પતેતી

                     આજે શ્રાવણ સુદ સાતમ [શીતળા સાતમ]

આજનો સુવિચાર:- સોગંદ ચેતન મન ખાય છે અને અંદર બેઠું છે તેના પર અચેતન મનનું આવરણ છે. – ઓશો

હેલ્થ ટીપ્સ:-સૂંઠને પાણીમાં ઘસી તેની પેસ્ટ કપાળે લગાડવાથી આધાશીશી મટે છે.

                                     પતેતી

આજે દૂધમાં સાકરની જેમ ભળેલા પારસીઓનું પર્વ પતેતી છે.

                   સહુ પારસીબંધુઓને પતેતી મુબારક.

       પતેતી એટલે પશ્ચાતાપ કરવો. અવેસ્તામાં પતેતનું ભણતર હોય છે. આ દિવસે વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરી શુદ્ધ થવાનું હોય છે. પારસી કોમમાં પતેતીનો તહેવાર દિવાળીની જેમ વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. એના પછીનો દિવસ નવું વર્ષ એટલે કે નવરોઝ કહેવાય છે. પારસીઓ એમના નૂતન વર્ષને નવરોઝ મુબારક કહે છે.

      જરથોસ્તી ધર્મના છેલ્લા રાજા યઝદઝદ, જે આરબોના આક્રમણને ખાળી ન શક્યો, તેની યાદમાં યદઝર્દી સંવત શરુ થઈ. આજે તેમનું 1377મુ વર્ષ ચાલે છે અને પારસીઓને ભારતમાં વસવાટ કરે 1350 સાલ થયાં. ઈરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા તેઓ લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં ત્યાં પૉર્તુગીઝોના હુમલાથી કંટાળી તેઓ દરિયાઈ માર્ગે સંજાણ બંદરે ઉતર્યા. અહીં જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયાં.

    પારસીઓ ઈરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની ઉદવાડામાં સ્થાપના કરી જે આતશ બહેરામને નામે ઓળખાય છે. હિંદુ ધર્મમાં જનોઈની વિધિ છે તેમ પારસીઓમા કુમાર- કુમારીઓ દરેકને માટે નવજોત વિધિ છે.

     પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ જેની સ્થાપના ઈ.સ. 590ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. ઈશ્વરપ્રાપ્તિ એમનાં જીવનનું એક લક્ષ હતું. નિર્જન પહાડો પર કલાકો ચિંતન કરતા. જ્યારે નિરાશા તેમને ઘેરી વળી ત્યારે અચાનક સંધ્યા ટાણે સૂર્યે એમને જ્ઞાનનો પ્રકાશ આપ્યો. ઈશ્વર-અહુરમઝદે દર્શન આપ્યાં અને પવિત્રતાની માંગણીથી તેઓ અષો એટલે પવિત્ર જરથુષ્ટ્ર બન્યા. જ્ઞાનપ્રાપ્તિ પછી તેમણે 47 વર્ષ સુધી ધર્મસ્થાપક તરીકે ઈરાનમાં જરથોસ્તી ધર્મની જ્યોત જલાવી રાખી. 77 વર્ષની વયે બંદગી કરતાં તુરાની સૈનિકે પીઠ પાછળ ઘા કર્યો અને તેમનું મૃત્યુ થયું. તેમનો ધર્મગ્રંથ અવેસ્તાને નામે ઓળખાય છે. આ ધર્મ એકેશ્વરવાદમાં માને છે.

      દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મેહતા, મીઠુબેન પટીટ, વીર નરિમાન, માદામ ભિખાઈજી કામા, જમશેદજી તાતા, જમશેદજી જીજીભાઈ, લવજી નસરવાનજી વાડિયા, રતન તાતા, ગોદરેજ, ડૉ. હોમી ભાભા, ડૉ હોમી શેઠ, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, સોલી કાપડિયા વગેરે જેવા અનેક વીરલાઓ આ કોમમાંથી આવેલા છે અને વિશ્વમાં નામ રોશન કર્યું છે.

                                            ૐ નમઃ શિવાય