આજે શ્રાવણ વદ બીજ
આજનો સુવિચાર:- અતિશય ક્રોધ, કડવી ઝેર જેવી વાણી, સ્વજનોથી વેર, નીચ અધમ વ્યક્તિનો સંગ અને કપટી-દગાબાજ માણસોની સેવા – આ તમામ પ્રકારનાં અપલક્ષણો જે અસમજુ હોય છે તેનામાં મોજુદ હોય છે.
હેલ્થ ટીપ્સ:- સૂકામેવાના પ્રમાણસરના ઉપયોગથી શરીરના રક્તની અમ્લતા અને ક્ષારતાની સમતુલા જળવાય છે, આથી સ્વસ્થતા જળવાય છે.
30-8-1900ના દિને ગુજરાતના દરિયાઈ નવલકથાઓના મશહૂર સર્જક શ્રી ગુણવંતરાય આચાર્યનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસરમાં થયો હતો. તેમણે સામાજિક ઐતિહાસિક નવલકથાઓ, વાર્તાઓ, દરિયાઈ કથાઓ, જીવનચરિત્રો મળીને સવાસો જેટલા પુસ્તકો લખ્યા હતા. તેમની ‘દરિયાલાલ’ નામની નવલકથાએ તેમને કીર્તિના ટોચે મૂક્યા હતા.
[rockyou id=82327160&w=324&h=242]
રુદ્રાક્ષ
અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ પવિત્ર મહિને રુદ્રાક્ષ, જે પૌરાણિક કથા અનુસાર શિવની આંખમાંથી સરેલાં અશ્રુ ગણાય છે, તેને ધારણ કરવામાં આવે તો આરોગ્ય, યશની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષીઓના માનવા પ્રમાણે રુદ્રાક્ષ ધારણ કરવાથી દુઃખ દૂર થાય છે તેમાં પણ પંચમુખી રુદ્રાક્ષ શુભ ગણાય છે. આયુર્વેદ મુજબ રુદ્રાક્ષ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ દૂર કરે છે. લિંગ પુરાણ મુજબ કોઈપણ પૂજા-પાઠ દરમિયાન રુદ્રાક્ષનું ધારણ તેનું વિશેષ ફળ આપે છે. રુદ્ર પણ રુદ્રાક્ષને ધારણ કરીને રુદ્રત્વ પામે છે. અસલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે. કાચા દૂધમાં મૂકવામાં આવે તો દૂધ ફાટતું નથી.
હિમાલયના શિતપ્રદેશોમાં રુદ્રાક્ષનાં તાડ જેવાં લાંબા વૃક્ષો ઉગે છે. એમાં સંતરા જેવડાં ફળ આવે છે. આ ફળમાંનું બીજ એટલે રુદ્રાક્ષ. માન્યતા મુજબ વાતાવરણની શ્રેષ્ઠ શક્તિઓને શોષી લે છે. ગ્રહણ, અમાસ, પૂનમ, સંકાંતિ જેવા દિવસો અથવા સોમવાર અને બુધવાર અતિશુભ માનવામાં આવે છે. રુદ્રાક્ષને શિવલિંગને સ્પર્શ કરી ઊનનાં દોરામાં અથવા ચાંદી અથવા સોનાના તારમાં ધારણ કરી શકાય છે. પંચમુખી રુદ્રાક્ષ શિવનું સંપૂર્ણ પ્રતિક ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ પંચમુખી રુદ્રાક્ષ ગુરુ ગ્રહની અશુભ અસર દૂર કરનારો ગણાયો છે. પૃથ્વી , અગ્નિ,વાયુ, જળ અને આકાશ એવા પાંચ તત્વોને સમતોલ કરવામાં આ પંચમુખી રુદ્રાક્ષ મુખ્ય ભાગ ભજવે છે. આ પંચમુખી રુદ્રાક્ષ બ્લડપ્રેશર નિયંત્રક છે. પાણી ભરેલા ગ્લાસમાં ત્રણ પંચમુખી રુદ્રાક્ષ મૂકી રાતભર રાખી આ પાણી નયણાકોઠે પીવાથી કદી બિમારી આવતી નથી.
એકમુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવજીનું સ્વરૂપ છે. આ રુદ્રક્ષ અતિ દુર્લભ છે. હિમાલય ઉપરાંત નેપાળ, ઈંડોનેશિયા અને મલેશિયામાં થતાં આ વૃક્ષો પર દર બાર વરસે એકમુખી રુદ્રાક્ષ પાકે છે. કૃષિ કવિઓએ આ વૃક્ષની ‘નીલું સંગમરમરી વૃક્ષ’ ઉપમા આપી છે. બે મુખી અને છ મુખી રુદ્રાક્ષ ઈચ્છાશક્તિ, સ્મૃતિ, બુદ્ધિ, મેધા અને જ્ઞાન વધારે છે. 32 પારાવાળી ‘ગૌરીશંકર’ કંઠી પહેરનારને સાક્ષાત શિવ સ્વરૂપ માનવામાં આવે છે.
આ ઉપરાંત સૂર્યશક્તિ, મોહિનીબંધ, સુરક્ષા કવચ, નવગ્રહ શાંતિ, ધ્યાન, યોગ વગેરે માટે પ્રયોગકર્તાઓએ જુદા જુદા કોમ્બિનશન બતાવ્યા છે.
શ્રીમદ દેવીભાગવતમાં કહ્યું છે
‘ના અતઃપરંસ્તોત્રં ના અતઃપરતરં વ્રતં
અક્ષયયેષુ ચ દાનેષુ રુદ્રાક્ષસ્તુ વિશિષ્યતે
અર્થાત રુદ્રાક્ષથી વધીને કોઈ સ્તોત્ર નથી. નથી કોઈ વ્રત. અક્ષયદાન કરતાં પણ રુદ્રાક્ષ વધુ વિશિષ્ટ છે.
ૐ નમઃ શિવાય