ગુરુના ગુરુને શ્રદ્ધાંજલિ

                      આજે માગશર વદ સાતમ

આજનો સુવિચાર:- કોઈની તરફ એક આંગળી ચીંધવાથી બાકીની ત્રણ આંગળીઓ પોતાની તરફ ચીંધાતી હોય છે.

હેલ્થ ટીપ્સ:- મરીનાં બે ત્રણ દાણા રોજ ખાવાથી કોઈ પણ રોગ થતો નથી.

 

[મુંબઈ સ્થિત પ્રો. રમેશભાઈ ભોજકે, જે તબલા વિશારદ છે, લખીને આપવા બદલ મેઘધનુષ તરફથી ખૂબ ખૂબ આભારી છું.]

    મને જ્યારે જ્યારે સરળતા, હસમુખાપણું, ઉત્સુકતા અને ઊર્મિની સચ્ચાઈનો વિચાર આવે છે ત્યારે મારા ગુરુદેવ ડૉ. રમણભાઈ શાહનું સ્મરણ થઈ આવે છે.

     પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વ્યાખ્યાન પૂર્વે ભક્તિ સંગીતનાં કાર્યક્રમ દરમિયાન જ્યારે પણ હું તબલા વાદન કરતો હોઉ ત્યારે તેમના ચહેરા પર પ્રસન્નતાના તરંગો ઉછળતા જોયા છે.

    સંગીતને આટલી તરસ સાથે ગટગટાવનાર બહું ઓછા હોય છે. અભિનંદન આપતો એમનો હુંફાળો હાથ આજેય મારી પીઠ પર ફરતો અનુભવું છું.

    મારા શિક્ષણની ગાડી અનેક સ્ટેશને અટકીને આગળ ચાલી છે. બી.એ. થયા બાદ ગુજરાતી સાથે એમ.એ. કરવા મુંબઈ યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણ વિભાગમાં જોડાયો ત્યારે ડૉ. રમણભાઈ શાહ ગુજરાતીના હેડ ઑફ ડિપાર્ટમેંટ. હેમચંદ્રાચાર્યના દુહા રસથી ભણાવે એટલું જ નહિ વિદ્યાર્થીઓ પણ રસથી ભણાવે એટલું જ નહી વિદ્યાર્થીઓ પણ રસ્થી ભણે એવું એમનું આધ્યાત્મનું કૌશલ્ય. દુહા અને વ્યાકરણનાં સૂત્રોના અભ્યાસથી જૂની ગુજરાતીભાષાને ખોળે રમવાનો લ્હાવો મળ્યો. ‘સર’ ભણાવતા હોય ત્યારે એકસાથે બે પીરિયેડ ક્યાં પૂરા થઈ જાય તેનો કોઈ અણસાર પણ ન આવે. લેક્ચર્સ પૂરા થાય ત્યારે એ કહે ‘હું એકલો જ છું ચાલો મારી સાથે ગાડીમાં બેસી જાઓ.’. ગુરુ ભાવનાને સહર્ષ હૃદયે ચઢાવી હું અનેકવાર એમની ગાડીમાં બેઠો છું. ચર્ચગેટથી ચોપાટી સુધીની ગુરુ સાથેની એ માત્ર જ્ઞાનયાત્રા બની ગઈ છે. સહજ વાતમાંયે એમની વિદ્વવત્તાના ચમકારા અનુભવ્યા છે.

      ઘણીવાર મફતલાલ બાથના સ્ફટિક જેવા નિર્મળ જળમાં હળવે હળવે તરતાં જીવનની સુંદરતા વિષે અમારી બંને વચ્ચે વાતો ચાલતી તે વાતો મારા માટે ભવસાગર તરતા મહત્વની બની રહી.

       અનેક પ્રવૃતિઓ સાથે સંકળયેલા હોવા છતાંય રમણભાઈસર નિયમિત રીતે લખતા, મને પણ વારંવાર કહેતા, ‘રમેશભાઈ, લખવાની ટેવ પાડો’ ! આજે હું જે કાંઈ લખી રહ્યો છું એની પાછળ મારા ગુરુની પ્રેરણા કામ કરી ગઈ.

      હાયર સેકંડક્લાસ સાથે એમ.એ. પાસ થયા બાદ ‘વિલ્સન કૉલેજ’માં વ્યાખ્યાતા તરીકે જોડાયો. ત્યારથી આજ સુધી એમને અનુસરું છું.

          શાહ સાહેબને જ્ઞાન સાથે અતૂટ સંબંધ, જ્ઞાન પ્રાપ્તિની અને નવું શીખવાની એમની અદમ્ય ધગશની આડે કશુંએ ન આવી શક્યું. એમની 70 વર્ષની ઊંમરે એમણે એકવાર કહ્યું,’ રમેશભાઈ મને તબલા શીખવાદશો?’ હું મારા કાન પર વિશ્વાસ ન કરી શક્યો.. ત્યાં જ એમણે ફરી પ્રશ્ન કર્યો . મેં સંકોચ અને વિનમ્રતા સાથે હા પાડી. તબલા અભ્યાસ શરૂ થયો. મને તકલીફ ન પડે તે માટે તેઓશ્રી વાલકેશ્વરથી ડ્રાઈવ કરી કૉંગ્રેસ હાઉસ મારા ઘરે શીખવા આવે. ગમ્મત કરતા કહે,’ હવે તમે મારા ગુરુ ઊંચા આસને બેસો.’. હું કહેતો ‘પહેલા તમે મારા ગુરુ છો! મારે તો ખાડો ખોદીને પણ તમારાથી નીચા આસને બેસવું જોઈયે !’ આમ અમારી જ્ઞાન યાત્રાથી રમણભાઈ તબલા વગાડતાં શીખ્યા.

     જ્યારે જ્યારે તેઓ વ્યાખ્યાન માળામાં તેઓ તબલા વગાડતા ત્યારે શ્રોતાઓ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેતાં. ડૉ. રમણભાઈ અને પ્રા. પૂ. તારાબેનની જોડીએ અનેકને જ્ઞાન અને સ્નેહ પીરસ્યા છે. સરસ્વતીના આરાધક અને માનવતાની મૂર્તિ એવા ગુરુઓના ગુરુને ભાવભરી શ્રદ્ધાંજલિ.

                                    ૐ નમઃ શિવાય