Posts filed under 'ગાથા[માહિતી]'

સંદેશ દ્વારા લેવાયેલી બ્લોગર્સની નોંધ

                                         આજે વૈશાખ વદ દસમ

આજનો સુવિચાર:- જીવન આપણે ધારીએ છીએ એટલું દુઃખમય નથી, પણ આપણે   ધારીએ એટલું એને સુખમય જરૂરથી બનાવી શકીએ.          — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ઉનાળાની ગરમીમાં કફ શરદી ખૂબ સામાન્ય થયું છે.
 6 થી 7 મરીનો ભૂકો કરી એક કપ પાણીમાં ધીમા તાપે ઉકાળવા મૂકો. 1/2 કપ પાણી રહે તેમાં 5 થી 6 ગાંગડા મીસરીના ભેળવી ગરમ ગરમ પી જાઓ.

સંદેશ દ્વારા લેવાયેલી બ્લોગર્સની નોંધ  


ગુજરાત એ ભારતમાં સૌથી વિકસિત રાજ્યોમાં અગ્રેસર છે એ વાત તો હવે સૌ કોઇ જાણે છે. ગુજરાતનો વિકાસદર, ગુજરાતીઓનો વિકાસપ્રેમ એ પણ હવે જગજાહેર બાબતો બની ગઇ છે. પરંતુ ગુજરાતી જણ એટલે અટક્યો નથી. પોતાના જ્ઞાાન, માતૃભાષા અને માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને કારણે હવે એ અનિવાર્ય એવી ઇન્ટરનેટની દુનિયા તરફ વળ્યો છે. જોકે, સાચી રીતે કહેવું હોય તો વળ્યો છે ને બદલે ઇન્ટરનેટની દુનિયાને ઘૂમી વળ્યો છે એમ કહેવું જોઇએ.

અને ઇન્ટરનેટ ઉપર પોતાની વાત રજૂ કરવાનું સૌથી સબળ અને અસરકારક માધ્યમ બની રહ્યું છે, બ્લોગ. સ્લમડોગ મિલનિયોરની ચર્ચા કરતો અમિતાભનો બ્લોગ હોય કે કોલકતા નાઇટ રાઇડર્સની અંદરની વાતો લિકેઝ કરતો અજ્ઞાાત બ્લોગ હોય, બ્લોગના માધ્યમથી પોતાની વાત જાહેરમાં મૂકવાનું વલણ હવે સેલિબ્રિટી સહિત સામાન્ય માણસોમાં પણ વધી રહ્યું છે.

પરંતુ આપણે તો વાત કરવી છે, ગુજરાતી ભાષા વિશેના બ્લોગસ્ની.

એક સાદી ગણતરી મુજબ વર્ષ ૧૯૯૬ સુધીમાં ગુજરાતી ભાષામાં લખાતાં કે ગુજરાતી ભાષાની ચર્ચા કરતાં બે કે ત્રણ બ્લોગ ઇન્ટરનેટ ઉપર અસ્તિત્વ ધરાવતાં હતાં. જેની સંખ્યા વર્ષ ૨૦૦૨માં વધીને પચીસ થઇ અને વર્ષ ૨૦૦૬માં લગભગ ૧૩૦. આજે વાત કરવી હોય તો આ સંખ્યાનો અંદાજ, બ્લોગર વિજય શાહના મતે, ૪૦૦ ઉપરાંત હશે!

આમાંથી મોટાભાગના બ્લોગનું કામ એક જ છે અને એ છે ગુજરાતી ભાષા સાચવવાનું. જો આવા બ્લોગને એક સંસ્થા તરીકે સ્વીકારીએ તો એના માધ્યમથી ભાષાનું કામ કરી રહેલા વ્યક્તિઓને ‘સેવાના ભેખધારી’ એટલેકે ‘સ્વયંસેવક’ જ ગણવા પડે. મોટાભાગે આ લોકો ગુજરાતી ભાષાને સાચવવાનું જ કામ કરે છે. એમને પોતાને વાંચતા-વાંચતા ક્યાંકથી ગમેલું કે ક્યારેક પોતે રચેલું સાહિત્ય બ્લોગ ઉપર મૂકાય છે. હા, એમાં એક જોખમ રહેતું કે બીજાની રચના તફડાવીને પોતાને નામે ચઢાવી રજૂ કરનારા મોટી સંખ્યામાં દેખાતા. પરંતુ તકનીકના વિકાસ સાથે આ સંખ્યામાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે.

નવી પેઢી અને જૂની પેઢી વચ્ચેની ખાઇ દૂર કરવા સાથે સારી રચનાઓને લોકભોગ્ય બનાવવા સાથે આગામી પેઢીમાં ભાષા સંસ્કાર દૃઢ કરવા મથતાં લોકો આ સ્વયંસેવી કાર્યમાં રોકાયેલા છે. અને એ પણ કોઇ પણ પ્રકારના પારિશ્રમિકની અપેક્ષા વિના કલાકો સુધી, નિઃસ્વાર્થભાવે.

નવી અને જૂની પેઢી વચ્ચે સંબંધનો બંધ વધુ મજબૂત કરવાના ધ્યેયથી મંડેલા બ્લોગમાં કેટલાંક પ્રતિનિધિ નામ લેવા હોય તો મોના નાયકનો ઉર્િમસાગર, જયશ્રી ભક્તાનો ટહુકો, ચેતન ફ્રેમવાલા-મંથન ભાવસાર-ચેતનાબેન શાહનો ધબકાર અને નીલમ દોશીના પરમ ઉજાસનું સ્થાન મોખરે છે. તો ગુજરાતી ભાષાની યથાયોગ્ય જાળવણી માટે સૌથી મોખરે છે, મૃગેશ શાહનું રીડ ગુજરાતી. સાથે છે ધવલ શાહ અને વિવેક ટેલરના લયસ્તરો પણ ખરું. તો પોતાના અનુભવો વિશે, પોતાના લેખન વિશે ઘણાં બ્લોગ છે. એમાં કાવ્ય પદાર્થ વિશેના બ્લોગમાં વિવેક ટેલરનો શબ્દો છે શ્વાસ મારા,  હેમંત પુણેકરના હેમ કાવ્યો,મહેશ રાવળનું નવેસર, દેવિકાબેન ધ્રુવ-ધીરુભાઇ શાહ-ગીરીશ દેસાઇ-પ્રવીણ કડકીયાની ગુજરાતી સાહિત્ય સરિતા આવે. તો પદ્ય માટે વિજયનું ચિંતન જગત, જે.ડી. પટેલનું વેબ પુસ્તકાલય, નીલા કડકીયાનું મેઘધનુષ ગણી શકાય. એ સિવાય ઉંઝા જોડણીમાં પણ સુરેશ જાની, જુગલકિશોર વ્યાસ, ઉત્તમ ગજ્જર અને ચિરાગ પટેલ જેવા બ્લોગિંગ કરતાં રહે છે.

મજાની વાત તો એ છે કે પ્રયોગાત્મક અભિગમ ધરાવતા કેટલાંક બ્લોગ દ્વારા ઘણાં લેખકો દ્વારા લખાતી સહિયારી નવલકથા-લઘુનવલકથા, શબ્દારંભે એક જ નક્કી અક્ષરની અંતાક્ષરી જેવા તો કંઇકેટલાય પ્રયોગો થયાં અને પ્રમાણમાં સફળ પણ રહ્યાં. આ અને આવી અનેક પ્રવૃત્તિઓ ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહી છે. એક રીતે જોઇએ તો આ યાદી બિલકુલ અપૂર્ણ છે. એ પરિપૂર્ણ હોવાનો કોઇ દાવો નથી. ઇન્ટરનેટ ઉપરના ગુજરાતી રંગના કૂંડામાંથી આ તો માત્ર થોડાં ચટકાં છે. થોડાંમાં ઘન્નુ સમજો સાહેબજી!

છેલ્લે એક આખરી વાત. આવા નિઃસ્વાર્થ સેવાના ભેખધારી બ્લોગર્સ માટે શું કરી શકાય ? તો એક સાદો ઉપાય છે, એમના બ્લોગ ઉપરથી કોઇ મજાની વિગતને ક્યાંક જરા જેટલું પણ સ્થાન ક્રેડીટ સાથે આપી શકાય તો આપી છૂટવું જોઇએ, ‘સંદેશ’ એની અર્ધસાપ્તાહિક ર્પૂિતમાં આપે છે એમ જ.

http://www.sandesh.com/sandesh_article.aspx?

Courtesy: Sandesh 16/th May 2009

આનો શ્રેય શ્રી વિજયભાઈ આપવો ઘટે.

આભાર વિજયભાઈ

                                                ૐ નમઃ શિવાય

16 comments May 18, 2009

વિસરાયેલો ઈતિહાસ

                                     આજે વૈશાખ સુદ તેરસ

આજનો સુવિચાર :- ઘણી બધી અને મોટી ભૂલ કર્યા વિના કોઈ માણસ મહાન થઈ શકતો નથી –ગ્લેડ્સ્ટન

હેલ્થ ટીપ:- નાળિયેરનું કુદરતી કોલ્ડ્રિંક ગરમીમાં શીતળતા આપે છે.

scan0001

વિસરાયેલો જેતલપુરનો ઈતિહાસ

       સંવત 1882માં બંધાયેલું આ ભવ્ય ઐતિહાસિક જેતલપુરનું આ મંદિર અમદાવાદના ચંડોળા તળાવથઈને 16 કિ.મી. દૂર હાઈ વે નં 8 પર આવેલું છે. ઈ.સ. 1420માં જમીનની વસુલાત માટે જેતલપુરમાં મોગલો ખેડુતોને હેરાન કરતા. એ વખતે અહમદશા બાદશાહે ઠરાવ પસાર કર્યો કે જેઓ ખંડણી આપશે અને લશ્કરમાં જોડાશે એવા જમીનદારોને એમની જમીનનો ચોથો ભાગ આપવામાં આવશે. આ હિસ્સો વાંટા તરીકે ઓળખાતો અને બાકીનો સરકારનો ‘તળપદ’ તરીકે ઓળખાતો. જેતલપુરના કિસાનોની નારાજગી ધ્યાનમાં રાખી અક્બર બાદશાહે ઈ.સ. 1583માં જમીનદારોને ચોથો હિસ્સો પાછો હિસ્સો પાછો આપવાનું ફરમાન કર્યું. પૂર્વ ઈતિહાસમાં ભગવાન સ્વામીનારાયણે જેતલપુરને પોતાની કર્મભૂમિ બનાવી તે સમયે થતી હિંસાનો મક્કમતા પૂર્વક સામનો કરી અંધશ્રદ્ધાના અવળા માર્ગે દોરવાયેલી પ્રજાને માર્ગદર્શન આપી રાજ સત્તાનો વિરોધ સહન કરી લીધો.

