મકર સંક્રાંતિ

   આજે પોષ વદ દસમ,  મકર સંક્રાંતિ

આજનો સુવિચાર:- આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ. —- સ્વામી સચ્ચિદાનંદ

હેલ્થ ટીપ્સ:- આંખની નીચેનાં કાળા કુંડાળા દૂર કરવા ખમણેલા બટાટાની છીણ કે ઠંડી કાકડીનું પાતળું પતીકું રોજ દસ મિનિટ બંધ આંખો ઉપર મૂકી રાખો.

વ્યોમ સરોવરમાં ભમે, દિવ્ય મકરનાં વૃંદ
મલય ત્યજી લાવે રવિ, શીતળતાનો અંત
અરુણે વાળ્યાં અશ્વને, અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યાં ભાનુદેવ ભગવંત

નીનુ મઝુમદાર

આપણી પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા પોતાની ધરી ઉપર કરે છે. સૂર્યની પ્રદક્ષિણા કરવાથી ઋતુઓ બદલાય છે. મકરસંક્રાંતિના દિવસથી પૃથ્વી ઉત્તર તરફ ગતિ કરે છે આથી તેને ઉત્તરાયણ કહે છે. આજ દિવસથી અશૂભ સમય પૂર્ણ થાય છે. તેનાં પ્રાયશ્ચિત રૂપે તીર્થ સ્નાન, જપ, તપ, દાનનો મહિમા છે. આજના દિવસે ગંગા-સાગરના સ્નાનનું ખૂબ મહત્વ છે. લાખો લોકો આ દિવસે ગંગાસાગર [કોલકત્તામાં] સ્નાન કરે છે. અલ્લાહબાદમાં યોજાયેલ અર્ધકુંભ મેળામાં આજે ગંગા સ્નાનનું ખૂબ મહત્વ છે. આપણા દેશમાં આ પર્વનું મહત્વ અનોખુ છે. જુદા જુદા પ્રાંતમાં તેની ઉજવણી જુદી જુદી રીતે થાય છે. આ દિવસે વાયુસ્નાનનુ વધારે મહત્વને હોવાને કારણે અને પવનની દિશા કઈ તરફ છે તે જાણવા પતંગ ઉડાડવાની પરંપરાની શરુઆત થઈ હતી. તલનાં અનોખા ગુણને કારણે અને ઠંડી સામે રક્ષણ મળે તે હેતુ થી તલસાંકળી બનાવી ખાવાની પ્રથા છે. મરાઠી પ્રજા આ દિવસે તલનાં લાડુ બનાવી એકબીજાને આપી કહે

તીલગુડ ગ્યા આણી ગોડ ગોડ બોલા [તલનાં લાડુ લો અને મીઠુ મીઠુ બોલો]

ભારતિય સંસ્કૃતિમાં ગાયનું મહત્વ વિશેષ હોવાથી ગાયને લીલો ચારો ખવડાવવાનું આજનાં દિવસે મહત્વ છે.

બાણશય્યા ઉપર સૂતેલાં ઉત્તરાયણની રાહ જોતા અને ઈચ્છામૃત્યુને વરેલાં ભિષ્મપિતામહે પણ આજના દિવસે પ્રાણ છોડ્યા હતાં.

સચરાચરનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યાં મેઘ વિના મેઘધનુ રંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ રૂપેરી ફુમતાંવાળી તો કોઈ અંતરના રૂપથી રૂપાળી
જાણે ઉડે અનંતનાં ઉમંગો દોડી આવી ગગનમાં પતંગો

કોઈ ખેંચે ને કોઈ ઢીલ છોડે તો કોઈ ખેલે પવનને ઘોડે
જાણે જીવનનાં જીતવા જંગો દોડી આવી ગગનમાં પતંગો

દીધી ઢાંકી સૂરજની જ્વાળા રચે દિગંતમાં નક્ષત્રની માળા
જાણે બ્રહ્માનાં મનનાં તરંગો દોડી આવી ગગનમાં પતંગો

—– નીનુ મઝુમદાર

                    ૐ નમઃ શિવાય