વિસ્મય

આજે ફાગણ વદ પાંચમ

આજનો સુવિચાર:- રોજિંદા સ્વાભાવિક, રોજિંદા ટેવવાળા, સરળ જીવન માટે ખંતપૂર્વક સદગુણો કેળવો.

હેલ્થ ટીપ્સ:- લવિંગ ચૂસવાથી વારંવાર લાગતી તરસ છીપાય છે.

વિસ્મય

[ફોટોગ્રાફી:- શ્રી શશીકાંતભાઈ મહેતા]

આ તો બીજમાંથી ફૂટી છે ડાળ
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

આખુંય આભ મારી આંખોમાં જાગે
લઈ પંખીના સૂરની સુવાસ;
તૃણ તૃણમાં ફરકે છે પીંછાનો સ્પર્શ,
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.

એક એક બિંદુમાં સમદરની ફાળ :
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ફૂલમાં છે શ્યામ:
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.

પળપળનાં પોપચાંમાં મરકે ત્રિકાળ:
કે એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ !

કવિશ્રી:- જગદીશ જોષી

                              ૐ નમઃ શિવાય