        શાહજહાં પોતાના પિતા જહાંગીર સામે બળવો પોકાર્યો અને 1623માં જૂને બારેજા આગળ શાહે ફૌજ અને બળવાખોરો વચ્ચે લડાઈ થઈ તેમાં બાદશાહની ફૌજની જીત થઈ. જીતનાર સુબા સૈફખાને જેતલપુરમાં કિલ્લો બંધાવ્યો જે અત્યારે ‘મઢી’ને નામે ઓળખાય છે. જે ઉપરોક્ત ચિત્રમાં જણાય છે. ગુજરાતમા મરાઠાઓ, મોગલો અને અંગ્રેજોએ સત્તા માટે અવારનવાર લડાઈઓ થતી રહી. જેતી રબારણના નામ પરથી ઓળખાતું આ જેતલપુર ભગવાન સ્વામીનારાયણે મોટાભાગના વર્ષો ગાળ્યા હોવાથી વિશ્વભરમાં જાણીતું તીર્થધામ બની ગયું.

                                                                               — સૌજન્ય [ગુજરાત સમાચાર ]

                                          ૐ નમઃ શિવાય

Add comment May 6, 2009

અક્ષય તૃતીયા

                        આજે વૈશાખ સુદ ત્રીજ [અખા ત્રીજ, અક્ષય તૃતીયા]

આજનો સુવિચાર:- એટલો આત્મ વિશ્વાસ રાખો કે પૃથ્વીના આવશ્યક મનુષ્યમાં ગણાઈએ. — ગોર્કી

હેલ્થ ટીપ:- મુખની દુર્ગંધ દૂર કરવા તેમજ દાંતના દુઃખાવામાં રાહત મેળવવા બે લવિંગ મોંમાં રાખી ધીરે ધીરે ચૂસો.

                                                

shivparvati1

                                        અક્ષય તૃતીયા
     ભારતીય પંચાંગ મુજબ વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ અથવા અક્ષય તૃતીયા તમામ મંગલ કાર્યો માટે શ્રેષ્ઠ ગણાય છે. ખેડૂતો અને સાગરપુત્રો માટે આ દિવસ શુભ ગણાય છે. આજનો દિવસ હિંદુ માન્યતા મુજબ વગર મુહુર્તનો ગણાય છે એટલે કે આજના દિવસના બધા મુહુર્ત શુભ ગણાય છે. આ દિવસે વૈષ્ણવ મંદિરમાં વસંત પૂજન કરવામાં આવે છે તેમ જ શિવમંદિરમાં જલધારી મૂકવામાં આવે છે.

         જૈન ધર્મ અનુસાર તેમના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાને અયોધ્યામાં શેરડીનો રસ [ઈક્ષુરસ] પીને ધારણા કર્યા હતા. આ પરંપરાથી જૈનધર્મના સાધુઓ-ગૃહસ્થો આજના દિવસે વરસી તપના પારણા કરે છે. શત્રુંજય પર જૈન યાત્રિકોનો મેળો પણ આ દિવસે ભરાય છે.

      પ્રાચીન કથાનક મુજબ શિવ પાર્વતીજાના આ દિવસે લગ્ન થયા હતા. રાજા હિમાલયની પુત્રી પાર્વતી સાથે લગ્ન કરવા અંગે ભભૂતી લગાડી ગળામાં સર્પોની માળા શોભાવી તેમ જ અંગે વ્યાઘચર્મ ધારણ કરીને હાથમાં ત્રિશૂળ લઈ ભભૂતરંગી સાથીઓને લઈ ગયાહતા. એમનો આ ભભૂતરંગી રૂપ જોઈ પાર્વતીજીના માતા મેના મૂર્છિત થઈ ગયા હતાં. મેનાજીની મૂર્છા દૂર થતાં ઘણા દિવસો વીતી ગયા પરંતુ શિવજી દ્વાર પર ઊભા રહ્યા હતા. ચૈત્ર પૂરો થતા મેનાની મૂર્છા દૂર થતા વૈશાખ સુદ ત્રીજને દિવસે મેનાએ શિવજીને પોંખ્યા હતા. આમ ચૈત્ર મહિનો ‘મેનારક’ કહેવાય છે અને મોટેભાગે આ મહિનામાં હિન્દુ સમાજમાં લગ્ન નથી થતા.

    સાગરપુત્રો એટલે ખારવાપ્રજા આ દિવસે વરુણદેવની પૂજા કરી દૂધનો ભોગ ચઢાવે છે અને હોમ હવન કરે છે.

       કહેવાય છે કે સતયુગનો પ્રારંભ આજના દિવસથી થયો હતો. એટલે આજનો દિવસ ‘અક્ષય તૃતીયા’ શુભ દિવસ મનાય છે. ભગવાન પરશુરામજીનો જન્મ પણ આ દિવસે થયો હતો.

