Posts filed under 'સાથિયો[અન્યરંગ]'

મંગળાષ્ટક

આજે મહા વદ બારસ

આજનો સુવિચાર:- સતત વ્યસ્ત રહેનાર વ્યક્તિને સમય આવે આંસુ સારવાનો વખત નથી મળતો.

હેલ્થ ટીપ્સ:- ગરમીથી રાહત મેળવવા સ્નાન કરવાનાં પાણીમાં ગુલાબજળ, યુ.ડી.કોલોન,લીંબુના રસનાં ટીપાં ભેળવો.

હજી આપણો લગ્નોત્સવ પૂરો નથી થયો. હજી અમારા નાના બેન ‘પરમસમીપે’નાં નીલમબેન દોશીને      http://paramujas.wordpress.com/

ત્યાં શરણાઈઓ વાગવાની છે. તો એમને પૂર્વ તૈયારી માટે મંગળાષ્ટકની ભેટ આપીએ.


| View Show | Create Your Own 

મંગળાષ્ટક

જન્મોજનમ મળ્યાંમળ્યાં હતાં સ્વજન જે આજે મળે
તે ફરી સંસારે ફરીથી રમે પુરુષને રાચે ફરી પ્રકૃતિ
બ્રહ્માએ સર્જ્યું નથી યુગલ આ છે પૂર્વથી શાશ્વત
આજે થાય અભેદ્ય સત્ય ફરીથી
સર્વત્ર હો મંગલ…………….!

લાધ્યું’તું પદ, ભૂતકાળ મહીંને ધાર્યું હતું સર્વદા
તને આજ મળી પુનઃ સફળતા ને વર્તમાને રહ્યું
યોજે કાળ પ્રયોગ નિત્ય, નવલાં સંસારને તારવા
સર્જાવો નવલું ભવિષ્ય તમથી
સર્વત્ર હો મંગલ……………!

પૃથ્વી આભ મળે, અભેદ્ય મિલને ને ચંદ્ર તારા મળે
આનંદે મળતાં સમુદ્ર સરિતા, જ્વાલા મળે જ્યોતિને
જ્યાંથી સૌરભ સાંપડે પવનને, રંગો મળે પુષ્પને
તે બિંદુ તમ જીવને વસી રહે
સર્વત્ર હો મંગલ…………………………..!

આવી સર્જન ધર્મનું ષઢ લઈ આકાગંગા થકી
ઓવારા પર લાંગરી જગતનાં એ સ્વર્ગની નાવડી
માયા બ્રહ્મ તણાં ઉતારી શિશુને ઊભી રહી આશમાં
આવ્યાં એ શિશુ અત્ર સ્વર્ગ રચવા
સર્વત્ર હો મંગલ…………………………!

માંડ્યા કંચન અક્ષરો ગગનમાં પ્રાતઃ અને ભાનુએ
આરંભે ઈતિહાસ એક નવલો બ્રહ્માંડની લેખિની
જેનાં સાર્થક સ્વપ્નની બની રહે સાચી કહાણી
સદા કોટિ વંદન યુગ્મ એ પરમને
સર્વત્ર હો મંગલ………………………..!

ગુંજે મંગલ શબ્દ મંગલ ધ્વનિ વ્યાપે બધે મંગલ
સ્પર્શે મંગલ અંગ મંગલ હવા દર્શે બધે મંગલ
ઝીલે મંગલ વારી મંગલ ધરા સર્જે અમી મંગલ તત્વો
મંગલ પંચ મંગલ રચે
સર્વત્ર હો મંગલ……………………..!

યાત્રા પાવન પંથની સુખદ હો, શીળી મણે છાંયડી
સંસારે મૃદુ રેણુ માર્ગે મહી ને પદ્મો ભર્યા સાગરો
ધીરો શાંત વહી રહે પવન ને કલ્યાણનું ધ્યેય હો
એવું જીવન હો સદા યુગલનું
સર્વત્ર હો મંગલ, સર્વત્ર હો મંગલ……………!!!!!!!!

                                                 —- નીનુ મઝુમદાર

                                      ૐ નમઃ શિવાય


5 comments March 4, 2008

શ્રી વિપીનભાઈ પરીખની કલમે

                                  આજે મહા વદ દસમ

આજનો સુવિચાર:- ચાડીચુગલીથી દૂર રહેવું એ દૈવી ગુણોમાંનો એક ગુણ છે.

હેલ્થ ટીપ્સ:- તાજેતરનાં સંધોશન મુજબ હળદર હૃદયરોગીનાં ક્ષતિગ્રસ્ત હૃદયને મજબૂત બનાવે છે.

જયંતભાઈ       1968 માં મારા લગ્ન વખતે

     જયંતભાઈ જે મારા મોટાભાઈ. 7/6/1987માં તેમનો સ્વર્ગવાસ થયેલો. તેમના મિત્ર વિપીનભાઈ પરીખ જેમની ઓળખાણની જરૂર નથી જે ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ છે. એમણે 8/6/1987ના દિવસે જન્મભૂમિ-પ્રવાસીમાં પ્રગટ કર્યો હતો. તેઓ ખાસ મિત્રો હતા.

