બાળ જોડકણા

પા પા પગલી
ફૂલની ઢગલી
ઢગલીમાં ઢેલ
જીવે મારી બેન

પા પા પગલી
બાગમાં બગલી
ડોક ડોલાવે
તીર તળાવે

પા પા પૂજન
આંબે કુંજન
કુ કૂ કરતી
ડોલત ફરતી   

પા પા પરીઓ
ઠેકે દરિયો
દરિયો ડોલે
છલ છલ છોળે

પા પા પોળી
ઘી માં ઝબોળી
બોળીને ખાજો
ભાઈને ભાગ દેજો

તાળી પાડો છોકરા
મામા લાવે કોપરા
કોપરા તો ભાવે નહીં
મામા ખારેક લાવે નહીં

મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે
દીવો તો મેં દીઠો
મામો લાગે મીઠો

બાળ ઉખાણાં

          આજે શ્રાવણ સુદની નવમી તિથી. શ્રાવણ સુદ નોમ

      મારા આ વિભાગને ઉગતી કળી સમ બાળકો માટે કુંપળ નામ આપ્યું છે. આશા છે આપ સૌને પસંદ આવશે.

પઢતો પણ પંડિત નહિ, 
પૂર્યો પણ ચોર નહિ, 
ચતુર હોય તે ચેતજો
મધુરો પણ મોર નહિ.
—————————————————————–

કાળો છે પણ કાગ નહિ,
દરમાં પેસે પણ નાગ નહિ,
ઝાડે ચઢે પણ વાનર નહિ,
છ પગ પણ પતંગિયું નહિ.
——————————————————————–

હાલે છે પણ જીવ નથી,
ચાલે છે પણ પગ નથી,
બેઠક છે પણ બાજઠ નથી,
ખવાય છે પણ ખૂટતો નથી
——————————————————————–

હવા કરતાં હલકો છું,
રંગે બહુ રૂપાળો છું,
થોડું ખાઉં તો ધરાઈ જાઉં,
ઝાઝુંખાઉં તો ફાટી જાઉં !
———————————————————————

હાથી ઘોડા ફર્યાં કરે,
પગ એમના હાલે ના;
સવાર પીઠે ઘૂમ્યા કરે
હાથી ધોડા ચાલે ના.
————————————————————————-

પીધા કરે પણ શરમ નથી,
ચીતર્યા કરે પણ કલમ નથી
———————————————————————————

પંદર દિવસ વધતો જાય,
પંદર દિવસ ઘટતો જાય;
સૂરજની તો લઈને સહાય,
અજવાળાં પાથરતો જાય.
—————————————————————————————–

જે વાંચક જવાબ આપશે તેમનાં નામ આવતી કાલે આ વિભાગમાં મુકાશે.