ભગવાન પરશુરામ વિષે વધુ વાંચવા નીચે લિંક આપી છે ત્યાં ક્લિક કરો .

http://shivshiva.wordpress.com/2007/04/20/sa-thio-2/

                                          

                                               ૐ નમઃ શિવાય

5 comments April 26, 2009

સ્થાપત્યના દેવ વિશ્વકર્મા

                  આજે મહા સુદ તેરસ [વિશ્વકર્મા જયંતી]

આજનો સુવિચાર:- કર્મ સાથે જોડાયેલું જ્ઞાન જ સાર્થક ગણાય છે.

હેલ્થ ટીપ :- લસણને સમય, પ્રકૃતિ તથા પ્રમાણમાં લેવાથી દમ, પક્ષઘાત,સાંધાના   દરદોમાં, ચૂંક, કટિશૂળ, હેડકી વગેરે રોગોમાં રાહત રહે છે.


| View Show | Create Your Own

 

                        સ્થાપત્યના દેવ

        શિલ્પ-સ્થાપત્ય તથા ઈજનેરી વિદ્યાનો પૃથ્વી પર પાયો નાખનાર વિશ્વકર્મા છે. કૃષ્ણ ભગવાન માટેની અલૌકિક નગરી દ્વારિકાનું નિર્માણ કરનાર, ધૃતરાષ્ટ્ર માટે હસ્તિનાપુર, પાંડવો માટે ઈન્દ્રપ્રસ્થ, રાવણની સોનાની લંકાનું નિર્માણ કરનાર વિશ્વકર્મા તો હતા. તેમણે શ્રી વિષ્ણુનુ સુદર્શન ચક્ર, શિવજીનુ ત્રિશૂળ, ઈન્દ્રનું વજ્ર અને રથ, શસ્ત્ર-અસ્ત્ર આભૂષણો અને વિમાન બનાવ્યા હતા. લંકા સુધી પહોંચવા માટે શ્રી રામે રામસેતુ માટે વિશ્વકર્માની મદદ માંગી હતી. આથી વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ નલ અને નીલે રામસેતુનું નિર્માણ કર્યુ હતુ. વિશ્વકર્મા એટલે દેવોના ઍંજિનિયર.

      આ ઉપરાંત તેમણે 14 બ્રહ્માંડની રચના કરી હતી. તમામ લોક, વાયુમંડળ, કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મપુરી, ઈંદ્રપુરી, સ્વર્ગ, પૃથ્વી, પાતાળના નાગલોક વગેરેનું સર્જન કર્યું હતુ.

     કહેવાય છે કે યાદવ પ્રજાના રક્ષણ માટે શ્રીકૃષ્ણ અને બલરામજીના આહવાનથી વિશ્વકર્મા પ્રગટ થયા હતા અને કૃષ્ણની વિનંતીથી વિશ્વકર્માએ દ્વારિકાનગરીનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે જરાસંઘના ત્રાસથી બચવા નગરીના દ્વારની એવી વિશિષ્ટ રચના કરવામાં આવી હતી જેને લીધે અજાણી વ્યક્તિની નજર ન પડે. વિશ્વની રચના કરનારા વિશ્વકર્મા અખિલ બ્રહ્માંડના સર્જનહાર કહેવાય છે. મહા સુદ તેરસના રોજ તેમનો જન્મદિવસ તરીકે ઊજવાય છે. આ દિવસે વિશ્વકર્માના વંશજો પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિશ્વક્ર્મા પ્રભુની પૂજા-અર્ચના કરે છે.

     કહેવાય છે કે સંજ્ઞા નામની એમની પુત્રીના લગ્ન સૂર્ય સાથે થયા હતા પરંતુ સૂર્યનું તેજ તે સહન ન કરી શકી તેથી પાછી આવી. જ્યારે સૂર્ય તેને લેવા પાછા આવ્યા ત્યારે વિશ્વકર્માએ સૂર્યનું વિશાળ પ્રભાવક તેજ કાપી છીણીને ઓછું કરી-માપસર કરી નાખ્યું અને બાકી વધેલા તેજથી દેવો માટે તેજસ્વી શસ્ત્રો બનાવ્યા અને દીકરી અને જમાઈને વિદાય કર્યા. એમની ત્રણ પત્નીઓ આકૃતિ, પ્રપ્તિ અને નંદી ત્રણ પત્નીઓ છે. બહિષ્મતિ, સંજ્ઞા અને તિલોત્તમા નામે ત્રણ પુત્રીઓ છે. કલા-કારીગરી અને નવનિર્માણ માટે વિશ્વકર્માએ પાંચ સંતાન ઉત્પન્ન કર્યા. મન [લુહાર-પંચાલ], મય [સુથાર], ત્વષ્ટા [કંસારા], શિલ્પી [કડિયા] અને દેવરી [સોની]ને સમાજ રચનાનું કાર્ય સોંપ્યું. આ કાર્યો કરવા પાંચેય પુત્રોને વિવિધ ઓજાર, શસ્ત્રોની ભેટ આપી.

      પુરાણ કથાનુસાર વિશ્વકર્મા બ્રાહ્મણ હતા. ધૃતાચી નામની અપ્સરા શાપ પામતાં ગોવાળ કન્યા બની અને વિશ્વકર્મા બ્રાહ્મણ બન્યા. બન્નેના સંયોગથી દરજી, કુંભાર, સોની, કડિયા વગેરે તંત્રવિદ્યાપ્રવીણ જ્ઞાતિઓ નિર્માણ થઈ. આમ વિશ્વકર્માના વંશજો પંચાલ બ્રાહ્મણથી ઓળખાયા.

