કેસુડો કામણગારો જી લોલ

આજે ફાગણ સુદ પૂનમ હોળી [ચંદ્ર ગ્રહણ]

આજનો સુવિચાર:- શરીરને આરામ આપજો મનને નહીં.

હેલ્થ ટીપ્સ:- હોળી રમતાં પહેલાં વાળમાં તેલ જરૂરથી લગાડજો નહીં તો તેમના રંગથી વાળ રુક્ષ થઈ જશે.

        આજથી લગભગ પાંચસો વર્ષ પૂર્વે ઈ.સ. 1543માં પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં માયાપૂર નામના નાનકડા ગામમાં નિમાઈ, જે પાછળથી શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરીકે ઓળખાયા, નો જન્મ થયો હતો. તેમનો જન્મ લીમડાનાં ઝાડ નીચે થયો હોવાથી તેમનું નામ નિમાઈ રાખવામાં આવ્યું હતું. નાની ઉંમરથી જ હરિનામ સંકિર્તન ઝુંબેશ હાથ ધરી હતી. લક્ષ્મીદેવી સાથે પરણી જીવન નિર્વાહ આગળ વધારવા એક પાઠશાળામાં સંસ્કૃત વ્યાકરણનાં પ્રાધ્યાપક તરીકે જોડાયા પણ નબળી આર્થિક પરિસ્થિતીને કારણે કૃષ્ણભક્તિ પ્રચાર કરવા પૂર્વ બંગાળ ગયાં. લાંબા સમયથી પાછા ન ફરતાં લક્ષ્મીદેવીએ દેહ ત્યાગ કર્યો. ફરીથી વિષ્ણુપ્રિયા સાથે લગ્ન કર્યાં પણ કૃષ્ણભક્તિ અને સંન્યાસ લેવાનાં નિર્ધારે તેમણે માતા અને યુવાન પત્નીનો ત્યાગ કરી સંન્યાસ લીધો અને ‘ચૈતન્ય’ને નામે ઓળખાયા. ‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે’ નું જપ કરતાં તેઓ પોતાની જાતને ભૂલી જતાં. ધીમે ધીમે તેમનું ભક્તવૃંદ વધતું ગયું. એક વખત ભક્તવૃંદમાં સંકીર્તનમાં મહાપ્રભુજીએ જગન્નાથ મંદિરથી થોડે દૂર ટોટા ગોપીનાથના મંદિર તરફ દોટ મૂકી. ગોપીનાથ મંદિરનાં દ્વાર આપોઆપ ખૂલી ગયાં અને જેવાં મહાપ્રભુજીએ પ્રવેશ કર્યો તે સાથે તેઓ ટોટા ગોપીનાથજીમાં એકાકાર થી ગયાં.

આપણાં અર્વાચીન કવિઓ હોળી વિષે શું લખે છે તે જાણીએ.

કવિશ્રી સુંદરમનાં શબ્દે હોળી મ્હાલીએ.

મને ફાગણનું ફૂલ એક આપો કે લાલ મોરા
કેસુડો કામણગારો જી લોલ

વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું રે લોલ
એકલ કો ડાળ એક એકલડું મીઠું રે લોલ
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું કે લાલ મોરા
કેસુડો કામણગારો જી લોલ

ઉત્તરનાં વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ
જાગી વસંત કંઈક જાગ્યા જીવન લોલ
મેં તો સુખડાની સેજ સજી જોયું કે લાલ મોરા
કેસુડો કામણગારો જી લોલ

રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ
સોનલા સૂરજ તારા સોનલ ઉજાશ લોલ
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું કે લાલ મોરા
કેસુડો કામણગારો જી લોલ

જ્યારે કવિશ્રી સુરેશ દલાલ શું કહે છે. તે જાણીએ.

મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહીં ગિરધારી લાલ રે

તારા તે કાળજાને કેસુડે લાલ લાલ
ઝૂલે મારા અંતરની ડાળ,
રોમ આ રંગાઈ મારું
તારી તે આંખમાં
ઊડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહી ગિરધારીલાલ રે

મીઠેરી મોરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારું આયખાનું પોત
અંતરને આંખના, અબીલ ને ગુલાલની
આજ લાગી વ્હાલની મને ઑટ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરધારી લાલ રે

                     ૐ નમઃ શિવાય