શબ્દ-વ્યય

આજે ચૈત્ર સુદ પંચમી

આજનો સુવિચાર:- આ પૃથ્વી પર દરેક બાબતનું શાસ્ત્રોક્ત ઔષધ છે પરંતુ મૂર્ખનું કોઈ ઔષધ નથી.— ગાંધીજી

હેલ્થ ટીપ્સ:-સપ્રમાણમાં મરચાનું સેવન પિત્તસ્ત્રાવ વધારે છે અને પિત્ત પાતળું રહે છે જેથી પાચન સુધરે છે અને પિત્તાશયમાં પથરી થતી નથી. [હેલ્થબુલેટીન- ગુજરાત સમાચાર]

શબ્દ-વ્યય કરવાથી ઊર્જા નષ્ટ થાય છે !

     ભારતીય સંન્યાસી સ્વામી વિવેકાનંદની પ્રતિભા અને પ્રજ્ઞાએ પશ્ચિમના જગતને પૂર્વના અજવાળાનો અનુભવ કરાવ્યો હતો. તેમને સર્વત્ર આવકાર મળી રહ્યો હતો અને તેમને સાંભળવા માનવમેદની એકઠી થતી હતી. તેઓ અમેરિકામાં રેલ્વેમાં પ્રવાસ કરી રહ્યાં હતાં ત્યારે તેમની બાજુમાં બે અમેરિકન યુવાનો બેઠાં હતા. તેઓએ સ્વામી સામે જોયું અને તેઓએ વિચાર્યું કે સ્વામી અંગેજી ભાષાથી સાવ અજાણ હશે અને તેમની સામે જોઈ જોઈ અપશ્બ્દો બોલતા ગયા અને તેમની ટિખળી ઉડાડ્યાનો આનંદ મેળવતા ગયાં. સ્વામીજીની આ બાબ્ત પ્રત્યેની ઉપેક્ષાથી આ બે યુવાનો વધુ ને વધુ ઉછળી ઉછળીને આનંદ મેળવતા ગયાં.

         સ્વામી વિવેકાનંદ આ ઉપહાસની અવગણના કરી પુસ્તક વાંચવામાં મશગૂલ થઈ ગયા. એમને ઉતરવાનું સ્ટેશન આવ્યું ત્યારે એમણે એક કુલીને અંગ્રેજી ભાષામાં સામાન ઉપાડવાનું કહ્યું. એમની છટાદાર અંગ્રેજી ભાષા સાંભળી પેલા બન્ને યુવકો આશ્ચર્યચકિત થઈ ગયાં.

એક યુવાન તેમની પાસે ગયો અને બોલ્યો, “અરે ! આપતો અંગ્રેજી જાણો છો, ખરું ને !”

સ્વામીજીએ હા કહી.

એ યુવક બોલ્યો, “તો પછી અત્યાર સુધી અમે તમારી આટલી બધી આકરી ટીકા કરી અને તમને અપશબ્દો કહ્યા, છતાં તમે એનો ઉત્તર વાળ્યો નહી.”

સ્વામી વિવેકાનંદના ચહેરા પર હાસ્ય આવ્યું અને બોલ્યા, “તમારી વાત હું સમજતો હતો અને તમારી આલોચના પન બરાબર સાંભળતો હતો.”

યુવાને કહ્યું, ”પણ તમે અમને કેમ કાંઈ કહ્યું નહીં ? અમારી મજાક સાંભળી તમે વળતો જવાબ કેમ ન આપ્યો ?”

સ્વામી વિવેકાનંદે ઉત્તર આપ્યો, “ તમે અપશબ્દો બોલી શબ્દોનો વ્યય કર્યો. શબ્દ-વ્યયથી ઊર્જા નષ્ટ થાય છે.. મારે આવો શબ્દો-વ્યય કરીને મારી ઊર્જા નષ્ટ કરવી નહોતી.” યુવાનો સ્વામીજીની વાત સાંભળીને શરમાયા અને ક્ષમા માંગવા લાગ્યા.
માનવીએ એની કેટલી બધી ઊર્જાનો વ્યય કર્યો છે ! શબ્દ એ શક્તિ છે, પરંતુ એણે એ શક્તિનો દુરુપયોગ કર્યો છે અને તેને પરિણામે શબ્દની આ શક્તિ એનું સામર્થ્ય ગુમાવી બેઠી છે.
——- સંકલિત

                  ૐ નમઃ શિવાય