                                      ૐ નમઃ શિવાય

3 comments February 6, 2009

22મી ડિસેમ્બર

                               આજે માગશર વદ એકાદશી

આજનો સુવિચાર:- સારું પુસ્તક એ છે જેને આશા સાથે ખોલી શકાય અને સંતોષ સાથે બંધ કરી શકાય.

હેલ્થ ટીપ:- લોક આયુર્વેદ- મૂળો, મોગરી અને દહીં
                                               બપોર પછી કદી નહિં.

short day and long night

short day and long night

 

        આજે 22મી ડિસેમ્બર, વર્ષનો સૌથી ટૂંકો દિવસ અને વર્ષની સૌથી લાંબી રાત્રિ.
  બ્રહ્માંડમાં સૂર્યની આસપાસ ફરી રહેલી આપણી પૃથ્વીનું આ અવનવું વૈજ્ઞાનિક સત્ય છે. પૃથ્વીપોતાની ધરી પર કલાકના એક હજાર માઈલની ઝડપથી ગતિ કરે છે અને સૂર્યની આસપાસ સેકંડના 20 માઈલની ઝડપથી ગતિ કરે છે. સૂર્યના પોતાના ગ્રહો, ઉપગ્રહો, ચન્દ્રો અને ધૂમકેતુઓના બનેલા પરિવારને લઈને આકાશગંગા નામના તારાવિશ્વના કેન્દ્રની આસપાસ એક સેકંડના 170 માઈલની ઝડપથી ગતિ કરે છે. પૃથ્વી પરિભ્રમણ કરતા સમયે પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. આથી પૃત્વીના બન્ને ગોળાર્ધ વારાફર્તી સૂર્ય તરફ રહે છે. આથી રાતદિવસ લાંબા ટૂંકા થાય છે. પૃથ્વીનો જે ગોળાર્ધ સૂર્ય તરફ નમેલો હોય છે તે ગોળાર્ધ વધુ સમય માટે પ્રકાશમાં રહે છે. આથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. એથી તદન વિરુદ્ધ પૃથ્વીનો જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધનો હોય છે તે ગોળાર્ધ ઓછા સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે. આથી ત્યાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી હોય છે.

    આજે 22મી ડિસેમ્બરના દિવસે પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે, તેથી આજે વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ અને વર્ષની લાંબામાં લાંબી રાત્રિ છે.

     આજે યહુદી તહેવાર હાનુકાહ, સમર્પણનો દિવસ છે. અનિષ્ટ પરના ઈષ્ટના વિજયની ખૂશાલીમાં આજનો તહેવાર યહુદી પ્રજા ઉજવે છે.

                        

                                   ૐ નમઃ શિવાય

1 comment December 21, 2008

આપણા ગુજરાતમાં સૌ પ્રથમ શું?

                             આજે માગશર વદ નોમ

 

આજનો સુવિચાર:- વિકૃતિઓ માનવીને વિનાશનાં દ્વાર સુધી લઈ જાય છે.          

હેલ્થ ટીપ:- માથા નીચે ગરમ કપડું રાખી ન સુવું.

 

                     આપણા ગુજરાતમાં સૌ પ્રથમ શું?

1] અંગ્રેજી શાળા                           : 1846 [અમદાવાદમાં]

2] કન્યાશાળા                               :     1849 [અમદાવાદમાં]

3] કાપડમિલ                                : 1881 [અમદાવાદમાં]

4] કૉલેજો                                     : 1) ગુજરાત કૉલેજ -1879 (અમદાવાદ)
                                                       2) એલ. એ. શાહ લૉ કૉલેજ 1927 (અમદાવાદમાં)
                                                       3) એચ. એલ. કૉમર્સ કૉલેજ 1937 (અમદાવાદમાં)

5] વર્તમાનપત્ર                        :    વરતમાન, 1849 (અમદાવાદમાં)

6] ગુજરાતી શાળા                    :   1826 (અમદાવાદમાં)

7] ગુજરાતી સામાયિક            :  બુદ્ધિપ્રકાશ – 1850 (અમદાવાદમાં)

8] છપખાનું                             :   1842 (સુરતમાં)

9] સ્ત્રી સામાયિક                     :  ‘સ્ત્રીબોધ’ – 1857 (અમદાવાદમાં)

10] પુસ્તકાલય                      :  1824 (સુરતમાં)

11] રેલ્વે                                :  ઉતરાણ (સુરત)થી અંકલેશ્વર 1855માં

12] શબ્દકોષ                        : નર્મકોશ-1873 લેખક શ્રી નર્મદ

13] સંગ્રહસ્થાન                    :  1894 (વડોદરામાં)

14] દવાની ફૅક્ટરી               :  1905 (વડોદરામાં)

15] ચલચિત્ર                         : ‘નરસિંહ મહેતા’ 1932માં

16] પંચાયતી રાજ્ય            : 1 – 4 – ’63

17] આયુર્વેદ યુનિવર્સિટી    : 1968 [ જામનગરમાં]

18] ગુજરાત યુનિવર્સિટી    : 1948 [ અમદાવાદમાં ]

19] કૃષિ યુનિવર્સિટી         : 1973 [દાંતીવાડા]

20] ટેલિવિઝન                 : 1975 – [પીજ, જિલ્લો ખેડા]

                                                                              – સંકલિત

                                 

                                       ૐ નમઃ શિવાય

1 comment December 20, 2008

ઉપશાસ્ત્રીય સંગીતના પ્રકાર

                         આજે માગશર વદ ત્રીજ [સંકષ્ટી ચોથ]

આજનો સુવિચાર:- આશાવાદી સારી વસ્તુ છે, પરંતુ માત્ર ત્યારે જ જ્યારે કર્મ સર્વપ્રમુખ હોય.

