હોળી રંગભર્યો પર્વ

                  આજે ફાગણ સુદ ચૌદસ

આજનો સુવિચાર:- જેમ જરૂરીઆત ઘટશે તેમ માનસિક શાંતી વધશે.

હેલ્થ ટીપ્સ:- ત્વચા પર લાગેલા હેર ડાઈનાં રંગને કાઢવા ડેટોલનો અથવા કાંદાના રસનો ઉપયોગ કરો.

    આપણો ભારત પર્વોથી ભરપૂર છે. દરેક પર્વ એના અનોખા રંગથી ભરપૂર હોય છે ક્યાંય નિરાશા નથી દેખાતી અને દરેક પર્વ પોતાની રીતે જીવી જાણે છે પછી દિવાળી હોય કે હોળી. આપણો આ હોળીનો ઉત્સવ એટલે સમર્પણ અને ભક્તિનો ઉત્સવ. એને દોલોચ્છવ તરીકે પણ ઉજવવાય છે.

       પૌરાણિક કથા મુજબ કશ્યપમુનિ અને દિતિનો પુત્ર દૈત્યરાજ હિરણ્યકશિપુ હતો. તેની બહેન હોલિકા પાસે આગથી નહીં બળવાનું વરદાન હતું. પ્રહલાદ, હિરણ્યકશિપુનો વિષ્ણુ ભક્ત પુત્ર હતો. પિતા વિષ્ણુનો કટ્ટર દુશ્મન અને પુત્ર પરમ ભક્ત. તેની આ ભક્તિ છોડાવવાના અથાગ પ્રયત્નો બાદ હિરણ્યકશિપુએ પ્રહલાદને હોલિકા સાથે આગમાં બેસાડી જીવતો સળગાવી દેવાનો નિર્ણય લીધો. જેમ જેમ જ્વાળા પ્રજ્વલ્લિત થતી ગઈ તેમ તેમ વરદાન હોવા છતાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને સત્યનો વિજય થયો, પ્રભુ કૃપાથી પ્રહલાદ બચી ગયો. પ્રહલાદના બચી જવાની ખુશીથી લોકો બીજે દિવસે રંગોત્સવ એટલે કે ધૂળેટી મનાવે છે. ધૂળેટીથી કમૂર્તા ખતમ થાય છે. પ્રહલાદને હોલિકા સાથે અગ્નિ પ્રવેશાવવાના નિર્ણયથી લોકો નારાજ હતાં તેથી હોળી પૂર્વેનાં સાત દિવસો કમૂર્તાનાં દિવસો મનાય છે.

     18મી સદીમાં ભગવાન સ્વામીનારાયણે આ દોલોત્સવને અદભૂત ભક્તિપદો સાથે ઘેર ઘેર ચંદન, અબીલ, ગુલાલથી સ્થાપિત કર્યો. આજે પણ પ્રમુખ સ્વામી કેસુડાના રંગથી ભક્તોને સેંકડોની મેદનીમા પીચકારીથી રંગે છે. ભારતમાં જુદા જુદા રાજ્યમાં જુદી જુદી રીતે હોળી મનાય છે. ગુજરાતમાં લાખોઅલોકો ડાકોર જઈ રણછોડજીનાં દર્શનાર્થે ભેગા થઈ હોળી મનાવે છે. ‘જય રણછોડરાય’નાં પ્રચંડનાદ સાથે ડાકોરમાં માનવમહેરામણ ઊભરાય છે. આ દિવસે નથી ત્યાં કોઈ વિશિષ્ટ પૂજા કે વિશેષ કાર્યક્રમ, છે તો બસ પર્વનો મહિમા દોલોચ્છવ- ફૂલોનો ઉત્સવ. આ દિવસે લોકો પગપાળા ચાલીને રણછોડરાયના દર્શનાર્થે ડાકોર જાય છે.

           બીજી બાજુ બરસાનાની લઠ્ઠામાર હોળી પ્રસિદ્ધ છે. બરસાના ‘રાધાજી’ની જન્મભૂમિ છે. નંદગામ ફૃષ્ણની જન્મભૂમિ છે. નંદગામનાં ગોસ્વામી પરિવારનાં યુવાનો પીળા વસ્ત્રોમાં સજીને બરસાનાની યુવતીઓની છેડતી કરવા અને ગલીઓમાં રંગોત્સવ મનાવવા નીકળી પડી છે. આ દિવસે સાંજના લઠ્ઠામાર ઉત્સવ ચાલુ થાય છે. લાંબા ઘુમટાવાળી બરસાનાને સ્ત્રીઓ આ યુવાનો પર લાઠી-પ્રહાર શરૂ કરે છે. જોકે આ યુવાનો સ્વ બચાવ ઢાલથી કરતાં હોય છે પણ કોઈકવાર કોઈ ઘવાય પણ છે. આમાં કોઈ દ્વેષભાવ નથી હોતો.

     આદિવાસી વિસ્તારમાં આ પર્વ ‘બોહાય પર્વ’ તરીકે ઓળખાય છે. એક વૃક્ષની નીચે આદિવાસીઓ ગામદેવતાની સ્થાપના કરી અર્ચના પૂજા કરે છે.

     શહેરોની હોળીમાં પર્વની ભાવના નથી દેખાતી પણ એકબીજાનાં મોં દિવસો સુધી ન નીકળતાં કેમિકલ્સયુક્ત રંગોથી રંગે છે. યુવાન યુવતીઓમાં અણછાજતી છેડછાડ, દારુ અને ભાંગનાં નશામાં થતાં ગુનાઓ, ધર્મને નામે થતું વેરઝેર, મૈત્રીનો અભાવ જણાય છે. ક્યાં જઈ અટકશે પ્રભુ જાણે.!!!!!!!!

ચાલો આજે આપણે ઘરે ઠંડાઈ બનાવીએ.

સામગ્રી:-

1] 1 ½ લિટર પાણી
2] 1 ½ કપ ખાંડ
3] 1 કપ દૂધ
4] 1 ચમચો બદામ
5] 1 ચમચો તરબૂચનાં સૂકવેલાં બી
6] ½ ચમચો ખસખસ
7] ½ ચમચો એનીસીડ
8] ½ ચમચો એલચી પાઉડર
9] 1 ચમચી સફેદ મરી
10] ¼ કપ ગુલાબની સૂકી પાંદડીઓ
11] ¼ ચમચી કેસર

રીત:-

• ખાંડને ½ લિટર પાણીમાં નાખો, ત્યારબાદ બધાં સૂકા મસાલા એમાં નાખી બે કલાક સુધી રહેવા દો.

• આ મિશ્રણને ગ્રાઈંડ કરી એની પેસ્ટ બનાવો

• બાકીનું પાણી આ મિશ્રણમાં ઉમેરી અને આ મિશ્રણને કપડાંથી ગાળી લો જ્યાં સુધી આ મસાલો તદન સૂકો ન પડી જાય ત્યાં સુધી એમાંનો બધો કસ કાઢી લો.

• હવે ઠંડાઈનાં ગાળેલાં પાણીમાં દૂધ ઉમેરો.

• આ દૂધમાં એલચી પાઉડર અને કેસર ઉમેરો.

• ઠંડાઈ પીરસતા પૂર્વે ફ્રિજમાં એકથી બે કલાક ઠંડી થયા બાદ પીરસશો.

                                ૐ નમઃ શિવાય