મુક્તિનાથ

                           આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:-આજે લોકોમાં દુઃખો વધ્યા નથી પરંતુ સહનશક્તિ ઘટી છે.

હેલ્થ ટીપ્સ:- ફુદીનાના તાજા પાનનો એક ચમચો રસ અડધા કપ પાણીમાં ભેળવી પીવાથી પેટની ગરબડ અને ગેસના ભરાવામાં રાહત આપે છે.

                                      મુક્તિનાથ

                              મુક્તિનાથનું મંદિર

         કૈલાસ માનસરોવરની યાત્રા એ શિવપાર્વતીની સર્વોત્તમ યાત્રા ગણાય છે. આ યાત્રા કર્યા પછી માનવીનાં મનમાં કોઈ ઈચ્છા રહેતી નથી. આવી જ એક અનોખી એક બીજી યાત્રા છે. આ યાત્રા અનોખી એટલા માટે કહેવાય છે કારણ તે સ્થળે પહોંચવા કાંતો ફ્લાઈટમાં જવું પડે છે. આ ‘મુક્તિનાથ’ એ ભગવાન વિષ્ણુનું સ્થાનક છે અને ગંડકી નદીનું ઉદભવ સ્થાન કહેવાય છે.

          નેપાલમાં આવેલા 12,300 ફૂટની ઊંચાઈએ મુક્તિનાથ સુધી પહોંચવા પોખરાથી ફ્લાઈટ દ્વારા ‘જોમસમ’ નામના ગામે પહોંચવું પડે છે. ત્યાંથી 5 દિવસનું ટ્રેકિંગ કરવું પડે છે. ત્યાં સુધી પહોંચવા ઘોડા મળી રહે છે. અને હવે તો મોટર બાઈક પર જઈ શકાય છે. ફેબ્રુઆરીથી મે મહિના આ યાત્રા કરવા માટે ઉત્તમ છે. કાઠમંડુથી હેલિકોપ્ટર દ્વારા પણ આ યાત્રા કરી શકાય છે. પોખરાથી પણ હેલિકોપ્ટર દ્વારા અહીં પહોંચી શકાય છે.

        પૌરાણિક કથા મુજબ તુલસી એક પતિવ્રતા સ્ત્રી હતી. શંખચૂડ નામના રાક્ષસ સાથે તેના વિવાહ થયા હતા. અને તુલસીના પાતિવ્રતતાને કારણે શંખચૂડ ખૂબ બળવાન બની ગયો હતો અને તેને કોઈ હરાવી શકતું ન હતું અને તે કાળોકેર વર્તાવતો હતો. તેણે બ્રહ્મા પાસે વરદાન મેળવ્યું હતું કે જ્યાં સુધી તુલસીનું પાવિત્ર્યભંગ ન થાય ત્યાં સુધી એ અણનમ રહેશે. વિષ્ણુ ભગવાને તેનો કાળોકેર અટકાવવા માટે ચાલાકીથી તેનું માનભંગ કર્યુ અને શિવજી દ્વારા શંખચૂડનો વધ થયો.. તુલસીનાં શ્રાપરૂપે વિષ્ણુ ભગવાન કાળા પથ્થર બની ને ગંડકી નદીમાં જઈ પડ્યા. આ ગંડકી નદીમાંથી મળતા પથ્થરો ‘શલિગ્રામ’ તરીકે પૂજાય છે.

                ગૌમુખ જેમાંથી સતત જળધારા વહે છે.

      અહીં લક્ષ્મીવિષ્ણુની મૂર્તી છે. અને તેના પરિસરમાં 108 ગૌમુખ છે અને તેમાંથી અવિરત જળધારા વહી રહી છે. જેની નીચે ઊભા રહી સ્નાન કરી શકાય છે. અહીં મુક્તિનાથ ‘ચુમિંગ ગ્યાત્સા’ એટલે કે ‘સહત્ર ધારા’ તરીકે ઓળખાય છે.

         અમે 2004ની સાલમાં પોખરાથી હેલિકોપ્ટર દ્વારા કરી હતી. હેલિકોપ્ટર દ્વારા અન્નપૂર્ણા ખૂબ સુંદર દેખાય છે. અને એવી અનેક અદભૂત હિમાલય રેંજ જોવા મળે છે. હેલિકોપ્ટર દ્વારા કલાકમાં આ યાત્રા પૂર્ણ થાય છે.

                          આ યાત્રાનું અત્યંત સુંદર સ્થાન છે.

                               ૐ નમઃ શિવાય

શરબત

આજે વૈશાખ સુદ એકાદશી

આજનો સુવિચાર:- ભક્તિ હૃદયને વિશાળતા બક્ષે છે અને ભક્તિ સામે જ્ઞાનને ઝૂકવું પડે છે.— વિનોબા ભાવે

હેલ્થ ટીપ્સ:- રોજિંદી રસોઈમાં હિંગનો વપરાશ પાચનક્રિયા સારી રાખે છે.

            ગરમીમાં ઠંડક આપતા પીણાં

                  કોકમ શરબત

સામગ્રી;-

1] 1 કિ.ગ્રા. કોકમ

2] 1 કિ.ગ્રા. સાકર

3] 1 ½ ચમચી જીરા પાઉડર

4] સંચળ

5] સોડા [ઑપ્શનલ] અથવા પાણી

6] લીંબુનો રસ

રીત:-
1] પ્રથમ કોકમ સાફ કરી તેને થોડા કલાક પાણીમાં ભીંજવી રાખો. અને તેને મસળીને તેનો પલ્પ બનાવો.

2] આ પલ્પમાં સાકર ભેળવીને ત્યાં સુધી ઉકાળો. જ્યાં સુધી તેમાનું પાણી સુકાઈ ન જાય. આ મિશ્રણને સ્ટોર કરી શકો છો.

3] ¼ ગ્લાસ સીરપ લો ત્યારબાદ તેમાં ચપટી સંચળ મૂકો અને 1 ½ ચમચી જીરા પાઉડર મૂકો.

4] સ્વાદાનુસાર લીંબુનો રસ ઉમેરો.

5] આ માપમાં 4 ગ્લાસ કોકમ શરબત બને તે પ્રમાણે ઠંડુ પાણી ઉમેરો અથવા ઠંડી સોડા ઉમેરો એટલે કે 1/4 માપ સીરપ + 4 માપ પાણી અથવા સોડા

કોકમનું ઠંડુ શરબત પીને ઠંડક મેળવો.

                     ગુલાબનું શરબત

સામગ્રી:-
1] 1 કિ.ગ્રા. દેસી ગુલાબ

2] 3 કિ.ગ્રા. સાકર

રીત:-
પ્રથમ ગુલાબની પાંદડીઓ ચૂંટીને ધોઈ કાઢો. ત્યારબાદ તેને હલકે હાથે લૂછી કાઢો. તેમાં પાણી ન રહે તેનું ધ્યાન રહે.

એક તપેલી અથવા બરણીમાં એવી ગોઠવણ કરો કે એક સ્તર ગુલાબની પાંદડીઓનું અને બીજું સ્તર સાકરનું હોય. આ રીતે ગોઠવીને તેને હવા ન જાય તે રીતે ઢાંકી દો. અને ઠંડક હોય તેવી જગ્યાએ મૂકો.. આમાં ½ કિ.ગ્રા. સાકર જશે.

જ્યાં સુધી સાકર ઓગળે નહીં ત્યાં સુધી રોજ હલાવતાં રહો.. ત્યારબાદ બાકીની 2 ½ કિ.ગ્રા. સાકરનો ½ લિ. પાણી સાથે સીરપ બનાવો.

ત્યારબાદ આ સીરપમાં ગુલાબની પાંદડી ઉમેરી દો અને તેને બરાબર મિક્સ કરો.

આ મિક્સરને ગાળી એક બાટલીમાં ભરી દો અને આનો ઉપયોગ કોંસંટ્રેશન તરીકે કરો.
 એક માપ સીરપમાં 4 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી પીઓ.

આલ્હાદક ગુલાબનું શરબત પીને ગરમીમાં રાહત મેળવો.

                             ૐ નમઃ શિવાય

બે કાવ્યો

                  આજે વૈશાખ સુદ દસમ

આજનો સુવિચાર:- વ્યક્તિ ગમે તેટલી બુદ્ધિશાળી હોય છતાં પોતાના અહંકારને કારણે તે મૂર્ખ સાબિત થાય છે.

હેલ્થ ટીપ્સ:- સવારે ઊઠતાંની સાથે આંખો સૂજેલી હોય તો બરફ્નાં પાણીમાં રૂ ભીંજવીને આંખો પર લગાડવાથી સોજા દૂર થાય છે.

