‘વિશ્વ વનદિન’ અને લીમડો

આજે ચૈત્ર સુદ ત્રીજ [વિશ્વ વનદિન]

આજનો સુવિચાર:-આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે. — ભર્તૃહરિ


હેલ્થ ટીપ્સ
:-દાઢમાં દુઃખતું હોય તો લવિંગનું તેલ લગાડવું.

21મી માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ વનદિન તરીકે ઉજવાય છે.

લીમડો:-

     મનુષ્ય માટે લીમડો ખૂબ ઉપકારી વનસ્પતિ છે. એ તો એક જીવતું જાગતું એરકંડિશનર છે. લીમડો પ્રકૃતિએ ખૂબ ઠંડો છે. આજકાલ ગ્લોબલ વૉર્મિંગને કારણે વધતી ગરમીમાં લીમડો આપણે માટે ઉપકારક છે. ગરમીમાં લીમડાનો છાંયો આપણને ઍરકંડિશનની ગરજ સારે છે. લીમડો પોતાનાં ફળ પકવવા સૂર્યનાં પ્રખર કિરણો શોધે છે. આમ તો દરેક વૃક્ષ પોતાના ફળને પકવવા સૂર્યનાં કિરણોને શોધતાં હોય છે પણ એમાં લીમડાની લીંબોળી અને આંબાની કેરી વિશેષ છે. જેમ વધુ ગરમી તેમ કેરી અને લીંબોળીમાં વધુ મીઠાશ હોય છે અને લીમડો તો વધુ ને વધુ ઠંડક આપે છે.

     કુદરત આ પૃથ્વી પર આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઘણાં ઉપાયો આપતી રહે છે. આપણે શહેરી પ્રજા ગરમીથી બચવા ઍરકંશનનો ઉપયોગ કરી ગરમીને ટાળીયે છીએ પરંતુ ગામવાસીઓ, જ્યાં હજી સુધી વીજળી પણ પહોંચી નથી કે જેમને તે વસાવવાની તાકાત પણ નથી તેમને માટે લીમડો ઉપકારી છે. મક્કા મદીના જતાં અરાફતનાં મેદાનમાં ભારતનાં હજ્જારો લીમડા ઉગાડવામાં આવ્યાં છે જેથી હજ પર જતાં યાત્રીઓને રણ પ્રદેશમાં પણ ઠંડક આપે છે. લીમડો માત્ર ઠંડક જ નથી આપતો પણ જંતુનાશક પણ છે. અમેરિકાનાં વૈજ્ઞાનિકોએ લીમડાને ‘મેડિસિન ટ્રી ઑફ ઈંડીયા’ તરીકે બીરદાવ્યું છે. લીમડો ‘ઍર પ્યોરીફાયર’ એટલે હવાનો શુદ્ધિકારક ગણ્યો છે. તેમાંથી ફેલાતી વાસથી બેક્ટૅરિયા તથા જીવજંતુ પણ દૂર ભાગે છે. આથી ઠંડક સાથે શુદ્ધતા !!!!!!

ગુજરાતીનાં દોહામાં સરસ રીતે વર્ણવે છે.

કડવો હોય લીમડો
તોય શીતળ એની છાંય
ભાઈ હોય અબોલડો
તોય અંતે પોતાની બાંય

     સંસ્કૃતમાં લીમડાને ‘કાકફળ’ કહે છે. આ ‘કાકફળ’ એટલે કાગડાને પ્રિય એવું ફળ અને વૃક્ષ. ગરમ પ્રદેશનાં પશુ-પંખીઓ લીમડાનાં પાન અને ફળ ખાઈ ઠંડક મેળવે છે. લીમડાનું દરેકે દરેક અંગ ઉપયોગી અને ફળદાયક છે. લીમડાનાં કૂણાં પાન અને કૂણાં ફૂલ આપણાં શરીરને વધુ લાભદાયક છે. ચૈત્ર મહિનામાં આનાં કૂના પાનનો રસ પીવાનો અને તેનાં ફૂલની ચટણી ખાવાનો મહિમા કહ્યો છે. એનાંથી શરીરની વધુ પડતી ગરમી ચૂસાઈ જાય છે અને ગરમી થતાં ચર્મ રોગો અને પિત્ત પર રાહત પમાડે છે. ઓરી, અછબડા અને શીતળા જેવાં રોગો થયા હોય ત્યારે ઘરનાં બારણે કડવા લીમડાની ડાળી લગાદવામાં આવે છે અને દર્દીની પથારીની આસપાસ લીમડાની ડાળીઓ મૂકવામાં આવે છે જેથી શીતળતા ફેલાય છે.

    લીમડાની ડાળીનો ઉપયોગ દાંત સાફ કરવામાં એટલે કે દાતણ તરીકે ઉપયોગ થાય છે. તેનાંથી દાંત તો સાફ થાયછે તે ઉપરાંત મોંઢાની ગરમી દૂર થાય છે તેમજ જંતુ રહિત થાય છે. આમ જો ગરમીનાં દિવસોમાં જો લીમડાનાં કૂણાં પાનનો રસ પીવામાં આવે તો શરીરની સાથે સાથે આંખની ગરમી પણ દૂર કરે છે.

આજનાં ‘વિશ્વ વન દિને’ આપણાં ઉપકારી વૃક્ષ ‘લીમડા’ને કોટિ કોટિ વંદન.

                      ૐ નમઃ શિવાય