બાળ ગીતો

                   આજે શ્રાવણ વદ ચોથ [સંકષ્ટી ચોથ]

આજનો સુવિચાર:- પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.

                                                                                                સોરેન કિર્કગાર્ડ

હેલ્થ ટીપ્સ:- ઉલટી જેવું લાગતું હોય ત્યારે જીરૂ ચાવીને ખાવું.

બાળ ગીત

ધપ્પાં ધપ્પા

ધપ્પા ધપ્પી, ધપ્પં ધપ્પા
રાત-દિવસ હું મારૂં ગપ્પાં

ઘરમાં અમે ઘર ઘર રમીએ
રમીએ અમે મમ્મી-પપ્પા.

સા-રે-ગ-મ-પ-ધ-ની-સા
અલકા, અનિલ, કિરણ, કૃપા

ગમે મને નહીં લપ્પં લપ્પા
ધપ્પા ધપ્પી, ધપ્પં ધપ્પા.

આસું…………આ શું?

પહાડમાંથી ઝરણાં
ધરતીમાંથી તરણાં

મમ્મી સહેજ વઢે ત્યાંતો-
પપ્પા સહેજ લઢે ત્યાંતો-

આંખમાંથી દોડી જાય
આંસુઓનાં હરણાં

ધારવાનો એક ધારો છે

અચકો મચકો કારેલી
વાત અમે એક ધારેલી

ધારો કે એક રાજા છે
રાજાને એક રાણી છે

રાણીની આંખે પાણી છે
આંખ પાણીથી ભીંજાયેલી

અચકો મચકો કારેલી
ધારવાનો એક ધારો છે

ને શબ્દોનો ફુવારો છે
મહેલ, મકાન ને હવેલી

અચકો મચકો કારેલી

કવિશ્રી:- સુરેશ દલાલ

                                        ૐ નમઃ શિવાય

રુદ્રાક્ષ

                           આજે શ્રાવણ વદ બીજ

આજનો સુવિચાર:- અતિશય ક્રોધ, કડવી ઝેર જેવી વાણી, સ્વજનોથી વેર, નીચ અધમ વ્યક્તિનો સંગ અને કપટી-દગાબાજ માણસોની સેવા – આ તમામ પ્રકારનાં અપલક્ષણો જે અસમજુ હોય છે તેનામાં મોજુદ હોય છે.

હેલ્થ ટીપ્સ:- સૂકામેવાના પ્રમાણસરના ઉપયોગથી શરીરના રક્તની અમ્લતા અને ક્ષારતાની સમતુલા જળવાય છે, આથી સ્વસ્થતા જળવાય છે.

        30-8-1900ના દિને ગુજરાતના દરિયાઈ નવલકથાઓના મશહૂર સર્જક શ્રી ગુણવંતરાય આચાર્યનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસરમાં થયો હતો. તેમણે સામાજિક ઐતિહાસિક નવલકથાઓ, વાર્તાઓ, દરિયાઈ કથાઓ, જીવનચરિત્રો મળીને સવાસો જેટલા પુસ્તકો લખ્યા હતા. તેમની ‘દરિયાલાલ’ નામની નવલકથાએ તેમને કીર્તિના ટોચે મૂક્યા હતા.

[rockyou id=82327160&w=324&h=242] 

                                  રુદ્રાક્ષ

            અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિને રુદ્રાક્ષ, જે પૌરાણિક કથા અનુસાર શિવની આંખમાંથી સરેલાં અશ્રુ ગણાય છે, તેને ધારણ કરવામાં આવે તો આરોગ્ય, યશની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીઓના માનવા પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાથી દુઃખ દૂર થાય છે તેમાં પણ પંચમુખી રુદ્રાક્ષ શુભ ગણાય છે. આયુર્વેદ મુજબ રુદ્રાક્ષ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ દૂર કરે છે. લિંગ પુરાણ મુજબ કોઈપણ પૂજા-પાઠ દરમિયાન રુદ્રાક્ષનું ધારણ તેનું વિશેષ ફળ આપે છે. રુદ્ર પણ રુદ્રાક્ષને ધારણ કરીને રુદ્રત્વ પામે છે. અસલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે. કાચા દૂધમાં મૂકવામાં આવે તો દૂધ ફાટતું નથી.

              હિમાલયના શિતપ્રદેશોમાં રુદ્રાક્ષનાં તાડ જેવાં લાંબા વૃક્ષો ઉગે છે. એમાં સંતરા જેવડાં ફળ આવે છે. આ ફળમાંનું બીજ એટલે રુદ્રાક્ષ. માન્યતા મુજબ વાતાવરણની શ્રેષ્ઠ શક્તિઓને શોષી લે છે. ગ્રહણ, અમાસ, પૂનમ, સંકાંતિ જેવા દિવસો અથવા સોમવાર અને બુધવાર અતિશુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષને શિવલિંગને સ્પર્શ કરી ઊનનાં દોરામાં અથવા ચાંદી અથવા સોનાના તારમાં ધારણ કરી શકાય છે. પંચમુખી રુદ્રાક્ષ શિવનું સંપૂર્ણ પ્રતિક ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પંચમુખી રુદ્રાક્ષ ગુરુ ગ્રહની અશુભ અસર દૂર કરનારો ગણાયો છે. પૃથ્વી , અગ્નિ,વાયુ, જળ અને આકાશ એવા પાંચ તત્વોને સમતોલ કરવામાં આ પંચમુખી રુદ્રાક્ષ મુખ્ય ભાગ ભજવે છે. આ પંચમુખી રુદ્રાક્ષ બ્લડપ્રેશર નિયંત્રક છે. પાણી ભરેલા ગ્લાસમાં ત્રણ પંચમુખી રુદ્રાક્ષ મૂકી રાતભર રાખી આ પાણી નયણાકોઠે પીવાથી કદી બિમારી આવતી નથી.

                 એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે. આ રુદ્રક્ષ અતિ દુર્લભ છે. હિમાલય ઉપરાંત નેપાળ, ઈંડોનેશિયા અને મલેશિયામાં થતાં આ વૃક્ષો પર દર બાર વરસે એકમુખી રુદ્રાક્ષ પાકે છે. કૃષિ કવિઓએ આ વૃક્ષની ‘નીલું સંગમરમરી વૃક્ષ’ ઉપમા આપી છે. બે મુખી અને છ મુખી રુદ્રાક્ષ ઈચ્છાશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, મેધા અને જ્ઞાન વધારે છે. 32 પારાવાળી ‘ગૌરીશંકર’ કંઠી પહેરનારને સાક્ષાત શિવ સ્વરૂપ માનવામાં આવે છે.

          આ ઉપરાંત સૂર્યશક્તિ, મોહિનીબંધ, સુરક્ષા કવચ, નવગ્રહ શાંતિ, ધ્યાન, યોગ વગેરે માટે પ્રયોગકર્તાઓએ જુદા જુદા કોમ્બિનશન બતાવ્યા છે.

           શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે

‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં
અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે

       અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.

                        

                                           ૐ નમઃ શિવાય

આપણા અલભ્ય વૃક્ષો

                  આજે શ્રાવણ સુદ બારસ [પવિત્રા બારસ]

આજનો સુવિચાર:- જે વસ્તુ સહેલાઈથી મળી જાય તેને માટે કોઈને આદર નથી, જેમકે માણસને પોતાના સ્વજનને છોડી પારકા સાથે મૈત્રી ઈચ્છે છે.

હેલ્થ ટીપ્સ:- 3 થી 4 હીમજને એરંડિયામાં શેકીને રોજ રાત્રે લેવાથી કબજિયાત દૂર થાય છે.

                                 આપણા અલભ્ય વૃક્ષો

 રુદ્રાક્ષ વૃક્ષ

   

    મુંબઈ જેવા સિમેંટ કૉંક્રીટનાં જંગલ સમા શહેરમાં અલ્ભ્ય જેવાં વૃક્ષો મળી આવ્યાં છે. મુંબઈમાં આ પ્રકારનાં અતિદુર્લભ વૃક્ષોના અસ્તિત્વની નોંધ લેવાઈ નથી. ડૉ. અલ્મેડાએ પ્રસિદ્ધ કરેલા ફ્લોરા ઑફ બૉમ્બે પ્રેસિડંસી [1906]માં સુદ્ધાં તેમનો ઉલ્લેખ નથી.