હેલ્થ ટીપ:- તજના ભૂક્કામાં લીંબુનો રસ ભેળવી પેસ્ટ બનાવી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.

સંગીતની દેવી મા સરસ્વતી

                        ઉપશાસ્ત્રીય સંગીતના પ્રકાર

   ઉપશાસ્ત્રીય સંગીતમાં ઠૂમરી પ્રાધાન્ય છે. ઠૂમરીમાં અન્ય પ્રકારો દાદરા, કજરી, સાવન, ઝૂલા, હોરી ચૈતી, રસિયા, પૂરબી ગીત વગેરે છે.

     ભારતીય સંસ્કૃતિમાં, સાહિત્યમાં તેમ જ સંગીતમાં વર્ષાઋતુનું સ્થાન અનેરું છે. કજરી, સાવન તથા ઝૂલા ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કાલિદાસનો મેઘજળના ફુવારાથી ભરેલો, મેઘ-ગર્જનની મૃદંગ બજાવતો ધરતી પર રાજશી ઠાઠમાઠથી ઉતરે છે. આદિકવિ વાલ્મીકિનો નીલકમલ સરખો મેઘ દશેદિશાઓને શ્યામ બનાવી શિથિલ પડી ગયો છે. લોકસંગીતમાં પણ વર્ષાઋતુ ભાતભાતનાં ગીત પ્રકાર લઈને આવે છે. ઉત્તર ભારતમાં કજરી, સાવન, ઝૂલા વગેરે મહેફિલી સંગીતમાં સ્થાન પામ્યા છે. ઉપશાસ્ત્રીય સંગીતના કલાકરોએ તેના ગ્રામીણ સ્વરૂપમાં ફેરફાર કરી મૂળ લોકસંગીત અને સાહિત્યનાં તત્વોને અકબંધ રાખી ઉત્તમ રીતે અપનાવ્યાં છે.

ઠૂમરી:-

    ઠૂમરીની શૈલી મૃદુ, કોમળ અને મસ્તીભરી હોય છે. દાદરા, ચૈતી, કજરી, હોરી વગેરે પણ ઠૂમરી શૈલીમાં જ ગવાય છે આ પ્રકારનાં ગીતોમાં શબ્દોનું બહુ જ મહત્વ હોય છે અને ગીતોનો નાયક મોટેભાગે શ્રીકૃષ્ણ હોય છે અને ગીતોમાં નાયિકાને ઝૂરતી દર્શાવવામાં આવે છે.

      ઠૂમરીનું ઉદ્ભવસ્થાન કથક નૃત્ય છે. તેનો આરંભ લગભગ 200 વર્ષ પૂર્વે થયો હતો. અર્વાચિન સમયના કથકશૈલીના નૃત્યકારો ભાવભંગિમા દર્શાવવા કેટલીક વખત ઠૂમરી અને દાદરાનાં ગીતો સાથે નૃત્ય કરે છે. ઠૂમરીનાં બે પ્રકાર હોય છે [1] મંદ ગતિ [2] દ્રુત ગતિ .

    ઠૂમરીની શૈલીમાં બે ઉપશૈલીઓ છે. 1] પૂરબની શૈલી 2] પંજાબી શૈલી.

    પૂરબની શૈલી હવે ભારતભરમાં ગવાય છે . અગાઉ બનારસ, લખનૌ, ગયા વગેરે ઉત્તર પ્રદેશમાં ગવાતી. જ્યારે પંજાબી શૈલીમાં પંજાબના લોકસંગીતનું મિશ્રણ છે.

    ઠૂમરી હળવા પ્રકારનું સંગીત હોવાથી તેમાં હળવા જ રાગો ગવાય છે જેવા કે પીલુ, ખમાજ, સોહની, ભૈરવી, ગારા દેસ, જોગિયા, પહાડી, તિલંગ વગેરે છે. આમ તો કુશળ ગાયકો અન્ય રાગોની સુંદર મિલાવટ કરી છૂટછાટ લે છે.

     ઠૂમરી મોટેભાગે દીપચંદી [14 માત્રા], જત [16 માત્રા], ચાચર [ત્વરિત ગતિનો દીપચંદી તાલ], ત્રિતાલ [16 માત્રા], ઝપતાલ [10 માત્રા], કે એકતાલ [11 માત્રા]માં ગવાય છે.

દાદરા:-

     દાદરાના ગીતોની ગતિ ‘દાદુર’ એટલે દેડકાની ગતિને મળતી હોવાથી આવા ગીતોને ‘દાદરા’ નામ આપાયું છે. દાદરા મોટેભાગે ખમાજ, ભૈરવી, પીલુ, દેસ, સોહની, વગેરે હળવા રાગોમાં સ્વરબદ્ધ થયેલા હોય છે. મોટેભાગે કેરવા [કહેરવા – 8 માત્રા]માં લયબદ્ધ થયેલા હોય છે.

