બોજ વિનાની મોજ [હાસ્યકથા]

                   આજે ફાગણ સુદ છઠ્ઠ

આજનો સુવિચાર:-બિન જરૂરી વાર્તાલાપથી દૂર રહો. માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહિ.

હેલ્થ ટીપ્સ:-રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે.

       આજે પૂ. બા [કસ્તૂરબા ગાંધી]ની પૂણ્યતિથી. ઈ.સં. 1869માં સૌરાષ્ટ્રના પોરબંદરમાં જન્મેલા પૂ. બા ખરા અર્થમાં બાપુનાં જીવનસંગીની બની ને રહ્યાં હતાં. બાપુની પડખે ઉભા રહી લોક સેવા કરી હતી. રોજનાં ચારસોથી પાંચસો વાર સૂતર કાંતતા. 60મે વર્ષે જેલમાં અંગ્રેજી શીખવું ચાલું કર્યું હતું. રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીજીએ જેટલી પ્રવૃત્તુઓ અને ચળવળો ઉપાડી હતી એ સર્વેમાં એક વફાદાર સૈનિકને છાજે તેવો ફાળો આપ્યો હતો. 22/2/1944માં આગાખાનના મહેલમાં પૂ.બાનો દેહાંત થયો હતો.
      આજે ગુજરાતનાં ફકીર નેતા ઈંન્દુલાલ યાજ્ઞિકનો જન્મદિવસ. અજબ ખમીર –ખંત- ખુદ્દારીથી ભરપૂર એવા લોકલાડીલાની આત્મકથા ગુજરાતનાં ઈતિહાસની ગૌરવ ગાથા છે. ઈ.સ. 1972માં અવસાન થયું.

બોજ વિનાની મોજ [શ્રી. અક્ષય અંતાણી]

      ‘બા…બા… રામદેવ આવ્યા જલ્દી આવ’ સવારનાં પો’રમાં ટીવી સામે બેઠેલા મારા બાબલાએ એની બાને હાંક મારી. મારી ભારેખમ સજના નહી પણ વજના રસોડામાંથી ધમ….ધમ…કરતી આવી અને ટીવી સામે ગોઠવાઈ ગઈ. આવી ટનબદન ભાર્યાઓ સવારે સૂર્યદર્શનને બદલે બાબા રામદેવને ટીવી દર્શન કરતી થઈ છે.

       બાબા રામદેવ પરદા પર પ્રગટ થયા. એમણે ઊંડો શ્વાસ લીધો અને પેટ આખું અંદર ઊતરી ગયું. બાબાની કમાલ જોઈ મારી વાઈફે રીતસરની ચીસ પાડી ને મને બાબાનું પેટ જોવા બોલાવ્યો. મેં કહ્યું ‘બાબા અને તારા પેટમાં એટલો ફરક કે બાબાનું પેટ અંદર ચાલ્યું જાય છે અને તારૂં પેટ જોઈને જોવાવાળા અંદર ચાલ્યા જાય છે.’ ભારખાના સાથે ભવ વિતાવ્યા વગર છૂટકો છે? પરણ્યો ત્યારે મારી વાઈફ પાતળી સોટા જેવી હતી. એ મૂવેબલ પ્રોપર્ટી હતી પરંતુ હવે ઈમમુવેબલ પ્રોપર્ટી થઈ ગઈ છે.

           એક દિવસ પાડોશીની ગેસની કોઠી ખલાસ થઈ ગઈ. 26મી જાન્યુઆરીનો દિવસ હતો એટલે હું પણ ઘરે અને ગેસએજંસી પણ બંધ. એટલે પાડોશી ભાભીએ મારા ઘરનો દરવાજો ખખડાવ્યો અને પૂછ્યું ‘ભાઈ એકસ્ટ્રા કોઠી છે?’ મેં બીતા બીતા વાઈફ સામે આંગળી ચિંધી કહ્યું ‘છે ને એકસ્ટ્રા કોઠી….. ‘ ખલાસ કોઠી ફાટી હોય એમ વાઈફે ધડાકો કર્યો ‘મને કોઠી કહી….. હવે તમારી ખેર નથી.’ વાઈફનું વિકરાળ સ્વરૂપ જોઈ પાડોશી ભાભી તો અબાઉટટર્ન થઈ ગયા.

       આ ઘટના નહી પણ દુર્ઘટના બની ત્યારપછી વાઈફને અહેસાસ થયો કે પોતાનું વજન વધારે છે અને ઊતારવવું પડશે. એટલે ટીવી પર રામદેવબાબા સવારે યોગનાં આસનો શીખવાડે એ આવડે તે પ્રમાણે કરવા.

            એક દિવસ રજાને દિવસે હું નિરાંતે સૂતો હતો. અચાનક ધમ..ધમ…… ધમ………અવાજ સાથે ધમધમાટી થવા માંડી. જોયું તો જાણે રોલ ઍંજિન ફરતું હોય એવું લાગ્યું. પછી ધ્યાનમાં આવ્યું કે આતો શ્રીમતીજી દોડાદોડ કરી રહ્યાં હતાં [જોગિંગ સ્તો] અને દોડતાં દોડતાં મારો પગ કચડી નાખ્યો. મારી તો રાડ ફાટી ગઈ ‘તારા જોગિંગે તો મારા હાડકાનો ચૂરો કરી નાખ્યો’.

        રામદેવબાબાએ કોણ જાણે આ ભારખાના પર એવી ભૂરકી છાંટી કે પોતાનું વજન ઉતારવાની લ્હાયમાં મારા ખીસ્સાનું વજન ઊતરવા માંડ્યું. બાબાનો પ્રભાવ પણ વધતો જાય છે એ તો માનવું પડે છે મોટા મોટા વજનદાર નેતાઓ વજન હલકું કરવા યોગાસન શીખવા જાય છે.

             ખરેખર જોગિંગ કરતા જોગરોને જોઈ હસવું આવે છે. આ જોગરોની ડરબી રેસ નહી પણ ચરબી રેસ જોઈને ભારમલ ગઢવીએ ડાયરામાં ટકોર કરી કે ‘પહેલા પેટનો કરે પટારો ને પછી દોડે બની ખટારો.’

     સૌરાષ્ટ્રમાંથી મુંબઈ મારે ત્યાં મહેમાન થઈને આવેલા પથુકાકાએ છાપામાં વીજળીની કટોકટીના સમાચાર પર નજર ફેરવી પૂછ્યું ‘ઓ..હો….હો.. તમારા મહારાષ્ટ્રમાં રોજ બાર બાર કલાકનું લોડશેડિંગ ચાલે છે?’ મેં તરત સરકતા પટ્ટા [ટ્રેડમિલ] પર ચાલતી વાઈફને જોઈને પથુકાકાને જવાબ આપ્યો કે ‘મારા ઘરમાં તો દિવસ રાત લોડ-શેડિંગ ચાલે છે.’ એ તો વી ટેડમિલ પર ચાલતા ચાલતા ગણ ગણે છે ‘જબ ભાર કિયા તો ડરના ક્યા………..’

સંકલિત

                              ૐ નમઃ શિવાય