રક્ષાબંધન

આજે શ્રાવણી પૂનમ, રક્ષાબંધન, નારિયેળી પૂનમ

 એક ભાઈની બહેન માટેની અભિલાષાઃ-
તુજ નેહ નિતરતી આંખ્યુને નિરંતર નિરખુ.

એક બહેનની ભાઈ માટેની અભિલાષાઃ-
તુજ હસ્તકમલનું અભયકવચ હું પણ ઝંખુ છું પળ પળ ભાઈ.

    કેટલો પારદર્શક સંબંધ છે ભાઈ બહેનનો ! આપણાં પુરાણોએ સશક્ત સંસ્કૃતિ ઉભી કરવા આ ભાઈ બહેનનાં સંબંધની સમજણ અને પવિત્રતાને ઊચ્ચ સ્થાન આપવા આ તહેવાર રચ્યો છે. આ એક રક્ષાકવચનો ઊચ્ચત્તમ તહેવાર છે.

        આ ઉપરાંત આ તહેવાર  સાગરપુત્રોનો પણ છે. માછીમારો આ દિવસે સમુદ્ર પૂજન્ કરી તેઓ પોતાની નાવ દરિયામાં તરતી મૂકે છે. આ દિવસે  બ્રાહ્મણો પોતાની જનોઈ બદલે છે. તદુપરાંત આજનાં દિવસે         શ્રી અમરનાથજીની યાત્રાની સમાપ્તિ થાય છે.

આવા જ એક રક્ષાકવચ દર્શાવતુ એક કાવ્યપઠન કરીયે.

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે

કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે
દિકરા દુશ્મન ડરશે, દેખી તારી આંખડી રે………..કુંતા

મારા બાળુડા હો બાળ તારા પિતા ગયા પાતાળ
સાથે મામો શ્રી ગોપાળ, કરવા કૌરવ કુળસંહાર
તારા રામ થશે રખવાળ………………………………કુંતા

પહેલે કોઠે ગુરુ, દ્રોણ, એને જગમાં જીતે કોણ
મેલી કાળ વજ્રનું બાણ, પળમાં લે જો એના પ્રાણ…..કુંતા

બીજે કોઠે કૃપાચાર્ય, સામા ઉભા સજી હથિયાર
મારા કોમળ અંગ કુમાર એને ત્યાં જઈ દેજો માર……કુંતા

ત્રીજે કોઠે અશ્વત્થામા એને મોત ભમે છે ભામા
કુંવર થાજો એના સમા, એના ત્યાં ઉતરાવજો જામા……..કુંતા

ચોથે કોઠે કાકા કરણ, જેને દેખી ધ્રુજે ધરણ
દીકરા ના થઈશ એને શરણ, એના માથે આવ્યા મરણ……….કુંતા

પાંચમે કોઠે દુર્યોધન પાપી, એની રીસ ઘણેરી વ્યાપી

એને શિક્ષા સારી આપી, એનાં મસ્તક લે જો કાપી…………કુંતા

છઠ્ઠે કોઠે મામો શલ્ય એ તો જનમ જનમનો મલ્લ
એને ટકવા ન દઈશ પળ, એમાં અતિ ઘણું છે બળ…………કુંતા

સાતમે કોઠે એ જયદ્રથ, એ તો લડવૈયો સમરથ
એનાં ભાંગી નાખજે રખ, એને આવજે બાથમબાથ………કુંતા

          ૐ નમઃ શિવાય