નારી તું નારાયણી

                        આજે શ્રાવણ વદ ચૌદસ

    આજનો સુવિચાર:- પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

        જૈન ધર્મનું તપ-આચરણનું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ.

      પર્યુષણ એટલે ચારેબાજુએથી આત્મામાં રહેવું. ચારેબાજુથી એટલે રહેવું, વસવું, બેસવું આ સમગ્રતામાંથી સ્વમાં જીવવું એટલે પર્યુષણ.

    આજે મેઘધનુષનો ‘ગઠરીયા’ નામક નવો વિભાગ ચાલુ થાય છે. પ્રસંગકથાઓને એક પાલવડે બાંધવા આ વિભાગનું નામ ‘ગઠરીયા’ નામ આપ્યુ છે.

                                 જીવનકાળની દીક્ષા

       રેણુકાનું મન આજે હિલોળે ચઢ્યું હતું. એ તેને ઠરીઠામ બેસી રહેવા દેતું નો’તું. આજે સવારથી મન બેચેન બની ગયું હતું. આમ તો ઘણી વાર થતું પન એ તરફ લક્ષ નો’તુ આપ્યુ પણ આજે તો અશક્ય થઈ પડ્યુ.

    સવારમાં પાંચ વાગ્યાનું ઍલાર્મ વાગ્યું ને સફાળી ઊઠી ને યંત્રવત ઘરકામ આટોપવા લાગી.અમીની કૉલેજ, ગોપાલની સવારની શાળા, રાજુની ઑફિસ, બધું જ સમયસર સાચવવાનું. દૂધવાળાનો હિસાબ, ઈસ્ત્રી માટે કપડાં આપવા,કામવાળી નો’તી આવવાની તેથી કપડાં, વાસણ બધું જાતે કરવાનું હતું. બધુ કામ આટોપી એણે બારી ખોલી અને બસ, ઘણી વાર સુધી એ ત્યાં જ ઊભી રહી.

   બહાર પહેલા વરસાદનું નર્તન ચાલી રહ્યું હતું અને ઉષાનાં કિરણો સંતાકૂકડી રમી રહ્યાં હતાં. રેણુકા પોતાનામાં ખોવાયેલી હતી. ‘વરસાદ શરૂ થયો લાગે છે, હવે છત્રી કાઢવી પડશે….. અરે બાપ રે ! વરસાદ ? ભોગ લાગ્યા ! આજે મૅક્સી નહીં પહેરાય …‘ આવા રૂક્ષ ને વ્યહવારુ સ્વરોએ રેણુકાની સમાધિનો ભંગ કર્યો અને ફરી કામે વળગી. ચા, નાસ્તો કર્યો.રસોઈ કરી, ટિફિન ભર્યું અને હસતે મોઢે બધાં ને વિદાય આપી. યંત્રવત બધું ચાલતું રહ્યું, પણ મન બેકાબુ બની ઘમસાણ મચાવતું રહ્યું, શું આજ મારી જિંદગી ? શું આ ચક્રવ્યૂહમાં જ મારે જીવવાનું ને મરવાનું ? નહીં આ ચક્રવ્યુહ તો ભેદવો જ પડશે…. જલ્દી ભેદવો પડશે…… બહુ મોડું થઈ જાય અને શક્તિ હણાઈ જાય તે પહેલાં. Continue reading