શિવ કથા 28 JULY 2006

          Nilakanth Mahadev           

            આજે શ્રાવણની તૃતિયા તિથી એટલે શ્રાવણ સુદ તીજ

      ચાલો આજે મેઘધનુષનો ત્રીજો રંગ જોઈયે. મેધનુષનો ત્રીજો રંગ ભૂરો છે. શિવજીનો કંઠ વિષ પીવાથી ભૂરો એટલે નીલા રંગનો થઈ ગયો હતો જેથી તેઓ નીલકંઠ મહાદેવ કહેવાયા. આવા નીલકંઠ મહાદેવની વાત કરીયે. આ એક બાળવાર્તા છે. જે મારા મેઘધનુષનો ત્રીજો રંગ છે.

      એક શિકારી હતો. તે નાનો મોટો શિકાર કરીને પોતાનો ગુજરાન ચલાવતો હતો.. એક દિવસ એવું બન્યું કે તેને એકપણ શિકાર ન મળ્યો તેથી તે નદીકિનારા પરનાં એક ઝાડ પર બેસીને શિકારની રાહ જોતો બેસી રહ્યો. એ ઝાડ બિલ્વવૃક્ષ હતુ તે એને ખબર ન હતી અને એ વૃક્ષની નીચે શિવલિંગ હતું તેનુ પણ તેને જ્ઞાન ન હતું. જ્યારે તે શિકારી વૃક્ષ પર બેઠો હતો ત્યારે તેના પગથી બિલિપત્ર શિવલિંગ પર પડતાં હતાં જેની તેને ખબર ન હતી. એ તો ફક્ત પોતાના પરિવારને શું ખવડાવશે? એ વિચારોમાં મગ્ન હતો. 

   
            રાત્રીનાં પ્રથમ પ્રહરે નદીકિનારે એક હરણ પાણી પીવા આવ્યુ. શિકારી ખુશ થઈને તેને મારવાની તૈયારીમાં હતો એટલામાં બિલિપત્રનાં પડવાનાં અવાજથી હરણ ચોંકી ગયું. તેને શિકારીને પ્રાર્થના કરી કે હે શિકારી મને મારા બાળકોને મળીને આવવા દો હું પાછો આવીશ. શિકારીને હરણ પર દયા આવી અને પાછા ફરવાનાં વચન સાથે તેને તેની પત્ની તથા બાળકોને મળવાની રજા આપી. આમ શિકારી હરણની રાહ જોતો બિલ્વવૃક્ષ પર રાહ જોતો બેસી રહ્યો. 

    
         આ બાજુ હરણ તેની પત્ની અને બાળકોને મળવા ઘરે પાછુ ફર્યું અને પૂરી હકીકતથી પોતાની પત્નીને જાણ કરી. આ સાંભળીને હરણની પત્ની પણ તેની સાથે જવા તૈયાર થઈ. હરણનાં બાળકોએ તેમનાં માબાપની વાત સાંભળી તેમની સાથે જવા તૈયાર થઈ ગયા. ધીરે ધીરે હરણનું આખું કુટુંબ હરણની સાથે જવા તૈયાર થઈ ગયું. આ બાજુ હરણની રાહ જોતા જોતા શિકારીનાં ચાર પ્રહર વીતી ગયાં અને શિવલિંગ પર બિલીપત્રનો અભિષેક થતો રહ્યો.. જ્યારે શિકારીએ હરણનાં આખા કુટુંબને આવતા જોયું ત્યારે તે ખૂબ ખૂશ થઈ ગયો એને થયું કે હાશ! હવે થોડા દિવસ મારું કુટુંબ ભૂખ્યું નહી રહે. ત્યાંતો અચાનક એને વિચાર આવ્યો કે મારા આખા કુટુંબનું પોષણ કરવા શું હું આ હરણનાં આખા કુટુંબનો વધ કરીશ? ધિક્કાર છે મને. શું હુ આખુ જીવન અઘોર પાપ કરતો રહીશ? આવો વિચાર આવતા જ તેણે હરણનાં કુટુંબનો વધ ન કરતા છોડી મુક્યાં
    અનાયસે એ રાત્રી શિવરાત્રિ હતી. આમ શિકારીનો અજાણતા ઉપવાસ થઈ ગયો અને શિવલિંગ પર બિલિપત્રનો અભિષેક થતો રહ્યો. અને આપણાં ભોલેબાબા શિકારી પર પ્રસન્ન થયાં અને શિકારીને મુક્તિ મળી ગઈ. શિવજીનો મહીમા આવો જ કાંઈ ન્યારો છે.

                                         ૐ નમ: શિવાય