જીવી લે તું

                        આજે માગશર સુદ દસમ

આજનો સુવિચાર:- ચપળ રહી ધીરજ કેળવતા આગળ વધો .—શિવાનંદ સ્વામી

હેલ્થ ટીપ્સ:- મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતાં બંધ થાય છે.

જીવન મળ્યું છે, જીવી લે તું
જીંદગીનો સથવારો ગોતી લે તું
રસ્તામાં મળેલાં રાહબરને જાણી લે તું
પહેલી મુલાકાત અને છૂટવાની પળો મ્હાણી લે
તું જૂની યાદોને,
નવી મુલાકાતોને,
જીંદગીની પળોમાં ઢાળી દે તું

અનુભવની કિતાબ ખોલી દે તું
મહત્તાના બે શબ્દો બોલી દે તું,                                                પૂજા                                         ઈશ
બસ આમ જ લોકો માટે લળી લે તું,
ક્યાંક મિલનસાર
ક્યાંક સથવારો
આમ જ સાથી બની વિતાવી દે તું.

બાલ્યાવસ્થાની મોજ લઈ લે તું
જુવાનીની દોટ મૂકી દે તું
ઘડપણની શાખ જાણી લે તું
ક્યારેક હતાં ભેગાં
ક્યારેક થયા જુદા,
લોકોની આની જાની સહી લે તું

ઊંચાઈના શિખરે ચઢી જા તું
નિરાશાની પળોને ટાળી દે તું
કંટાળાની પળોને ટાળી દે તું                                                     સ્વામીજી
ક્યાંક મહત્તા,
ક્યાંક ઓછપ.
ચડતીએ પડતીની સ્થિતી સાંખી લે તું,
જીવન મળ્યું છે, જીવી લે તું

:- જાગૃતિ કડકિઆ -:

ૐ નમઃ શિવાય

હાલરડું

                    આજે માગશર સુદ નોમ

આજનો સુવિચાર:- MOTHER IS THE NAME FOR GOD IN THE LIPS AND HEARTS OF LITTLE CHILDREN.

હેલ્થ ટીપ્સ:- હળદર અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ લેવાથી ડાયાબિટીસ મટે છે.

 

સાંભળવા અહીં ક્લિક કરો 

સ્વર: ફાલ્ગુની શેઠતમે મારા દેવનાં દીધેલ છો
તમે મારા દેવનાં દીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’

 

તમે મારા માંગી લીધેલ છો
તમે મારા માંગી લીધેલ છો
આવ્યાં ત્યારે અમર થઈને રો’

મહાદેવ જાઉં ઉતાવળીને જઈ જઢાવું ફૂલ [2]
મા’દેવજી પ્રસન્ન થયા ત્યારે આવ્યા અણમૂલ
તમે મારું નગદ નાણું છો
આવ્યા ત્યારે અમર થઈને રો’
–તમે મારા દેવનાં

હનુમાન જાઉં ઉતાવળી ને જઈ ચઢાવું તેલ
હનુમાનજી પ્રસન્ન થયાત્યારે ઘોડિયા બાંધિયા ઘેર
તમે મારું નગદ નાણું છો
આવ્યા ત્યારે અમર થઈને રો’
—તમે મારા દેવનાં

                                 ૐ નમઃ શિવાય

સુંદરતા

                      આજે માગશર સુદ આઠમ

આજનો સુવિચાર:- જીભ મીઠાશથી થાકે છે, કાન ક્યારે થાકતા નથી.

હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

         શિયાળો આવતા જ વાતાવરણ બદલાઈ જાય છે હવામાં રુક્ષતા આવતી જાય છે. શિયાળો સ્વાસ્થય માટે ઉત્તમ છે પરંતુ ત્વચા અને વાળને રુક્ષ બનાવે છે અને જો તેની કાળજી ન લેવાય તો ચામડી ફાટી જાય છે અને વાળ પણ સૂકા થઈ તૂટવા માંડશે. આ ઋતુમાં શરીરનાં સ્વાસ્થય સાથે સાથે ત્વચાની તેમ જ વાળની કાળજી લેવી જરૂરી છે.

      આપણા રક્તનાં બંધારણમાં ¾ હિસ્સો પાણીનો છે અને આપણી ત્વચા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. મોટાભાગનાં લોકોમાં એક એવી ગેરસમજ છે કે શિયાળામાં પાણીની તરસ ઓછી લાગે છે અને પાણી ઓછું પીવાય છે. જેથી શિયાળામાં ત્વચા સૂકાઈ જાય છે. જેટલી ઉનાળામાં પાણી જરૂર છે તેટલી શિયાળામાં છે. તેનાં વિકલ્પ રૂપે નાળિયેરનું પાણી, ગરમ સૂપ, તાજા ફળોનો રસ, લીંબુ,મધ-તુલસીના રસનું મિશ્રણ ઉત્તમ છે. દિવસ દરમિયાન 8 થી 10 પ્યાલા પ્રવાહી પીવું જરૂરી છે.

         સ્નાનની શરૂઆત જો ગરમ પાણીથી થાય તો ત્વચાનાં છિદ્રો ખૂલી જશે અને લોહીનું ભ્રમણ પણ વધી જશે. ત્યારબાદ ઠંડા પાણીથી સ્નાન [જો ઠંડુ પાણી સહન ન થાય તો હુંફાળું ચાલે]થાય તો ત્વચા મુલાયમ થશે. તેલનું મસાજ શિયાળામાં ત્વચાને નિખારવા માટે ઉત્તમ છે. તલનું તેલ, ઓલીવ ઑઈલ કે બેબી ઓઈલ રુક્ષ ત્વચા માટે ઉપયોગી છે. સ્નાન માટે સાબુ ન વાપરતાં ચણાના લોટમાં એક ચમચી હળદર અને એક ચમચી હળદર ભેગાં કરી ત્વચાને કોમળ રાખવા ઉપયોગી છે.

              શિયાળામાં કૃત્રિમ બાજારૂ લોશનોનો વધુપડતો ઉપયોગ ત્વચાને નુકશાન પહોંચાડે છે. તો આપણે જો કુદરતી રીતે મળતી વનસ્પતિનો કે તેલનો ઉપયોગ કરવામાં આવે તે વધારે હિતાવહ છે. જેવા કે બદામનું તેલ આંખોનાં કાળા કુંડાળા માટે , કે શેતુરનું તેલ સુકાયેલાં હોઠ માટે, ફાટેલી એડીઓ માટે ગુણકારી છે. સૂકી ત્વચાનાં જો પોપડા ઉખડતાં હોય ત્યારે ગ્લિસરીન, લીંબુ અને ખાંડ મિશ્રિત લેપ ઊપયોગી છે. પાઉડરના ઊપયોગ ન થાય તો સારું.

       વાળની મુલાયમતા જાળવવા તલનું તેલ ઉત્તમ છે. હળવા હાથે વાળમાં તેલનું મસાજ કરી માથા પર ગરમ પાણીમાં ભીનો કરેલો ટુવાલ વીંટાળવો. ત્યારબાદ હળવા શેમ્પૂ અથવા અરીઠાં, આમળા અને તુલસીના પાઉડરની ઘટ્ટ પેસ્ટ બનાવી માથામાં લગાડો . એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ ભેળ માથામાં લગાડવું.

         જાસુદનાં ફૂલની ઘટ્ટ પેસ્ટ બનાવી માથામાં કલાક બે કલાક લગાડી વાળ ધોવાથી કુદરતી કંડિશનર થશે. આનાથી વાળ ખરતાં અટકશે અને વાળ કુદરતી રીતે કાળા થશે. 

                                            ૐ નમઃ શિવાય

આદ્યગુરુ શિવજી

આજે માગશર સુદ સાતમ પુષ્ટિય માર્ગીય મહા ઓચ્છવ

આજનો સુવિચાર:-ગોળ વિના મોળો કંસાર
                                મા વિના સૂનો સંસાર

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાન વાટીને સોજા ઉપર લગાડવાથી સોજો ઉતરી જાય છે.

આદ્યગુરુ એટલે શિવજી

સંગીતમાં આરોહ અને અવરોહ એટલે સા રે ગ મ પ ધ ની સા

આરોહ:- સા રે ગ મ પ ધ ની સા
અવરોહ:- સા ની ધ પ મ ગ રે સા

 

સા એટલે સાગર, સાગર એ જલતત્વ, જલતત્વ એજ બુદ્ધિ. બુદ્ધિ હંમેશ ભગવાનના ચરણમાં રહે. જીવાત્મા અને પરમાત્માનું મિલન મિલન બુદ્ધિના કાંઠે થાય છે.

રે એટલે રેતી. સાગરમાંથી બહાર નીકળીએ રેતી પર પગ પડે. રેતી એટલે માટી જેમાંથી આપણી ઉત્પત્તિ થઈ અને ધરતી પર મંડાણ મંડાયા છે.

એટલે ગગન. વિહંગો ગગનમાં ઊડે છે. આપણા વિચાર પણ વિહંગની જેમ ગગનમાં ઊડે છે.

એટલે મનુષ્ય. મનુષ્ય થઈ સત્કાર્ય કરવાં

એટલે પરાક્રમ. પરાક્રમ એટલે શક્તિ. શક્તિ એટલે તાકાત. દરેક કાર્યમાં ધગશ હશે તો કાર્ય જરૂર સફળ થશે.

એટલે ધર્મ. ધર્મને આધારે રહી પરાક્રમ કરો. કપટ રહીત ખૂબ કમાણી કરો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ગુરુક્ષર નારાયણ સાથે આવે છે. નારાયણ સાથે લક્ષ્મી આવે તે ધર્મલક્ષ્મી.

ની એટલે કલ્યાણ

સા એટલે સાક્ષાત્કાર પાણીના બુંદમાંથી ઉત્પત્તિ થાય છે.

આ જીવન એટલે સંગીત જ્ઞાનના માર્ગે સંગીતના આધારે શંકર નૃત્ય એટલે તાંડવ અને લાસ્ય તે પાર્વતી નૃત્ય કરે તે. બંનેનો મેળ એટલે તાલ. સંગીતની જેમ હંમેશ તાલમય જીંદગી જીવો..

ૐ મૃત્યુંજય મહાદેવ માં મામ શરણાગતમ
જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબંધનૈઃ

ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બંધનાન્મૃત્યોર્મૃક્ષીય મામૃતાત

                                                              ૐ નમઃ શિવાય

શા માટે ૐનો ઉચ્ચારણ કરવો?

                        આજે માગશર સુદ પાંચમ

આજનો સુવિચાર:- સો શિક્ષક કરતાં એક માતા ચડે સદગુણ-સંસ્કાર આપી બાળકને ઘડે છે.
હેલ્થ ટીપ્સ:-એક ભાગ જાયફળને ચાર ભાગ પાણી સાથે લેવાથી ઉંઘ સારી આવે છે.

          ભારતમાં સૌથી બોલાતો મંત્ર ‘ઓમ’ છે. તેનો, જપ કરનારના મન અને શરીર ઉપર અને આસપાસના વાતાવરણ ઉપર ઘણો પ્રભાવ પડે છે. મોટા ભાગના મંત્રો અને વૈદિક સ્તુતિઓની શરૂઆત ૐથી થાય છે. બધાં કાર્યોનો શુભારંભ ૐના મંત્રોચ્ચારથી થાય છે. તેનો ઉપયોગ અભિવાદન અને સ્વાગતમાં પણ ૐ, હરિ ૐ બોલીને થાય છે.મંત્ર તરીકે તેનો જાપ કરવામાં આવે છે. તેના આકારની પૂજા કરવામાં આવે છે, તેનું ધ્યાન ધરવામાં આવે છે અને શુભ ચિન્હ પણ ગણાય છે.
      ૐ ભગવાનનું વૈશ્વિક નામ છે. તે અ,ઉ અને મ ત્રણ મૂળાક્ષરોનો બનેલો છે. નાદતંતુઓમાંથી પહેલો ધ્વનિ ‘અ’ છે. બંને હોઠ ગોળાકારમાં આવે ત્યારે ‘ઉ’ બોલાય છે અને હોઠ ભીડાઈ જાય છે ત્યારે ’મ’ નો ઉચ્ચાર થાય છે. આ ત્રણ અક્ષર જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાનાં: બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ દેવત્રિપુટીના, ઋક,સામ, યજુર્ એ ત્રણ વેદોના, ભૂર, ભુવ:, સ્વ: એ ત્રિલોક્ના વગેરે પ્રતીક છે. નિરંજન, નિરાકાર બ્રહ્મ બે ૐના ઊચ્ચાર મધ્યની શાં તી છે. ૐને પ્રણવ કહે છે જે નામ દ્વારા ભગવાનનાં ગુણગાન ગવાય છે જેને પ્રણવ કહેવાય છે. વેદોનો સાર ૐ છે.

         કહેવાય છે કે ભગવાને સૃષ્ટિના સર્જનની શરૂઆત ૐ અને અથના મંત્રોચ્ચાર કરીને કરી હતી. તેથી કોઈ પણ કાર્યનો શુભારંભ ૐકારના ઉચ્ચારણથી કરવામાં આવે છે. ઘંટનાદમાં ૐકારનો પ્રતિધ્વનિ સંભળાય છે. તેથી મન એકાગ્ર થાય છે અને મનને શાંતિ પણ મળે છે અને સૂક્ષ્મ ધ્વનિથી પરિપૂર્ણ છે. ૐકારનાં ધ્યાનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.

     જુદા જુદા ૐ જુદા જુદા આકારમાં લખાય છે. ૐ આ અતિ પ્રચલિત ગણેશનું પ્રતિક છે. ઉપરનો અર્ધવર્તુળાકાર મસ્તક છે. નીચેનો મોટો અર્ધવર્તુળાકાર પેટ છે. બિંદુ સહિત અર્ધવર્તુળ તે ગણેશનાં હાથમાં રહેલો લાડુ છે.

         તેથી ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય,જગત અને તેની પાછળનું સત્ય,જડ અને ચેતન,આકાર અને નિરાકાર, બધું જ ૐમાં સમાયેલું છે.

ૐ હૈ જીવન હમારા, ૐ પ્રાણાધાર હૈ
ૐ હૈ કર્તા વિધાતા, ૐ પાલનહાર હૈ

ૐ સબકા પૂજ્ય હૈ, ૐકા પૂજન કરો
ૐ હી કે ધ્યાનસે શુદ્ધ અપના મન કરો

ૐકે ગુરુમંત્ર જપનેસે રહેગા શુદ્ધ મન
બુદ્ધિ દિન પ્રતિદિન બઢેગી ધર્મમેં હોગી લગન

ૐકે જપસે હમારા જ્ઞાન બઢ જાયેગા
અંતમેં યહ ૐ હમકો મુક્તિ તક પહોંચાયેગા

                                                       ૐ નમઃ શિવાય

એક છોક્કરો ને એક છોક્કરી

                            આજે માગશર સુદ ચોથ

આજનો સુવિચાર:- સંતાનના ચારિત્ર્યના ઘડતર દ્વારા પરોક્ષ રીતે સમાજના અને રાષ્ટ્રના ચારિત્ર્યનું પણ ઘડતર થાય છે.

એક સંગીતમય અને હાસ્યમય  વિનંતી

 

એક છોક્કરો ને એક છોક્કરી

આજથી 41 વર્ષ પૂર્વે થયેલી આ વાત છે. K.C.Collage [મુંબઈ]નાં પ્રાંગણમાં મળેલાં
એક છોક્કરા અને એક છોક્કરીના મિલનની છે આ વાત

આ છોક્કરાએ જોઈ કૉલેજનાં પ્રાંગણમાં આ છોક્કરી
અને એને જોઈ બોલ્યો છોક્કરો

’નજરનાં જામ છલકાવી ચાલ્યાં ક્યાં તમે?’

‘ઈશ શ શ શ’ નો એ જમાનો.

શરમાઈને બોલી છોક્કરી
‘આહ ! છોડદો આંચલ જમાના ક્યા કહેગા?

મથામણ અંતે લેવાણા એકબીજા સાથે કોલ
બોલ્યો છોક્કરો ’આજા આજા મૈં હું પ્યાર તેરા’

કોલ આપતી છોક્કરી બોલી ’નયે ચાંદ હોગા ન તારે રહેંગે’

આખરે તા. 24/11/1968 ને દિવસે
‘પહેલું પહેલું મંગળિયું વરતાયરે’ લગ્નગ્રંથિએ છોક્કરો અને છોક્કરી બંધાયા.

પછી તો
‘હમ ન રહેંગે, તુમ ન રહોગે ફિરભી રહેગી નિશાનીયાઁ’

 

અને હવે


‘હાલને ભેરૂ કૈલાસનાં દર્શનીયે’

38 વર્ષ પૂરાં કરતાં અમે આપ સૌનાં શુભાશિષનાં અભિલાષી.

છોક્કરો:- સુધીર છોક્કરી:- નીલા

                                                ૐ નમઃ શિવાય

મસાલાઓની ઉપયોગિતા [સાંભળો ઈંટરવ્યુ રેડિઓ ઑસ્ટ્રેલિયા પર]

આજે માગશર સુદ ત્રીજ

આજનો સુવિચાર:-.બીજાએ દોરી આપેલી આકર્ષક અને સુખદાયક યોજના કરતા પોતાની જાત ઉપર આધાર રાખો.

અહમ વૈશ્વાનરોભૂત્વા પ્રાણીનાંદેહમાશ્રિત
પ્રાણાપાનસમાયુક્ત પચામન્યમચતુર્વિધમ

      અર્થાત પ્રાણીમાત્રનાં દેહમાં રહેલો જઠરાગ્નિ હું છું, પ્રાણ અને અપાન વાયુ પણ હું છું જેના વડે હું દરેક પ્રકારનાં અન્ન પચાવું છું. શ્રીકૃષ્ણે ગીતાજીમાં સમજાવ્યું છે કે તેઓ દરેક પ્રકારનાં અન્ન પચાવે છે. ગીતાજીમાં ભોજનનો ઉલ્લેખ છે. તેમજ મહાભારતમાં તો ભીમ ભોજનપ્રિય હતા અને માતા કુંતીના હાથે બનાવેલા લાડુ ન ખાય ત્યાંસુધી તેને સંતોષ થતો નહીં. ભીમ પોતે પણ ઉત્તમ રસોયા હતાં. કહેવાય છે કે ‘કૃષ્ણાવતાર’માં પ્રભુએ તો જીંદગીનાં દરેક ક્ષેત્રમાં ક્રાંતિ આણી છે. બાલ્યકાળથી જ માખણની ગોવાળોમાં વહેંચણી અને વિદૂરની ભાજીનો પ્રસંગ ખૂબ જાણીતો છે.અને પ્રભુને ધરાવાતાં છપ્પનભોગ અને અન્નકૂટ પણ આપણી ‘રાંધણ કળા’ નાં શ્રેષ્ઠ નમૂના છે. આમ ભારતીય રાંધણકળા 5,000 વર્ષોથી પૂરાણી છે.

      અગ્નિની શોધ થતાં આદિમાનવની ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ અને જ્યારથી માનવને વનસ્પતિની એનાંમાં ઓળખ આવતી ગઈ તેમ તેમ તેની રાંધવાની કળા પણ વિકસતી ગઈ. ખૂબ શોધખોળ બાદ આપણા આયુર્વેદાચાર્ય ચરકઋષિ અને ધનવંતરીએ આયુર્વેદિક દવાઓમાં અને રાંધણકળામાં મસાલાઓનો ઉપયોગ ‘ચરકસંહિતા’માં ઉલ્લેખ કર્યો છે.

સાંભળો મસાલાની ઉપયોગિતા રેડિઓ ઑસ્ટ્રેલિઆ દ્વારા લેવાયેલા મારા ઈંટરવ્યુમાં.

[odeo=http://odeo.com/audio/3139423/view]

                    ૐ નમઃ શિવાય

સૌંદર્યવર્ધક આમળા

                                  આજે માગશર સુદ બીજ

આજનો સુવિચાર:- પહેલુ સુખ ને જાતે નર્યાં.

       શિયાળો આવતાં જ વિવિધ શક્તિવર્ધક પાકનું મહ્ત્વ વધી જાય છે. તેમાં આમળા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણા પુરાણકાળથી તેના ઉપયોગનો ઉલ્લેખ જોવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ મા પાર્વતી અને માતા મહલક્ષ્મીજી સાથે વિહાર કરવા ગયાં અને બંન્નેને એકસરખો વિચાર આવ્યો કે કાંઈક નવી વસ્તુથી શ્રી વિષ્ણુનું અને શ્રી શિવજીનું પૂજન થાય. આ સમયે બંને માતાઓની આંખમાંથી અશ્રુજળ સરી પડ્યાં. આમ આબંનેનાં અશ્રુનું સંમિશ્રણનાં ફળ સ્વરૂપ એટલે ‘આમળા’નું વૃક્ષ. આમ આમળા તુલસી અને બિલીવૃક્ષ સમાન પૂજનીય છે. અને તેના પાન વડે શ્રીવિષ્ણુ અને શ્રીશિવજીનુ પૂજન થાય છે. આમળાની ઉત્પત્તિ મહા સુદ એકાદશીને દિવસે થઈ હોવાનું કહેવાય છે. ‘કતિપય’ કથા મુજબ આમળાની ઉત્પત્તિ કારતક સુદ નોમ જે અક્ષય નવમી તરીકે ઓળખાય છે, ને દિવસે થયો હતો..

     આમળાનું વૃક્ષ 30 થી 60 ફૂટ્ની ઉંચાઈ સુધી જોવા મળે છે.તેનાં પાંદડા આમલીનાં પાન જેવા આકારના છે. આ વૃક્ષ 6 થી 8 ફૂટની ઉંચાઈ ધરાવે છે. કારતક માસથી તેની પર ફળ આવવાનું ચાલુ થાય છે જેને આપણે આંબળા તરીકે ઓળખીયે છીયે. આંબળા સોપારીથી માંડીને લીંબુ જેટલાં મોટા હોય છે. આમળા ભારતનું અતિ પ્રાચીન ફળ છે. આમળાની લગભગ 40 થી 41 જાત છે. એમાં આછા લીલા રંગનાં ગુલાબી ઝાંયવાળા આમળા ઉત્તમ ગણાય છે. આમળા સ્વાદે ખાટા, તૂરા અને મધૂરાં હોય છે.

       વિટામિન સીથી ભરપૂર આમળામાંથી ચ્યવનપ્રાશ, મુરબ્બો, અથાણાં, જામ, જયુસ, સ્કવોશ વગેરે બને છે. મીઠા અને મરી મિશ્રિત તેની સુકવણી મુખવાસ તરીકે ખવાય છે. સાકર મિશ્રીત સુકવણી પણ મુખવાસ તરીકે વપરાય છે. નેત્ર માટે આમળા ઉત્તમ છે. ઘનશ્યામ કેશ માટે, ચમકીલી ત્વચા માટે આમળાનો રસ ઉત્તમ છે. આમળાને ‘અમૃતા’ કહ્યાં છે, જેનાં સેવનથી યૌવન સ્થિર થાય છે માટે તે ‘વયસ્થા’ પણ કહેવાય છે. 

  

                આમળાનો મુખવાસ:-

    

      જોઈતા પ્રમાણમાં આમળા લઈ તેની ચીરીઓ કરવી જેથી તેનો ઠળિયો વચ્ચેથી નીકળી જાય. ત્યારબાદ તે ચીરીઓને મીઠું અને મરીનાં પાઉડરમાં રગદોળીને ત્રણ દિવસ રહેવા દેવી. ત્યારબાદ તેનો ભેજ ન ઉડે ત્યાં સુધી તડકામાં સૂકવવી.સૂકાઈને કડક થઈ જાય પછી તેને હવારહિત બાટલીમાં ભરી લેવી. વિટામીન ‘સી’થી ભરપૂર આ મુખવાસ શરીર માટે ઉત્તમ છે તે ઉપરાંત મુખદુર્ગંધ દૂર કરે છે અને તરસ પણ છિપાવે છે.

                                              ૐ નમઃ શિવાય

અંક જોડકણા

                આજે માગશર સુદ એકમ

આજનો સુવિચાર:- જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે.      -ગીતાજી [6 અધ્યાય- 6 શ્લોક]

     1                                                                      6

એકડે એક                                                      છગડે છ
પાપડ શેક                                                   ભણવામાં ઢ
પાપડ કાચો                                             ઢ એટલે ઢગલો
દાખલો સાચો                                         ધોળો ધબ બગલો

       2                                                                     7

બગડે બે                                                          સાતડે સાત
રામનામ લે                                                 સાચી કરો વાત
રામનામ કેવું ?                                            વાતે થાય વડાં
સુખ આપે એવું.                                            ઘીના ભરો ઘડાં

      3                                                                     8

ત્રગડે ત્રણ                                                     આઠડે આઠ
રોટલી વણ                                                   વાંચશો પાઠ
વાટકા ગણ                                                 પાઠ છે સહેલા
ઝટપટ ભણ                                                 ઊઠજો વહેલા.

                                                                        9

ચોગડે ચાર                                                  નવડે નવ,
કરજો વિચાર                                              માટલીમાં જવ
કોઠીએ જાર                                                જવ ગયાં સડી,
હિંમત ન હાર                                              ડોસી ખૂબ રડી.

        5                                                                     10

પાંચડે પાંચ                                                     એકડે મીંડે દસ
ચકલીની ચાંચ                                                હવે થયું બસ,
ચકલી ઊડી                                                    ઈલા મોડી જાગી,
હોડી ડૂબી.                                                       ‘બસ’ ગઈ ભાગી.

                           

                                 ૐ નમઃ શિવાય

સોમવતી અમાસ

                                      આજે કારતક વદ અમાસ

આજનો સુવિચાર:- ‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું. – ગાંધીજી

     આજે સોમવતી અમાસ. આ સોમવતી અમાસનું મહત્વ બીજી અમાસ કરતાં વિશેષ છે. સૂર્ય-ચન્દ્રનું એક રાશિમાં આવવાથી અમાસનો યોગ બને છે. અમાસ એટલે અંધકાર. સુદ એકમથી પૂનમ સુધી ચંદ્ર પૂર્ણ પ્રકાશિત થાય છે. વદ એકમથી ચંદ્ર ધીમે ધીમે ક્ષીણ થતો સૂર્ય સાથે એક રાશિમાં રોકાણ કરે છે, જેને અમા-વસ કહે છે. આજના દિવસે સોમવતી અમાસનો સુંદર યોગ બન્યો છે. જ્યોતિષમાં સૂર્યને મનુષ્યની ચેતનાશક્તિ, દૃષ્ટિશક્તિ, અને આત્માશક્તિનો કારક ગણવામાં આવ્યો છે. સૃષ્ટિનાં તમામ પ્રાણીઓનું જીવન સૂર્ય પર અવલંબિત છે. સૂર્ય મનુષ્યોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક વ્યાધિઓ દૂર કરી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. હૃદયરોગ, કમળો, આંખનાં રોગો, કુષ્ઠરોગો, મહારોગ અને માનસિક વિકારોનો નાશ કરવામાં મદદ કરે છે. આપણાં ગ્રંથોમાં અમાસને પુણ્ય પર્વ ગણવામાં આવે છે. અમાસનાં દિવસે દિવાળી આવે છે જે દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે.

           સોમવતી અમાસનાં દિવસે શિવપરિવાર કૈલાસ, જે મા પાર્વતી અને શિવજીનું નિવાસસ્થાન ગણાય છે, પર ભેગા થાય છે. સતયુગમાં સોમવતી અમાસ આખા વર્ષ દરમિયાન એક જ વખતે આવી હતી. દ્વાપરયુગમાં સોમવતી અમાસ બે વખત આવી હતી. ત્રેતાયુગમાં સોમવતી અમાસ ત્રણ વખત આવી હતી અને કળિયુગમાં સોમવતી અમાસ ચાર વખત આવે છે.

               ભજન

અમર આત્મા સચ્ચિદાનંદ મૈં હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

અખિલ વિશ્વકા જો પરમ આત્મા હૈ
સભી પ્રાણીઓકા વહી આત્મા હૈ
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

જીસે શસ્ત્ર ના કાટે, ના અગ્નિ જલાયે
ગલાવે ન પાની, ન મૃત્યુ મિટાવે
વહી આત્મા સચ્ચિદાનંદ મૈં હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

અજર ઔર અમર જીસકો વેદોને ગાયા
યહી જ્ઞાન અર્જુનકો હરિને સુનાયા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈં હુઁ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

અમર આત્મા હૈ મરણશીલ કાયા
સભી પ્રાણીયોંકે ભીતર જો સમાયા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હુઁ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

હૈ તારો, સિતારોનેં પ્રકાશ જિસકા
જો ચાંદ ઔર સૂરજમે આભાસ જીસકા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હુઁ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

જો વ્યાપક હૈ જન જનમેં હૈ વાસ જીસકા
નહી તીનકાલોમેં હો નાશ જીસકા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ્

                                                     ૐ નમઃ શિવાય