HAPPY VALENTINE DAY [વસંતોત્સવ]

    આજે મહા વદ એકાદશી [ભાગવત એકાદશી]

આજનો સુવિચાર :- કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે. ———– પૂ. પાંડુરંગ શાસ્ત્રી

હેલ્થ ટીપ્સ:- હુંફાળું પાણી પીવાથી ઉધરસમાં રાહત રહે છે.

HAPPY    VALENTINE     DAY

  સ્વાતંત્ર્ય સંગ્રામનાં સંમોહક વ્યક્તિત્વ ધરાવતા અજ્બ કરિશ્માથી સારી પ્રજાને મંત્રમુગ્ધ કરનાર શ્રીમતી સરોજીની નાયડુનો જન્મ 14/2/1879ના દિવસે હૈદ્રાબાદ ખાતે થયો હતો. ગોવિંદ નાયડુ સાથે ઈચ્છાનુસાર લગ્ન કર્યાં હતાં. તેઓ ગોપાલકૃષ્ણ ગોખલે અને ત્યારબાદ મહાત્મા ગાંધીજીનાં રંગે રંગાયા હતાં. તેઓ બંગાળનાં ઉત્તમ કવયિત્રી હતાં. ગાંધીજી સાથે જોડાતા તેમનાં જીવનમાં ભારે વળાંક આવ્યો અને સ્વાતંત્ર્ય, સમાજસેવા અને સ્ત્રી સેવાના કાર્યમાં જોડાઈ ગયાં. મધુર અવાજને કારણે બુલબુલ એ હિંદનું બિરુદ પામ્યા હતાં. કૉંગ્રેસનાં આ પ્રથમ મહિલા પ્રમુખનું અવસાન 1949માં થયું હતું.

      આજે અંગ્રેજી કેલેંડર પ્રમાણે વેલેંટાઈન એટલે પ્રેમનો એકરાર કરવાનો દિવસ ગણાય છે. શું એવું નથી લાગતું કે વસંતનું આગમન એ કુદરતનો વેલેંટાઈન દિવસ હોય. હિંદુ કેલેંડરનો વસંત પંચમી અને અંગ્રેજી કેલેંડરના વેલેંટાઈન દિવસમાં કેટલું સામ્યતા છે. વસંતનું આગમન પ્રકૃતિમાં માદકતા ફેલાવે છે. કોયલનું કુંજન અને ભ્રમરનું ગુંજન કદાચ આ માદકતાનું પરિણામ હોઈ શકે. આવા દિવસો ‘આઈ લવ યુ’ કહેવાના છે. વસંતની મસ્તીનું અનુસંધાન હોળી-ધુળેટી સુધી પહોંચે છે. એટલે આપણાં પૂર્વજોએ આ ‘પજવણીની ઉજવણી’ ધાર્મિક રીતે પણ ઉજવવાનો આપણને અધિકાર આપ્યો છે.

    આપણી નવી પેઢીને આ પ્રેમના એકરારનું સતત સમાધાન કરવું પડતું હોવાને કારણે કદાચ આ પર્વ એક જ દિવસે મનાવાય છે. શું એક જ દિવસે કહેવાથી જન્મો જનમનો પ્રેમ સાધી શકાય છે ખરો? એક લાલ ફૂલ આપી દેવાથી પ્રણયની પરાકાષ્ટાએ પહોંચાય છે ખરું?

પ્રેમ તો એને કહેવાય જેમાં ‘ આઈ લવ યુ’ કહેવાને સ્થાન ન હોય.

પ્રેમ એટલે પ્રણયનું આરોહણ

પ્રેમ એટલે નચિકેત જેવી ખુમારી, હું તો તારો છું પણ તું પણ મારો જ છે કહેવાની ખુમારી હોવી જોઈએ.

પ્રેમ એટલે સમર્પણ. સમર્પણ તો મીરા જેવું હોવુ જોઈએ. પણ આજ કાલ તો તું નહી તો ઑર સહી. પ્રેમ તો તું હી તું જેવો હોવો જોઈએ.

પ્રેમમાં આંસુ સારવા પડે એ પ્રેમ શો? પ્રેમ તો રાધા કૃષ્ણનો, મીરાનો, નરસિંહ મહેતાનો, હીર રાઝાંનો, લયલા મજનુનો, રોમિયો જુલિયટનો, શેણી-વિજાનંદનો. આવો પ્રેમ પચાવવો આપણા માટે મુશ્કેલ છે.

પ્રેમ એ તો મનની પરાકાષ્ટા

પ્રેમ એટલે પામવાની ઉત્કંઠા પ્રેમમાં સંપૂર્ણ વિરામ સ્થાન ન હોય પ્રેમમાં આજીજી ન હોય
પ્રેમ તો ટહુકો છે.
પ્રેમ તો સાગર છે.
પ્રેમ તો શ્વાસ છે.
પ્રેમ તો ગગને છવાતું મેઘધનુષ છે
પ્રેમ તો પરમ સમીપે પહોંચવાની કેડી છે.
પ્રેમ તો ઝરણું છે.
પ્રેમ તો પવિત્રતાની પરાકાષ્ટા છે.
પ્રેમ તો ભક્તિ છે જેમાં સ્વાર્થના સમીકરણો નથી. જેમાં સમર્પણની સંવેદનાનો સતત અભિષેક થતો હોય છે.
પ્રેમ તો એક હૃદય સ્પર્શી કાવ્ય છે.

નરસિંહ મેહતાએ કહ્યું છે કે
ઋત આઈ વસંતકી સઘળે લીલા લહેર

જ્યારે કવિ શખાદમ આબુવાલાએ આજના કૉલેજિયનોની ઠેકડી ઉડાવતા કહ્યું છે કે

‘હું પડ્યો છું પ્રેમમાં કે તું પડી પ્રેમમાં?
કાં એવું નથી, બંને પડ્યાં છીએ વ્હેમમાં !’

                              

                                  ૐ નમઃ શિવાય