એલિફંટા

               આજે જેઠ સુદ પાંચમ [શિવ-પાર્વતી વિવાહ]

આજનો સુવિચાર:-ભૂત , ભવિષ્ય, વર્તમાન સંપૂર્ણ જ્ઞાનનો આધાર વેદ છે.

હેલ્થ ટીપ્સ:- નખ પરના સફેદ ડાઘ એ કેલ્શિયમની નહીં પણ પ્રોટીનની ખામીની નિશાની છે.

                                   એલિફંટા

[rockyou id=73844189&w=324&h=243] 

      મુંબઈથી 10 કિ.મી.ના અંતરે અરબી સમુદ્રમાં એક ટાપુ આવ્યો છે. જ્યાં એલિફંટાની ગુફાઓ આવી છે. ત્યાં પહોંચવા મોટરબોટમાં કે લૉંચમાં બેસી જઈ શકાય છે. રાજબંદર પર ઉતર્યા બાદ 2 કિ.મી.ચાલવું પડે છે જોકે હવે મીની ટ્રેનની સગવડ કરવામાં આવી છે. તેમાંથી ઉતરીને લગભગ 120 જેટલાં પગથિયા ચઢી ગુફા સુધી પહોંચાય અછે. ત્યાં અંદર જવા ટિકિટ ખરીદવી પડે છે. અંદર જતાં સરકારી ગાઈડ મળી રહે છે જે ગુફામાંની મૂર્તીઓનો પરિચય આપતા હોય છે તેમજ ગુફાનો ઈતિહાસ જણાવે છે.

        પ્રાચીનમાં આ ધારાપુરી દ્વિપ તરીકે ઓળખાતો હતો. ધારા એટલે કિલ્લાની દિવાલ અને પુરી એટલે નગરી એટલે કિલ્લાબંદીથી સુરક્ષિત નગર. 11મી સદીના એક તામ્રપત્ર પર આ નગરનો ઉલ્લેખ ‘શ્રીપુરી’ના નામે હતો. ખરેખર એ દિવસોમાં આ નગરી ખૂબજ સમૃધ્ધ હોવી જોઈએ.

     ઈ.સ. 1534માં પુર્તગાલી આ રાજબંદરે ઉતર્યા હતાં. તેઓએ ગુફાને બહાર વિરાટ કદના હાથીનું શિલ્પ જોયું તેથી તેઓએ આ સ્થળનું નામ ‘એલિફંટા કેવ્ઝ’ નામ આપ્યું. જોકે પાછળથી આ વિરાટ હાથીનું શિલ્પ મુંબઈ લાવવામાં આવ્યું અને ‘જિજામાતા ઉદ્યાન’ ભાયખાલામાં સ્થાપિત કરવામાં આવ્યુ. અહીં ચાલુક્ય અને ગુપ્ત કાળની કળાનો અદભૂત સમનવય જોવા મળે છે.

    એ દિવસોમાં હિંદુ ધર્મમાં બે સંપ્રદાય મુખ્ય હતા. શૈવ અને વૈષ્ણવ. એલિફંટાની ગુફામાં કડરાયેલી શિવ, પાર્વતી તથા ગણોની પ્રચલિત કથાઓ પરથી એ સાબિત થાય છે કે અહીં શૈવ સંપ્રદાયનો પ્રભાવ હતો.

      અહીં મુખ્ય 4 ગુફાઓ છે. પ્રથમ ગુફાનો વિસ્તાર લગભગ 130 ફૂટનો છે. ગુફામાં દાખલ થતાં જમણી બાજુએ નૃત્ય મુદ્રામાં ‘નટરાજ’ શિવજીની પ્રતિમા દ્રશ્યમાન થાય છે. પરમશાંતિનો અલૌકિક ભાવનો અનુભવ થાય છે.

     ત્યારબાદ શિવમંદિર આવે છે. તેના ચાર દ્વાર છે અને ચારે દ્વાર પર દ્વારપાળની 8 મૂર્તિઓ છે. મૂખ્ય દ્વાર પૂર્વાભિમુખ છે. પૂર્વમાં અલંકારકૃત ઈંદ્રદેવ ઊભાછે. દક્ષિણમાં હાથમાં માનવની ખોપરી લઈ યમરાજા ઊભા છે. પશ્ચિમમાં વરુણદેવ છે અને ઊત્તરમાં કુબેરજી ઊભા છે. દરેક દ્વારપાળ ખૂબ સુંદર રીતે કંડારાયેલા છે. મંદિરના મધ્યભાગમાં શિવલિંગ છે. મહાશિવરાત્રિએ અહીં મેળો ભરાય છે.

        શિવમંદિરના પાછળ પશ્ચિમ ભાગમાં અંધકાસુરનો વધ કરતા શિવજીની મૂર્તિ છે. અહંકાર રૂપી અંધકારનો જ્ઞાનરૂપી તલવારથી વધ કરવામાં આવે છે.

      ત્યારબાદ શિવ-પાર્વતી વિવાહના શિલ્પ જોવા મળે છે. શિવજીનો કલ્યાણકારી ચહેરો સાત્વિકભાવની અનુભૂતિ કરાવે છે. ત્યાં જળકુંડ છે. અહીં શિવમંદિર છે. અહીં ગંગાધર શિવજીની પ્રતિમા જોવા મળે છે. ભાગીરથી ગંગાને શિવજી જટામાં ધારણ કરે છે.

     મહેશ મૂર્તિમાં શિવજી હાજર છે. આ મૂર્તિ ત્રિમૂર્તિ તરીકે પ્રચલ્લિત છે. આ મૂર્તિ ભારતીય કળાની ચરમ સીમાએ છે. મધ્ય ચહેરો અત્યંત શાંત તત્પુરુષનો છે. સુવર્ણ મોતીથી આભૂષિત, માથે અલંકૃત મુકુટથી સુશોભિત મૂર્તી છે. ડાબી બાજુ રુદ્ર સ્વરૂપે શિવજીનું સંહારક સ્વરૂપ પ્રગટ થાય છે. જમણી બાજુએ ઈશ્વરીય ચહેરો પ્રગટ છે. શાંત સર્જન સ્વરૂપે છે.

      અર્ધનારીશ્વરરૂપે શિવ-શક્તિની [શિવ-શિવા] પ્રતિમા જોવા મળે છે. શિવ-શિવાનું મિલન એટલે દિલ અને દેહનું ઐક્ય. સીતા રામનાં કે પછી રાધા કૃષ્ણનાં હૃદયમાં એકતા છે પરંતુ ઉમા મહેશ તો હૃદય અને દેહથી પણ એક થઈ ગયા હોવાથી અર્ધનારીનટેશ્વર બની ગયા.

     શિવ પાર્વતી સોગઠાબાજી રમે છે તેવી મૂર્તીઓ પણ જોવા મળે છે. તેમ રાવણ કૈલાસને ખેંચવાનો પ્રયત્ન કરે છે તેવી પ્રતિમા જોવા મળે છે. મહાયોગી શિવજીની પ્રતિમા જોવા લાયક છે.

            અંતમા એલિફંટાની ગુફાઓ શિવધામ છે.

          મુંબઈમાં ગેટવે ઇંડિયાથી અને ભાઉ ચા ધક્કાથી દર કલાકે લૉંચ દ્વારા એલિફંટા જઈ શકાય છે. ચોમાસાના દિવસો છોડીને દરરોજ જઈ શકાય છે.

                           ૐ નમઃ શિવાય