Posts filed under 'પોયણી[કાવ્યરસ]'

ચૈતર વૈશાખના વાયરા

                   આજે ચૈત્ર વદ દસમ

આજનો સુવિચાર:- પરિશ્રમ એ મનુષ્યનું આભુષણ છે.

 

હેલ્થ ટીપ્સ:- સવારનાંસૂરજનો કૂમળો તડકો નિયમિત લેવાથી સફેદ કોઢનાં ડાઘ ઝાંખા પડી જશે.

 

આજે ગુજરાત રાજ્ય સ્થાપન દિન, મહારાષ્ટ્ર દિન અને મે દિન અથવા મજૂર દિન

     ઈ.સ. 19960માં “ મહાદ્વિભાષી રાજ્ય”-બૃહત મુંબઈ રાજ્યનું વિભાજન થયું. મહા ગુજરાત આંદોલન સફળ રહ્યું. ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે અલગ અને એકભાષી-ગુજરાતી અને મરાઠીભાષી રાજ્યની રચના થઈ. ગુજરાતના પ્રસિદ્ધ મૂકસેવક રવિશંકર મહારાજના આશીર્વાદ-હસ્તે રાજ્યનું આજે 1-5-1960ના દિવસે ઉદઘાટન થયું હતું. બે વર્ષ પછી એટલે કે ઈ.સ. 2010માં ગુજરાત રાજ્ય સ્થાપનના 50 વર્ષ પૂરા થશે. જય જય ગરવી ગુજરાત.

 

આજે મે ડે એટલે કે મજૂર દિન તરીકે પણ ઉજવાય છે.

     આજથી બસો વર્ષ પહેલાં યુરોપનાં દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી. માલિક અને મજૂર બે વર્ગ પડી ગયા. મજૂરોને યોગ્ય વળતર માટે શિકાગોમાં 1-5-1887ના દિવસે વિશાળ મજૂર આંદોલન થયું. સેંકડો મજૂરો શહિદ થયા. એમની યાદમાં આજે મજૂર દિન અથવા મે ડે મનાવવામાં આવે છે.

આજથી મે મહિનો ચાલુ થાય છે. આ મે મહિનો સમગ્ર ભારત માટે વરસાદી મોસમ લાવે છે.

 

આ ગરમીની લહેરીમાં ઠંડકનો અનુભવ કરાવતું કવિશ્રી વેણીભાઈ પુરોહિતનું આ કાવ્ય યાદ આવ્યા વગર ન રહે.

 

સાખી

ગરમ હવાની લહેરખીયે,નીજ કોમળ તન કરમાશે
અગન પીછોડી ઓઢી ધરતી, તુજ ચરણે ચંપાશે
સખી થંભી જા વાટે લગાર, સખીરી

તારો છેડલો તું માથે તું માથે રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા
તારી વેણીની મ્હેક જાશે ઉડી
આતો ચૈતર વૈશાખનાં વાયરા

અંગારા વેરતો તડકાનો તોર કાંઈ
અંગારા ઝીલતો આંખ્યુંનો તોર કાંઈ
તારી આંખ્યું અધોકડી તું રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ઊનાયે વાયરા ને પાલવડે
પુરનાં ઓછરતાં ઓરતા ઉના
તારા હૈયા પર હાથ તો રાખને જરા
આતો ચૈતર વૈશાખનાં વાયરા

ગાયક: શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય

 

                              ૐ નમઃ શિવાય


2 comments May 1, 2008

જોઈએ છે

                             આજે મહા સુદ બીજ [ત્રીજનો ક્ષય]

આજનો સુવિચાર:- તમે કેટલા ખરાબ છો તેનાથી લોકો ગભરાતા નથી પરંતુ તમે કેટલા સારા છો તેનાથી લોકો ગભરાય છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ દૂધમાં સાકર અને મરીનો ભૂકો નાખી પીવાથી શરદીનો ભરાવો ઓછો થશે.

