પ્રકૃતિના સાનિધ્યમાં 29 JULY 2006

               આજે શ્રાવણ મહિનાની ચતુર્થ તિથી એટલે શ્રાવણ સુદ ચોથ

    મેઘધનુષનો ચોથો રંગ એ લીલો રંગ પ્રકૃતિનો રંગ. આ હરિયાળો રંગ જો જીવનમાં ચઢે તો જીવન ધન્ય બની જાય અને એમાં કુદરતનો હરિયાળો રંગ ભળે તો સોનામાં સુગંધ ભળી જાય. તો ચાલો  આપણે પ્રકૃતિનાં સાનિધ્યમાં જઈશું !                  

                કૈલાસ માનસરોવર:- એક શ્રધ્ધા પૂર્ણ યાત્રા  

kailash 

      કૈલાસ માનસરોવરની યાત્રા વિષે માન્યતા એવી છે કે તે ખૂબ જ અધરી યાત્રા છે. હા! હું પણ માનું છું પણ હું એમ કહું કે યાતના વગરની યાત્રા જ ના કહેવાય. એમાં શિવજી ને રીઝવવા મુશ્કેલ છે પણ અસંભવ નથી. ભોલેબાબા તો સૌથી જલ્દી ભક્તો પર રીઝાય છે. આવી જ એક યાત્રા એટલે કૈલાસ માનસરોવર ની યાત્રા. સ્વામી શ્રી તદરૂપાનંદજી ના શબ્દોમાં કહું તો જન્મોજનમનાં પુણ્ય ભેગા થયા હોય તો આ યાત્રા માટે પ્રભુ બોલાવે છે.[1996 ની પ્રથમ યાત્રામાં નારાયણ આશ્રમમાં તેમની મુલાકાત થઈ હતી.] પ્રભુની મરજી વિના તો પાંદડું હલતું નથી તો આ યાત્રા શી રીતે થાય?

                         કૈલાસવાસી શંભો તુમકો લાખો પ્રણામ       

      ભારત સરકાર જે માર્ગે લઈ જાય છે [અમે બે વખત કરી છે. 1996 અને 2000 ] તે માર્ગ પહાડોમાંથી જાય છે. કુદરત મ્હાલવી હોય અને trackingનો શોખ હોય અને સમયનો બાધ ન હોય તો [Indian Passport ધરાવતી વ્યક્તિઓ માટે ] આ રસ્તો risky  છે પરંતુ સુંદર છે. ધસમસતી કાલી ગંગાનો પ્રવાહ જોયો ન જોવાય. ત્યાંની પહાડી પ્રજા એને DANCING DOLL તરીકે જાણે છે. રસ્તામાં આવતા છાતા ફોલની છટા અનેરી છે. કાલી ગંગા અને ધોલી ગંગાનું  મિલન  [બંનેના પાણીનો રંગ નામ પ્રમાણે છે જે મિલન વખતે પણ જુદા તરી આવે છે] આલ્હાદક છે. તળેટીમાં આવતાં ઊંચા ઊંચા વૃક્ષો ધીરે ધીરે ઉપર જતાં અદ્રશ્ય થતાં જાય છે અને સમાધિગ્રસ્ત પહાડો જોવા મળે છે. બુધિનામક આ યાત્રાનો પડાવ અતિ સુંદર છે. આ રસ્તાની ફ્લાવર ઓફ વેલી જેવો સુંદર પડાવ છે. આ રસ્તે પહાડ ઊપર કંડાયરેલા ૐ નાં દર્શનનો લાવ્હો અનેરો છે. લિપુલેખ પાસ જે 17,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે, પસાર કરતી વખતે સ્નો માંથી પસાર થવું પડે છે તેનો ગભરાટ વગેરે અનુભવવાનો આનંદ અનેરો છે. ભારતીય પોલિસ અને ધોડાવાળાઓની આત્મિયતા કદીયે ન ભૂલાય એવી છે.                         

   જે રીતે હિમાલયનું આ લીલુછમ્મ સ્વરૂપ મ્હાલવા જેવું છે તેમ નેપાલથી જવાતા રસ્તે હિમાલયનું કોરુધાક સ્વરૂપ મ્હાલવા જેવું છે [2003,2004,2005 માં આ યાત્રા કરવાનો લ્હાવો અમને મળ્યો હતો] . રસ્તામાં આવતા ગણેશમાલાનાં દરેક પહાડ પર ગણેશજી નાં દર્શનનો એક અનેરો લાભ છે. તે પછી આગળ જતાં પહાડો પર કુદરતી રીતે કંડારાયેલા શેષનાગની હજારો ફેણોનાં દર્શન થાય છે.

        કૈલાસ એટલે મા પાર્વતીજી અને દેવાધિદેવ મહાદેવનું નિવાસ સ્થાન તેમજ દેવદેવીઓની દિવ્ય ‘દેવભૂમિ’. નૈસર્ગિક દ્રષ્ટિએ કૈલાસ એટલે કુદરતનું અનોખું, અવર્ણનીય, અકલ્પનીય અને સૌંદર્યની ચરમસીમાએ પહોંચેલું એક અદ્દભૂત સર્જન. એક બાજુ, ચારે તરફ રાખોડી રંગના માટોડીયા પર્વતોની વચ્ચે કાળમીંઢ, વિશાળ લીંગ આકારનો સરસ મજાનો સુંદર પર્વત ‘કૈલાસ’, જ્યારે બીજી બાજુ એટલું જ સુંદર, વિશાળ, શુભ્ર અને નીલરંગી જળાશય ‘માનસરોવર’. કૈલાસનાં પ્રથમ દર્શન ‘રાક્ષસતાલ’ અથવા તો ‘રાવણતાલ’ થી નંદી સ્વરૂપે અથવા તો સ્વસ્તિક સ્વરૂપે થાય છે. ચતુર્મુખી કૈલાસનો ઉત્તરભાગ ‘સુવર્ણ’, પૂર્વીયભાગ ‘પારદર્શક ખનિજ’, દક્ષિણભાગ ‘નીલમણિ’ અને પશ્ચિમભાગ ‘માણેક’ તરીકે ઓળખાય છે. ખનીજોથી ભરપૂર આ કૈલાસ, ‘કુબેરનાં ભંડાર’ તરીકે પણ ઓળખાય છે. રાક્ષસતાલથી કૈલાસના દક્ષિણ-પશ્ચિમ એટલેકે નૈઋત્ય ભાગનાં દર્શન થાય છે. અહીં ‘ભાર્ગવાસ્થળી’ નામનું પણ એક સ્થળ આવેલું છે. આ સ્થળે થી કૈલાસ, માનસરોવર, ગુર્લામાધાંતા, સત્યના ચક્ર તથા રાક્ષસતાલનાં એકીસાથે દર્શન થાય છે.

         23,000 ફૂટની ઊંચાઈ ધરાવતો આ કૈલાસ પર્વત હંમેશા બરફથી છવાયેલો રહે છે. લોકવાયકા મુજબ કહેવાય છે કે ભગવાન વિષ્ણુનાં અંગુઠામાંથી પ્રગટ થયેલી ગંગાના ભયાનક સ્વરૂપને નષ્ટ કરવા મહાદેવે તેને પોતાની જટામાં સમાવી લીધી. જેથી તેઓ ગંગાધરના નામથી ઓળખાયા. જ્યારે ગંગા કૈલાસપરથી નીચે ઊતરી ત્યારે તેણે સાતવાર કૈલાસની પ્રદક્ષિણા કરી અને પોતાને ચાર નદીઓમાં વહેંચી દીધી અને એ ચાર નદીઓ એટલે બ્રહ્મપુત્રા, સિંધુ (ઈન્દુસ), કરનાળી અને સતલજ. વેદોમાં મેરુ પર્વતના નામે ઓળખાતા આ કૈલાસ પર્વત ને તિબેટીયનો પૃથ્વીનો સ્તંભ માને છે, કે જેનું મૂળ પાતાળના અંતિમ છેડામાં અને ઉપરનો છેડો સ્વર્ગનાં ઉપરીય છેડે અડકે છે. આવા અદ્દભુત કૈલાસ આગળ નથી કોઈ મંદિર કે નથી કોઈ મૂર્તિ કે નથી કોઈ પૂજારી. છે તો બસ ગગનરૂપી વિશાળ છત અને પવનનાં સૂસવાટારૂપી ઘંટારવ કે જે હંમેશા પંચાક્ષરી મંત્ર નમ: શિવાયના નાદરૂપે ગુંજતો રહે છે. પળે પળે આ અદ્દભુત કૈલાસ જુદાજુદા સ્વરૂપે દ્રશયમાન થાય છે જેમકેઅગ્નિપૂંજ કૈલાસ’, ‘શ્વેતશાંતમુદ્રિત કૈલાસ’, ‘સમાધિગ્રસ્ત કૈલાસ’, ‘સુવર્ણ કૈલાસકે પછી મેઘધનુષી કૈલાસ’. બધી ઉપમાઓ કૈલાસ માટે વામણી લાગે છે. આવા અદ્દભૂત કૈલાસના દર્શન એ નયનોની ચરમસીમા જ ગણાય ને ! કૈલાસના દર્શન કરતાં કરતાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાની પંક્તિઓની પ્રતીતિ થાય કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિકે પછીનિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો…’

      પહેલા દિવસની પરિક્રમામાં કૈલાસના પશ્ચિમી ભાગનાં નયન રમ્ય દર્શન થાય છે. દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતીના પ્રચંડ સિંહાસનની ઝાંખી થાય છે. જેની પ્રદક્ષિણા આપણે કરતા હોઈએ તે હંમેશા આપણી જમણી બાજુ પર હોય, એ રીતે આ પ્રદક્ષિણામાં પણ કૈલાસ આપણી જમણી બાજુએ રહે છે. પ્રદક્ષિણાનો પ્રથમ પડાવ દેરાફૂકમાં હોય છે. ત્યાંથી કૈલાસના ઉત્તરીય ભાગનાં સંપૂર્ણ શિવલિંગ સ્વરૂપે દર્શન થાય છે. શાંત, સૌમ્ય, શ્વેત, સમાધિસ્થ કૈલાસનાં દર્શનથી દષ્ટિસુખ તો જરૂર મળે જ છે પરંતુ નયનોને બીજા કોઈ દ્રશ્યની ઈચ્છા જ નથી રહેતી. સૂર્ય મહારાજનાં પ્રથમ કિરણો આ અદ્વિતિય કૈલાસ પર પડે છે ત્યારે તે સુવર્ણમય ભાસે છે. અને જો કદાચ તેમાં જળબિંદુ ભળે તો આ કૈલાસ મેઘધનુષી બની જાય છે.

    કૈલાસની પરિક્રમા ના બીજા દિવસે ડોલ્માઘાટ પસાર કરવાનો હોય છે. 19,800 ફૂટની ઉંચાઈએ આવેલ આ સ્થળનું હવામાન અનિશ્ચિત હોવાને કારણે થોડીક પળોના દર્શન બાદ તુરંત નીચે ઉતરવાનું હોય છે. ડોલ્માનો અર્થ થાય છે પાર્વતી મા’. અહીં ભાવિકો ચૂંદડી ચઢાવતા હોય છે. આ ઘાટનું ચઢાણ તેમ જ ઉતરાણ પગપાળા જ કરવાનું હોય છે. નીચે ઉતરતાંગૌરીકૂંડકે જે પાર્વતી માતાનું સ્નાનાગાર ગણાય છે, તેના સુંદર દર્શન થાય છે. જે વર્ષે આ ગૌરીકુંડ થીજી ન જાય તે વર્ષ તિબેટીયનો માટે અશુભ ગણાય છે.પરિક્રમા ના ત્રીજા દિવસે જો હવામાન અનુકુળ હોય તો કૈલાસનાં પૂર્વીય ભાગનાં દર્શન થાય છે. આ ત્રણે દિવસની પરિક્રમા યાક, ઘોડા પર કે પગપાળા કરી શકાય છે.

    આ દેવભૂમિમાં એક અષ્ટપાદનામનું સ્થળ આવેલું છે. જૈન ધર્મના લોકો માટે આ સૌથી પવિત્ર સ્થળ ગણાય છે. અષ્ટપાદએટલે આઠ પગલાં. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવ, આઠ પગલે અહીં પહોંચીને નિર્વાણ પામ્યાં હતાં, જેથી આ પવિત્ર સ્થળ કહેવાય છે. આજે પણ અહીંની ગુફાઓમાં સાધુ, સંત, લામાઓ વગેરે ઉપસ્થિત છે. આ દૈવી સ્થળે પહોંચતા જ ઈશ્વરીય શક્તિની અનુભૂતિ થાય છે. એક અદ્દભૂત શક્તિ સ્તોત્ર શરીરમાં વહેવા લાગે છે. અહીંથી કૈલાસના દક્ષિણ ભાગનાં દર્શન થાય છે.
     આ પવિત્રભૂમિનું અનન્ય અને અનુપમ આકર્ષણ એટલે માનસરોવર. કહેવાય છે કે જ્યારે રાવણ જે સરોવરમાં ઊભા રહીને તપ કરતાં હતાં ત્યારે દેવદેવીઓને સ્નાન કરવા માટે કોઈ જગ્યા ન રહી તેથી બ્રહ્માજીએ એ સરોવરથી વધુ વિશાળ અને સુંદરતમ સરોવરનું સર્જન કર્યું અને તે સરોવર એટલે માનસરોવર. રાવણે જે સરોવરમાં ઉભા રહીને તપ કર્યું હતું તેરાક્ષસતાલઅથવા રાવણતાલના નામે ઓળખાયું. માનસરોવર વિશાળ, નીલરંગી, અતિ શુદ્ધ અને સ્ફટિક સમ પારદર્શક છે. તેનો ઘેરાવો 100 કિ.મીનો અને તેની ઉંડાઈ લગભગ 300 મીટરની છે.માનસરોવરનું સૌંદર્ય તો પૂનમની રાત્રે સોળે કળાએ ખીલી ઊઠે છે. મધ્યરાત્રિનાં શીત, શાંત, સૌમ્ય ચાંદનીમાં મહાલ્યા બાદ પરોઢનાં ધીમા ધીમા ફૂટતા પ્હોની મીઠી મીઠી આલ્હાદ્ક પળો બેમિસાલ છે. રાત્રિનાં ટમટમતાં તારલાઓ એકબીજા સાથે સંતાકૂકડી રમતાં રમતાં ધરતીને સ્પર્શ કરવાની હોડ તેમજ કરોડો દેવીદેવતાઓ આ સુંદરતાની ચરમસીમા સમ માનસરોવરમાં ઉતરતા હોય એવી અનુભૂતિ મ્હાલવી જ રહી. એમાં પણ જ્યારે મેઘધનુષ નીલા આકાશમાં પોતાની પણછ ખેંચે છે અને તેનું પ્રતિબિંબ આ નીલરંગી માનસરોવરમાં દ્રશ્યમાન થાય છે ત્યારે બનતું મેઘધનુષી ચક્રનું દર્શન તો કોઈ વિરલને જ પ્રાપ્ત થાય છે. અવારનવાર બદલાતા રંગભર્યા આ માનસરોવરનાં અબોલ પથ્થરો જાણે પોતાની કથની કહેવા તત્પર હોય એમ આ દેવભૂમિ પર પથરાયેલા છે જે શિવલીંગની જેમ પૂજાય છે. બ્રહ્માજીનાં માનસમાંથી ઉદભવેલું આ સરોવર ચારે વેદોનો સાર છે. અહીં ધાર્મિક વિધીપૂર્વક હવન અને પિતૃતર્પણ પણ કરવામાં આવે છે.
      આવી અદ્દભુત કૈલાસ-માનસરોવર યાત્રા કરીને મનને કૃતાર્થ થયાનો અનુભવ થાય છે. જીવન ધન્ય બન્યાનો આનંદ થાય છે. એ યાત્રાનો અવિસ્મરણીય અનુભવ યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે અને મનમાં શ્રી રામચરિતમાનસની આ પંક્તિઓ સતત ગુંજ્યા જ કરે છે કે         

           પરમ રમ્ય ગિરિવર કૈલાસૂ | સદા જહાં સિવ ઉમા નિવાસૂ ||  

2 comments on “પ્રકૃતિના સાનિધ્યમાં 29 JULY 2006

  1. તમારુ વર્ણન વાંચી ને જ ધન્યતા નો અનુભવ થાય છે તો કૈલાશ પર હોવાનો લ્હાવો તો અનેરો અને અલૌકિક જ હશે. ભગવાન ભોળેનાથ ના કૈલાશ ના દર્શન તો સ્વર્ગ સમા જ હશે !!!
    અલૌકિક , અદ્દભુત , અદ્વિતીય !!!
    ૐ નમઃ શિવાય.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s