હેલન કેલર

           આજે માગશર સુદ તેરસ

આજનો સુવિચાર:- ભોગની નહીં પણ ત્યાગની ભાવના ગ્રહણ કરો.

હેલ્થ ટીપ્સ:- જીરાને શેકીને ખાવાથી પાયોરીયાની દુર્ગંધ દૂર થશે.

[અમેરિકા સ્થિત શ્રી ભગેશભાઈ કડકિઆએ આ લેખ મોકલાવ્યા બદલ ખૂબ આભાર. તેઓ અમેરિકામાં પ્રસારિત થતાં આપણી ગુજરાતી ભાષાનાં મેગેઝિન તથા ગુજરાતી ન્યુઝ પેપરનાં પ્રસિદ્ધ લેખક છે. તમારા પ્રતિભાવો તેમને મોકલવા હોય તો rfkadakia@yahoo.com પર લખી શકો છો.]

    હાસ્યરસિક લેખક માર્ક ટ્વીએને એકવાર જણાવેલું કે જો 19 મી સદીમાં બે સૌથી રસિક પાત્રો થયાં હોય તો તે એક નેપોલિયન અને બીજાં હેલન કેલર.

     હેલન કેલરનો જન્મ 27મી જુન, 1880માં અમેરિકાના ટુસ્કમ્બિયા શહેરમાં થયો હતો. દોઢ વર્ષની વયે તેઓ સખ્ત બિમારીમાં પટકાયા હતાં. એ ભયાનક માંદગીને પરિણામે તેમણે જીવનમાં સૌથી અગત્યનું સ્થાન ધરાવતી પાંચ જ્ઞાનેન્દ્રિયોમાંથી ત્રણ જ્ઞાનેન્દ્રિય- ચર્મચક્ષુ, શ્રવણેન્દ્રિય અને વાચા ખોઈ. તેમનું જીવન કપરૂં બન્યુ. પણ તેમના જીવનની આ કઠિનાઈ લાંબો વખત ન ટકી. છ વર્ષની વયે, શિક્ષિકા તરીકે ઍન સ્લીવના આગમનથી એમનું જીવન પ્રગતિનાં પંથે પ્રયાણ કરવા લાગ્યું.

       તેમને સ્પર્શથી દર્શન અને શ્રવણશક્તિ પ્રાપ્ત કરી. તેમની વાચા તો ઍન સ્લીવના આગમન પછી તરત જ પ્રગટી હતી. અઢાર વર્ષની ઉંમરે તેમણે ભૂમિતિ, બીજગણિત, ભૌતિકશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર અને ફિલસુફીનો અભ્યાસ કરી લીધો હતો. વધુમાં કૉલેજ જીવન દરમિયાન તેમણે ફ્રેંચ. અંગ્રેજી, ગ્રીક અને ઈટાલિયન ભાષાઓ જાણી લીધી હતી.

   સાહિત્ય પ્રત્યેની રુચિ હોવાથી કૉલેજના બીજા વર્ષ દરમિયાન તેમણે ‘ધી સ્ટોરી ઑફ માય લાઈફ’ નામનું પુસ્તક લખેલું હતું. જેમ એકની ઉણપ બીજાની પૂરક બને તેમ તેમની બે ઈન્દ્રિયોની ખોટ અતિ તિવ્ર ઘ્રાણેન્દ્રિય તથા સ્પર્શેન્દ્રિયથી પૂરક બની હતી.

    આંધળાઓના વિકાસ માટે તેમણે બ્રેઈલ લિપિમાં 10 પુસ્તકો લખ્યાં. વધુમાં બી.એ.,ડી.લીટ. અને એલ. એલ.ડી. જેવી ઉપાધિઓ મેળવી હતી. તેઓ નિત્ય દસેક કલાક સેવાકાર્ય કરતાં. આધ્યાત્મિક ક્ષેત્રે તેમણે ખૂબજ પ્રગતિ કરી હતી. મોટી ઉંમરે તેઓ અંધોની સેવા કરતાં રહ્યા હતાં તેથી તેઓ ‘અંધોની પ્રેરણામૂર્તિ’ તરીકે ઓળખાતા. તેમને મળેલા પારિતોષકો, ઈલ્કાબો, ઈનામો તેમણે અંધોને માટે ઉપયોગમાં લીધાં હતાં. અંધોની સેવા કાજે ફંડ ઊભું કરવા તેમણે દુનિયાની બબ્બેવાર પ્રદક્ષિણા કરી હતી. તેમનું મૃત્યુ 1 જુન 1968 ના દિવસે થયું હતું.

         આ અંધ, બધિર લેખિકા તથા શિક્ષિકા – હેલન કેલર- અવનિનાં અદ્વિતિય નારી તરીકે નેત્રી વિનાના નેત્રી પરખાતાં, સાચે જાદુગર સમાન હતાં. શારીરિક અપંગતાઓ ઉપર વિજય મેળવવાની માનવીની ઈચ્છાશક્તિનું તેઓ એક અનોખું ઉદાહરણ હતાં.

                                                                ૐ નમઃ શિવાય