Posts filed under 'ગઠરીયા[વાર્તા]'

સ્ત્રીઓનો સનાતન પ્રશ્નઃ

                                      આજે શ્રાવણ વદ બીજ

 

[મુંબઈ સ્થિત હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ તેમનો આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

 

                                   સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન

 

- કહું છું, સાભળો છો?
- ફરમાવો
- આજે હુ શુ રાંધુ?
- આવા અઘરા પ્રશ્નો તારે મને પૂછવા નહી.
- તમને તો મારા સહેલા સહેલા પ્રશ્નોના જવાબો પન ક્યાં સૂઝે છે?
- તો પછી તારે મને પ્રશ્નો પૂછવા જ નહી.
- કેમ, પ્રોફેસર સાહેબ, તમારા વિદ્યાર્થીઓ ક્લાસમાં તમને પ્રશ્નો નથી પૂછતાં?
- પૂછે છે ને પણ એ બધા પ્રશ્નો બુદ્ધિગમ્ય હોય છે.
- એટલે હું તમને બુદ્ધિ વગરનાં સવાલો પૂછુ છું, એમ?
- એવું તો પણ તને કેમ કહેવાય?
- હું જાણુ છું, હું જાણુ છું, હું તમારા જેટલું ભણી નથી એટલે તમે મને ‘ટોણો’ મારછો. મારે નથી રહેવુ અહીં, હું પિયર જતી રહીશ.
- બે મિનિટ થોભ.
- અરે ! પણ તમે ક્યાં ચાલ્યા ?
- રીક્ષા બોલાવી લાવું, તારે પિયર જવું છે ને ?
- હવે તમે મને વધુ ચીઢવશો તો હું.. તો હું..
- રીલેક્સ માલુ, હું તો મજાક કરતો હતો. તને ખુશ કરવા તો હું તારા હરએક પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.
- તો કહો આજે હું શું રાંધુ ?
- કાંઈ પણ રાંધ, તારા હાથનું તો ‘ઝેર’ પણ હસતાં હસતાં ખાઈશ.
- પણ મને ‘ઝેર’ બનાવતા નથી આવડતું.
- આ રસોઈ બનાવે છે તે કાંઈ [ઝેરથી] ઓછી છે ?
- એટલે ?
- એટલે એમ કે કાંઈ પણ રાંધી નાકહ.
- દાળ ઢોકળી બનાવું ?
- દાળ ઢોકળી ? એ તે કાંઈ ખાવાની ચીજ છે?
- ના સૂંઘવાની ચીજ છે. ખીચડી-કઢી બનાવું ?
- સાયરસા [સારા] દિવસે કોઈ ખીચડી ખાતું હશે ?
- તમે અપરમા [આડા] દિવસે પણ ક્યાં ખીચડી-કઢી ખાવ છો? મને નથી સમજાતું કે આટલા સરસ ખીચડી-કઢી તમને કેમ નથી ભાવતાં ?
- એ તને ક્યારેક રેગ્યુલર ક્લાસમાં સમજાવીશ, અત્યારે તો ટેસ્ટ ચાલી રહી છે. ચાલ આગળ પૂછ.
- દૂધી-ચણાની દાળનું શાક અને રોટલી બનાવું ?
- છી ! એ તો માંદા માણસો ખાય.
- તમે માંદા હો છો ત્યારે પણ નથી ખાતા. જવાદો, રગડા પેટીસ બનાવું ?
- મારા પેટમાં પેસી લાતમલાત કરે છે.
- સવારનું ટીંડોળાનું શાક પડ્યું છે રોટલી અને દાળ-ભાત કરી નાખું ?
- ઓહ ! ટીંડોળાનું શાક હતું ? હું સમજ્યો કે ‘પરવળ’ હશે.
- હે ભગવાન ! તમે પણ પેલા કવિ જેવા જ મહાન છો !
- કયો કવિ ?
- સાંભળો, એક કવિ બગીચામાં ટહેલતા હતા, એક વૃક્ષ પાસે અટકીને બોલ્યા,” હે આંબાના મનમોહક વક્ષ ! જો તને મારી જેમ વાચા [વાણી] હોત તું શું કહેત ?” આ ધન્ય અણે ત્યાંથી પસાર થઈ રહેલ વ્યક્તિએ કહ્યું,” તો એ વૃક્ષ કહેત, માફ કરજો મહાશય ! હું આંબાનું નહી આસોપાલવનું વૃક્ષ છું.”
- હે સખી ! મને એ મહાન કવિ સાથે સરખાવવા બદલ આભાર !
- હે સખા ! વદો  હવે ! આપ ભોજનમાં શું લેશો ?
- તેં ગણાવેલી એટલી જ આઈટમ તને રાંધતા આવડે છે?
- મને હજાર આઈટમ આવડે છે પણ તમને તો આ ભાવે ને તે ન ભાવે, આ પચે અને પેલી ન પચે, આતો માંદા માણસો ખાય અને તે ભિખારીઓ ખાય, આતો જોવી ગમે નહિ અને પેલી પેટમાં જઈ ઉછળે. હવે તો તમારા અપચાનો ઈલાજ કરાવો.
- અપચાનો ઈલાજ છે ને ! ઉપવાસ !
- બોલ્યા ઉપવાસ ! એક ટંક તો ભૂખ્યા રહેવાતુ નથી. સમય થાય છે  તે જમવા માટે બૂમાબૂમ કરી મૂકો છો.
- એ તો મને એવી ટેવ છે તારે ધ્યાન પર ન લેવું.
- અરે! હું તો પ્રોફેસર છું કે સામાવાળાની વાત ધ્યાન પર ન લઉં ?
- તુ પણ મારી સાથે રહીને સ્માર્ટ થતી જાય છે, માલુ.
- તો પણ સમજાતું નથી કે સાંજે શું બનાવું ? એના કરતાં ટિફીનવાળો બાંધી દીધો હોય તો સારૂં, જે આપી જાય તે જમી લેવાનું.
- મારા માટે હાલ પણ એવું જ છે ને ?
- જુઓ, હવે વધુ અવઢવશો તો હું .. તો હું..
- પિયર જતી રહેશે ?
- ના, રડી પડીશ.
- પ્લીઝ… માલુ રડીશ નહી.
- ઠીક છે, તો પછી જલ્દીથી કહો , સાંજે શું બનાવું ?
- ઓહ ! વળી પાછું એ ? લાગે છે સ્ત્રીઓને સતાવતો આ સનાતન પ્રશ્ન છે. પણ એનો કોઈ ઉકેલ નથી શું ?
- તમે હોશિયાર છો. તમે જ કહો.
- જવા દે આજે હું બહાર જમી લઈશ.
- પાંચ મિનિટ થોભશો ?
- કેમ પાચ મિનિટમાં જમવાનું તૈયાર થઈ જશે?
- ના, હું તૈયાર થઈ જઈશ. હું યે તમારી સાથે બહાર જમી લઈશ.
- ઓહ ! હવે સમજ્યો.
- શું સમજ્યા જનાબ ?
- એ જ – સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન ! અને
એનો એક માત્ર જવાબ !

— સમાપ્ત –

                                                      ૐ નમઃ શિવાય

7 comments August 8, 2009

યોગીજી મહારાજની બોધ કથા

                                 આજે શ્રાવણ વદ એકમ

આજનો સુવિચારઃ- ચારિત્ર્ય દૄઢ હશે, આત્મ વિશ્વાસ હશે અને ભગ્વાનમા શ્રદ્ધા હશે તો કશુજ અઘરૂ નથી.

યોગીજી મહારાજની બોધ કથા

નારદજી દાસીપુત્ર હતા. તેમના માતાજી એક શેઠનેત્યા કામ કરતા. [આશ્રમમા ઋષિઓની સેવા કરતા]

નારદજી આઠ વરસના થયા ત્યારે તેમને સન્કાદિક ઋષિઓનો જોગ થયો. નારદજીના માતુશ્રીએ કહ્યુ ‘તુ આ ઋષિઓની સેવા કર.’

નારદજી ઋષિઓ માટે તુઅસીપત્ર, બીલીપત્ર લાવી દે. ચદન ઘસી દે. આમ ચાર મહિના સેવા કરી. સનકાદિક સાથે નારદ્ને પ્રેમ થઈ ગયો.

સનકાદિક ચાલ્યા એટલે નારદ પણ તેમની ભેળા ચાલ્યા.

ઋષિએ પૂછ્યુ’તુ શુ કામ અમારી સાથે આવે છે?’

નારદે કહ્યુ,’મારે તમારો જોગ કરી સન્યાસ લેવો છે; ઘરે નથી જવુ.’

ઋષિએ પૂછ્યુ,’ તારે ઘરે સગુ કોણ છે?’

નારદજીએ કહ્યુ,’બાપ નથી; મા છે.’

ઋષિએ કહ્યુ,’મા ધામમા ગયા પછી ઉત્તર દેશમા આવજો. અત્યારે પાછા જાઓ.’

નારદજીને સન્યાસ લેવાની તાલાવેલી હતી એટલે એમણે ઘરે જઈ, મારી મા મરો”મારી મા મરો’એવુ રટણ લગાડ્યુ.

છ મહિનામાં ડોશીમાને સર્પદશથયો ને ધામમા ગયા.

પછી નારદજી ઉત્તર દેશમા ગયા ભગવાનને ભજી ભગવાનનુ મન કહેવાણા. ભગવાનએ કોઈને
ધામમા તેડવા જવુ  હોય તો નારદજીને પૂછે. મુક્તાનદ સ્વામીએ કીર્તન કર્યુ છેઃ

‘મુનિ નારદની જાતને જોતા, દાસીપુત્ર જગ જાણે રે
હરિને ભજીને હરિનુ મન કહેવાણા,વેદ પુરાણ વખાણે રે
હરિ ભજતા સૌ મોટપ પામે,
જન્મ મરણ દુઃખ જાયે રે.’

                        — સકલિત

                                              ૐ નમઃ શિવાય

Add comment August 7, 2009

આંધળે બહેરૂં કુટ્યું

                       આજે ચૈત્ર સુદ ચૌદસ

આજનો સુવિચાર:- મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.

હેલ્થ ટીપ:- અતિસારમા એક ચમચી ચાનો મસાલો અને એક ચમચી સાકર પાણીમાં ઉકાળીને લેવાથી રાહત રહેશે.

[પ્રસિદ્ધ હાસ્ય લેખિકા શ્રીમતી પલ્લવીબેન મિસ્ત્રીએ આ લેખ મોકલ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

                          આંધળે બહેરૂં કૂટ્યું

-દોસ્ત, તારે મારી સાથે એક જગ્યાએ આવવાનું છે.
-મેં મિત્રને કહ્યું. અરે! બંદા એક શું એકવીસ જગ્યાએ આવવા તૈયાર છે. ચાલ ક્યાં જવાનું છે?
અતિ ઉત્સાહમાં એ ઊભો થઈ ગયો અને મને પણ લગભગ ઘરની બહાર ખેંચ્યો.
-અરે અરે ધીમો પડ દોસ્ત, આજે નથી જવાનું કાલે જવાનું છે.
-ઊંહ! કાલની વાત કાલે. આજની વાત કર.
-એ જ તો કરુ છું સાંભળ, આજે જેવો આવ્યો છે એવો કાલે ‘રઘલા’ જેવો આવશે તો નહી ચાલે સમજ્યો?’
-ના સમજ્યો. વોટ ડુ યુ મીન બાય ‘રઘલા’?
-’રઘલા’ મતલબ ‘લઘરવઘર’ જરા સરસ-ફાંકડો તૈયાર થઈને આવજે. દાઢી છોલીને આવજે. ચહેરા પર ‘થોભિયા’ સારા નથી લાગતા. એને લીધે તું…… ‘ઈંડિયા’ઝ મોસ્ટ-વોંટેડ જેવો લાગે છે.
-તું યે અદલ મારી બૈરી જેવું બોલે છે. બોલ ક્યાં જવાનું છે ઈંટરવ્યૂ આપવા?
-ના ઈંટરવ્યૂ લેવા જવાનું છે. છોકરીનો ઈંટરવ્યૂ લેવા.
-છોકરીનો ઈંટરવ્યૂ લેવા? શા માટે?
-ડફોળ છોકરીનો ઈંટરવ્યૂ શા માટે લેવાનો હોય? પરણવા માટે.
-પરણવા માટે ? ના બાબા ના. એકવાર પરણીને તો હું પસ્તાયો છું ત્યાં બીજીવારની આફત કોણ ઊઠાવે? બે બૈરાંઓવાળા પુરુષોની કફોડી દશા જોઊં છું ત્યારે મને દયા આવે છે. વળી હિન્દુ કાયદો બીજી પત્ની કરવાની પરમીશન નથી આપતો અને આપતો હોય તોયે મારે નથી જોઈતી. મને માફ કર યાર.
-લોચા ના માર અને તારી આ બક બક બંધ કર. છોકરી તારા માટે નહિ મારા માટે જોવા જવાનું છે.
-તો પછે મને શાહરૂખખાન બનવાની, સરસ તૈયાર થવાની સૂચના શા માટે?
- સામેવાળી પાર્ટી પર આપણો વટ પડવો જોઈએ કે નહી? આ વધેલી દાઢીમાં તુ બકરા જેવો લાગે છે જરા સરખો તૈયાર થાય તો માણસ જેવો તો લાગે
-તો ઠીક હું તો ગભરાઈ ગયેલો કે તુ મને બલિનો બકરો બનાવવા માંગે છે
-નહિ યાર બલિનો બકરો તારે નહિ મારે બનવાનું છે.
-ઓકે ચાલ કાલે હું આવીશ. બીજે દિવસે હું સાહસ ખેડવા એટલે છોકરી જોવા એની સાથે નીકળી પડ્યો.
-અલ્યા છોકરીનું ઘર તો જોયું છે ને?
-પારુલે [મારી નાની બહેન] પાકું એડ્રેસ આપ્યું છે. પારુલ કહેતી હતી કે એની આંખો એટલી સરસ છે કે એનું નામ ‘અલ્પના’ બદલીને ‘ઐશ્વર્યા’ રાખી લઈએ એવું થાય.
-જો એનું ઘર આ ગલ્લીમાં ચોથું કે પાંચમું ? આટલામાં જ ક્યાંક છે.

અમે ઓટલા પર બેઠેલા આધેડવયના સન્નારીને પૂછવાનો વિચાર જ કરતા હતા ત્યાં ઉમળકાભેર આવકાર આપતા એમણે અમને કહ્યુ

-અરે! તમે આવી ગયા? આવો આવો, અમે તમારી જ રાહ જોતા હતા. બેસો. ટીનુ બેટા મહેમાન આવી ગયા છે. પાણી લાવજે તો બેટા.

ટીનુ મલપતી ચાલે ટ્રેમાં પાણી લાવી અને શરમાતા શરમાતા અમારી સામે ગ્લાસ ધર્યા. ગ્લાસ લેતા અમારી નજરો મળી. મારો હાથ ધ્રૂજ્યો અને પાણી ટ્રેમાં છલકાયું. ટીનુ મલકાઈ. મેં મારા મિત્રની સામે જોયું. એની નજરમાંના પ્રશ્નાર્થને વાંચી લીધો. આશ્ચર્ય અને આઘાત સમાવી, રૂઢિગત વાતચીત પતાવી માંડમાંડ ચા નાસ્તાને ન્યાય આપી અને ત્યાંથી ભાગી છૂટ્યા.

ઘરે પહોંચ્યા એટલે પારૂલે અને મમ્મીએ પૂછ્યું,”ભાઈ, છોકરી કેવી લાગી?”

-અરે! આવી મજાક તે હોતી હશે? ‘લૂકિંગ લંડન ટોકિંગ ટોકિયો’ એટલે કે બાડી છે અને પારૂલડી……….કહેતી હતી કે એની આંખો ઐશ્વર્યા જેવી છે. મેં પારૂલનો ચોટલો પકડ્યો.

-હોય નહી ભાઈ ! અલ્પનાને મેં એકવાર નહીં બે વાર જોઈ છે. એ માત્ર બ્યુટીફૂલ નથી મોસ્ટ બ્યુટીફૂલ છે. એમાંયે એની આંખો જોતા જ ઐશ્વર્યા યાદ આવ્યા વિના રહે જ નહિ.
-પણ ટીનુને જોઈને તો ઐશ્વર્યા નહિ પણ ટુનટુન યાદ આવે.
-ટીનુ? તમે ટીનુને જોવા ગયેલા કે અલ્પનાને?
-કેમ ટીનુ એ અલ્પનાનું લાડકું નામ નહિ? એની મમ્મીએ અમને એ રીતે આવકાર્યા અને……..
-કોઈ ગેરસમજ થઈ લાગે છે, ભાઈ ટીનુ તો અલ્પનાની બાજુના ઘરમાં રહે છે. કદાચ એને જોવા પણ આવવાનો હશે. તમે પાછા ઊપડો અલ્પનાને જોવા. હું યે સાથે આવું
-ઓહ ! ગજબ થયો આ તો ……

આંધળે બહેરુ કુટાયું

                                         

                                             ૐ નમઃ શિવાય

5 comments April 7, 2009

અક્ષત દાણા

                             આજે મહા વદ છઠ

આજનો સુવિચાર :- સત્યના પથ પર અડગ રહેનાર સાચો બહાદુર છે.

