કવિ દયારામ

                        આજે શ્રાવણ સુદ પાંચમ [નાગ પંચમી]

આજનો સુવિચાર:- લંકાવિજયી શ્રીરામને સોનાની લંકામાં રુચી ન હતી કારણ જન્મદાતા માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.

હેલ્થ ટીપ્સ:- દ્રાક્ષ અને ધાણાને ઠંડા પાણીમાં પલાળી પીવાથી આધાશીશી મટે છે.

                                      કવિશ્રી દયારામ

આજે 18મી ઑગસ્ટના દિને ગુજરાતમાં અને ગુજરાતીઓના દિલમાં પ્રિય અને આદરણીય બનેલા કવિશ્રી દયારામનો જન્મદિન છે. ઈ.સ. 1777માં નર્મદા નદીને કિનારે આવેલા ચાંદોદ ગામે જન્મેલા દયારામે દસ વર્ષની આયુમાં પિતા અને બારમે વર્ષે માતાની છત્રછાયા ગુમાવી હતી. સ્વામિનારાયણના સાધુ પ્રેમાનંદ સ્વામીના પરિચયથી તેમજ સત્સંગથી કાવ્યરચનાને બળ મળ્યું. 13 વર્ષની કુમળી વયે 66 કડીનું કાવ્ય રચ્યું હતું. વૈષ્ણવ મંદિરોમા મધુરકંઠે ભક્તિ ગાન કરતા. ગુજરાતી ભાષા ઉપરાંત તેમણે વ્રજ, મરાઠી, પંજાબી અને કચ્છી ભાષામાં ભાવગીતોની રચના કરી હતી. 60 વર્ષની ઉમર દર્મિયાન તેમણે 300 થી વધુ ગદ્ય અને પદ્યની રચના કરી હતી. તેમની શ્રેષ્ઠ કૃતિ ‘રસિક વલ્લ્ભ’ ગણવામા આવે છે. આ ઉપરાંત રૂકમણી વિવાહ, અજામિલ વ્યાખ્યાન, ભક્તિ પોષણ, પ્રેમરસગીતા, કૃષ્ણલીલા જેવી અનેક કૃતિઓની રચના કરી હતી.

ઓધવ નંદનો છોરો તે નમેરો થયો જો;
મુને એકલી મૂકીને મથુરા ગયો જો………ઓધવ !

એને મૂકી જાતાં દયા નવ ઊપની જો;
મુને ભ્રાંતિ પડી છે એના રૂપની જો ……..ઓધવ !

કોઈએ કામણ કર્યું કે ફટક્યો ફરે જો;
કેમ દિલ એનું મુજ પર ના ઠરે જો………ઓધવ !

ઓધવ ! સંદેશો કહીને વ્હેલા આવજો જો;
સાથે દયાના પ્રીતમને તેડી લાવજો જો……….ઓધવ !

                                                  ૐ નમઃ શિવાય