           બે કાવ્યો

 

[માનસરોવરને કિનારે પુજા અને હવન]

તારી પૂજા કરવી નથી
તુ સર્વત્ર ફેલાયેલો છે
એટલે જ તને શોધતી નથી

તુ ચાહે તો દેરીમાં વસે
કે મંદિરમાં વસે

તુ ચાહે હૃદયમાં બીરાજે
કે આસનીયે બીરાજે
મારે ભોગ ધરવા નથી

મારે પહેરવા સારુ એક જ વસ્ત્ર
તને પહેરવા પીતાંબરી ને ખેસ
ઠાકોરજી હું તને શાલ ધરવાની નથી

તારે તો એક સરીખુ વાદું
મારા હાલ બેહાલને કોઈ દાદના
ઠાકોરજી હવે વાદુનું દેવાદુજ ખરૂં

તારા માટે મેં કર્યા સો ભોજન
મારે પૂછવા સારું કોઈ નહી
ઠાકોરજી તારે માટે કરવી ફક્ત
પ્રભાત ફેરી

——— જાગૃતિ કડકિઆ

શિદને બુઢાપો આવ્યો પ્રભુ

 

[શ્રી રાધાકૃષ્ણ સ્વામી]

જીવન આખુ વિતાવ્યુ સહજથી
પરંતુ બુઢાપો ના વિતતો
સહજથી શિદને બુઢાપો આવ્યો પ્રભુ?

નાનેથી રમતા મોટા થયા
જુવાની મોજ મસ્તીમાં ગયા
બુઢાપો ના વિતતો સહજથી
શિદને બુઢાપો આવ્યો પ્રભુ

મોટો દિકરો થયો છે જુદો
નાનો ગયો પરદેશ
દિકરી જેને હતી લાગણી
તેને મોકલી પતિદેશ

હવે પારકા કરવા રહ્યા પોતાના
તે પણ વેઠવા સ્વાર્થ
દિશા નવી બતાવી એમણે
વૃદ્ધાશ્રમ દે સૌથી સહેલ

મારા અંતરની વેદના સહાયના
શિદને બુઢાપો આવ્યો પ્રભુ

—— જાગૃતિ કડકિઆ

                           ૐ નમઃ શિવાય

શવાસન

               આજે વૈશાખ સુદ નોમ [સીતા નવમી]

આજનો સુવિચાર:- જીવનમાં દુઃખોને ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.

હેલ્થ ટીપ્સ:- ગરમ પાણી સાથે બે લવિંગ ખાવાથી હેડકી આવતી બંધ થઈ જાય છે.

                           શવાસન

       યોગાસનમાં શવાસન એક એવું આસન છે જેને લીધે શરીરમાં એકએવું આસન છે જેને લીધે શરીરમાં એકઠા થયેલા ઝેરી પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. ઝેર નીકળતાં શરીરનાં તંતુઓ સક્રિય બને છે અને શરીરનાં ઘસારા દૂર કરે છે.

       શવાસનનો શાબ્દિક અર્થ લઈએ તો શવ+આસન. આ આસન કરવાથી શરીરની સ્થિતિ શવ એટલે કે લાશ જેવી દેખાય છે. આ આસન શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થો દૂર કરવા મદદ કરે છે જેથી શરીરનાં તંતુઓ સક્રિય બને છે અને શરીરના ઘસારાને દૂર કરે છે.

             શવાસન કરવું ખૂબ સહેલું છે.

* પહેલાં જમીન પર ચત્તાપાટ સૂઈ જવું.

* બે પગ વચ્ચે એક ફૂટનું અંતર રાખી પંજાને બહારની તરફ રાખી ઢીલા છોડો.

* ચહેરાના સ્નાયુઓને ઢીલા છોડતાં છોડતાં આખાનાં સ્નાયુને ઢીલા છોડો.

* શ્વાસોચ્છવાસની ક્રિયા સામાન્ય રાખો.

* આ ક્રિયા કરવામાં લગભગ 30 મિનિટ લાગે છે.

* શવાસનમાંથી બહાર આવવા ઊંડા શ્વાસ લેવાનું ચાલુ કરો..

* ધીરેથી ડાબી બાજુ પડખુ લઈ બેસી જાવ.

    યોગાસનની કસરત કરવાથી હૃદયનાં ધબકારા વધી જતા હોય છે. આ આસનો કર્યા બાદ શવાસન કરવાથી શ્વાસોચ્છવાસની ક્રિયા યથાવત થાય છે. આથી દરેક આસન બાદ શવાસન કરવું હિતાવહ છે. શવાસન પાંચથી ત્રીસ મિનિટ સુધી કરી શકાય છે. મનને સ્થિર રાખવામાં અને ચિંતા-તણાવ દૂર કરવામાં શવાસન ઉત્તમ આસન છે. આ આસનથી શરીર, મન, અને આત્માને પણ સંપૂર્ણ વિશ્રામ, શક્તિ, ઉત્સાહ અને આનંદ મળે છે. ધ્યાનની શક્તિ વધશે.

      શવાસન કરવા માટે પાતળું ઓશિકું કે બ્લેંકેટ લઈ શકાય પરંતુ યોગના શિક્ષક તો ઓશિકું કે બ્લેંકેટ લેવાના વિરુદ્ધમાં છે. એનું સાચું કારણ તો એ જ છે કે આ આસન દરમિયાન આખા શરીરમાં એકસરખું લોહીભ્રમણ થવું જોઈયે. વધુ વજનવાળી વ્યક્તિને આ આસન દરમિયાન ઘૂંટણમાં જો ખેંચાણ લાગે તો ઘૂંટણની નીચે પાતળું ઓશિકું કે બ્લેંકેટ મૂકી શકે છે.

      શવાસન દિવસના કોઈપણ સમયે શકાય પરંતુ ભોજન પહેલાં અને ભોજનનાં 3 થી 4 કલાક બાદ કરી શકાય છે. સવારે નિયમિત યોગાભ્યાસ દરમિયાન કરી શકાય છે. બપોરે ઑફિસના રિસેસ દરમિયાન કોફી પીતા પહેલા કે ઘરે પહોંચી અન્ય કાર્ય ચાલુ કરતાં પહેલા શવાસન કરી શકાય.

      શવાસન કરવા માટે કોઈ મોટો પ્રયત્ન કરવો નથી પડતો. શરીરની જડતા, પકડ, આસક્તિ કે તણાવ દૂર કરવામાં શવાસન શ્રેષ્ઠ છે. આપણે આપણા માટે, આપણી સાથે, અહીં જ રહીને ધ્યાન કરતાં શીખવાની શવાસન એ પ્રાથમિક સ્થિતિ છે. આપણે પોતે આપણા પ્રયત્નથી આપણને મળેલી આ સૌથી મહાન ભેટ એટલે શવાસન.

                        ૐ નમઃ શિવાય

નાયગરા

                  આજે વૈશાખ સુદ છઠ

આજનો સુવિચાર:- અતિરેકથી દૂર રહો

હેલ્થ ટીપ્સ:-ઈસબગુલનું સેવન પેટ તો સાફ રાખે છે તે ઉપરાંત શ્વસન રોગમાં ઉપયોગી છે.

 [rockyou id=65642282&w=426&h=320]

ગત અઠવાડિયે મારા દીકરા કવને નાયગરા ફોલના ફોટાઓ લીધા હતા. તેમાં થીજેલી નાયગરા નદીની છટા જુઓ.. નાયગરાનો પ્રચંડ પ્રવાહ જોતાં એમ લાગે છે કે તેનો ઘુઘવાટ જાણે કાને અથડાતો ના હોય. નાયગરા ઉપર ફેલાતા મેઘધનુષનું રૂપ તો કાંઈ અનેરૂં જ છે.

                     ૐ નમઃ શિવાય

બાળગીતો

                   આજે વૈશાખ સુદ પાંચમ

આજનો સુવિચાર:- પૂરતું ધન હોય તો વેપાર કરવો, ધન ન હોય તો નોકરી કરવી, પણ ભીખ તો કદી યે ન માંગવી.

હેલ્થ ટીપ્સ:- રાતના ગરમમાં એક ચમચી શુદ્ધ ઘી નાખી પીવાથી એસીડીટી પર રાહત રહે છે.

આજે હિંદુ ધર્મના શ્રેષ્ઠ આચાર્ય-ચિંતક શ્રી આદિ શંકરાચાર્યની જન્મજયંતિ છે. શુકદેવનું જ્ઞાન, ભીષ્મનું બ્રહ્મચર્ય, બુદ્ધનો સંન્યાસ અને શ્રીકૃષ્ણની કાર્યશક્તિ એટલે આદિ શંકરાચાર્ય.

બાળગીતો

 [rockyou id=65251059&w=324&h=243]

હોલો રાણો

મારા ખભા પર કોણ છે ‘
હોલો રાણો’
ઊતર હોલા
‘નહિ ઊતરું’
ખીર ખવડાવું.
‘નહિ ઊતરું’
તારી બે’ન બોલાવે.
‘આ ઊતર્યો..’

ડોસી ડોસી

ડોસી ડોસી ક્યાં ચાલ્યાં?
’છાણાં વીણવા.’
છાણામાંથી શું જડ્યું?
’રૂપિયો’
રૂપિયાનું શું લીધું?
’ગાંઠિયા.’
ભાંગે તમારા ટાંટિયા.