હેલ્થ ટીપ :- વધુ પડતી મસૂર દાળના ઉપયોગથી લોહી ઘટ્ટ બને છે અને દૃષ્ટિનું તેજ ઘટાડે છે પરંતુ તાજા તલના તેલ અથવા ગાયના ઘી સાથે મસૂરનો ઉપયોગ ગુણમાં વૃદ્ધિ કરે છે.

main-church11

                                    અક્ષત દાણા

    ઈટાલીના મિલાનો શહેરમાં વિશ્વવિખ્યાત ચર્ચ બાંધતી વખતે કેટલીક મૂર્તિઓ એવી ઊંચી અને ભિડાતી જગ્યાએ મૂકવાની હતી કે કોઈની નજર ત્યાં સુધી પહોંચી શકે તેમ ન હતી. તો પણ શિલ્પકાર પોતાના કામમાં મશગુલ થઈને મૂર્તિઓના એક એક મરોડ ને રેખાઓમાં પોતાની કલા ઠાલવતો હતો. એક મિત્રે એ જોઈ ટીકા કરી : ‘આ મૂર્તિ પર કોઈની નજર સરખી પડવાની નથી, તો એની પાછળ શા માટે આટલી મહેનત કરે છે ?’
શિલ્પકારે આંખ ઊંચી કર્યા વિના જવાબ આપ્યો : મારી કૃતિ છે એટલે શ્રેષ્ઠ જોઈએ- પછી ભલે કોઈ જુએ કે અ જુએ. હું તો જોઉં છું અને બીજું કોઈ નહિ તો ભગવાન તો જોશે જ ને?’ મારી મર્યાદાઓ છે પણ તેમાં પણ હું જેટલું શ્રેષ્ઠ આપી શકું એવો મારો આગ્રહ છે. લોકો મારું કામ જુએ કે ન જુએ, શાબાશી આપે કે ન આપે તો યે હું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કામ કરતો રહીશ.’

     પૂજામાં દેવમૂર્તિને ચોખા ચઢાવાય છે, એ ચોખાના દાણા અખંડ, અક્ષત હોવા જરૂરી છે. સો સારા દાણા સાથે એક તૂટેલો હોય તો ‘ચાલશે’ એમ મનાય તો તે સાચી પૂજા નથી. એવી જ રીતે આપણું જીવન પણ એક યજ્ઞ છે. એક એક કાર્ય વિશુદ્ધ, શ્રેષ્ઠ, અક્ષત રાખવાનો જેનો દિલથી આગ્રહ હોય તે સાચો જીવનપૂજારી છે, તેની સાચી પૂજા છે.
                                                                                                              [સૌજન્ય: અખંડ આનંદ]

                                                  ૐ નમઃ શિવાય

1 comment February 15, 2009

ભલો ભલાઈ ન છોડે

                  આજે પોષ સુદ દસમ [નવરાત્રીનો ત્રીજો દિવસ]

આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામા મોટું તપ છે. – શ્રી મોરારી બાપુ

હેલ્થ ટીપ :- પથરીથી મુક્ત રહેવા માટે કળથીને આહારમાં સ્થાન આપો, રોજ નારંગીનો રસ પીઓ.
ભલો ભલાઈ ન છોડે

      છપ્પનિયા દુકાળની આ વાત છે. સાબરમતીના કિનારે એક પીપળિયું ગામ. ગામમાં ફક્ત ત્રણ જ વર્ણ. હરિજન, રાજપૂત ને વાણિયા. વાણિયા ધીરધાર કરે. રાજપૂતો તોફાન કરે અને હરિજનો સક્કરટેટી વગેરે ઉગાડે. ગામમાં મણિયા નામનો એક હરિજન રહે. તે હરિજન પણ આત્માનો સંત જેવો હતો.

     ગામમાં વાણિયાવાસમાં નાનુભાઈ માણેકલાલની મોટી હવેલી હતી. તે હરિજનોને પૈસા ધીરે. વર્ષ બાદ તેનાં પૈસા બમણાં કરી આપવા પડે. આ રીતે તે ધીરધાર કરે. જે લોકો દેવું ભરી ન જાય તેમને રાજપૂતો પાસે મૂઢમાર મરાવે આથી રાજપૂતો પાસેથી પૈસા માંગતા નાનુભાઈ વિચાર કરે. મણિયો હરિજન ભાડામાં ખેતી કરવા નાનુશેઠને ત્યાંથી પાંચસો રૂપિયા ઉચીના લઈ આવ્યો. દુકાળને કારણે બે વર્ષ વીતી ગયા નાનુશેઠ વિફર્યો. તેમણે મણિયાને માર મરાવ્યો. મણિયો મૂઢમાર ખાઈને પથારીએ પડ્યો. તેની પાસે દવા કરાવવાની શક્તિ ન્હોતી.

     આ સાલ નદીમાં પાણી ન આવ્યું તેથી નિપજ પણ ન થઈ. બે ચાર મહિને તે જેમ તેમ કરીને સાજો થયો. મણિયા હરિજનના મનમાં એક જ વાત હતી કે ક્યારે સાજો થાઉં અને નાનુશેઠનું દેણું ચૂકતે કરુ. આથી મણિયાએ તેની પત્નીનું મંગળસૂત્ર વેચીને પાંચસો રૂપિયા ભેગા કર્યા. તેણે વિચાર કર્યો કે પાંચસો અત્યારે ભરી દૌં અને પાંચસો ચોમાસા પછી ભરી દઈશ. આથી પાંચસો રૂપિયા લઈને નાનુશેઠની હવેલી પાસે આવ્યો જ્યાં નજર કરે ત્યાં તો શેઠનું ઘર ભડકે બળે…!

      બનેલું એવું કે એક કોઈ રાજપૂત નાનુશેઠ પાસે ઉછીના પૈસા લેવા આવેલો પન તેમણે આપવાની ના પાડી પરિણામે તે ઉશ્કેરાયો અને હવેલીને આગ ચાંપી. વાણિયો અને તેની પત્ની પહેરેલ કપડે બહાર નીકળી ગયા. પહેલે માળે તેમનો બે વર્ષનો બાબો ઘોડિયે સુવડાવેલ રહી ગયો.

      શેઠ બૂમો પાડવા લાગ્યા ‘મારા લાલને કોઈ બચાવો’. એવામાં મણિયા હરિજને આ દૃશ્ય જોયું ને કંઈપણ વિચાર કર્યા વગર તે ઉપર ચઢી ગયો. ઉપર ચઢી બાળ્કને નીચે ઊભેલા માણસો તરફ ફેંક્યું. લોકોએ ઝીલી લીધું. હવે દાદરેથી ઉતરી શકાય તેમ ન હતું એટલે ઉપર બારીએથી જેવો ઉતરવા ગયો તેવો ઉપરથી સળગતો મોટો પાટડો મણિયા ઉપર પડ્યો. તે ત્યાં જ બળી ગયો. ત્યાં જ અગ્નિસંસ્કાર અપાઈ ગયા. પણ ભલાઈ અને સજ્જનતાની સુવાસ અમર રહી ગઈ.
                                                  ૐ નમઃ શિવાય

4 comments January 5, 2009

ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે.

                        આજે માગશર સુદ બીજ
આજનો સુવિચાર:- હતાશા માણસની બુદ્ધિ અને સર્જનાત્મકતાને બુઠ્ઠી બનાવી દે છે.

હેલ્થ ટીપ:- સોજો કે મૂઢમાર વાગેલી જગ્યા પર હળદર અને મીઠું ભેગા કરી થોડાંમાં પાણીમાં ખદખદાવી લગાડવાથી રાહત રહેશે.

                              આપણી કહેવત

ગામડાનું ગાડું

ગામડાનું ગાડું

                  ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે
     સામાન્ય રીતે એમ બોલાય છે કે ‘ઘૈડા ગાડા પાછા વાળે’ પણ સાચી કહેવત એમ છે કે ‘ઘૈડા ન હોય તો ગાડા પાછા વળે’.

      આ કહેવત પાછળની કથા એવી છે કે એક વરરાજાના બાપે નક્કી કર્યું કે આપણે જાનમાં કોઈ ઘરડા માણસને લઈ જવો નથી. આથી બધા ઘરડા સગાઓએ અંદરોઅંદર નક્કી કર્યું કે આપણે છાનામાના સંતાઈને જાનમાં જવું. હવે બન્યું એમ કે જાન નીકળ્યા પછી સામેથી કન્યાના બાપે અચાનક એક શરત મૂકી કે અમારા ગામનું તળાવ ઘીથી ભરી દો, પછી જ અમે કન્યા આપીશું. વરરાજાના બાપ તો મુંઝાઈ ગયા. શું કરવું તેની સૂઝ નહોતી પડતી. બધાની સલાહ લીધી પણ કોઈને સમજણ ન પડતી કે શું કરવું? આમતો જાનના ગાડા પાછા વાળવા પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ.
     ત્યાં અચાનક પેલા સંતાઈને આવેલા અનુભવી ઘરડાઓ બહાર નીકળ્યા અને બોલ્યા અમારી પાસે એક ઉપાય છે. એટલે વરના બાપાએ આ ઘરડાઓને કન્યાપક્ષ સાથે વાત કરવા મોકલ્યા. એમણે જઈને એટલું જ કહ્યું કે તમે પહેલા તળાવ ખાલી કરી દો પછી અમે એને ઘીથી ભરી દઈએ. આ ચતુર જવાબ સાંભળીને કન્યાના બાપે જાન વધાવી લીધી.

ત્યારથી કહેવાય છે કે ‘જો ઘરડા [અનુભવી] ન હોય તો જાનના ગાડા પાછા વળત’.

                                   ૐ નમઃ શિવાય

2 comments November 28, 2008

ભગવાનને પોસ્ટકાર્ડ

        આજે જેઠ સુદ અગિયારસ [ભીમ અગિયારસ ,નિર્જળા અગિયારસ]

આજનો સુવિચાર:- પ્રેમમાં ભૂખ હોય છે ભીખ નહી.

હેલ્થ ટીપ:-શરીરનો કોઈપણ ભાગ ઠંડો પડી જાય ત્યારે સૂંઠ,મરી,પીપરના ચૂર્ણનો લેપ ઉત્તમ પરિણામ આપે છે.

                              ભગવાનને પોસ્ટકાર્ડ

 

    રામાયણના બાળકાંડમાં દેવતાઓએ શંકર ભગવાનને પૂછ્યું કે ભગવાન ક્યાં છે? ત્યારે મહાદેવે સામે પ્રશ્ન પૂછ્યો કે ભવાન ક્યાં નથી? ભગવાન તો શૈતાન હોય કે ભક્ત હોય, જળ કે સ્થળ પ્રભુનો વાસ સર્વત્ર છે. ગીતાના સાર રૂપે પ્રભુ કહે છે કે હું જડ ચેતન અત્ર તત્ર સર્વત્ર બિરાજેલો છું. બાઈબલનો પણ આજ સૂર છે કે આનંદમય દશામાં મારી હાજરી સર્વત્ર વર્તાશે.

આવું જ કંઈક આ બાળકનો ભગવાનને લખેલો પત્ર છે.

નાનપણથી જ રોહિતના પિતા પ્રભુને વ્હાલા થઈ ગયા હતા. ગરીબીમાં ઉછરતા રોહિતની મા લોકોના વાસીદા કરી પેટે પાટા બાંધી મોટો કરતી હતી.

   એક દિવસે અચાનક રોહિતે આવીને માને કહ્યું કે બે દિવસમાં પરીક્ષાના પૈસા ભરવા પડશે નહીં તો પરીક્ષામાં બેસવા નહીં મળે. માને પેટમાં ધ્રાસ્કો પડ્યો કે અત્યાર સુધી તો કોઈ ને કોઈ પાસેથી ઉધાર માંગીને, જ્યાં કામ કરતી હતી તેઓ પાસે પણ પૈસા માંગ્યા હતા અને જે તે પાછા ચૂકવી પણ શકી ન હતી. હવે ક્યાંથી લાવવા પૈસા જેથી રોહિત પરીક્ષામાં બેસી શકે. ઈચ્છા તો ખૂબ હતી કે દીકરાને ભણાવે ગણાવે કે જેથી એ સારી નોકરી મળે અને તેનું દળદર ફીટે.

માનું મૌન જોઈ રોહિતે માને પૂછ્યુ,’શું થયું મા ? પૈસાની સગવડ નહી થાય ?’
મા બોલી,’હવે તો પ્રભુનો જ આશરો છે.બીજા કોઈની આશા રખી શકાય તેમ નથી.’
પ્રભુનો ક્યાં સંપર્ક કરી શકાય?’ રોહિતના કુમળા માનસ પર એક સવાલ ઉદભવ્યો..

     મા પણ શું જવાબ આપે? પણ રોહિતના સંતોષના સંતોષ માટે માએ તેને કહ્યું કે એક પોસ્ટ કાર્ડ લે અને તેની પર તારી વિગત રજુ કર. તે તને જરૂર મદદ કરશે.

    પોસ્ટકાર્ડ તો લખાયું પન સરનામુ કયું લખવું ? માને પૂછતાં તેણે કહ્યું તેને ખબર નથી પણ પોસ્ટમાસ્તરને ખબર હશે. આ સાંભળતા રોહિત તરત ગામની પોસ્ટઑફિસમાં ગયો અને પોસ્ટમાસ્તરને કહ્યું કે ભગવાનના સરનામાની માને ખબર નથી એટલે તમને પૂછવા કહ્યું છે. આ સાંભળી પોસ્ટમાસ્તરને નવાઈ લાગી કે આ બાળક શા માટે ભગવાનનું સરનામું પૂછી રહ્યો છે? રોહિતને પૂછતા રોહિતે કહ્યું કે તેને પરીક્ષાની ફીને જરૂર છે પણ મા પાસે સગવડ પૈસાની સગવડ નથી માએ સલાહની વાત કરી કે આ વખતે ભગવાન જ મદદ કરી શકશે. એટલે પોસ્ટકાર્ડ લખ્યું પણ કયા સરનામે લખી મોકલવું ખબર નથી. નિર્દોષ ભાવે કહેવાયેલા શબ્દોથી પ્રગટ થતાં આ બાળકનો તેની માતા પ્રત્યેનો ભારોભાર વિશ્વાસ અને ભગવાનમાં શ્રદ્ધા, આ બે વાત પોસ્ટમાસ્તરનાં દિલને હલાવી ગઈ. પોતાના ગજવામાંથી રોહિતની પરીક્ષા પુરતા રૂપિયા કાઢી આપતા કહ્યું,’ જા, આ ભગવાને મોકલ્યા છે એમ તારી માને કહેજે અને મન દઈને ભણજે જેથી તારી માની આશા પૂરી કરી શકે.’

     જ્યારે રોહિતે માને વાત કરી ત્યારે તેની મા માની ન શકી અને તેને લાગ્યું કે રોહિત ચોરીને લઈ આવ્યો છે અને એની પાસે જુઠ્ઠું બોલી રહ્યો છે. ફરી ફરી માને રોહિતને પૂછતી રહી પણ પોતાની વાત પર રોહિત અડીખમ હતો. હવે તો માથી રહેવાયું નહીં તેથી તે રોહિતને લઈ પોસ્ટરમાસ્તર પાસે લઈ ગઈ. માના સવાલમાં પોસ્ટરમાસ્તરે કહ્યું કે તેણે જ આ રૂપિયા આપ્યા હતા. માના શબ્દોમાં અને રોહિતના નિર્દોષ વર્તન જોઈને એને સારૂં કાર્ય કરવાની પ્રેરણા મળી હતી. રોહિતના કુમળા માનસ પર પ્રભુ પ્રત્યેને રોપેલા વિશ્વાસનાં મૂળ હચમચી ન જાય તે માટે આમ કરવાની પ્રભુએ તેને પ્રેરણા આપી હોય તેવું તેને લાગ્યું હતું. પોસ્ટમાસ્તરે આગળ ઉમેર્યું કે ભવિષ્યમાં મદદની જરૂર પડે નિઃસંકોચ એની મદદ માંગે, બનતી બધી મદદ કરશે. સાથે ઉમેર્યું કે રોહિતના ઉજ્જ્વળ ભવિષ્યમાં ભાગીદાર થવામાં સંતોષ માનશે.

             શું આપને નથી લાગતું કે આજ સાચ્ચું પ્રભુનું સરનામુ છે??????

                                                                                                             —- સંકલિત

                                    

                                              ૐ નમઃ શિવાય

3 comments June 13, 2008

મૃત્યુનું ગણિત

                     આજે વૈશાખ વદ બીજ

 

આજનો સુવિચાર:- તમારો આત્મા જે કામ કરતાં અચકાય તે કામ કદી ન કરવું.

હેલ્થ ટીપ:- રોજિંદા ખોરાકમાં કાકડીના ઉપયોગથી શીતળતા અને તાજગી અનુભવાય છે.

 

                            મૃત્યુનું ગણિત

 

મૃત્યુનું ગણિત સ્થળ અને સમય નક્કી જ હોય છે.

મૃત્યુ એ ઉત્સવ જ નથી પણ મહોત્સવ છે.

   મનુષ્યના મૃત્યુના સ્થળ અને સમય બન્ને નક્કી જ હોય છે. યમરાજ પોકારે છે ત્યારે અને તેવા સમય અને સ્થળ પર માણસ મૃત્યુને વ્હાલો થાય છે.

       એક કબૂતર એક દિવસ પોતાના મિત્ર ગરુડને મળવા માટે ઊડતું ઊડતું ભગવાનના ધામમાં ગયું. વૈકુંઠમાં ગરુડજી વિરાજમાન હતા, બન્ને સુખદુખની વાતો કરી બહાર નીકળ્યા અને દરવાજા આગળ આવીને ઊભારહ્યા. બાય બાય ટા ટા કરવા. તેવામાં મૃત્યુના દેવ યમરાજા નીકળ્યા અને તેમણે કબૂતર તરફ જોઈને થોડુંક હાસ્ય કર્યું. આ જોઈ કબૂતર ગભરાઈ ગયું. તેણે ગરુડને કહ્યું,’ આ યમરાજા મૃત્યુના દેવ છે અને મને જોઈ હસ્યા છે તેથી મારું મૃત્યુ આટલામાં જ છે. કોઈ આવીને મને મારી નાખશે.

     ગરુડે કહ્યું,’ ચિંતા ન કર. હું બેઠો છું. તને કોઈ નહીં મારે, પણ કબૂતરે જીદ કરી અને કહ્યું,’ તું મને દૂર દૂર હિમાલયની ગુફામાં લઈ જા જ્યાં મને કોઈ મારી શકે નહીં.’ કબૂતરની જીદ આગળ ગરુડજીને નમતું મૂકવુ પડ્યું અને તે કબૂતરને હિમાલયની ગુફામાં મૂક્યુંઅને ત્યાંથી વૈકુંઠ જવા રવાના થયા.

    થોડીવાર પછી યમરાજ ભગવાનને મળી બહાર નીકળ્યા ત્યારે ગરુડજીએ પૂછ્યું,’ ભગવાન આપ પેલા કબૂતરને જોઈ કેમ હસ્યા હતા?’ યમરાજાએ જવાબ આપ્યો કે કબૂતરનું આજે હિમાલયની ગુફામાં એક સાપ કરડવાથી મૃત્યુ થવાનું હતું અને તે હજુ તમારી સાથે વાત કરતું હતું તેથી મને હસવું આવ્યું, ત્યારે ગરુડજીને ફાળ પડી અને બધી વાત કહી. યમરાજએ કહ્યું,’ભાઈ, જે સમયએ જે જગ્યા અને જ્યારે કોઈનું મૃત્યુ લખ્યું હોય ત્યાં થાય જ તેમાં બ્રહ્માજી પણ ફેરફાર કરી શકે નહીં.’

                                                                                       સૌજન્ય:- જન્મભૂમિ – મેઘધનુષ

 

                                    ૐ નમઃ શિવાય

3 comments May 21, 2008

સુશી

                            આજે ફાગણ વદ છઠ

આજનો સુવિચાર:- આજે પાડેલા પરસેવાના બિંદુઓ કાલ માટેનાં મૂલ્યવાન મોતી છે.

હેલ્થ ટીપ્સ:- દરરોજ 10 સેકેંડ સૂર્યદર્શન કરવાથી સમગ્ર શરીરની કાર્યક્ષમતા વધશે.

                            સુશી

    સુશીનો જન્મ ખૂબ ગર્ભ શ્રીમંત કુટુંબમાં થયો હતો. તેને બે ભાઈઓ હતાં. મુંબઈમાં તેનું બાળપણ વીત્યું. બાપુનો ધીકતો ધંધો હતો. મા બાપે એકની એક દીકરીને ખૂબ ભણાવી અને ભાવિ જીવન માટે તૈયાર કરી. મૃદુભાષી, મિત્રોમાં પ્રિય, દેખાવે સુંદર સુશી પોતાના વિચારોમાં ખૂબ ક્રાંતિકારી હતી. લગ્નમાં ન માનનારી સુશી ભણીગણીને નોકરીએ લાગી ગઈ. ભાઈઓ ભણીગણીને, પરણીને ધંધામાં સ્થાઈ ગયા. સુશીએ સુંદર નાનું મકાન ખરીદી, પોતાની ઢબે સજાવ્યું, રસોઈ માટે અને ઘરકામ માટે બે બાઈઓને રાખી તેણે પોતાનું જીવન વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. જૂના ગીતોની શોખીન સુશી ગીતો સાંભળતી રાતનાં મોડી રાત સુધી વાંચે અને પછે સૂઈ જાય.

       આમ, એકલાં રહેતાં રહેતાં વર્ષો પસાર થઈ ગયાં. હવે એકલતા એને કોરી ખાવા લાગી. કોઈ સારી કંપની હોય તો ? માતૃત્વની ઝંખના સુશીમાં જાગવા લાગી. ક્યારેક ભાઈઓનાં બાળકોને જઈ રમાડી આવે. બાજુનાં બંગલામાં રહેતા સુહાસભાઈ સાથે સુશીને સારું લાગવા લાગ્યું હતું. તેમનાં પત્ની ત્રણેક વર્ષથી ગુજરી ગયાં હતાં. તેમનાં બે બાળકો….. અને સુહાસભાઈ ! એક ઘરડો નોકર તેમનાં ધરનાં બધાં જ કાર્ય કરતો. બાળકોને પ્રેમપૂર્વક જમાડે-ભણવા બેસાડે. મોડી રાતે સુવાસ સુશીને મળવા જાય . સુખ દુઃખની વાત કરે. ધીમે ધીમે બંને વચ્ચે અંતર ઘટતું ગયું. એક દિવસે સુહાસે હિંમતભેર સુશીને હિંમતભેર કહી નાખ્યું,” હું તને ચાહું છું. તારા વગર રહી શકું તેમ નથી. જો હું બાળકોને શાળાની હૉસ્ટેલમાં મૂકી દઈશ. વેકેશનમાં થોડોક વખત માટે આવશે.બાળકોની ચિંતા જવાબદારી તારે માથે નહીં પડે.”

      સુશીની આંખમાં પાણી આવ્યાં, તેણે સુહાસને મનની વાત કહેવા માંડી, “ તારા બાળકો એ મારાં બાળકો થાય ને ! બાળકો ભલે ને તારા હોય પણ મને બાળકો ખૂબ વ્હાલાં છે. હું તેમને છાતી સરસા ચાંપીને રાખીશ. તેમની જવાબદારી હું સહર્ષ ઉપાડીશ. ફરી મને આવી વાત કરશો નહીં. મા વગરનાં બાળકોની મા બની તેમને હુંફ અને પ્રેમ આપીશ.” સુહાસે સુશીનો હાથ પકડી લીધો.

      થોડાંક જ વખતમાં રજીસ્ટર્ડ લગ્ન કરી સુહાસને ત્યાં સુશી છોકરાંની મા બની કાયમ માટે રહેવા આવી. નાની નાની બાબતોમાં કાળજી રાખી સુશીએ બાળકોનાં જીવનને સુંદર રીતે ઘડ્યું. આમ સુહાસનું જીવન સુશીમય અને બાળકોમય બની ગયું. ઘરનું વાતાવરણ હુંફમય અને હર્યું ભર્યું બની ગયું.

