શ્રીમદ વલ્લભાચાર્ય

             આજે ચૈત્ર વદ અમાસ

આજનો સુવિચાર:- સૌનામાં પ્રભુને અને પ્રભુમાં સૌને જોતાં શીખવું એટલે ભાંતિ કે ભેદની આભદછેટ આપણને લાગશે નહીં.

હેલ્થ ટીપ્સ:-શેકેલું જીરું અને સીંધાલુણ મીઠું સંતરાના રસમાં ભેળવી પીવાથી એસીડિટી પર ફાયદાકારક છે.

                         શ્રીમદ વલ્લભાચાર્યજી

          ગત અગિયારસે પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્યજીનો 530મો પ્રાગટ્ય દિવસ ગયો હતો. દેશભરના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ ખૂબ ઉત્સાહપૂર્વક તેમનો પ્રાગ્ટ્યદિન ઉજવ્યો હતો. શ્રીમદ વલ્લભાચાર્યજીએ શ્રીમદ ભાગવત, વેદ, બ્રહ્મસૂત્ર તથા ગીતાજી વગેરેનું મનોમંથન કરી જગતમાં સર્વ સામાન્ય વ્યક્તિએ જીવનમાં કેમ જીવવું તેનું સચોટ માર્ગદર્શન કર્યું છે. તેમના પ્રાગ્ટય વિષે બે મત છે. કેટલાકને મતે તેમનું પ્રાગટ્ય સંવત 1535માં હતું તો ક્ર્ટલાક માને છે કે તેમનું પ્રાગટ્ય સંવત 1529માં થયું હતું. પણ તેમના પૂર્વજો અગ્નિહોત્રી હતાં. તેઓ જ્ઞાન, કર્મ અને ભક્તિમાં અતિનિષ્ણાત હતા. 11 વર્ષની કૂમળી વયે તેમણે પિતાની છત્રછયા ગુમાવી. આ બાળક સૌને પ્રિય હોવાથી તેમનું નામ ‘વલ્લભ’ રાખવામાં આવ્યું હતું. તેઓના ચરણારવિંદમાં શુભ ચિન્હોનાં દર્શન થતાં.

      પિતાનું નામ ‘લક્ષમણ ભટ્ટજી’ અને માતાનું નામ ઈલ્લમા – ગારુજી હતું. નાની ઉંમરમાં તેમણે યજુર્વેદ, ઋગવેદ,સામવેદ, ભાષ્યસહિત પાણીની સૂત્ર, અષ્ટાધ્યાયી, ગૌતમ-કણાદનાં ગ્રંથો તથા યોગ સાંખ્ય, મીમાંસા વગેરેનો અભ્યાસ કર્યો હતો.. તે ઉપરાંત માધવસંપ્રદાયી માધવેનદ્રપતિ પાસેથી ગીતા,ભાગવત, નારદપંચરાત્ર વગેરેનું અધ્યયન કર્યું હતું. તેમનામાં અદભૂત વાક્શક્તિ હતી. ધીરે ધીરે તેઓ વિદ્વાનોમાં પૂજનીય થતાં ગયાં. અને ત્યારબાદ તેઓ શ્રી મહાપ્રભુજી તરીકે માન્ય થયાં.

    આચાર્યશ્રીએ ભારતભરમાં ત્રણ વખતે ખુલ્લા ચરણે પરિક્રમા કરી હતી. પરિક્રમા દરમિયાન વિદ્યાનગરમાં શરૂ થયેલ વાદમાં એક તરફ શાંકરવાદીઓ હતાં ત્યારે બીજી તરફ માધવ, રામાનુજ, નિંબાર્ક મતવાદીઓ હતાં. આચાર્યશ્રીને જાન થતાં તેમણે નવેસરથી વાદના મુદ્દા ખોલાવ્યા અને શ્રી વલ્લભે પોતાનો મંતવ્ય દર્શાવ્યો જે સર્વમાન્ય થયો. આ સમયે તેમનો કનકાભિષેક થયો. 30 વર્ષની વયે તેમના લગ્ન થયાં હતાં.

     તેઓ દિવ્યશક્તિ પ્રગટ કરતાં કરતાં તેઓ વૃંદાવનમાં છ માસ બિરાજી વિદ્વત્સમાજમાં બ્રહ્મવાદની સ્થાપના કરી. આપે શ્રી યમુનાષ્ટક રચ્યું. સં. 1549 માં શ્રાવણ સુદ 11ની રાત્રિએ સાક્ષાત પ્રભુએ દર્શન દીધા અને આજ્ઞા કરી,’ શ્રી વલ્લ્ભ ! મારો આપેલો ગદ્ય મંત્ર અમે જે જીવને આપશો તેનો હું સ્વીકાર કરીશ.’ આ ગદ્ય મંત્ર અર્પણ વિધિને ‘બ્રહ્મસંબંધ’થી ઓળખવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથો લખ્યાં જે ષોડશ ગ્રંથના નામે ઓળખાય છે. શ્રીમદ વલ્લભાચાર્યજી ઉપદેશમાં કહે છે કે ‘જીવો બ્રહ્મને ભૂલી ગયાં છે માટે દુઃખી છે.’ અર્થાત શ્રી મહાપ્રભુજી કહે છે કે જેણે શ્રી કૃષ્ણનું શરણું છોડ્યું છે તે દુઃખી છે. રાસલીલાનું મૂળ રહસ્ય સમજાવતાં શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે કે ‘બ્રહ્મની પ્રાપ્તિ માટે તેને મળવા ઝંખતા ભક્તજીવનું તે સાથે મિલન અને આનંદનું ઊભરવું તે રાસલીલા. તેથી શ્રીમદજીએ રાસલીલાને અતિમહત્વ આપ્યું છે.

      પુષ્ટિ સંપ્રદાયના પુષ્ટિનો અર્થ ‘ભગવત કૃપા’. શ્રીમદજી કહે છે કે ‘જીવ સાધ્ય પ્રયત્નથી પ્રભુની પ્રાપ્તી કરે તે મયાદા માર્ગ અને જ્યાં જીવના સાધનની અપેક્ષા રાખ્યા વગર પ્રભુ જીવને પોતાના કરી લઈ પોતાની પ્રાપ્તિ કરાવે તે પુષ્ટિમાર્ગ. શ્રીમદજી કહે છે કલિયુગમાં શ્રી કૃષ્ણનું શરણું એ જ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે.
                                                                    — સંકલિત

                         

                         જય શ્રી કૃષ્ણ