યોગ અને પ્રાણાયામ

                   આજે ફાગણ સુદ બારસ

આજનો સુવિચાર:-ગળ્યા ભોજનનો સ્વાદ એટલા લાંબા સમય સુધી રહેતો નથી જેટલા સમય સુધી સારા શબ્દોની મીઠાશથી રહે છે. – થાઈ કહેવત
 

હેલ્થ ટીપ્સ:- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.

‘યોગ’ અને ‘પ્રાણાયામ’ ભારતીય સંસ્કૃતિનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે. વિશ્વભરમાં તેને ભારતની વિશ્વને અમૂલ્ય ભેટ તરીકે માનવામાં આવે છે.

વિશ્વની દૃશ્યમાન વસ્તુઓ જેમાં આપણો માનવદેહનો પણ સમાવેશ થાય છે જે પંચ તત્વનો બનેલો છે.

1] પૃથ્વી  2] જળ  3] અગ્નિ  4] વાયુ  5] આકાશ

આ તત્વો પૈકી પૃથ્વીતત્વ ઘન પદાર્થ તરીકે આપણને તેના અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. જળ પ્રવાહી પદાર્થ તરીકે, અગ્નિ તેના જલનના ગુણ અને તેજ દ્વારા, વાયુ તેના સ્વાભાવિક સતત વહન ક્રિયા દ્વારા અને આકાશ કોઈપણ ઈંદ્રિય દ્વારા, જેની પ્રતીતિ ન થતી હોય તો ખાલીપણાના ગુણ દ્વારા પોતાના અસ્તિત્વની પ્રતિત્વ કરાવે છે. આમ માનવદેહ પણ આ પંચ તત્વોનું બનેલું છે. તે ત્રિગુણી પ્રકૃતિ દ્વારા વિશ્વનું સર્જન થયું છે એમ માનવામાં આવે છે. એ ત્રિગુણ એટલે સત્વ, રજસ અને તમસ.

યોગની ક્રિયામાં મનની એકાગ્રતા માટે આ ત્રિગુણો પર સર્વાધિક નિયંત્રણ હોવું જરૂરી છે. આ પંચતત્વો પૈકી વાયુ જે આપણા શ્વસન તંત્રને નિયમીત કરે છે તેનું સૌથી વધુ મહ્ત્વ છે જેનાં વગર જીવન અશ્ક્ય છે. તેથી આપને તેને ‘પ્રાણ’ સ્વરૂપે શરીરમાં શ્વસનક્રિયા દ્વારા પ્રવેશ આપીએ છીએ. વાત. પિત્ત અને કફને આયુર્વેદની ભાષામાં ત્રણ દોષ તરીકે –ત્રિદોષ તરીકે ઓળખાય છે. આ ત્રણેય દોષોમાં વાયુના દોષને અતિ શક્તિશાળી ગણાય છે. આ વાયુ શરીરનાં તમામ ધાતુ-મળ વિગેરેનું વિભાજન કરી બિનજરૂરિયાત તત્વને શરીરની બહાર છિદ્રો દ્વારા ફેંકી દે છે. વાયુ ગુણમાં શીતળ, સૂકો, હલકો અને ચંચળ છે.

ઉપનિષદોમાં ‘પ્રાણ’ને ‘બ્રહ્મ’ કહેવામાં આવ્યો છે. આ ‘પ્રાણ’ શરીરના કણેકણમાં વ્યાપી રહેલો છે. શરીરની કર્મેન્દ્રિયો જ્યારે આરામ અને નિંદ્રાધીન થાય છે ત્યારે પ્રાણશક્તિ નથી આરામ કરતી નથી નિંદ્રાધીન થતી. તે સતત દિવસનાં ચોવીસ કલાક અને 365 દિવસ કાર્યરત રહે છે. જ્યાં સુધી આ પ્રાણશક્તિ શરીરમાં ટકી રહે છે ત્યાં સુધી જીવન છે પરંતુ જ્યારે એ અટકી જશે ત્યારે મૃત્યુઘંટ વાગે છે. આ રીતે વિચારતાં પ્રાણશક્તિ જીવનનું સર્વસ્વ છે. પ્રાણને કારણે જ દેહ અને બ્રહ્માંડની સત્તાનો અનુભવ આપણે કરી શકીએ છીએ.

અન્ન વિના વર્ષો સુધી જીવન ટકાવવું શક્ય છે પરંતુ પ્રાણતત્વ સંચાર વિના પ્રાણીજીવન એક પળ પન જીવી શકતું નથી. પ્રાણ શરીરની તમામ મહત્વપૂર્ન ગ્રંથિઓ [Glands] જેવાં કે હૃદય, ફેફસાં, મસ્તિક્માં આવેલું મગજ તથા મેરુદંડ [Spinal Cord] સહિત સમસ્ત શરીરને સ્વસ્થ, સશક્ત અને તંદુરસ્ત રાખે છે.

પ્રાણને શરીરમાં પ્રવેશવાનું મુખ્ય સ્થાન નાસિકા છે. નાસિકા દ્વારા થતા શ્વાસનાં નિયમન પર જીવનનો આધાર છે અને ‘પ્રાણાયમ’ની ક્રિયામાં આ શ્વસનક્રિયા જ મહત્વનો ભાગ ભજવે છે. ‘પ્રાણાયમ’ કરવો એટલે માત્ર હવા ફેફસાંમાં ભરવી અને બહાર કાઢવી એટલું જ નહિ પણ વાયુની સાથે પ્રાણશક્તિ જીવન શક્તિને શરીરમાં પ્રવેશ આપવો એવો પ્રાણાયામનો અર્થ ઘટિત કરી શકાય.

પ્રાણાયમનાં અંગેના નિયમો તથા પ્રાણાયામની ક્રિયા વગેરે આગળ પછીનાં લેખમાં જોઈશું.
                        ૐ નમઃ શિવાય

બાળ ઉખાણા [જવાબ]

      આજે ફાગણ સુદ એકાદશી

આજનો સુવિચાર:- દુનિયામાં અકારણ વેરી ઘણાં હોય છે, પણ તમે અકારણ ઉપકારી બનો.

હેલ્થ ટીપ્સ:-લીંબુ, ટામેટા અને કાકડીના રસના મિશ્રણ 10 મિનિટ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પરનાં ડાઘા દૂર થાય છે.

બાળકો દ્વારા લખાયેલાં બાળ ઉખાણા [જવાબ]

1] દાદા છે પણ દાદી નથી,
  ભાઈ છે પણ ભાભી નથી
  નવરો છે પણ નવરી નથી,
  રોજી છે પણ રોટી નથી

     દાદાભાઈ નવરોજી

2] મહાન છે પણ નીચ નથી.
  આત્મા છે પરમાત્મા નથી
  ગાંધી છે પણ નહેરુ નથી,
  જગમાં તેનો જોટો નથી

   મહાત્મા ગાંધીજી

3] એ આપવાથી વધે છે.
  એ આવે ત્યારે જન જાગે છે
  એ જાય ત્યારે જન ઊંઘે છે.

          વિદ્યા

4] એક એવું અચરજ થાય
  જોજન દૂર વાતો થાય

      ટેલિફોન , કોમ્પુટર

5] ઉનાળુ ઊલટું ઘરે,
  ચોમાસે ભરાય
  એ આવે સુખ ઉપજે,
  તે સમજાવો

       સરોવર

6] અગ, મગ ત્રણ પગ,
  લક્કડ ખાય
  અને પાણી પીએ.

       ઓરસિયો

7] અક્કડ પાન,
  કડાક્ક બીડી.
  માંહી રમે છે
  કામી કીડી

      અક્ષર

આ ઉખાણા લખ્યાં છે  કુ.ખુશ્બુ ઠક્કર

1] લીલી બસ, લાલ સીટ
  અંદર કાળા બાવા

      તરબૂચ

2] આટ્યું પાટ્યું ભોંયમાં દાટ્યું
  સવારે જોયું તો સોનાનું પાટ્યું

     સૂરજ

3] ખારા જળમાં બાંધી કાયા
  રસોઈમાં રોજ મારી માયા
  જનમ ધર્યાને પારા છોડા,
  મારા દામ તો ઊપજે થોડા

           મીઠું

4] ઘેર ઘેર દીવડા પ્રગટાવે
  અમીર ગરીબ સૌ આનંદ લૂંટે
  વેરઝેરની આજે વાતો ભૂલાય
  મીઠા મોં કરી આજે સૌ મલકાય

        દિવાળી

5] શરીર નહીં પણ જન્મે ખરી,
  મોં નહીં પણ કરે અવાજ
  જન્મી એવી ઝટ મરે

      ચપટી

આ ઉખાણા કુ. સમીર દરજી એ લખ્યાં છે.

1] ભેંસ વિયાણી પાડો પેટમાં
  દૂધ દરબારમાં જાય
  ચતુર હોય તો સમજી લ્યો
  મૂરખ ગોથા ખાય !

          કેરી

2] જળનાં ફૂલ છે જે
  તળાવોમાં થાતાં
  લિંગ પર ચઢે
  થાય ધોળાં રાતાં

     કમળ

3] ગોળ ઓરડો અંધારો ઘોર
  એમાં પૂર્યાં રાતા ચોર,
  એ ચોરને બધાંય ખાય
  છે કલજુગનું કૌતુક ઑર !

       દાડમ

4] પીળા પીળા પદમસી
  ને પેટમાં રાખે રસ
  થોડાં ટીપાં વધુ પડે તો
  દાંતનો કાઢે કસ !

       લીંબુ

5] રાતા રાતા રતનજી
  પેટમાં રાખે પાણા
  વળી ગામે ગામે થાય,
  એને ખાય રંકને રાણા !

         બોર

                             ૐ નમઃ શિવાય

વિસરાયેલો સૂર

                     આજે ફાગણ સુદ દસમ

આજનો સુવિચાર:- એકવાર તમે તમારા માટે આદર્શ નક્કી કરો કરો ત્યારબાદ વિચાર, વાણી અન્એ વર્તનમાં સામ્ય રાખો.

હેલ્થ ટીપ્સ:- નાના બાળકને ઝાડા થયાં હોય તો થોડા દૂધમાં જાયફળ ઘસી પીવડાવવાથી ઝાડા તો બંધ થશે અને નિરાંતે ઊંઘી પણ જશે.

    ખેડા જિલ્લાના રઢુ ગામમાં 25/2/1884ના દિવસે રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. 1916માં મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા બાદ આઝાદીની લડતમાં સક્રિય ભાગ લેવો શરૂ કર્યું. 1920માં સુણાવમાં રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી. 1923માં બોરસદ સત્યાગૃહમાં સક્રિય ભાગ લીધો. 1928માં બારડોલીના સત્યાગૃહમાં તેમની બે વર્ષની કેદ થઈ હતી. આમ અનેક રાષ્ટ્રીયકાર્યો કર્યાં હતાં. 1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના તેમના હસ્તે થઈ. આ મૂઠ્ઠી ઉંચેરા માનવીએ 101 વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવી 1984ની 1 જુલાઈએ છેલ્લો શ્વાસ લીધો હતો.

વિસરાઈ ગયેલો સૂર:- પંડિત યશવંતરાય પુરોહિત

     શાસ્ત્રીય સંગીતના તેજસ્વી તારલામાં ગુજરાતી સંગીતજ્ઞ પં. યશવંતરાય પુરોહિતનું નામ મોખરાના કલાકારોમાં ગણાય છે. મન-હૃદયને સ્પર્શી જાય એવી બંદિશોના રચયિતા છે. તેમના શિષ્ય સ્વ. શ્રી વિનાયક વોરાના શબ્દમાં આ કલાકારનો પરિચય મેળવીયે. 3/1/1998ના દિવસે પ્રગટ થયેલો અહેવાલ છે.
 

[મારી મૉડર્ન સ્કૂલનાં સંગીત શિક્ષક હતાં, જોકે મારે નસીબે તેમનું શિક્ષણ ન હતું પરંતુ તેમનો મરણોત્તર રૂપે 1964માં પ્રથમ સંગીતનો સ્કૂલનો ઍવોર્ડ પ્રાપ્ત કરવાનું ભાગ્ય મારા નસીબે હતું. જ્યારે હું એસ.એસ.સી.માં ભણતી હતી.]        

20મી શતાબ્દીમાં શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે કેટલાંક તેજસ્વી તારલામાંના એક તે શ્રી યશવંતરાય પુરોહિત. આ ગાયકના લોહીમાં જ સંગીતના સંસ્કાર હતા. નાનપણથી જ ગાંધીજી અને વિનોબા ભાવેનો પૂરો પ્રભાવ હોવાથી તેમનામાં સંકલ્પબળ અને આત્મસંયમ તેમનામાં સહજ હતાં. મધુરકંઠ અને ભાવુક્તાને કારણે સ્વરોપાસનાથી જે મેળવ્યું તે તેમણે મા શરદાને ચરણે તન, મન, ધનથી સમર્પિત કરી દીધું અને ફક્ત સાધનાનો માર્ગ અપનાવ્યો.

     સંગીતનું પ્રાથમિક શિક્ષણ પૂ. શંકરરાવ વ્યાસ પાસે લીધા બાદ પં. બાળકૃષ્ણ બુવા પાસે કિરાણા ઘરાણાની તાલિમ લીધી. મુલાયમ અને મધુર અવાજને લીધે થોડા જ વખતમાં કિરાણા ઘરાણાના ટોચના ગાયકોમાં તેમનું નામ શામિલ થઈ ગયું. તેમનાં જીવનમાં એક ઉચ્ચ ગાયકનાં ગુણો, યોગ્ય કંઠ, કઠોર સાધના અને ધૈર્ય, વણાઈ ગયાં હતાં અને કુટુંબીજનોનો સાથ હતો.

     તે અરસામાં કૅસેટોનું ચલણ ન હતું તો સી.ડી.નું ક્યાંથી હોય? પણ તેમના મોટાભાઈ તથા ભત્રીજાએ સંગ્રહિત ખજાનો હજીપણ ઉપલબ્ધ છે. તે ખજાનાને આધારે એચ. એમ. વી. ગ્રામોફોન કંપનીએ તેમની એલ. પી. બહાર પાડી [તેમના મૃત્યુ બાદ] અને હવે કૅસેટ પણ બહાર પડી છે.

     શરૂઆતમાં મુંબઈ સ્થિત મૉડર્ન સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે કામ કર્યું હતું તે દરમિયાન તેમણે અવારનવાર સંગીતનાં કાર્યક્રમ યોજ્યાં હતાં. તેઓ અનોખા પ્રકારની વ્યક્તિ હતા. શિષ્ય પાસે દક્ષિણા રૂપે ન તો પૈસો લીધો કે ન તો અંગત સેવા લીધી, ન ટ્યુશન ફી.

     પંડિતજીને કારુણ્ય રસ વધુ પસંદ હતો. ચંચળ રાગોને પણ તેઓ શાંત અને સૌમ્ય બનાવી દેતાં. ભજન અને સુગમ સંગીત પણ તેઓ હળવી શૈલીમાં રજૂ કરી દેતાં. તેમણે ‘રસરંગ’ ના ઉપનામે શાસ્ત્રીય સંગીતની અનેક સુંદર બંદિશો રચી. ગુજરાત સંસદ સમિતિના અભ્યાસક્રમ માટે અમદાવાદના ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય શ્રી રાવજીભાઈ પટેલ સાથે પાઠ્ય પુસ્તકો લખ્યાં હતા.

કદાચ તેમની પ્રગતિ અને ગૌરવ કુદરતને મંજૂર નહી હોય તેમ 3/1/1964માં તેમનું અકાળે અવસાન થયું હતું. તેમનાં સ્મરણ રૂપે તેમના જન્મસ્થળ ભાવનગરમાં ‘પંડિત યશવંતરાય પુરોહિત સભાગૃહ’ની સ્થાપના કરાઈ. દર વર્ષે મુંબઈનું વિલેપાર્લે મ્યુઝિક સર્કલ પૂ. યશવંતરાય પુરોહિત ટ્રોફી શાસ્ત્રીય સંગીત હરીફાઈના વિજેતાને અર્પે છે. તેમનું જીવન તેમની સંગીતકલા આગામી પેઢીને પ્રેરણારૂપ બને એવી શુભાકાંક્ષા.    —— સંકલિત


                              ૐ નમઃ શિવાય

હૈદ્રાબાદી બિરિયાની

                   આજે ફાગણ સુદ આઠમ

આજનો સુવિચાર:-વિચાર વખતે શંકા શોભે અને આચાર વખતે શ્રદ્ધા

હેલ્થ ટીપ્સ:-લીંબુનો રસ કાઢી લીધા બાદ તેની છાલ કોણી પર ઘસવાથી કાળી પડેલી કોણીનો રંગ નીખરવા માંડશે.

                                   હૈદ્રાબાદી બિરિયાની

 

સામગ્રી:-

1] 1 કપ છુટ્ટા ચઢવેલા બાસમતી ચોખા
2] 1 કપ બાફેલા મિક્સ શાક [ફણસી,ગાજર,વટાણા]
3] 1 લાંબી ચીરીઓ કરેલો કાંદો
4] થોડાક કાજુ અને કિસ્મિસ
5] થોડુંક કેસરઅને ઈલાયચી વાટીને એક ચમચી દૂધમાં ઓગાળવું.
6] 4 ચમચા ઘી અથવા તેલ
7] 1 કપ ખમણેલું ચીઝ
8] 1 કપ દહીં

ગ્રેવી માટેની સામગ્રી:-

1] 1 મિડિયમ કાંદો,
2] એક નાનો ટુકડો આદુ,
 3] 3 થી 4 કળી લસણ,
 4] 1/2 કપ કોપરાનું ખમણ,
5] 1 મિડીયમ ટામેટું

ગ્રેવી માટેની સામગ્રી ભેગી કરીને મિક્સરમાં વાટી લેવી.

રીત:-

     સૌ પ્રથમ ચઢવેલા ચોખામાં સ્વાદ પ્રમાણે મીઠું ભેળવવું. તેમજ દૂધમાં ઓગાળેલું કેસર તેમજ ઈલાયચી ભેળવીને એક બાજુ પર મુકવા. ત્યાર બાદ એક પેણીમાં 2 ચમચા તેલ કે ઘી મૂકીને ચીરેલા કાંદાને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. કાંદા સાંતળતી વખતે 2 નંગ લવીંગ, 1 ટુકડો તજ, 1 પાન તમાલ પત્ર નાંખવા. તેમાં એક ચમચી ખાંડ નાખવાથી કાંદા જલ્દી બદામી રંગના થશે. કાંદા જ્યારે થવા માંડે ત્યારે કાજુનાં ટુકડા તથા કિસ્મિસ ઉમેરવા જેથી તે પણ સંતળાઈ જાય. ત્યાર બાદ તેને એક બાજુ પર રાખી બીજી એક પેણી લઈ વધેલુ ઘી કે તેલ લઈ ગ્રેવીનું મિક્સચર લઈ 3 મિનિટ સુધી સાંતળવું. સાંતળતી વખતે તેમાં સ્વાદાનુસાર મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, મીઠું ઊમેરવા. તેમાં એક ચમચી ખાંડ ઉમેરવી. ત્યારબાદ તેને ગેસ પરથી ઉતારી લેવુ. થોડું ઠંડુ થયા બાદ તેમાં દહીં ઊમેરવું.અને ત્યારબાદ તેમાં બાફેલાં શાક ઉમેરી હલાવી લેવું.

       હવે એક બૅકિંગ ડિશ લેવી તેમાં અલ્યુમિનીયમ ફોઈલ પાથરવું. હવે તેમાં સાંતળેલા કાંદા પાથરવા. તેની ઉપર કેસરવાળા અડધા ભાત લઈ કાંદાની ઊપર પાથરવા. ત્યારબાદ તેની ઉપર શાકવાળી ગ્રેવી પાથરવી. ત્યારબાદ તેની ઉપર વધેલાં અડધા ભાત પાથરવા.અને પછી તેની ઉપર ખમણેલું ચીઝ પાથરવું.

        હવે 350 ડિગ્રીએ 10 મિનિટ સુધી ગરમ કરેલા ઓવનમાં આ બિરિયાની ની ડિશ મૂકવી. આ બિરિયાનીને 30 થી 35 મિનિટ સુધી બૅક કરવી.

નોંધ : આમાં ફ્રેશ ફ્રુટસ જેવાં કે સફરજન , પાઈનેપલ, સંતરાંની ચીરીઓ કે લીલી દ્રાક્ષ વગેરે ઊમેરી શકો છો અને ત્યારબાદ બૅક કરી શકો છો.

ગુંદરની પેદ

[ આ વાનગી અમેરિકા સ્થિત શ્રીમતી અજિતાબેન શાહે લખી મોકલેલી છે. તેમનો મેઘધનુષ તરફથી ખૂબ આભાર.]

સામગ્રી:-

1] 1 વાડકી ખાવાનો ગુંદર
2] 1 વાડકી ગોળ
3] 1 વાડકી સાકર
4] 1 વાડકી ઘી
5] 3 વાડકી પાણી
6] ¾ વાડકી બદામનાં ટુકડા
7] ¾ વાડકી ખમણેલું સૂકૂ નાળિયેર
8] ½ વાડકી સૂંઠ
9] ½ વાડકી ગંઠોડા
10] ½ વાડકી ખસખસ

રીત:-

ગુંદર, ગોળ, સાકર અને પાણી ભેગાં કરી પહોળા વાસણમાં ઉકાળવા મૂકો. ગુંદર ઓગળે તે મિશ્રણને જાડા કપડે ગાળી કાઢો જેથી તેમાંથી કચરો નીકળી જશે. ત્યારબાદ તેમાં ઘી ઉમેરી ફરીથી મધ્યમ તાપે ઉકાળવા મૂકો. થોડી થોડી વારે હલ્લવતાં રહેવું . હવે ચમચો હલાવતાં તળિયું દેખાવા માંડે એટલે ગેસ બંધ કરો. ઠંડો પડ્યે તેમાં બાકીની સામગ્રી તેમાં ઉમેરી ડબ્બામાં ભરી દો.

                                  ૐ નમઃ શિવાય

નાખેલ પ્રેમની ડોરી

આજે ફાગણ સુદ સાતમ [શ્રી યોગેશ્વર ભગવાનનો પાટોત્સવ –થાણા મુંબઈ]

આજનો સુવિચાર:-જીવનમાં આવેલી યુવાની તો ચાલી જશે પરંતુ આવેલો બુઢાપો જિંદગીભર સાથે જ રહે છે.

હેલ્થ ટીપ્સ:-સૂકવેલી સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં એક ચમચી મધ ભેળવી ફેસપૅક તરીકે વપરાય તો ત્વચા નીખરી ઊઠશે.

આજનું આ ભજન માનવંત શ્રી મનવંતભાઈને અર્પણ

રાગ:- ખમાજ     તાલ:- ખેમટો

નાખેલ પ્રેમની ડોરી ગળામાં હવે

આણી તીરે ગંગા વ્હાલા
ઓલી તીરે જમુના વ્હાલા વચમાં કાનુડો નાખે હેલી,
ગળામાં હવે નાખેલ પ્રેમની ડોરી

વૃંદાવનમાં વ્હાલો ધેનુ ચરાવે
વાંસળી વગાડે ઘેલી ઘેલી
ગળામાં હવે નાખેલ પ્રેમની ડોરી

બાઈ મીરાકે પ્રભુ ગિરીધરનાં ગુણ વ્હાલા
ચરણોની દાસી પ્રિયા તોરી
ગળામાં હવે નાખેલ પ્રેમની ડોરી

                      ૐ નમઃ શિવાય

બોજ વિનાની મોજ [હાસ્યકથા]

                   આજે ફાગણ સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:-બિન જરૂરી વાર્તાલાપથી દૂર રહો. માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહિ.

હેલ્થ ટીપ્સ:-રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે.

       આજે પૂ. બા [કસ્તૂરબા ગાંધી]ની પૂણ્યતિથી. ઈ.સં. 1869માં સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મેલા પૂ. બા ખરા અર્થમાં બાપુનાં જીવનસંગીની બની ને રહ્યાં હતાં. બાપુની પડખે ઉભા રહી લોક સેવા કરી હતી. રોજનાં ચારસોથી પાંચસો વાર સૂતર કાંતતા. 60મે વર્ષે જેલમાં અંગ્રેજી શીખવું ચાલું કર્યું હતું. રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીજીએ જેટલી પ્રવૃત્તુઓ અને ચળવળો ઉપાડી હતી એ સર્વેમાં એક વફાદાર સૈનિકને છાજે તેવો ફાળો આપ્યો હતો. 22/2/1944માં આગાખાનના મહેલમાં પૂ.બાનો દેહાંત થયો હતો.
      આજે ગુજરાતનાં ફકીર નેતા ઈંન્દુલાલ યાજ્ઞિકનો જન્મદિવસ. અજબ ખમીર –ખંત- ખુદ્દારીથી ભરપૂર એવા લોકલાડીલાની આત્મકથા ગુજરાતનાં ઈતિહાસની ગૌરવ ગાથા છે. ઈ.સ. 1972માં અવસાન થયું.

બોજ વિનાની મોજ [શ્રી. અક્ષય અંતાણી]

      ‘બા…બા… રામદેવ આવ્યા જલ્દી આવ’ સવારનાં પો’રમાં ટીવી સામે બેઠેલા મારા બાબલાએ એની બાને હાંક મારી. મારી ભારેખમ સજના નહી પણ વજના રસોડામાંથી ધમ….ધમ…કરતી આવી અને ટીવી સામે ગોઠવાઈ ગઈ. આવી ટનબદન ભાર્યાઓ સવારે સૂર્યદર્શનને બદલે બાબા રામદેવને ટીવી દર્શન કરતી થઈ છે.

       બાબા રામદેવ પરદા પર પ્રગટ થયા. એમણે ઊંડો શ્વાસ લીધો અને પેટ આખું અંદર ઊતરી ગયું. બાબાની કમાલ જોઈ મારી વાઈફે રીતસરની ચીસ પાડી ને મને બાબાનું પેટ જોવા બોલાવ્યો. મેં કહ્યું ‘બાબા અને તારા પેટમાં એટલો ફરક કે બાબાનું પેટ અંદર ચાલ્યું જાય છે અને તારૂં પેટ જોઈને જોવાવાળા અંદર ચાલ્યા જાય છે.’ ભારખાના સાથે ભવ વિતાવ્યા વગર છૂટકો છે? પરણ્યો ત્યારે મારી વાઈફ પાતળી સોટા જેવી હતી. એ મૂવેબલ પ્રોપર્ટી હતી પરંતુ હવે ઈમમુવેબલ પ્રોપર્ટી થઈ ગઈ છે.

           એક દિવસ પાડોશીની ગેસની કોઠી ખલાસ થઈ ગઈ. 26મી જાન્યુઆરીનો દિવસ હતો એટલે હું પણ ઘરે અને ગેસએજંસી પણ બંધ. એટલે પાડોશી ભાભીએ મારા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું ‘ભાઈ એકસ્ટ્રા કોઠી છે?’ મેં બીતા બીતા વાઈફ સામે આંગળી ચિંધી કહ્યું ‘છે ને એકસ્ટ્રા કોઠી….. ‘ ખલાસ કોઠી ફાટી હોય એમ વાઈફે ધડાકો કર્યો ‘મને કોઠી કહી….. હવે તમારી ખેર નથી.’ વાઈફનું વિકરાળ સ્વરૂપ જોઈ પાડોશી ભાભી તો અબાઉટટર્ન થઈ ગયા.

       આ ઘટના નહી પણ દુર્ઘટના બની ત્યારપછી વાઈફને અહેસાસ થયો કે પોતાનું વજન વધારે છે અને ઊતારવવું પડશે. એટલે ટીવી પર રામદેવબાબા સવારે યોગનાં આસનો શીખવાડે એ આવડે તે પ્રમાણે કરવા.

            એક દિવસ રજાને દિવસે હું નિરાંતે સૂતો હતો. અચાનક ધમ..ધમ…… ધમ………અવાજ સાથે ધમધમાટી થવા માંડી. જોયું તો જાણે રોલ ઍંજિન ફરતું હોય એવું લાગ્યું. પછી ધ્યાનમાં આવ્યું કે આતો શ્રીમતીજી દોડાદોડ કરી રહ્યાં હતાં [જોગિંગ સ્તો] અને દોડતાં દોડતાં મારો પગ કચડી નાખ્યો. મારી તો રાડ ફાટી ગઈ ‘તારા જોગિંગે તો મારા હાડકાનો ચૂરો કરી નાખ્યો’.

        રામદેવબાબાએ કોણ જાણે આ ભારખાના પર એવી ભૂરકી છાંટી કે પોતાનું વજન ઉતારવાની લ્હાયમાં મારા ખીસ્સાનું વજન ઊતરવા માંડ્યું. બાબાનો પ્રભાવ પણ વધતો જાય છે એ તો માનવું પડે છે મોટા મોટા વજનદાર નેતાઓ વજન હલકું કરવા યોગાસન શીખવા જાય છે.

             ખરેખર જોગિંગ કરતા જોગરોને જોઈ હસવું આવે છે. આ જોગરોની ડરબી રેસ નહી પણ ચરબી રેસ જોઈને ભારમલ ગઢવીએ ડાયરામાં ટકોર કરી કે ‘પહેલા પેટનો કરે પટારો ને પછી દોડે બની ખટારો.’

     સૌરાષ્ટ્રમાંથી મુંબઈ મારે ત્યાં મહેમાન થઈને આવેલા પથુકાકાએ છાપામાં વીજળીની કટોકટીના સમાચાર પર નજર ફેરવી પૂછ્યું ‘ઓ..હો….હો.. તમારા મહારાષ્ટ્રમાં રોજ બાર બાર કલાકનું લોડશેડિંગ ચાલે છે?’ મેં તરત સરકતા પટ્ટા [ટ્રેડમિલ] પર ચાલતી વાઈફને જોઈને પથુકાકાને જવાબ આપ્યો કે ‘મારા ઘરમાં તો દિવસ રાત લોડ-શેડિંગ ચાલે છે.’ એ તો વી ટેડમિલ પર ચાલતા ચાલતા ગણ ગણે છે ‘જબ ભાર કિયા તો ડરના ક્યા………..’

સંકલિત

                              ૐ નમઃ શિવાય

પહેલું સુખ તે જાતે નર્યાં [ભાગ 2]

     આજે ફાગણ સુદ ચોથ [પાંચમનો ક્ષય]

આજનો સુવિચાર:- તમારા કામકાજનાં બીજા કોઈ વખાણ કરે તેવું ઝંખશો નહીં.

મેઘધનુષમાં મૂકાયેલી હેલ્થ ટીપ્સનો થોડો સારાંશ.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ ઠંડા કે ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.

હેલ્થ ટીપ્સ:- અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

હેલ્થ ટીપ્સ:- નાના બાળકોને છાશ પીવડાવવાથી દાંત નીકળવામાં તકલીફ થતી નથી.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી તુલસીના રસમાં અડધી ચમચી મધ ભેગુ કરી પીવાથી હેડકી બંધ થાય છે.

હેલ્થ ટીપ્સ:- ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- શરદી પર મરી, તજ અને આદુનો ઉકાળો રાહત આપે છે.

હેલ્થ ટીપ્સ:- લોહી નીકળતા ઘા ઉપર હળદર લગાડવાથી લોહી નીકળવું બંધ થશે.

હેલ્થ ટીપ્સ:- મચ્છર કરડે ત્યારે ઘા પર ઠંડું પાણી ચોપડવાથી ઘાની બળતરામાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- જ્યારે થાક વરતાય ત્યારે નાની ગોળની કાંકરી ખાવાથી થાક ઉતરી જાય છે.

હેલ્થ ટીપ્સ:- લીંબુનો રસ દાંત પર ઘસવાથી દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

હેલ્થ ટીપ્સ:- ચોખાનાં લોટમાં મરીનો ભૂકો નાખી તેને થોડા પાણીમાં ઊકાળી પેસ્ટ બનાવી તેને કપાળ પર લગાડવાથી અધાશીશીમાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- ગરમ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- આંખની નીચેનાં કાળા કુંડાળા દૂર કરવા ખમણેલા બટાટાની છીણ કે ઠંડી કાકડીનું પાતળું પતીકું રોજ દસ મિનિટ બંધ આંખો ઉપર મૂકી રાખો.

હેલ્થ ટીપ્સ:-શિયાળામાં બદામના તેલની માલિશ ઉત્તમ છે.

હેલ્થ ટીપ્સ:- લોખંડના વાસણમાં આમળાના ચૂર્ણને પાણીમાં પલાડી માથામાં લગાડવાથી અકાળે વાળ ધોળા થતાં અટકે છે અને વાળ મજબૂત થાય છે.

                      ૐ નમઃ શિવાય

બાળકોનાં ઉખાણા

                         આજે ફાગણ સુદ ત્રીજ

આજનો સુવિચાર:- અનુભવનો એક કાંટો ચેતવણીનાંજંગલથી વધારે મૂલ્યવાન છે.—– લોવેલ

હેલ્થ ટીપ્સ:- સંગીત યાદશક્તિ વધારે છે અને માનસિક તાણ ઘટાડે છે. પરીક્ષા વખતે ધીમું સંગીત સકારાત્મત્ક અસર પાડે છે.

બાળકો દ્વારા લખાયેલાં બાળ ઉખાણા

1]   દાદા છે પણ દાદી નથી,
      ભાઈ છે પણ ભાભી નથી
      નવરો છે પણ નવરી નથી,
      રોજી છે પણ રોટી નથી

2]   મહાન છે પણ નીચ નથી.
      આત્મા છે પરમાત્મા નથી
      ગાંધી છે પણ નહેરુ નથી,
      જગમાં તેનો જોટો નથી

3]    એ આપવાથી વધે છે.
       એ આવે ત્યારે જન જાગે છે
       એ જાય ત્યારે જન ઊંઘે છે.

4]    એક એવું અચરજ થાય
        જોજન દૂર વાતો થાય

5]    ઉનાળુ ઊલટું ઘરે,
       ચોમાસે ભરાય
       એ આવે સુખ ઉપજે,
       તે સમજાવો

6]    અગ, મગ ત્રણ પગ,
        લક્કડ ખાય અને પાણી પીએ.

7]    અક્કડ પાન, કડાક્ક બીડી.
       માંહી રમે છે કામી કીડી

આ ઉખાણા લખ્યાં છે કુ. ખુશ્બુ ઠક્કર

1]    લીલી બસ, લાલ સીટ
       અંદર કાળા બાવા

2]    આટ્યું પાટ્યું ભોંયમાં દાટ્યું
        સવારે જોયું તો સોનાનું પાટ્યું

3]    ખારા જળમાં બાંધી કાયા
       રસોઈમાં રોજ મારી માયા
       જનમ ધર્યાને પારા છોડા,
       મારા દામ તો ઊપજે થોડા

4]    ઘેર ઘેર દીવડા પ્રગટાવે
        અમીર ગરીબ સૌ આનંદ લૂંટે
       વેરઝેરની આજે વાતો ભૂલાય
       મીઠા મોં કરી આજે સૌ મલકાય

5]    શરીર નહીં પણ જન્મે ખરી,
       મોં નહીં પણ કરે અવાજ
       જન્મી એવી ઝટ મરે

આ ઉખાણા કુ. સમીર દરજી એ લખ્યાં છે.

1]    ભેંસ વિયાણી પાડો પેટમાં
       દૂધ દરબારમાં જાય
      ચતુર હોય તો સમજી લ્યો
      મૂરખ ગોથા ખાય !

2]    જળનાં ફૂલ છે જે
       તળાવોમાં થાતાં
      લિંગ પર ચઢે
      થાય ધોળાં રાતાં

3]    ગોળ ઓરડો અંધારો ઘોર
       એમાં પૂર્યાં રાતા ચોર,
       એ ચોરને બધાંય ખાય
       છે કલજુગનું કૌતુક ઑર !

4]    પીળા પીળા પદમસી
        ને પેટમાં રાખે રસ
       થોડાં ટીપાં વધુ પડે તો
      દાંતનો કાઢે કસ !

5]    રાતા રાતા રતનજી
       પેટમાં રાખે પાણા
       વળી ગામે ગામે થાય,
      એને ખાય રંકને રાણા !

જવાબો આવતા અઠવાડિયે. તો ચાલો ભેજુ કસો.

                                      ૐ નમઃ શિવાય

બાળકો દ્વારા લખાયેલાં ગીતો

આજે ફાગણ સુદ બીજ

આજનો સુવિચાર:- ઈશ્વરને શોધો છો? તેને માણસમાં શોધો. –શ્રી રામકૃષ્ણ પરમહંસ

હેલ્થ ટીપ્સ:- અળસી [ફ્લેક્ષ સીડ્સ]નો નિયમિત ઉપયોગ જૂનો કબજીઆત મટાડે છે તેમ જ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

  આજે શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મદિવસ.   તિથી લેખે આજ અને તારીખ પ્રમાણે 18/2/1836માં બંગાળમાં હુગલી જિલ્લાના નાનકડા ગામ કુમારપુકુરમાં થયો હતો. મૂળ નામ ગદાધર. માતા શારદાદેવી. ‘દરેક માનવે વિચારવું જોઈએ કે બીજા ધર્મો પણ સત્યને માર્ગે દોરે છે. આપણે દરેક ધર્મને માન આપવું જોઈએ. તમે તમારી ધર્મ પ્રત્યેની ભાવના અટલ અને મજબૂત રહો’ એવો સંદેશો તેમણે જગત સમક્ષ મૂક્યો હતો.

આજે શિવાજી જયંતી.

મૈત્રી

જેવી ફૂલ અને ભમરાની મૈત્રી
એવી તારી અને મારી મૈત્રી

જેવી વાદળ અને ગગનની મૈત્રી
એવી તારી અને મારી મૈત્રી

જેવી તારા અને ચંદ્રની મૈત્રી
એવી તારી અને મારી મૈત્રી

જેવી નદી અને નાવની મૈત્રી
એવી તારી અને મારી મૈત્રી

જેવી ભગવાન અને ભક્તની મૈત્રી
એવી તારી અને મારી મૈત્રી

જેવી જીવન અને મૃત્યુની મૈત્રી
એવી તારી અને મારી મૈત્રી

હીરલ શાહ

ઝરણું

હસતું રમતું
કલકલ કરતું
વહેતું જાય ઝરણું

છમ છમા છમ
છલક છલકતું
વહેતું જાય ઝરણું

તા તા થૈ થૈ
નાચતું કૂદતું
વહેતું જાય ઝરણું

સર સર સરતું
સાગરને મળવા
વહેતું જાય ઝરણું

જીગર સંપટ

પૈસા અભિશાપ કે આશીર્વાદ

જિંદગીનું પહેલું કપડું જેનું નામ ઝભલું
જેમાં ખિસ્સું ન હોય તે જિંદગીનું છેલ્લું કપડું

કફન એમાં ય ખિસ્સું ન હોય,
તો વચગાળાના ખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?

આટલી દોડધામ શા માટે?
આટલા દગા અને પ્રપંચ શા માટે?

લોહી લેતાં ગ્રુપ ચેક કરાય છે
ચેક કરજો એ કયા ગ્રુપનું છે?

ન્યાયનો છે? હાયનો? કે હરામનો છે?
અને ખોટા ગ્રુપના પૈસા ઘરમાં આવી
જવાથી જ આજે ઘરઘરમાં અશાંતિ, ક્લેશ, કંકાસ છે.

બેંક બેલેંસ વધતા જો, ફેમીલી બેલેંસ ઓછું થાય
તો સમજવું કે એ પૈસો આપણને સૂટ નથી થયો.

રુચિકા પરમાર

આ દરેક બાળકો મૉડર્ન સ્કૂલ [મુંબઈ]નાં છે. તેમની આ કૃતિઓ 2005ની સાલમાં સ્કૂલનાં વાર્ષિક મેગેઝિનમાં પ્રગટ થયાં હતાં. [હું પણ એ જ સ્કૂલની પાસ સ્ટુડંટ છું.]

                             ૐ નમઃ શિવાય

ફાગણ ફોરમતો આયો

            આજે ફાગણ સુદ એકમ

આજનો સુવિચાર :- પોતાના ગુણ કર્મથી ખ્યાતિ પામે તે ઉત્તમ કહેવાય.

હેલ્થ ટીપ્સ:- બીલીનાં પાકા ફળનું શરબત પેટની તકલીફ દૂર કરે છે.

આજથી ફાગણ મહિનાની શરુઆત, રંગોના તહેવારની શરુઆત. આવું જ કાંઈક કવિશ્રી બાલ મુકુંદ દવે તેમના કાવ્યમાં જણાવે છે.

 

ફાગણ ફટાયો આયો,
કેસરિયા પાઘ સજાયો
જોબનનાં જામ લાયો,
રંગ છાયો રંગ છાયો રે

પાદરણે ઢોલ પિટાયો,
વગડો મીઠું મલકાયો
રંગ છાયો રંગ છાયો રે

ફાગણ ફટાયો આયો
શમણાની શાલ વિટાયો
કીકીમાં કેફ ઘુંટાયો
રંગ છાયો રંગ છાયો રે

કોકિલે પંચમ ગાયો
સૂરનો ધૂપ છવાયો
રંગ છાયો રંગ છાયો રે

ફાગણ ફટાયો આયો
ખેલંતો ભૂલ ભૂલાયો
વરણાગી મન લુભાયો
રંગ છાયો રંગ છાયો રે

ગોરી ઘુંઘટ ખોલાયો
નેણમાં નેણ મિલાયો
રંગ છયો રંગ છાયો રે

કવિશ્રી:- બાલ મુકુંદ દવે

                                    

                                      ૐ નમઃ શિવાય