કજરી:-

    કજરી ખાસ કરીને વર્ષાઋતુમાં ગવાય છે. કજરી નામ શ્રાવણ મહિનામાં ઘેરાતા કાળાં વાદળોની કાલિમાને લીધે થયું છે. વર્ષાઋતુના મનભાવન મહિનાઓમાં ભોજપુરી પ્રદેશમાં કજરીનાં ગીતો ખાસ ગવાય છે.

                                                                      
                                                                        - સૌજન્ય: જન્મભૂમિ
                                      ૐ નમઃ શિવાય

1 comment December 15, 2008

26 તારીખની વિશ્વ તવારિખ

                                         

આજે માગશર સુદ ચોથ

 

આજનો સુવિચાર:- દુઃખ અને વેદનાનાં વિશાળ સમુદ્રમાં આ સંસારમાં પ્રેમની બહુ જરૂર છે.

હેલ્થ ટીપ:- શરદી થઈ હોય તો લીંબુની ફાડમાં મરી તથા સિંધવની ભૂકી ભભરાવી ગરમ કરવું. તેમાંથી રસ નીકળતા   લીંબુની ફાડ ચૂસવી.

 

                    26 તારીખની વિશ્વની તવારીખ

* 26 એપ્રિલ – 1986 : રશિયામાં ચર્નોબેલ દુર્ઘટના
* 26 જાન્યુઆરી – 2001 : કચ્છનો ધરતીકંપ
* 26 ફેબ્રુઆરી – 2002 : ગોધરા કાંડ
* 26 ડિસેમ્બર – 2003 : ઈરાનમાં ભૂકંપ જેમાં 31,000નાં મોત થયા હતા.
* 26 ડિસેમ્બર – 2004 : સુનામી
* 26 જૂન – 2006 : ગુજરાતમાં પૂર
* 26 જુલાઈ – 2008 : અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ
* 26 નવેમ્બર – 2008 : મુમ્બઈ બ્લાસ્ટ

 

ભારતમાં 2008ના ભયંકર બૉમ્બ વિસ્ફોટ

* 13 મે જયપુર 7 વિસ્ફોટ
* 25 જુલાઈ બેંગ્લોર 7 વિસ્ફોટ
* 26 જુલાઈ અમદાવાદ 22 ધડાકા
* 13 સપ્ટેમ્બર દિલ્હી 5 ધડાકા
* 27 સપ્ટેમ્બર દિલ્હી વિસ્ફોટો
* 30 સપ્ટેમ્બર પ. ભારત “
* 30 ઑક્ટોબર આસામ વિસ્ફોટ
* 26 નવેમ્બર મુમ્બઈ વિસ્ફોટ

 

મુમ્બઈની પ્રજાએ ઠેર ઠેર તા. 29 અને તા. 30મીએ મીણબત્તી પ્રગટાવીને સવાલો સાથે મૌન શ્રદ્ધાંજલિ આપી હતી.

 

“]- નીલા કડકિઆ]

ઑબેરોય હોટેલની સામે [ફોટોગ્રાફી:- નીલા કડકિઆ

શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ

 

મૂક શ્રદ્ધાંજલિ

મૂક શ્રદ્ધાંજલિ

 મરીન ડ્રાઈવ પર ઑબેરોયની સામે લોકોએ સળગતી મીણબત્તી મૂકીને આપેલી શ્રદ્ધાંજલિ.

પ્રજા દ્વારા લેખિત શ્રદ્ધાંજલિ

પ્રજા દ્વારા લેખિત શ્રદ્ધાંજલિ

ફોટોગ્રાફી:- નીલા કડકિઆ
પ્રભુ સૌ આત્માને શાંતિ અર્પે.
                                 ૐ  નમઃ  શિવાય

6 comments November 30, 2008

એવું જ માગું મોત [શ્રી આદિલ મનસુરીજી]

                આજે કારતક સુદ નવમી [રંગનાથ જયંતી]  
      

આજનો સુવિચાર:- એ જ હાથોમાં છે મારી જિંદગી
                       સાચવી જે ના શક્યા મેંદીનો રંગ. –શ્રી આદિલ મંસુરી

હેલ્થ ટીપ:- વજન વધારવું છે? તો રાતના સૂતી વખતે હુંફાળા દૂધમાં એક ચમચી મધ ભેળવીને પીઓ.

આદરણીય શ્રી આદિલ મનસુરીજી

આદરણીય શ્રી આદિલ મનસુરીજી

     શ્રી આદિલ મનસુરીજી હવે આપણી વચ્ચે રહ્યા નથી, ગુજરાતી સાહિત્ય જગતને ન પૂરાય તેવી ખોટ પડી છે. આપની ગણના ઉત્તમ ગુજરાતી ગઝલકારોમાં થાય છે. આપની રચનાઓએ ગુજરાતી ગઝલને ઉંચાઈ અર્પી છે. આપે જૂની પરંપરા તોડી ગુજરાતી સાહિત્યને નવી કેડી કંડારી આપી છે. આપે ગુજરાતી સાહિત્યને અનેક સુંદર અને પ્રસિદ્ધ ગઝલો અર્પી છે. આપને ‘વલી ગુજરાતી એવોર્ડ’થી સન્માનવામાં આવ્યા હતા. 1985માં કોમી રમખાણને કારણે આપે માદરે વતન છોડ્યું. અમેરિકાના ન્યુ જર્સી ખાતે 72 વર્ષની વયે હૃદયના હુમલાથી આપનું અવસાન થયું. આપના અવસાનના સમાચારથી ગુજરાતી સાહિત્યજગત ભારે શોકમાં ડૂબી ગયું છે.

