અમે ઈચ્છ્યું એવું…..

                  આજે મહા સુદ દસમ

આજનો સુવિચાર:- એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં., —- રૂલેવી આબીડન

હેલ્થ ટીપ્સ:- એક ચમચી પપૈયાના ગરમાં થોડીક હળદર અને બે ચમચીમુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી કાળા ધબ્બા ઓછા થશે.

     ‘પંજાબ કેસરી’ લાલા લજપતરાયનો જન્મ 28મી જાન્યુ.ના દિવસે હાલ પંજાબના ફિરોઝપુર જિલ્લામાં આવેલ ઘુડીકે ગામમાં 1865માં થયો હતો.. માત ગુલાબદેવી અને પિતા મુંશી રાધાકિશન. લાલ, બાલ અને પાલ તરીકે ઓળખાતી આ સ્વાતંત્ર્ય સંગ્રામની મહાન ત્રિપુટીના લાલ એટલે લાલા લજપતરાય. બ્રિટીશ રાજમાંથી મુક્તિ મેળવવા ભારતમાં ચાલેલી લડતમાં આ ત્રણે મહાનુભવો મોખરે રહ્યાં હતાં. 1905માં બંગાળના ભાગલાના પ્રસંગને તેમણે આઝાદીની લડતના મંડાણ તરીકે ફેરવી દીધો અને દેશ્ભરમાં જુવાળ ઊભો થયો. 1926માં તેઓ ભારતીય વેપાર ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રીય મજદૂર પરિષદમાં ભાગ લેવા જીનીવા ગયા હતા. તેમણે સ્વરાજ્ય અને સામાજિક પરિવર્તન, ભારતમાં શિક્ષણના રાષ્ટ્રીય પ્રશ્નો જેવાં વિવિધ વિષયોનાં પુસ્તકો લખ્યાં હતાં.

અમે ઈચ્છ્યું એવું….

 

એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
’કેમ છો?’ એવુંય ના કહેવું પડે
સાથ એવો પંથમાં ભવ ભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનને રવ મળે !

તોય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..

——– માધવ રામાનુજ

                                      ૐ નમઃ શિવાય