                                       મારો મિત્ર જયંત

   પોતાનો હાથ કપાઈ જાય ત્યારે શબ્દો સૂઝતા નથી. પોતાની અંગત વ્યથાને આપણે જાહેર સ્વરૂપ આપતાં નથી. હસીએ છીએ. આપણે : અનેક માણસની વચ્ચે, આપણી આંખો લૂછીએ આપણા બેડરૂમમાં, કોઈ ન જુએ તેમ !

      આપણી બાજુમાં એક માણસ બેઠો હોય ને સોવિયત રશિયાની જેમ અથવા ‘ઈનવિઝિબલ મેન’ ચલચિત્રમાં આવે તેમ બાજુમાં જોવા જાઓ અને એ માણસ એકાએક અલોપ થઈ ગયો હોય અથવા તમારી બાજુમાં આલિશાન મહેલ હોય ને અચાનક ભયાનક ધરતીકંપ થાય ને તમે જુઓ તો મહેલ ગાયબ અને ત્યાં અફાટ ખીણ થઈ જાય, ને જે આઘાત લાગે તે સ્થિતિ મારી છે.

   મારો મિત્ર સુરેશ દલાલ કહે તેમ એક હાલતી ચાલતી વ્યક્તિ ફોટો થઈ ભીંત પર લટકે – જે ગઈ કાલ સુધી ‘છે’ તેને માટે ‘હતો’ શબ્દ વાપરવો પડે એ લાચાર સ્થિતિ મારી છે.

     જયંત મારો મિત્ર, કોઈ સંત નહતો, કળાકાર ન્હોતો, અબિનેતા ન્હોતો પણ મારે મન એક મોટી વાત છે: એ મારો મિત્ર હતો. ખેતવાડી ‘કાનજી મેનશન’ અને ‘તારદેવ’ની વચ્ચે ફરતો એક ઓલિયો, ખૂબ ભરપૂર, પૂનમના દરિયાની જેવો ગાંડો પ્રેમ એણે મને આપ્યો છે. મને હાથમાં ને હાથમાં રાખ્યો. ખૂબ નિર્દોષ હતો, ખૂબ ભોળો. સમય અને સંજોગ એની સાથે ન્હોતા અને છતાંએ એણે ક્યારેય ફરિયાદ કરી નથી. સંજોગોએ એની જીભ ઉપર કડવાશ મૂકી હશે પણ એ કડવાશ એ ઝેર એણે બહાર ઓક્યું નહીં. એનો પ્રેમ પણ નિઃસ્પ્રુહી, નિસ્વાર્થી. એ તમને ફૂલ આપે, તમે સ્વીકારો તો ખૂબ ખુશ ખુશ થઈ જાય. જ્યારે તમે કહો, “ આ ફૂલ મને ન ગમ્યું’ તો એને ખરાબ નહીં લાગે ‘કશો વાંધો નહી’ કહી એ યાદ પણ નહીં રાખે કે એણે તમને ફૂલ આપ્યું હતું. એ પ્રેમ આપે ત્યારે નફાતોટાનો હિસાબ ન્હોતો રાખતો. તમારી પાસે એ સામી અપેક્ષા પણ નહીં રાખે કે તમે ‘થેંક્સ’ કહો કે એને સામી કોઈ ભેટ આપો ! ક્યારેક એ કોઈ વ્યક્તિને ફૂલ આપે ને આપણે કહીએ કે આને શું આપે છે? એ તો ગટરમાં ફેંકી દેશે ! એ વાત પર નથી લેતો. ક્યારેક હતાશ થઈને કહેતો; આપણને જ કેમ ખરાબ માણસો મળે છે? પણ પછી જાતને સંભાળી લેતો ને શુભ તત્વ સામે જોએ કહેતો, ‘ ના વિપીન, માત્ર એવું ક્યાં છે? જીવનમાં કેટલાં સરસ,નિઃસ્વાર્થી, પ્રેમાળ માણસો મળ્યા છે.’

   હું છાપું વાંચું છું ને મને જયંત યાદ આવે છે. કહેતો, ‘સોમવારનું પ્રવાસી મારે માટે મૂકી રાખજે.’ હું ટી.વી. જોઉં ને તરત જયંતનો ફોન આવે છે, ‘તેં આજનું કશ્મકશ જોયું ? દલિતોના દુઃખ અન્યાયથી એ વ્યથિત થતો. ક્યાંક સારાં, નવાં બિસ્કિટ, બ્રેડ જુએ- ને મારે માટે લાવે. ચીકુ મિલ્ક શેઈકનો એ પ્રયોગ કરે અને દોડતો આશિષ માટે ઘરે લઈને આવે છે. ક્યાંક સરસ વેંગણ જુએ ને સુવર્ણાને આપીને કહે,’ સુવર્ણા, કાલે રોટલો ને ઓળું ખાવા આવીશ.’ અને છેલ્લે છેલ્લે કહેતો,’ મને જમવાનું કહેશો નહીં. તમે જાણો છો કે હું ખાવામાં સંયમ રાખી નથી શકતો.!

    જિંદગીમાં લોકો આપણા ખભાનો સીડી તરીકે ઉપયોગ કરી આગળ ચાલી જતા હોય છે. પછી આસાનીથી સીડીને ફેંકી દે છે. જયંતે કોઈ દિવસ કોઈનો સીડી તરીકે ઉપયોગ કર્યો હોય એવું મને યાદ નથી. અનેક લોકો એનો ઉપયોગ કરી ગયા હશે એ તેણે યાદ ન રાખ્યુ, હંમેશ ઉત્સાહથી, નવી યોજનાથી થનગનતો હોય. ક્યારેક મને થાય કે કહું; જયંત, એક હાથમાં ‘કાર્ડિયોગ્રામ’ હોય પછી આવું દોડાય નહીં પણ દોડતા માણસો ક્યારે માને છે? મેં ટોક્યો હશે. માનવ સહજ નિર્બળતા એનામાંયે હતી પન પોતાના દોષ, નિર્બળતા એ સ્વીકારી શકતો એવું મોટું મન હતું.
  ખૂબ ચંચળ જીવ હતો તે પુરેપુરો મુડનો માણસ ! અતિ ઉત્સાહથી રોજ કૉફી હાઉસ આવે, ને કોઈ એક સવારે કહી દે,” હમણાં ઘરની કૉફી ‘સુપર્બ’ થાય છે. હવેથી હું આવવાનો નથી. ‘હાર્ટઍટેક’ પછી પણ રાતે તારા જોવા અગાશીમાં જાગવાનું ગાંડપણ કરી બેસતો! પિક્ચરોનો પણ ગાંડો શોખ. બધાં જ પિક્ચર ગમે. ફેસ્ટિવલમાં એક દિવસમાં ત્રણ પિક્ચર પણ જોઈ નાખે. પિક્ચર એને માટે અફીણ હશે પણ અફીણ એની પાસેથી ચિનવી લેવાની ચેષ્ટા હું કરતો નહીં ! જાતને ભૂંસનારો,નિરઉપદ્રવી ! ક્યારે ઘ્રે આવી ચઢે ને કહે, ’તું તારે વાંચ કે સૂઈ રહે હું બાલ્કનીમાં બેઠો છાપાં વાંચું છું.’ ને પછી આપનને ખબર પડે તે પહેલા કહ્યા વગર ગાયબ થઈ જાય. ભૂલાઈ ન જવાય તે માટે તે ઘરમાં અને ઑફિસમાં બ્લેક બૉર્ડ પર લખી રાખે ને પછી કરે , લખી રાખેલું પણ હું તો સાવ ભૂલી ગયો !

      કવિતા ઓછી સમજે પણ મારી સાથે અનુકૂળ હોય તો મુશાયરામાં આવે. વસંતભાઈ, દેવદાસ કૈલાસ, શોભિતને મળીને રાજી રાજી થઈ જાય.મારી નાની સરખી ચબરખી રાજાનો પરિપત્ર હોય તેમ આદરથી ,પ્રેમભાવથી વાંચે છતાં ન ગમે તો દંભ કરી પ્રસંશા ન કરે !‘મને સમજાયું નહીં એમ બાળકની જેમ કબુલાત કરે.’

     કેટકેટલી ધડમાથા વગરની, બાલિશ વાતો અમે કરતા ! ધઉંના જ્વારા, સોયાબીનનો સૂપ, મરાઠી નાટક, સ્યામ બેનેગલ, ચંદ્રકાંત બક્ષીનો લેખ ને જોસેફ મેકવાનની ‘આંગળિયાત’, અંતાણીની ‘પ્રિયજન’ ચંદ્રગુરુની ‘મૂર્તિ’, ક્યાંક વાયવરણાનું મ્હોરેલું વૃક્ષ, આચાર્ય રજનીશ, શબાના, ડોલી ઠાકુર,સુજાતા મહેતા ને સોનલ શુક્લ કેવીગાંડી વાતો !!!!!! કદાચ મિત્રની આ એક વ્યાખ્યા થઈ શકે જેની સાથે તમે નિઃસંકોચ બાલિશ વાતો કરી શકો.
  એ ક્યારેક ગીતા વાંચવાનો પ્રયત્ન કરતો પણ સમજાતું નથી એમ નિસંકોચ કહેતો. નાસ્તિક ન્હોતો પણ મંદિર જવું પસંદ ન કરતો. મુંઝવણનાં સમયે હું એને એક અદ્રષ્ટ હાથ આપણને દોરે છે સાંભળે છે એવું કહેવા પ્રયત્ન કરતો પણ સમર્પણની ભાવના દુષ્કર લાગતી.

            સંજોગોવશાત આ 6ઠ્ઠી જુને એની વર્ષગાંઠે મારો જ એક લેખ મારા હાથમાં આવ્યો.‘વિદાયવેળાએ’. જીવનની અંતિમ વેળા પ્રિયજનને વિદાય કેવી રીતે આપવી તેની વાત તેમાં છે. વિદાય આપી શકાય, બે શબ્દ કહી શકાય એની ક્ષન જયંતે આપી નહિ. એનો સ્વભાવ ઉતાવળિયો, હું જાઉં છું એવું કહેવા રોકાયો નહી. હાથ લંબાવ્યા નહી ! અને જાણે દરિયા કાંઠે પહોંચું છું ને કોઈ મને કહે ‘હમણાં જ એક વ્યક્તિ ડૂબી ગઈ એ તમારો મિત્ર જયંત હતો !’ મારા લાચાર હાથને લઈને હું ઘરે પાછો ફરુ છુ.
   એના ગયા પછી ખબર પડે છે એ મારા લોહીમાં કેટલો વણાઈ ગયો હતો. બધા જ પ્રિયજન માટે આવું કેમ થતું હશે ! તેમની વિદાય પછી જ તેમના અસ્તિત્વનું મૂલ્ય સમજાય છે !

     વધતી ઉંમરનો આ તાપ જીરવાતો નથી.‘વિપીનભાઈ તમે’ કહી બોલાવનારા મળે છે.‘વિપીન તું’ કહેનારા અદ્રશ્ય થતા જાય છે.

                                                ૐ નમઃ શિવાય


11 comments March 2, 2008

ચાલો અમિતની જાનમાં

                            આજે મહા વદ નોમ

આજનો સુવિચાર:-કોનો સાથ જીવનમાં સારો તે તમે વિચારજો
                                મહેનત પાછળ બન્ને બાહુ, કિસ્મત પાસે એક હથેલી —- શૂન્ય પાલનપુરી

હેલ્થ ટીપ્સ:- ઝાડા થયા હોય તો સૂંઠ, મેથી અને જીરૂં નાખી છાશ પીવી.


| View Show | Create Your Own 

અમિતનો ઐક્યોત્સવ

                               ચાલો અમિતની જાનમાં

લગ્ન એટલે સમાજનો સહિયારો પ્રસંગ.

આપણા બ્લોગ જગતનાં લાડલા ‘અમી ઝરણા’ના પ્રણેતા ચિ. અમિત પિસાવાડિયા આવતી કાલે એટલે કે 2/3/2008 ના દિવસે ચિ. પૂર્વી વાલંભિયા સાથે લગ્નગ્રંથીએ જોડાવવા છે.

આપણે સહુ લગ્ન ગીતો ગાઈને તેમના ‘અંતરના ઉમળકાથી ભીંજવતા અવસરો’ને સજાવીએ.

સર્વ પ્રથમ વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન થાય છે. લગ્નની પૂર્વ તૈયારી રૂપે અનાજ વીણાય છે. એમાંથી અનાજ વીણાય અને કાંકરા દૂર કરવામાં આવે છે.તેનો અર્થ એ થાય કે ‘અનાજના દાણાની જેમ સાથે હળીમળી રહેવાનું અને વિઘ્ન રૂપી કાંકરાને દૂર કરવા’.

‘પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ
દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા.’

માણેક સ્તંભ રોપાય છે.અને

માંડવ લીલી દાંડી ને પીળી થાંભલી
માંડવ લીલુડા કળશ ચિત્રાય
અમિતભાઈનો માંડવો
માંડવ બેસે રાણા ને બેસે રાજીયા રે’.

કંકોતરી લખવાનું ટાણું આવે છે અને સ્વજનોને કંકોતરી મોકલાય છે.

‘કંકુ છાંટી કંકોતરી મોકલો
માંહે લખજો અમીતભાઈનું નામ
કંકોતરી મોકલો.’

તા.29/2/2008 ના દિવસે સાંજના સહુ ભેળા મળીને ‘રૂડા ગીતડા ગવડાવ્યાં’ ફટાણા પણ ગવાયા હશે.

‘છોરી કે દા’ડાની પૈણું પૈણું કરતી’તી
[પૂર્વી રાજકોટમાં રહે એટલે]
મારા ગામની ભાગોળે ફેરા ફરતી’તી’

આવા આવા ફટાણા ગવાયા હશે.

‘મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે
હું તો વરધ વધાવવાને જઈશ
મારે સોના સમો રે સૂરજ ઊગીયો’.

‘ઢોલાજી અમીતભાઈની પાઘડી કેસરભીની,
હાં..હાં રે કેસરભીની મા’ણારાજ.’

‘કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો રે.’

આવા આવા રૂડા ગીતો ગવાયા હશે.

આજે 1/3/2008 ના દિવસે સવારના ‘લીલા વાંસળિયા રોપાય’ અને પીઠી ચોળાઈ હશે.

‘સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો ટોડલે
સજવજો રે ઘરની મેનાને શણગાર રે’

‘રૂડો વેવાઈનો માંડવો, શુભ અવસર આજે,
વીજળીનો ઝબકાર છે, રૂડાં વાજિંત્ર વાગે
કોણ રે પરણનારા છે; રૂડો અવસર આજે.’

‘સોના તે કેરાં કચોલડાં રતન કાંસકડી છે હાથ રે
બાપ પનોતાં રે અમીતભાઈ માડી સંચરે તેલ રે’

ઉપલેટા ગામે ‘શ્રી વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ’ સ્થળે ‘મનભાવન ભોજન’ પીરસાશે’.

આવતી કાલે વહેલી સવારે ઉપલેટાથી રાજકોટ જવા ‘જાનૈયાઓ’ ઊંચા નીચા થશે.

કન્યા પક્ષે ગવાશે

‘શેરી વળાવી સજ્જ કરું ઘરે આવોને
આંગણિયે વેરું ફૂલ, મારે ઘરે આવોને.’’

જાન જ્યારે આવશે ત્યારે પોંખતી વેળાએ

‘સીતાને તોરણે રામ પધાર્યા
લેજો પનોતું પહેલું પોંખણું પોંખતા રે
વરની ભમર ફરકી આંખલડી રતને જડી’

અમિતભાઈને પોંખવા પૂર્વીબેનનાં માતા આવશે.

‘શ્રી કૃષ્ણને પોંખવાને સાસુ આવે રે
જળની ત્યાં ઝારી ભરીને સાસુ લાવે રે.’

‘ધૂશળ, મૂશળ ને રવાઈ રે
સાસુએ પોંખ્યા છે જમાઈ રે’

વરમાળા લઈને મામા સાથે પૂર્વીબેન પધારશે.

‘ત્યાં કોઈ કન્યાને તેડીને આવો રે
વરમાળા આરોપીને પાછી જાય રે’

  અમિતભાઈએ પોતાનું નાક બરાબર સંભાળવું પડશે નહીંતો સાસુમા નાક ખેંચી નાક ખેંચી નાખશે. હા! પણ અણવર શા કામના? વરરાજાનું નાક સાચવશે. કહેવાનો ભાવર્થ એ કે તમારું નાક સાબૂત હશે તો અમારી કન્યાને સાચવી શકશો. અને અનુભવી અણવર પોતાનો અનુભવ [સાચો ખોટો ? ભગવાન જાણે ! પણ લગ્નમાં વરરાજાનું નાક તો બરાબર પકડી રાખે છે !] જણાવી વર કન્યાને સંભાળે છે.

હસ્તમેળાપ થશે ત્યારે મંગળાષ્ટક ગવાશે.

‘જન્મોજનમ મળ્યાં હતાં સ્વજન જે આજે મળે તે ફરી
સંસારે ફરીથી રમે પુરુષને રાચે ફરી પ્રકૃતિ
બ્રહ્માએ સર્જું નથી યુગલ આ છે પૂર્વથી
શાશ્વત આજે થાય અભેદ્ય સત્ય ફરીથી
સર્વત્ર હો મંગલ’

હસ્તમેળાપ થશે અને………

‘ઢોલ ઢમક્યા ને વરવહુનાં હાથ મળ્યા
જાણે ઈશ્વર પારવતીનાં હાથ મળ્યાં
તેમ વરને કન્યાં હાથ મળ્યાં’

    હસ્તમેળાપ દ્વારા પરસ્પર અપાયેલા કૉલને પાકા કરાશે. ચાર સ્તંભની ચોરી રચાશે અને ચાર ફેરા ફરાશે. વરવધૂની અભિજાતતાના પ્રતિકરૂપે સામસામે કંસારના કોળિયા ખવડાવાશે

‘લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે
નાખે માંહે ઘી કેરી ધાર,
સંસાર પાયો ફળ્યો લાગે રે.’

    ધીરે ધીરે વિદાયની વસમી વેળાના ઓછાયા પડવા માંડશે. એક બાજુ પિયુ સાથે મિલનની વેળા આવશે અને બીજી બાજુ દાદાનાં આંગણાના ઘેઘૂર આંબલાથી વિદાયની વેળા આવશે.

‘લાલ લાલ ચુંદડી રંગાવો મારી માડી સોનાનું કાંકણ ઘડાવો રે’
‘રોતાં મેલીશું મીઠું માહ્યરું રે વળી હસતાં ઝાલીશું તારો હાથ’

‘દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર
જો એક જ પાને મેં ચુટીયું
દાદા ગાળ ન દેજો’

વરઘોડિયા ઘરે પહોંચશે ત્યારે બેન દરવાજો રોકશે. જ્યારે રોકાઈ અપાશે ત્યારે અમિતભાઈની માતા સામૈયું કરશે.

‘મ્હોલ પધારો રાજ હાં રે
તમે સોનાની શરણાઈએ
મ્હોલ પધારો રાજ.’

ચીંકુ, દેવેન, ચિરાગ, રિયા, ભક્તિ એ એમના કાકા તથા મામાના લગ્નમાં આવવાનું નિમંત્રણ આપ્યું છે.

                                     જરૂરથી પધારજો..

                                     ૐ નમઃ શિવાય


16 comments March 1, 2008

HAPPY VALENTINE’S DAY

                         આજે મહા સુદ આઠમ

આજનો સુવિચાર:- ખુશી અને ઉત્સાહ પરિસ્થિતિઓને પોતાના પક્ષમાં કરી લે છે.

હેલ્થ ટીપ્સ:- શિયાળામાં હાથ-પગની ત્વચા ફાટી જતી હોય છે ત્યારે હળદરના ચૂર્ણને કાચા દૂધમાં ભેળવી લગાડવાથી હાથ પગની ત્વચા ફાટતી નથી.

                                   હેપી   વેલેંટાઈન્સ   ડે

       વેલેંટાઈન એટલે જીવનમાં જીવવાની સારી પ્રેરણાને જીવનબળ આપે તે વેલેંટાઈન.

      એ જમાનામાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીને નિઃસ્વાર્થ પ્રે પ્રતિક રૂપે ભેટ આપી શકતુ ન હતું . સર વેલેંટાઈને આ કાર્ય કર્યું અને તેની સજારૂપે તેમને ખ્રિસ્તિ ધર્મ છોડવાનો આદેશ મળ્યો. આનો વિરોધ કરતા કરતા 14મી ફેબ્રુઆરીના દિવસે તેમનું મૃત્યુ થયું. આ રીતે 14મી ફેબ્રુઆરી વેલેંટાઈન ડે તરીકે ઊજવાય છે.

        મારી દૃષ્ટિએ વસંત પંચમીનું અંગ્રેજી વર્ઝન એટલે વેલેંટાઈન ડે પછી ભલેને તે 14મી ફેબ્રુઆરીએ જ કેમ ના ઉજવાય!!! વસંતનાં આગમનથી પ્રેમીઓનાં હૃદૃય હિલોળા લેતું હોય છે. સાચો વેલેંટી એ ગણાય હૃદયની સાચી લાગણીથી સામેની વ્યક્તિની કદર કરે. સાચો વેલેંટી એ ગણાય જે સામેની વ્યક્તિને જીવન જીવવાની પ્રેરણા સાચા પ્રેમ દ્વારા આપે. પ્રેમને કોઈ સમય, જાતિ કે સીમાડા નથી હોતા.
      સાચા વેલેંટીનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ તો રાધા કૃષ્ણ છે. તેમ જ ગોપીઓ છે. આ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણને તોલે તો કોઈ આવી શકે જ નહીં. એક લાલ ગુલાબનું ફૂલ આપ્યાથી કાંઈ સાચા વેલેંટી નથી બની જવાતું. તેની પાછળ સમર્પણની અને સાચા પ્રેમની ભાવના હોવી જોઈએ.

   ફૂલ એ પવનનું વેલેંટી છે અને મનુષ્યનું પણ વેલેંટી છે . એ બન્નેને સુવાસ આપે છે. આપણે વેલેંટીના અર્થને આપણા સંબંધના વાડામાં બાંધી દીધો છે. પ્રેમને કોઈ જાતિ હોતી નથી એટલે વેલેંટી એટલે ‘પતિ કે પ્રેમી’ નથી હોતા પણ વ્યાપક રીતે જોઈએ તો ખાસ મિત્ર, દીકરો, દીકરી કે કોઈ પણ હોઈ શકે. ‘વેલેંટી’ની વ્યાખ્યા ખૂબ વિશાળ અને સુંદર છે.

શ્રી રતિલાલ ઘીયા રચિત સુંદર રચના અને શ્રી અજિત શેઠે સંગીતે મઢેલું એક ગીત

નીલ ગગનને અંતર તારા નયના હસુ હસુ કરે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે
નીલ સાયરને જંતર તારા ગીત મધુર રણઝણે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે
લાલ ઉષાને પાયલ તારા કુમકુમ નભ અવતરે
શરદ ઋતુનાં શશિયલ કુંભે ઉરેનાં અમૃત ઝરે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે

ક્યાં નવ દેખું ક્યાં નવ ભાળુ, થલ થલ તું ઉભરે
મેઘધનુનાં જગ વૈવિધ્યે શુભ્ર એકતા ભરે
ઓ પ્રિયે તારા નયના હસુ હસુ કરે

                                            ૐ નમઃ શિવાય


3 comments February 14, 2008

વસંત

                            આજે મહા સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:- સ્વપ્નોની હત્યા ક્યારેય ના કરશો, તેને સાકાર કરજો.

હેલ્થ ટીપ્સ:- ચહેરાને આકર્ષક અને સુંદર બનાવવા દસ મિનિટ ચહેરાની કસરત કરો.

સર્વ પ્રિયમ ચારુતરમ વસંતે !

ગઈકાલે વસંત પંચમી હતી. વસંતઋતુનો પ્રારંભ.

   ધારો કે આપણે એકની એક જ ઋતુમાં રહેતાં હોત તો જીવન કેટલું અરસિક હોત. આપણા ભારતમાં દર બે બે મહિને ઋતુઓ બદલાતી હોય છે. એમાંય જ્યારે ઠંડી ઋતુ જવાની હોય અને વસંતનો પ્રારંભ હોય ત્યારે તો વારવરણ ખૂશનુમા બની જાય છે. કૂંપળ અને કળી જાણે વસંતની રાહ જોતી બેઠી છે. તેમને નિમંત્રણ નથી પાઠવવું પડતુ. અચૂક એના સમયે આવી પૂગે છે. આ વસંતર્‍તુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે એટલે તો એ ઋતુરાજ કહેવાય છે. પ્રકૃતિના સૌંદર્યથી આકર્ષાઈને મહાકવિ કાલિદાસે ‘ઋતુસંહારમ’ની રચના કરી. વસંતનાં વધામણા આપતાં કહે છે

દ્રુમા સપુષ્પા સલિલંસપદ્મં
સ્ત્રિયઃસકામાઃપવનઃસુગન્ધિઃ
સુખાઃપ્રદોષઃદિવસાશ્વરમ્યાઃ
સર્વપ્રિયેચારુતરમ વસંતે

     શિશિરઋતુના શીતળ વાયરાનો પ્રભાવ ઓછો થતાં વાસંતી વાયરા ચાલુ થાય છે. ડાળે ડાળે કૂંપળ ફૂટે છે. આંબે મોહર મ્હોરે છે. ગુલમહોર, રાતરાણી, મોગરો ઉન્માદી લહેર વહાવે છે. કોયલ પંચમસૂરે ઋતુરાજની છડી પોકારે છે. અને કેસરિયા જામા પહેરી વસંતની પધરામણી થાય છે.

પ્રિયતમા પોતાના પ્રિતમને શોધવા ઉમંગથી નીકળી પડે છે.

રાગ બાગેશ્રી

ઋતુ બસંત તુમ અપને ઉમંગસો
પી ઢૂંઢન મૈં નિકસી ઘરસોં

આવોજી લાલા ઘર બિઠલાઉં
પાગ બંધાવું પીરી સરસોં

     વસંતનુ આગમન થાય છે અને કાનો ગોકુળથી દૂર ગયો અને તેના વિરહમાં ગોપીનું પશુ પંખીઓનાં હૈયા કેવાં વલોવાય છે તેનુ સુંદર વર્ણન કવિશ્રી અવિનાશ વ્યાસે કર્યું છે.


વનમાં વાગી વસંતની વાંસળી રે
મનમાં જાગી મળવાની આશ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

સુના સુના કાલિંદીનાં કાંઠડા રે
કુંજમાં મુંગા કોયલને મોર
કેડીઓ વનની ઝૂરે વિયોગમાં રે
ઝૂરે ગોપી ને ગાયોનાં વૃંદ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

પ્રેમનાં કાચે તે તાંતણે બાંધીયા રે
તોડતાં હૈયું તુટે સત ખંડ
રોતી રાધાની લુછવા આંખડી રે
એકવાર આવોને નંદના છેલ
એકવાર આવોને કાન ગોકુળમાં
એકવાર આવોને શ્યામ ગોકુળમાં

                                                          ૐ નમઃ શિવાય


6 comments February 12, 2008

આજનો S. M. S.

                           આજે પોષ સુદ આઠમ

આજનો સુવિચાર:- આપણા સમય અને શક્તિ જો વ્યર્થ વિચારોમાં જ ખર્ચાઈ જાય તો આપણા કામમાં અસરકારકતા કઈ રીતે આવી શકે? — પ્રધાનમંત્રી મનમોહનસિંહ

હેલ્થ ટીપ:- મેથીનાં કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થાય છે.

આજનો S. M. S.

મીઠે ગુડમેં મિલ ગયા તીલ,

ઊડી પતંગ ઔર ખીલ ગયા દિલ,

હર પલ સુખ ઔર હર દિન શાંતિ,

આપકે લિયે હેપી સંક્રાંતિ.
 

                                     ૐ નમઃ શિવાય


Add comment January 16, 2008

મકર સંક્રાંતિ

                          આજે પોષ સુદ સાતમ

આજનો સુવિચાર:- મૌન અને હાસ્ય એ બન્ને જીવનનાં મજબૂત શસ્ત્ર છે.
                                મૌનથી જીવનનાં ઘણી સમસ્યા ટાળી શકાય છે. જ્યારે…
                                હાસ્યથી જીવનની ઘણી સમસ્યા ઉકેલી શકાય છે.

આજની હેલ્થ ટીપ:- સૂંઠના પાઉડરને છાશમાં મેળવી બબ્બે કલાકે લેવાથી અતિસાર [ઝાડા] મટે છે.

                                    મકર સંક્રાંતિ [ઉત્તરાયણ]

સામાન્ય રીતે મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ 14મી જાનુઆરીએ આવે છે પણ આ વખતે તા. 14મીની મધરાત્રી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી મકર સંક્રાંતિ તા. 15મી જાન્યુઆરીએ ગણાશે.

તો આ વખતે ઉત્તરાયણ 15મી જાન્યુઆરીએ શા માટે આવે છે તે જોઈએ.

આપણે વર્ષોથી 14મી જાન્યુઆરીએ મનાવતા આવ્યાં છીએ એટલે 15મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવે છે એ સાંભળતા અજુગતુ લાગે છે. આજની પેઢી અને ગઈકાલની પેઢીને આ પ્રથમવાર સાંભળે છે. સૂર્ય જ્યારે ઉત્તરાયણ કરે ત્યારે તેની શક્તિ અને ગરમીમાં વધારો થાય છે. જેની અસર પૂરી દુનિયા પર પડે છે. સૂર્ય એક વર્ષમાં 12 રાશિમાંથી પસાર થાય છે. સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય ત્યારે તેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે મકરસંક્રાંતિ કહેવાય છે.

      હવે એનું ભૌગોકિલ કારણ જાણીયે. સૂર્ય દક્ષિણની જગ્યા ઉત્તર તરફ ગતિ કરે છે. સૂર્ય 72 વર્ષમાં એક અંશ આગળ વધે છે. આજ પછી 2080ની સાલ સુધી 15મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ મનાવાશે. હિંદુઓનાં દરેક તહેવાર ચંદ્ર રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. ફક્ત મકરસંક્રાંતિ સૂર્ય રાશિ પ્રમાણે મનાવવામાં આવે છે. નોંધવા જેવી વાત એ છે કે ઈ.સ. 280માં 21મી ડિસેંબરના રોજ મકરસંક્રાંતિ મનાવવામાં આવી હતી.

            દુનિયાનાં લગભગ દરેક દેશમાં મકર સંક્રાંતિની ઉજવણી પતંગ ઉડાડીને થાય છે. પતંગની શરૂઆત ઈ.સ. પૂર્વની ત્રીજી સદીમાં ચીનમાં થઈ હતી. ત્યારબાદ વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આગવી પતંગ સંસ્કૃતિનો જન્મ લીધો.

     આજના જમાના પ્રમાણે પતંગ આપણને સરસ વાત સમજાવે છે. પતંગ એને કહેવાય કે જે પાંચને હેરાન કરે. આ પાંચ તે
1] વાલીઓ 2] વાહનચાલક 3] પોલીસ 4] ડૉક્ટર 5] સરકાર.

બીજી વાત લોકૌક્તિ પ્રમાણે પતંગ પાંચને ખૂશ કરે છે.

1] બાળકો 2] યુવાનો 3] તોફાનીઓ 4] પતંગના વેપારીઓને 5] પતંગની દોરી તૈયાર કરનારાને

છે ને મઝાની વાત ! ! ! ! !!!!!!

આપ સૌને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ

                                  ૐ નમઃ શિવાય


5 comments January 15, 2008

HAPPY NEW YEAR


8 comments January 1, 2008

જબ V met

આજે કારતક સુદ પૂનમ [ત્રિપુરારી પૂનમ, નાનક જયંતી]

આજે તો સુવિચાર તો આપે અમને આપવાનો છે.

આજે હેલ્થટીપ્સ પણ આપે અમને આપવાની છે

કારણ

જબ V met


| View Show | Create Your Own 

40 વર્ષ પહેલા

    અમે મળ્યાં. એ જમાનામાં લવ મેરેજનો વિચાર મુશ્કેલ ન હતો પણ વડીલોને સ્વીકારવાનું અઘરૂં હતું. પણ પછી એક સમય એવો આવ્યો કે વડીલો તૈયાર થઈ ગયાં અને પરિણામે 24/11/1968માં લગ્ન થઈ ગયાં.

જબ V met

1971માં કવનનો જન્મ થયો. અને અમે ખૂશખૂશાલ અને કુટુંબનું પણ પ્રથમ પુષ્પ. એટલે ચોમેર આનંદ ઉલ્હાસનું વાતાવરણ. ત્યાર બાદ 1974માં તપનનો જન્મ. બંને ભાઈઓ વચ્ચે ખૂબ તાલમેલ. બંને સાથે સાથે મોટા થયાં

જબ V met

25મો લગ્ન દિવસ પણ ધામધૂમથી ઉજવાયો. 1993માં કવન ઑસ્ટ્રેલિયા વધુ ભણતર માટે ગયો. 1996માં કવન ને બીનાનાં લવમેરેજ થયાં. આટલા વર્ષ પછી લવમેરેજનું વિરોધ વગરનું લગ્ન.

જબ V met

1997માં તપન પણ અમેરિકા વધુ અભ્યાસ માટે રવાના થયો. 1999માં તપન અને શીતલનાં લવમેરેજ થયાં. આમ અમારા લવમેરેજની પ્રથા મારા બાળકોમાં કાયમ રહી. ત્યારબાદ તો કુટુંબની વૃદ્ધિ.

જબ V met

કવન,બીના, પૂજા, જીષા

તપન,શીતલ,ઈશ,રીચા.

અમારા સૌ વતી સહુને

                                              ૐ નમ: શિવાય


16 comments November 24, 2007

આજનો SMS

આજે કારતક સુદ બારસ [તેરસનો ક્ષય]

આજનો સુવિચાર:- સમાજને સુશિક્ષિત, નીડર,ચારિત્ર્યવાન                અને  સ્વાવલંબી નારીઓની જરૂરત છે જે સમાજ માટે પ્રેરણારૂપ બની શકે. — મનુમહારાજ

હેલ્થ ટીપ્સ:- આંબાના સૂકાફૂલોનું ચૂર્ણ ગમે તેવો જુનો મરડો મટાડે છે.

આજનો SMS

યે દુનિયા એક બગીચા હૈ
જિસમેં હમ એક ફૂલ હૈ
ઔર આપ ભી એક ફૂલ હૈ
ફર્ક સિર્ફ ઈતના હૈ કી
હમ હિંદીમેં ‘ફૂલ’ હૈ
ઔર આપ ઈંગ્લિશમેં ‘ફૂલ’ હૈ

ૐ નમઃ શિવાય


3 comments November 22, 2007

Next Posts Previous Posts


વિભાગો

Recent Comments

વિશ્વદ… on મિચ્છા મિ…
Ramesh Patel on મિચ્છા મિ…
Tarun Patel on મિચ્છા મિ…
pragnaju on મિચ્છા મિ…
Koyal Ben on પલડું પલડ…

Recent Posts

Archives

Calendar

September 2008
M T W T F S S
« Jul    
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds