યોગ અને પ્રાણાયામ

                   આજે ફાગણ સુદ બારસ

આજનો સુવિચાર:-ગળ્યા ભોજનનો સ્વાદ એટલા લાંબા સમય સુધી રહેતો નથી જેટલા સમય સુધી સારા શબ્દોની મીઠાશથી રહે છે. – થાઈ કહેવત
 

હેલ્થ ટીપ્સ:- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.

‘યોગ’ અને ‘પ્રાણાયામ’ ભારતીય સંસ્કૃતિનું સૌથી પ્રાચીન વિજ્ઞાન છે. વિશ્વભરમાં તેને ભારતની વિશ્વને અમૂલ્ય ભેટ તરીકે માનવામાં આવે છે.

વિશ્વની દૃશ્યમાન વસ્તુઓ જેમાં આપણો માનવદેહનો પણ સમાવેશ થાય છે જે પંચ તત્વનો બનેલો છે.

1] પૃથ્વી  2] જળ  3] અગ્નિ  4] વાયુ  5] આકાશ

આ તત્વો પૈકી પૃથ્વીતત્વ ઘન પદાર્થ તરીકે આપણને તેના અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. જળ પ્રવાહી પદાર્થ તરીકે, અગ્નિ તેના જલનના ગુણ અને તેજ દ્વારા, વાયુ તેના સ્વાભાવિક સતત વહન ક્રિયા દ્વારા અને આકાશ કોઈપણ ઈંદ્રિય દ્વારા, જેની પ્રતીતિ ન થતી હોય તો ખાલીપણાના ગુણ દ્વારા પોતાના અસ્તિત્વની પ્રતિત્વ કરાવે છે. આમ માનવદેહ પણ આ પંચ તત્વોનું બનેલું છે. તે ત્રિગુણી પ્રકૃતિ દ્વારા વિશ્વનું સર્જન થયું છે એમ માનવામાં આવે છે. એ ત્રિગુણ એટલે સત્વ, રજસ અને તમસ.

યોગની ક્રિયામાં મનની એકાગ્રતા માટે આ ત્રિગુણો પર સર્વાધિક નિયંત્રણ હોવું જરૂરી છે. આ પંચતત્વો પૈકી વાયુ જે આપણા શ્વસન તંત્રને નિયમીત કરે છે તેનું સૌથી વધુ મહ્ત્વ છે જેનાં વગર જીવન અશ્ક્ય છે. તેથી આપને તેને ‘પ્રાણ’ સ્વરૂપે શરીરમાં શ્વસનક્રિયા દ્વારા પ્રવેશ આપીએ છીએ. વાત. પિત્ત અને કફને આયુર્વેદની ભાષામાં ત્રણ દોષ તરીકે –ત્રિદોષ તરીકે ઓળખાય છે. આ ત્રણેય દોષોમાં વાયુના દોષને અતિ શક્તિશાળી ગણાય છે. આ વાયુ શરીરનાં તમામ ધાતુ-મળ વિગેરેનું વિભાજન કરી બિનજરૂરિયાત તત્વને શરીરની બહાર છિદ્રો દ્વારા ફેંકી દે છે. વાયુ ગુણમાં શીતળ, સૂકો, હલકો અને ચંચળ છે.

ઉપનિષદોમાં ‘પ્રાણ’ને ‘બ્રહ્મ’ કહેવામાં આવ્યો છે. આ ‘પ્રાણ’ શરીરના કણેકણમાં વ્યાપી રહેલો છે. શરીરની કર્મેન્દ્રિયો જ્યારે આરામ અને નિંદ્રાધીન થાય છે ત્યારે પ્રાણશક્તિ નથી આરામ કરતી નથી નિંદ્રાધીન થતી. તે સતત દિવસનાં ચોવીસ કલાક અને 365 દિવસ કાર્યરત રહે છે. જ્યાં સુધી આ પ્રાણશક્તિ શરીરમાં ટકી રહે છે ત્યાં સુધી જીવન છે પરંતુ જ્યારે એ અટકી જશે ત્યારે મૃત્યુઘંટ વાગે છે. આ રીતે વિચારતાં પ્રાણશક્તિ જીવનનું સર્વસ્વ છે. પ્રાણને કારણે જ દેહ અને બ્રહ્માંડની સત્તાનો અનુભવ આપણે કરી શકીએ છીએ.

અન્ન વિના વર્ષો સુધી જીવન ટકાવવું શક્ય છે પરંતુ પ્રાણતત્વ સંચાર વિના પ્રાણીજીવન એક પળ પન જીવી શકતું નથી. પ્રાણ શરીરની તમામ મહત્વપૂર્ન ગ્રંથિઓ [Glands] જેવાં કે હૃદય, ફેફસાં, મસ્તિક્માં આવેલું મગજ તથા મેરુદંડ [Spinal Cord] સહિત સમસ્ત શરીરને સ્વસ્થ, સશક્ત અને તંદુરસ્ત રાખે છે.

પ્રાણને શરીરમાં પ્રવેશવાનું મુખ્ય સ્થાન નાસિકા છે. નાસિકા દ્વારા થતા શ્વાસનાં નિયમન પર જીવનનો આધાર છે અને ‘પ્રાણાયમ’ની ક્રિયામાં આ શ્વસનક્રિયા જ મહત્વનો ભાગ ભજવે છે. ‘પ્રાણાયમ’ કરવો એટલે માત્ર હવા ફેફસાંમાં ભરવી અને બહાર કાઢવી એટલું જ નહિ પણ વાયુની સાથે પ્રાણશક્તિ જીવન શક્તિને શરીરમાં પ્રવેશ આપવો એવો પ્રાણાયામનો અર્થ ઘટિત કરી શકાય.

પ્રાણાયમનાં અંગેના નિયમો તથા પ્રાણાયામની ક્રિયા વગેરે આગળ પછીનાં લેખમાં જોઈશું.
                        ૐ નમઃ શિવાય