ગૂગળ ધૂપ [ઈલાયંસ ટ્રીફીસા]:- પ્રભાદેવીમાં આવેલા પુરુષોત્તમ ટાવર ખાતે શહેરનું એકમાત્ર ગૂગળ ધૂપ વૃક્ષ જોવા મળે છે. આ વૃક્ષ ઘટાદાર છે અને તેની ઊંચાઈ 20 થી 28 મીટર છે. તેના લાકડાનો ઉપયોગ હોડી અને તરાપો બનાવવામાં થાય છે.
અંજાન [હાર્ડવીકિયા બીનાટા]:- જંગલમાં તેમ જ સૂકા વાતાવરણમાં ઉગતું આ વૃક્ષ સામાન્ય રીતે રહેણાક વિસ્તરમાં જોવામાં આવતું નથી. આમાંથી ઈમારતી લાકડું મળી આવે છે. અંજન વૃક્ષ કોલાબામાં આવેલ બીપીટી ગાર્ડન અને અંધેરી ભવંસ કોલેજનાં કંપાઉંડમાં જોવા મળે છે.

જાંભા [ કસિલિયા કસીલોકાર્પા]:- આ એક જંગલી પ્રકારનું વૃક્ષ છે. જેનો ઉપયોગ રેલ્વેના પાટા નીચે મુકાતા લાકડાની પટ્ટી તરીકે થાય છે. માર્ચ એપ્રિલમાં તેની ઉપર કળીઓ ફૂટે છે. કોલાબાના બીપીટી ગાર્ડનમાં ઉપલબ્ધ છે.

અરીઠાં [સપીંડ્સ કસીલોર્પા]:- આ વૃક્ષોના ફળોનો ઉપયોગ વાળ ધોવામાં થાય છે. આ વૃક્ષો સામાન્ય રીતે શિવાલિક ટેકરી, ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે. આયુર્વેદિક દવા માટે આ વૃક્ષ ઉપયોગી છે. આ વૃક્ષ મુંબઈના વિલેપાર્લે ની સાઠે કૉલેજમાં જોવા મળે છે.

એલ્ફનટસ ઍર પોડ [એંટર રોલોબિયમ સિકલો સપેરમમ]:- આ વૃક્ષ પર ફેબ્રુઆરી થી મે મહિનામાં ઘટાદાર ફૂલો જોવા મળે છે. સુશોભન માટેનું આ વૃક્ષને ગુલમહોરનાં વૃક્ષ તરીકે ભૂલથી માની લેવામાં આવે છે. મુંબઈના અંધેરી ભવંસ કૉલેજના કંપાઉંડ અને કૉલાબાના ઈંડિયન સેલર્સ ઈંસ્ટિટ્યૂટમાં છે. આ વૃક્ષ મહારાષ્ટ્રમાં કદાચ પ્રથમવાર જોવા મળ્યું છે.

દેવદાર વૃક્ષ [બુર્સેરા ગુમ્મિફેરા]:- આ વૃક્ષ કોલાબાના બીપીટી ગાર્ડનમાં જોવા મળે છે. આનાં ફળ પોચા અને સુગંધી અને લાલાશ રંગનાં છે. આના થડ ઉપર લીલાશ અને ભૂખરા રંગની છાલ છે.

આલુનું ઝાડ [ચિરોફિલમ ઓવાલી ફોરમ]:- સાઉથ ફ્લોરિડા બહામા અને વેસ્ટ ઈંડિઝથી આ વૃક્ષ ભારતમાં આવ્યું છે. મુંબઈના માહિમ વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ પ્રાથમિક શાળામાં જોવા મળે છે.

રુદ્રાક્ષનું વૃક્ષ [એલિઓકાર્પસ સફેરિક્સ]:- કહેવાય છે કે ભગવાન શિવજીની આંખમાંથી પડેલા અશ્રુથી આ વૃક્ષ ઉગેલું. આનાં ફળ આયુર્વેદમાં માનસિક રોગ, દમ, ફેફરું [વાઈ] હાઈ બીપી, એસિડીટી વગેરે રોગોમાં ઉપયોગી છે. આ વૃક્ષ મોટા લીલા પાંદડાવાળું ઘટાદાર છે. હિમાલય અને નેપાળમાં જોવા મળતું આ વૃક્ષ અંધેરી ભવંસ કૉલેજનાં કંપાઉંડમાં જોવા મળે છે.

