સુંદરતા

                      આજે માગશર સુદ આઠમ

આજનો સુવિચાર:- જીભ મીઠાશથી થાકે છે, કાન ક્યારે થાકતા નથી.

હેલ્થ ટીપ્સ:- લીમડાનાં પાનને પાણીમાં વાટીને, તે પાણીથી માથું ધોવાથી માથાનો ખોડો મટે છે.

         શિયાળો આવતા જ વાતાવરણ બદલાઈ જાય છે હવામાં રુક્ષતા આવતી જાય છે. શિયાળો સ્વાસ્થય માટે ઉત્તમ છે પરંતુ ત્વચા અને વાળને રુક્ષ બનાવે છે અને જો તેની કાળજી ન લેવાય તો ચામડી ફાટી જાય છે અને વાળ પણ સૂકા થઈ તૂટવા માંડશે. આ ઋતુમાં શરીરનાં સ્વાસ્થય સાથે સાથે ત્વચાની તેમ જ વાળની કાળજી લેવી જરૂરી છે.

      આપણા રક્તનાં બંધારણમાં ¾ હિસ્સો પાણીનો છે અને આપણી ત્વચા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે. મોટાભાગનાં લોકોમાં એક એવી ગેરસમજ છે કે શિયાળામાં પાણીની તરસ ઓછી લાગે છે અને પાણી ઓછું પીવાય છે. જેથી શિયાળામાં ત્વચા સૂકાઈ જાય છે. જેટલી ઉનાળામાં પાણી જરૂર છે તેટલી શિયાળામાં છે. તેનાં વિકલ્પ રૂપે નાળિયેરનું પાણી, ગરમ સૂપ, તાજા ફળોનો રસ, લીંબુ,મધ-તુલસીના રસનું મિશ્રણ ઉત્તમ છે. દિવસ દરમિયાન 8 થી 10 પ્યાલા પ્રવાહી પીવું જરૂરી છે.

         સ્નાનની શરૂઆત જો ગરમ પાણીથી થાય તો ત્વચાનાં છિદ્રો ખૂલી જશે અને લોહીનું ભ્રમણ પણ વધી જશે. ત્યારબાદ ઠંડા પાણીથી સ્નાન [જો ઠંડુ પાણી સહન ન થાય તો હુંફાળું ચાલે]થાય તો ત્વચા મુલાયમ થશે. તેલનું મસાજ શિયાળામાં ત્વચાને નિખારવા માટે ઉત્તમ છે. તલનું તેલ, ઓલીવ ઑઈલ કે બેબી ઓઈલ રુક્ષ ત્વચા માટે ઉપયોગી છે. સ્નાન માટે સાબુ ન વાપરતાં ચણાના લોટમાં એક ચમચી હળદર અને એક ચમચી હળદર ભેગાં કરી ત્વચાને કોમળ રાખવા ઉપયોગી છે.

              શિયાળામાં કૃત્રિમ બાજારૂ લોશનોનો વધુપડતો ઉપયોગ ત્વચાને નુકશાન પહોંચાડે છે. તો આપણે જો કુદરતી રીતે મળતી વનસ્પતિનો કે તેલનો ઉપયોગ કરવામાં આવે તે વધારે હિતાવહ છે. જેવા કે બદામનું તેલ આંખોનાં કાળા કુંડાળા માટે , કે શેતુરનું તેલ સુકાયેલાં હોઠ માટે, ફાટેલી એડીઓ માટે ગુણકારી છે. સૂકી ત્વચાનાં જો પોપડા ઉખડતાં હોય ત્યારે ગ્લિસરીન, લીંબુ અને ખાંડ મિશ્રિત લેપ ઊપયોગી છે. પાઉડરના ઊપયોગ ન થાય તો સારું.

       વાળની મુલાયમતા જાળવવા તલનું તેલ ઉત્તમ છે. હળવા હાથે વાળમાં તેલનું મસાજ કરી માથા પર ગરમ પાણીમાં ભીનો કરેલો ટુવાલ વીંટાળવો. ત્યારબાદ હળવા શેમ્પૂ અથવા અરીઠાં, આમળા અને તુલસીના પાઉડરની ઘટ્ટ પેસ્ટ બનાવી માથામાં લગાડો . એક કપ ગરમ પાણીમાં એક ચમચી મધ ભેળ માથામાં લગાડવું.

         જાસુદનાં ફૂલની ઘટ્ટ પેસ્ટ બનાવી માથામાં કલાક બે કલાક લગાડી વાળ ધોવાથી કુદરતી કંડિશનર થશે. આનાથી વાળ ખરતાં અટકશે અને વાળ કુદરતી રીતે કાળા થશે. 

                                            ૐ નમઃ શિવાય