                          જોઈએ છે

ભવોભવના ફેરામાંથી
મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી !
જોઈએ છે એક એવો પ્રભુ

જે

રેલ્વેના ટાઈમટેબલમાંથી મુક્તિ અપાવે,
ટ્રાફિકના સિગ્નલ પર દોડતી
રક્તની ગતિને અંકુશમાં રાખે
જમ્બો જેટમાં સમયને
ઘસડાઈ જતો અટકાવે,

રેડિયો અને ટેલિવિઝનમાં
મોકળાશ શોધતી શૂન્યતાને ઠપકારે,
સવારે સત્યનો વાઘો પહેરીને આવતા
સમાચારોથી અળગો રાખે

અને

જાહેરાખબરોમાં મને
સસ્તે મૂલે વેચાઈ જતો રોકે

જોઈએ છે
એક એવો પ્રભુ………

                              વિપિન પરીખ

                                    ૐ નમઃ શિવાય


7 comments February 9, 2008

કોશિશ તો કરો !

                                 આજે પોષ સુદ નોમ

આજનો સુવિચાર:- ઉપર જવાનો કે નીચે ઉતરવાનો રસ્તો એક જ હોય છે.

હેલ્થ ટીપ:- મધનું સેવન શરીરનો મેદ હરે છે.

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;

સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;

હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .

જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;

પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો

કવિ:- ?

                                          ૐ નમઃ શિવાય


6 comments January 17, 2008

આંસુ વહ્યા કરે

                                     આજે માગશર વદ દસમ

આજનો સુવિચાર:- કોઈનો સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. — હરીંદ્ર દવે

હેલ્થ ટીપ્સ:- વધું પડતું નહાવાનું ગરમ પાણી ત્વચાનો ભેજ સૂકવી નાખે છે. નહાવાના પાણીમાં બે ટીપા મધ નાખવાથી ત્વચા કોમળ રહે છે.

આંસુ વહ્યા કરે

આવું બધું તો થયા કરે,
લાગણીઓને ધક્કો પહોંચેં,
દડદડ આસું વહ્યા કરે.

આસપાસના બાજ પક્ષીઓ શમણાંઓને પીંખે
દરિયા કેરી લહેર પછી તો રેતીના ઘર વીંખે.

ભ્રમણા જેવાં મોજાઓની,
આવનજાવન રહ્યા કરે,
આવું બધું તો થયા કરે.

વળી કદીક તો નસીબ અચાનક મારે એવા ફટકા,
આશાઓ પળભરમાં તૂટે, ઈચ્છાઓના કટકા !

હોઠ ઉપર તો મૌન ધરીને,
હૈયું બધું સહ્યા કરે,
આવું બધું તો થયા કરે.

આશા પુરોહિત

                                          ૐ નમઃ શિવાય


6 comments January 3, 2008

એક દિવસ તો આવ પ્રભાત !

                     કારતક વદ સાતમ

આજનો સુવિચાર:- આધ્યાત્મિક શક્તિ વધારવા સૌથી શ્રેષ્ટ સાધન ઉપવાસ છે. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.

માનસરોવરને કિનારે પ્રભાત

એક દિવસ તો આવ પ્રભાત !

એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !

જુગ જુગ થી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માંગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ
  - એક દિવસ

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર- મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ,
  - એક દિવસ

અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે જડિયું:
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ
  - એક દિવસ

અણખીલી મુજ કમલકળી આ,
પડી રાતને હાથ;
આવ, આવ તું ખિલાવ એને : દેને પૂરણ ઘાટ
                                                  - એક દિવસ

                  — પ્રહલાદ પારેખ

                                           ૐ નમઃ શિવાય


7 comments November 30, 2007

નવા વરસની ડાયરી

                 કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- વૃદ્ધ એટલે વધી ગયેલો.માણસ જ્ઞાન, પ્રેમ, ભાવ, અનુભવ વગેરેથી વધવો જોઈએ. ખાલી ઉંમરથી વધવુ એ અસ્તિત્વ, જ્યારે વિકાસથી વધવું એનું જ નામ જીવન.

હેલ્થ ટીપ્સ :- નહાવાનાં પાણીમાં ખસ કે ગુલાબજળ નાખીને નહાવાથી શરીરમાં ઠંડક લાગશે.

નૂતન વર્ષાભિનંદન

નવા વરસની ડાયરી માટે કવિશ્રી વિપિનભાઈ પરીખ શું કહે તે જોઈએ.

તા. 1લી હોય જાન્યુઆરીની કે 31મી છેલ્લી
 ડીસેમ્બરની

શરદપૂનમની હોય કે રાત વસંતપંચમી કે
ઝગમતી ક્રિસમસની

કે હોય કોઈની જન્મતિથિ
સાંજે છ વાગ્યે ‘હેવમોર’ માં ને બપોરે ‘ટી સેંટર’ પર

સાચું પૂછો તો
કોઈ ’એપોઈંટમેંટ’ હોતી નથી હવે
 કોરાં રહે છે બધાં જ પાનાં છેવટ સુધી રાખું છું
સાથે
તમારી પાસે નવા વરસની ડાયરી આવી છે?

થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ભૂકંપ થયેલો. ધરતીકંપની તાકાત પર ‘શ્રી ગુણવંતભાઈ શાહ’ની લખેલું કાવ્ય ટાંકવાનું યાદ આવ્યું.

ધરતીકંપની તાકાત

ધરતીકંપની તાકાત
જેવી તેવી નથી હોતી.
એ કોમવાદને પિગળાવી શકે,
કટ્ટરતાને ઓગળાવી શકે,
મોહને ઢીલોઢસ કરી શકે,
લોભને બકરી ‘બેં’ બનાવી શકે
દ્વેષને ઠંડોગાર કરી શકે
ભેદભાવને ભગાડી શકે
ઈર્ષાને ડીપ ફ્રીજમાં મૂકી શકે,
અને વૈરાગ્યને જગાડી શકે.
ધરતીકંપ આપણી ચેતનાને
ઢંઢોળી શકે છે.
કદાચ એવું પણ બને
કે

એક માણસ બીજા માણસને
કેવળ ‘માણસ’ તરીકે જોતો થઈ જાય.
ચમત્કારો આજે પણ બને છે !

                           ૐ નમઃ શિવાય


Add comment November 12, 2007

મહાસાગર

                                     આસો વદ એકાદશી

આજનો સુવિચાર:- સફળતા અને પ્રસન્નતા એ બેમાંથી પસંદગી કરવાની હોય તો પ્રસન્નતાની પસંદગીમાં ઉતારવામાં સાચી બુદ્ધિમત્તા છે.

હેલ્થ ટીપ્સ :- ડિપ્રેશન દૂર કરવાની મહત્વની વાત એ છે કે ‘તમે જેવા છો તેવા જ બરાબર છો અને પર્માત્માને પ્રિય છો, એ સ્વીકારો. એવું કોઈપન કાર્ય ન કરો જેનાથી સ્વયં પરમાત્માને પણ શરમાવું પડે.

હું શાળામાં ભણતી હતી ત્યારે મહાસાગરનું આ કાવ્ય શીખી હતી અચાનક મળી જતાં લખવાનું મન થઈ ગયું.

મહાસાગર  

ખારા ખારા ઊસ જેવા
આછાં-આછાં તેલ,
પોણી દુનિયા ઉપર
એવાં પાણી રેલમછેલ !

આરો કે ઓવારો નહીં
પાળ કે પરથારો નહીં
સામો તો કિનારો નહીં
પથરાયા એ જળભંડાર સભર ભર્યાં

આભનાં સીમાડા પરથી,
મોટા મોટા તરંગ ઊઠી,
વાયુ વેગે આગળ થાય,
ને અથડાતા-પછડાતા જાય !

ઘોર કરીને ઘૂઘવે,
ગરજે સાગર ઘેરે રવે !
કિનારાના ખડકો સાથે,
ધિંગામસ્તી કરતો-કરતો,
ફીણથી ફૂંફાડા કરતો,
ઓરો આવે, આઘો થાય,
ને ભરતી-ઓટ કરતો જાય !

ઊંડો ઊંડો ગજબ ઊંડો !
માણસ ડૂબે, ઘોડા ડૂબે !
ઊંચા ઊંચા ઊંટ ડૂબે !
હાથી જેવાં તૂત ડૂબે !
કિલ્લાની કિનાર ડૂબે !
તાડ જેવાં ઝાડ ડૂબે !
મોટા મોટા પહાડ ડૂબે !
ગાંડો થઈને રેલે તો તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ !

વિશાળ લાંબો પહોળો
ઊંડો એવો મોટો ગંજાવર !
એના જેવું કોઈયે ન મળે !
મહાસાગર તો મહાસાગર !

કવિશ્રી:- ત્રિભુવનદાસ વ્યાસ

                                              ૐ નમઃ શિવાય


7 comments November 5, 2007

ઝંબર ઝંબર વરસે

                આજે ભાદરવા વદ બીજ [બીજનું શ્રાદ્ધ]

આજનો સુવિચાર:- પાણી અને વાણીને હંમેશા ગાળીને વાપરો.

હેલ્થ ટીપ્સ:- દિવેલનું નિયમિત સેવન કાંતિ, સ્મૃતિ અને શક્તિ વધારે છે.

સાખી

પ્રભુ તારી દયાનો જો મેઘ વરસે
તો પાપી પાવન થાય
પાંગળા પર્વત વટાવે
અને મુંગા ગીતડાં ગાય

ભજન

તમે મન મૂકીને વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં
તમે મૂશળધારે વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં

હજાર હાથે તમે દીધું પણ
ઝોળી અમારી ખાલી
જ્ઞાન ખજાનો તમે લૂંટાવ્યો
તો પણ અમે અજ્ઞાની
તમે અમૃતરૂપે વરસ્યાં,
અમે જનમ જનમનાં તરસ્યાં
— તમે મન મૂકીને

સ્નેહની ગંગા તમે વહાવી,
જીવન નિર્મળ કરવા
પ્રેમની જ્યોતી તમે જલાવી
આતમ ઉજ્જ્વળ કરવા
તમે સૂરજ થઈને ચમક્યાં
અમે જનમ જનમ્નાં તરસ્યાં
— તમે મન મૂકીને

શબ્દે શબ્દે શાતા આપે,
એવી તમારી વાણી
એ વાણીની પાવનતાને
અમે કદી ના પિછાણી
તમે મહેરામણ થઈ ઊમટ્યાં,
અમે કાંઠે આવી અટક્યાં
— તમે મન મૂકીને

——– શ્રી શાંતીલાલ શાહ

ઝંબર ઝંબર વરસે ઝંબર
ધરતી ને અંબર વણઝારા
લીલુ લીલુ થયું રસિલુ
ધરતી કેરું ઘર વણઝારા
ઓરે ઓરે ઓરે વણઝારા

કાલે સિધાવ્યો આજે આયો,
આયો એવો મનને ભાયો
તારા ઘુઘરનાં રણકે રણકારા
ઓરે ઓરે ઓરે વણઝારા

તરસી ધારાનું ખાલી ખપ્પર,
ભરતો વરસી છપ્પર છપ્પર
તારે આંખે વીજનાં અણસારા
ઓરે ઓરે ઓરે વણઝારા

——–શ્રી અવિનાશ વ્યાસ

                                                          ૐ નમઃ શિવાય


7 comments September 28, 2007

માણસની પઝલ

                   આજે ભાદરવા સુદ બીજ

આજનો સુવિચાર:- પથ્થરપણું વચમાં લાવ્યા વગર મૂર્તિને પ્રણામ કરીએ તેને દર્શન કહેવાય.

હેલ્થ ટીપ્સ:- ગુલાબના રસનાં ટીપાં નાકમાં પાડવાથી ગરમીનો અને માથાનો દુઃખાવો મટે છે.

માણસની પઝલ

[ સંબંધના સમીકરણની કવિતા ]

તું
  +
  યાદ= આંસુ તો અબ્ધિ
  +
  ભરતી=આજ

ગઈકાલ= સંબંધોનું ખંડેર
  +
  કુંવારા અરમાનો
  _

આપણે=ફાફડાથોર

x

ઝાંઝવા = પીગળતું રણ

અને

આંસુનો અબ્ધિ + સંબંધોનું ખંડેર + પીગળતું રણ =

હું + હું + હું ?

                          —- અનિલ રાવળ

                                ૐ નમઃ શિવાય


5 comments September 13, 2007

પ્રદક્ષિણા

આજે ભાદરવા સુદ એકમ [મહાવીર જયંતી] [રામ દે પીરની નવરાત્રી આરંભ]

આજનો સુવિચાર:- કામના દબાણને લોહીના દબાણ સાથે જબરી દોસ્તી છે.

હેલ્થ ટીપ્સ:- થાકેલી આંખોમાં એક ટીપું શુદ્ધ મધ નાંખવાથી આંખોનો થાક ઊતરી જાય છે.

                                      પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું…
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.

પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક થઈ જાઉં છું
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવી દોડું છું
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું
મંદિરના લીસા આરસપહાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જાઉં છું
હું પણ એક પથ્થર બની જાઉં છું, નવા જન્મમાં.

મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

                                         -મનીષા જોષી
 

                                      ૐ નમઃ શિવાય  
 
 


10 comments September 12, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

May 2008
M T W T F S S
« Apr    
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links