કવિવર શ્રી સુંદરમ

                    આજે ચૈત્ર સુદ ચતુર્થી

આજનો સુવિચાર:- દુનિયા એક નાટ્યમંચ છે, એ મંચ પર આપણે આપણો પાઠ ભજવવાનો છે અને સાથે આપણે એ નાટકના પ્રેક્ષક બની રહેવાનું છે.

હેલ્થ ટીપ્સ:- ચૈત્ર માસમાં અલૂણા રાખવાથી લોહી, ત્વચાનાં રોગો દૂર થાય છે. કીડનીને આરામ મળશે.

ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિ અને અધ્યાત્મયાત્રી શ્રી ‘સુંદરમ’નો આજે જન્મદિવસ છે. તા. 22/3/1904ના રોજ ભરુચ જિલ્લાના આમોદ પાસે ‘મિયા માતર’માં તેમનો જન્મ થયો હતો. મૂળ નામ ત્રિભોવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. શ્રી અંબુભાઈ પુરાણી સાથે રાષ્ટ્રીય શાળામાં અને પછી ઈ. સ. 1929 માં તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક થયા. શ્રી અંબુભાઈએ જ તેમને શ્રી અરવિંદ તરફ પ્રેર્યા હતાં.

ઈ.સ.1920 થી જ તેઓ ગાંધીજી પ્રેરિત રાષ્ટ્રિય આંદોલનમાં જોડાયા હતાં. એમાં એમણે બે વાર જેલવાસો ભોગવવો પડ્યો હતો. ઈ.સ. 1934માં અમદાવાદમાં જ્યોતિસંઘમાં મહિલા જાગૃતિના અભિયાનમાં જોડાયા હતા અને 1945 સુધી તેની સાથે સંકળાયેલા રહ્યાં હતા. આ સમય દરમિયાન તેમણે કાવ્ય રચનાઓ તેમજ સાહિત્યનું સર્જન કર્યું હતું. 1933માં તેમનો કાવ્યસંગ્રહ ‘કાવ્યમંગલા’ પ્રગટ થયા બાદ તેમની પ્રતિભા ખીલી હતી. આ ઉપરાંત તેમણે અન્ય સાહિત્યનું સર્જન કર્યું હતું. જેમાં વસુધા, હીરાકણી, યાત્રા, બીજી વાતો, પાવકનાં પંથે, વાસંતી પૂર્ણિમા વગેરે ગ્રંથોનો સમાવેશ થાય છે. ઈ.સ. 1945માં સપરિવાર પૉડિચેરીમા આવેલ મહર્ષિ અરવિંદના આશ્રમમાં રહેવા ચાલી ગયેલાં. ત્યાં તેમણે પ્રગટ થતાં ‘દક્ષિણા’ નામક ત્રેમાસિકનું સંપાદનનું કાર્ય સંભાળી લીધેલું. કોયા ભગતની કદવી વાણી કાવ્યસંગ્રહ લોકપ્રિય બન્યો હતો. તેમણે વિવેચન ગ્રંથો , નિબંધ સંગ્રહો ઉપરાંત પ્રવાસને લગતો ‘દક્ષિણાયન’ નામક ગ્રંથ રચ્યો હતો. એમાં ‘અર્વાચીન કવિતા’ તેમનો શ્રેષ્ઠ વિવેચન ગ્રંથ છે.

ભારત સરકારે તેમને પદ્મવિભૂષણ પારિતોષકથી નવાજ્યાં હતાં. તે ઉપરાંત દિલ્હી સાહિત્યએકાદમીનું પારિતોષક, ગુજરાત સરકારનું સન્માન, સાહિત્યપરિષદ અધિવેશનનું પ્રમુખપદ, રણજીતરામ સુવર્ણચંદ્રક એ સૌ સન્માનો તેમને મળ્યા હતાં. તેમનું અવસાન 13/1/1991માં પોંડિચેરીમાં તેમનું અવસાન થયું હતું.

[શ્રી સુંદરમ રચિત આ કાવ્ય ઉપલેટા સ્થિત શ્રી અમિત પિસાવડાએ મોકલી આપ્યા બદલ મેઘધનુષ ખૂબ આભારી છે.]

તું હૃદયે વસનારી, તું હૃદયે વસનારી
ઘટ ઘટ ભીતર નરતનહારી
  — તું હૃદયે

તું અંતરના તાર પરસતી, અંગુલિ કો રઢિયાળી
 તિમિરોનાં ધણ વાળી લૈ, કરત સદા રખવાળી
  –તું હૃદયે

તું જીવનની જન્મ ક્ષણોની ધાત્રી પ્રાણ પ્રદીપા
તું કદમે કદમે પ્રજ્વલતી અગ્નિજ્યોત સજીવા
  — તું હૃદયે

તું નયનો પર પડદા ઢાલી, અન્ય દેનારી
તું જગમાં જગપાર અનંતે અમ સંગે ઘુમનારી
  — તું હૃદયે

તું આનંદે અનર્ગળ પ્રભુનો, તું પ્રભુની પરમ શક્તિ
તું ઋત સત સૌ ધારણહારી, તું અંતિમ અમ મુક્તિ
  — તું હૃદયે

તું અમ ચરણોની ગતિ, તું અમ નેત્ર તણી ધ્રુવતારા
તવ હૃદયે અમ વાસ સદા હો, હે હરિની રસધારા
  — હૃદયે

                              ૐ નમઃ શિવાય