    એક દિવસ સુહાસે સુશીને પૂછ્યું,” તારે એકાદ બાળક જોઈએ છે?” સુશીએ એક સુંદર વાત કહી,” તારું ને મારું વળી શું? આ બધાં મારાં જ બાળકો છે. હું બધાંને પ્રેમ કરું છું મને ખાતરી છે કે મને પ્રેમ મળશે. માએ કોઈ બાળક જોઈતું નથી. જે પ્રભુએ મને આપ્યાં છે તેમને સુંદર જીવન આપું એટલે મારું કાર્ય પૂરું થાય છે.”

      સુહાસ, સુશીનાં જીવન મૂલ્યોનું ઉદારીકરણ જોતો જ રહ્યો. કેવું વિશાળ મન ..! કેવું વિશાળ હૃદય…! કેવું વિશાળ જીવનફલક. ભીંત ટાંગેલાં પહેલી પત્નીના ફોટાને નમન કરી સુહાસ બોલ્યો,” તારાં બાળકોને તારા જેવી જે મા મળી છે. તું જરા પણ ચિંતા ન કરતી.” મરક મરક હસતાં ફોટામાં એક સંતોષ દેખાયો.

                                                                    –સ્વ. દક્ષા દેસાઈ

                                                    ૐ નમઃ શિવાય

8 comments March 28, 2008

ટ્રેનની સફરે

                                 આજે મહા વદ પાંચમ

આજનો સુવિચાર:- આનંદપૂર્વક ઉઠાવવામાં આવતી જવાબદારી કે ભાર હળવો લાગે છે.

હેલ્થ ટીપ્સ:- લોહીમાં આયર્નની ખામી હોવાથી નખ પીળા પડી જતા હોય છે. રોજીંદા ખોરાકમાં લીલા તાજા શાકભાજી, પાંદડાયુક્ત ભાજી, કઠોળ અને સૂકામેવાની માત્રા વધારો.

 [ગુડગાંવ સ્થિત કુણાલે આ ઈ મેઈલ ફોરવર્ડ કર્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

  કૉલેજીયન, નોકરીયાત વગેરે નાની મોટી દરેક વ્યક્તિથી ખીચોખીચ ભરેલી ટ્રેન આગળ વધવા માંડી. બારીની બાજુની સીટમાં એક આધેડ વયના ભાઈ પોતાના 30 વર્ષની ઉંમરના પુત્રની સાથે બેઠા હતા. જેવી ટ્રેન ચાલુ થઈ ત્યાં તો પેલા આધેડ વયના 30 વર્ષની ઉંમરવાળા પુત્રે ખૂશીના માર્યા જોર જોરથી બૂમ પાડવા લાગ્યો,

“બાપુ, જુઓને આ લીલા ઝાડ કેવાં સુંદર દેખાય છે! કેવા ઝડપથી આગળ વધી રહ્યાં છે.”

   30 વર્ષની આ વ્યક્તિના આવા વલણથી ટ્રેનમાં બેસેલી દરેક વ્યક્તિ અચંબા ભરી નજરે જોવા લાગ્યા અને આ વ્યક્તિ વિષે અંદરોઅંદર એકબીજા સાથે વાતો કરવા લાગ્યા “આ ગાંડો લાગે છે.” તાજા પરણેલા અનુપે પોતાની નવી પરણેતરને કાનમાં કહ્યું.

          અચાનક વરસાદ વરસવો ચાલુ થયો. અને ટ્રેનની ખુલ્લી બારીમાંથી વાછંટ મુસાફરો પર વરસવી ચાલુ થઈ. આ 30 વર્ષનો પુત્ર ખૂશ થઈ ગયો. ખૂશીનો માર્યો તેના બાપુને કહેવા લાગ્યો,

        ” બાપુ, બાપુ જુઓને વરસાદમાં કેવી મઝા આવે છે.”

    અનુપની પત્ની આ વરસાદથી હેરાનપરેશાન હતી કારણ એનો નવોનકકોર પહેરવેશ ભીનો થતો હતો.

“ અનુપ, જોતા નથી કેટલો વરસાદ પડે છે? ઓ ભાઈસાહેબ તમારા દિકરાની મગજની હાલત ઠીક નથી લાગતી એને કોઈ સાઈક્રાસ્ટિક પાસે લઈ જાઓ આમ પબ્લિકને હેરાન તો ના કરે?”

   શરૂઆતમાં તો પેલા ભાઈ ખંચકાયા પછી ધીમા અવાજે બોલ્યા, ” મારા દીકરાના આવા વર્તણુક માટે હું માફી માંગું છું પણ હમણાં અમને હૉસ્પિટલમાંથી રજા મળી છે અને અમે ઘરે જઈ રહ્યા છીએ. મારો આ દીકરો જન્મથી પ્રજ્ઞાચક્ષુ હતો તેના સફળ ઑપરેશન બાદ તેણે કુદરતને અને વરસાદને પહેલી વખત અનુભવ કર્યો છે. તમને સહુને આની વર્તણુકથી પરેશાની થઈ હોય તો હું દિલગીર છું.”

    કહેવાનો ભાવાર્થ એ છે કે ‘કોઈપણ વસ્તુ જાણકારી વગર જેવી દેખાતી હોય છે તેવી સત્ય લાગે છે પરતુ હકીકતની જાણકારી વિના પ્રતિભાવ જણાવવો અયોગ્ય છે. માટે હકીકત જાણવાનો પ્રયત્ન કરો ત્યારબાદ પોતાનો પ્રતિભાવ જણાવો.’

                                   ૐ નમઃ શિવાય

6 comments February 26, 2008

Previous Posts


શોધખોળ

આભાર

Dr. Chandravadan Mis… on સિંહ ચાલીસા
TAJDIN on વિચારોને મેળે
shivshiva on આસ્વાદ
amit pisavadiya on આસ્વાદ
Dilip Gajjar on આસ્વાદ

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters