સૌંદર્યવર્ધક આમળા

                                  આજે માગશર સુદ બીજ

આજનો સુવિચાર:- પહેલુ સુખ ને જાતે નર્યાં.

       શિયાળો આવતાં જ વિવિધ શક્તિવર્ધક પાકનું મહ્ત્વ વધી જાય છે. તેમાં આમળા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણા પુરાણકાળથી તેના ઉપયોગનો ઉલ્લેખ જોવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ મા પાર્વતી અને માતા મહલક્ષ્મીજી સાથે વિહાર કરવા ગયાં અને બંન્નેને એકસરખો વિચાર આવ્યો કે કાંઈક નવી વસ્તુથી શ્રી વિષ્ણુનું અને શ્રી શિવજીનું પૂજન થાય. આ સમયે બંને માતાઓની આંખમાંથી અશ્રુજળ સરી પડ્યાં. આમ આબંનેનાં અશ્રુનું સંમિશ્રણનાં ફળ સ્વરૂપ એટલે ‘આમળા’નું વૃક્ષ. આમ આમળા તુલસી અને બિલીવૃક્ષ સમાન પૂજનીય છે. અને તેના પાન વડે શ્રીવિષ્ણુ અને શ્રીશિવજીનુ પૂજન થાય છે. આમળાની ઉત્પત્તિ મહા સુદ એકાદશીને દિવસે થઈ હોવાનું કહેવાય છે. ‘કતિપય’ કથા મુજબ આમળાની ઉત્પત્તિ કારતક સુદ નોમ જે અક્ષય નવમી તરીકે ઓળખાય છે, ને દિવસે થયો હતો..

     આમળાનું વૃક્ષ 30 થી 60 ફૂટ્ની ઉંચાઈ સુધી જોવા મળે છે.તેનાં પાંદડા આમલીનાં પાન જેવા આકારના છે. આ વૃક્ષ 6 થી 8 ફૂટની ઉંચાઈ ધરાવે છે. કારતક માસથી તેની પર ફળ આવવાનું ચાલુ થાય છે જેને આપણે આંબળા તરીકે ઓળખીયે છીયે. આંબળા સોપારીથી માંડીને લીંબુ જેટલાં મોટા હોય છે. આમળા ભારતનું અતિ પ્રાચીન ફળ છે. આમળાની લગભગ 40 થી 41 જાત છે. એમાં આછા લીલા રંગનાં ગુલાબી ઝાંયવાળા આમળા ઉત્તમ ગણાય છે. આમળા સ્વાદે ખાટા, તૂરા અને મધૂરાં હોય છે.

       વિટામિન સીથી ભરપૂર આમળામાંથી ચ્યવનપ્રાશ, મુરબ્બો, અથાણાં, જામ, જયુસ, સ્કવોશ વગેરે બને છે. મીઠા અને મરી મિશ્રિત તેની સુકવણી મુખવાસ તરીકે ખવાય છે. સાકર મિશ્રીત સુકવણી પણ મુખવાસ તરીકે વપરાય છે. નેત્ર માટે આમળા ઉત્તમ છે. ઘનશ્યામ કેશ માટે, ચમકીલી ત્વચા માટે આમળાનો રસ ઉત્તમ છે. આમળાને ‘અમૃતા’ કહ્યાં છે, જેનાં સેવનથી યૌવન સ્થિર થાય છે માટે તે ‘વયસ્થા’ પણ કહેવાય છે. 

  

                આમળાનો મુખવાસ:-

    

      જોઈતા પ્રમાણમાં આમળા લઈ તેની ચીરીઓ કરવી જેથી તેનો ઠળિયો વચ્ચેથી નીકળી જાય. ત્યારબાદ તે ચીરીઓને મીઠું અને મરીનાં પાઉડરમાં રગદોળીને ત્રણ દિવસ રહેવા દેવી. ત્યારબાદ તેનો ભેજ ન ઉડે ત્યાં સુધી તડકામાં સૂકવવી.સૂકાઈને કડક થઈ જાય પછી તેને હવારહિત બાટલીમાં ભરી લેવી. વિટામીન ‘સી’થી ભરપૂર આ મુખવાસ શરીર માટે ઉત્તમ છે તે ઉપરાંત મુખદુર્ગંધ દૂર કરે છે અને તરસ પણ છિપાવે છે.

                                              ૐ નમઃ શિવાય