ઉંદર

એક હતો ઉંદર, કોટ પહેર્યો સુંદર
હાથમાં લીધી સોટી, વાતો કરતો મોટી
જો બનું હું અન્નપ્રધાન
કદી પડે ના અન્નની તાણ
ઉંદરસેના ઘૂમતી જાય
ચોકી પહેરો કરતી જાય
કોઠા રોટલા ચરતી જાય
લોકો સૌ વહેંચી ખાય

મનુભાઈ

મોટરમાં બેસીને ચોપાટી જઈશુ
રેતીમાં રમશું, ભેળપુરી ખાઈશું ખાઈ કરીને
રમી કરીને પછી ઘેર પાછા ફરશું

મોટરમાં બેસીને હેંગિંગ ગાર્ડન જઈશું
લંગડી લંગડી રમીશું, રોફથી ફરશું
હીંચકા ખાઈશુ રમી કરીને પછી ઘેર પાછા આવશું

મોટરમાં બેસીને એપૉલો બંદર જઈશું
બૉટમાં ફરશું, નાળિયેર પાણી પીશું
મલાઈ ખાઈશું ખાઈ કરીને ઘેર પાછા ફરશું

મોટરમાં ફરીને ઘેર પાછા ફરશું
હાથ પગ ધોશું, મોઢું બોઢું ધોશું
પાણી પાટલા માંડશું
બધા સાથે બેસીને જમશું
જમી કરીને પછી સાથે સૂઈ જાશું

                                  ૐ નમઃ શિવાય

અક્ષય તૃતીયા

            આજે વૈશાખ સુદ ત્રીજ , અક્ષય તૃતીયા , અખાત્રીજ

આજનો સુવિચાર:- અનુભવ ઉત્તમ શિક્ષક છે.

હેલ્થ ટીપ્સ:- ગરમીની ઋતુમાં ઠંડા પાણીથી દિવસમાં બે થી ત્રણ વખતવાર ન્હાવાથી ગરમીમાં રાહત રહે છે.

    મુહૂર્ત ગ્રંથ મુજબ અખાત્રીજના દિવસે આવતા તમામ મુહૂર્ત સ્વયં સિદ્ધ હોય છે એટલે કે આજના દિવસે આવતાં તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઈપણ મંગળકાર્ય માટે યોગ, ગ્રહ-નક્ષત્ર ઈત્યાદિ જોવાની જરૂર હોતી નથી.

      અક્ષય તિથિ અર્થાત કદી ક્ષય ન થનારી તિથિ. શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ દિવસે કરાયેલાં દાન, હવન, જાપ અક્ષય ફળદાયી નીવડે છે. કહેવાય છે કે આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો.. તેથી તે ‘યુગાદિ તિથિ’ મનાય છે. વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજને ‘પરશુરામ જયંતી’ તરીકે ઉજવવામાં આવે છે. આમ તો આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને પરશુરામ આ ત્રણેનો અવતાર થયો હતો પરંતુ સૌથી વધારે પરશુરામ જયંતીનું વધારે મહત્વ છે. આ પર્વ પર મેળા, શોભાયાત્રા વગેરેનું આયોજન કરવામાં આવે છે.

         પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકાને જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો. જે પ્રસાદમાં ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો, તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિયકુળમાં જ્ન્મ્યા હોવાથી વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા.

      પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ શિવજીના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી તેમણે બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા અને એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસવાર નિઃક્ષત્રિય કરી હતી.

           અખાત્રીજ સ્વયં સિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે વિવાહ, વેપાર પ્રારંભ, ગૃહ આરંભ વગેરે દરેક શુભકાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. તેથી જ આદિવસે સૌથી વધુ લગ્ન થાય છે.

     આ દિવસથી બદરીધામના દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરુઆત થાય છે. અખાત્રીજને દિવસે લક્ષ્મીની આરાધના થાય છે. આજના દિવસે લોકો સોનાની ખરીદી પણ કરતા હોય છે.

                     પૂર્વાન્હે તુ સદા કાર્યા: શુક્લા મનુ યુગાદયઃ
                      દેવે કર્મણિ પિત્ર્યે ચ કૃષ્ણે ચૈવા પરાટ્ટગિકા

                                           ૐ નમઃ શિવાય

મારા સંગીત શિક્ષક ‘શ્યામ ગોગટે’

                  આજે વૈશાખ સુદ બીજ

આજનો સુવિચાર:- સત્ય વિનાની કોઈ કલ્પના નથી હોતી તેવી રીતે કલ્પના વિનાનું કોઈ સત્ય નથી હોતું. —- ચંદ્રકાંત બક્ષી

હેલ્થ ટીપ્સ:- શ્વાસના રોગમાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠનો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરી પીવાથી શ્વાસનાં રોગ પર ફાયદાકારક સાબિત થયો છે.

મારા સંગીત શિક્ષક સંગીતજ્ઞ ‘શ્યામ ગોગટે’

જન્મ: 16 એપ્રિલ 1933.               મૃત્યુ: 15 જુન 2002

        16 એપ્રિલ 1933ને દિવસે ભોરમાં આપનો જન્મ થયો હતો. નાનપણથી જ આપને સંગીતની લગની હતી અને 1948માં આપે સંગીતની આરાધના ચાલુ કરી. આપે આપનુ શિક્ષણ મુંબઈના જાણીતા સંગીતજ્ઞ પ્રો. બી.આર.દેવધરના સાનિધ્યમાં ચાલુ કર્યું હતું.

       પ્રોફેસરે આપને સંગીતનું જ્ઞાન આપવામાં પૂરતું ધ્યાન આપ્યું હતું. આપે ‘અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મંડળ’ની ‘સંગીતપ્રવીણ’ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. સંગીતની તાલીમ દરમિયાન આપ હંમેશા અવ્વલ દર્જાએ ઉત્તીર્ણ થયાં હતાં.

          આમ પ્રો. દેવધરની નિગરાણી હેઠળ આપે સંગીતના દરેક ક્ષેત્રમાં તાલિમ પ્રાપ્ત કરી. ત્યારબાદ અચાનક આપની આ સંગીતની સાધનામાં સુખદ બદલાવ આવ્યો. 1955માં કોલકત્તામાં યોજાયેલ ‘તાનસેન વિષ્ણુ દિગંબર પલુસ્કર’ સંગીત સ્પર્ધામાં આપે 1,100/- રૂપિયાનું પ્રથમ પારિતોષક મેળવ્યુ. અને ત્યારબાદ ધીરે ધીરે આપે આપની આગવી પ્રતિભાથી સંગીત સભામાં યોગદાન આપવું ચાલુ કર્યુ. આપને પ્રારંભમાં નાની નાની સંગીત સભાથી ચાલુ કરી મોટી મોટી સંગીત સભામાં પોતાની આગવી પ્રતિભા દાખવાનો મોકાઓ મળવા માંડ્યા. ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપરાંત હળવા સંગીત અને મરાઠી સંગીતમાં પણ આપ અવ્વલ હતા.

         1952થી ‘અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય’ તરફ્થી યોજાતી દરેક સંગીત સભામાં આપ આપનું યોગદાન આપતાં પછી તે હૈદ્રાબાદમાં હોય કે કાનપુર, બેલગામ, જયપુર, કે પછે ભારતની કોઈપણ શહેર હોય. આપે પૂનામાં ‘સવાઈ ગાંધર્વ પુણ્યતિથી’ ના પર્વે સંગીતસભા આયોજી હતી. આ ઉપરાંત આપે મરાઠી સંગીત સભા તેમ ‘ઓલ ઈંડિયા રેડિયો’ પર સંગીત પીરસ્યું હતુ.

       આપ ‘શાસ્ત્રીય સંગીત’ ઉપરાંત ‘ઠુમરી’ ‘હળવું સંગીત, ‘ભજન’ ‘મરાઠી નાટ્ય સંગીત’ માં ખૂબ પ્રભુત્વ ધરાવતાં હતા. આપની સંગીત શૈલી સહજ અને સ્વાભાવિક હતી. આપનો સ્વર ખૂબજ સૂરીલો હતો સાંભળતા જ ધ્યાન લાગી જતુ.

       આપે મુંબઈ ખાતે ઑપેરાહાઉસ સ્થિત પ્રોફેસર દેવધરની ‘ સ્કૂલ ઑફ ઈંડિયન મ્યુઝિક’ માં એક શિક્ષક તરીકે તેમજ પ્રિંસીપાલની પદવી નિભાવી હતી અને ‘સંગીત અલંકાર’ અને ‘સંગીત પ્રવીણ’ના વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણ આપ્યું હતું.

        ‘ફ્રી પ્રેસ’, ‘મરાઠા’, ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’,’ મહારાષ્ટ્ર ટાઈમ્સ’ અને બીજા અનેક મુખ્ય ન્યુઝ પેપરોમાં આપની સંગીતની આ યાત્રાની નોંધ લીધી હતી.

       હાલમાં આ સંગીતની શાળા આપના પત્ની શ્રીમતી રોહિણી ગોગટે અને આપની દીકરી શ્રીમતી સંગીતા દેશમુખ સંભાળી રહ્યા છે. હું હાલમાં આપની દીકરી શ્રીમતી સંગીતા દેશમુખ પાસે હળવા સંગીતની તાલીમ લઈ રહી છું.

દેવધર સ્કૂલ ઑફ ઈંડિયન મ્યુઝિક
મોદી ચેંબર્સ
ઑપેરા હાઉસની સામે
મુંબઈ- 400 004

                                 ૐ નમઃ શિવાય

શબ્દ

                   આજે વૈશાખ સુદ એકમ

આજનો સુવિચાર:- અન્યાયથી મેળવેલા વૈભવો કરતાં ગરીબી બહેતર છે.

હેલ્થ ટીપ્સ:- સાંધાના દુઃખાવામાં એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવીને આઠથી દસ વખત પીવું જોઈયે.

                                      શબ્દ

[rockyou id=64846288&w=426&h=320]

શબ્દ જીવનમાં અર્થ પણ આપે છે અને અનર્થ પણ કરે છે.

* શબ્દ: ઝેર બનીને સારે

* શબ્દ: અમૃત થઈ તારે

* શબ્દ: અંગારા બની ચંપાય

* શબ્દ: શીતળતા બની લેપાય

* શબ્દ: મલમ થઈ આવે

* શબ્દ: બાણની જેમ ચૂભે

* શબ્દ: ફૂલની જેમ શોભે

* શબ્દ: કાંટાની જેમ ખટકે

* શબ્દ: સુંવાળપ થઈ સ્પર્શે

* શબ્દ: ભીતર કોરી ખાય છે

* શબ્દ: જખ્મો ભરી જાય છે

* શબ્દ: મજબૂત દોરને તોડે

* શબ્દ: ત્રાડ બની વરસે

* શબ્દ: વ્હાલ થઈને વળગે છે

* શબ્દ: ગાળ બનીને વાગે

* શબ્દ: મંત્ર બનીને ગૂંજે

* શબ્દ: શત્રુતાને વધારે

* શબ્દ: સખાપણું વિકસાવે

* શબ્દ: શ્રાપ જેવા લાગે

* શબ્દ: વરદાન જેવા લાગે

* શબ્દ: જીવન જીવંત બનાવે

* શબ્દ: મૃત્યુ વ્હાલું લગાડે
  —- સંકલિત

* શબ્દ: ઊંચાઈએ પહોંચાડે

* શબ્દ: તળેટી પણ દેખાડે

* શબ્દ: ઝેર બની નીલકંઠે વસે

* શબ્દ: અમૃત થઈ અમર કરે

* શબ્દ: અંગારા બની સળગે

* શબ્દ: વ્હાલ થઈ વરસે

* શબ્દ: ગલગલિયા કરાવે

* શબ્દ: સ્તબ્ધ કરાવે

* શબ્દ:  નિઃશબ્દ બની પ્રેરે — જુગલકિશોરભાઈ

* શબ્દ:  વાચાળ બની ખંખેરે  — જુગલકિશોરભાઈ

* શબ્દ: ભાવના બની ભટકે

* શબ્દ: ભાવનાને રાહ દેખાડે

* શબ્દ: ભાવની ગંગા વહાવે

* શબ્દ: સમર્પણ યાચે

* શબ્દ: લય જગાડે

* શબ્દ: નાદ જગાવે

* શબ્દ: તરંગ લહેરાવે

* શબ્દ: સુગંધ પ્રસરાવે

* શબ્દ: ૐકાર પમાડે

                                              ૐ નમઃ શિવાય

શ્રીમદ વલ્લભાચાર્ય

             આજે ચૈત્ર વદ અમાસ

આજનો સુવિચાર:- સૌનામાં પ્રભુને અને પ્રભુમાં સૌને જોતાં શીખવું એટલે ભાંતિ કે ભેદની આભદછેટ આપણને લાગશે નહીં.

હેલ્થ ટીપ્સ:-શેકેલું જીરું અને સીંધાલુણ મીઠું સંતરાના રસમાં ભેળવી પીવાથી એસીડિટી પર ફાયદાકારક છે.

                         શ્રીમદ વલ્લભાચાર્યજી

          ગત અગિયારસે પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનો 530મો પ્રાગટ્ય દિવસ ગયો હતો. દેશભરના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ખૂબ ઉત્સાહપૂર્વક તેમનો પ્રાગ્ટ્યદિન ઉજવ્યો હતો. શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યક્તિએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યું છે. તેમના પ્રાગ્ટય વિષે બે મત છે. કેટલાકને મતે તેમનું પ્રાગટ્ય સંવત 1535માં હતું તો ક્ર્ટલાક માને છે કે તેમનું પ્રાગટ્ય સંવત 1529માં થયું હતું. પણ તેમના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભક્તિમાં અતિનિષ્ણાત હતા. 11 વર્ષની કૂમળી વયે તેમણે પિતાની છત્રછયા ગુમાવી. આ બાળક સૌને પ્રિય હોવાથી તેમનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. તેઓના ચરણારવિંદમાં શુભ ચિન્હોનાં દર્શન થતાં.

      પિતાનું નામ ‘લક્ષમણ ભટ્ટજી’ અને માતાનું નામ ઈલ્લમા – ગારુજી હતું. નાની ઉંમરમાં તેમણે યજુર્વેદ, ઋગવેદ,સામવેદ, ભાષ્યસહિત પાણીની સૂત્ર, અષ્ટાધ્યાયી, ગૌતમ-કણાદનાં ગ્રંથો તથા યોગ સાંખ્ય, મીમાંસા વગેરેનો અભ્યાસ કર્યો હતો.. તે ઉપરાંત માધવસંપ્રદાયી માધવેનદ્રપતિ પાસેથી ગીતા,ભાગવત, નારદપંચરાત્ર વગેરેનું અધ્યયન કર્યું હતું. તેમનામાં અદભૂત વાક્શક્તિ હતી. ધીરે ધીરે તેઓ વિદ્વાનોમાં પૂજનીય થતાં ગયાં. અને ત્યારબાદ તેઓ શ્રી મહાપ્રભુજી તરીકે માન્ય થયાં.

    આચાર્યશ્રીએ ભારતભરમાં ત્રણ વખતે ખુલ્લા ચરણે પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન વિદ્યાનગરમાં શરૂ થયેલ વાદમાં એક તરફ શાંકરવાદીઓ હતાં ત્યારે બીજી તરફ માધવ, રામાનુજ, નિંબાર્ક મતવાદીઓ હતાં. આચાર્યશ્રીને જાન થતાં તેમણે નવેસરથી વાદના મુદ્દા ખોલાવ્યા અને શ્રી વલ્લભે પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વમાન્ય થયો. આ સમયે તેમનો કનકાભિષેક થયો. 30 વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.

     તેઓ દિવ્યશક્તિ પ્રગટ કરતાં કરતાં તેઓ વૃંદાવનમાં છ માસ બિરાજી વિદ્વત્સમાજમાં બ્રહ્મવાદની સ્થાપના કરી. આપે શ્રી યમુનાષ્ટક રચ્યું. સં. 1549 માં શ્રાવણ સુદ 11ની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધા અને આજ્ઞા કરી,’ શ્રી વલ્લ્ભ ! મારો આપેલો ગદ્ય મંત્ર અમે જે જીવને આપશો તેનો હું સ્વીકાર કરીશ.’ આ ગદ્ય મંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસંબંધ’થી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો લખ્યાં જે ષોડશ ગ્રંથના નામે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે છે કે ‘જીવો બ્રહ્મને ભૂલી ગયાં છે માટે દુઃખી છે.’ અર્થાત શ્રી મહાપ્રભુજી કહે છે કે જેણે શ્રી કૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે. રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ‘બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું તે સાથે મિલન અને આનંદનું ઊભરવું તે રાસલીલા. તેથી શ્રીમદજીએ રાસલીલાને અતિમહત્વ આપ્યું છે.

      પુષ્ટિ સંપ્રદાયના પુષ્ટિનો અર્થ ‘ભગવત કૃપા’. શ્રીમદજી કહે છે કે ‘જીવ સાધ્ય પ્રયત્નથી પ્રભુની પ્રાપ્તી કરે તે મયાદા માર્ગ અને જ્યાં જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ જીવને પોતાના કરી લઈ પોતાની પ્રાપ્તિ કરાવે તે પુષ્ટિમાર્ગ. શ્રીમદજી કહે છે કલિયુગમાં શ્રી કૃષ્ણનું શરણું એ જ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે.
                                                                    — સંકલિત

                         

                         જય શ્રી કૃષ્ણ