નારી તું નારાયણી

                        આજે શ્રાવણ વદ ચૌદસ

    આજનો સુવિચાર:- પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

        જૈન ધર્મનું તપ-આચરણનું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ.

      પર્યુષણ એટલે ચારેબાજુએથી આત્મામાં રહેવું. ચારેબાજુથી એટલે રહેવું, વસવું, બેસવું આ સમગ્રતામાંથી સ્વમાં જીવવું એટલે પર્યુષણ.

    આજે મેઘધનુષનો ‘ગઠરીયા’ નામક નવો વિભાગ ચાલુ થાય છે. પ્રસંગકથાઓને એક પાલવડે બાંધવા આ વિભાગનું નામ ‘ગઠરીયા’ નામ આપ્યુ છે.

                                 જીવનકાળની દીક્ષા

       રેણુકાનું મન આજે હિલોળે ચઢ્યું હતું. એ તેને ઠરીઠામ બેસી રહેવા દેતું નો’તું. આજે સવારથી મન બેચેન બની ગયું હતું. આમ તો ઘણી વાર થતું પન એ તરફ લક્ષ નો’તુ આપ્યુ પણ આજે તો અશક્ય થઈ પડ્યુ.

    સવારમાં પાંચ વાગ્યાનું ઍલાર્મ વાગ્યું ને સફાળી ઊઠી ને યંત્રવત ઘરકામ આટોપવા લાગી.અમીની કૉલેજ, ગોપાલની સવારની શાળા, રાજુની ઑફિસ, બધું જ સમયસર સાચવવાનું. દૂધવાળાનો હિસાબ, ઈસ્ત્રી માટે કપડાં આપવા,કામવાળી નો’તી આવવાની તેથી કપડાં, વાસણ બધું જાતે કરવાનું હતું. બધુ કામ આટોપી એણે બારી ખોલી અને બસ, ઘણી વાર સુધી એ ત્યાં જ ઊભી રહી.

   બહાર પહેલા વરસાદનું નર્તન ચાલી રહ્યું હતું અને ઉષાનાં કિરણો સંતાકૂકડી રમી રહ્યાં હતાં. રેણુકા પોતાનામાં ખોવાયેલી હતી. ‘વરસાદ શરૂ થયો લાગે છે, હવે છત્રી કાઢવી પડશે….. અરે બાપ રે ! વરસાદ ? ભોગ લાગ્યા ! આજે મૅક્સી નહીં પહેરાય …‘ આવા રૂક્ષ ને વ્યહવારુ સ્વરોએ રેણુકાની સમાધિનો ભંગ કર્યો અને ફરી કામે વળગી. ચા, નાસ્તો કર્યો.રસોઈ કરી, ટિફિન ભર્યું અને હસતે મોઢે બધાં ને વિદાય આપી. યંત્રવત બધું ચાલતું રહ્યું, પણ મન બેકાબુ બની ઘમસાણ મચાવતું રહ્યું, શું આજ મારી જિંદગી ? શું આ ચક્રવ્યૂહમાં જ મારે જીવવાનું ને મરવાનું ? નહીં આ ચક્રવ્યુહ તો ભેદવો જ પડશે…. જલ્દી ભેદવો પડશે…… બહુ મોડું થઈ જાય અને શક્તિ હણાઈ જાય તે પહેલાં.

    બહાર વરસાદનું નર્તન હજી ચાલું હતું. નૃત્ય તો હવે કેવું ભુલાઈ ગયું ! કૉલેજના એ કાર્યક્રમનું નૃત્ય બહુ જ વખણાયું હતું. તાળીઓનો ગડગડાટ અને પ્રશંસાનાં વચનો આજે ફરી રેણુકાના કાનમાં ગૂંજી રહ્યાં હતાં…અને ડ્રૉઈંગ-શિક્ષક વારંવાર કહેતા, ‘રેણુ, તારી આંગળીઓ કલાકારની છે !’ કલાકારની એ આંગળીઓનાં સર્જન જોતાં લોકો પણ કહેતા, ‘છોકરીના હાથમાં જાદુ છે !’

    પરંતુ લગ્ન થયાં અને બધું વિસરાઈ ગયું અને સંસારમાં ડૂબી જવાયું. પતિ અને બાળકોની સાચવણી વચ્ચે શરૂ કરેલું ચિત્રકામ ભૂલાઈ ગયું. પરંતુ આજે મોસમનો પહેલો વરસાદ એનાં મનને બેચેન બનાવી ગયો..

   અંતે બજારમાં જઈને ચિત્રકામની બધી સામગ્રી લઈ આવી. સામગ્રી ખરીદતાં – ખરીદતાં પોતાનું ગામ યાદ આવી ગયું. ગિરિતળેટીમાં નદીને કાંઠે આવેલાં નિસર્ગરમ્ય સ્મરણથી એ રોમાંચિત થઈ ઊઠી. વિચાર સ્ફૂરતાં જ પતિ અને છોકરાંવ સમક્ષ પંદર વીસ દિવસ ગામે જવાનો પ્રસ્તાવ મૂક્યો..

      અચાનક અજુગતાં પ્રસ્તાવથી બધાં ચોંકી ઊઠ્યાં અને આભા બની જોઈ રહ્યાં.
         ‘મારે ડુંગરામાં ફરવું છે, ચિત્રો દોરવાં છે, જાત સાથે ગોઠડી કરવી છે.’

      રાજુ અને ગોપાલને પલ્લે ઝાઝું પડ્યું નહીં, પણ દીકરી અમી માને જોતી રહી અને છેવટે માને વ્હાલથી વળગીને બોલી, ‘ મા, તું જરૂરથી જા ! અહીંની ફિકર ન કરતી, હું બધું સંભાળી લઈશ.’

         રેણુકા ગામ જવા નીકળી. જેમ જેમ ગામની નજદીક આવતી ગઈ તેમ તેમ ઘર દૂર દૂર થતું ગયું. સ્વતંત્રતાનો આનંદ એનામાં વ્યાપી ગયો..ગામે પહોંચતાં જ પહેલા વરસાદથી ખીલી ઉઠેલી કુદરતમાં તે ખોવાઈ ગઈ. ડુંગરો પરની હરિયાળી ધુમ્મસમાં તો ઑર ખીલી ઊઠી.

     કુદરતમાં ખોવાયેલી રેણુકાને ધીરે ધીરે ચિત્રો દોરવાનું યાદ આવ્યું અને ધીરે ધીરે આંગળીઓ અને પીંછીથી એનું અંતર કેનવાસમાં ઊતરતું ગયું. વર્ષો પછી આંગળીઓનો જાદુ સોળે કળાએ ખીલી ઊઠી. ભીતરનો ધરબાયેલો કલાકાર જાગૃત થયો..

    જેમ જેમ તૃપ્તિ થતી ગઈ તેમ તેમ કળાનો સ્પર્શ દાખવવાની અને નૃત્ય શરુ કરવાની ઝંખના મનમાં જાગૃત થતી ગઈ. પતિ અને બાળકોને પણ ભાગ લેવડાવવાની તમન્ના થવા લાગી.

    પંદર દિવસે રેણુકા પાછી ફરી ત્યારે તેનો નવો જન્મ થઈ ચૂક્યો હતો . ફિનિક્ષ પક્ષી રાખમાંથી બેઠું થઈ ગયું હતું. કળાનું આકંઠ પાન એને જીવનકાળની દીક્ષા આપતું ગયું.

    [ શ્રી. મંદાકિની ભારદ્વાજ લીખીત મરાઠી વાર્તાને આધારે. જન્મભૂમિ પ્રવાસીમાંથી લીધેલી વાર્તા]

                               ૐ નમઃ શિવાય

3 comments on “નારી તું નારાયણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s