જનેતાનું હૈયું

                     આજે અધિક જેઠ વદ અમાસ [અધિક માસની સમાપ્તિ]

આજનો સુવિચાર:- મનુષ્ય વંદનીય છે પણ પ્રભુ પૂજનીય છે.

હેલ્થ ટીપ્સ:- લોક આયુર્વેદ – હૃદય રોગમાં અર્જુન ઝાડની છાલનો કવાથ ઉત્તમ છે.

                                        જનેતાનું હૈયું

                   આ ટૂંકી વાર્તા મુસાફરી કરતાં એક પ્રવાસીએ કરેલા અનુભવથી લખાયેલી છે.

     રામપુર જીલ્લાનું ગામ અને અનાજના વેપારનું ધીકતું ધામ. ગામ વચ્ચે આવેલા રેલ્વે સ્ટેશનનું પ્લેટફૉર્મ વ્હેલી સવારથી મોડી રાત સુધી ઉતારુઓની અવરજવરથી ભર્યું રહે. મધરાતે છેલ્લો પેસેંજર ગયા પછી જંપી જાય અને પ્લેટફોર્મ પર રહે માત્ર ચોકી ભરતા પોલીસો, રાત્રીનાં કાયમી હમાલો, માથાભેર મવાલીઓ, ભીખારીઓ અને રઝળતાં કૂતરાઓ.
  આ કાયમી વસ્તીમાં ચાર પાંચ વર્ષથી એક અર્ધી હાલેલી, ઓછાબોલી, શ્યામવર્ણી અબળાનો ઉમેરો થયો હતો. પ્લેટફોર્મનાં છેડે આવેલા રેલ્વે-બ્રીજની નીચે પોલીસ અને બીજા દાદાની મહેરબાની હેઠળ સુવા લાગી. લગભગ વીસ બાવીસ વયની આ યુવતી ભીખ માંગી પેટ ભરી લેતી. આ યુવતી કોણ હતી ? એનું કોઈ સગુંવ્હાલુ છે કે નહીં ? તેની કોઈને જાણ નથી. પ્લેટફોર્મ પર એ રાધાને નામે ઓળખાતી હતી. આસ્તે આસ્તે તે પ્લેટ્ફોર્મના દાદાઓની હવસનું રમકડું બની ગઈ પણ રાધા પણ એક માનવી હતી. ખોળે પ્રાપ્ત થયેલાં બાળકનો કોણ પિતા હતો તે પણ તેને ચોક્કસ ખબર ન હતી. પરંતુ એક માતા હતી એ સત્ય હતું. સૌને એ બાળક્ના પિતાનું નામ જાણવાની ઈંતેજારી તો હતી પરંતુ એક અસ્થિર મગજની સ્ત્રીનાં બાળકનું નામ શું હોઈ શકે?

    આમ તો ‘રાધેય’ સુતપુત્ર કર્ણ પણ રાધેય તરીકે ઓળખાયો હતો કે જાબાલીનો પુત્ર ‘સત્યકામ જાબાલ’ તરીકે ઓળખાયો હતો પણ આપ્લેટફોર્મની રાધાનો પુત્ર મુન્નો તરીકે ઓળખાયો. એને માટે તો રાધા જ જનક અને જનેતા હતી. અન્ય સંસારી ગૃહસ્થી માતા જેટલાં જ રાધા મુન્નાને લાડપાન કરતી. રાધાના આ લાડથી મુન્નો બગ્ડ્યો અને જીદ્દી થઈ ગયો હતો.

      એક દિવસની વાત છે. દિવસ આખો જોરદાર વરસાદ પડ્યો. ખૂબ રઝળપાટ છતાં ભીખમાં કાંઈ જ ન મળ્યું. પોતે તો ભૂખી રહી શકે પણ મુન્નાનું શું? સ્ટેશનની કેંટીનમાં કામ કરતી સ્ત્રીઓને રાધાની દયા આવી એટલે વધેલાં ટાઢા દાળભાત આપ્યાં. રાધા આ દાળભાત ચોળી મુન્નાને પાસે બેસાડી ખવડાવવાનો પ્રયત્ન કરતી પરંતુ મુન્નો તેનો હાથ હડસેલી મૂકતો. અને ‘રોટી’નું રટણ લઈ બેઠેલો મુન્નો દાળભાત ખાવાનો ઈંકાર કરતો રહ્યો. રધાનાં ખૂબ સમજાવટ છતાં મુન્નો માન્યો નહીં. બાળહઠ ! છેવટે રાધા વિફરીને તમાચો ચોડ્યો. ત્યારબાદ તો તમાચા અને ગડદા પાટુ સાથે મેણા અને ગાળોંનો ધોધ વરસ્યો. બોલી ‘મૂઆ અભાગિયા રોટલી ખાવી હતી તો આ અભાગણને પેટે શું કામ પડ્યો? મા ભિખારી અને બેટા ખાનજાદા, મારા રોયા જનમતાં જ મરી કેમ ન ગયો? આવું આવું ક્વચિત બોલતી રાધા ઘણું ઘણું બધુ બોલી ગઈ. મુન્નો તો ઢોરમારના સપાટાથી હબકી ગયો અને ખૂણે ઊભો ઊભો ડૂસકાં ભરી રડવા લાગ્યો.

    લાડકા દિકરાનાં આંસુ જોઈ આ જનેતા થંભી ગઈ હૈયુ ફાટી પડ્યું. પોતાના હાથે પોતાના ગાલ અને પેટ કૂટી નાખ્યાં ધ્રુસ્કે ધ્રુસ્કે રોતી અને બોર બોર આંસુ સારતી પોતાની માને જોઈ ડઘાયેલો મુન્નો ભૂખ અને દુઃખ ભૂલી જઈ રડતી માને વળગી પડ્યો.

       મા બેટાનાં આ સુભગ મિલનનું દ્રશ્ય જોઈ ધન્યતા અનુભવતો પ્રવાસી મુન્ના અને તેની મા રાધાની સ્મૃતિમાં ખોવાઈ ગયો અને સ્મૃતિ પટમાં કોતરાયેલા શબ્દો વાગોળવા લાગ્યો.

“અગણિત આશિષો મારી, માંડુ જો ક્રમવાર,
  અગ્રેસર છે, જ્યાં વિંધાયું મુજ હૈયું આરપાર
  દીધો કઠોર ઘાવ, કારણ ચાહું છું પારાવાર.”

                                                         સૌજન્ય:- જ્યોતિપુંજ

                                           ૐ નમઃ શિવાય