મારા સંગીત શિક્ષક ‘શ્યામ ગોગટે’

                  આજે વૈશાખ સુદ બીજ

આજનો સુવિચાર:- સત્ય વિનાની કોઈ કલ્પના નથી હોતી તેવી રીતે કલ્પના વિનાનું કોઈ સત્ય નથી હોતું. —- ચંદ્રકાંત બક્ષી

હેલ્થ ટીપ્સ:- શ્વાસના રોગમાં સૂંઠ ખૂબ જ ફાયદાકારક છે. સૂંઠનો ઉકાળો બનાવી તેમાં મધ ઉમેરી પીવાથી શ્વાસનાં રોગ પર ફાયદાકારક સાબિત થયો છે.

મારા સંગીત શિક્ષક સંગીતજ્ઞ ‘શ્યામ ગોગટે’

જન્મ: 16 એપ્રિલ 1933.               મૃત્યુ: 15 જુન 2002

        16 એપ્રિલ 1933ને દિવસે ભોરમાં આપનો જન્મ થયો હતો. નાનપણથી જ આપને સંગીતની લગની હતી અને 1948માં આપે સંગીતની આરાધના ચાલુ કરી. આપે આપનુ શિક્ષણ મુંબઈના જાણીતા સંગીતજ્ઞ પ્રો. બી.આર.દેવધરના સાનિધ્યમાં ચાલુ કર્યું હતું.

       પ્રોફેસરે આપને સંગીતનું જ્ઞાન આપવામાં પૂરતું ધ્યાન આપ્યું હતું. આપે ‘અખિલ ભારતીય ગાંધર્વ મહા વિદ્યાલય મંડળ’ની ‘સંગીતપ્રવીણ’ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. સંગીતની તાલીમ દરમિયાન આપ હંમેશા અવ્વલ દર્જાએ ઉત્તીર્ણ થયાં હતાં.

          આમ પ્રો. દેવધરની નિગરાણી હેઠળ આપે સંગીતના દરેક ક્ષેત્રમાં તાલિમ પ્રાપ્ત કરી. ત્યારબાદ અચાનક આપની આ સંગીતની સાધનામાં સુખદ બદલાવ આવ્યો. 1955માં કોલકત્તામાં યોજાયેલ ‘તાનસેન વિષ્ણુ દિગંબર પલુસ્કર’ સંગીત સ્પર્ધામાં આપે 1,100/- રૂપિયાનું પ્રથમ પારિતોષક મેળવ્યુ. અને ત્યારબાદ ધીરે ધીરે આપે આપની આગવી પ્રતિભાથી સંગીત સભામાં યોગદાન આપવું ચાલુ કર્યુ. આપને પ્રારંભમાં નાની નાની સંગીત સભાથી ચાલુ કરી મોટી મોટી સંગીત સભામાં પોતાની આગવી પ્રતિભા દાખવાનો મોકાઓ મળવા માંડ્યા. ભારતીય શાસ્ત્રીય સંગીત ઉપરાંત હળવા સંગીત અને મરાઠી સંગીતમાં પણ આપ અવ્વલ હતા.

         1952થી ‘અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય’ તરફ્થી યોજાતી દરેક સંગીત સભામાં આપ આપનું યોગદાન આપતાં પછી તે હૈદ્રાબાદમાં હોય કે કાનપુર, બેલગામ, જયપુર, કે પછે ભારતની કોઈપણ શહેર હોય. આપે પૂનામાં ‘સવાઈ ગાંધર્વ પુણ્યતિથી’ ના પર્વે સંગીતસભા આયોજી હતી. આ ઉપરાંત આપે મરાઠી સંગીત સભા તેમ ‘ઓલ ઈંડિયા રેડિયો’ પર સંગીત પીરસ્યું હતુ.

       આપ ‘શાસ્ત્રીય સંગીત’ ઉપરાંત ‘ઠુમરી’ ‘હળવું સંગીત, ‘ભજન’ ‘મરાઠી નાટ્ય સંગીત’ માં ખૂબ પ્રભુત્વ ધરાવતાં હતા. આપની સંગીત શૈલી સહજ અને સ્વાભાવિક હતી. આપનો સ્વર ખૂબજ સૂરીલો હતો સાંભળતા જ ધ્યાન લાગી જતુ.

       આપે મુંબઈ ખાતે ઑપેરાહાઉસ સ્થિત પ્રોફેસર દેવધરની ‘ સ્કૂલ ઑફ ઈંડિયન મ્યુઝિક’ માં એક શિક્ષક તરીકે તેમજ પ્રિંસીપાલની પદવી નિભાવી હતી અને ‘સંગીત અલંકાર’ અને ‘સંગીત પ્રવીણ’ના વિદ્યાર્થીઓને સંગીત શિક્ષણ આપ્યું હતું.

        ‘ફ્રી પ્રેસ’, ‘મરાઠા’, ‘ટાઈમ્સ ઑફ ઈંડિયા’,’ મહારાષ્ટ્ર ટાઈમ્સ’ અને બીજા અનેક મુખ્ય ન્યુઝ પેપરોમાં આપની સંગીતની આ યાત્રાની નોંધ લીધી હતી.

       હાલમાં આ સંગીતની શાળા આપના પત્ની શ્રીમતી રોહિણી ગોગટે અને આપની દીકરી શ્રીમતી સંગીતા દેશમુખ સંભાળી રહ્યા છે. હું હાલમાં આપની દીકરી શ્રીમતી સંગીતા દેશમુખ પાસે હળવા સંગીતની તાલીમ લઈ રહી છું.

દેવધર સ્કૂલ ઑફ ઈંડિયન મ્યુઝિક
મોદી ચેંબર્સ
ઑપેરા હાઉસની સામે
મુંબઈ- 400 004

                                 ૐ નમઃ શિવાય