હનુમાન ફળ [ઓનાના ગ્લેબ્રા];- આ નાના કદનું વૃક્ષ રામફળ અને સીતાફળનાં જેવું દેખાય છે. ઉત્તરનાં રાજ્યોમાં જોવા મળતું આ વૃક્ષ મુંબઈના ભાયખાલાનાં પ્રાણી સંગ્રહાલયમાં પણ છે.

આ ઉપરાંત બાયડના વસાદરામાં શિવલિંગનું અનોખું વૃક્ષ જોવા મળ્યું છે. આ વૃક્ષની વિશિષ્ટતા એ છે કે આના ફૂલ તોડાયા પછી પણ અઠવાડિયા સુધી કરમાતું નથી. એનાં ફૂલોમાં શિવલિંગની પ્રતિકૃતિ દેખાય છે. તેની સુવાસ સો ફૂટ દૂર સુધી સતત મહેંકતી રહે છે.

                                     ૐ નમઃ શિવાય

શ્રાવણ માસે

                        આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- ચડતી અને પડતી તો ઈશ્વરનો અતૂટ નિયમ છે. જેની ચડતી થાય છે તેની કાલે પડતી થવાની જેમ મધ્યાહને ઊંચે ચઢેલા સૂરજે સમી સાંજે ઢળવુ પડે છે. ખરેખર જેની ચડતી થઈ ન હોય તેની પડતી શું થવાની? — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.

 

         શ્રાવણ માસે

કરોડો હાથ ઊઠ્યાં આ શ્રાવણ માસે
માંગવા આશિર્વાદ આ શ્રાવણ માસે

દૂધની ગંગા વહી આ શ્રાવણ માસે
વહી જળની ધાર આ શ્રાવણ માસે

બિલ્વમાં દબાયા આ શ્રાવણ માસે
પંચામૃતમાં પૂરાયા આ શ્રાવણ માસે

ભસ્મમાં ભરમાયા આ શ્રાવણ માસે
 ચંદને ચિતરાયા આ શ્રાવણ માસે

ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે
યુગ યુગથી ઊભો અહીં દરેક માસે???

                                  ૐ નમઃ શિવાય

30 દિવસમાં તંદુરસ્તી

                                આજે શ્રાવણ સુદ નોમ

આજનો સુવિચાર:- આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે. — પાંડુરંગ શાસ્ત્રી

હેલ્થ ટીપ્સ:- એક ચમચી મેથીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી સાંધાના વા માં અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે.

                                  30 દિવસમાં તંદુરસ્તી

                       30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે

* ચિંતા કરવી છોડી દો                         – માનસિક શાંતિ હરી લે છે.

* ઈર્ષા ન કરો                                       – સમય અને શક્તિનો વ્યય થાય છે.

* તમારી મર્યાદાનો સ્વીકાર કરો          – આપણે બધા જ મહાન નથી બની શકતા.

* લોકોમાં વિશ્વાસ રાખો                       – તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.

* પુસ્તક વાંચો                                     – તમારી કલ્પના શક્તિ વધશે.

* સારો શોખ કેળવો                              – તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.

* થોડો સમય એકાંતમાં ગાળો             – તમારું દુઃખ હળવું થશે.

* એક અંતરંગ મિત્ર બનાવો               – જે તમારા દુઃખમાં સહભાગી થશે.

* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો                         – કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.

* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો  – તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.

* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો    – તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.

* વડિલોનો આદર કરો                     – એક દિવસ તમારો પણ આવશે.

* ખુશ મિજાજ રહો                            – એને ગુમાવવો મોંઘો પડે છે.

* પોતાની જાતને ઓળખો                – એ તમારી અંદર છે.

* સુખની પાછળ દોટ ન મૂકો           – એ તમારી પાસે જ છે.

* સમય ન વેડફો                              – મહામૂલી જણસ છે.

* અંધકારથી નિરાશ ન થશો           – બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.

* દરેકને પ્રેમ કરો                           – તમને બમણો પ્રેમ મળશે.

* શ્રદ્ધા રાખો                                    – તમે બધું જ કરી શકો છો.

* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો    – ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.

* વ્યવહારુ બનો                               – સુખનો રાજમાર્ગ છે.

* ગુસ્સો સંયમિત કરો                       – એ ભયાનક બને છે.

* મૃદુભાષી બનો                              – દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.

* ઊંચું વિચારો                                – ઉન્નતિના શિખરે લઈ જશે.

* અથાક પરિશ્રમ કરો                     – મહાન બનવાનો કિમિયો છે.

* સર્જનાત્મક બનો                          – મુખાકૃતિ સુંદર લાગશે.

* હસતા રહો                                   – પડકારનું તકમાં રૂપાંતર થશે.

* તમારી ભાષા પર કાબૂ રાખો      – તમારા ચારિત્ર્યનું દર્પણ છે.

* ભય ન રાખો                               – ઈશ્વર હંમેશા સાથે જ છે.

* રોજ ચિંતન કરો                          – આત્માનો ખોરાક છે. 

દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.

                                                                                              —– સંકલિત

                                            ૐ નમઃ શિવાય

શ્રાવણી કોયડાનો ઉકેલ

                           આજે શ્રાવણ સુદ આઠમ

આજનો સુવિચાર:- એવો કોઈ અક્ષર નથી કે જે મંત્ર બની શકે નહિ, કોઈ મૂળીયું એવું નથી કે જે ઔષધ તરીકે ઉપયોગમાં ન લેવાય, કોઈ પણ માણસ અયોગ્ય નથી માત્ર આ બધાનો યોજક- ઉપયોગ કરનાર જ દુર્લભ છે.

હેલ્થ ટીપ્સ:- આદુનો રસ અને તુલસી રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાખવાથી આધાશીશી અને માથાનો દુઃખાવો મટે છે.

                                 શ્રાવણી કોયડાનો ઉકેલ

1] શિવજી પાર્વતી તરફ આકર્ષાય તે માટે દેવોએ કોને નિયુક્ત કર્યા?

[ક] કામદેવ

2] શિવજી શરીરે કોનુ ચર્મ ધારણ કરતા હતા?

[અ] વાઘ

3] શિવજી ક્યા દેવ તરીકે જાણીતા છે?

[ક] મહાદેવ

4] ભગવાન શ્રીરામે શિવલિંગની પૂજા ક્યાં કરી હતી?

[બ] રામેશ્વર

5] શિવજી ગળામાં કઈ માળા ધારણ કરે છે?

[બ] મૂંડમાળા

6] શ્રાવણ મહિનામાં કોની પૂજાનો મહિમા છે?

[ક] મહેશ

7] સૂર્ય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે તો શિવજી શું પ્રદાન કરે છે?

[અ] ઐશ્વર્ય

8] ભગવાન શિવજી પર શ્રી શિવ મહિમ્નસ્ત્રોત્રથી કરાતા અભિષેકને શું કહેવાય છે?

[બ] રુદ્રાભિષેક

9] શિવજીની પૂજામાં કયું ફૂલ ચઢાવવામાં આવે છે?

[ક] ધતૂરો

10] શિવજી ખૂબ સરળતાથી પ્રસન્ન થતા હોવાથી તે કહેવાય છે?

[અ] આશુતોષ

11] પાર્વતીજીના માતાનું નામ શું હતું?

[ક] મેના

12] બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન ક્યા ક્રમનું જ્યોતિર્લિંગ છે?

[અ] બીજા

13] આગમ સાહિત્ય તથા તાંત્રિક ગ્રંથોમાં ઉલૂકવાહિની કોને કહ્યાં છે?

[બ] લક્ષ્મીજી

14] નેપાળની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે?

[બ] બાગમણિ

15] અમરનાથની માનીતી નદી કઈ ગણાય છે?

[અ] અમરગંગા

                                                        ૐ નમઃ શિવાય

પતેતી

                     આજે શ્રાવણ સુદ સાતમ [શીતળા સાતમ]

આજનો સુવિચાર:- સોગંદ ચેતન મન ખાય છે અને અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે. – ઓશો

હેલ્થ ટીપ્સ:-સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.

                                     પતેતી

આજે દૂધમાં સાકરની જેમ ભળેલા પારસીઓનું પર્વ પતેતી છે.

                   સહુ પારસીબંધુઓને પતેતી મુબારક.

       પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.

      જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ. આજે તેમનું 1377મુ વર્ષ ચાલે છે અને પારસીઓને ભારતમાં વસવાટ કરે 1350 સાલ થયાં. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા. અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

    પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે. હિંદુ ધર્મમાં જનોઈની વિધિ છે તેમ પારસીઓમા કુમાર- કુમારીઓ દરેકને માટે નવજોત વિધિ છે.

     પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

      દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મેહતા, મીઠુબેન પટીટ, વીર નરિમાન, માદામ ભિખાઈજી કામા, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ, ડૉ. હોમી ભાભા, ડૉ હોમી શેઠ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલી કાપડિયા વગેરે જેવા અનેક વીરલાઓ આ કોમમાંથી આવેલા છે અને વિશ્વમાં નામ રોશન કર્યું છે.

                                            ૐ નમઃ શિવાય

કવિ દયારામ

                        આજે શ્રાવણ સુદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- લંકાવિજયી શ્રીરામને સોનાની લંકામાં રુચી ન હતી કારણ જન્મદાતા માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.

હેલ્થ ટીપ્સ:- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

                                      કવિશ્રી દયારામ

આજે 18મી ઑગસ્ટના દિને ગુજરાતમાં અને ગુજરાતીઓના દિલમાં પ્રિય અને આદરણીય બનેલા કવિશ્રી દયારામનો જન્મદિન છે. ઈ.સ. 1777માં નર્મદા નદીને કિનારે આવેલા ચાંદોદ ગામે જન્મેલા દયારામે દસ વર્ષની આયુમાં પિતા અને બારમે વર્ષે માતાની છત્રછાયા ગુમાવી હતી. સ્વામિનારાયણના સાધુ પ્રેમાનંદ સ્વામીના પરિચયથી તેમજ સત્સંગથી કાવ્યરચનાને બળ મળ્યું. 13 વર્ષની કુમળી વયે 66 કડીનું કાવ્ય રચ્યું હતું. વૈષ્ણવ મંદિરોમા મધુરકંઠે ભક્તિ ગાન કરતા. ગુજરાતી ભાષા ઉપરાંત તેમણે વ્રજ, મરાઠી, પંજાબી અને કચ્છી ભાષામાં ભાવગીતોની રચના કરી હતી. 60 વર્ષની ઉમર દર્મિયાન તેમણે 300 થી વધુ ગદ્ય અને પદ્યની રચના કરી હતી. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘રસિક વલ્લ્ભ’ ગણવામા આવે છે. આ ઉપરાંત રૂકમણી વિવાહ, અજામિલ વ્યાખ્યાન, ભક્તિ પોષણ, પ્રેમરસગીતા, કૃષ્ણલીલા જેવી અનેક કૃતિઓની રચના કરી હતી.

ઓધવ નંદનો છોરો તે નમેરો થયો જો;
મુને એકલી મૂકીને મથુરા ગયો જો………ઓધવ !

એને મૂકી જાતાં દયા નવ ઊપની જો;
મુને ભ્રાંતિ પડી છે એના રૂપની જો ……..ઓધવ !

કોઈએ કામણ કર્યું કે ફટક્યો ફરે જો;
કેમ દિલ એનું મુજ પર ના ઠરે જો………ઓધવ !

ઓધવ ! સંદેશો કહીને વ્હેલા આવજો જો;
સાથે દયાના પ્રીતમને તેડી લાવજો જો……….ઓધવ !

                                                  ૐ નમઃ શિવાય

શ્રાવણી કોયડો

                          આજે શ્રાવણ સુદ ચોથ

આજનો સુવિચાર:- મિત્રતા એ એક નાજુક જવાબદારી છે. – રત્નસુંદરવિજયજી

હેલ્થ ટીપ્સ:- આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથાનો દુઃખાવો મટે છે.

1] શિવજી પાર્વતી તરફ આકર્ષાય તે માટે દેવોએ કોને નિયુક્ત કર્યા?

[અ] રતિ [બ] રંભા [ક] કામદેવ

2] શિવજી શરીરે કોનુ ચર્મ ધારણ કરતા હતા?

[અ] વાઘ [બ] સિંહ [ક] હરણ

3] શિવજી ક્યા દેવ તરીકે જાણીતા છે?

[અ] ત્રિદેવ [બ] સહદેવ [ક] મહાદેવ

4] ભગવાન શ્રીરામે શિવલિંગની પૂજા ક્યાં કરી હતી?

[અ] વિશ્વેશ્વર [બ] રામેશ્વર [ક] ત્ર્યંબકેશ્વર

5] શિવજી ગળામાં કઈ માળા ધારણ કરે છે?

[અ] તુલસીમાળા [બ] મૂંડમાળા [ક] મોતીમાળા

6] શ્રાવણ મહિનામાં કોની પૂજાનો મહિમા છે?

[અ] બ્રહ્મા [બ] વિષ્ણુ [ક] મહેશ

7] સૂર્ય સ્વાસ્થ્ય પ્રદાન કરે છે તો શિવજી શું પ્રદાન કરે છે?

[અ] ઐશ્વર્ય [બ] ચાતુર્ય [ક] સંપત્તિ

8] ભગવાન શિવજી પર શ્રી શિવ મહિમ્નસ્ત્રોત્રથી કરાતા અભિષેકને શું કહેવાય છે?

[અ] જળાભિષેક [બ] રુદ્રાભિષેક [ક] રુદ્રી

9] શિવજીની પૂજામાં કયું ફૂલ ચઢાવવામાં આવે છે?

[અ] ગુલાબ [બ] મોગરો [ક] ધતૂરો

10] શિવજી ખૂબ સરળતાથી પ્રસન્ન થતા હોવાથી તે કહેવાય છે?

[અ] આશુતોષ [બ] આલોકનાથ [ક] કેદારનાથ

11] પાર્વતીજીના માતાનું નામ શું હતું?

[અ] મંદાકિની [બ] મેઘના [ક] મેના

12] બાર જ્યોતિર્લિંગમાં મલ્લિકાર્જુન ક્યા ક્રમનું જ્યોતિર્લિંગ છે?

[અ] બીજા [બ] ત્રીજા [ક] ચોથા

13] આગમ સાહિત્ય તથા તાંત્રિક ગ્રંથોમાં ઉલૂકવાહિની કોને કહ્યાં છે?

[અ] ગંગાજી [બ] લક્ષ્મીજી [ક] પાર્વતીજી

14] નેપાળની ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે?

[અ] ચંદ્રમણિ [બ] બાગમણિ [ક] હીરામણી

15] અમરનાથની માનીતી નદી કઈ ગણાય છે?

[અ] અમરગંગા [બ] બાણગંગા [ક] દમણગંગા

સાચા જવાબ આવતા અઠવાડિયે રજુ કરવામાં આવશે.

                                 ૐ નમઃ શિવાય

સ્વાતંત્ર્ય દિન

આજે શ્રાવણ સુદ ત્રીજ [સ્વાતંત્ર્ય દિન]

આજનો સુવિચાર:- સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે આત્મનિરીક્ષણ જરૂરી છે.
હેલ્થ ટીપ્સ:- તડબૂચની અંદરના ગર્ભનો ગર કરી તેમાં ગુલાબજળ ભેળવી સાકર સાથે પીવાથી પેટની ગરમી દૂર થાય છે.

આજે 15મી ઑગસ્ટ, સ્વાતંત્ર્ય દિન છે સહુને આજના દિનની મુબારક.

                                    મેડમ ભિખાઈજી કામા

     ભારતમાં ત્રિરંગો ઝંડો લહેરાવાનો પ્રથમ અવસર આપણા પ્રથમ વડા પ્રધાન શ્રી. જવાહરલાલ નહેરુજીને હસ્તે થયો હતો. પરંતુ વિદેશની ધરતી પર ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનું બહુમાન મેડમ ભિખાઈજી કામાને મળ્યું હતું.

     મેડમ ભિખાઈજી કામાનો જન્મ ઈ.સ. 1861માં થયો હતો. આઝાદીનાં જંગમાં આ બાનુએ અનોખી વીરતા દાખવી હતી. ઈ.સ. 1902માં સારવાર માટે લંડન ગયા હતા જ્યાં તેમની મુલાકાત દાદાભાઇ નવરોજી સાથે થઈ હતી. ત્યારબાદ એમની આઝાદી જંગમાં સક્રિયતા વધી હતી. ઈ.સ. 1907માં વિદેશ ભૂમિ ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું. દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો મેડમ ભિખાજીમાં. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. ઈ.સ. 1935માં 74 વર્ષે તેઓ ભારત પાછા ફર્યા. ઈ.સ. 1936માં 13મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયુ હતું.
સારે જહાઁસે અચ્છા હિદુસ્તાઁ હમારા
હમ બુલબુલે હૈ ઈસકી યે ગુલસિતાઁ હમારા

                                             ૐ નમઃ શિવાય