છે. આ નાના મોટા જળચર પ્રાણીઓને જમીન પર ચાલતાં જોવાની ખૂબ મઝા આવે છે.
દરિયાને સમાંતરે, પહાડોમાંથી ચઢ ઉતર કરતા વળાંકવાળા રસ્તા પરથી પસાર થતાં ‘બે ઑફ ગિલોંગ્સ’ પહોંચાય છે. આ પણ મૅલબૉર્નનું જોવાલાયક સ્થળ છે. ચોમેર કુદરતનો ખજાનો પૂરબહાર જોવા મળે છે. કોઈપણ પ્રવાસી સવારથી બસમાં આવી સફર સાથે નિસર્ગનો આનંદ મેળવી શકે છે. બસમાંથી પસાર થતાં ‘વેસ્ટગેટ બ્રિજ’ પરથી પસાર થવાનું હોય છે જે 1968માંબંધાયો હતો પણ કોઈ કારણોસર એ બે જ વર્ષમાં જમીનદોસ્ત થયો.. ત્યારબાદ 1978માં 3 કિ.મી. લાંબો બ્રીજ ફરીથી બંધાયો.
‘એપોલો બે બીચ’ મેલબૉર્નનો ખૂબ જાણીતો દરિયાકિનારો છે. પ્રશાંત મહાસાગરને કિનારે આવેલા આ બીચની રેતી સફેદ છે. મહાસાગરમાં ઊડતાં શ્વેત પંખીઓ જોવાનો આનંદ આવે છે. મુખ્ય રસ્તાની બાજુએ લાકડના કોતરકામની અનેક કૃતિઓ તેમ શિલ્પો જોવા મળે છે. અહીં અવારનવાર હાટ ભરાતા હોય છે જેથી આજુબાજુના નાના ગામડામાંથી લોકો પોતાની જરુરીઆતની વસ્તુઓ લઈ શકે છે. આગળ જતાં શીપ રેકિંગનો દરિયા કિનારો આવે છે જ્યાં જૂના વહાણો તેમજ સ્ટીમરોનું લીલામ થાય છે અને તેને તોડી અંદરના વૈભવી સામાનનું વેંચાન થાય છે.
Twelve Apostles નામના સ્થળે દરિયા કિનારા પહાડો આવ્યાં છે આ પહાડો ભારે પવન, વાછંટ,મહાસાગરનાં ઊંચા ઊંચા મોજા સૉલ્ટની અસર હેઠળ વર્ષો જતાં ખંડિત થયા છે. આવા બાર શિલાખંડો છે. તેની વિશિષ્ટતા એ છે કે આમાના6 એક શિલાખંદમાં કુદરતી બાંકોરું પડ્યું છે જેમાંથી નાનકડું હોડકું પસાર થઈ શી છે. આ જોવા લોકો અહીં જમા થાય છે. અહીંનો દરિયો અવારનવાર રંગ બદલતો દેખાય છે.
આગળ જતાં ‘ઑટાવા નેશનલ પાર્ક” આવેલો છે જેમાં Science નુ મ્યુઝિયમ જોવા મળે છે.
આમ તો ઑસ્ટ્રેલિયાનો વિસ્તાર તો 9,76,787 ચોરસ માઈલની છે પરંતુ અહીંની વસ્તી પાંખી છે. જે વસ્તી છે તે દેશનાં પૂર્વ ભાગમાં વસેલી છે. વચ્સ્લો પ્રદેશ પહાડી તેમજ રણ પ્રદેશ છે. અહીં ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી ઉનાળો બાકીના દિવસો શિયાળો. શરુઆતમાં બ્રિટિશ શાસન હેઠળ હોવાથી અહીંની પ્રજા પર યુરોપિયન કળા અને સંસ્કૃતિની ઊંડી છાપ છે. આમ છતાં અહીંની પ્રજા પોતાની માતૃભાષાના શબ્દો વધારે વાપરે છે. આ દેશ ખેતી પ્રધાન દેશ છે અહીંના ચીઝ બટર વખણાય છે.
ૐ નમઃ શિવાય


![Chinchoti-Falls1[1]](http://shivshiva.files.wordpress.com/2012/05/chinchoti-falls11.jpg?w=455)

![kenheri caves[1]](http://shivshiva.files.wordpress.com/2012/05/kenheri-caves1.jpg?w=455)
![bekare waterfall_Vihi[1]](http://shivshiva.files.wordpress.com/2012/05/bekare-waterfall_vihi1.jpg?w=455&h=604)
![kashi-vishwanath-temple[1]](http://shivshiva.files.wordpress.com/2011/08/kashi-vishwanath-temple1.jpg?w=455)
![ambarnath2[1]](http://shivshiva.files.wordpress.com/2011/07/ambarnath21.jpg?w=455)
![Shivling_at_Kopineshwar_Temple[1]](http://shivshiva.files.wordpress.com/2011/07/shivling_at_kopineshwar_temple1.jpg?w=455)

![elephanta-cave-temple[1]](http://shivshiva.files.wordpress.com/2011/07/elephanta-cave-temple1.jpg?w=455)







![kundalika_07[1]](http://shivshiva.files.wordpress.com/2010/07/kundalika_0711.jpg?w=300&h=196)

![Thane-tansa-wildlife_4190[1]](http://shivshiva.files.wordpress.com/2010/07/thane-tansa-wildlife_41901.jpg?w=455)






આભાર