     શોકમાં ડૂબેલા આપના પરિવારને આ દુઃખદ ઘટના સહન કરવા શક્તિ અર્પે.

 

એવું જ માગું મોત

એવું માગું મોત
હરિ, હું તો એવું માગું !
આ થયું હોત ને તે થયું હોત ને

જો પેલું થયું હોત….
અંત સમે એવાં ઓતરડાની
હોય ન ગોતાગોત !—હરિ

કાયાને કણી કણીથી પ્રગટે
એક જ શાંત સરોદ;
જોજે રખે પડે પાતળું કદીએ
આતમ કેરું પોત ! – હરિ

અંતિમ શ્વાસ લગી આતમની
અવિરત ચલવું ગોત :
ઓતપ્રોત હોઉં આપ મહીં
જ્યારે ઊડે પ્રાણ કપોત ! – હરિ

ધનધન વીંધતાં,
ગિરિગણ ચઢતાં,
તરતાં સરિતા-સ્તોત્ર,
સન્મુખ સાથી જનમજનમનો
અંતર ઝળહળ જ્યોત ! – હરિ

    શ્રી કરસનદાસ માણેક

                                                ૐ નમઃ શિવાય

3 comments November 6, 2008

ગાંધી જયંતી

             આજે આસો સુદ ત્રીજ [આંતરરાષ્ટ્રીય અહિંસા દિન]

    નવરાત્રિના ત્રીજા દિવસે મા ‘ચંદ્રઘટા’ના સ્વરૂપનું પૂજન થાય છે.

આજનો સુવિચાર:- હું અહિંસા દ્વારા સત્યને શોધું છું અને સત્ય વડે અહિંસા – ગાંધીજી

હેલ્થ ટીપ:- સાંધાની પીડામાં ફણગાવેલી મેથી ઉત્તમ પરિણામ આપે છે.

 

આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની જન્મજયંતી છે.

આજે આપણો સમગ્ર ભારત ગાંધી જયંતી દિન ઉજવે છે. આજે આંતરરાષ્ટ્રીય દિન તરીકે ઉજવાય છે. સત્તાની લોહિયાળ સાંઢમારીના જમાનામાં એમણે લોહીનું ટીપું રેડ્યા વગર ભારતની આઝાદી મેળવી. રેંટિયો, તકલી અને પશુપાલનના ગ્રામોદ્યોગો ગૂંજતા કરી લોકોને પોતાનો રોટલો રળતા કર્યા. પોતાના અજ્ઞાન, કુરિવાજો અને ગરીબાઈ સામે લડવાની પ્રેરણા અને શક્તિ આપ્યા. દક્ષિણ આફ્રિકામાં ગરીબ ભારતીયોની વ્હારે જઈ સત્યાગ્રહો આદરી સફતા મેળવી. પોતાના દેશવાસીઓને પન આજ હાલતમાં જોઈ તેમણે ભારતમાં પણ અહિંસાની ચળવળ આદરી. સ્વાધીનતાનો સંગ્રામ આદર્યો અને સફળતાને આરે લઈ આવ્યા. જીવનના મૂલ્યો રાજકારણમાં લાવ્યા.

પણ આજે શું થઈ રહ્યું છે? ક્યાં ગયા ગાંધીજીનાં આદર્શો????????

ક્યાં ગયા એ જીવનનાં મૂલ્યો???????
જે મૂલ્યો બાપુએ આપણને આપ્યાં હતાં?????????

જે રિવોલવરે એમનું જીવન લીધું તે હવે સત્તાધારીઓનાં હાથમાં આવી ગઈ છે અને ક્યાં ગયું દેશનું હિત? ફક્ત પોતાનું ખિસ્સુ ભરવામાં રચ્યા રહે છે અને લોકોનું જીવન બચાવ્યા કરતાં જીવન લેવાની પાછળ પડ્યા છે.

 

આજે આપણા લાડીલા નેતા લાલબહાદૂર શાસ્ત્રીની જન્મજયંતી છે.

 

      જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર આપણા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રી હતાં. તેમનું કદ ભલે નાનું હતું પણ તેમની અગમચેતી વિશાળ હતી. દોઢ વર્ષનાં ટૂંકા ગાળા દરમિયાન એમણે દેશના રક્ષણ અને દેશની ખેતી અને ખેડૂતને ગૌરવ આપ્યું. દેશની ગરીબ પ્રજાને સહાનુભૂતિ આપવા દેશના દરેક નાગરિકને અઠવાડિયામાં એક ટંક ભોજન છોડવા હાકલ કરી હતી.

                                           ૐ નમઃ શિવાય

7 comments October 1, 2008

Previous Posts


શોધખોળ

આભાર

shivshiva on આસ્વાદ
amit pisavadiya on આસ્વાદ
Dilip Gajjar on આસ્વાદ
neetakotecha on આસ્વાદ
sanjay arvilndlal mo… on શિવશિવાને સાનિધ્યે

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters