મહાકવિશ્રી નાન્હાલાલ

               આજે ફાગણ વદ બારસ

આજનો સુવિચાર:- જે ઘરમાં માબાપ મહેમાન એ ઘરમાં રાજી નહીં રહે ભગવાન.

હેલ્થ ટીપ્સ:- છાતીમાં બળતરા થતી હોય તો પા ભાગ પાણીમાં લીંબુ નિચોવીને પીવું જોઈએ.

મહાકવિશ્રી નાન્હાલાલની સ્ટેમ્પ

આ વસંત ખીલે શત પાંખડી હરી આવોને
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ
હવે તો હરી આવોને

આ વિશ્વ વદે છે વધામણી હરી આવોને
આવી વાંચો અમારા સૌભાગ
હવે તો હરી આવોને

આ ચંદરવો કરે ચંદની હરી આવોને
વેર્યા તારલિયાનાં ફૂલ
હવે તો હરી આવોને

પ્રભુ પાથરણા દઈશું પ્રેમનાં હરી આવોને
દિલ વારી કરીશ સહુ ડૂલ
હવે તો હરી આવોને

આ જળમાં ઉઘડે પોયણા હરી આવોને
એવાં ઉઘડે હૈયાનાં પોયણા
હવે તો હરિ આવોને

આ માથે મયંકનો મણી તપે હરી આવોને
આવો આવો જીવન મણિમાય
હવે તો હરી આવોને

મારાં કાળજ કેરી કુંજમાં હરી આવોને
મારાં અંતિમ સરોવર ઘાટ
હવે તો હરિ આવોને

કવિશ્રી નાન્હાલાલ

             અમદાવાદમાં કવિવર દલપતરામના દીકરા મહાકવિ નાન્હાલાલનો જન્મ 16મી માર્ચના દિવસે થયો હતો. ગુજરાતી સાહિત્ય જગતનાં સમર્થ કવિ હતાં જેમની લેખની સ્પર્શથી શબ્દોની વસંત ખીલી ઉઠતી. લોકપ્રિય કાવ્યો ઉપરાંત નાટ્ય કૃતિઓ અને નવલકથા તેમજ ચરિત્રકથા જેવા વૈવિધ્યસભર સાહિત્યસર્જને ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવી દીધી. બાળકાવ્યો, મહેરામણનાં મોતી, નાન્હા નાન્હા રાસ, કુરુક્ષેત્ર, હરિસંહિતા જેવી સુંદર કૃતિઓની રચના કરી હતી. આ ઉપરાંત ઈંદુકુમાર,જયા-જયંત જેવા પ્રસિદ્ધ નાટકો તેમજ કવિ દલપતરામનું જીવન ચારિત્ર વગેરે વિપુલ સાહિત્યનું સર્જન કર્યું હતું. છંદ રહિત ડોલન શૈલીના કાવ્યોનો નવતર પ્રયોગ પોતાના કાવ્યોમાં કર્યો હતો. તેમનું અવસાન ઈ.સ. 1946માં 9મી જાન્યુઆરીમાં થયું હતું.

             

                   ૐ નમઃ શિવાય