Posts filed under 'મંથન[ભક્તિરસ]'

ગણેશોત્સવ

આજે ભાદરવા સુદ પાંચમ [ઋષિ પાંચમ]

આજનો સુવિચાર:- પરિવર્તન પ્રવૃતિમાં નહીં પણ વૃત્તિમાં હોવી જરૂરી છે.

હેલ્થ ટીપ્સ:- અચાનક દમનો હુમલો આવે ત્યાર એક કપ ગરમાગરમ કડક કોફી પીવાથી શ્વાસનળી ખૂલી જશે અને દરદીને રાહત રહેશે.

 

      આજે ઋષિપાંચમ અથવા સામા પાંચમ . આ દિવસે સપ્તઋષિનું પૂજન થાય છે. આ સપ્તઋષિઓ એટલે વસિષ્ઠ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને કશ્યપ છે.

    કથાનુસાર ઈંદ્રે પોતાને મળેલા બ્રહ્મહત્યાના પાપને ચાર જગ્યાએ વહેંચી નાખ્યા. [1] સ્ત્રીઓને રજસ્વલા રૂપમાં [2] વૃક્ષને ગુંદર ઉત્પન્ન થશે [3] પાણીમાં ફીણ ઉત્પન્ન થશે [4] પૃથ્વીમાં ખાડા પડશે. આ ચારે જણાની વિનંતીથી ઈંદ્રે એમને આમનું નિવારણ આપ્યું. સ્ત્રી રજોગુણમાંથી મુક્ત થતાં પ્રજનન કરી શકશે, વૃક્ષને કાપવાથી ફરી ઊગી શકશે. પૃથ્વી વધુ ઊર્જાવાન બની તેના ખાડા પૂરી શકશે. પરંતુ આ માટે તેમણે આ સપ્તઋષિની પ્રાર્થના કરી અને આ ઋષિઓએ વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી. કેમકે આ ઋષિઓએ ભાદરવા સુદ પાંચમે વિષ્ણુ ભગવાનની પ્રાર્થના કરી હોવાથી જે આ દિવસે સપ્તઋષિની પ્રાર્થના કરશે તે પાપમાંથી મુક્તિ પામશે એવું ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું.

      ગઈકાલે ગણેશચતુર્થી હતી. મહારષ્ટ્રમાં ખૂબ જોરશોરથી આ તહેવાર મનાય છે. જોકે આ તહેવાર ભારત દરેક પ્રાંતમાં ઉજવાતો હોય છે. દસ દિવસ ચાલતા આ તહેવાર દરમિયાન લોકો ખૂબ ભક્તિ પૂર્વક શ્રી ગણેશજીનું પૂજન કરતા હોય છે. આ વર્ષે લગભગ 300 કરોડ રૂપિયાનો લોકોએ આ તહેવાર પાછળ ખર્ચ્યો છે. મુંબઈ ગણપતિની મુર્તિની ઊંચાઈ માટે પ્રખ્યાત છે અને પૂના તેના ડેકોરેશન માટે પ્રખ્યાત છે. આ વખતે મુંબઈની ખેતવાડી 12મી ગલ્લીના ગણપતિની મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. પ્રખ્યાત લાલબાગચા રાજા [ગણપતિ]ને અત્યાર સુધી લગભગ 30 કિલો સોનુ ભક્તો તરફથી ચઠ્યુ છે અને મનાય છે કે આ વર્ષે 65 કિલો જેટલું થશે. લાલબાગના ગણ પતિજી અને પૂનાના દગડુશા ગણપતિ ઈચ્છાપૂરક ગણેશ મનાય છે. લોકો ત્યાં ભાવપૂર્વક પોતાની ઈચ્છા પૂર્ણ કરવા માનતા રાખે છે અને ઈચ્છા પૂર્ણ થતાં દર્શનાર્થે જઈ માનતા પૂર્વક ભોગ ધરાવતાં હોય છે.

         હિંદુ ધર્મ પ્રત્યેક શુભકાર્યનાં પ્રારંભે ગણેશજીનું પૂજન કરતાં હોય છે. માતા પાર્વતીજી સેવા અને માતાપિતાની પ્રદક્ષિણાને સર્વોત્તમ તીર્થયાત્રા ગણનાર ગણપતિને ખૂદ શંકર ભગવાને, મનુષ્યના સર્વ કાર્યોની શરૂઆતમાં પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા છે.

     મહારાષ્ટ્રમાં ગણપતિને ‘મોરયા’ કહે છે. એનું મૂળ પૂના પાસેના એક સ્થાનિક દેવતામાં છે. કહેવાય છે કે મોરગાંવના સાધુ, મોરયા, ગણપતિના પરમ ઉપાસક હતા. લોકોએ એમને જ ગણપતિના અવતાર માની લીધા. અને તેથી જ લોકો કહે છે,

‘ગણપતિ બાપ્પા મોરિયા
પોઢચા વર્ષી લૌકર યા.’

ગણપતિ બાપા મોરિયા
આવતા વર્ષે જલ્દી આવજો.

                                                ૐ ગં ગણપતયે નમઃ


5 comments September 16, 2007

કેવડા ત્રીજ

              આજે ભાદરવા સુદ ત્રીજ [કેવડા ત્રીજ] [રમઝાનનો આરંભ]

આજનો સુવિચાર:- નિખાલસ, સરળ અને ઉદાર મનવાળા માણસો જુદા જુદા ધર્મોમાં પણ સત્યને જુએ છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના પાનને ઉકાળીને ઠંડા કરી ગાળી શીશીમાં ભરી ફ્રીજમાં મૂકી રાખો. આ પાણીથી ચહેરો ધોવાથી ચહેરો નિખરે છે અને તાજગી અનુભવે છે.

                                                 કેવડા ત્રીજ

કેવડાનો હિંડોળો

    પુરાણકાળની કથા મુજબ જ્યારે બ્રહ્મા, વિષ્ણુ વચ્ચે ‘કોણ મોટું?’ વિષય પર વિવાદ ઉભો થયો હતો ત્યારે શિવજીએ દિવ્યલિંગ ઊભુ કર્યું હતું. શિવજીએ બ્રહ્માજી અને વિષ્ણુને આ દિવ્યલિંગનો આદિ અને અંત શોધવા મોકલ્યાં. શ્રી વિષ્ણુને પાતાળમાં અંત ન મળવાથી તેઓ પાછા ફર્યાં. જ્યારે બ્રહ્માજી આ લિંગનો ઉપરી ભાગ શોધતા હતાં ત્યારે તેમને ગાય અને ફૂલમાં કેવડો મળ્યો. બ્રહ્માજીની પૂછપરછથી બંન્નેએ ખોટો જવાબ આપ્યો કે તેઓ આ લિંગનાં ઉગમ સ્થાનેથી આવી રહ્યાં છે. શિવજીને આ બાબતની જાણ થતાં તેમણે બંનેને શ્રાપ આપ્યો અને તે શ્રાપ મુજબ ગાયનું મોં હંમેશા એંઠુ રહેશે અને કેવડો કદી પણ શિવજીની પૂજામાં નહીં વપરાય. જ્યારે ગાયે અને કેવડાએ શિવજીને ખૂબ આજીજી કરી ત્યારે ભોળા શંભુએ ‘ગાય માતા તરીકે પૂજાશે’ અને કેવડો વર્ષમાં ફક્ત એકવાર શિવજીને ચઢશે. આમ આ કેવડો ફક્ત કેવડાત્રીજને દિવસે જ શિવજીની પૂજામાં ચઢી શકે છે.

     બીજી કથા મુજબ મનથી શિવજીને વરી ચૂકેલા હિમાલયકન્યા પાર્વતીને તેના માતા પિતા તેમને ભગવાન વિષ્ણુ સાથે પરણાવવા તૈયાર થઈ ગયા હતા. આથી અત્યંત દુઃખી થયેલા પાર્વતીજી જંગલમાં જઈ ભૂખ્યા તરસ્યા રહીને શિવજીની આરાધના કરવા લાગ્યાં. જંગલમાં પાર્વતીજીએ રેતીનું શિવલિંગ બનાવ્યું. આ જંગલમાં માત્ર કેવડો મળતાં તેમણે શિવલિંગ પર કેવડો ચઢાવી પૂજન કર્યું. પાર્વતીજીની દ્રઢતા અને સાધના જોઈ મેના અને હિમાલયરાજે પાર્વતીજીને શિવજી સાથે લગ્ન કરવાની સંમ્મતિ આપી.

        આમ આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમજ કુંવારિકાઓ પોતાના સૌભાગ્ય માટે ખૂબ શ્રદ્ધાભક્તિથી ‘કેવડાત્રીજ’નું વ્રત કરે છે.

         આજથી શરુ થતો રમઝાન મહિનો મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર મહિનો ગણાય છે. રમઝાન મહિનાની મુસ્લિમ બિરાદરોને મુબારકબાદી.

                                ૐ નમઃ શિવાય


3 comments September 14, 2007

શિવ

                            આજે શ્રાવણ વદ અમાસ

આજનો સુવિચાર:- દાન આપતી વખતે હાથમાં શું છે એ નહિ પણ દિલમાં શું છે એ જોવાનું રાખો.

હેલ્થ ટીપ્સ:- જાયફળ વાટીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કરચલીમાં રાહત રહેશે.

                                         શિવ


| View Show | Create Your Own

આજે શ્રાવણનો અંતિમ દિવસ છે તો થોડી શિવ કથા, શિવ પરિવાર તેમજ શિવ વિષે જાણી લઈએ.

     પુરાણગ્રંથોમાં ‘શિવકથા’નું સૌથી પ્રાચીનરૂપ ‘વરાહગ્રંથ’માં જોવામાં આવે છે. આ કથાઓ મુજબ ‘દક્ષયજ્ઞ-વિધ્વંસ’ની કથામાં આર્યોની ‘શિવ’ વિષયક તિરસ્કારની ભાવના મોટેભાગે જોવા મળે છે. અહીં ‘શિવ’ પ્રત્યે હીન બુદ્ધિ સેવનારા ‘દક્ષ’ અપરાધી ઠર્યા. આ કથા મુજબ દક્ષ દ્વારા યોજાયેલ યજ્ઞમાં શિવજીને યજ્ઞભાગ ન મળતા દક્ષપુત્રી તેમજ શિવ પત્ની ‘સતી’ એ કરેલા દેહત્યાગથી ‘શિવ’ ક્રોધાયમાન થયા અને રોમકૂપોમાંથી અનેક ‘રુદ્ર’ ઉત્પન્ન થયાં. અને ‘શિવજી’ ‘રુદ્ર’ તરીકે ઓળખાયા. આ બધુ જોઈ ‘દક્ષ’ વિનમ્ર ભાવે આગળ આવી ‘શિવ’ને માન્યતા આપી અને ‘શિવ’ના પરમ ભક્ત બની ગયા.

            સમુદ્રમંથન દ્વારા ઉત્પન્ન થયેલું હળાહળ વિષને અપનાવવા કોઈ દેવ તૈયાર ન થયા ત્યારે ‘કૈલાસપર્વત’ પર સ્થિત ‘શિવજી’ને પ્રસન્ન કરાયા. ભોળાશંભુ જગકલ્યાણના હેતુથી આ હળાહળ વિષનું પાન કરી કંઠે થીજવી દીધુ. આ વિષનાં પ્રભાવથી તેમનો કંઠ નીલ રંગનો થઈ ગયો અને તેઓ ‘નીલકંઠ’ કહેવાયા. આ કથામાંથી એ બોધ લેવા જેવો છે કે ‘ડાહ્યા માણસે કોઈની ગુપ્ત વાતો ન તો કોઈને કહેવી કે ન તો પેટમાં ઉતારવી. ગુપ્ત વાતોને અતિ ગુપ્ત રાખવી જેથી તેને કહેનારનું તેમજ અન્યનું અમંગળ ન થાય.

           સતીના દેહ ત્યાગ બાદ ‘શિવજી’નો વિવાહ પર્વતરાજની પુત્રી ‘પાર્વતી’ સાથે થયો. પરંતુ સમાધિગ્રસ્ત ‘શિવજી’ને પાર્વતીજી પ્રત્યે મન વળતું ન હતું. તારકાસુરના ઉપદ્રવને નાશ કરવા શિવ પુત્રના જન્મની આવશ્યકતા ઊભી થઈ. દેવતાઓના કહેવાથી ‘કામદેવ’ દ્વારા ‘શિવજી’નો તપોભંગ કરવામાં આવ્યો.. પોતાનામાં ઉત્પન્ન થયેલી વિષય ભાવનાથી ચિંતીત ‘શિવજી’ વસ્તુસ્થિતી સમજાઈ અને તેમનું ત્રીજું નેત્ર ખુલતાં ‘કામદેવ’ ભસ્મીભૂત થયો. આ પછી ‘શિવ’ને તપસ્યા કરતા ‘પાર્વતીજી’ દેખાયા અને ‘પાર્વતીજી’એ કામદેવ- મદનને ફરીથી જીવતો કરવાની વિનંતી કરી અને સ્થૂળરૂપે નહીં પણ સૂક્ષ્મરૂપે કામદેવ જીવીત થયો અને ‘અનંગ કહેવાયો..

      સર્વશ્રેષ્ઠતાનાં પ્રશ્ને બ્રહ્માજી અને શ્રીવિષ્ણુ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. તે વખતે ‘શિવજી’ ત્યાં એક મોટા લિંગાકાર અગ્નિસ્તંભરૂપે પ્રગટ થયા અને જણાવ્યું કે જે આ લિંગનું મૂળ અને ઊંચાઈ જે શોધી લાવશે તે ’શ્રેષ્ઠ’ બનશે. આ સાંભળી બ્રહ્માજી ઊંચાઈ શોધવા ઉર્ધ્વલોક નીકળ્યા અને વિષ્ણુ એ લિંગનું મૂળ શોધવા નીકળી પડ્યાં પણ બંને અસફળ રહ્યા. ત્યારબાદ બંનેએ ‘શિવજી’ને સર્વશ્રેષ્ઠ સ્વીકાર્યા. આ દિવ્યલિંગ પર ૐ નું ઝગારા મારતુ મારતું જોઈ તેને દિવ્યલિંગનું વિશ્વબીજરૂપે સ્વાગત કરાયું.

       ભારતની ભૂમિમાં 12 દિવ્યજ્યોતિર્લિંગ વિશેષ પ્રકારે પ્રગટ થયેલા ‘દ્વાદશ જ્યોતિર્લિંગ’ રૂપે ઓળખાય છે.

[1] સોમનાથ (સૌરાષ્ટ્ર] [2] મલ્લિકાર્જુન (શ્રીશૈલમ) [3] મહાકાલ (ઉજ્જૈન) [4] અમલેશ્વર (ઓંકારમાં) [5] કેદારનાથ (હિમાલય) [6] ભીમાશંકર (ડાકિની ક્ષેત્ર) [7] વિશ્વનાથ (વારાણસી-કાશી) [8] ત્ર્યંબકેશ્વર (નાશિક) [9] વૈદ્યનાથ (બિહાર) [10] નાગેશ (દારુકાવન) [11] રામેશ્વર (સેતુબંધ) [12] ધુશ્મેશ્વર (મહારાષ્ટ્ર).

પુરાણોમાં શિવ પરિવારમાં [1] શિવ [2] પાર્વતી [3] ગણેશ [4] સ્કંદ (કાર્તિકેય) [5] નંદી ની ગણના થાય છે.

[1] ‘શિવ’ નિર્ગુણ નિરાકાર હોવા છતાં સગુણ સાકાર છે. અનંત અનાદિ મહાદેવ ભક્તિ વડે સાકાર છે જ્યારે જ્ઞાન વડે તેઓ નિરાકાર છે.

[2] પાર્વતી મહાદેવી, આદ્યાશક્તિ, જગન્માતા તરીકે ઓળખાયા છે. ‘શિવ’માં ‘શક્તિ’નો વાસ છે અને ‘શક્તિ’માં ‘શિવ’નો વાસ છે.

[3] ગણેશને પ્રણવરૂપા, રૂદ્રરૂપા, શિવસુતા, લંબોદર [સર્વવ્યાપી] , એકદૃંષ્ટી (સર્વશક્તિમાન) તરીકે ઓળખાયા છે.

[4] સ્કંદ તે કાર્તિકેયના નામે ઓળખાય છે. દેવસેનાના સેનાપતિ છે. તારકાસુરનો વધ કરી દેવોને ભયમુક્ત કર્યાં હતાં.

[5] નંદી, શિવનું વાહન છે.

‘શિવ’નાં આયુધોમાં

[1] ત્રિશુળ એ ઈચ્છા, જ્ઞાન, ક્રિયાનું પ્રતિક ગણાય છે.

[2] ડમરૂ એ શબ્દબ્રહ્મનું પ્રતિક ગણાય છે.

[3] મૃગ એ ચાર વેદોનું પ્રતીક છે.

[4] પરશુ એ જ્ઞાનનું પ્રતીક છે જેના વડે અજ્ઞાનનો વિધ્વંસ થાય છે.

‘શિવ’નાં પાંચમુખો
[1] તત્પુરુષ [2] અઘોર [3] સદ્યોજાત [4] વામદેવ [5] ઈશાન

શિવના 10 અવતાર કહ્યાં છે અને 11 રુદ્ર કહ્યા છે.

                              ૐ નમઃ શિવાય


4 comments September 11, 2007

પર્વાધિરાજ પર્યુષણ

                           આજે શ્રાવણ વદ બારસ [પર્યુષણનો પ્રારંભ]

આજનો સુવિચાર:- સંપત્તિ કોઈને ખરીદી શકે છે, સત્ત દમી શકે છે. પરંતુ પ્રેમ જ સામાના દિલને જીતી શકે છે. પ્રેમ સમું બીજુ કોઈ બળ નથી.

હેલ્થ ટીપ્સ:- નવી માન્યતા મુજબ ભોજન સાથે લીધેલા ડૅરી પ્રોડક્ટમાંના કેલ્શિયમથી કિડનીમાં થતા સ્ટોન અટકે છે.

                                              પર્વાધિરાજ પર્યુષણ


| View Show | Create Your Own

         જૈન બાંધવોનો અત્યંત લોકપ્રિય તેમજ પવિત્ર પર્વ એટલે પર્યુષણ. આજથી એટલે કે શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી એક અઠવાડિયુ જૈન સમાજ પર્યુષણને મહાપર્વ તરીકે ઉજવશે. આ સમાજ આ પર્વને કેવળ ઉજવશે નહીં પરંતુ ઉપાસના જ કરશે. ગરીબ તવંગર સૌ કોઈ આ પર્વના રાજાને ધર્મનિષ્ઠથી અને હૃદયપૂર્વક ઉજવે છે.

     પર્યુષણ એટલે મનનું પ્રદુષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ, કષાયને જીતવાનો સંદેશ આપે તે પર્યુષણનો પર્વ. જીતે તે જિન અને જિનને પૂજે તે જૈન. જીતે એટલે વિષયોને નમાવે, અહમનો અંત આણે અને ચંચળ મનને કાબૂમાં રાખે. જૈન ધર્મ કહે છે કે દેહ અને આત્મા અલગ છે. દેહ સાધન છે અને આત્મા સાધ્ય છે. આ સાધ્યનો રાહ તપ, ત્યાગ, અહિંસા અને સંયમથી ભરેલો છે. સાગર તરવા જેમ નાવ સાધન છે. જેમ સાગર પાર કરી નાવને સાથે રાખતું નથી તેમ સંસાર સાગર તરવા દેહ રૂપી નાવ છે. દેહને વળગી આત્માનું અસ્તિત્વ ભૂલી જવું એ જીવનદ્રોહ છે. આ વિચાર ફેલાવવા દેહને સાચવવો જરૂરી છે પરંતુ તેની આળ પંપાળ એ ધર્મદ્રોહ છે. આ આત્માને ઓળખવા મનુષ્યે અભય, અહિંસા અને પ્રેમ જીવનમાં કેળવા પડશે. દરેક સ્થળે ત્રાહિમામ પોકારાઈ રહી છે તો એમાંથી છૂટકારાનો ઉપાય આત્માની ખોજ છે. પ્રેયના અને શ્રેયના, નશ્વર અને વિનશ્વરના વિવેકમાં છે. મનને શુદ્ધ કરી વિષયોને જીતવાનો પ્રયત્ન કરવો એ દરેક જૈનનો ધર્મ છે. નિર્મળતા વિના આત્મા સમીપ જઈ શકાતું નથી અને આંતરશુદ્ધિ વિના એનો સંપર્ક સધાતો નથી. —- કુમારપાળ દેસાઈ

આ પર્વાધિરાજ પર્યુષણનો મર્મ છે.

નવકાર મંત્ર

અંગૂઠે અમૃત વસે
લબ્ધી તણા ભંડાર
શ્રી ગુરુ ગૌતમ સમરિયે
વાંછિત ફલ દાતાર

નમો અરિહંતાણમ નમો નમો
નમો સિદ્ધાણં નમો નમો
નમો આયરિયાણં નમો નમો
નમો ઉવજ્ઝાયાણં નમો નમો
નમો લોએ સવ્વ્સાહૂણં
નમો અરિહંતાણં નમો નમો

એસો પંચ નમુક્કારો,
સવ્વ પાવ પ્પણાસણો
મંગલાણં ચ સવ્વેસિં
પઢં હવઈ મંગલં

નમો અરિહંતાણં નમો નમો

                              જય     જિનેંદ્ર


5 comments September 8, 2007

શ્રીકૃષ્ણ, એક પ્રદૂષક નિવારણ અને પર્યાવરણ સખા

                     આજે  શ્રાવણ વદ દસમ 

આજનો સુવિચાર:- અંધકાર એટલે પ્રકશનો અભાવ. એક નાનકડો દીપ પ્રગટાવવાથી ચોમેર ઉજાસ પથરાય છે. આપણે ભલે સૂર્ય ન થઈ શકીએ, પરંતુ દીવો તો થઈ શકીએ અને આસપાસ જ્ઞાનનો ઉજાસ પાથરી શકીએ છીએ.    

હેલ્થ ટીપ્સ:- બે ચમચી ગ્લિસરિનમાં અડધા લીંબુનો રસ ભેળવો. આ મિશ્રણથી નિયમિત નખ પર માલિશ કરવામાં આવે તો નખ એક અઠવાડિયામાં ચમકીલા અને મજબૂત બનશે.          

                           શ્રીકૃષ્ણ એક પ્રદૂષક નિવારણ અને પર્યાવરણ સખા 

      

 ઈશ્વરે માનવ કલ્યાણ માટે ઘણા અવતાર લીધા હતાં તેમાં પણ કૃષ્ણનાં સંમોહક વ્યક્તિત્વે સમગ્ર ભારતનું ચિત્ર બદલી નાખ્યું હતું. આ બધા અવતારમાં કૃષ્ણાવતાર સૌથી રોમાંચક અને ક્રાંતિકારી અવતાર ગણાય છે.

     ભગવાન શ્રીકૃષ્ણના બાળપણથી નિર્વાણ સુધીનાં અનેક પ્રસંગો કે જેની પાછળનાં છુપાયેલા હાર્દને બહુ ઓછા ભક્તો કળી શક્યા હતાં જેમ કે તેમની બાળલીલાઓનું જો સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો તેની પાછળનો ઉમદા હેતુ ચોક્કસ જણાશે.    નંદ યશોદાના ઘરમાં ઉછરતા વસુદેવ દેવકીના સંતાન કૃષ્ણ અધર્મ, અન્યાય અને અસંતુલિત પ્રકૃતિનો અંત આણવા જનમ્યા હતા.

      બાળપણમાં ગોવાળિયા સાથે યમુના નદીને કિનારે રમતાં રમતાં દડો યમુનામા પડી જતાં તેમણે તેમાં કૂદકો મારી કાળિયા નાગ સાથે યુદ્ધ કરી દડો લાવ્યાં હતા. આ કથા તો પ્રચલિત છે પણ તેની પાછળનો મુખ્ય હેતુ સમજવા જેવો છે. હકીકતમાં કાળિયા નાગે યમુના નદીને રહેઠાણ બનાવ્યું હતું અને તેનુ પાણી ઝેરી બનાવી દીધું હતું. તે ઝેરનો પ્રભાવ આસપાસનાં વૃક્ષો પર પણ પડતો હતો.. માત્ર કદંબનું ઝાડ આ પ્રભાવથી બચ્યું હતું. તેનાં પરથી કૃષ્ણે યમુના નદીમાં ભૂસકો મારી આ કાલિ નાગને વશમાં કરી યમુના નદી છોડી દેવા મજબૂર કર્યો હતો. આમ યમુના નદી વિષમુક્ત થઈ, ગોપગોપી, ગાયો અને વનસ્પતિઓનું રક્ષણ કરી વ્રજભૂમિનો ઉદ્ધાર કર્યો.    

      આ રીતે ગોવર્ધન પર્વતને ટચલી આંગળીમાં ઊચકીને વ્રજવાસીઓને, પશુ પંખીને અનરાધાર વર્ષાથી બચાવ્યાં. એનો અર્થઘટન કરતાં એમ સમજાય છે કે અનરાધાર વર્ષામાં સ્થળાંતર કરવું યોગ્ય છે. ત્યારબાદ યમુનાની આસપાસના વનને દાવાનલાસુર નામના રાક્ષસથી બચાવે છે અર્થાત જ્યારે વનમાં દાવાનળ ફૂંકાયો ત્યારે તેમણે યમુના જળથી દાવાનળ બુઝાવ્યો અર્થાત દાવાનલાસુર્નો નાશ કર્યો. અહીં તેમની વનરક્ષણનીતિ જણાય છે.    

         કૃષ્ણના મામા કંસે વ્યોમાસુર નામના રાક્ષસને કૃષ્ણ તથા ગોવાળિયાઓને હેરાન કરવા મોકલ્યો હતો. આ વ્યોમાસુર એટલે વાયુને પ્રદુષિત કરતો જીવ. શ્રીકૃષ્ણે તેનો નાશ કર્યો અર્થાત વ્રજભૂમિને વાયુ પ્રદુષણથી મુક્ત કરી હતી.       

     ભારતીય સંસ્કૃતિમાં ગાયને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એનો શ્રેય શ્રીકૃષ્ણને જ જાય છે. તેમણે ગાયની પૂજા કરી અને તેનું રક્ષણ કર્યું. વિશ્વમાતા તરીકે ઓળખાતી ગાયનું આજનાં જમાનામાં એટલું જ મહત્વ છે કારણ કે ગૌદૂધ જનસ્વાસ્થ્યનો આધાર છે. ગૌમૂત્રમાંથી અનેક ઔષધિઓ બને છે. ગોબર ગેસ બળતણ તરીકે ઉપયોગી છે. નવી શોધખોળ મુજબ તો ગોબરથી લીપેલાં ઘર પર વીજળી અસર કરતી નથી. એમાં પરમાણુબોમ્બના રેડિયો એક્ટિવ કણોનો નાશ કરવાની ક્ષમતા છે.          

આમ શ્રીકૃષ્ણ પ્રદૂષણ નિવારક અને પર્યાવરણ સખા હતા.                                     

                             

                                 ૐ નમઃ શિવાય


3 comments September 6, 2007

શિવતત્વ અને રુદ્રતત્વ

                     આજે શ્રાવણ સુદ બીજ

આજનો સુવિચાર:- કોઈનાય ક્રોધમાં કદી નિમિત્ત ન બનો : હેમચંદ્ર્સુરીશ્વરજી

હેલ્થ ટીપ્સ:- 5 ગ્રામ મુલતાની માટી, 2 ગ્રામ મધ, 1.5 બદામ રોગન, 5 ml દૂધ ભેગા કરી ફેસપેક બનાવી ચહેરા અને ગરદન પર લગાવી 15 મિનિટ રહેવા દઈ પહેલા ગરમ પાણી અને ત્યારબાદ ઠંડા પાણી ધોઈ કાઢો. ચહેરો નીખરી ઉઠશે.

                    આજે મેઘધનુષ દ્વિતીય વર્ષમાં પ્રવેશે છે.

  

                ૐ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
                ઉર્વારુકમિવબંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત

                  મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ
                 જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મ બંધને

     આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન અને સનાતન દેવ તરીકે શિવની આરાધના અને પૂજા થાય છે. આમ તો વિશ્વમાં સર્વત્ર શિવની પૂજા થતી હતી. કાળક્રમે તેન લોપ થતો ગયો. જૈન ધર્મના સ્થાપક પ્રથમ તીર્થંકર ઋષભદેવ દિગંબર પંથના સ્થાપક હતા માટે જૈન ધર્મની અંદર ઋષભદેવ અથવા આદિનાથને શિવનું સ્વરૂપ માની ભાવપૂર્વક પૂજવામાં આવે છે. મુસ્લિમો પણ શિવને આદિ અનાદિ દેવ માની નમસ્કાર કરે છે. પહેલગામના મુસ્લિમભાઈઓ પ્રથમ શ્રી અમરનાથજીના દર્શન કર્યા પછી જ નવાવર્ષનો શુભારંભ કરે છે. ફ્રાંસમાં એક ચર્ચની નીચે શિવલિંગ જોવા મળ્યું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે પૂર્વજો તેની ઉપર જળ ચઢાવતા હતા તેથી આજ પણ તે પ્રથા ચાલુ છે. અમેરિકાના પેરુમાં ખોદકામ કરતા હજાર ફૂટ નીચે બે ટનનું શિવલિંગ અને ત્રિશુળ મળી આવ્યાં હતાં. કંબોડિયા, બર્મા, શ્રીલંકા વગેરે દેશોમાં જર્જરિત હાલતમાં શિવાલયો જોવા મળે છે. આમ શિવજી સર્વવ્યાપક છે. શિવત્વ પણ સર્વત્ર ફેલાયેલું છે.

         શિવજીનાં સંહારક સ્વરૂપને ‘રુદ્ર’ કહેવાય છે. ભલે શિવજી સંહારકના દેવ ગણાતા હોય પણ હકીકતમાં તો શિવજી તો ભોળા ભંડારી છે. જળ કે બીલીપત્રથી પ્રસન્ન થઈ જાય છે. ‘ૐ’ના ઉચ્ચારથી તો શિવ ખૂબ પ્રસન્ન થાય છે.. નારાયણ અને શિવ એકરૂપ છે ભલે બંનેના કાર્ય અલગ હોય

                        એકાત્મને નમો નિત્યં હરયે ચ હરાય ચ

      શિવજી એકમાત્ર કર્મફળના દાતા માનેલા છે. શિવજીને ‘પશુપતિ’ કહેવાય છે. જ્યારે જીવ આ પશુપતિની આરાધના કરે છે ત્યારે શિવકૃપાથી તેનું અજ્ઞાન નષ્ટ થાય છે અને મોહમાયાના પાશમાંથી મુક્ત થઈ મોક્ષ પામે છે. શિવકૃપાથી માયા પણ મળશે સાથે માયાથી મુક્તિ પણ મળશે. આ થયું ‘શિવત્વ’.

        એક વ્યાખ્યા એ છે કે પાપીઓને તેમના કરેલાં પાપો ખૂબ રડાવે તે નામ ‘રુદ્ર’ કહેવાય. બીજી વ્યાખ્યા પ્રમાણે જેને શરણે આવેલા ભક્તના દુઃખ દૂર કરે એ ‘રુદ્ર’. ત્રીજી વ્યખ્યા પ્રમાણે શરણે આવેલા ભક્તન અજ્ઞાનને, અહંભાવને, મોહમાયાના ચક્રમાંથી મુક્તિ અપાવી ચૈતન્યરૂપ બનાવે તે ‘રુદ્ર’.

આમ શ્રાવણ માસની શરુઆત શિવતત્વ અને રુદ્રતત્વની ઉપાસના કરી કૃતાર્થ બનીએ.

                                           ૐ નમઃ શિવાય


7 comments August 14, 2007

થોડાક ધાર્મિક ચતુર થઈએ

                                આજે અધિક જેઠ વદ તેરસ

આજનો સુવિચાર:- શબ્દોથી સદગુરુને મહાત નથી કરી શકાતા, પૈસાથી સદગુરુને ખરીદી નથી શકતા તેમજ સત્તાથી સદગુરુને ગુલામ નથી બનાવી શકાતા.—મોરારી બાપુ

હેલ્થ ટીપ્સ:- પગમાં ગરમીને કારણે થતા પસીનાની દુર્ગંધ દૂર કરવા પગને મેડિકેટેડ સાબુથી ધોઈને 10 મિનિટ સુધી 1 ચમચી યુડિકૉલોન ઉમેરેલા હુંફાળા પાણીમાં ડુબાડી રાખો. થાક પણ દૂર થઈ જશે અને પસીનાની દુર્ગંધ દૂર થશે.

અધિક માસ પૂર્ણતાને આરે આવી ઊભો છે તો થોડી ધર્મ વિષે જાણકારી મેળવીએ.

• અધિક માસ દર ત્રીજે વર્ષે આવે છે.

• ભગવાન શિવજી પાર્વતીજીને અમરકથા કહેવા માટે અમરનાથજીની પસંદગી કરી હતી.

• ભગવાન ભાર્ગવ તરીકે ઓળખાતા પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર હતા.

• ગાયત્રી મંત્રમાં કુલ ચોવીસ અક્ષરો છે.

• વટવૃક્ષમાં મૂળ વાસ બ્રહ્માજીનો છે.

• કબીરજી જીવનપર્યંત કાશીમાં રહ્યા હતા.

• હિમાલયનાં કેદારશૃંગ પર નર-નારાયણે તપશ્ચર્યા કરી હતી.

• ભગવાન બુદ્ધનો જન્મ કપિલવસ્તુમાં થયો હતો.

• સૌરાષ્ટ્રના સંત ગંગાસતીનો જન્મ ભાવનગર જિલ્લામા થયો હતો.

• શ્રીમદ રાજચંદ્રનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયા ગામે થયો હતો.

• ભેરુતારક ધામ આબુની તળેટીમાં આવ્યું છે.

• કોયલા પર્વત પર હરસિદ્ધ માતાનું મંદિર આવ્યું છે.

• કર્ણનું બાળપણ પવિત્ર ગંગા નદીને કિનારે વીત્યું હતું.

• શંકરાચાર્યનો પગ મગરે પકડ્યો હતો.

• ચંદ્રાસ્વામી રામસેતુની સુરક્ષા માટે રાષ્ટ્રીય સાંસ્કૃતિ જાગરણ અભિયાન ચલાવી રહ્યા છે.

• શીખ ધર્મના નવમા ગુરુ તેગબહાદૂરે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.

• બદરીનાથ ઉત્તરાખંડની અલકનંદા પર આવેલું છે.

• પ.પૂ. કૃષ્ણશંકર શાસ્ત્રીનું મૂળ નામ શ્રી કૃષ્ણ હતું.

• મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતાં અને તે યાત્રાધામ કહેવાય છે.

• પુનિત મહારાજે ભજનનો વેપાર ન કરવાનો સંકલ્પ લીધો હતો.

• માળામાં 54 મણકા હોય તો તે માળા મધ્યમ ગણાય.

• વિનોબા ભાવે ભૂદાનયજ્ઞ દ્વારા સમાજ પરિવર્તન કરનાર મહાપુરુષ હતા.

• સંત જ્ઞાનેશ્વરે માત્ર 22 વર્ષની વયે સમાધિ લીધી હતી.

• અર્જુનની યુધ્ધ કરવાની દ્વિધાને કારણે ભગવત ગીતાની ઉત્પત્તિ થઈ.

• નરસિંહ મહેતાએ પોતાનો કેદાર રાગ શામળશા શેઠ પાસે ગીરવી મૂક્યો હતો.

• જમણી સૂંઢવાળા ગણપતિની ઉપાસના અત્યંત કઠિન છે.

• વેદકાળમાં ઈંદ્રદેવને મુખ્ય દેવ તરીકે માનવામાં આવતાં હતાં.

• ઘંટાકર્ણ મહાવીર મહુડીના દેરાસરમાં બિરાજમાન છે.

                                            ૐ નમઃ શિવાય


1 comment June 13, 2007

આપણે ઉપવાસ શા માટે કરીએ છીએ ?

               આજે અધિક જ્યેષ્ઠ સુદ ત્રીજ

  

આજનો સુવિચાર:- મિત્રતા એને કહેવાય કે જેમના પરિવારો વચ્ચે ભોજન લેવાનો સંબંધ હોય.

હેલ્થ ટીપ:- આંસુને વહેવા દો. તેનું દમન, ભય, ક્રોધ,ઉદ્વિગ્નતા જેવા ભાવો ઉત્પન્ન કરે છે.

આપણે ઉપવાસ શા માટે કરીયે છીએ???

 
| View Show | Create Your Own

મોટા ભાગના શ્રદ્ધાળુ લોકો નિયમિત રીતે કે તહેવારોના દિવસે ઉપવાસ કરતા હોય છે. ઉપવાસના દિવસે તેઓ બિલકુલ ખાતા નથી અથવા તો એકટાણું કરે છે. કે ફળાહાર કે હલકો ખોરાક લે છે. કેટલાક તો આખો દિવસ પાણી પણ નથી પીતા. પરમેશ્વરને પ્રસન્ન કરવા, પોતાના જીવનને અનુશાસિત કરવા, કોઈ પ્રકારનો વિરોધ કરવા માટે, એમ વિવિધ કારણે ઉપવાસ કરવામાં આવે છે.

આપણે ઉપવાસ કેમ કરીએ છીએ?

અન્નનો બચાવ કરવા ઉપવાસ કરીયે છી, કે ઉપવાસ પછી વધુ ખાવા માટે? ખરેખર ઉપવાસ એ માટે નથી. તો ઉપવાસ શા માટે?

‘ઉપ’ એટલે સમીપ અને ‘વાસ’ એટલે રહેવું તેથી ઉપવાસ એટલે ઈશ્વરની સમીપે રહેવું, એટલે મનથી ઈશ્વરનું સામીપ્ય પ્રાપ્ત કરવું. તો ઉપવાસને ખોરાક સાથે શો સંબંધ?

ખોરાક મેળવવો, સાફ કરવો, તેને રાંધવો, ખાવો અને પચાવવો- આ બધામાં પુષ્કળ સમય અને શક્તિ ખરચાઈ જાય છે. અમુક ખોરાકથી આપણું મન ઉદ્વેગ્નિ થાય છે. તેથી અમુક અમુક દિવસે હલકો ખોરાક ખાઈને કે બિલકુલ ખાધા વિના, માણસ સમય અને શક્તિનો બચાવ કરવાનો સંકલ્પ કરે છે. તેથી તેનું મન જાગૃત અને પવિત્ર રહે છે. સાથે સાથે માનસિક બળની વૃદ્ધિ થાય છે. અને આ અનુશાસન સ્વેચ્છાપૂર્વક સ્વીકાર્યુ હોવાથી તેનું પાલન પણ આનંદપૂર્વક થાય છે.

    જોકે દરેક તંત્રને વચ્ચે વિરામ જરૂરી છે જેથી તે પુનઃસજ્જ થઈ જાય છે. આમ ઉપવાસ આપણા શરીરની પાચંક્રિયા માટે શુભ છે. ઉપવાસથી નબળાઈ આવવી, મનમાં ઉદ્વેગ થવો કે ભોગેચ્છા જાગૃત થવી, એ ન થવી જોઈએ. ઉપવાસ પાછલ પ્રભુભક્તિની ભાવના ન હોય ત્યારે આવું બનતું હોય છે. કેટલાક લોકો વજન ઉતારવા માટે પણ કરતા હોય છે. ઉપવાસ મનોબળ દ્રઢ, ઈંદ્રિયસંયમ કેળવવા કે તપશ્ચર્યાર્થે થાય તો ઉત્તમ ફળ મળે છે. 

                                           ૐ નમઃ શિવાય


2 comments May 19, 2007

પુરુષોત્તમ માસ

                   આજે અધિક જયેષ્ઠની એકમ [પુરુષોત્તમ મહિનાનો પ્રારંભ]

આજનો સુવિચાર:- ગુસ્સો ખરાબ નથી પરંતુ ગુસ્સા પછી મનુષ્યમાં જે વેરવૃત્તિ જાગે છે તે ખરાબ છે. – મુનિશ્રી તરુણસાગરજી.

હેલ્થ ટીપ:- એકથી ત્રણ વર્ષના બાળકને રોજ 500 મિ.ગ્રા. કેલ્શિયમની જરૂર પડે છે માટે બાળકને બે ગ્લાસ દૂધ તથા દૂધમાંથી બનેલી વાનગી જેવાં કે દહીં, ચીઝ, પનીર આપવા જોઈએ.


| View Show | Create Your Own

આજથી ધાર્મિક કાર્યનું ફળ આપનાર પવિત્ર પુરુષોત્તમ માસનો પ્રારંભ થયો છે.

    વિક્રમ સંવતના વર્ષમાં ગુજરાતી બાર મહિના આવે છે. આપણા ગુજરાતી કેલેંડરમાં દર ત્રીજે વર્ષે અધિક માસ આવે છે. આ અધિક ગણવા પાછળ ખગોળ વિજ્ઞાનને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે તે ઉપરાંત જ્યોતિષ, પંચાંગ, ગ્રહો, તારાઓ,સૂરજ, ચંદ્રનું નક્ષત્રોમાં ભ્રમણ વગેરેની ગણતરી પ્રમાણે ચાલે છે તેમ અધિક માસની બાબતમાં છે. વર્ષ, મહિના, બે પક્ષ [સુદ અને વદ], દિવસ, પ્રહર, ઘડી, પળ, વિપળ, રાત્રિ, ઋતુઓ, એ બધા કાળના વિભાગો છે. આ દરેક વિભાગનાં જુદા જુદા અધિષ્ઠાતા દેવ છે પરંતુ જ્યારે જ્યોતિષની દૃષ્ટિથી ઝીણવકપૂર્વક ગણતરી કરતાં અધિક મહિનો ઊભો થતાં આ અધિક માસનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. વળી આ માસમાં સૂર્ય એક જ રાશિમાં રહે છે. આમ આ માસમાં સૂર્યનું સંક્રમણ ન થતું હોવાથી આ માસ ‘મળમાસ’ તરીકે ઓળખાવા લાગ્યો. આવા ઉત્સવવિહીન અધિક માસનો સૂર્ય દ્વારા અસ્વીકારને કારણે આ માસ ‘અપર્વ’ માસ ગણાવા લાગ્યો.. ભગવાન પુરુષોત્તમ વિષ્ણુએ આ અધિક મળમાસનું આધિપત્ય સ્વીકારવાથી આ અધિક મળ માસ ‘પુરુષોત્તમ માસ’ તરીકે ઓળખાવા લાગ્યો.

     આપણા વૈદિક પુરાણોમાં પણ આ અધિક માસનું મહત્વ દર્શાવ્યું છે. આનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. લોકો આ માસમાં નદી કાંઠે, સમુદ્ર કિનારે અથવા તો યાત્રાને ધામે જાય છે. પુષ્ટિ સંપ્રદાયના પ્રણેતા શ્રીમદ વલ્લભાચાર્યે પણ આ અધિકમાસનુ મહ્ત્વ સમજાવ્યું છે કે આ માસ દરમિયાન ઘરમાં બિરાજતા ઠાકોરજીની સેવા અધિક રીતે કરવી.

    આ માસ દરમિયાન ભક્તિ, કીર્તન, ભજન દાન-પુણ્ય કરવા જોઈએ. આ માસમાં ભગવાન વિષ્ણુને તુલસી પત્ર ધરાવવાનો મહિમા છે. સત્સંગનો પણ અધિક મહિમા છે.

સત્સંગ નવ પ્રકારનો છે.

1] સતદેશ – જ્યાં સત્સંગ કરીયે તે જગ્યા, દેશ સત્સંગરૂપી સાબુથી શુદ્ધ રાખવી.

2] સતકાળ—જે ઘડીથી પરમાત્મા સાથે સત્સંગ બંધાય તે સતકાળ બની જાય. સંતોના કહેવા મુજબ વહેલી સવારે સત્સંગ કરવો.

3] સત પરિસ્થિતિ – આજુબાજુના લોકો પ્રત્યે સદભાવ રાખવો.

4] સતકર્મ – કર્મ કર્યાનો આનંદ મળવો જોઈએ, સુખ થવું જોઈએ. ખોટું કરવાથી દિલમાં અજંપો થશે માટે બીજાનાં હૈયાને ટાઢક પહોંચાડશો તો એ કર્મ સત્કર્મ ગણાશે.

5] સતભાવ – કરુણા, દયા, ક્ષમા, ધીરજ, સંતોષ આ દરેક સતભાવ છે તેનું દિલમાં સૌંદર્ય વધારશો તો સતભાવ આપોઆપ વધશે.

6] સતસંકલ્પ – સતસંકલ્પ માટે આત્મબળ જરૂરી છે જે સત્સંગ દ્વારા મળે છે.

7] સતવિચાર – વિચાર શુભ હશે તો સંકલ્પ પૂર્ણ થશે.સંકલ્પ શુભ હશે તો વિચાર પણ શુભ થશે.

8] સતસ્વભાવ – સત્સંગ દ્વારા સ્વભાવમાં પરિવર્તન આવે છે. સ્વભાવ સુંદર બનશે તો સંકલ્પ પણ શુભ થશે અને વિચાર પણ શુભ આવશે.

9] મહાપુરુષોનો સંગ – સૌથી મોટો સંગ મહાપુરુષોનો છે જેનાથી સર્વાંગી વિકાસ થશે.

સત્સંગનું પલડું હંમેશા ભારી હોય છે.

આજથી અગિયાર દિવસ સુધી ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ગંગા દશહરનો મેળો ભરાય છે. આજે ભાગીરથી ગંગાનો જન્મદિન છે.

એમ કહેવાય છે કે આ દસ દરમિયાન ભારતની તમામ નદીઓમાં ગંગાજીનો પવિત્ર જલપ્રવાહ વહે છે.

                                         ૐ નમઃ શિવાય


Add comment May 17, 2007

શ્રી કૃષ્ણ એટલે ….

આજે ચૈત્ર સુદ એકાદશી

આજનો સુવિચાર:- મુશ્કેલીથી દૂર ભાગશો તો જીંદગીમાં કદી કોઈપણ સારું કાર્ય નહી થઈ શકે.

હેલ્થ ટીપ્સ:- નિયમિત આઠ-દસ ગ્લાસ પાણી પીવાથી શરીર ઠંડુ રહેશે, તાજગી મળશે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને પેટ સંબંધી રોગોમાં રાહત રહેશે.

 
| View Show | Create Your Own

પૂર્ણ પુરૂષોત્તમથી કૃષ્ણનો મહિમા

• શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિમાં આધાર સ્તંભ છે.

• શ્રી કૃષ્ણ શ્રદ્ધા- આસ્થાનું કેન્દ્ર છે.

• શ્રી કૃષ્ણ એટલે આકર્ષણ

• શ્રી કૃષ્ણ એટલે મીરાનો ગીરધર ગોપાલ

• શ્રી કૃષ્ણ એટલે પાંચાલીનો વસ્ત્ર પૂરનાર

• શ્રી કૃષ્ણ એટલે સર્વત્ર વ્યાપક- સર્વ સ્વીકૃતી સહિત

• શ્રી કૃષ્ણ એટલે પ્રેમ, ભોગ, કાળ, યોગ, ધ્યાન, આત્મા, પરમાત્માના સ્વરૂપે વ્યક્ત

• શ્રી કૃષ્ણ એટલે રાજનીતિ અને યુદ્ધનીતિ

• શ્રી કૃષ્ણ એટલે પૂર્ણતાનું રૂપ.

• શ્રી કૃષ્ણ એટલે અનંત ગુણોનો ભંડાર

• શ્રી કૃષ્ણ એટલે ગોપી ગીત

• શ્રી કૃષ્ણ એટલે માખણચોર

• શ્રી કૃષ્ણ એટલે સચરાચરમાં વ્યાપ્ત પરમાત્માનું સાકાર સ્વરૂપ

• શ્રી કૃષ્ણ એટલે ગો પાલક

• શ્રી કૃષ્ણ એટલે અર્જુન સારથિ

• શ્રી કૃષ્ણ એટલે દ્રૌપદી સખા

• શ્રી કૃષ્ણ એટલે સંગીત

• શ્રી કૃષ્ણ એટલે સદચિત્ત અને આનંદનો આવિષ્કાર

• શ્રી કૃષ્ણ એટલે આદિ અનંત

શ્રી કૃષ્ણનાં નામ અનંત તેવા ગુણ અનંત

                    

                      ૐ નમઃ શિવાય


6 comments March 29, 2007

Next Posts Previous Posts


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

July 2008
M T W T F S S
« Jun    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos