મહાવીર જયંતી

                         આજે ચૈત્ર સુદ તેરસ

આજનો સુવિચાર:- જેમ અર્થ વગરની વાણી નકામી છે તેમ વાણી વગર અર્થ મૂક છે. વાણી અને અર્થ બે એકબીજા સાથે અભેદ્ય રીતે જોડાયેલાં છે.

હેલ્થ ટીપ્સ:- ઔષધિથી મનના રોગો મટતાં નથી તેને માટે પોસિટીવ વિચારો અનિવાર્ય છે.

[rockyou id=62269737&w=256&h=192]

                 જૈનોના 24મા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી      વૈદિક, જૈન અને બૌદ્ધ આ ત્રણ ધર્મો ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય અંગ છે. ઈ.પૂ. 598માં બિહારમાના પટણાથી દૂર કુડનિપુરના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીને ત્યાં પુત્ર જન્મ થયો હતો. તેમનું લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ રાજકુમારી યશોદાદેવી સાથે પરણ્યાં હતાં જેમનાંથી પ્રિયદર્શના નામક પુત્રીરત્નનો જન્મ થયો હતો.

    ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કરી દીક્ષા લીધી. મન પર વિજય મેળવવા બાર વરસ આકરું તપ કર્યું. કુદરત, માનવ પશુ દ્વારા ઊભી કરાયેલી અનેક મુશ્કેલીઓ સામે અડગ ઊભા રહ્યાં હતાં. તેમના ધૈર્ય અને મનોબળને કારણે તેઓ ‘મહાવીર’ કહેવાયા. પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન લોકોને કરાવવા તે જાગૃત થયા અને લોકોને જાગૃત કરવા સંઘ રચવાનો વિચાર કર્યો. આમ તેઓ ધર્મપ્રચારક બન્યાં.

       તેમણે સામાન્ય લોકોની ભાષા પ્રાકૃતભાષામાં ધર્મનો પ્રચાર કર્યો. અને ઉપદેશ આપ્યો. કથાવાર્તા અને દ્રષ્ટાંતોથી ભરપૂર લોકભાષાના વ્યાખ્યાનોથી તેમણે લોકોના દિલ જીત્યાં હતાં. તેમણે બધા જ વર્ણ અને જાતિ માટે ધર્મનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. તેમણે એક જ જાતિ સંઘની વ્યવસ્થા કરી. તેમણે સમ્યક દર્શન –જ્ઞાન અને ચારિત્ર્ય માટે ખૂબ ભાર મૂક્યો છે.

          મહાવીર કહેતા,” ઈશ્વર જેવી કોઈ અંતિમ સત્તા નથી. મનુષ્ય જ એના ભાગ્ય વિધાતા છે.મજબુત મનોબળ અને સ્વાશ્રયથી પોતાનો ઉદ્ધાર કરો. ઈશ્વરભક્તિ જ નહિ પણ નીતિ અને સદાચાર પણ ધર્મ છે. દુઃખથી બચવા દુઃખ આપવું બંધ કરો. ત્યાગ અને સંયમનું જીવન જીવવાથી મુક્તિ વહેલી મળે છે. મારો મત સાચો અને બીજાનો મત ખોટો એ દુરાગ્રહ પણ હિંસા છે. ક્ષમા માંગો અને ક્ષમા આપો.”

                      ઈ. પૂ. 526માં 72 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યાં.

                                     —  સંકલિત

                              

                                  જય જિનેંદ્ર

શ્રી કૃષ્ણ એટલે ….

આજે ચૈત્ર સુદ એકાદશી

આજનો સુવિચાર:- મુશ્કેલીથી દૂર ભાગશો તો જીંદગીમાં કદી કોઈપણ સારું કાર્ય નહી થઈ શકે.

હેલ્થ ટીપ્સ:- નિયમિત આઠ-દસ ગ્લાસ પાણી પીવાથી શરીર ઠંડુ રહેશે, તાજગી મળશે, બ્લડપ્રેશર કંટ્રોલમાં રહેશે અને પેટ સંબંધી રોગોમાં રાહત રહેશે.

 [rockyou id=62121631&w=256&h=192]

પૂર્ણ પુરૂષોત્તમથી કૃષ્ણનો મહિમા

• શ્રી કૃષ્ણ ભારતીય સંસ્કૃતિમાં આધાર સ્તંભ છે.

• શ્રી કૃષ્ણ શ્રદ્ધા- આસ્થાનું કેન્દ્ર છે.

• શ્રી કૃષ્ણ એટલે આકર્ષણ

• શ્રી કૃષ્ણ એટલે મીરાનો ગીરધર ગોપાલ

• શ્રી કૃષ્ણ એટલે પાંચાલીનો વસ્ત્ર પૂરનાર

• શ્રી કૃષ્ણ એટલે સર્વત્ર વ્યાપક- સર્વ સ્વીકૃતી સહિત

• શ્રી કૃષ્ણ એટલે પ્રેમ, ભોગ, કાળ, યોગ, ધ્યાન, આત્મા, પરમાત્માના સ્વરૂપે વ્યક્ત

• શ્રી કૃષ્ણ એટલે રાજનીતિ અને યુદ્ધનીતિ

• શ્રી કૃષ્ણ એટલે પૂર્ણતાનું રૂપ.

• શ્રી કૃષ્ણ એટલે અનંત ગુણોનો ભંડાર

• શ્રી કૃષ્ણ એટલે ગોપી ગીત

• શ્રી કૃષ્ણ એટલે માખણચોર

• શ્રી કૃષ્ણ એટલે સચરાચરમાં વ્યાપ્ત પરમાત્માનું સાકાર સ્વરૂપ

• શ્રી કૃષ્ણ એટલે ગો પાલક

• શ્રી કૃષ્ણ એટલે અર્જુન સારથિ

• શ્રી કૃષ્ણ એટલે દ્રૌપદી સખા

• શ્રી કૃષ્ણ એટલે સંગીત

• શ્રી કૃષ્ણ એટલે સદચિત્ત અને આનંદનો આવિષ્કાર

• શ્રી કૃષ્ણ એટલે આદિ અનંત

શ્રી કૃષ્ણનાં નામ અનંત તેવા ગુણ અનંત

                    

                      ૐ નમઃ શિવાય

રામ નવમી

આજે ચૈત્ર સુદ નોમ, રામ નવમી

આજનો સુવિચાર:- શ્રી રામ શ્રી રામ શ્રી રામ એમ ટહુકાર કરતી કવિતારૂપી શાખા પર બેસીને ટહુકાર કરતી વાલ્મીકિરૂપી કોયલને હું વંદન કરું છું. – શ્રી રામ રક્ષાસ્ત્રોત્ર

હેલ્થ ટીપ્સ:- જાયફળને કાચા દૂધમાં ઘસી ખીલ પર લગાડવાથી ખીલ પર રાહત રહે છે.

આજે રામ નવમી આજે શ્રી રામચંદ્રજીનો જન્મ. ભક્તિ અને ભાવનાએ શ્રી રામ પ્રભુને અલૌકિકતા આપી, એમાંથી અનન્ય દિવ્યશક્તિ પ્રગટ થઈ. ભારતની પ્રજાએ એને જીવનપ્રેરણા તરીકે, જીવનયોગ તરીકે, જીવનમંત્ર તરીકે અપનાવી લીધી છે.આ ‘ભાવના’ કોઈ ધર્મની, કોઈ સંપ્રદાયની, સંકુચિત સંપત્તિ નથી. આ ‘ભાવનારૂપી રામ’ તો સર્વવ્યાપી છે. ‘રામ’તો સનાતન ભાવનાનું નામ માત્ર છે.

 [rockyou id=61725669&w=256&h=192]

[odeo=http://odeo.com/audio/11056763/view]

ઠુમકી ચલત રામચંદ્ર
બાજત પૈજનીઆ

કિલકિલાત ઉઠત ધાય
ગિરત ભૂમિ લટપટાય
ધાય માય ગોદ લેત
દશરથકી રનિયાઁ
— ઠુમકી

આઁચલ રજ અંગ ઝારી
વિવિધ ભાંતિ સો દુલારી
નિરખત મુખ બારી બારી
કહત મૃદુ વચનિયાઁ
  — ઠુમકી

મેવા મોદક રસાલ
મન ભાવે સો લેહુ લાલ
ઔર દેહુ રુચિર પાન
કંચન ઝુનઝુનિઆ
— ઠુમકી

વિદ્રુમ સે અરુણ અધર
બોલત મૃદુ વચન મધુર
સુંદર નાસિકા બીચ
લટકત લટકનિયાઁ
  — ઠુમકી

તુલસીદાસ અતિ આનંદ
નિરખી કે મુખારવિંદ
રઘુવર કી છબિ સમાન
રઘુવર મુખ બનિયાઁ
— ઠુમકી

                            ૐ નમઃ શિવાય

હેલ્થ ટીપ્સ

             આજે ચૈત્ર સુદ આઠમ

આજનો સુવિચાર:-નિષ્ફળતાનાં ઘણા રસ્તા હોય છે પણ સફળતાનો એક જ રસ્તો છે.

અત્યાર સુધી મુકાયેલી થોડી હેલ્થ ટીપ્સ

હેલ્થ ટીપ્સ:- તેલ માલિશથી મેદસ્વી વ્યક્તિનો મેદ ઘટે છે અને અતિ દુબળી વ્યક્તિનું શરીર પુષ્ટ બને છે.

હેલ્થ ટીપ્સ:-ઓઈલી ત્વચા માટે ટી ફેસિયલ લાભદાયક છે.

હેલ્થ ટીપ્સ:- એક ચમચી પપૈયાના ગરમાં થોડીક હળદર અને બે ચમચીમુલતાની માટી મિક્સ કરી ચહેરા પર લગાડવાથી કાળા ધબ્બા ઓછા થશે.

હેલ્થ ટીપ્સ:- બે ટી બેગ્સને પલાડી પંદર મિનિટ સુધી આંખો પર મૂકી રાખવાથી આંખો નીચેની ફૂલેલી ત્વચા માટે રાહતનું કાર્ય કરે છે.

હેલ્થ ટિપ્સ:- એકદમ ઠંડા ગુલાબજળમાં બે કોટનબોલ પલાળી, તેનું વધારાનું પાણી નીચોવી આંખો ઉપર મૂકવાથી આંખને ઠંડક રહેશે.

હેલ્થ ટિપ્સ:- બટાટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી તડકાને કારણે કાળી પડેલી ત્વચાની કાળાશ દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલ ન હોય તો ખજૂર, અંજીર, બીટ, પાલક, ફણગાવેલા મગ, સફરજ વગેરે લોહી વધારવામાં મદદરૂપ થાય છે.

હેલ્થ ટિપ્સ:- દિવેલમાં કપૂર નાખી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી શરદીથી બંધ થયેલું નાક ખૂલી જાય છે.

હેલ્થ ટિપ્સ:- ગ્લિસરીનમાં લીંબુ નિચોવી ચહેરા પર લગાડી રગડીને કાઢી નાખવું જેથી ત્વચા પરનો મેલ દૂર થી ત્વચા સ્વચ્છ થઈ નિખરી ઉઠશે

હેલ્થ ટિપ્સ:- પેરૂના પાનને દસ મિનિટ પાણીમાં ઉકાળી ગાળી અને માઉથવૉશ તરીકે ઉપયોગ કરવો.

હેલ્થ ટીપ્સ:- અંગ્રેજી શબ્દ ‘ઓ’ અને ‘ઈ’ થોડીવાર બોલવાથી હોઠોની કસરત થાય છે

હેલ્થ ટીપ્સ:- કશું કારણ ન પકડાતું હોય અને શરીરમાંઝીણો તાવ રહેતો હોય તો ખારેક, સૂંઠ, કાળી દ્રાક્ષ, સાકર, ઘી, દૂધમાં નાખી દૂધ ઉકાળીને ઠંડુ થયે પીવું. ખારેક [સુકવેલું ખજૂર] લોહીમાંથી પિત્ત કાઢી તેને સ્વચ્છ કરે છે.

હેલ્થ ટીપ્સ:- હુંફાળું પાણી પીવાથી ઉધરસમાં રાહત રહે છે.

હેલ્થ ટીપ્સ:- સૂર્યોદય વખતે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આરોગ્યમાં ફાયદો થાય છે.

હેલ્થ ટીપ્સ:- બીલીનાં પાકા ફળનું શરબત પેટની તકલીફ દૂર કરે છે.

હેલ્થ ટીપ્સ:- અળસી [ફ્લેક્ષ સીડ્સ]નો નિયમિત ઉપયોગ જૂનો કબજીઆત મટાડે છે તેમ જ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

હેલ્થ ટીપ્સ:- સંગીત યાદશક્તિ વધારે છે અને માનસિક તાણ ઘટાડે છે. પરીક્ષા વખતે ધીમું સંગીત સકારાત્મત્ક અસર પાડે છે.

હેલ્થ ટીપ્સ:-રોજિંદા ખોરાકમાં બીટનો ઉપયોગ ખૂબ હિતકારી છે.

હેલ્થ ટીપ્સ:-સૂકવેલી સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં એક ચમચી મધ ભેળવી ફેસપૅક તરીકે વપરાય તો ત્વચા નીખરી ઊઠશે.

હેલ્થ ટીપ્સ:-લીંબુનો રસ કાઢી લીધા બાદ તેની છાલ કોણી પર ઘસવાથી કાળી પડેલી કોણીનો રંગ નીખરવા માંડશે.

હેલ્થ ટીપ્સ:-લીંબુ, ટામેટા અને કાકડીના રસના મિશ્રણ 10 મિનિટ ચહેરા પર લગાડવામાં આવે તો ચહેરા પરનાં ડાઘા દૂર થાય છે.

હેલ્થ ટીપ્સ:- નાના બાળકને ઝાડા થયાં હોય તો થ્ડા દૂધમાં જાયફળ ઘસી પીવડાવવાથી ઝાડા તો બંધ થશે અને નિરાંતે ઊંઘી પણ જશે.

હેલ્થ ટીપ્સ:- મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો અને રસી મટે છે.

હેલ્થ ટીપ્સ:- હળદરને મધમાં ભેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જશે
.
 હેલ્થ ટીપ્સ:- ત્વચા પર લાગેલા હેર ડાઈનાં રંગને કાઢવા ડેટોલનો અથવા કાંદાના રસનો ઉપયોગ કરો.

હેલ્થ ટીપ્સ:- હોળી રમતાં પહેલાં વાળમાં તેલ જરૂરથી લગાડજો નહીં તો તેમના રંગથી વાળ રુક્ષ થઈ જશે.

હેલ્થ ટીપ્સ:-તળિયાની માલિશથી માનસિક તનાવ ઓછો થાય છે.

હેલ્થ ટીપ્સ:- વધુ પડતી ચરબીયુક્ત પદાર્થ લેવાનું ટાળો અને તાજા ફળો, સલાડ, ફણગાવેલાં કઠોળ,દૂધ દહીં, લીલા શકભાજી, થોડો સૂકોમેવાનું સેવન કરો.

હેલ્થ ટીપ્સ:-ધાણાના ચુરણને પાણીમાં ભેળવીને તેને ગાળી લો અને તેમાં થોડી ખાંડ ભેળવી પીવાથી ગરમીમાં લૂથી રાહત મળશે.

હેલ્થ ટીપ્સ:- દૂધીનાં રસમાં તુલસી,ફુદીનો,આદુનો રસ સપ્રમાણમાં લેવાથી કૉલેસ્ટ્રૉલ ઘટાડવામાં અદભૂત કાર્ય કરે છે.

હેલ્થ ટીપ્સ:- લવિંગ ચૂસવાથી વારંવાર લાગતી તરસ છીપાય છે.

                                  ૐ નમઃ શિવાય

કઈંક વધુ જાણીયે

                    આજે ચૈત્ર સુદ સાતમ

આજનો સુવિચાર:- મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપ્ની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો. – વેદ
હેલ્થ ટીપ્સ:- તૈલી ત્વચા માટે મુલતાની માટી, દ્રાક્ષનો રસ અને સુખડની પેસ્ટનો ઉપયોગી છે.

કંઈક વધુ જાણો
[થોડું ઘડિયાળ વિષે]

[rockyou id=61421744&w=426&h=320]

1] ક્વીન એલિઝાબેથ પહેલાએ પોતાના કાંડાના બેસલેટમાં ઈ.સ. 1580માં પહેલીવાર ઘડિયાળ પહેરી હતી. એ કાંડાની ઘડિયાળનો પહેલો પુરાવો છે.

2] ઈ.સ. 1514માં જર્મનીના તાળા બનાવનારે પહેલીવાર ઘરમાં હેરવી ફેરવી શકાય તેવી ઘડિયાળ બનાવી હતી.

3] જાતે ચાવી અપાઈ જાય એવી ઘડિયાળ ઈ.સ.1770માં ફ્રાંસનાં એક કારીગરે બનાવી હતી. ત્યાં સુધી ચાવી હાથે આપવી પડતી હતી.

4] કાંડાની ઘડિયાળ પહેલા ખિસ્સાની ઘડિયાળ હતી. આપણા ગાંધીબાપુ પોતાની ઘડિયાળ કેડે ભેરવી રાખતા.

5] ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેવી ફરિયાદથી કાંડા ઘડિયાળની શોધ થઈ.

6] પહેલી વૉટરપ્રુફ ઘડિયાળની શોધ ઈ.સ. 1926માં શોધાઈ.

7] બેટરી વિનાની ઘડિયાળ ઈ.સ. 1972માં શોધાઈ.

8] જાપાનની કાસીયો કંપનીની ઘડિયાળો મોબાઈલ ફોનની જેમ કેમેરાવાળી પણ મળે છે.

[થોડું વિશેષ જાણીયે]

9] દૂધ મલાઈ કરતાં વધારે વજનદાર છે.

10] ભારતમાં પ્રવાસી માટે સૌથી વધારે હોટલો કેરળમાં છે ત્યારબાદ તમિળનાડુમાં છે.

11] ટેલિફોનો આટલા બધા હોવા છતાં દુનિયાનાં 50 ટકા માનવીઓ એ કદી ટેલિફોન કર્યો નથી કે મેળવ્યો નથી.

12] દરિયામાં સુનામી તોફાન વખતે મોજાની ગતિ જેટ વિમાનની ગતિ સમાન હોય છે.

13] ઉતારુઓ ટેક્સીમાં લેપટોપ ભૂલી જતાં હોય તેનો આંકડો જાણવા જેવો છે. મુંબઈમાં વર્ષે 344 , વૉશિંગ્ટનમાં 355,અને સૌથી વધારે લંડનમાં 3179 છે.

14] આવી જ રીતે મોબાઈલ ભૂલી જવાનો આંકડો મુંબઈમાં વર્ષે 33,000 અને લંડનમાં વર્ષે 54,872નો છે.

15] મોબાઈલનો સૌથી વધુ વપરાશ અમેરિકા અને રશિયા છે ત્યારબાદ ચીન અને પછી ભારતનો વારો આવે છે.

16] રેડિયમની શોધ કરનાર અને નોબેલ ઈનામ મેળવનાર મેડમ ક્યુરી રેડિયમનાં કિરણોના કાર્ણે મૃત્યુ પામેલા.

——— સંકલિત

                                 ૐ નમઃ શિવાય

શબ્દ-વ્યય

આજે ચૈત્ર સુદ પંચમી

આજનો સુવિચાર:- આ પૃથ્વી પર દરેક બાબતનું શાસ્ત્રોક્ત ઔષધ છે પરંતુ મૂર્ખનું કોઈ ઔષધ નથી.— ગાંધીજી

હેલ્થ ટીપ્સ:-સપ્રમાણમાં મરચાનું સેવન પિત્તસ્ત્રાવ વધારે છે અને પિત્ત પાતળું રહે છે જેથી પાચન સુધરે છે અને પિત્તાશયમાં પથરી થતી નથી. [હેલ્થબુલેટીન- ગુજરાત સમાચાર]

શબ્દ-વ્યય કરવાથી ઊર્જા નષ્ટ થાય છે !

     ભારતીય સંન્યાસી સ્વામી વિવેકાનંદની પ્રતિભા અને પ્રજ્ઞાએ પશ્ચિમના જગતને પૂર્વના અજવાળાનો અનુભવ કરાવ્યો હતો. તેમને સર્વત્ર આવકાર મળી રહ્યો હતો અને તેમને સાંભળવા માનવમેદની એકઠી થતી હતી. તેઓ અમેરિકામાં રેલ્વેમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં બે અમેરિકન યુવાનો બેઠાં હતા. તેઓએ સ્વામી સામે જોયું અને તેઓએ વિચાર્યું કે સ્વામી અંગેજી ભાષાથી સાવ અજાણ હશે અને તેમની સામે જોઈ જોઈ અપશ્બ્દો બોલતા ગયા અને તેમની ટિખળી ઉડાડ્યાનો આનંદ મેળવતા ગયાં. સ્વામીજીની આ બાબ્ત પ્રત્યેની ઉપેક્ષાથી આ બે યુવાનો વધુ ને વધુ ઉછળી ઉછળીને આનંદ મેળવતા ગયાં.

         સ્વામી વિવેકાનંદ આ ઉપહાસની અવગણના કરી પુસ્તક વાંચવામાં મશગૂલ થઈ ગયા. એમને ઉતરવાનું સ્ટેશન આવ્યું ત્યારે એમણે એક કુલીને અંગ્રેજી ભાષામાં સામાન ઉપાડવાનું કહ્યું. એમની છટાદાર અંગ્રેજી ભાષા સાંભળી પેલા બન્ને યુવકો આશ્ચર્યચકિત થઈ ગયાં.

એક યુવાન તેમની પાસે ગયો અને બોલ્યો, “અરે ! આપતો અંગ્રેજી જાણો છો, ખરું ને !”

સ્વામીજીએ હા કહી.

એ યુવક બોલ્યો, “તો પછી અત્યાર સુધી અમે તમારી આટલી બધી આકરી ટીકા કરી અને તમને અપશબ્દો કહ્યા, છતાં તમે એનો ઉત્તર વાળ્યો નહી.”

સ્વામી વિવેકાનંદના ચહેરા પર હાસ્ય આવ્યું અને બોલ્યા, “તમારી વાત હું સમજતો હતો અને તમારી આલોચના પન બરાબર સાંભળતો હતો.”

યુવાને કહ્યું, ”પણ તમે અમને કેમ કાંઈ કહ્યું નહીં ? અમારી મજાક સાંભળી તમે વળતો જવાબ કેમ ન આપ્યો ?”

સ્વામી વિવેકાનંદે ઉત્તર આપ્યો, “ તમે અપશબ્દો બોલી શબ્દોનો વ્યય કર્યો. શબ્દ-વ્યયથી ઊર્જા નષ્ટ થાય છે.. મારે આવો શબ્દો-વ્યય કરીને મારી ઊર્જા નષ્ટ કરવી નહોતી.” યુવાનો સ્વામીજીની વાત સાંભળીને શરમાયા અને ક્ષમા માંગવા લાગ્યા.
માનવીએ એની કેટલી બધી ઊર્જાનો વ્યય કર્યો છે ! શબ્દ એ શક્તિ છે, પરંતુ એણે એ શક્તિનો દુરુપયોગ કર્યો છે અને તેને પરિણામે શબ્દની આ શક્તિ એનું સામર્થ્ય ગુમાવી બેઠી છે.
——- સંકલિત

                  ૐ નમઃ શિવાય

કવિવર શ્રી સુંદરમ

                    આજે ચૈત્ર સુદ ચતુર્થી

આજનો સુવિચાર:- દુનિયા એક નાટ્યમંચ છે, એ મંચ પર આપણે આપણો પાઠ ભજવવાનો છે અને સાથે આપણે એ નાટકના પ્રેક્ષક બની રહેવાનું છે.

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર માસમાં અલૂણા રાખવાથી લોહી, ત્વચાનાં રોગો દૂર થાય છે. કીડનીને આરામ મળશે.

ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ અને અધ્યાત્મયાત્રી શ્રી ‘સુંદરમ’નો આજે જન્મદિવસ છે. તા. 22/3/1904ના રોજ ભરુચ જિલ્લાના આમોદ પાસે ‘મિયા માતર’માં તેમનો જન્મ થયો હતો. મૂળ નામ ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. શ્રી અંબુભાઈ પુરાણી સાથે રાષ્ટ્રીય શાળામાં અને પછી ઈ. સ. 1929 માં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક થયા. શ્રી અંબુભાઈએ જ તેમને શ્રી અરવિંદ તરફ પ્રેર્યા હતાં.

ઈ.સ.1920 થી જ તેઓ ગાંધીજી પ્રેરિત રાષ્ટ્રિય આંદોલનમાં જોડાયા હતાં. એમાં એમણે બે વાર જેલવાસો ભોગવવો પડ્યો હતો. ઈ.સ. 1934માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં મહિલા જાગૃતિના અભિયાનમાં જોડાયા હતા અને 1945 સુધી તેની સાથે સંકળાયેલા રહ્યાં હતા. આ સમય દરમિયાન તેમણે કાવ્ય રચનાઓ તેમજ સાહિત્યનું સર્જન કર્યું હતું. 1933માં તેમનો કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’ પ્રગટ થયા બાદ તેમની પ્રતિભા ખીલી હતી. આ ઉપરાંત તેમણે અન્ય સાહિત્યનું સર્જન કર્યું હતું. જેમાં વસુધા, હીરાકણી, યાત્રા, બીજી વાતો, પાવકનાં પંથે, વાસંતી પૂર્ણિમા વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. ઈ.સ. 1945માં સપરિવાર પૉડિચેરીમા આવેલ મહર્ષિ અરવિંદના આશ્રમમાં રહેવા ચાલી ગયેલાં. ત્યાં તેમણે પ્રગટ થતાં ‘દક્ષિણા’ નામક ત્રેમાસિકનું સંપાદનનું કાર્ય સંભાળી લીધેલું. કોયા ભગતની કદવી વાણી કાવ્યસંગ્રહ લોકપ્રિય બન્યો હતો. તેમણે વિવેચન ગ્રંથો , નિબંધ સંગ્રહો ઉપરાંત પ્રવાસને લગતો ‘દક્ષિણાયન’ નામક ગ્રંથ રચ્યો હતો. એમાં ‘અર્વાચીન કવિતા’ તેમનો શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ છે.

ભારત સરકારે તેમને પદ્મવિભૂષણ પારિતોષકથી નવાજ્યાં હતાં. તે ઉપરાંત દિલ્હી સાહિત્યએકાદમીનું પારિતોષક, ગુજરાત સરકારનું સન્માન, સાહિત્યપરિષદ અધિવેશનનું પ્રમુખપદ, રણજીતરામ સુવર્ણચંદ્રક એ સૌ સન્માનો તેમને મળ્યા હતાં. તેમનું અવસાન 13/1/1991માં પોંડિચેરીમાં તેમનું અવસાન થયું હતું.

[શ્રી સુંદરમ રચિત આ કાવ્ય ઉપલેટા સ્થિત શ્રી અમિત પિસાવડાએ મોકલી આપ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

તું હૃદયે વસનારી, તું હૃદયે વસનારી
ઘટ ઘટ ભીતર નરતનહારી
  — તું હૃદયે

તું અંતરના તાર પરસતી, અંગુલિ કો રઢિયાળી
 તિમિરોનાં ધણ વાળી લૈ, કરત સદા રખવાળી
  –તું હૃદયે

તું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ પ્રદીપા
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા
  — તું હૃદયે

તું નયનો પર પડદા ઢાલી, અન્ય દેનારી
તું જગમાં જગપાર અનંતે અમ સંગે ઘુમનારી
  — તું હૃદયે

તું આનંદે અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પરમ શક્તિ
તું ઋત સત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ
  — તું હૃદયે

તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા
તવ હૃદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા
  — હૃદયે

                              ૐ નમઃ શિવાય

‘વિશ્વ વનદિન’ અને લીમડો

આજે ચૈત્ર સુદ ત્રીજ [વિશ્વ વનદિન]

આજનો સુવિચાર:-આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે. — ભર્તૃહરિ


હેલ્થ ટીપ્સ
:-દાઢમાં દુઃખતું હોય તો લવિંગનું તેલ લગાડવું.

21મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ વનદિન તરીકે ઉજવાય છે.

લીમડો:-

     મનુષ્ય માટે લીમડો ખૂબ ઉપકારી વનસ્પતિ છે. એ તો એક જીવતું જાગતું એરકંડિશનર છે. લીમડો પ્રકૃતિએ ખૂબ ઠંડો છે. આજકાલ ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતી ગરમીમાં લીમડો આપણે માટે ઉપકારક છે. ગરમીમાં લીમડાનો છાંયો આપણને ઍરકંડિશનની ગરજ સારે છે. લીમડો પોતાનાં ફળ પકવવા સૂર્યનાં પ્રખર કિરણો શોધે છે. આમ તો દરેક વૃક્ષ પોતાના ફળને પકવવા સૂર્યનાં કિરણોને શોધતાં હોય છે પણ એમાં લીમડાની લીંબોળી અને આંબાની કેરી વિશેષ છે. જેમ વધુ ગરમી તેમ કેરી અને લીંબોળીમાં વધુ મીઠાશ હોય છે અને લીમડો તો વધુ ને વધુ ઠંડક આપે છે.

     કુદરત આ પૃથ્વી પર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણાં ઉપાયો આપતી રહે છે. આપણે શહેરી પ્રજા ગરમીથી બચવા ઍરકંશનનો ઉપયોગ કરી ગરમીને ટાળીયે છીએ પરંતુ ગામવાસીઓ, જ્યાં હજી સુધી વીજળી પણ પહોંચી નથી કે જેમને તે વસાવવાની તાકાત પણ નથી તેમને માટે લીમડો ઉપકારી છે. મક્કા મદીના જતાં અરાફતનાં મેદાનમાં ભારતનાં હજ્જારો લીમડા ઉગાડવામાં આવ્યાં છે જેથી હજ પર જતાં યાત્રીઓને રણ પ્રદેશમાં પણ ઠંડક આપે છે. લીમડો માત્ર ઠંડક જ નથી આપતો પણ જંતુનાશક પણ છે. અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ લીમડાને ‘મેડિસિન ટ્રી ઑફ ઈંડીયા’ તરીકે બીરદાવ્યું છે. લીમડો ‘ઍર પ્યોરીફાયર’ એટલે હવાનો શુદ્ધિકારક ગણ્યો છે. તેમાંથી ફેલાતી વાસથી બેક્ટૅરિયા તથા જીવજંતુ પણ દૂર ભાગે છે. આથી ઠંડક સાથે શુદ્ધતા !!!!!!

ગુજરાતીનાં દોહામાં સરસ રીતે વર્ણવે છે.

કડવો હોય લીમડો
તોય શીતળ એની છાંય
ભાઈ હોય અબોલડો
તોય અંતે પોતાની બાંય

     સંસ્કૃતમાં લીમડાને ‘કાકફળ’ કહે છે. આ ‘કાકફળ’ એટલે કાગડાને પ્રિય એવું ફળ અને વૃક્ષ. ગરમ પ્રદેશનાં પશુ-પંખીઓ લીમડાનાં પાન અને ફળ ખાઈ ઠંડક મેળવે છે. લીમડાનું દરેકે દરેક અંગ ઉપયોગી અને ફળદાયક છે. લીમડાનાં કૂણાં પાન અને કૂણાં ફૂલ આપણાં શરીરને વધુ લાભદાયક છે. ચૈત્ર મહિનામાં આનાં કૂના પાનનો રસ પીવાનો અને તેનાં ફૂલની ચટણી ખાવાનો મહિમા કહ્યો છે. એનાંથી શરીરની વધુ પડતી ગરમી ચૂસાઈ જાય છે અને ગરમી થતાં ચર્મ રોગો અને પિત્ત પર રાહત પમાડે છે. ઓરી, અછબડા અને શીતળા જેવાં રોગો થયા હોય ત્યારે ઘરનાં બારણે કડવા લીમડાની ડાળી લગાદવામાં આવે છે અને દર્દીની પથારીની આસપાસ લીમડાની ડાળીઓ મૂકવામાં આવે છે જેથી શીતળતા ફેલાય છે.

    લીમડાની ડાળીનો ઉપયોગ દાંત સાફ કરવામાં એટલે કે દાતણ તરીકે ઉપયોગ થાય છે. તેનાંથી દાંત તો સાફ થાયછે તે ઉપરાંત મોંઢાની ગરમી દૂર થાય છે તેમજ જંતુ રહિત થાય છે. આમ જો ગરમીનાં દિવસોમાં જો લીમડાનાં કૂણાં પાનનો રસ પીવામાં આવે તો શરીરની સાથે સાથે આંખની ગરમી પણ દૂર કરે છે.

આજનાં ‘વિશ્વ વન દિને’ આપણાં ઉપકારી વૃક્ષ ‘લીમડા’ને કોટિ કોટિ વંદન.

                      ૐ નમઃ શિવાય

શક્તિ નહીં તારી કળાય રે ઓ અંબિકા

               આજે ચૈત્ર સુદ બીજ

આજનો સુવિચાર:- મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું.— ચાર્લ્સ કેટરીંગ

હેલ્થ ટીપ્સ:- શરીરની દુર્ગંધ દૂર કરવા સ્નાનનાં પાણીમાં બે ચમચા વિનીગર અને એક ચમચો લીંબુનો રસ ઉમેરી સ્નાન કરવું.

હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવે આવી નોરતાની રાત

ચંદ્રમાનું ચંદન ને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

નભના તારલીયા તારી આરતી ઉતારે
સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે
આજ માવડીના મિલનીયે જાગ્યું આધી રાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

વાગ્યેકાર:- શ્રી અવિનાશ વ્યાસ

શક્તિ નહીં તારી કળાય રે ઓ અંબિકા
તું ચૌદ ભુવનમાં ગવાય રે ઓ અંબિકા

વારે વારે દિશો વ્યારા
આશ્રયેથી પમાય રે ઓ અંબિકા

ઘટ ઘટમાં છો આપ બિરાજ્યા
વસતા ઉરમાં સદાય રે ઓ અંબિકા

મહિમા તારી ગાતા લખતા
સાગર સાત સૂકાય રે ઓ અંબિકા

સકળ વિશ્વની જગ જનની છો
મંગળ ગીત ગવાય રે ઓ અંબિકા

            

                   ૐ નમઃ શિવાય

સૂર્ય ગ્રહણ

આજે ચૈત્ર સુદ એકમ [ગુડી પડવો], [મહારાષ્ટ્રીયન ભાઈબહેનો નવા વર્ષની શુભેચ્છાઓ][સીંધી ભાઈબહેનોને ચેટી ચાંદની શુભેચ્છાઓ], ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, દક્ષિણ ભારતીય માટે  આજે નવા વર્ષનો પ્રારંભ [યુગાડી કહેવાય છે.] 

આજનો સુવિચાર:- નિષ્ફળતા એ બુદ્ધિમત્તાની સીડી છે.

હેલ્થ ટીપ્સ:-આમળાનું સેવન વાળ,આંખોની રોશની તેમજ પેટ માટે ગુણકારી છે.

આજે ગુડી પડવો છે. તેમજ ચેટી ચાંદ એટલે સીંધી ભાઈબહેનોનું નવું વર્ષ. સાથે સાથે સૂર્ય ગ્રહણ પણ છે.

આપણે ગ્રહણની વૈજ્ઞાનિક દૃષ્ટિથી મહત્તા જાણીએ.

    પૃથ્વીનુ સર્જન થયું અને તેની આસપાસ વાતાવરણનાં વર્તુળો સર્જાયાં અને ઋતુઓ સર્જાઈ. કુદરતનાં આપણા પર એટલાં બધા ઉપકારો છે, તે આપણને સ્વસ્થ રાખવા કેટલી બધી મહેનત કરે છે. શિયાળામાં વાયુ સ્નાન કરાવે છે. ચોમાસામાં વરસાદનાં પાણીથી વાતાવરણને ચોખ્ખું બનાવે છે અને પૃથ્વીની અશુદ્ધિઓ સાફ કરે છે. ઉનાળામાં સૂર્યનાં પ્રખર કિરણોથી ચોમાસાથી ઉત્પન્ન થયેલા હાનિકારક જીવાણુથી મુક્તિ અપાવે છે. આમાંયે જો ખામી રહી હોય તો ગ્રહણ રૂપે આપણને કુદરતની આફતથી બચાવે છે.
     પૃથ્વી પર ઘણાં એવાં વિષાણુઓ છે જ્યાં સૂર્યનાં કિરણો પહોંચી નથી શકતાં અને ઘણી વખત એવું પન બને છે કે એ કિરણો એવાં વિષાણુઓનો સફાયો કરી નથી શકતાં ત્યારે ગ્રહણ વખતે ચૂટેલાં કિરણો આ સફાયો કરવાનું કામ કરે છે. જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક સીધી લીટીમાં ગોઠવાઈ જાય છે ત્યારે સૂર્ય પૂર્ણ રીતે ઢંકાઈ જાય છે. આ પરિસ્થિતીને સૂર્ય ગ્રહણ કહે છે. આ વખતે સોનાને વીંટી સૂર્યની કિનારીએ છૂટેલાં આ કિરણો સૂર્યનાં કિરણો કરતાં વધુ દૂર જઈ શકે છે. જે વિષાણુઓનો નાશ સૂર્યનાં કિરણો ન કરી શકતાં હોય તે આ કિરણોની તીવ્રતાથી નાશ પામે છે. જ્યારે ચંદ્ર વડે સૂર્યનાં કિરણો અવરોધાય છે ત્યારે તેઓ પ્રચંડ દબાણ અનુભવે છે, પછી તેઓ ચંદ્રની કિનારીએથી વધુ જોશથી છૂટે છે તેથી તેમની તીવ્રતા વધી જાય છે અને આમ જ્યાં સૂર્યનાં કિરણો પહોંચી નથી શકતા તે જગ્યાએ ગ્રહણ વખતે છૂટેલાં કિરણો પહોંચે છે.

         ગ્રહણનાં જો ફાયદા પાળવામાં આવે તો તે શુભ બની જાય છે જેમકે તેના તીવ્ર કિરણોથી હઠીલા વાઈરસનો નાશ થાય છે પણ જો આપણે તેના માર્ગમાં આવીયે તો એ આપણાં નાજુક અવયવોને નુકશાન કરે છે જેવાકે આંખ કે ગર્ભવતી સ્ત્રીનાં ગર્ભ પર અસર કરે છે માટે ગ્રહણને નરી આંખે ન જોવું અને ગર્ભવતી સ્ત્રીએ બહાર ન નીકળવું.
       આ સમય દરમિયાન પૃથ્વી અને વાતાવરણ સાફ થતું હોય છે તેથી જાપ મંત્રને કોઈ અવરોધ નડતો નથી અને તે પરમશક્તિ સુધી પહોંચી શકે છે તેથી ગ્રહણ દરમિયાન મંત્ર જાપ ઉત્તમ કહેવાય. ગ્રહણ દરમિયાન નીકળેલાં કિરણો નદી તળાવનાં પાણીને પણ શુદ્ધ કરતાં હોવાથી ગ્રહણ બાદ તેમાં કરાતું સ્નાન પણ ઉત્તમ ગણાય છે અને શારિરીક તેમજ માનસિક લાભ મળી શકે છે. આ સમય દરમિયાન કરાતું દાન પણ ઉત્તમ ગણાય છે. ગ્રહણ દરમિયાન રાંધેલી રસોઈનો આ કિરણો બગાડી નાખતાં હોય છે તેથી રાંધેલી રસોઈ ન રાખવી અગર રાખીયે તો તેની ઉપર દર્ભ મૂકવામાં આવે છે. આ દર્ભમાં ગ્રહણ દરમિયાન છૂટતાં કિરણોને પાછા વાળવાની શક્તિ હોય છે. તેથી અનાજ કે રસોઈ બગડતી નથી.

જો આપણે ગ્રહણનું આ વિજ્ઞાન જાણી લઈયે તો ફાયદો જ છે ને !!!
— સંકલિત

    [આ લેખ 14/3/2007 બુધવારે પ્રગટ થયેલી મેઘધનુષ નામક જન્મભૂમિની પૂર્તિમાંથી લીધેલો છે. તેનાં લેખક શ્રી મુકેશભાઈ પંડ્યા છે.]

                   ૐ નમઃ શિવાય